ઇદમ્ સર્વમ્/આનન્દ જ મારું ભક્તિસ્તોત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આનન્દ જ મારું ભક્તિસ્તોત્ર

સુરેશ જોષી

રાતે આઠમ નોમના ચન્દ્રને જોઉં છું, ઘડીભર મન આ સંસારથી સહેજ વેગળું સરી જાય છે. વાસ્તવિકતાના તાંતણા તો મનમાં ગૂંચવાઈ ગયેલા જ છે. એ ગૂંચ ઉકેલવા જતાં રખેને કોઈ તન્તુ તૂટી જાય એ ભયથી એ ગૂંચને એમ ને એમ જ રહેવા દઉં છું. બહાર આ ચાંદનીમાં દૂર દૂર સુધી ફરી આવવાનું મન થાય છે. પણ શરીરનો સહકાર નથી. આ શરીર જ હવે જાણે મારી કેદ બની ગયું છે. જે શીતળતા આહ્લાદક લાગતી હતી તે જ હવે શ્વાસને રૂંધી નાખે છે. આથી બારી પાસે બેઠો બેઠો બહારની માયાવી સૃષ્ટિ જોઉં છું. ઈશ્વરને સાક્ષાત્ જોયાનો મારો દાવો નથી, પણ આવે વખતે ઈશ્વરનું રૂપ જ પ્રગટ થાય છે, બારી પાસે બેસીને એને જ જોયા કરું છું. આનન્દ થાય છે. આવો આનન્દ જ મારું ભક્તિસ્તોત્ર.

રાત આગળ વધે છે. થોડે દૂર રાસગરબા ચાલે છે. ઘરમાં કોઈ નથી. મન વિહ્વળ બની જાય છે. એને શાન્ત પાડીને આંખો બંધ કરવા જાઉં છું. પણ આંખ બંધ કરવાની સાથે કાંઈ કેટલાંય દૃશ્યો દેખાવા લાગે છે. એ બધાં એકબીજામાં ભળી ગયેલાં છે. બધાંની રેખાઓ ગૂંચવાઈ ગયેલી છે. એમાં કશું સ્પષ્ટ નથી છતાં એને મારી જોડે સમ્બન્ધ છે. મુંઝાઈને ફરી આંખો ખોલી નાખું છું. પાસે ડિટેક્ટીવ નોવેલ પડી છે. પૂઠા પર જ શ્વાસ થંભાવી દે એવું ચિત્ર છે. એક સુન્દરીના ગળામાં ફાંસો છે. આંખ બહાર નીકળી આવી છે. થોડી વાર સુધી હું એને જોયા કરું છું. પણ મને એના ખૂન વિષે ઝાઝું કુતૂહલ નથી. મન ત્યાંથી પણ પાછું ફરે છે.

વ્યવસ્થા, ટેવ, સંગતિ – આ બધાંથી મન કંટાળે છે. અંદર ભરાઈ રહેલી ઉદ્દણ્ડ અરાજકતા માથું ઊંચકે છે. ઘણી વાર નાની વાતમાં ખૂબ ઉત્તેજિત થઈ જાઉં છું. મારી સાથે વાત કરનાર ડઘાઈ જાય છે. પણ વર્તમાનની ક્ષણ સાથે એને સમ્બન્ધ નથી. સામાન્ય ગણાતી પરિસ્થિતિ કેટલીય વાર અણધારી રીતે અસામાન્ય બની જાય છે. એ સામાન્યતાને પરાણે ક્યાંક ઊંડી ધકેલી દઈને સંસારમાં સામાન્ય થઈને રહેવું પડે છે. જ્યારે એક્કેય શબ્દ બોલવાનું મન થતું નથી હોતું ત્યારે પૂરી પચાસ મિનિટ સુધી બોલ્યે જ જવાનું હોય છે. આ બોલતો હોઉં છું ત્યારે મારાથી ખૂબ દૂર સરી જઈને મારો ક્ષીણ અવાજ સાંભળું છું. એનો કશો અર્થ હું જ પકડી શકતો નથી. પણ પોતાનાથી સરીને દૂર કેટલેક જઈ શકાય? જાણે ગળામાં વાસ્તવિકતાનું દોરડું છે. એ રોજબરોજની દુનિયાને ખૂંટે બાંધેલું છે. એ પાછું મને ઠેકાણે લાવી દે છે.

છતાં મન કોઈ વાર યદૃચ્છાવિહારે નીકળી પડે છે. પાસેની લાયબ્રેરીમાં ચોપડીઓનાં પાનાંને વળેલી ફૂગ એકઠી કરીને ફાઇન આર્ટસ્ ફેકલ્ટીનો કોઈ શિલ્પી સુંદર સ્ત્રીને ઘડે છે. પાવાગઢના ડુંગરની તળેટીમાં ઊગેલાં જંગલી ફૂલોનાં ટોળાએ મચાવેલું ઘમસાણ અહીં સુધી સંભળાય છે. કમાટીબાગમાં ફૂલો વ્યવસ્થિત સરઘસના આકારે સૂત્રોચ્ચાર કરતાં ચાલે છે. પવનમાં આગલા દિવસનાં છાપાંનાં પાનાં ઊડે છે. એમાંની સિનેમાની જાહેરખબરમાંની સુન્દરી બચી જવા ફાંફાં મારે છે. માત્ર બે તસુ દૂર ઊભેલો તલવારની પટાબાજી કરનારો બીજા ફિલ્મની જાહેરખબરમાંનો જુવાન એને બચાવવા કશું કરી શકતો નથી. ફૂટપાથ પર સૂતેલા ભિખારીનો નાનો દીકરો સૂકા રોટલાના ટુકડાને એક કાગળમાં લપેટીને ખિસ્સામાં મૂકી દે છે. અલંકાર થિયેટર પરનાં પોસ્ટર પરનાં નાયકનાયિકા થાકીને આંખ બીડવા મથે છે. ઉપર બેઠેલાં કબૂતરોની આંખમાં ઘુંટાતી ઊંઘનો ભાર એમને માથે તોળાય છે. રસ્તા પર નાળ જડેલા જોડાનો ઠપ ઠપ અવાજ આવે છે. સુરસાગરના પાણીને કોઈ દુ:સ્વપ્ન આવે છે. રાત્રિની નિસ્તબ્ધતામાં પાણીની ચીસ ગાજી ઊઠે છે. કેટલાય અશરીરી પડછાયાઓ સરિયામ રસ્તા પર થઈને ભાગે છે ને ગલીઓનાં અન્ધકારમાં ખોવાઈ જાય છે. આગલી સાંજે કોઈ પ્રમુખશ્રીને ચઢાવેલા હારતોરામાંથી નાની નાની પરીઓનાં મુખ ડોકાય છે. એમનો રૂપેરી ઘંટડીઓ જેવો અવાજ રણકે છે. બેન્કમાં પડેલા સિક્કાઓનો શ્વાસ રૂંધાય છે. એમને નાના બાળકના હાથમાં ચકરડી થઈને ઘૂમવાનું મન થાય છે.

ચાર માણસો(કારણ કે 144ની કલમ છે. ચારથી વધુ ભેગા થઈ શકે નહીં.) ભેગા થઈને હાથમાં હાથ રાખીને ચાલે છે, એઓ બોલતા જાય છે : ‘અમે સુખી છીએ. અમે ભૂખે મરતાં નથી. અમારું કોઈએ ખૂન કર્યું નથી. અમે દર પંદર દિવસે જ્યુબિલી બાગમાં ભાષણ કરીએ છીએ. પાણીની તંગી હોય તો કોકોકોલા પાઈએ છીએ. નેત્રયજ્ઞ, દન્તયજ્ઞ કરીએ છીએ. તમારા શહેરમાં માળીની દુકાનો ખોલો. વધારે ફૂલહારની જરૂર પડશે. જમાનો બદલાય છે. હવે પોળે પોળે વિભૂતિઓ પ્રકટશે.’

બારીના પડદા હાલ્યા, આંખની પાંપણો બંધ કરી, પણ આકાશ આડે પડદો ઢાળી શકાતો નથી, સૂરજ ચાંદાને ઢાંકી દેવાતા નથી. કશી શરમથીય એઓ મોઢું ઢાંકે એમ નથી. વિદ્યાપીઠના કાળા પાટિયાના પડદા પણ અજ્ઞાનને છૂપાવતા નથી. વિદ્યાર્થીઓના નિ:શબ્દ અવાજો નાનાં નાનાં ફોરાં થઈને બારીમાંથી નાસે છે, કોઈ બકુલના ઝાડ પર ફૂલ થઈને ખીલે છે તો કોઈ ઘુમ્મટને જડેલા કાચમાં રંગ બનીને પ્રસરી જાય છે.

શ્રી શ્રી 108 રાતે મઠની નૈતિક બારી ખોલે છે. એની બહાર ડોકું કાઢીને જુએ છે. રસ્તા પર ઉવેખાયેલાં રઝળતાં બેચાર પાપ આશરો માંગે છે, નૈતિક બારી પર રામ નામનું તોરણ ટાંગ્યું છે, સૂરજ એની જોડે અડપલાં કરે છે. નીચે દયામણે મોંઢે અનાથ પાપ ઊભાં છે. મઠની દીવાલ પર બાઝેલી શેવાળમાંથી કોઈનું મુખ ડોકાય છે. શ્રી શ્રી 108 એને જુએ છે ને હસે છે. એ હાસ્ય શેવાળમાં ખોવાઈ જાય છે. આ નૈતિક બારી બીજી બંધ બારીઓ તરફ મીટ માંડે છે. પણ એમાંની કોઈ હૈયું ખોલતી નથી. એ બધીનું ખંધું હાસ્ય વળીઓમાં ઘૂમરી ખાય છે. એક પતંગિયું ફિલસૂફની ગમ્ભીરતાથી ચોપડી પર બેસે છે. એના રંગોની માયાના મિથ્યાપણાનો એ મૂક બનીને પ્રચાર કરે છે. પણ ગરોળી રંગ જોતી નથી. એની સ્થિર આંખો નાની લખોટીની જેમ ગબડે છે. એથી પતંગિયું પોતાનું ગામ્ભીર્ય છોડતું નથી. હું એને ઉડાડી મૂકવા જાઉં છું ત્યાં મારો હાથ જ જાણે દૂર ફેંકાઈ જાય છે. લાંબી કીડીઓની હાર એ હાથને ખેંચી લાવીને મને પાછો સોંપે છે. પણ એ હાથનું બળવાખોરપણું હું જાણું છું. એની પાંચ આંગળીઓ સંપીને વર્તે છે. આ હાથનો બળવો બીજો હાથ જોઈ ન જાય એ માટે હું એને ખિસ્સામાં સંતાડી દઉં છું.

બંધાઈને શહીદ થયેલા ગલગોટા બારણે ઝૂલી રહ્યા છે. દૂર ઘાસ પર પડેલાં ઝાકળબિન્દુને એઓ કશો સંદેશો મોકલે છે, પણ એ સંદેશો, હવે સૂરજને ક્યારે પહોંચે! ઘરમાં દર્પણ મૂગું મૂગું ઊભું છે. એનો ખોળો ખાલી છે. રાતે અન્ધકાર અને દર્પણ વચ્ચે વાતો ચાલે છે. મારા શ્વાસ એ વાર્તાલાપ સાંભળે છે. એના થોડાક શબ્દો સવારે મારા શ્વાસને ચોંટી રહે છે. ફૂગમાંથી ઘડાતી પેલી સુન્દરીને પાંખો આવે છે ને એ ઊડી જાય છે. શિલ્પીના હાથમાં એના ઊડી જવાની રેખા માત્ર રહી જાય છે. આ સવારે ઝાકળમાં સૂરજ એની પગલી શોધે છે. ઝાકળ પ્રાણ આપી દે છે પણ એનું રહસ્ય કહેવા તૈયાર નથી. ગલગોટાના સોનેરી રંગનું શ્રાદ્ધ હવે થશે.