ઇતિ મે મતિ/હર્બર્ટ માર્ક્યુઝ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હર્બર્ટ માર્ક્યુઝ

સુરેશ જોષી

ગઈ 29મી જુલાઈએ હર્બર્ટ માર્ક્યુઝનું અવસાન થયું. એઓ મૂળ જર્મનીના વતની, પછીથી વસવાટ અમેરિકામાં કરેલો. આમ તો ડાબેરી વિચારસરણી એમણે અપનાવેલી પણ સમકાલીન સન્દર્ભ પરત્વે એનું પુન:સંસ્કરણ કરવાનો પણ પ્રયત્ન કરેલો. અમેરિકી સમાજવિદ્યા અને રાજકારણના એક ચિન્તક તરીકે જ આમ તો એમની ગણના થઈ હોત, પણ એમણે મૂડીવાદી સમાજના સ્વરૂપ વિશે ભારે ઉગ્ર ઊહાપોહ જગાવ્યો. રાજકારણીઓ અને સામૂહિક માધ્યમનો ઉપયોગ કરનારાઓ માટે એમણે સમસ્યાઓ ઊભી કરી. એઓ બંધ ઓરડામાં બેસીને વિચારનારા ચિન્તક નહોતા, આજનો બૌદ્ધિક સામાજિક ક્રાન્તિ લાવવામાં શી રીતે સક્રિય બની શકે તેનો નમૂનો એમણે પોતાના વર્તનથી પૂરો પાડ્યો. અભિનવ ડાબેરીના આન્દોલનના એઓ અગ્રણી બની રહ્યા.

જે યુવાનોની પેઢીને એઓ પોતાની વિચારસરણીથી દોરતા હતા તેની સાથેનો પણ એમનો સમ્બન્ધ સંઘર્ષ વગરનો તો નહોતો જ. આ બધું ડાબેરી આન્દોલન બર્કલી અને મેડિસન જેવી વિદ્યાપીઠોનાં કેન્દ્રોમાં શરૂ થયું. અમેરિકાની સામ્યવાદી પક્ષની પ્રવૃત્તિઓ પરત્વે એઓ નિર્ભ્રાન્ત બની ગયા હતા. અમેરિકામાં સમાજવાદી લોકશાહીની પદ્ધતિની સફળતા વિશે એમને ઝાઝી આશા નહોતી. હબસીઓને અલગ રાખવાની નીતિ સામેની દક્ષિણનાં રાજ્યનાં હબસીઓએ ઉપાડેલી શાન્તિમય સત્યાગ્રહની ચળવળમાં એમને વિશ્વાસ હતો. પ્રત્યક્ષ કાર્ય દ્વારા લોકમાનસને સ્પર્શવાની નીતિ એમને ગમતી હતી. હબસીઓ માટે તો આ સિવાય બીજો વિકલ્પ જ નહોતો, પણ ઉત્તરનાં રાજ્યોમાં ઘણા નવા ડાબેરીઓ રાજકીય સંસ્થાઓની વ્યવસ્થાને લગતી પાયાની વસ્તુઓ પર ધ્યાન ન આપતાં કેવળ સામૂહિક માધ્યમોના ઉપયોગથી જ ક્રાન્તિ સિદ્ધ થઈ જશે એવી ભ્રમણામાં પડ્યા. આપણે ત્યાં નવનિર્માણનાં આન્દોલનમાં આવું જ કંઈક બન્યું. વિરોધના વિધિઓમાં, એને અંગેના નવા નવા નુસખાઓમાં જેટલો રસ હતો તેટલો આન્દોલનના પાયાને સંગીન બનાવવામાં રસ દેખાયો નહીં. પણ આંદોલનના વિરોધીઓ પણ સામૂહિક માધ્યમના શસ્ત્રને ઉપયોગમાં લઈ શકે. કેવળ બ્યૂગલો ફૂંકવાથી જ સામેવાળાના ગઢ તૂટી પડશે એવી ભોળી ગણતરી એની પાછળ હતી!

માર્ક્યુઝ પોતાને માર્ક્સવાદી તરીકે જ ઓળખાવતા હતા, પણ ઓગણીસમી સદીમાંના વર્ગસંઘર્ષને હવે સ્થાન રહ્યું નથી. કારણ કે એમને એમ લાગતું હતું કે કામદાર વર્ગ હવે મૂડીવાદીઓના વર્ચસ્ નીચે સત્તાના માળખામાં ભળી ગયો હતો. આથી મૂડીવાદી પદ્ધતિનો જ્યાં વિકાસ ઝાઝો થયો હોય ત્યાં ક્રાન્તિસાધક બળને માટેની શોધ નિરર્થક બની રહે છે. છતાં મૂડીવાદી પદ્ધતિમાં સુધારા કરી શકાય, કારણ કે ટેકનોલોજીનો એકધારો થતો રહેતો વિકાસ શોષણ અને દમનને પણ વધારે તો છે જ અને એને કોઈ રીતે ન્યાય્ય ઠરાવી શકાય નહિ. આથી જે પરિસ્થિતિ પ્રર્વતે છે તેમાં બુદ્ધિના સ્તર પર ન્યૂનતાનો અનુભવ થાય છે. સમાજને વધુ બુદ્ધિસંગત રીતે સુગઠિત કરવો જોઈએ એવું લાગે છે.

સમાજની બુદ્ધિસંગત વ્યવસ્થાના આ આદર્શને શી રીતે સિદ્ધ કરી શકાય? શ્રમજીવી વર્ગ સત્તા હાંસલ કરી લેશે એ વાતમાં માર્ક્યુઝને શ્રદ્ધા રહી નહોતી. ‘કાઉન્ટર રેવોલ્યુશન એન્ડ રિવોલ્ટ’ નામની એમની ઉત્તરકાલની કૃતિમાં આ અંગે થોડી ફેરવિચારણા એમણે કરી છે. ટેકનિશિયનો અને જુદી જુદી સેવાઓ આપતા વર્ગને પણ શ્રમજીવીઓમાં સમાવી લઈએ તો એઓ મૂડીવાદી સમાજના પુન:સંસ્કરણમાં કંઈક ફાળો આપી શકે એવું એમને લાગે છે. બૌદ્ધિકોના અને આવા શ્રમજીવીઓના વર્ગે એક જ ધ્યેયને સિદ્ધ કરવા પણ નોખા રહીને કામ કરવું જોઈએ. ભવિષ્યમાં કદાચ એઓ એક ભાષા બોલતા થઈ જશે એવી એમને આશા હતી. સહિષ્ણુ બૌદ્ધિકો પ્રાથમિક ભૂમિકાનું કાર્ય કરે અને એ રીતે સામાજિક ક્રાન્તિની ભૂમિકા તૈયાર કરી આપે એવા એમના પહેલાંના ખ્યાલ કરતાં આ વિચારણા વધુ ગળે ઊતરે એવી લાગે છે. પુરાણા માર્ક્સવાદીઓ આદર્શનિષ્ઠ સમાજવાદમાં શ્રદ્ધા રાખતા નહોતા. માર્ક્યુઝને એવી શ્રદ્ધા ખોઈ બેસવાનું કશું કારણ લાગતું નથી. સુવિકસિત મૂડીવાદ અને સમાજવાદી વ્યવસ્થામાં ટેકનિકલ અને ટેકનોલોજીકલ જે પ્રગતિ થઈ છે તે પ્રગતિ આથી સમય વીતતાં જરૂર ઊભી કરી શકાય એમ એમનું માનવું છે. આવી કલ્પના જૂલે વર્ન, હક્સલી અને એચ.જી.વેલ્સે નહોતી કરી? પણ આખરે આજે પરિસ્થિતિ કેવી ઊભી થઈ છે? માર્ક્યુઝે વિજ્ઞાનના આજે થતા વિનિયોગનું પૃથક્કરણ કર્યું નથી. એની જે અસરો વિશે એઓ આગાહી કરે છે તેને માટેનાં શ્રદ્ધેય પ્રમાણો એમણે રજૂ કર્યાં નથી. આ ચર્ચામાં એમણે પ્રયોજેલી પરિભાષા નીતિના ક્ષેત્રની છે. એમાં ‘પ્રભુત્વ’, ‘દમન’, ‘બર્બર’, ‘માનવીય’, ‘મુક્ત’ જેવી સંજ્ઞાઓ વપરાઈ છે. આ વિચારણા જોડે બી.એફ. સ્કીનય કે નોર્મન ઓ. બ્રાઉનની વિચારણાને વિરોધાવીને જોવી જોઈએ.

માર્ક્યુઝ જે આદર્શ રાજ્યની કલ્પના કરે છે તેમાં કર્તવ્ય અને સુખ વચ્ચે પૂરું સામંજસ્ય સિદ્ધ થયું હશે. ફ્રોઈડની એવી માન્યતા હતી કે સંસ્કૃતિ હંમેશાં માનવીના ચિત્તમાં ઊંડે ઊંડે રહેલી વૃત્તિઓની વિરોધી જ બની રહેશે. એ સંઘર્ષ ચાલ્યા જ કરશે. માર્ક્યુઝ એવું કશું અનિવાર્યતયા બને જ એવું માનતા નથી. આપણી સુખની ખોજ કરનારી આદિમ વૃત્તિનો સંસ્કૃતિની અપેક્ષાઓ સાથે મેળ પાડી શકાય એમ એમને લાગે છે. દમનહીન મુક્ત માનવોના સમાજમાં એ શક્ય બનશે. આ રીતે આવેગ અને દમન વચ્ચે સદા ઊભી થતી સંઘર્ષની પરિસ્થિતિ વિશેના ફ્રોઈડના ખ્યાલને એઓ ચાતરીને ચાલે છે. આ રીતે માર્ક્સવાદના વર્ગવિગ્રહના ખ્યાલને પણ એઓ સ્વીકારતા નથી. આવા ‘ઘૃણાસ્પદ વિરોધો’ને સ્થાને એઓ ઇતિહાસના ક્રમમાં ઉત્ક્રાન્ત થતી આવતી બુદ્ધિની પ્રક્રિયાને સ્થાપે છે.

આપણા આજના સન્દર્ભમાં આજે પ્રવર્તતી રાજકારણની અને સમાજની દોલાયમાન પરિસ્થિતિમાં ફરીથી હવામાં નવનિર્માણના આન્દોલનના ભણકારા વાગે છે. પણ આપણી પાસે હર્બર્ટ માર્ક્યુઝ જેવી વૈચારિક નેતાગીરી છે? બૌદ્ધિકોએ આગળ આવીને પોતાની દિશાસૂઝનો લાભ યુવાન પેઢીને આપવો જોઈએ. માર્ક્યુઝનું ચિન્તન કાર્યમાં પરિણમે એ માટેનું હતું. વિદ્વાન સમાજચિન્તકો અને દાર્શનિકોમાંથી આપણે ત્યાં કોણ આવા સ્થાનને યોગ્ય ગણાશે?

24-8-79