ઇદમ્ સર્વમ્/પશુજીવનની સહજતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પશુજીવનની સહજતા

સુરેશ જોષી

‘માનવીને માટે પશુ થવું પણ સહેલું નથી.’ એવો મારો અભિપ્રાય સાંભળીને એક સજ્જને કહ્યું, ‘આમ કહેવાનો શો અર્થ? માનવી શું ખરેખર પશુ થવા ઇચ્છે છે? છતાં જાણે પશુ નથી થઈ શકાતું એવું કહીને અફસોસ કરવાનો કશો અર્થ છે?’ માનવી તથા પશુને જોડાજોડ મૂકવાથી ઘણાને એક પ્રકારનું અસુખ થાય છે, પશુ વિરુદ્ધ માનવી – એવા બે પક્ષો ઊભા કરવાનો મારો આશય નહોતો કે પશુ થવાની ઝુંબેશ ઉઠાવવાની પણ મારી દાનત નહોતી. છતાં ‘માનવતાવાદ’ જેવી વસ્તુ આજકાલ જ્યાં ને ત્યાં ઉલ્લેખ પામતી જોઉં છું ત્યારે મનમાં થાય છે કે આપણે માનવીઓ માનવી હોવાના પર ભાર મૂકીને એનો એક વાદ ઊભો કરીને કોની સામે ઝૂઝવાની તૈયારી કરી રહ્યા છીએ? પશુઓએ તો ‘પાશવતાવાદ’ ઊભો કર્યો નથી. માનવીએ પશુ પર અત્યાર સુધી કરેલા જુલમોને કારણે પશુઓ સંપ કરીને માનવી પર ત્રાટકે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી, કારણ કે પશુ આવી કોઈ યોજના ઘડી શકતાં નથી. માનવી યોજના કરી શકે છે. એ શાપ પણ છે ને વરદાન પણ છે. યોજનામાંથી કાવતરું-ષડયન્ત્ર પણ જન્મે છે. ને વિધિની વક્રતા (અથવા એમ શા માટે કહીએ? માનવસ્વભાવની વક્રતા જ કહેવી ઘટે ને?) એવી છે કે આ કાવતરું માનવી માનવી સામે જ રચતો હોય છે!

પશુઓની પાશવતા ને માનવીઓની માનવતા જરા તપાસવા જેવી છે. સંસ્કૃતિને ટકાવી રાખનારા. માનવ વંશને ટકાવી રાખનારા ગુણો માનવી પશુ પાસેથી શીખે તો સારું એવું નથી લાગતું? મને એ વાતનું સુખ છે કે મારી જેમ કેટલાક બીજાઓએ (ને એ લોકો તરંગી નથી, વિદ્વાન છે) પણ પ્રામાણિકપણે આ વિશે વિચાર કરીને પશુઓને ઘટતું શ્રેય આપીને એમની પાશવતાની કદર કરી છે. માનવીઓ (એ વિશે પશુઓ બેખબર હોવાથી) પોતાના લાક્ષણિક અધમ દુર્ગુણોને પાશવી કહીને ઓળખાવે છે. છાપામાં આપણે ઘણુંખરું કોઈના પાશવી કૃત્યની વાત વાંચીએ છીએ. સમાજ જેને માન્ય નથી રાખતો એવા જાતીય વૃત્તિને સંતોષવાને માટેના અતિરેકને એ પાશવી કહીને ઓળખાવે છે. કોઈ સ્ત્રી કે પુરુષ સંભોગસુખને જ જીવનનું લક્ષ્ય ગણે છે તો એ પોતાનામાં રહેલા પશુને વશ વર્તે છે એવું કહેવાય છે. નાન્દી કરવા પૂરતું આ કદાચ બરાબર ગણાતું હશે (ને માનવી પશુથી ભિન્ન કરીને પોતાને ઓળખાવવા હંમેશાં આતુર હોય છે) પણ તટસ્થપણે વિચારનાર ફિલસૂફને (પછી ભલે ને એ પણ માનવી હોય) તો એમાં પશુ જાતિને અન્યાય થતો જ લાગશે.

આજથી દોઢ સદી પહેલાં માનવજાતિની વિશિષ્ટતા એ બતાવવામાં આવી હતી કે એ આખાય વરસ દરમિયાન સમ્ભોગસુખ માણે છે. આ વાત આજે પણ એટલી જ સાચી છે, પશુઓ જિન્સી વૃત્તિને ગૌણ લેખે છે. પ્રજોત્પત્તિને મહત્ત્વ આપે છે. આદિમ માનવજાતિનો અભ્યાસ કરનારા વિદ્વાનો આદિ માનવ અને પશુ વચ્ચે સમાનતા છે એમ કહે છે. એમના કેટલાક વિધિઓમાં સ્ત્રીપુરુષસમ્બન્ધને પ્રકટ કરતાં પ્રતીકોને મહત્ત્વ આપવામાં આવતું એ જોઈને કેટલાક લોકોએ ઉપરછલ્લું વિધાન કરેલું કે, જાતીય સુખ આદિ માનવને માટે પણ એક વળગણ રૂપ હતું. પણ વાસ્તવમાં આવું અનુમાન તારવી શકાય નહીં. આદિ માનવસમાજ તથા આ માનવીનાં મનોવલણોનો અભ્યાસ આ અનુમાનને જૂઠું ઠરાવે છે. સંસ્કારી માનવીની સરખામણીમાં એ અસભ્ય અસંસ્કૃત માનવ (પશુની જેમ)જ વર્તતો… કદાચ જાતીય વૃત્તિ હીન જ લેખાય, એનું મન એટલી તત્પરતાથી કે ટેવના બદલે બળે કરીને એ વૃત્તિની દિશામાં એકદમ વળી જતું નહોતું. એની એ વૃત્તિને પ્રદીપ્ત કરવાને અસાધારણ પ્રમાણની ઉત્તેજના આવશ્યકતા થઈ પડતી. એના આજે ‘અશ્લીલ’ લેખાતાં નૃત્યો કોઈ વિકૃત જાતીય વૃત્તિમાં નથી ઉદ્ભવ્યાં. એથી ઊલટું, જાતીય સુખને માટે જરૂરી લાગણી ઉદ્દીપ્ત થાય એ હેતુથી જ એ યોજાતી.

આજનો માનવી નમાલો બનીને આ માટે કેવાં વલખાં મારે છે તે તો તમે આજની જાહેરખબરો જોશો તો પણ જણાશે. ચારે બાજુ જાણે નગ્ન અર્ધનગ્ન સ્ત્રીઓનું કીડિયારું ઊભરાઈ ઊઠેલું દેખાય છે. ને એ કારણે જીવનની અનેક રેઢિયાળ વિગતો પૈકીની એક વિગત બની રહે છે. વિલિયમ સેન્સમ નામના અંગ્રેજ વાર્તાકારે આ વિશે તીખો વ્યંગ કરતી એક સુંદર વાર્તા લખી છે. લંડન જેવું મોટું શહેર. એનો એક ભૂગર્ભ રસ્તો. એક સુંદર યુવતી ચાલી જાય છે. યૌવન એનું એની કાયામાં સમાય નહીં, ફાટું ફાટું થાય. કોઈનીય નજરને લોભાવે, ભૂગર્ભ રસ્તે જતાં એણે જોયું તો આજુબાજુ કોઈ હતું નહીં, રસ્તો લગભગ નિર્જન, દૂર એક ફેરિયો બેઠેલો, ‘એ છેડતી કરે તો?’ આ વિચારે એ યુવતી ભયથી ધ્રૂજી ઊઠી. છતાં ભયના માર્યા કાંઈ ભાગી થોડું જ જવાય? તો તો પેલો પાછળ જ દોડે ને! આથી બહારથી સ્વસ્થ હોવાનો ડોળ કરીને એણે ચાલવા માંડ્યું. એને નજીક આવતી જોઈ ફેરિયો ઊભો થયો, એ તરફ વળ્યો. યુવતીને થયું કે હવે તો આવી બન્યું. ચીસ પાડે તોય ક્યાંય કોઈ સાંભળે એવું દેખાયું નહીં. એ સાવ નજીક આવી એટલે ફેરિયાએ એની આગળ ઝૂકીને પૂછ્યું : ‘તમારી પાસે પેન્સિલનું ઠૂંઠું છે?’ પેલીએ તો પર્સમાંથી પેન્સિલ કાઢીને આપી દીધી ને ‘હાશ છૂટ્યા’ કહીને ચાલવા જ માંડી. એણે જોયું તો પેલો ફેરિયો સ્ત્રીની અશ્લીલ આકૃતિ ભીંત પર દોરીને એની નીચે બીભત્સ શબ્દો લખતો હતો. સ્ત્રીની એને જરૂર નથી. દીવાલ પર થોડાક શબ્દો લખવાથી એનું કામ થઈ જાય છે! આપણી આખી સંસ્કૃતિ આમ આવી મૂળ વસ્તુને સ્થાને અવેજીમાં કશુંક મૂકીને એનાથી જ કામ ચલાવી લેવા ઇચ્છતી નથી?

વચમાં અશિષ્ટ-અશ્લીલ શબ્દોના ઉપયોગ પરત્વે ચર્ચા નીકળી હતી. જ્યોર્જ સ્ટેઇનર નામના એક વિચારકે આવા શબ્દો ન વાપરવા જોઈએ એનું એક કારણ એ આપ્યું હતું કે જાતીય સમ્બન્ધ દરેકની એક અંગત વસ્તુ છે ને એ આખા સમ્બન્ધ સાથે સંકળાયેલી સંવેદનાની આ શબ્દો દ્વારા એક અંગત છબિ ઊભી થાય છે. આવી અંગત છબિને જાહેરમાં મૂકવાથી આપણે લૂંટાઈ જઈએ. સુખ તો સમ્ભોગનું જ છે, છતાં દરેકનો એ આગવો અનુભવ હોય છે અને તેથી એની સાથે સંકળાયેલી એના મનમાં ઊપસી આવતી છબિ પણ એની આગવી જ હોય છે. એને પણ જાહેર વસ્તુ બનાવવાથી આપણું પોતાનું કહેવાય એવું કશું જ રહેશે નહીં.

પશુઓ તો ભાષાનો ઉપયોગ કરતાં નથી, ને સૌથી મોટી વાત તો એ છે કે એમને કુદરતે આપેલી રૂવાંટી સિવાયનું બીજું કશું આચ્છાદન નથી. માનવીની બીજી વિશિષ્ટતા તે આ – પોતાને ઢાંકવાની – બધી રીતે ઢાંકવાની કળા. પશુઓ નગ્ન છે, નિખાલસ છે. એમનામાં કશી ગુપ્તતા નથી. પણ માનવીને ગુહ્યા અંગો છે, આથી ઢાંકવું, સંતાડવું, પ્રગટ કરવું એ બધાંની એક ભારે અટપટી જંજાળ એણે ઊભી કરી છે. ઢાંકીને ખુલ્લું કરવામાં એને અજબ રસ પડતો હોય છે. એક રીતે કહીએ તો સંસ્કૃતિ એટલે જ આચ્છાદનની કળા. વાણી તે પ્રકટ કરવાનું સાધન કે આચ્છાદનનું સાધન?

આ આચ્છાદનમાંથી જ કૃત્રિમતા, આડમ્બર જે છે તેને જુદા રૂપે પ્રચ્છન્ન કરીને રજૂ કરવાની ચાતુરી – આ બધું ચાલી આવ્યું. સત્યનું મુખ હિરણ્મય પાત્રથી ઢાંકી દીધું. આચ્છાદન એ જેને ઢાંકે તેથી પણ વધુ રમણીય બની રહે તેવી પેરવી માનવી કરતો રહ્યો. નગ્ન સત્ય જેવી કોઈ વસ્તુ હોઈ શકે ખરી? કળા, ધર્મ એ પણ આચ્છાદનો જ ને! જે નરવું છે તે કદાચ માનવીય નથી. તે માનવીની વિશિષ્ટતા, સ્પર્શ વિનાનું છે. આથી આચ્છાદનની કૃત્રિમતા ને સહજ નગ્નતા વચ્ચેનો ભેદ તીવ્ર બન્યો; એની સાથે શ્લીલ અશ્લીલના ભેદ પડ્યા, પશુ સહજ રીતે જીવે છે, માનવી કૃત્રિમ રીતે. કૃત્રિમ માનવી સહજ શી રીતે હોઈ શકે, માટે માનવી માનવી જ રહે, પશુ ન બની શકે એ અશક્યતા આપણે સ્વીકારવી જ રહી.