ઇદમ્ સર્વમ્/અપ્રત્યક્ષનો ખણ્ડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અપ્રત્યક્ષનો ખણ્ડ

સુરેશ જોષી

સૂર્ય હવે નિ:ઉષ્મ થઈ ગયો છે. માઘ ભારવિની વાત યાદ આવે છે. ભારવિએ પોતે સૂર્ય જેવો તેજસ્વી છે એવું બતાવનારું નામ રાખ્યું તો માઘે કહ્યું કે હું માઘ મહિનો છું જેમાં સૂર્ય પણ મ્લાન બની જાય. સંસ્કૃતવાળાઓએ ગજબનાં પરાક્રમ કર્યાં છે. એક તોતડો હતો માટે અમુક વર્ણો બોલી શકતો ન હતો તો તે વર્ણો વિનાનું જ એણે વ્યાકરણ રચ્યું, તો વળી બીજાએ વ્યાકરણના અનિયમિત રૂપોવાળા શબ્દોના દૃષ્ટાન્ત રૂપે કાવ્ય રચ્યું. આ પ્રતિભા નથી, વૈદગ્ધ્ય છે, નૈપુણ્ય છે. પણ મોટે ભાગે નૈપુણ્યની જ બોલબાલા હોય છે. સામાન્ય જનોને તો એ જ ચકિત કરી દે છે. આથી મને લાગે છે કે સાહિત્યના શત્રુ સાહિત્યના ક્ષેત્રમાં જ હોય છે. એ માટે સમાજને જડભરત કહીને દોષ દેવો તે યોગ્ય નથી. નબળો કવિ ચતુરાઈ વાપરીને, કરામત વાપરીને છેતરીને મોટો ગણાવા મથે તે સૌથી મોટો સાહિત્યનો દ્રોહી છે. તે જ રીતે પોતાની રુચિની સંકુચિતતા જાણ્યા છતાં એની જોહુકમી સર્જાતા સાહિત્ય પર અહંકારપૂર્વક લાદવાની ધૃષ્ટતા કરનારો વિવેચક પણ સાહિત્યનો શત્રુ છે. આશ્ચર્યની વાત છે કે સાહિત્યના શત્રુઓ પ્રગટપણે એમની પ્રવૃત્તિ ચાલુ રાખી શકે છે. એમાં પ્રતિષ્ઠિત સામયિકોનો એમને સારો સાથ મળે છે. કેટલાક સમજીને કલમને બીજા ક્ષેત્રમાં ચાલુ રાખે છે.

વાદળો છે, દિવસનું મુખ મ્લાન છે. પવન જર્જરિતને ખંખેરીને વહી જાય છે. પણ હવામાં વસન્તના આગમનનો અણસાર છે. આંબા પર મંજરીની મહેક છે અને કોકિલ ટહુકે છે. પણ એનો પંચમસ્વર હજી ખૂલ્યો નથી. અત્યારે તો ચૂંટણીનાં ઢોલનગારાં ગાજે છે. આ વસન્ત આ ઘોંઘાટમાં બગડી જશે. ચૂંટણીના ફતવાઓ અને ખરીતાઓનો ઘોંઘાટ વધતો જાય છે. લોકશિક્ષણ વગર લોકશાહી શક્ય નથી. આ વર્ષોના ગાળાના પુખ્ત મતાધિકાર હક્ક ભોગવનારાને એ અધિકાર ભોગવવાની યોગ્યતા પ્રાપ્ત થાય એને માટેના પ્રયત્નો થયા છે ખરા? ચૂંટણી ‘લડવાની’ હોય છે. એમાં યુદ્ધની પરિભાષા વપરાય છે. હારજીતનો એ મામલો છે. આ યુદ્ધ વાગ્યુદ્ધ હોય છે પણ એ ખેલવા માટે ખૂબ પૈસા વેરવા પડતા હોય છે. આપણા ગરીબોને જો એ ખપમાં આવી શકતા હોય તો? આ દિવસોમાં ભાષા પર અત્યાચાર થશે. દામ્ભિકતાની કળા ખીલી ઊઠશે. આ નવા દેવોનું વાહન જીપ છે. હવે જીપની દોડાદોડથી બચવું પડશે. બકુલ ત્રિપાઠી તો કદાચ કહેવત પણ બનાવી કાઢે કે ચૂંટણી લડવા માટે બે વસ્તુ જોઈએ : જીપ અને જીભ. ત્રીજી વસ્તુ ‘નોટ’ જે ઇન્દુચાચા ‘વોટ’ સાથે માગે છે તે પણ જીભ ચલાવતાં આવડે તો મળે. પાંચ વરસમાં એક વાર થતી ચૂંટણી માંડ સહ્યા બનતી હતી પણ આ તો જાણે લોકશાહીની બુલંદ જાહેરાત કરવા માટે બમણા ઉમળકાથી ઉપાડી હોય એવું લાગે છે. મતદાર મત આપે છે, પણ એ મત એનો જ છે એવું પ્રામાણિકતાપૂર્વક કહેશે? છડેચોક પ્રલોભનો અપાતાં હોય, પૈસા વેરવામાં આવતા હોય ત્યારે મત ખરીદેલો નથી એમ કોણ કહેશે? મત સાથે મન પણ ખરીદવાનો કીમિયો આપણા રાજકારણમાં પડેલા શોધી રહ્યા છે. મત પવિત્ર વસ્તુ છે એમ કહીએ છીએ ખરા, પણ એને ક્લુષિત કરવાનો એક્કેય રસ્તો બાકી ન રાખીએ તેનું શું? આથી જ આ સમાજમાં સ્વેચ્છાએ બહિષ્કૃત થઈને રહેવાનું જ હું તો પસંદ કરું. ક્યાં હાજર રહેવું એના કરતાં ક્યાં ગેરહાજર રહેવું એનો જ નિર્ણય કરવાનો રહે. પોતાની સાથે રહેવા જેટલો સમય આ જમાનામાં ચોરીને મેળવવાનો રહે. બાકી આ સમાજ તો ક્ષણે ક્ષણે તમને ગુનેગાર બનાવે તેવો છે. ‘તમે આ શું કર્યું તે બરાબર નથી. તમે આ નથી કર્યું તે બરાબર નથી.’ તમે શું સારું કર્યું, કેટલું બીજા ન કરી શકે એવું કર્યું તે વિશે કોઈ કહેતું નથી. એ બધામાં તમે એકાકી છો. વાતો થાય છે માનવતાની, કૌટુમ્બિક ભાવનાની, પણ સહેજ સહેજમાં માનવતાનો ત્યાગ કરતાં કોઈ અચકાતું નથી. ઊલટું એમ કરતાં જ જાણે ગૌરવ અનુભવાય છે. અતડાપણું, અક્કડપણું, કરડાકી, સત્તાવાહી સ્વર – આ અમાનુષીપણાનાં બાહ્યા લક્ષણો છે. આની સામે નિ:શસ્ત્ર બનીને ઊભા રહેવું એ જ મોટો બચાવ. જેઓ આપણને હંમેશાં અપરાધીના પંજિરામાં જ ઊભેલા રાખવામાં આનન્દ માને છે, એમની બાલિશ ઉદ્ધતાઈને હૃદય એકદમ માફ કરવા ઇચ્છતું નથી. પણ એમાં હૃદયનો વાંક કાઢી શકાય નહીં. હૃદય કેટલું સહન કરી શકે? શરીર કેટલું સહન કરી શકે? કોઈક વાર સ્મૃતિ અને કલ્પના ભેગાં મળીને ભારે જુલમ ગુજારે છે. જેને ભૂતાવળ કહીએ છીએ તેમાંની એકાદ ઘટનાને એવી તો તાદૃશ બનાવીને આપણી આગળ લાવી દે છે કે આ વર્તમાન ઝાંખો પડે છે. એ ઘટના અસાધારણ હોય છે એવું પણ નથી. વરસાદનો એકાદ દિવસ, પાંદડાં વરસાદનાં પાણીમાં તરે, પરપોટા થાય, પરપોટા આગળ ચાલે ને પછી ફૂટી જાય, દૃશ્ય તો દર ચોમાસે જોઈએ છીએ પણ વર્તમાનમાં એ નવી તાદૃશતા સાથે આવે છે ને કદાચ તેથી જ એનો સ્વાદ બદલાઈ જાય છે. જાણું છું કે ઘટના બની ચૂક્યા પછી એની એ રહેતી નથી. સમયનું વહેવું જેમ ઘટનાને બદલે છે તેમ સ્મૃતિ પોતે પણ એને બદલે છે. કલ્પના એને નવો આકાર આપે છે. આથી એનાં મૂળ ભૂતકાળમાં ભલે રહ્યાં હોય, એનું રૂપ તો નવું જ હોય છે. એવી જ રીતે ભૂતકાળનો કોઈ દિવસ વર્તમાનમાં ભૂલો પડીને આવી ચઢે છે. એ દિવસ પણ કોઈ ખાસ અસાધારણ દિવસ હોતો નથી, પણ એને એનું આગવું વ્યક્તિત્વ હોય છે. એ એનો આગવો તડકોછાંયડો લઈને આવે છે. એની આબોહવા જુદી હોય છે, આથી વર્તમાનનો કોઈ દિવસ સુપરઇમ્પોઝ કરેલી પ્રિન્ટના જેવો બની જાય છે. સ્મૃતિ અને કલ્પના સર્જનમાં અનિવાર્ય એવી બે વસ્તુઓ છે એ વાત ખરી, પણ એ શાપ રૂપ પણ છે. એથી વર્તમાનમાં વિક્ષુબ્ધતા ઊભી થાય છે. બધી જ સ્મૃતિ કે કલ્પનામાંથી સર્જન ઊભું થતું નથી, આવી સ્મૃતિ અને કલ્પના એક અન્તરાય ઊભો કરે છે. એની તાદૃશતા જ સૌથી વિક્ષુબ્ધ કરનારી વસ્તુ હોય છે.

પાનખરના આ દિવસો છે એમ કહીએ કે આ શિશિરના દિવસો છે એમ કહીએ તો તેથી કાંઈ વિષાદ જ થવો જોઈએ એવું નથી. બાળપણમાં તો એવો કશો વિષાદ થતો નહોતો. બાળપણમાં તો આ દિવસો બોરડી ઝૂડીને બોર ખાવાના હતા. કાંટા વાગે તેની કશી ચિન્તા નહોતી. કોઈ વાર કોઈ ભગાડી મૂકે એવું પણ બનતું. પણ પલાયન એ આ સાહસના અંગરૂપ જ હતું. એથી વીરતાને ઝાંખપ લાગતી નહોતી. પાકવા આવેલાં પણ પૂરા પાકી નહિ ચૂકેલાં બોર ખાવાં ગમે. એના રંગો હજી આંખ સામે તરવરે છે. એક વાર મેં એના સ્વાદની સરખામણી દેવશિશુની કાલી કાલી બોલી જોડે કરેલી. પણ એ સરખામણીથી મને સન્તોષ નથી.

આથી વિચાર કરું છું તો લાગે છે કે આપણા ચિત્તના નેપથ્યમાં અપ્રત્યક્ષનો એક મહાન ખણ્ડ છે. એને આપણે પ્રત્યક્ષની સીમામાં લાવી શકતા નથી. એટલે અંશે આપણું એની જોડેનું સંક્રમણ પણ અધૂરું રહે છે, માનવચિત્તની મૂળ વેદના આ પોતાની આગળ પોતાની અપ્રત્યક્ષતાની જ રહેલી છે. ઘણાં ચિત્ત ઝાંખાં બની ગયેલાં દર્પણ જેવાં હોય છે. એમાં કશી છબિ પ્રત્યક્ષ થઈ ઊઠતી નથી. એથી જાણે અંધાપો આવ્યો હોય એવું લાગે છે, પણ લોકો અંધાપાથી ટેવાઈને ક્યાં નથી જીવતા?

કાર્લ શાપિરો એની એક કવિતામાં કહે છે કે વીસમી સદીનો ‘પાસવર્ડ’ આ ‘કોમ્યુનિકેશન’ જ છે પછી એ કહે છે, કેમ જાણે આ કોમ્યુનિકેશન આપણે જ શોધ્યું નહીં હોય, પ્રાણીઓ અને માંસભક્ષકો પણ એવો વિનિમય કરી જાણતા હતા. પંખીઓ મધમાખીઓ અને થોડા માનવીઓ (જેને કળાકાર કહી ઓળખાવવામાં આવે છે અને જેમને ગાંડા ગણવામાં આવે છે) પણ આવો વિનિમય કરી જાણે છે. પણ મોટા ભાગના માનવીઓને તો આ કોમ્યુનિકેશનની શોધ કરવી પડી છે. રોમવાસીઓ પાસે સારામાં સારા રસ્તા હતા, પણ એ રસ્તા પર રોમવાસીઓ સિવાય બીજું કશું રવાના કરવાનું એમની પાસે નહોતું. અમેરિકાવાસીઓએ વિશ્વસમય અને વિશ્વાવકાશ પર વિજય મેળવ્યો છે. સવારના નાસ્તા વખતે દુનિયાના ચાર ખૂણા જોડે ગપસપ કરી શકે છે. પણ વિનિમય કરવા અમેરિકાવાસી સિવાય એમની પાસે બીજું કશું નથી. રશિયાવાસીઓ સિવાય એમની પાસે બીજું કશું નથી. રશિયાવાસીઓ ચન્દ્ર પર રશિયાવાસીને મોકલે છે. આખી સૂર્યમાળા ઠઠ્ઠાચિત્રો બનાવનારના હાથમાં જઈ પડી છે.

હું નેબ્રાસ્કાના મારા રસોડામાં બેસીને બુરખામાં ઢંકાઈ જતી કરાંચીમાંની સ્ત્રીને જોઈ રહું છું. સવારે એ શીતળા ટંકાવવા જાય છે. ઠંડી છે અને એમને માનસિક સહાનુભૂતિની જરૂર છે. એ કોમ્યુનિકેશનની રહસ્યમય જાતીયતા છે. પૈસો પ્રેમ હતો, સત્તા પ્રેમ હતી. હવે કોમ્યુનિકેશને પ્રેમનું સ્થાન લીધું છે. ટેલિફોન પ્રેમનું પ્રતીક છે. ચાલો એને ચૂમીએ. પેલી છોકરી હી ફી સ્પીકરને વળગીને ભેટે છે.

કાર્લ શેપિરો આમ કોમ્યુનિકેશને સાધેલી એકલવાયાપણાની વાત કરે છે. એની વિડમ્બના ધારદાર છે. હવે ભારતવાસીઓ એના ઘરગથ્થુ સામગ્રી બનેલા યોગની અને શેરીમાં સસ્તી બનેલી ‘હરેકૃષ્ણ’ની ધૂનની વિડમ્બના ક્યારે કરશે?