ઇદમ્ સર્વમ્/અનેકલોકવાસી કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનેકલોકવાસી કવિ

સુરેશ જોષી

ઉપરકોટના કિલ્લામાં ફરતાં ફરતાં જોયું તો એક જગ્યાએથી પથ્થર ખસી ગયો હતો. એ બાકોરામાંથી નીચે જોયું તો નર્યું પોલાણ હતું, સૂર્યથી અસ્પૃષ્ટ શુદ્ધ અન્ધકારથી ભરેલું. ઉપર જોઈને ચાલતા હોઈએ, અસાવધ હોઈએ તો પગ એમાં પડે, નીચે સરી જવાય, હવે જિન્દગીમાં પણ એવું જ લાગે છે. ક્યાં બાકોરું આવી ચઢશે તે કહેવાય નહીં. એ હોય છે તો માત્ર એક જ ડગલાનો સવાલ પણ પગ સર્યો એટલે બધું સરી જાય – આકાશ, સૂર્ય કશું નહીં રહે. ઘણી વાર એવો અન્ધકાર ઘેરી વળતો લાગે છે. આંખો એને તળિયે ડૂબી જાય છે. શરીરની વ્યાવર્તક રેખાઓ ભુંસાઈ જાય છે. માત્ર ચેતનાનો તણખો ઝબૂક ઝબૂક થયા કરે છે એનું જ તો દુ:ખ છે. એટલા ઝબકારાને કારણે નર્યા અન્ધકારમય નથી બની જવાતું, એટલા નાના શા તણખાને આધારે અન્ધકારનો ભાર ઝીલવાનો રહે છે. અન્ધકારમાં થતા પરપોટા જેવું એ અસ્તિત્વ – એનું કેટલું મૂલ્ય?

પણ રિલ્કે તો કહે છે કે જેણે નરકની ભૂતાવળ વચ્ચે ઊભા રહીને વીણાના તાર છેડ્યા છે તે જ ચારે તરફ સ્તોત્રનું ગુંજન સાંભળશે. કવિમાં આ શક્તિ હોવી જોઈએ. કવિના નસીબમાં એક લોકના વાસી થવાનું નથી. એ અર્ધો આ લોકમાં છે, અર્ધો બીજા લોકમાં. અર્ધો પ્રકાશમાં, અર્ધો અન્ધકારમાં, અર્ધો સ્વર્ગમાં, અર્ધો નરકમાં, તળાવડીમાં પ્રતિબિમ્બ પડે છે. એ ડહોળાઈ જાય તે પહેલાં એની છબિ કવિએ ઝડપી લેવાની છે.

આને વરદાન કહીશું કે શાપ? ક્યિર્કેગાર્દે કહ્યું કે આ સંવેદનાની અતિમાત્રા તે શાપ છે. આમ બે ખંડોમાં વિભક્ત થવું. વિભક્ત થવાનો એ ઘા કદી રૂઝાવા ન દેવો એ પણ શું શાપ નથી? આ ઘાની વેદના તો પોતે ઝીલી લેવાની. મુખે તો હોવું જોઈએ ગીત, સાંભળનારાને એ વરદાન રૂપે પ્રાપ્ત થવું જોઈએ. ઓફિર્યસની જેમ એણે તો પાછળ કોણ આવે છે તે જોયા વિના વીણા વગાડતાં આગળ વધ્યે જ જવાનું છે. એ જેને ઝંખે છે તે તો એની પાછળ છે. કવિને તો એનો પોતાનો વિષાદ પણ નથી. એ તો જગતને પાછો વાળવાનો છે. પણ એને નવું અપૂર્વ આસ્વાદ્યરૂપ આપીને એની પાસે તો રહી જાય છે કેવળ વિષાદનું વજન. વિષાદનો ભાર વધારે લાગે છે. કંઠ રૂંધાઈ જાય ત્યારે પોતાને જ હાસ્યાસ્પદ બનાવીને હસાવ્યે જ છૂટકો! હસવું એ પણ એક ભયંકર લાચારી છે. હાસ્યનો પડદો શું ઢાંકે છે તે બીજા ન જોઈ જાય એવી સાવધાની રાખવાની રહે છે ને આમ છતાં જમાને જમાને પ્લેટો આવીને કવિને હદપારી તો આપવાનો જ. આ હદપારી કોઈ રાજ્યમાંથી હોય તો તો બહુ આકરી લાગે નહીં. પણ પોતાની નિકટ જે છે ત્યાં સુધી પોતાનો શબ્દ પહોંચે નહીં, પહોંચે તોય ઠાલો થઈને પાછો વળે ત્યારે એ પાછા વળેલા શબ્દોનો મોક્ષ શી રીતે કરવો? સાર્ત્રે એના ‘ઇન કેમેરા’ નાટકમાં નરકમાં ગયેલા માનવીઓનું વ્યાવર્તક લક્ષણ તે એમની કદી ન બંધ થતી આંખો છે એમ સૂચવ્યું છે. એની પાંપણ સુધ્ધાં ઉઘાડબંધ થતી નથી! આંખ ખોલવાનું સુખ છે, ધારીએ ત્યારે આંખ બંધ કરી શકવાનું પણ કેટલું મોટું સુખ છે! આંખ ફેરવી લેવી, આંખ પાછી વાળી લેવી, આંખ આડા કાન કરવા અને જોયું છતાં ન જોયું કરવું – વ્યવહારમાં આ બધી ક્રિયાઓ તો અતિપરિચિત છે. કવિની આંખ તો કદી બંધ થાય જ નહીં. આંખ બંધ કરીએ એટલે જાણે ગર્ભમાં જે સાથે હતો તે અન્ધકારમાં ભળી જઈએ પણ આવું વિલોપન કવિ માટે શક્ય નથી. કોઈને વિદાય આપી, રસ્તાનો વળાંક આવ્યો, આકૃતિ દેખાતી બંધ થઈ, આંખ પાછી વાળી. ત્યાં વાત પૂરી થઈ, પછી વદાય તે ભૂતકાળ, પણ આંખ તો પાછી વળીને વર્તમાનમાં ખૂલી. કવિને માટે એ શક્ય નથી. એની આંખો અભેદ્યને ભેદે છે, કાળ કે સ્થળનો અંતરાય એને નડતો નથી. માટે જ તો વદાયની એ પળ ચિરન્તન બની રહે છે એ દૃશ્ય ભુંસાતું નથી. આ અમરતા કવિની આંખની પાંપણ પર તોળાયેલી રહે છે! આથી તો ઘણી વાર બાજુમાં પડેલા પુસ્તકો જોઈને જીવ ગભરાઈ જાય છે. એ સદાની ઉન્નિદ્ર ઉઘાડી આંખોનો ઢગલો છે. એને બંધ કરી શકાય એમ નથી, એ કેવું કેવું જુએ છે? કેટલાં બધાં બ્રહ્માણ્ડ ખડાં થઈ જાય છે! એને સમાવી શકે એવી ચિત્તની સીમાઓ વિસ્તરી છે ખરી? છતાં એકાએક કોઈ કવિની બે પંક્તિ આંખે ચડે છે અને જાણે ‘ઓપન સિસેઇમ’ કહેતાંની સાથે ભેદી દ્વાર ખૂલી જાય છે. પછી વ્યવહારની આ સહીસલામત અકબંધ દુનિયા છોડીને એક અજ્ઞાત અગોચર વિશ્વમાં પગ મૂકીએ છીએ. એક નવું વાતાવરણ સ્પર્શી જાય છે.

ન્યાયશાસ્ત્રના પ્રણેતા ગૌતમ ઋષિ તો અક્ષપાદ કહેવાતા હતા. કારણ કે એમને તો એકે એક ડગલું તર્કશુદ્ધ રીતે જ ભરવું પડે. પણ કવિને તો અણુએ અણુએ આંખ. એ શું જોવાનું ટાળી શકે? અર્જુનને તો થોડી ક્ષણ વિરાટરૂપ દર્શન થયાં ને એ જીરવી ન શક્યો. કવિને તો વિરાટરૂપ દર્શન થયા જ કરે છે ને એ એને જીરવવાનું રહે છે.

આથી જ કવિને તો વિશેષણ ઉમેરીને મહાકવિ કહેવાની જરૂર નથી. એનું પરિમાણ તો વિશાળ હોવાનું જ , એની પ્રતીતિ તો એક પંક્તિમાં પણ થઈ શકે. વ્યવહારના જગતમાં તો લીટી દોરીને સીમા આંકી શકાય. આ આપણું ને આ બીજાનું, આ જમા અને આ ઉધાર એવાં ખાનાં પાડી શકાય. પણ કવિની સૃષ્ટિમાં તો બધું એકાકાર છતાં એમાંથી એણે નવી નવી આકૃતિઓ ઘડવી પડે, સ્વયં ભગવાનને તો દશ અવતારથી ચાલ્યું, કવિને તો કૃતિએ કૃતિએ નવો અવતાર લેવો પડે. છતાં આ કવિને એનો જમાનો હદપાર કરે. એના સમકાલીનો જ એને ઊંડે ઊંડે દાટી દે. પછીથી પુરાતત્ત્વના અવશેષની જેમ એને ખોદી કાઢવાનો રહે. કદાચ દટાઈ ગયા પછી જ એની કીતિર્ની કૂંપળ ફૂટે.

ચારે બાજુ છાપાંનો ઢગ છે, એમાં બજેટના આંકડા છે, રાજકારણના દાવપેચ, વાતો છે. શહેરની દીવાલો પર સિગારેટની જાહેરખબરો છે, નિયોન લાઇટમાં ઝબકતાં સિનેમાનાં પોસ્ટરો છે, રેડિયો ટ્રાન્ઝિસ્ટરનો ઘોંઘાટ છે, ભાષણો ને સૂત્રોચ્ચારનું ઘમસાણ મચી રહે છે. એમાં કવિનો શબ્દ ક્યાંથી કાને પડે? એ ઊંડે ઊંડે દટાઈ જાય છે. પણ આજે આટલે વર્ષે વાલ્મીકિનો શબ્દ દાટી દઈ શકાયો નથી. પરદેશના કવિઓના સૂર પણ અહીં રણકે છે. કવિ મૃત્યુ નહીં, અપમૃત્યુ પામે, કવિતાનું મૃત્યુ નથી, એની અમરતાનું મૂલ્ય સમાજ કવિ પાસેથી વસૂલ કરી લે છે.

પણ કવિતા છે તો લવિતા પણ છે. કવિતાને નામે થોડા અહમ્નાં લટકાં ને નખરાં પણ છે. કાળની હથેળી એ બધું ભૂંસી નાખે છે. એથી જ તો કીર્તિ કે સ્વીકૃતિની સીમા બહુ સાંકડી છે. એ એક માનવીના જીવનકાળ સુધીની જ છે. પછી જે વિસ્તરે છે તે માત્ર ખ્યાતિ નથી. આજે કાલિદાસને આપણે શી કીતિર્ આપીશું? શી સ્વીકૃતિ આપીશું? જે સમાજ એમ માને છે કે અમે કવિને સ્વીકૃતિ આપી તે સમાજ પછાત છે, સંસ્કારી નથી. કીતિર્નો આંકડો નગરપાલિકાના દફતરમાં મંડાતો નથી.

કવિતા જોડે સમ્બન્ધ બાંધવો એ સહેલી વાત નથી. એક ને એક બેનું લેખું માંડનારાના હાથમાંથી તો આખી કવિતા સરી જશે. અઠવાડિયે એક વાર છાપામાં નજરે ચઢતી કવિતાને અલપઝલપ જોઈને ભ્રમર ચઢાવીને એ લોકો તો એને બાજુએ મૂકી દેશે. હવે તો કવિ વિનાનાં નગરો ઊભાં થશે. કવિતા માત્ર વિદ્યાપીઠોના સંગ્રહાલયોમાં સાચવી રાખેલા મૃતદેહોની જેમ જોવા મળશે. કવિની હદપારીનો નાદ કદાચ ફરી બુલંદ બની ઊઠશે.