ઇતિ મે મતિ/‘આપણે બુદ્ધિશાળીઓ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘આપણે બુદ્ધિશાળીઓ’

સુરેશ જોષી

‘આપણે બુદ્ધિશાળીઓ’ એમ કહીને કોઈ વાતની શરૂઆત કરે છે ત્યારે મને હસવું જ આવે છે. હું જાણું છું કે બુદ્ધિનો આધાર સમ્પૂર્ણતયા સ્વીકારવાનું આપણું ગજું હોતું નથી. પરમ્પરાનો, રૂઢ રીતિનીતિનો આશ્રય લીધા વિના આપણે ઝાઝાં ડગલાં ભરી શકતાં નથી. બુદ્ધિને પ્રાપ્તિમાં રસ નથી, શોધમાં રસ છે. આપણે તો અમુકતમુક પામવા માટે બુદ્ધિનો છળ તરીકે ઉપયોગ કરવા તરત તૈયાર થઈ જઈએ છીએ. સાહસ કરતાં સલામતી આપણને પરવડે છે, તેમ છતાં, સલામતી શોધતાં હોઈએ ત્યારે બુદ્ધિની મદદથી આપણે સાહસ કરતા હોઈએ એવો દેખાડો કરીએ છીએ. એથી જ તો મને લાગે છે કે કેવળ બુદ્ધિથી આપણું શ્રેય નહીં થાય, સાથે પાયાની પ્રામાણિકતા જોઈએ. આવું નથી હોતું ત્યાં બુદ્ધિ જ ધૂર્તતાનો પર્યાય બની રહે છે. પ્રજાજીવન મોટે ભાગે આજકાલ વિક્ષુબ્ધ રહેતું હોય છે. કોઈ ને કોઈ પ્રકારનાં આન્દોલનો, સંઘર્ષો ચાલ્યા જ કરતાં હોય છે. વાતાવરણમાં ઉત્તેજના અનુભવાય છે. આપણે ન ઇચ્છીએ તોય પક્ષકાર બનવું જ પડે છે. તટસ્થ હોવાનો દાવો ભલે કરીએ પણ આજકાલ સમાજમાં તટસ્થનું માન નથી. તટસ્થ ભીરુ અને નિષ્ક્રિય લેખાય છે. તમે કોઈ ને કોઈ રીતે સક્રિય છો એવું લાગવું જ જોઈએ.

આવી પરિસ્થિતિમાં બધું ઊમિર્જન્ય આવેશો અને અભિનિવેશોથી ડહોળાઈ જાય છે. પણ આ તબક્કે જ સ્વસ્થ પારદર્શી ચિન્તનની સૌથી વધુ અપેક્ષા રહે છે. અત્યારે ચોતરફ જેની પ્રશંસા ગાજતી હોય તે કદાચ સાવ નિરર્થક પણ હોય. કેવળ પ્રવાહપતિત બનીને ટોળાના મતને સ્વીકારી લેવાનું સહેલું છે, પણ જો એ મત સાચો ન હોય તો એને એ જ તબક્કે પડકારીને એનો પ્રતિકાર કરવાનું દુષ્કર હોય તોય બૌદ્ધિક પ્રામાણિકતા જાળવી રાખીને આપણે એમ વર્તવું જ જોઈએ. જે સમાજમાં આવો નિર્ભીક વર્ગ વધારે હશે તેનો જ જયવારો થશે.

તમે અમુક સંસ્થામાં છો એ પરિસ્થિતિ જ તમારે માટે કેટલી બધી બંધનકર્તા નીવડે છે! રાજકારણમાં તો તમારો કોઈ અંગત મત હોઈ જ ન શકે. ત્યાં પક્ષને વફાદારી એ જ સૌથી મોટું મૂલ્ય. પક્ષે સત્ય તરીકે નહિ સ્વીકાર્યું હોય તેનું જો તમે ઉચ્ચારણ કરો, તેની જો તમે હિમાયત કરો તો એ પક્ષને જોખમમાં મૂકી દે. સંસ્થા તમને એક અનુકૂળ એવા સમૂહની ઉષ્મા સંપડાવી આપે છે, સલામતી સંપડાવી આપે છે પણ એને ખાતર તમારે કેટલીક વાર સત્યનો જ ભોગ આપવો પડે.

મોટા ભાગના યાચકવૃત્તિ ધરાવનારા અને તેથી જ દીન હોય છે. ચિન્તન માટે એમને કશો ઉત્સાહ હોતો નથી. એ તો એમને મન વૃથા સમયવ્યય જ છે. આપણી મોટા ભાગની પ્રજા વિચારવાની જવાબદારી કોઈ વિભૂતિને, સન્તને, રાજકારણના નેતાને સોંપી દઈને નિશ્ચિન્ત બનીને જીવતી હોય છે. આ પરિસ્થિતિનો સૌથી મોટો લાભ શાસકો ઉઠાવે છે.

ધર્મનો આપણે આપણા બૌદ્ધિક પ્રમાદને પોષવા માટે દુરુપયોગ કરીએ છીએ. અનુભવ સાથેની પ્રત્યક્ષતાથી આપણે જે કાંઈ સમજી શકીએ એથી જે મૂલ્યબોધની પ્રક્રિયા સમાન્તર ચાલ્યા કરે તેમાં આપણી આ વૃત્તિ અવરોધક નીવડે છે. આ પરોક્ષતા અનિવાર્યતયા આપણને પરાવલમ્બી બનાવે છે અને પરાવલમ્બીને શ્રદ્ધાનો જ આધાર લેવાનો રહે, આથી ચિન્તનને નામે એ આ ઉછીની લીધેલી શ્રદ્ધાને ઘૂંટ્યા કરતો હોય છે. આમાંથી સામ્પ્રદાયિકતા ઊભી થાય છે. આપણે એક પ્રજા તરીકે, ગાંધી કે વિનોબા જેવી વિભૂતિને સામ્પ્રદાયિકતાના ચોકઠામાં ઉતારી આપવાની અપૂર્વ ક્ષમતા ધરાવીએ છીએ.

આથી જ તો સાચા અર્થમાં બૌદ્ધિક ઊહાપોહ ક્યાંય ચાલતો દેખાતો નથી. આપણે કશી શંકાનો સામનો કર્યા વિના જ, કેવળ બોલકી આધ્યાત્મિકતાને જોરે નિ:સંદેહ થઈ જતા હોઈએ છીએ. શંકરાચાર્યની અદાથી આપણે તર્કની અપ્રતિષ્ઠા કરીને રાચીએ છીએ. આમ જીવન સાથે લગભગ અસમ્પૃક્ત રહીને આપણે જીવ્યાનું મિથ્યા આશ્વાસન લેતા હોઈએ છીએ. બુદ્ધિનો સ્વભાવ સત્યાન્વેષણનો છે. સત્ય મારી કે તમારી લાગણી પર નિર્ભર રહેતું નથી. આથી આપણને એ શી રીતે પરવડે? આથી કર્મની મદદથી આપણે આપણને રુચે એવી ભ્રાન્તિઓ ઊભી કર્યે જઈએ છીએ. પણ વાતો તો પરમ તત્ત્વની અને બ્રહ્મની જ કરીએ છીએ.

જીવવાની આ રીત સ્વીકારી લઈએ છીએ તેથી ધીમે ધીમે બૌદ્ધિક નિષ્ક્રિયતા એટલે જ સ્થિતપ્રજ્ઞતા એવું સમીકરણ આપણને રુચતું જાય છે. બુદ્ધિ તો પ્રપંચ રચે છે એમ આપણે કહીએ છીએ. સમસ્યાઓ પણ આપણને પણ કેળવે છે. પણ સમસ્યાઓ પરત્વે આપણું વલણ કેવું હોય છે? સમસ્યાને આપણે જાતે ઓળખી લેતા નથી. એ વિશે સમાજમાં વર્ચસ ધરાવનારો વર્ગ કઈ રીતે વિચારે છે, કેવું વલણ લે છે તેની આપણે રાહ જોઈએ છીએ. પછી એ પરત્વે આપણી સમ્મતિ પ્રકટ કરીને સામાજિક તરીકેની આપણી ફરજ પૂરી કરીએ છીએ.

રાજકારણવાળાઓ કૃતક સમસ્યાઓ ઊભી કરીને પ્રજાને એમાં સંડોવવાનું નાટક કરે છે. રાજકીય પક્ષોનો સમ્બન્ધ તો વિરોધનો જ હોઈ શકે. સહકારનો હોઈ જ ન શકે એવું લોકશાહીએ આપણને શીખવ્યું છે. આથી પ્રજાની ઘણી શક્તિ આવા મિથ્યા વિરોધો ને વિધિઓ યોજવા પાછળ, એને નભાવવા પાછળ ખરચાઈ જાય છે. આપણે ધીમે ધીમે જગતના વિશાળ માનવસમાજથી અળગા પડતા જઈએ છીએ. જાગતિક સમસ્યાઓ વિશે શ્રેષ્ઠ ચિન્તકોએ વિચાર્યું છે તેને ‘પરદેશી માલ’ ગણીને આપણે બહિષ્કૃત કરીએ છીએ. આમ, અનેક વિદ્યાપીઠો હોવા છતાં આપણું વિચારદારિદ્ર્ય વધતું જાય છે. તો સમૂળી ક્રાન્તિનું સ્વપ્ન સિદ્ધ થશે શી રીતે?

13-7-78