ઇદમ્ સર્વમ્/વિદગ્ધતાનો મહિમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદગ્ધતાનો મહિમા

સુરેશ જોષી

વાત તો ચાલતી હતી કળા વિશે. ચિત્રકળા કે શિલ્પકળાને સમજવાનો મારો દાવો નથી, પણ ચિત્ર કે શિલ્પ જોઈને નરી મુગ્ધતા કે પછી નર્યા અણગમાનો પ્રતિભાવ જેમને થાય છે એમની જોડે જીભાજોડી કરવાનો હું કશો અર્થ જોતો નથી. આપણા શહેરમાં ચિત્રકારો છે, શિલ્પીઓ છે. થોડાક ઉદ્યોગપતિઓ કે ધનિકો એમની કળાકૃતિઓ કોઈક વાર ખરીદે છે. કોઈ અવલ દરજ્જાની હોટલમાં ‘મ્યુરલ’ કરવાનું કામ પણ એમને સોંપાય છે. પણ આ સિવાયનો એક શેખીખોર વર્ગ છે. એ કળામાં સમજે ઓછું પણ પોતાની સંસ્કારિતાની છાપને જાળવી રાખવા એ ઘણી વાર પોપટિયા ભાષા રટ્યા કરે છે, એટલું જ નહીં, કળાકારને સલાહ આપવાની પણ ઘણી વાર ધૃષ્ટતા એ કરી બેસે છે.

ધાતુને તેજાબથી કોરીને બનાવાતી કૃતિઓ વિશે કોઈ કશુંક કહેતું હતું. એમાંથી વાત નીકળી, કળામાં કશું નકામું જતું નથી. કાંઈક બનાવતાં જે કાંઈ વધ્યું હોય તેને પણ બીજી રીતે લેખે લગાડી શકાય. આપણા એક શિલ્પીએ મુકન્દ આયર્નમાંના ભંગારમાંથી શિલ્પો રચ્યાં હતાં, સીસા અને જસતના વધેલા પતરામાંથી ગળામાંના હારમાં ઝૂલતાં લટકણિયાં કોઈએ બનાવ્યાં હતાં, એ જોઈને ભદ્ર અને પશ્ચિમ તરફ ઝૂકેલા સમાજના પ્રતિનિધિઓમાંના એક સન્નારી મોઢામાંથી સિગારેટનો ધુમાડો કાઢતાં કાઢતાં બોલ્યાં : ‘ફ્રેન્કલી સ્પીકીંગ, આય ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વ્હાય આઇ શુડ કોલ ઇટ અ વર્ક ઓવ આર્ટ?’ મને જરા ટિખળ કરવાનું સૂઝ્યું, મેં કહ્યું : ‘તમે ઘડીભર એ ભૂલી જાઓ કે આ વસ્તુ વધ્યાઘટ્યા જસતના પતરામાંથી બની છે. એનો આકાર જુઓ.’ એમણે મારી વાતને હસી કાઢી કહ્યું, ‘હા, તમે આકારવાદી છો તે હું જાણું છું. એવા કશા હમ્બગને હું માનતી નથી.’ મેં મોઢું ગમ્ભીર રાખીને કહ્યું : ‘આનો આકાર તે આદિવાસીઓ ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના માઓરીઓ જે પ્રકારની ઢાલ વાપરતા તેનો આકાર છે. એ કોઈ સ્ત્રી વક્ષ:સ્થળ પર ધારણ કરે તો પુરુષોની પાશવી નજર સામે એનું રક્ષણ થાય છે.’ પાછળનું વાક્ય મેં ઉમેર્યું એટલે વાત હળવી બની ગઈ ને એ સન્નારી હસી પડ્યાં. એમની જોડે તો ગમ્ભીરતાથી ચર્ચા કરવાની કોઈ ભૂમિકા નહોતી. પણ વધારે પડતી વિદગ્ધતાથીય માનવી કંટાળે છે. એ વિદગ્ધતા જ એની સંવેદનાના સારા એવા ક્ષેત્રને નકામું કરી નાખે છે. વિદગ્ધતાનું કઠણ કોચલું ભેદીનેય જગતને – દૃશ્ય સ્પર્શ્ય જગતને – અનુભવવાની કળાકારને ઇચ્છા થાય. આથી સ્વેચ્છાએ સંસ્કારિતા ને વિદગ્ધતાના આવરણને ખસેડી નાખીને એ ફરીથી આદિમ પ્રાકૃત આવેગોને અનુભવવા ને આકારવા ઇચ્છે છે. એ જે પૂર્ણતાને ઝંખે છે તેમાં નરી વિદગ્ધતા ન ચાલે કારણ કે એ ઘણું બધું બાદ કરી નાખે છે. આથી આદિવાસીઓની કળા જોઈને પશ્ચિમની ચિત્રકળામાં પરિવર્તન થયું. આદિવાસીઓની કળા જીવનના વ્યવહારની નજીક હતી. એમનાં રોજ-બ-રોજનાં ઉપયોગનાં સાધનોમાં એ કળા ઓતપ્રોત થઈ ગઈ હતી. આજે એ કળાને માણવા માટેના જુદા પદાર્થ રૂપે આપણે પ્રદર્શનોમાં રજૂ કરીએ છીએ, ત્યારે એવું નહોતું. આજના યન્ત્રયુગમાં ઉત્પન્ન થતી ઉપયોગની સામગ્રીને માનવીના હાથનો સ્પર્શ થતો નથી. આથી કળા પોતે જ એક રીતે જોઈએ તો વિદગ્ધતાનું પરિણામ બની રહી છે.

આની પ્રતિક્રિયા રૂપે કે પછી અંદર અનુભવાતી કશીક ઊણપને કારણે કળા ફરીથી ‘પ્રિમિટિવિઝમ’ તરફ વળી છે. સુધરેલો માનવી જાણીકરીને જંગલી દેખાવાનો પ્રયત્ન કરે તો એની ફેશન બની જાય. આજે પોશાકમાં, રહેણીકરણીમાં માનવી ભદ્રતાનું કોચલું તોડીને ફરી અસંયત ને પ્રાકૃત બનવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્નપૂર્વકની જાણીકરીને કેળવેલી આ પ્રાકૃતતા કૃત્રિમ છે, પણ કળા નામે કૃત્રિમ જ હોય છે. એની કૃત્રિમતા જ એની સચ્ચાઈ છે. કવિતામાં પણ વિદગ્ધતાના ભાષા પર જામેલા થરને ખસેડીને સંવેદનો અનુભવવાનો પ્રયત્ન થતો રહ્યો છે. માનવી અનેક પ્રયત્ને એની સંવેદનાની ધારને તીક્ષ્ણ રાખવા મથે છે.

હું આ વિરોધનો વિચાર કરતો હતો. અત્યન્ત સંસ્કૃત માનવી જાણીકરીને પ્રાકૃત બનવા મથે, ‘પ્રિમિટિવ’ થઈને જગતને અનુભવવા ને આકારવા ઇચ્છે ને એનો એક સમ્પ્રદાય બને, આમ વિદગ્ધોની પ્રાકૃતતા જેવી એક ઓર તરેહની વિલક્ષણ વસ્તુ આપણા જમાનામાં જોવામાં આવે છે. કૌવત, વિધિ-નિષેધની ઝાઝી સૂગ વિનાની અસંયત પ્રાકૃતતા – આનું આજે કવિઓ તથા કળાકારોને ઝાઝું આકર્ષણ છે. ‘ચાલો પશુ થઈએ, ચાલો સંસ્કૃતિને ફગાવી દઈએ’ એવા સૂત્રોચ્ચાર પણ થતા રહે છે. વાસી થયેલી, મરી જઈને કેવળ જડ કઠણ પોપડાની જેમ બાઝી રહેલી સંસ્કૃતિની માયા રાખવાનો કશો અર્થ છે ખરો? માણસે એની માયા છોડવી જ રહી.

આ સંસ્કૃતિનાં બાહ્યા લક્ષણો મુંબઈ જેવા કોઈ શહેરના ભદ્ર વર્ગના ફલેટમાં પગ મૂકશો કે તરત જ વરતાઈ આવશે. ‘આ ક્રોકરી સ્વિટઝર્લેન્ડ ગયેલો ત્યાંથી લાવ્યો હતો.’ ‘આ માટીનો ઘોડો સોનગઢ વ્યારાના ગામીત ચૌધરીઓ મરેલાઓને માટે રમકડાં મૂકે છે તેમાંનો એક છે.’ ‘અમારી બેબી ભરતનાટ્યમ્ના વૈજયંતીમાલાના ક્લાસમાં જાય છે.’ સ્ટ્રીમલાઇન્ડ ફનિર્ચર, ઇન્ટિરિયર ડેકોરેટરની સફાઈ, લેમ્પશેઇડ – તમે જોશો તો બધી કૃત્રિમતા પરખાઈ આવશે. આ ચળકાટ જ જો સંસ્કૃતિને નામે ઓળખાતો હોય તો એની કશી માયા રાખવાની જરૂર નથી.

પહેલાં માણસની આંખો દૂર સુધી જોતી હતી. અંધારું સાવ અપારદર્શી નહોતું. પશુઓની મૂગી આંખની વાચા પણ માણસ સાંભળતો હતો, એના કાન સરવા હતા. એ ઘણું સાંભળતો હતો. એની ઇન્દ્રિયો સાવધ હતી, તીક્ષ્ણ હતી. એ લોહીના આવેગને પારખતો હતો. એ શરીર કે મન – બંનેને ઢાંકવાનું બહુ જાણતો ન હતો. લિવંગ્સ્ટિને આફ્રિકાના આદિવાસીઓને મેન્ચેસ્ટરનું સારામાં સારું કાપડ ભેટ તરીકે આપ્યું તો આદિવાસીઓએ તરત જ એને ફાડીને એના ચીરાનો માથામાં શણગાર કર્યો પણ અંગ ન ઢાંક્યું. એમની દૃષ્ટિએ અંગ તો ઈશ્વરે ઢાંકેલું જ હતું. પછી વળી એના પર વધારાનું એક અસ્તર આપણે શા માટે ઉમેરવું? પછી માણસે ઓજાર શોધ્યાં, એમાંનું એક ઓજાર તે ભાષા. એ ભાષાને ચિહ્નો દ્વારા સ્થિર કરી, લિપિ રચાઈ, પછી બીબાં થયાં. મુદ્રણકળા આવી. સંસ્કૃતિ હરણફાળે આગળ વધી. પ્લેટોએ એના જમાનામાં ચેતવણી આપી હતી. એણે કહ્યું હતું કે આ લખવાની શોધ સંસ્કૃતિને માટે ખતરનાક નીવડશે. એથી માણસ વિચાર કરીને સમજવાને બદલે ગોખતો થઈ જશે. લિપિ વડે ભૂતકાળને પણ જડી દેવાયો. એટલી વર્તમાન પરથી આપણી નજર ખસી ગઈ. પ્રત્યક્ષ જીવનની આડે લિપિ અન્તરાય બનીને ઊભી રહી. માનવી માનવી વચ્ચેનો સંવાદ ભાંગી પડ્યો. એને સ્થાને યાંત્રિક પદ્ધતિની કેળવણી આવી ગઈ. એક કૃતિ પર એક જણ ભાષ્ય રચે. એ ભાષ્યનું ભાષ્ય ને એનુંય ભાષ્ય – એમ પંડિતાઈ ડહોળવાનું વધી પડ્યું. હાથે લખેલી પોથી કે શિલા કોતરેલા અક્ષર પર આંખ ધીમે ધીમે આગળ વધે છે. છાપેલા અક્ષર પર થઈને તો એ દોડી જાય છે, ને એમ દોડવામાં એ ઘણું કુદાવી પણ જાય છે. એની પાછળ રહેલું મન પણ દોડે છે. આથી એક પ્રકારની અધીરાઈ, અસ્થિરતા ને અજંપો વધે છે, ધીમે ધીમે માણસ સાંભળવાનું છોડીને વાંચતો થઈ જાય છે, દૂર દૂર ભમતી આંખ બીબાંઓની હાર વચ્ચે દોડે છે.

હવે આની પણ પ્રતિક્રિયા થઈ. હવે ફિલ્મ, રેડિયો ને ટેલિવીઝનને કારણે શબ્દથી વધારે પ્રત્યક્ષ એવી સંવેદના તરફ આપણે વળ્યા છીએ. ફરીથી શબ્દ બીબાંથી છૂટીને માણસને હોઠે જઈને બેસશે ને એને બોલતો જોઈશું ને સાંભળશું એવો જમાનો આવ્યો છે.