ઇદમ્ સર્વમ્/આતપસેવનની ઋતુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આતપસેવનની ઋતુ

સુરેશ જોષી

આતપસેવનની આ ઋતુ છે. આકાશરસ પણ આ દિવસોમાં જ માણી શકાય. પૃથ્વી પર તો હમણાં જ ખેતરોમાંથી ધાનની લણણી થઈ ગઈ છે. કપાસની મહાશ્વેતા હજી દેખાય છે ખરી, હથેળી પહોળી પસારીને પડેલાં તમાકુનાં પીળાં પડવાં આવેલાં પાંદડાં પણ દેખાય છે. ઘઉંની સુરેખ ગોઠવાયેલી પંક્તિઓ પણ જોઈ ને હૈયું ખોલીને રાતીરાતી રતી દેખાડતી કાજળનાં ટપકાંવાળી ચણોઠી પણ જોઈ. પંજો બતાવીને ઊભેલા હાથિયા થોરની રખેવાળી જોવા જેવી છે, પણ કોસના કિચૂડ કિચૂડ અવાજ હવે ગયા. હવે તો ભક ભક કરતું યન્ત્ર ત્યાં આવી ગયું છે. ધોરી બળદને બદલે ટ્રેક્ટર ફરે છે, ખેતરમાં પડેલા ચાસ ઘડીભર જોઈ રહેવાનું મન થાય છે. હજી કોઈ કોઈ જગ્યાએ સંતાઈને થોડા ગલગોટા ડોકિયું કરે છે. નદીઓ હવે વર્ષાના ઉન્માદનાં સંસ્મરણોને ઊંડે ઊતરીને સ્વસ્થ બનીને અન્તર્ધાન બનીને જોઈ રહી છે, કેટલીક તો અત્યારથી જ પુરાણકાળનાં દેવદેવીઓની જેમ થોડો વખત દર્શન આપીને અલોપ થઈ ગઈ છે. છતાં કાંઠા પર હજી એના હરિયાળા આશીર્વાદની છાપ જળવાઈ રહી છે.

આ બધું હમણાં ગામડું જોવા મળ્યું ત્યારે ખૂબ માણ્યું. ગાડાના ચીલામાં બસ ચાલે, સ્હેજ હાથ બારીની બહાર રહ્યો તો થોરનો સ્પર્શ રક્તાક્ષરે અંકિત થઈ ગયો જ જાણવો. સૌથી વિશેષ તો માણવા જેવી છે ધૂળ-લખલૂટ ધૂળ, ઝીણી રેશમી પોતવાળી ધૂળ. ધૂળની સુગન્ધ બાલ્યકાળને પુનર્જીવિત કરે છે. આજે આપણે ધૂળ ખંખેરી નાખતા થયા છીએ. આપણી અને બીજાની. પણ બાળપણમાં તો ગજવાં ખંખેરીએ તો ધૂળ – માથાની બાબરીમાં ધૂળ, આંખની પાંપણે ધૂળ. ઘૂંટણે ધૂળનાં ચિહ્ન – ત્યારે ધૂળનું સર્વવ્યાપીપણું માણ્યું હતું. આજે સામેના મેદાનમાંથી અળવીતરું કરતો પવન ધૂળને છંછેડે છે ત્યારે એ સહેવાતું નથી ને બારી બંધ કરી દેવી પડે છે! આપણે ધરતીના લોક, પૃથ્વી તો મોટું નામ. એ નામે દેવલોક એને ઓળખે, આપણે તો માટી અને ધૂળને જ જાણીએ. કાળી માટીના ખેતરમાં એનાં બરફી જેવાં ચોસલાં તો જોયા કરીએ તોય ધરાઈએ નહીં. આથી જ મને થાય છે કે ધૂલિકા માતાનું સ્થાનક સ્થાપવું જોઈએ. શહેરમાં તો આસ્ફાલ્ટના વરવા રંગ પર મોટરના, પેટ્રોલના કે ઘોડાની લાદના ડાઘા. એના પર માણસનાં પગલાંની છાપ વરતાય નહીં, પણ ધૂળ તો કેટલી મમતાથી આપણાં પગલાં છાતીસરસાં સાચવી રાખે? પેલી દમયન્તી સ્વયંવરની વાત તો જાણીતી જ છે. છતાં ધૂળનો મહિમા નીકળ્યો છે તો ફરી કહું. દમયન્તીનું રૂપ તો એવું કે એની ખ્યાતિ છલકાઈને પૃથ્વીની સીમા પણ વટાવી ગઈ અને પહોંચી છેક દેવલોક સુધી. ચાર દેવ આથી પૃથ્વી પર દમયન્તીને વરવાનું બીડું ઝડપીને નીકળી પડ્યા ત્યારે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે આવી અવરજવર ચાલ્યા કરતી, પણ દેવોએ જાણ્યું કે આ સ્વયંવર તો એક છદ્મ છે, દમયન્તી તો ‘નળને જ વરું’ એવું પણ લઈ બેઠી છે. દેવોને એક સગવડ. જેવું ધારે તેવું રૂપ ધારણ કરી શકે. એટલે એમણે નળનું રૂપ ધારણ કર્યું ને પહોંચ્યા સ્વયંવરમાં ને ‘સ્વયંવરમાં વાગી હાક કે ઓ નળ આવ્યો રે!’ દમયન્તી એટલા બધા નળને જોઈને મૂંઝાઈ તો ગઈ, પણ તે ક્ષણભર. તરત જ એણે જોઈ લીધું ને નળને પારખી કાઢ્યો. શી રીતે પારખી કાઢ્યો? દેવોના મોઢા પર થાક નહોતો, પરસેવો નહોતો, ધૂળ નહોતી. નળના મોઢા પર થાક, પરસેવો ને ધૂળ ત્રણેય હતાં. આ ધરતીની ધૂળથી દમયન્તીએ નળને ઓળખી કાઢ્યો, આમ એ ધૂળ આપણી ઓળખ છે.

પણ ધૂળ છોડીને હવે આકાશ તરફ વળીએ. આકાશ આ ઋતુમાં દિવસે ને રાતે જોવા જેવું હોય છે. હમણાં જ ચન્દ્ર જોયો હતો. ગુરુ નાનકના ફોટા પાછળ જેમ તેજવર્તુળ હોય તેમ ચન્દ્રની આજુબાજુ નાનું વર્તુળ હતું. ઠંડીથી ગભરાયા વિના જો બહાર નીકળીને રાતે આકાશ જોઈએ તો એ વૈભવ માણી શકાય. નીચે તો કોઈ વાર ધુમ્મસનું આછું આવરણ પથરાયું હોય છે. બધું માયાવી બની જાય છે. દિવસે પણ આપણા કવિ કલાપીએ કહ્યું હતું તેમ હવામાં હીરાની કણી ઝગી રહેલી દેખાય છે.

હવે તો પતંગો આકાશમાં ચગશે. અનેક રંગોથી આકાશ ભરાઈ જશે. ધરતી પર પગ ખોડીને જીવનારો માણસ આ થોડા દિવસ ચગી લે છે. છાપરાં અગાસી ભરાઈ જશે, દૃષ્ટિ ઊર્ધ્વગામી થશે, દોરા છુટ્ટા મુકાશે. અનેક આફત અને વિટમ્બણાથી પીડાતું જીવન થોડો સમય તો હળવું પતંગ જેવું થઈને નભોવિહાર કરશે. આપણા મુત્સદ્દીઓ ગમ્ભીરપણે, ઠાવકા અને મીઠા બની દાવપેચ ખેલે છે, વેરઝેર વધારે છે ત્યારે આપણે એવા મેલા દાવપેચ નહીં પણ પતંગના દાવપેચ લડાવી શકીએ. ક્રીડાનો આનંદ માણી લઈએ.

સુરતમાં એક વિદ્વાને ‘પતંગપુરાણ’ લખ્યું છે. પતંગ પરથી ફિલસૂફી ડહોળનારાય ઓછા નથી. પાતળા કાગળના પતંગ પર કાંઈ એટલો બધો જુલમ તે થાય? આકાશમાં કાંઈ ચીલા ન હોય, પણ એના આંકા હાથ પર રહી જાય. પછી બીજે દિવસે દાળનો ફડકો મારવા જઈએ ત્યારે ખબર પડે. તલની ગોળી ચગળતા જઈએ ને પતંગને ઊંચે ચગાવતા જઈએ. પતંગોમાંય ન્યાતજાત છે, ઊંચનીચ વરણ છે. વળી દોરો સૂતનારા પણ જાતજાતના નિષ્ણાત હોય છે. એની પણ આગવી પરિભાષા છે. આપણે પણ યુદ્ધ લડવું છોડી દઈને યુદ્ધની રમત જ બનાવી દેવી જોઈએ.

દિવસના પતંગોની વાત જુદી. એની ગતિ જુદી. કેટલાક દૂર દૂર ઊંચે નીકળી જાય. ઉપરથી નિલિર્પ્ત બનીને બધો ઠાઠ જુએ. કેટલાક ભરદોરે કપાયેલા પતંગો કોઈના હાથમાં આવે નહીં ને દૂર દૂર ચાલ્યા જાય. પણ રાતે એમાંનું કશું નહીં. રાતે ફાનસ ચઢાવવાનાં હોય. કોઈક વાર એક સાથે સાત ફાનસ. ફાનસ ધીમાં ધીમાં ઝૂલે. પતંગ રાતે આત્મવિલોપન કરે, કેવળ ફાનસને જ દેખાવા દે. વાસી ઉતરાણ પછી પતંગ જાય. નાનાં છોકરાંઓની લંગરબાજી શરૂ થાય. પતંગો લઘુરૂપ ધારણ કરે. ફાટેલા પતંગના કાગળને ગોળાકાર કાપીને પથ્થરમાં વીંટી ઉપર ફેંકીએ એટલે એ રંગીન વર્તુળ આકાશમાં થઈ જાય. બાળપણમાં કોઈ મોટેરાંઓ ઉપકાર કરીને બહુ બહુ તો ફીરકી પકડવા દે. પતંગ તો હાથમાં નહીં આવે. ત્યારે ફાટેલા પતંગનો જ વારસો ભોગવવાનો મળે.

આકાશમાં પતંગ અનેક પ્રકારની લીલા કરે તે જોવાની ખૂબ મજા પડતી. ગોથ મારતો પતંગ, ધીમું ધીમું છટાથી ડોલતો પતંગ, એકદમ બીજા પતંગ પર છાપો મારતો પતંગ, ડૂબકી મારી જતો પતંગ, કન્ના તૂટી જતાં ચકરાવે ઘૂમતો પતંગ ને અળવીતરું કરીને નિરાંતે ઝાડની ડાળી પર બેસી જતો પતંગ. ગમે તેટલું મનાવો તોય એ નીચે ઊતરે જ નહીં ને?

વીજળીના તાર પર પણ હવે લંગરનાં તોરણ ઝૂલતાં થઈ જશે. પછી વળી પતંગો માળિયે મુકાઈ જશે, પરીક્ષાના દિવસો તો આ આવ્યા! મને તો સંક્રાન્ત યાદ છે તે બીજે જ કારણે. તે દિવસે અમારી ધની ગાયને ગોળના પાણીમાં બાફીને ખેતરમાંથી આવેલી નવી મોતીના દાણા જેવી જુવાર ખવડાવવામાં આવતી. એને ઘૂઘરી કહેતા. ગાયના ભોજનમાં અમે ભાગ પડાવતાં. બીજી મહત્ત્વની વસ્તુ તે ગુપ્ત દાન. મગનો લાડુ (પણ એ ગોળમટોળ નહીં, શાલિગ્રામના આકારનો) આપે, ને એના બે ભાગ કરીએ એટલે અંદરથી ચાર આની કે આઠ આની એનું રૂપાવરણું હાસ્ય કરતી દેખાય.

અને છેલ્લે મરણ – એ જ દિવસે બાળપણનું પહેલું મરણ જોયું હતું, બહાર બારણાની તરડમાંથી.