ઇદમ્ સર્વમ્/જીવનની દુર્લભતા
સુરેશ જોષી
હમણાં જ સંયુક્ત રાષ્ટ્રસંસ્થા તરફથી સંશોધન કરતા વિજ્ઞાનીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે માનવી પોતે જ થોડાં વરસમાં આ પૃથ્વીને માનવવસવાટ માટે અયોગ્ય બનાવી દેશે. જ્યાં માનવીઓની વસતિ નથી, જ્યાં માનવી રહી શકે એમ નથી ત્યાં પરાણે જઈને અડ્ડો જમાવવા માગે છે અને જ્યાં એને અનુકૂળ વાતાવરણ છે ત્યાં એ પોતાને હાથે જ બધું પ્રતિકૂળ કરતો જાય છે. ઘણા યુગો પછી માનવજાતિ એક ભુલાઈ ગયેલી ભૂતકાળની ઘટના માત્ર હશે ત્યારે માનવીએ પ્રાકૃતિક પ્રતિકૂળતા સામે ઝૂઝીને સ્થાપેલા પેલા વર્ચસ્ની વાત તો ગવાશે, સાથે સાથે આત્મવિનાશક યુદ્ધોની પરંપરા, સંહારક શસ્ત્રોની શોધ, પોતે જ ઊભા કરેલા સાર્વત્રિક ભયથી થરથર ધ્રૂજતા જીવ્યે જવાની અવદશા અને અંતે જેને માતા કહીને વેદકાળથી સ્તવતો આવ્યો છે તે પૃથ્વીને નરી વિષમય બનાવી દઈને વહોરી લીધેલું આત્મવિલોપનનું મહાકાવ્ય કે આની કરુણાન્તિકા કોણ લખશે? વિજ્ઞાનીઓએ આ કહ્યું. ઘણા કવિઓને તો આની ગન્ધ આવી ગઈ હતી. યુવાન વયમાં મરી જનાર કવિ લા ફોર્ગ પોતાને પૃથ્વીની સ્મશાનયાત્રામાંના એક ડાઘુરૂપે જોઈને એના મરશિયા ગાઈ ગયો છે. કદાચ હવે તો આવા મરશિયા જ કાવ્યનો વધુ યોગ્ય પ્રકાર આપણા યુગમાં બની રહેશે.
કારખાનાંઓ જે કાર્બન ડાયોક્સાઇડનું ઝેર ઓકે છે તેની જ માત્ર આપણે વાત કરતા નથી. રાસાયણિક દ્રવ્યો બનાવનારાઓ પાણીને ઝેરી બનાવી મૂકે છે તેની વાત આપણે નથી કરતા. એનો તો કાંઈ ઉપાય થશે. સરકાર વળી નવો કાયદો ઘડશે સુધારા કરશે અથવા ભોગ અને બલિમાં માનનારી આપણી પ્રજા હોંશે હોંશે આવા ભોગ અને બલિ ધરી દેશે. પેલા બાર વરસના છોકરાને રાજસ્થાનમાં હોમી નહોતો દીધો? તો આ બધાં કારખાનાં ચાલે એ માટે પશુ અને માનવીના બલિ તો આપવા જ પડે ને? એ જ રીતે ઘણા જીવે એટલા માટે થોડાએ મરવું તો જોઈએ જ છે! એટલે આવા ભોગ અને બલિ વગર તો આપણને ચાલ્યું જ નથી.
હત્યારાઓ અનેક પ્રકારના હોય છે. હવે આપણે એક નવો શબ્દ સાંભળતા થયા છીએ. એ શબ્દ ‘કેરેક્ટર એસેસિનેશન,’ માણસ જીવે પણ એના વ્યક્તિત્વની હત્યા થઈ ચૂકી હોય, આ હત્યા માટે ઝાઝી સાધનસામગ્રીનો ખપ નહીં. જાહેર છાપામાં ચાર કાળા અક્ષરોની લીટી જ બસ, આ સૂક્ષ્મ પ્રકારની હત્યા છે. મોટા ભાગની જાહેર સંસ્થાઓમાં આ હત્યા સામૂહિક રીતે ચાલી રહી છે. હવે જાણે આ હત્યા આપણને કોઠે પડી ગઈ છે, મને તો એવો વહેમ જાય છે કે માણસને હત્યા જેવું પ્રિય કાર્ય હવે બીજું રહ્યું નથી.
કેટલાક આથી વધુ ઉત્સાહ ધરાવનારા લોકો પણ છે, એઓ પોતે જ પોતાના વ્યક્તિત્વની હત્યા કરતા રહે છે, પોતે જ પોતાની હત્યા કરવી એ તો જાણે સગવડભરી વાત બની રહી છે. પોતાનું ચોક્કસ વ્યક્તિત્વ એ બંધાવા જ દેતા નથી. તમે આ હત્યાને શી રીતે રોકી શકો? યુગોસ્લાવિયાના એક લેખકે ‘ધ કેપ્ટીવ સોસાયટી’ નામનું પુસ્તક લખ્યું છે. એમાં ‘કાત્મેન’ નામનો શબ્દ એણે યોજ્યો છે, એનું મૂળ આપણને પરિચિત ‘ખાત્મા’ અથવા ‘ખત્મ’ શબ્દમાં છે. શાસન ચલાવનારાઓને અનુકૂળ એવા જ સ્વરૂપનું વ્યક્તિત્વ સરમુખત્યારશાહીમાં જીવતું રાખી શકાય. એ સિવાયના વ્યક્તિત્વને ખત્મ કરી નાખવું પડે, આમ પોતાની જિન્દગીમાં એક વ્યક્તિ પોતાનાં કેટલાં વ્યક્તિત્વને ખતમ કરીને જીવતી હશે? આ મૂગી શહાદતનાં ગુણગાન થતાં સાંભળ્યાં છે ખરાં? આપણું રાજતંત્ર લોકશાહી માળખું જાળવી રાખવા મથે છે, પણ આપણી જાહેરસંસ્થાઓમાં તો સરમુખત્યારશાહીનો જ દોર ચાલે છે. સંસ્થાનો વડો સૌથી મોટો હત્યારો હોય છે. તમે જેને મોટી ખુરશી પર અગ્રસ્થાને બેસાડો તે સ્થાન હસતાં હસતાં હારતોરા સહિત સ્વીકારી લેનારો હસતાં હસતાં હત્યા કરવાનું શીખી લે છે. પણ આવું કરનારા સૌ પ્રથમ પોતાના અન્તરાત્માને મારી નાખે છે. પછી ‘લોખંડી પુરુષ’નું મહોરું પહેરી લે છે. પછી જિન્દગીભર એઓ પોતાનું સાચું મોઢું જોવા માગતા નથી. કોમ્પ્યુટરની શોધ ભલે નવી હોય, રોબોટનું નામ ભલે આજે આપણે પાડ્યું હોય – કોમ્પ્યુટર કે રોબોટની જેમ વર્તનારા માણસો તો આપણી આજુબાજુ વસતાં જ હતાં.
કાર્બન ડાયોક્સાઇડનો ઝાઝો ભય નથી. એવા ઝેરનું તો મારણ હોય છે. પણ સત્તાને સ્થાને, ઊંચે સ્થાને બેઠેલા માણસ જે વિષ પ્રસારે છે, વ્યક્તિત્વને જે રીતે પોતાની આરોપિત મહત્તાની ગેસ ચેમ્બરમાં ગૂંગળાવીને મારે છે તેનો કશો પ્રતિકાર હશે ખરો? આ હત્યાના આંકડા બહાર પાડી શકાય તેમ નથી. માનવીના ચહેરા જ ભૂંસી નાંખવામાં આવે છે. પૂંછડી વગરનો માનવી પટપટાવીને દેખાડવા માટે ફરી પૂંછડી મળે એવું ઇચ્છતો થઈ જાય છે.
ઘણી વાર એક ભયાનક વાત નજર સામે તાદૃશ થઈ ઊઠે છે. ત્યારે પૃથ્વીના આ ગ્રહને ઠરી જવાની અણી ઉપર આવેલો જોઉં છું. સૌ પ્રથમ થીજી જવા આવ્યું છે માનવીનું હૃદય. આથી આવા થીજી ગયેલા માનવી થીજી ગયેલા શબ્દો બોલે છે. ત્યારે એ વાગે છે ને આપણાં જ્ઞાનતંતુઓ થીજીને જૂઠા થઈ જાય છે. આવા માનવીની આંખનો પલકારો પણ યાંત્રિક લાગે છે. આજુબાજુ બધાંને હરતાંફરતાં જોઉં છું, બોલતાં સાંભળું છું પણ બધું જાણે પ્રાણહીન, ઉષ્માહીન, નિષ્ચેષ્ટ લાગે છે. આથી ઘણા વખતથી કશું ઉમળકાથી બોલવાની હિંમત ચાલતી નથી. આપણે સાહજિક રીતે કોઈને મળીને હસવા જઈએ તો સામી વ્યક્તિના મુખ પરનો હણાઈ ચૂક્યાનો ભાવ જોઈને આપણું હાસ્ય થીજી જાય છે. જ્યાં નજર કરું ત્યાં યમ એના શ્વાન સાથે ફરતો દેખાય છે. યમ અને શ્વાન જ કદાચ આપણી સંસ્થાઓનું સાચું પ્રતીક છે. એ બંને સાથે જ ફરે છે. પહેલાંનાં વખતમાં રાજાઓ વિષકન્યા રાખતા, રૂપાળી યુવતીઓને થોડી થોડી માત્રામાં સતત ઝેર આપીને એની આખી કાયા વિષમય કરી મૂકતા. પછી જે એના રૂપથી આકર્ષાઈને એને આલંગિવા જાય તે એની કાયાના વિષથી મરી જાય. આપણા જમાનામાં કોઈ પણ પ્રકારની સત્તા, શાસન તે આવી વિષકન્યા છે. એને ભેટીને મરી ચૂકેલાં કેટલાં બધાંનું વજન આપણે ઉપાડીને ફરીએ છીએ. એનો આપણને થાક ચઢે છે.
આ વિષનો પ્રતિકાર શી રીતે કરીશું? કોઈક કદાચ એમ કહેશે : એ તો તમે જરા કલ્પનાશીલ માનવી છો (એમને કદાચ કહેવું હશે તરંગી) એટલે આવું બધું કલ્પો છો. આ તમારો ઉપજાવી કાઢેલો ભય છે. અને ભય હોય તોય, મારા સાહેબ, આ તો આંખ આડા કાન કરીને નફફટ બનીને જીવવાનો જમાનો છે : હવે માનવીને આંખ આડા કાન કરવાની કળા સિદ્ધ કરનારા પ્રાણી તરીકે ઓળખવો પડશે. હણાઈ ચૂક્યા પછી પણ જીવ્યે જવું એ એની વિશિષ્ટ શક્તિ હશે. દેવોને મરણ નથી. તો માનવી હણાઈ ચૂક્યા પછી પણ જીવવાની શક્તિ ધરાવે છે. સામેના મેદાનમાં અંકાયેલી હરિયાળીની ચક્ષુસુખ આપનારી પંક્તિ હવે ભુંસાઈ જવા આવી છે. ક્યાંકથી કોઈના ઉચ્ચારેલા શીતળ સુખદ શબ્દના જેવાં એક બે ટીપાં ક્યારેક ટપકી પડે છે, પણ જેની રાહ જોઈએ છીએ તે વર્ષાની અસ્ખલિત ધારા ક્યાં છે? માણસો અકળાયેલા છે, વાદળી તાપથી બધા ચીઢિયા થઈ જાય છે. સભાઓમાં સભ્યો પણ તપી જાય છે, ઝઘડો કરી બેસે છે. બધે જ શીતળતાની જરૂર છે. પંખો સાવ નકામો લાગે છે. છાપામાં મુંબઈમાં વરસેલી હેલીના સમાચાર વાંચીને અહીં સંતાપ વધી જાય છે. દિવસ આખો કઠે છે અને વાદળને ઘસડીને દૂર ભગાડી મૂકતા પવન પર વિશ્વાસ બેસતો નથી છતાં આશા છે કે બધું સારું થશે.