ઇદમ્ સર્વમ્/મધરાતે સૂર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મધરાતે સૂર્ય

સુરેશ જોષી

આજે રાતે જો સૂર્ય ઊગે તો? તારાઓ પંખી થઈને ઊડે ને ટહુકી ઊઠે, આરમ્ભાયેલા સ્વપ્નની અર્ધી ભુંસાયેલી રેખા આંખમાં રહી જાય, નદી સરોવર અર્ધી ઊંઘમાંથી જાગે, ચન્દ્ર આથમવા માટે દોડ મૂકે. એની હડફેટે ચઢીને સમયની કેટલીય કલાકશીશીઓ તૂટી જાય ને પછી કેટલાય સહરા ઠલવાતા જાય. સવાર થઈ જાણીને કાગડા અને ભિખારી એક સાથે બોલી ઊઠે, રાત્રિનો બાકી રહેલો અન્ધકાર લપાઈ જવાને ફાંફાં મારે, ઘુવડ સીધું સૂરજને ચાંચ મારવા દોડે. શહેરના ટાવર થંભી જઈને આકાશ ભણી સૂરજમુખી બનીને ઝૂકી રહે. રાત્રિના બાર ટકોરા તળાવમાંના દેડકા ગળી જાય, કીડીઓનું કટક સૂરજને ઢાંકવા દોડે, મન્દિરમાંના ભગવાન વહેલા જાગે અને મંગળાના દર્શન આપવા સાજ સજે, નિશાળનો ઊંઘતો ઘંટ સફાળો જાગીને માથું ધૂણાવે, પોતાના જ અવાજથી ચોંકીને વળી સ્તબ્ધ થાય. બંધ દેશી હિસાબમાંના એકડાબગડા જાગીને હારબંધ સૌ સૌની જગ્યાએ ગોઠવાઈ જાય, ભૈયાજીના તબેલામાંથી ભેંસ સહેજ જાગીને ફરી આંખ બીડી દે. એના આંચળમાંથી એની ઊંઘ જ જાણે નીતરી રહે, હોસ્પિટલના અંધારા ખૂણાઓમાં સહેજ થાક ખાવા બેઠેલું મરણ વળી ફરજ પર ચઢે. ઓચિંતો આવી ચઢેલો સૂર્ય રાત્રિના ખુલ્લા પડી ગયેલા મુખને જોઈ લે. મોડી રાતે સહેજ આંખ બીડીને સૂતેલા વૃદ્ધો ફરી જાગીને માળા લઈને બોખે મોઢે ‘રામ’ રટતા થઈ જાય. પણ હું બારીમાંથી જોઉં છું તો ચન્દ્રનું અડધિયું આકાશમાં અટવાતું ફરે છે. દરરોજની જેમ રાબેતા મુજબ હાઇવે પરથી ટ્રક દોડ્યે જાય છે. આ નવો સૂર્ય આથમવા જાય ત્યારે જ આપણો હંમેશનો રાબેતા મુજબનો સૂર્ય ઊગે તો? તો તો સૂર્યવાળી રાતથી આપણે ટેવાઈ જઈએ. જાપાનીઓ સૂર્યને ‘આમાસૂરા’ કાળો દેવ કહીને પૂજે છે. રાત તડકાવાળી બને તો આપણા પાપનો રંગ પણ બદલાઈ જાય. પણ બારીમાંથી જોઉં છું તો કોઈ જૂના રાજાના વખતના કાટ ખાઈ ગયેલા સિક્કા જેવો ચન્દ્ર દેખાય છે. મેદાનને એક ખૂણે નાનું સરખું તાપણું કરીને બે ચાર ઠૂંઠવાતા આકાર બેઠા છે. વિજ્ઞાનમાં ભણેલા કે ઠંડી પદાર્થને સંકોચે છે. આપણે માનીએ છીએ તેટલું સંકોચાવું આપણે માટે સહેલું નથી. ઘણા ઇન્દ્રિયભ્રમ (બે ભ્રમની વાત આપણે જાણીએ છીએ : દૃષ્ટિભ્રમ અને ચિત્તભ્રમ)ને આધારે આપણે ટકી રહીએ છીએ. આ ભ્રમ ભાંગે તો આપણી શી દશા થાય? આપણે તો આપણી સામે એક અખણ્ડ માનવીને જોઈએ છીએ. પણ કોઈ વાર કોઈની આંખો દૂર દૂર દૂર નાસી ગઈ હોય છે, તો કોઈક વાર પગ (ને તેમાંય બંને જુદી જુદી દિશામાં,) જાણે કોઈ પાછળ પડ્યું હોય તેમ ભાગતા હોય છે. હાથ લંબાઈને કોઈ બીજા યુગ સુધી પહોંચી જતા હોય છે. અને હૃદય? એ તો ભાગ્યે જ એને ઠેકાણે હોય છે. છતાં આપણે કહીએ છીએ કે ‘હું આ રહ્યો.’

તેથી તો કહું છું કે વિસ્તરવું, ફેલાઈ જવું, વિખેરાઈ જવું એ આપણો સ્વભાવ છે. આથી જ પ્રેમમાં દૃઢ આલંગિનનું મહત્ત્વ છે. એમ આપણને કોઈ સમેટી લે, આપણે આપણી સમગ્રતા સહિત સચવાઈ રહીએ એ કેવું મોટું સદ્ભાગ્ય! હાથ એ બહુ જોવા જેવું અંગ છે. આપણે કોઈની આંખમાં આંખ માંડીને તો કશીક આત્મીયતા વિના ન જોઈ શકીએ, પણ હાથ તો હંમેશાં (આપણા દેશમાં) ઉઘાડો જ હોય છે. આંખ તો ઘણાં આવરણમાં ઢંકાઈને રહે છે. કોઈ વાર અન્યમનસ્કતાના અભેદ્ય આવરણ ઓથે ઢંકાઈને રહે છે, તો કોઈ વાર આંસુની ઝાંયનું પાતળું તરલ આવરણ. ઘણી આંખો આપણને એક હડસેલે દૂર ફેંકી દે છે. કેટલીક વાર આપણી સાવ નિકટની આંખ પણ આવું કરી બેસે છે ત્યારે શૂન્યના વિરાટ પ્રસારમાં આપણે પડ્યે જ જઈએ છીએ. પછી આપણને ઝીલી લેનારો હાથ ક્યાં? ‘પિકપોકેટ’ નામની ફ્રેન્ચ ફિલ્મ જોયેલી. એમાં કેમેરાએ હાથને જ જીવતો કર્યો હતો; દરમાં લપાઈ જતો હોય તેવો, દોટ મૂકીને ભાગતો હોય તેવો, સાપની જેમ સરતો, ફણા માંડતો, શરમાળ, ધૃષ્ટ, છંછેડાયેલો, નિશ્ચેષ્ટ પડી રહેવાનો ઢોંગ કરતો : ત્યારે હાથનું જીવન જોયું. આપણે કોઈના હાથ જોતા હોઈએ ત્યારે પકડાઈ જવાનો ઝાઝો ભય રહેતો નથી. કોમળ નાજુક ચંચળ આંગળીઓ પર આદિ માનવીની બર્બરતાના પ્રતીક જેવા વધારેલા નખ – આ બે ભેગાં થતાં આકર્ષણ વધે છે, ભય વધતો નથી. પણ ઘણા બધા હાથ જુગુપ્સાજનક પણ હોય છે. એની આંગળીઓ જાણે ટૂંપો દેવા અધીરી હોય તેમ સળવળ્યા કરે છે. કેટલાક હાથ રબર જેવા નિર્જીવ લાગે છે. એ ફૂલેલા લાગે છે, જો સહેજ દબાવો તો અંદર ભરેલી હવા નીકળી જતાં ચપટા થઈ જાય એવી ભીતિ લાગે છે. કેટલાક હાથ આમ એક જગ્યાએ સ્થિર છતાં દોડતાં, અથવા દોડવાને અધીરા લાગે છે. માણસની વાચા ખૂલી નહોતી ત્યારે માણસ હાથથી જ બોલતો હતો. આજેય હાથની ભાષા સાવ ભુલાઈ નથી થઈ. બાળપણમાં આપણા ગાલ અને હાથ વચ્ચેની ઉગ્ર વાતચીતના પરિણામે આંખમાં ઝળઝળિયાં આવી જતાં. હાથને જોતાં હું કદી થાકતો નથી (જોષી હોવાને કારણે નહીં!) જે સદા સર્યા જ કરે છે, સંસાર જેનું નામ, તેમાં બે હાથ ભેગા થાય, એકબીજાને વળગી પડે. પાણિગ્રહણ થાય, પછી એની છાયામાં જીવન વિકસે, હાથ આશિષ આપે, એ હાથની જ વરમુદ્રા અને અભયમુદ્રા રચાય તો એ હાથ જ દંડ દે, તાડન કરે, બંદૂકનો ઘોડો દબાવે. સરસ્વતીનું વાહન પણ હાથ, એને આધારે કલમ ચાલે, આથી પ્રખ્યાત શિલ્પી રોદાંને હાથનું આકર્ષણ હતું. આંખ તો છેતરામણી. હાથ જ હાથવગો. માટે તો જે હાથે લાગ્યું તે જ આપણી પ્રાપ્તિ. એ હાથ પોતે પોતાનામાં સંકોચાય તો મુઠ્ઠી બની જાય. એ બાંધી મુઠ્ઠીની કિંમત તો લાખની થઈ જાય. આ હાથનો મહિમા બ્રહ્માંડવ્યાપી છે. સૂર્યનાં કિરણો તે કર એટલે કે એના હાથ, વૃક્ષોની શાખા તે હાથ, સમુદ્રનાં મોજાં તે હાથ, એના વડે જ યોગ થાય, સંયોગ થાય. એ છૂટા પડે તો વિયોગ, સૌથી વધારે લાચારી પણ આંખમાં નહિ પણ હાથમાં દેખાય. આપણી પુરાણકથાઓમાં રાક્ષસોનાં માથાં વધારે, તો દેવદેવીના હાથ વધારે, દશભુજા દેવી ને ચતુર્ભુજ વિષ્ણુનો મહિમા આપણે જાણીએ છીએ. આથી સત્તાધીશ એમ કહેવાનો : મારા હાથ નીચે આટલા કામ કરે છે. હાથની નીચે અને હાથની ઉપર – આ ઉપરનીચેની ભૂગોળ વળી અજબ જ છે.

આ હસ્તપુરાણનો તો અન્ત નહિ આવે, પણ હાલ પૂરતું એને અહીં બંધ કરું. વળી કોઈ વાર હાથ સળવળશે ત્યારે.