ઇદમ્ સર્વમ્/અસ્ત્રીબદ્ધ ભદ્રતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અસ્ત્રીબદ્ધ ભદ્રતા

સુરેશ જોષી

અગાશીમાં મોગરો ઉછેર્યો છે. ભારે જતનથી ખૂબ લાડ લડાવ્યાં છે. હવે ફૂલ ખીલે છે. ચાંદની રાતે અગાશીમાં બેઠાં હોઈએ ત્યારે એની સુગન્ધ લહેરાઈ ઊઠે છે. આખું વાતાવરણ બદલાઈ જાય છે. આથી જ થોડી જગ્યા મળી હોય તોય ફૂલછોડ ઉછેરવાનું ગમે છે. પણ માનવીની બાબતમાં એવું નથી. તમે અકારણ સ્નેહ વરસાવો, સ્વાભાવિક રીતે જ સાચું કરવાને મથી રહો, જતનથી શુભનું જ સંવર્ધન કરો તોય સુગન્ધી પુષ્પ પ્રકટશે જ એની ખાતરી નહીં. ફૂલ ન ખીલે તો બહુ તો નિરાશ થઈએ, પણ આ તો હવામાં ઝેર પ્રસારે એવું ફૂલ ખીલે, આપણો શ્વાસ રૂંધાય. આવું બને છે ત્યારે લાગે છે કે આ દુનિયામાં ભોળપણ ન નભે. આપણે સદાશયથી બધું કરીએ, શિક્ષકની તો કાંઈ આ જમાનામાં વગ હોતી નથી, એ બહુ તો સમય કાઢીને અભ્યાસમાં મદદ કરે, પોતાનાં પુસ્તકો આપે, વિદ્યાર્થી ગરીબ હોય તો ઘરે જમાડે, ફીની વ્યવસ્થા કરી આપે–એ ય કશા વળતા બદલાની આશા વિના. છતાં – આટલા બધા જતનથી ઉછરેલા છોડ પર ઝેરી ફળ બેસે.

હવે તો ઊજળાં કપડાંની કકરી અસ્ત્રીબંધ ભદ્રતાથી હું બહુ સાવધ રહું છું. એવા લોકોની ભાષામાં હૃદય હોતું નથી. જાણું છું કે આવા લોકો ઊંચે સ્થાને હોય છે. આવા ઊંચા સ્થાનનો ઉપયોગ એઓ બહુ ઉચ્ચ વૃત્તિથી નથી કરતા, ઊંચું સ્થાન એટલે પોતાના ચરણ આગળ નીચે બેઠેલા માણસના માથે લાત મારવાની સગવડ. આપણે ત્યાં ‘હાથ નીચેના માણસ’ એ શબ્દપ્રયોગ ખોટો છે. ખરું જોતાં ‘પગ નીચેનો માણસ’ એવું જ પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઈએ. આપણે કોઈ મોટા સન્ત પુરુષ નથી. અપમાન ગળી જવું બહુ સહેલું નથી. આપણે મોટા માણસ હોઈએ તો પણ નાના માણસને ય એના જીવનની આગવી કિંમત હોય છે. એને પણ અમુક મૂલ્યો હોય છે. રાજ્યોમાં કે સંસ્થાઓમાં આ મૂલ્યો પ્રમાણે જીવવાનો નાના માણસનો અધિકાર અનેક રીતે ઝૂંટવી લેવાતો હોય છે. મોટા માણસ એટલે કે ઊંચે સ્થાને બેઠેલા માણસનાં મૂલ્યો જ સાચાં અને તે જ આપણે સ્વીકારી લેવાં જોઈએ. આ જોહુકમી એ અત્યન્ત હીન પ્રકારનો અત્યાચાર છે.

હું તો માણસની સંસ્કારિતાની એ નિશાની ગણું છું કે એ સત્તાથી સંકોચ પામે, એને ભોગવવામાં હિણપત અનુભવે. હમણાં જ એક મિત્રને આવા અગ્રગણ્ય ભદ્ર લોકોને હાથે વેઠવું પડ્યું. કોઈ શેઠિયાના જમાઈ હોય, આજીવિકાની જેને ચિંતા નહીં, કોઈ સમાજજીવનમાં અગ્રણી કાર્યકર્તા હોય, સંસ્થાના વડા હોય આ બધાનું આપણે માન રાખીએ જ. એમને મળેલી માન્યતાની ન તો આપણે ઇર્ષ્યા કરીએ કે ન તો તેમાં બાધા ઊભી કરીએ એ વિશે આપણે નર્યા ઉદાસીન પણ ન રહીએ. છતાં આજીવિકાની દોરી એમના હાથમાં હોય તે સટ દઈને એકાએક કાપી નાખે ને તેય હૃદયકાર્પણ્યનો ઉઘાડો દેખાડો કરીને! એમાં છૂપું ગૌરવ અનુભવીને, સત્તાનો તૂરો સ્વાદ માણીને – તો લોહી ઊકળી આવે.’ તમારી મર્યાદાઓ પહેલાં અમે જાણતા નહોતા, હવે જાણી.’ આમ પાછી એક લાત તો મારી જ લેવાની. માણસાઈ વિનાનાં ખાલી ફોફાંનો આવો જુલમ એ પણ આપણે વિકસાવેલી સંસ્કૃતિનું અનિવાર્ય પરિણામ ગણવાનું? પણ વન્ધ્ય રોષનો કશો અર્થ નથી. કેવળ જઠરાગ્નિ જાગીને બાળશે તો ભૂખ્યાને બાળશે, હવે એવી ભ્રાન્તિ નથી કે ભૂખ્યાનો જઠરાગ્નિ ધરાયેલાઓને બાળશે. કારણ, કે ભૂખ્યાઓને જ બળતા જોયા છે. છતાં કહું છું કે આ રોષ વન્ધ્ય નથી નીવડવાનો કારણ કે આ રોષ જેને થાય છે તે જંગલી માણસ નથી. એનામાંય બુદ્ધિ છે, સંસ્કાર છે. જો તમે ઈશ્વરમાં માનવા જેટલા નમ્ર રહ્યા હો તો એમનામાંય ઈશ્વરનો અંશ છે એ સ્વીકારવું જ રહ્યું. આ રોષ એનો માર્ગ કરશે જ; હા, ધીરજ ખૂટી જાય છે. પણ આખરે ક્રાન્તિ થઈ છે બહિષ્કૃત વ્રાત્યોને હાથે. ભલે એઓ ઋષિ નહીં ગણાયા હોય, સાપને બે જીભ હોય છે તેથી આપણે તેને કુટિલ કહીએ છીએ, પણ માણસોને મેં અનેક જીભે બોલતા જોયા છે. ભક્તો વચ્ચે ભક્તની જેમ, સંતો વચ્ચે સંતની જેમ, કવિઓ વચ્ચે કવિની અદાથી ને ક્યાંય દુષ્ટતાને છતી કરતા નથી એવો જો આવા લોકોનો દાવો હોય તો તે સાવ ખોટો છે. એમની આંખોમાંનો એ સેતાની ચમકાર છાનો રહેતો નથી. એમના શબ્દોમાં સંતાડેલું ઝેર છાનું રહેતું નથી. એમની આભાસી નમ્રતાનો અંચળો તરત સરી પડે છે. પ્રજાના સેવક થવાની વાતો કરનારા સૌ કોઈને સેવક બનાવવા તત્પર હોય છે. તેય ઉઘાડું પડી જાય છે. આપણે દયા ખાઈને એમને જાત સાથેની છેતરપિંડીનું આ નાટક કરવા દઈએ છીએ. પણ તેથી તો એમનો જુલમ વધે છે. આચાર્ય ધર્મ પ્રબોધતા હોય ત્યાં એક ઉચ્ચ કોટિના સાધકની અદાથી ભોળી પ્રજાને સંબોધતા સેતાનોને મેં જોયા છે. જાહેરસભામાં આપણે કેટલા દંભના સાક્ષી થવું પડે છે! એવી લાચારી શા માટે? જેને માનવતા શું છે તેની ખબર પડી નથી, જે સેતાનિયતમાં રાચવામાંથી ઊંચે નથી આવતો તેવાને મોઢે ધર્મની, આધ્યાત્મિકતાની, સાધનાની વાતો જો હું સાંભળવા જાઉં તો મને પાપ લાગે. આથી સંસ્કારી માણસે જાહેરસભાઓનો બહિષ્કાર જ કરવો જોઈએ. આપણને એમ કહેવામાં આવે છે કે આપણા આ પ્રલાપની એમના પર કશી અસર થતી નથી. સમાજ એવાઓનો જ બનેલો છે. ને એ સમાજ એમને હજી ઊંચે ને ઊંચે સ્થાને જ સ્થાપતો રહેશે એવી એમને ખાતરી હોય છે. પણ આ આત્મતુષ્ટિ કેટલી તો બોદી હોય છે તેની એમને પોતાને તો ખબર હોય છે.

આથી જ તો મને સાહિત્યકારો, કવિઓ વગેરેને મળવાનો ઝાઝો રસ રહ્યો નથી. જ્યાં જાઓ ત્યાં એ જ હોંસાતુંસી, એ જ આપવડાઈની નાદાનીભરી વાતો, કીતિર્ પાછળ આંધળાઓની દોડ, એ જ કૃત્રિમ ગમ્ભીરતા, એ જ બોદું હાસ્ય, એ જ ધૂર્ત વાણી, એ જ કેળવેલી ઉચ્છૃંખલતા – આ બધાંથી અસહ્ય જુગુપ્સા થાય છે. જો સાહિત્ય આવા લોકોનો જ ઇજારો હોય તો મને સાહિત્ય વગર ચાલશે. જો ભણીને સંસ્કારી થઈને ફરનારા બેજવાબદાર રીતે બીજાનાં ગળાં કાપતાં ફરશે, વિષવમન કર્યા કરશે તો એ શિક્ષણ પ્રત્યે મને તો નફરત થશે.

છતાં સુખ એ છે કે આ સંસાર એવાઓથી જ ભરેલો નથી. હજી જેને પોતાના કહી શકીએ એવાં સ્વજન છે. ભલે એનું અનેક વચન ન વાપરી શકીએ. હૃદય ઉષ્મા અનુભવે, જીવનની ક્ષણ આનન્દથી છલકાઈ ઊઠે એવું અમૃત સુકાઈ ગયું નથી. એથી જ તો આ વિષ વચ્ચે જીવી શકાય છે. જાહેરમાંથી અદૃશ્ય થઈને જ જીવવાના આ દિવસો છે. આ હદપારી તો આનન્દપૂર્વક ને સ્વેચ્છાએ સ્વીકારી લેવા જેવી છે. કાંઈ લખીને નામના નથી મેળવવી, ચાંદ ઇલ્કાબ ખિતાબ નથી પામવા-મનમાં આવે ત્યારે એકાન્તમાં વિશ્વ રચવું છે, એના કોઈ સાક્ષીય નથી રાખવા. માણસાઈ જોવી છે. જોઈને બિરદાવવી છે. માણસાઈના શત્રુનો નર્યો બહિષ્કાર કરવો છે. આપણું જીવન આપણી રીતે જીવવું છે. ભવિષ્યની પ્રજાને આખરે માણસાઈનો ખપ પડવાનો છે, માણસાઈના શત્રુઓનો નહીં. ‘ભગવાન એમને ક્ષમા કરે, એ બિચારાઓને ભાન નથી કે એઓ શું કરી રહ્યા છે!