ઇન્ટરવ્યૂઝ/નાટક અને અલગારી ખુદમસ્તી :

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાટક અને અલગારી ખુદમસ્તી
[ડૉ. ચન્દ્રવદન ચી. મહેતાની મુલાકાત]


પ્રશ્ન : નાટ્યકલા, દેશ-વિદેશનાં નાટકો તેમજ રંગભૂમિ વિષે આપે સતત લખ્યા કર્યું છે. ગુજરાતી નાટ્યસાહિત્ય અને રંગભૂમિ અળગાં જ રહે છે એનું કારણ મને લાગે છે કે આપણે ત્યાં પ્રતિભાશાળી નાટ્યસર્જક નથી, કાલિદાસ, શેક્સપિયર, શૉ, ઇબ્સન કે પિરાન્દેલો જેવી પ્રતિભા નથી – એ છે. (બીજાં તો કેટલાંયે કારણો ગણાવાય છે.) આપ તો નાટ્યાચાર્ય છો, આ વિષે શું કહેશે? ગુજરાતમાં એક સુંદર અને ભવ્ય નાટ્યમંદિર બાંધવાની આપની હોંશ અને પોતીકી નાટકશાળા નહીં હોય ત્યાં સુધી નાટક નહીં જ ઊગે એવી આપની દૃઢ માન્યતા - એ માટે દરેક ગુજરાતી ઘર પાસેથી એક-એક રૂપિયો મળે એમ આપે ઇચ્છ્યું, પણ એ શક્ય ન બન્યું, એના કારણમાં આપે તો નમ્રતાથી કહ્યું કે હું જ સતત એની પાછળ મંડ્યો ન રહ્યો અને પૂરતો પુરુષાર્થ ન કર્યો. હું માનું છું કે ગુજરાતી પ્રજાની સુસ્તિ એને માટે જવાબદાર છે. આ સિવાય અન્ય કોઈ કારણ હોય તો અત્યંત સ્પષ્ટતાથી આજે ફરીથી કહેશો કે ગુજરાતને એની નાટકશાળા કેમ નથી મળી?

ઉત્તર : આપ પ્રતિભાશાળી નાટક-લેખકોમાં કાલિદાસને તો ગણો છો અને ગુજરાતી નાટ્યસાહિત્ય વિશે સવાલ ઊભો કરો છો. પહેલાં ગુજરાતની વ્યાખ્યા શી? દશ-પંદર પુસ્તકો છે – ‘ગુર્જર મારો દેશ.’ યુનિવર્સિટી ગ્રંથનિર્માણના પુસ્તકમાં જૂની ગુજરાતની રાજધાનીઓમાં ધારાનગરી, ઉજ્જૈન, વલ્લભીપુર, પાટણ, નંદરબાર (નંદીદ્વાર) એવા ઉલ્લેખો છે; તો જો કવિ કાલિદાસ ઉજ્જૈનમાં જીવી ગયા હોય અને એક બીજા સંશોધન પ્રમાણે કણ્વમુનિનો આશ્રમ બ્રહ્મક્ષેત્ર એટલે કે ખેડબ્રહ્મામાં હતો એ ખરું હોય તો એ સ્થળ મેં જોયું છે ત્યાં નિકટમાં જૂના બૌદ્ધવિહારો પણ છે અને એ સોમતીર્થે ગયા તો ત્યાંથી એ સોમનાથ પધાર્યા. એ પ્રવાસ શક્ય છે તો કાલિદાસની નાટ્યકૃતિની ભૂમિકા ગુજરાતમાં, એની ઘટના પણ ગુજરાતમાં એટલે કાલિદાસ જેવા કવિ પણ ગુજરાતમાં થઈ ગયા એવું ગૌરવ લેવું ઘટે.

કવિઓના ફાલ કરતાં નાટકકારો સરેરાશ દુનિયાભરમાં ઓછાં પાકે છે. ગ્રીસમાં, ઈટાલીમાં કવિઓ બહુ થઈ ગયા. નાટકકારો ત્રણ ચાર ઈટાલીના ચાર-પાંચ – એમાં ગ્રાગી, ગોલ્ડોની, પિરેન્દેલો પંકાયા. ફ્રાન્સમાં, ઇંગ્લેન્ડમાં કવિઓ ઢગલેબંધ, નાટકકાર શેક્સપિયર પછી મોટો ગાળો તે શૉ સુધી, પછી યેટ્સ, ઈલિયટ, બેકટને ગોઠવો. ફ્રાન્સમાં શેરીએ શેરીએ કવિ, પણ નાટકકાર રાસૅ, કોરનિલ, મહારથી મોલિયેર. એમ ઠેઠ અમેરિકા સુધી, રશિયા સુધી ફરી વળો તો સારા નાટકકારની સંખ્યા ઓછી મળશે અને એમાં પૃથ્વીપટે દરરોજ જેના નાટક એકાદ રાત તો ક્યાંક ને ક્યાંક ભજવાતા રહે છે તેવા નાટકકારો ગણો તો ફક્ત બે જ – બગડે બે. શેક્સપિયર અને મોલિયેર. આ છેલ્લા 2500 વર્ષોનો સાર. ત્યાં ગુજરાતમાં પ્રતિભાશાળી નાટકકાર એક કાલિદાસ થઈ ગયા એથી સંતોષ લેવો ઘટે. આપણી પ્રજા ગુજરાતના પ્રદેશને કાપતી જાય, છેલ્લા ‘ગોલ્ડન સિટી’ના અંગ્રેજી ગ્રંથમાં મુંબઈનો ટાપુ અંગ્રેજોને આપ્યો એના દસ્તાવેજ પર સહીસિક્કા તો મહમદ બેગડાએ કર્યા – કારણ નાલાસોપારા સુધી એ સમયે ગુજરાતનો રાજ્યવિસ્તાર હતો અને જોધપુર, ધારાનગરી ગુજરાતમાં, એટલે આબુ ગુજરાતમાં. શ્રીમાળનો માઘ ગુજરાતી, પણ સીમાડા કાપવા દેનાર ગુજરાતીઓ પાસેથી છેલ્લા છેલ્લા દહેણુ ગયું, ડાંગ જતું બચ્યું, મુમતાજ જ્યાં પહેલાં દટાયેલી એ ગુજરાતને સીમાડે (વાંચો ‘ધ પીકોક થ્રોન, એન્ડ ક્લાઈવ ઑફ ઇન્ડિયા) તે બુહરાનપુર પણ ગયું અને પછી આપણે કાલિદાસ આપણા નહીં એમ શીખવીએ ત્યાં કોનો વાંક?

અને ‘શાકુંતલ’ ઉપરથી ‘મેળની મુદ્રિકા’ થયું, ચાર-પાંચ-છ-સાત અનુવાદો થયા, ભજવાઈ ફક્ત એક જ રઘુનાથ બ્રહ્મભટ્ટની કૃતિ, તો ફક્ત જર્મનીમાં શાકુંતલના ત્રીશ અનુવાદ, ભજવાયા વારંવાર, એ ઊપરથી નૃત્ય, બાલે, ઓપેરા તે જુદા અને શીલરે તો મેઘદૂત ઉપરથી નકલ કરી કાવ્ય લખ્યું, પણ ગટેજીએ તો કાલિદાસમાંથી વિદૂષક ઉપાડ્યો અને પોતાના નાકટમાં સૂત્રધાર -વિદૂષકની ચર્ચા ગોઠવી-એવી એવી ઘટનાઓથી આપણે અપરિચિત રહીએ ત્યાં કોનો દોષ?

દોષ આપણી શિક્ષણપ્રથાનો. 1948માં હતા એ કરતાં આજે વધારે આપણે અભણ થતા ગયા છીએ. ગુજરાતની રંગભૂમિ ઉપર દોઢસો વર્ષોમાં સારા નાટક ભજવાયા, ભજવાતા રહ્યા છે. શરૂઆતના કાળમાં સાંઠ સારા અને ચાળીશ નબળા હશે, તો દોઢસો વર્ષના ગાળામાં આજે દશ ચોક્કસ સારા અને નેવું નબળા મળશે. મુંબઈમાં સારા ગણ્યાં ગાંઠ્યાં, એમ સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં ભજવાય છે, પણ પ્રમાણમાં પાંચ વાર, દશ વાર, સોમી નાઈટની વાત હવે નહીં. ટૂંકમાં સારા શેક્સપિયર, ઇબ્સન, કાલિદાસ, શુદ્રક જેવા નાટકકારોના નાટકોનો શ્રોતાગણ ઘણો નાનો, ગૌણ; પ્રજાનો મોટો ભાગ અશિક્ષિત – ઉચ્ચ પ્રકારના સાહિત્યથી વંચિત, એસ્થેટિક વૃત્તિનો વિકાસ ઓછો, શ્રેષ્ઠ નાટકોથી અજાણ એટલે એ બળાપા કરવા નકામા છે.

ઉપરાંત બધી બાબતમાં, કાળો પૈસો બનાવવા સિવાય આપણું નૈતિક જીવનધોરણ નીચું ને નીચું જવા બેઠું છે. એમાં ઉચ્ચ શિક્ષણનો સદંતર અભાવ, સિનેમાના ઘોંઘાટિયા વાતાવરણે બગાડેલી આપણી શ્રવણશક્તિ, ટેલિવિઝનનો બ્રહ્મરાક્ષસ તો હજી પૂરો ફાલ્યો નથી, પણ વિસ્તારશે; એકોસ્ટિકના શાસ્ત્રનું અજ્ઞાન, નાટકશાળાઓની ઘટ, વગર વિચારે બાંધેલા હોલ્સમાં માઈક્રોફોને પાડેલી કુટેવ, એથી નટની વાચિક અભિનયની પારાવારની ખામીઓ – નાટકનો મુખ્યત્વે પ્રાણ અભિનય છે અને અભિનયનો પ્રાણ વાક્વૈભવ છે; ગીલગુડ, જયશંકર, બોડસ, શિશિર ભાદુરી, ગ્રોટોસ્કી, ફ્રાન્સનો વિલાર્સ વાચિક અભિનયના બાદશાહો – એક વિસ્પર માત્રથી શ્રોતાઓનાં દિલ જીતી લેતા. ચેપ્લીન જેવો મૂક અભિનયે પણ ભાવપ્રદર્શન થકી જગ જીતી ગયો, રસ જમાવવાની શક્તિ વિનાના આજના મોટા ભાગના નાટકો સસ્પેન્સ પર, ઝાકઝમાટ અને બીજી અનેક ફાલતુ બાબતો પર ચાલે, કારણ મોટા ભાગના લોકો કેવળ દિલ બહેલાવવા જ રંજનાર્થે જાય છે. પેલા દશ ટકાવાળા નહીં.

આ ઉપરાંત જે હોલ્સ કે નાટક કરવાના સ્થાનો છે તે સ્વતંત્ર નથી. પહેલાં નાટકશાળાના માલિકો નાટકની કૃતિના માલિક હતા, કવિ પગારદાર હતો. એણે ઘણા નાટકો પટારે ઉધઈને ખવડાવ્યા. તે બહાર જ ન આવ્યા. એમણે ભારે પાપો કર્યાં છે. ડાહ્યાભાઈ, વિભાકર, મોડે મોડે પ્રભુલાલ જેવા અપવાદ. મણિલાલ પાગલ સો નાટકોનો લેખક, બધા જ ભજવાયેલા, આજે એની એક પણ પ્રત મળતી નથી! એ માલિકો ધૂમ કમાયા, નાટકશાળાઓ બાંધી, ધૂમ ખર્ચા કર્યા, સટ્ટા, જુગાર, શેરબજારમાં ધૂમ ગુમાવ્યા. પારસી થિયેટર પણ એમાંથી બચ્યું નહીં. આજે નાટક કરવાનાં સ્થાનો સરકારના કબજામાં છે. એના કાયદા-કાનૂનો અટપટા છે. એ એક બીજી કારુણિકા છે.

– હું જરા પણ નિરાશ નથી – પ્રજાનું જ્યારે અધઃપતન શરૂ થાય છે, ત્યારે આવું જ થાય. ગરબા બગડ્યા, લોકગીતના ઢાળ અભડાયા, આપણે સુંદર ઓઢણી–ચણિયા–સાડીનો પહેરવેશ બદલાયો, પ્રવાસ, ટપાલ, ટેલિફોન, શિક્ષણ, પરીક્ષણ, વાચન, આપણું સુરક્ષણ પણ બગડ્યું, ત્યાં નાટકશાળા પણ બાકી કેમ રહે – અને ફિલ્મ, બંગાળ, મહારાષ્ટ્ર, તેલુગુ વગેરેની સરખામણીમાં એક ‘ભવની ભવાઈ’ જ ગણાવ્યા કરવાની રહી. કોઈ પા સત્યજીત પણ આપણે ત્યાં નથી અને સત્યજીત પાકે તોયે એને આપણે તો નહીં જ સ્વીકારીએ. આવું સુંદર ‘શતરંજ કે ખિલાડી’નું ચિત્ર તે પરદેશમાં પંકાયું, અહીં નહીં! શોક કરો મા! હું વાસ્તવદર્શી છું. બંગાળમાં હજી નાટકમાં માઈક્રોફોન નથી. આપણે એ વિષે જાણતા પણ નથીઅને જાણીએ તો શીખવું પણ નથી. આ એક ‘ક્રેઈઝ’ છે. સુધરે પણ સમગ્ર ગ્રાફ નીચો જતાં અટકશે, પણ ક્યારે? કોણ જાણે. સ્રષ્ટા જાણે. ત્યારે પણ પહેલી શરૂઆત બાળનાટકોથી, બાળકોનો વાંચન-રસ કેળવવાથી, સંસ્કારજન્ય સાહિત્યથી શિક્ષણની શરૂઆત કર્યાથી, એકાદ બે પેઢી બાદ સુધરે.

તમે તો જાણતા જ હશો કે સરદાર વલ્લભભાઈએ રાષ્ટ્રોનું એકીકરણ કર્યું, બે વર્ષમાં જોરશોરથી વાહ-વાહ પુકારાઈ, ડંકા વાગ્યા, દોઢ–બે વર્ષ બાદ, 1950માં એમના અવસાનના વર્ષમાં ઓગષ્ટ પંદરમીએ છેલ્લા ભાષણમાં જ કહ્યું, “આપણે નાના બંધિયાર કૂવામાં સડેલું જીવન જીવતા થઈ ગયા છીએ. ઇતિહાસ અને અનુભવથી પણ શીખવા માંગતા નથી.” એમના મનમાં કેટલો ભારે વિષાદ અને નિરાશા હશે – એ તો 1950માં, એ વધારે જીવ્યા હોત તો? એમને કેટલું દુઃખ થાત –

“જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે” નરસિંહ મહેતાનું વાક્ય યાદ કરો. ગુજરાતમાં નાટ્યમંડળીની પોતીકી નાટ્યમંડળી એકાદ બે અપવાદ સિવાય છે નહીં. છે તે યે ગુજરાત બહારની સંસ્થાની. નથી તે નથી. એનો શોક શો? બીજું ઘણું બધું છે – બજારો છે, સટ્ટાખોરી છે, વેપાર ધંધો છે, પરદેશથી સારું નાણું આવે છે. શિક્ષણ ચારેકોર બગડતું જાય છે, ત્યાં ગુજરાત કેમ બચે? સંતાપ કરો મા. અને જે ગુજરાતીઓ ભરપેટ પરદેશ જાય છે તેઓ પણ ત્યાં થિયેટરોમાં ખાસ નથી જતા. નાઈટક્લબોમાં એમને રસ છે. ભલે જતા. તમે એની ચિંતા કરો મા.

પ્રશ્ન : દુનિયાનાં અને ગુજરાતનાં ક્યાં નાટકો આપને ગમ્યાં? શા માટે? ગુજરાતી રંગભૂમિમાં આપના મતે શું ઘટે છે? નાટકોના નવા પ્રવાહો વિષે કંઈ કહેશો? એબ્સર્ડ અને ઇમ્પ્રોવાઈઝેશન જેવી નાટ્યપ્રવૃત્તિ વિષે આપ કહો છો કે એ માત્ર પ્રયોગો છે. આપના મતે આવા પ્રયોગોનો નાટ્યસાહિત્યક્ષેત્રે કે રંગભૂમિક્ષેત્રે કંઈક મહત્ત્વનો ફાળો ખરો કે નહીં? જીવનનાટકના રંગ રંગભૂમિથી જુદા નથી એમ આપે કહ્યું છે, સમાજમાંની વિષમતા નાટકોમાં આપે નિરૂપી છે, ‘આગગાડી’થી ગુજરાતી નાટકની આગગાડી ઊપડી એમ કહેવાયું, સમાજના એક વર્ગના પગ નીચે કચડાતો બીજે વર્ગ ‘આગગાડી’નો વિષય બન્યો – હું માનું છું કે માનવસમાજની સમસ્યા નિરૂપતાં અને ઉકેલતાં આવાં નાટકો ભજવાય એ જરૂરી છે – આજના ગુજરાતી નાટ્યસર્જકને એ સંદર્ભે આપ શું કહો? આજે ગુજરાતી નાટક ભજવનારા એમ કહે છે કે એમાં અશ્લીલતાનું તત્ત્વ નથી, અશ્લીલતા તરફનો આપનો રોષ જાણીતો છે – શ્લીલતા-અશ્લીલતા વિષે આપ શું કહેશો?

ઉત્તર : તમે એક સવાલમાં એક આખું પુસ્તક લખવું પડે એવા પેટા સવાલો – સાવિત્રીએ પોતાને માટે પુત્ર, સત્યવાનનું અમરત્વ માગ્યાં હતાં એ કરતાં વધારે પૂછી લીધું છે. તમે ભારે ચતુર છે.

દુનિયાના કે ગુજરાતના – ગમે ત્યાં નાટકો નાટ્યરસિકને ગમે છે – જ્યાં રસનિષ્પત્તિ હોય, રસ વાચિક, આંગિક અને મોટે ભાગે સાત્ત્વિક અભિનય થકી – ભાવ – વિભાવ – અનુભાવના ઘટિત મિશ્રણથી ભાવકને એના ચિત્તને રસાદ્ કરે છે એથી. ભાવકને નાટક જોવાની વૃત્તિ જ ન હોય તો વાત ન બને. નાટક જોનારાઓ માટે ભરતે લક્ષણો ગણાવ્યા છે. ગુજરાતી નાટકો બાળપણથી વાંકાનેરનો નરસિંહ મહેતા, મોરબીનો ભરથરી પછી તો ડાહ્યાભાઈના ઉમાદેવડી અને વીણાવેલી – ગીતઢાળ, લોકગીત અને રંગીલી બોલછટા થકી સરસ્વતીચન્દ્ર તો ત્રણ–ચાર વાર જોયાનું યાદ છે, કુમુદસુંદરીમાં ત્રિકમ, ‘એક અબલા’માં મુન્નીબાઈ અને મોહનલાલા, ‘માલવપતિ મુંજ’માં અશરફખાન લઈ, ‘વડીલોને વાંકે’માં કાસમભાઈને લઈ, ‘સ્નેહસરિતા’, ‘સુધાચન્દ્ર’, જયશંકર અને બાપુલાલ ઉપરાંત માસ્ટર મોહન બધાને અભિનયે ઉત્તમ, ‘સંશયકલ્લોલ’ એમાં રઘુવીર સાવકાર અને બોડાસ, સંગીત માનાપમાન, પશ્ચિમમાં વાગનરની કૃતિઓ મને ગમે – તો આ મહારાષ્ટ્રના સંગીતનાટક કેમ નહીં ગમે? ગડકરીનું ‘એક ચ પ્યાલા’ – સરકારે દારૂબંધીના પ્રચાર માટે દશ દશ હજાર રૂપિયા આપી લખાવ્યા છતાં – ‘એક ચ પ્યાલા’ના નાટકને કોઈ હિસાબે ન પહોંચી શકાયું. શિશિર ભાદુરીનું ‘સીતા’ જોવા તો હું બોરીબંદરથી કલકત્તા મેઈલની થર્ડની ટિકિટ લઈ કલકત્તા જોવા જતો, એના ‘શાહજહાંન’, ‘આલમગીર’, ‘મંત્રશકિત’, શંભુનું ઇબ્સનના ‘ડોલ્સ હાઉસ’ ઉપરથી ‘પુતુરખેલા’, ઈડિપસ ઉપરથી ‘રાજા’, ટાગોરનું ‘પોસ્ટ ઓફિસ.’ રશિયામાં બિલીસીમાં યિબુકિયાની મશહુર નટ અને નર્તકે ભજવેલું શેક્સપિયરનું ‘ઑથેલો’ માસ્કોમાં સ્વોનબેલે – દશ–પંદર વાર, ઉલાનોવા, ડેમ ફોન્ટેઈન તથા મુરાશિવોફ નાયિકા તરીકે, લંડનમાં ગિલગુડે મઠારી પ્રસ્તુત કરેલું ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ દીના પાસોટીનું ‘આના કરિના’, માસ્કો આર્ટ થિએટરનું ચેકૉવનું ‘થ્રી સિસ્ટર્સ’, પિરેન્દેલોનું ‘હેનરીએકો’, ભજવનાર એમાં મોં વિલાર્સ, ઈલિયટનું ‘કોકટેલ પાર્ટી’ ભજવનાર રેક્ષ હેરિસન, છેડો ન આવે એવા કંઈક સુંદર નાટકો જોયા, એમાં ‘મિડિયા’માં માદામ કાલાસ લંડન વિક્ટોરિયા થિયેટરમાં એ જ કૃતિ હેલિસિન્કીમાં અને મ્યુનિચમાં બાલેબંધમાં, ત્રણ જુદી જુદી રીતે એટલે તો એનો હું અનુવાદ કરવા લલચાયો – ફરી ફરીને જોવાને મન થાય એવા આ નાટકો, એમાં એક જ સપ્તાહમાં ‘મરચન્ટ ઓફ વૅનિસ’ – એક ભજવણીમાં બહાર નીકળો તો યહૂદીઓ પ્રત્યે રોષ પેદા થાય, બીજી ટોળીની ત્રીજે દિવસે ભજવણી જુઓ તો યહૂદીઓ પ્રત્યે સમભાવ ઉદ્ભવે એવી જુદી જુદી ઢબની રજૂઆત – નાટક એક જ એ તો એક અનન્ય લહાવો અને અનુભવ હતા.

એથી વધારે નકામા નાટકો પણ જોયા છે. જામે નહિ તો અરધેથી ઊઠી ગયો છું, પણ એવા પ્રસંગો ઓછા. ભાષા પૂરી સમજાય તો યે પ્રાગ મ્યુનિસિપલ થિયેટરનું ‘મૃચ્છકટિક’ તો કદી ભૂલી શકીશ નહીં, વેશભૂષા બરાબર, પણ સેટ્સ પરદા વિના કેવળ રંગભૂમિ ઉપર ભારતીય ઢબે દીવાનખાનું, ભીંત, અખાડો, રસ્તો, વાટિકા એ બધું માઈમની ક્રિયાથી રજૂ કરી બતાવી એની વસંતસેનાએ અમારા આખા પ્રેક્ષકગૃહના સભ્યોને આશ્વર્ય મુગ્ધ કરી દીધા હતા. એના પ્રમાણમાં અમેરિકામાં મિનાસોટાનું ‘મૃચ્છકટિક’ અંગ્રેજીમાં જોયું તોય મને બહુ મોળું લાગ્યું હતું. ‘રિચર્ડ ધ સેકન્ડ’ અને ‘મેકબેથ’માં લૉરેન્સ બોલિવિયરે કરેલો અભિનય અને લંડનનું નેશનલ થિયેટર ખૂલ્યું ત્યારે એણે ઇબ્સનના બે નાટકો રજૂ કર્યા તે ભુલાતા નથી. બ્રિસ્ટલ જેવા નાના ગામમાં, એની યુનિવર્સિટીમાં ભજવાયેલા એક જ નાટકે પ્રખ્યાત થયેલા ફ્રેન્ચ લેખક રોસ્તાંનું ‘સિરનો દ બરઝરાકે’ એક અનુપમ નાટક તો ખરું, પણ ભજવણી પણ દિલચશ્પ હતી.

એક વિલિયમ ન્યૂમાન યા નોઈમાનનો એકપાત્રીય અભિનય, આવતાંની સાથે જ ઊંઘમાં, ત્યાંથી નસકોરી બોલાવી, જાગતાં જ સ્વપ્નું અને એ સ્વપ્નું સાર્થક તાદૃશ કરી સ્વપ્નમાં જ સૂતો ને નીંદરમાં બીજું સ્વપ્નું, એમાં કોઈકે એને માદક પદાર્થ પિવડાવતા એ ફરી સૂતો, એમ સાત સ્વપ્નાની માયાજાળ ઊભી કરી. આખરે એ બધીમાંથી છોડતાં ઊગરતાં, એમાંથી એક જીવનકથા રજૂ કરી, છેલ્લે એ જાગ્યો ત્યારે દસ મિનિટ સુધી ઊભે પગે ઓડિયન્સે એને વધાવ્યો છે. એ દૃશ્યપ્રસંગ પછી મને શંકર સાંભર્યા. માયામાં માયામાં માયાના આટલા તબક્કા તો શંકરાચાર્યે પણ નહીં કલ્પ્યા હોય એવી અનોખી એ અભિનયની રજૂઆત હતી. એ દૃશ્ય, એ વિવિધ સ્વપ્નોની ભૂમિકા સ્પષ્ટ કરનારી પ્રકાશયોજના, એનો સાતે સ્વપ્નામાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓનો અભિનય, ઓહોહો—મેં અહીં બે-ત્રણ વિદ્યાર્થીઓને એમ કેળવવા પ્રયત્ન કર્યો, પણ કોઈના મગજમાં એ વાત ઊતરતી જ નહોતી. દલીલ કરે કે સાહેબ! એક સપનામાં સાત સપનાં તે આવતાં હશે! હું કહું આ નાટકકારની કલ્પના છે. પણ એમાં હું ન ફાવ્યો તે ન જ ફાવ્યો, પણ એ નોઈમાને સાર્થક કરી બતાવ્યું હતું.

એબ્સર્ડ અને ઈમ્પ્રોવાઈઝેશન માટે તમારો પ્રશ્ન અરધો છે. એ બે શબ્દો શબ્દકોષમાં જોઈ લ્યો. ઘણાં જણાં મને આ સવાલ આમ જ પૂછે છે. એનો જવાબ તમે એબ્સર્ડ નાટકની વાત કરો ને લખો છો ત્યારે કેવળ એબ્સર્ડ જ. એબ્સર્ડ વિષે જાણ છે પણ નાટક ક્યાં છે? આ ભૂલને કારણે આપણે ત્યાં એબ્સર્ડ નાટકો ઘણાં અફળ નીવડ્યાં છે. ટ્રેજેડી, કોમેડી, ફાર્સ વુડેવેલ સ્કિટ, એકાંકી આ નાટક છે, એમાં પહેલું નાટક પછી વિશેષણ. એબ્સર્ડ એક લેબલ છે. એ તદ્દન એબ્સર્ડ નથી. એ પણ એક નાટકનો પ્રકાર છે. આપણે ત્યાંયે હતા. ‘પ્રબુદ્ધ રૌહિણેય’ મહાન હેમચંદ્રાચાર્ય વૈયાકરણકારના શિષ્યનું એ ભગવદજજુકિયમમાં પણ એબ્સર્ડનાં તત્ત્વો છે–એમાં સ્વપ્નનું દૃશ્ય વાંચો. ભારે એબ્સર્ડ પણ યથાર્થ – ત્યાં ભરતમુનિને પણ લાવ્યા છે. – ફક્ત આપણા નાટક–લેખકને પરશરીર પ્રવેશ–પરકાયા પ્રવેશની ક્રિયાનું ભાન હતું, એટલું જ. આ એક પ્રકાર, ઈમ્પ્રોવાઈઝેશન પણ એક પ્રકાર–તાલીમ માટે અતિ ઉત્તમ, પણ લખાણ સાચવો શી રીતે? એ લખે કે ભજવે તો શેક્સપિયર કે કાલિદાસ નહીં થવાય, એની તાલીમ મળે. શેક્સપિયરે મિડસમરનાઈટમાં એલ્સર્ડ જેવો પ્રયોગ કર્યો જ છે. ‘મિત્તવિલાસ’માં પણ પાગલ નટ પોતાનું ખોવાયેલું ભિક્ષાપાત્ર ભૂલી જઈ જાત જાતની કલ્પના કરે છે. એનો ફાળો ઐતિહાસિક, જેમ બ્રેરટે બર્તોલ બ્રેખ એક વિચિત્ર એપિક હિસ્ટોરિકલ નાટકનો ખંગ રજૂ કર્યો એમ. એના ગુરુ પિસ્કેટોરે પણ એ ખંગ નકારેલો, પણ જર્મનીએ એને હીરો બનાવી દીધો. બાકી એનું એપિક થિયેટરનું ‘મધર કુરાઝ’ અનુપમ નાટક મેં ત્રણ વાર જોયું, ત્રણે વાર ઓડિયન્સ ધ્રુસકા લેતું હતું. રસમય તન્મય બન્યું હતું. ભાવાત્મક રસાત્મક એવું એ નાટક. બ્રેરટના પ્રયોગો હાસ્યરસમાં સારા ચાલે. આ એપિક થિયેટરનો અર્થ એ જે સમજાવે છે, તે એનો જ અલાયદો અર્થ છે. એના ગુરુ તો હિસ્ટોરિકલ જ કહેતા હતા. પિસ્કેટોર સાથે મારે એ વિષે ઘણી ચર્ચા થઈ હતી–1965માં. બર્લિનમાં 65 કે 66માં એમનું અવસાન થયું.

આ બધા લેબલ. ફારસિકલ કોમેડી, કોમિક ફાર્સ, ચવચવનો મુરબ્બે—એવા આ લેબલ–પાટિયાં, ચન્દ્રવદન કહેવા થકી કંઈ ચન્દ્રવદનનું મોં ચન્દ્ર જેવું નથી થઈ જતું. એબ્સર્ડનો અર્થ નાટક સાથે લેવાનો છે, નાટકનાં તત્ત્વો એમાં આમેજ કરવાનાં છે. એમાં કંઈ ને કંઈ મુદ્દો તો છે જ.

‘આગગાડી’ જેવા નાટકો ભજવાય એ જરૂરી છે? તમે કેવા સવાલો પૂછો છો? જરૂર તો ઘણાની છે. સાચું બોલવાની, પ્રામાણિકપણે વર્તવાની, હૃદયને અનુસરીને મત આપવાની, સારી નાટકશાળાઓ બાંધવાની, ગંદકી દૂર કરવાની, હજાર વસ્તુની જરૂરિયાતો છે. તમે આદર્શવાદી છો, હું વાસ્તવવાદી છું. જે છે તે છે. એમાં ફેરફારની ઘણી જરૂર છે, ક્યારે કોણ કરે? બ્યાસીમે વર્ષ મારે જ બીડું ઝડપવાનું? અને હું ઝડપું. સામે વહેણે ક્યાં સુધી મારે એકલાએ તરવું? હા. ટાગોરનું ગાંધીજીને અને મહાદેવને ગમેલું કાવ્ય સારું છે – એકલો જાને રે. મોટાભાઈ, હું એકલો જ છું.

(2)

હવે તમે મૂળ પ્રશ્નને બદલી એમાં બીજો અંચાઈથી ઘુસાડી દીધેલો તે અશ્લીલતાનો પ્રશ્ન પૂછી અને મને એનો રોષ છે, તેમ તમે વળી કહો છો કે એ રોષ જાણીતો છે!

અશ્લીલ તત્ત્વ નાટકમાં જ છે? આપણી કેટલીક લગ્ન સમયની બેહૂદી પ્રથાઓમાં નથી? શ્લીલ–અશ્લીલ ઉપર ઘણી ચર્ચા થઈ છે, થાય છે, ઘૃણા ઊપજાવે એ બીભત્સ અને સુરુચિનો ભંગ કરે તે અશ્લીલ, એમાં સેક્સને લગતા સંવાદો, એને લગતી ક્રિયાઓ થતી રહે, એને અતિરેક થાય તે તરફ સૌને અણગમો આવવો જોઈએ. તમને યે આવે, એવો મને આવે પણ એ ત્યાજ્ય નથી.

આપણે ભરતાચાર્યથી શરૂ કરીએ. નાટ્યશાસ્ત્રમાં સ્ત્રી-પુરુષ સાથેના રતિ વિષે, સંભોગના સૂચક શ્લોક છે. એમાંથી સુખપ્રાપ્તિની વાત પણ એ કરે છે. ધ્વનિમાં તો કાલિદાસે પણ ઉપયોગ કર્યો છે. પણ કેટલી ખૂબીથી, કૌશલ્યથી, પગ તળાંસવા સુધીનાં સૂચન – ભવભૂતિમાંયે રામ-સીતાના સંબંધમાં સૂચનો તો છે જ, ગૂઢ, પ્રચ્છન્ન, સંકેતાત્મક સેક્સ તો આવવાની જ, શૃંગારરસનો તો આ માળો છે, પણ મૂળ કળા એની માવજતમાં છે. ‘ગીતગોવિંદ’ આખું કામના વિરહનું, શૃંગારરસની પરાકોટિએ પહોંચી દિવ્ય-સંભોગનું કાવ્ય. અને ‘હે કુરુનંદન! આવી અસ્તવ્યસ્ત દશામાં જ, વીખરાયેલા કેશ સાથે, પૂરાં વસ્ત્ર પરિધાન કર્યા વિનાની મને ઘર મોકલવા માગતો હોય તો તું જાણે, નહીં તો મને બરાબર વસ્ત્રપરિધાન સજાવ અને સ્વસ્થ થવા દે’ રાધા કહે છે. વાંચો છેલ્લા ફકરા, યદિ કુરુનંદન...થી. કેટલા રસિક, કેટલા પ્રગલ્ભ રતિક્રીડાથી સંતોષાયેલી એ નાયિકા છે! એ આખું કાવ્ય કેવળ નૃત્યમાં નહીં, પણ સંવાદ સાથે નાટકના બંધમાં એની સંર્પૂણ ક્રિયા સાથે ભજવ્યું હોય તો? ભજવનારા ભજવે પણ છે. અમે ખજૂરાહોના મંદિરો જોવા નથી ગયા? પેરિસ કોપનહેગનમાં સંભોગના છડેચોક બે અઢી કલાકના શો ચાલે છે. સુનિલ કોઠારી અને હું એ જોવા તો ગયા, સાવ નાગા, કેવળ ક્રિયા, ઘૃણા, જુગુપ્સા ઊપજતા અમે ત્યાંથી ઊઠી બહાર આવ્યા – છતાં દેશપરદેશના લોકો એ જોવા જાય છે. આપણે ત્યાં ખાસ વિડિયોનો નવો પ્રબંધ થવા માંડ્યો છે. ખાનગીમાં એમાં કેવળ અશ્લીલ દૃશ્યો જોવા મિત્રોને નિમંત્રણ આપવામાં આવે છે. લોકો જુએ છે. સકુટુંબ પણ જોનારાઓ છે. જેવી જેની વૃત્તિ, જેવું એમની મનોદશાનું સ્તર, પ્રજા – સરકાર બન્ને ના પાડે તો યે જુએ છે, જોશે. એમાં આપણે ઘર બેઠા રોષ ઠાલવ્યા કરીએ એનો શો અર્થ?

મૂળ વાત માવજતની, ઉદાત્ત ભૂમિકાની, સંસ્કારાયેલી કૃતિની અને કાવ્યતત્ત્વના રસ–લાલિત્ય–માધુર્ય સાથે ઘટિત સંગીત શબ્દાવલીઓ સાથે નિરૂપવાની છે. જયદેવની કૃતિ ક્યાંય જુગુપ્સા કે ઘૃણા નથી પ્રેરતી.

હું કશું જ કહેતો નથી. જેને જે ગમે તે જોવા જાય. મનને સુરુચિભંગ લાગે, જુગુપ્સા – ઘૃણા ઊપજે તો હું ન જોવા જાઉં, એમાં ભલા રોષ ક્યાં આવ્યો? જેવું જેના માનસતંત્રનું સ્તર. અભિનવગુપ્તનો રસધ્વનિ પ્રજાના સો ટકા માણી નથી શકતા. દશ–વીશ–ત્રીશ–જેવી જેમના અંતરસ્તરની ભૂમિકા, એ જ માણે ‘ઓ કલકત્તા’ ત્રણ કલાકના નાટકમાં ફક્ત દશ જ મિનિટ વસ્ત્ર પરિધાન, અગિયારમી મિનિટે નટ-નટીઓ રંગભૂમિ ઉપર જ કાઢીને ફેંકી દે. જેમણે પોતે પહેરેલાં કપડાં કાઢ્યાં નથી યા બીજાને કાઢતા જોયા નથી એવાઓને આ દશ-વીશ નટ-નટીઓ વસ્ત્રો કાઢી સંપૂર્ણ સંભોગનો અભિનય કરે તે ભલે ન રુચે, ન જુએ. એમાં હું રોષે ભરાનાર કોણ? પ્રજા કે સરકાર નથી અટકાવી શકતી, દારૂ પીવાની લત, ધૂમ્રપાનની લત, અફીણ-ચરસની, એલ. એસ. ડી.ની લત, ગાંજાની લત નાબૂદ કરનારા ભલે ખાંડ ખાય. જેટલા જાપ્તા વધારાય છે, એટલા પ્રમાણમાં ખાનગી વપરાશ વધતો રહ્યો છે. તમે ગઠરિયા નથી વાંચી, ‘અંતર ગઠરિયા’માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં જ્યાં હું ભણાવતો, ત્યાંના ડૉક્ટરોએ એલ. એસ. ડી. પર સંશોધનાર્થે એના ઇન્જેક્શન લેવા જેની મરજી હોય તેવાને બોલાવ્યા. પ્રૉ-ડૉ. ફારલી રિચમંડ, બીજા ત્રણ-ચાર સાથીદાર, હું – એમ અમે ગયા. એક-બે જણને થોડાં સપનાં આવ્યાં, ફારલી અને મને કશું ન થયું અને ત્રીજે દિવસે અમે જતા બંધ થયા. દુનિયા વિશાળ છે. શું શું થાય છે તે આપણે જાણતા નથી અને જાણવા ઇંતેજારી ન હોય તો કૂવાના દેડકા થઈ બેસનારા ચન્દ્રલોક પર સાહસ કરી પ્રવાસ ન ખેડી શકે. કરવું ન કરવું એ સૌ સૌની મુનસફી પર છે. સારાસારની વિવેકદૃષ્ટિ આપણે ન કેળવીએ તો આપણે મૂર્ખમાં જ ખપીએ. કૃપા કરી મને રોષ – રીસ છે, એવી ફરીથી મારી બદનક્ષી ન કરતા.

તમે સંયુક્તા પાણીગ્રહીને નૃત્ય કરતાં નથી જોઈ? મોકો મળે તો જોજો. ઓડિસી અને ભરતનૃત્ય બન્ને કરે છે. એના પતિદેવ જ બાજુમાં ગીત–સંગીત રજૂ કરે છે. જગન્નાથપુરી ન ગયા હો તો ત્યાંના મંદિરની બધી જ શૃંગારચેષ્ટાઓ તાદૃશ કરી આપે છે. બધા જ પ્રકારનો શૃંગાર, પણ ક્યાંય અશ્લીલ ન લાગે. સામે પક્ષ ઉદાત્ત લાગે, કલાની પરાકોટિનું એ લક્ષણ છે. હજીએ એક દાયકો તે નૃત્ય સહેલાઈથી કરી શકશે. રતિક્રીડાના સમગ્ર ભાવ એ વિના શબ્દે રજૂ કરે છે. લાસ્યમાં તો હદ જ કરે છે. જોજો.

અમારા પ્રિય મિત્ર અદીમર્ઝબાનના ઉપર અશ્લીલ નાટકો શરૂ કરવાનો દાયકાઓથી આરોપ છે. એનો જવાબ જાણવા જેવો છે. ‘લોકો કહે છે કે તમે અમારી બારી સામે રહી, ખુલ્લી બારીએ અશ્લીલ ચેષ્ટા કરો છો, તે અમારાથી ખમી શકાતું નથી.’ એનો જવાબ એ આપે છે કે, ‘તમે તમારા ઘરની બારી શા માટે અમને જોવા ખુલ્લી રાખો છો? બંધ કરી દો.’ આ જવાબ ઉપર પણ ચર્ચાઓ થઈ છે. શું થાય, કેટલીક વ્યક્તિઓ બસ જીવનભર બીજાને પાપમાંથી બચાવવા, એમનો ઉદ્ધાર કરવાનો જામો પહેરી સતત પોતાના પ્રચારનો અતિરેક કર્યા જ કરે છે. ભલે કરે, પણ એ લોકો જરા ગાળો ખાઈ એના પ્રચારની અસરનો અંદાજ કાઢે તો એમને એમની ભૂલ જણાય. પણ પોતાની ભૂલ કોણ જુએ છે?

પ્રશ્ન : આપને જ્યોતિષનો શોખ છે. પ્રવાસના કારક ગ્રહો ગુરુ – રાહુની કૃપાને કારણે ઈ. સ. 1950 પછી આપે પ્રવાસો કર્યા – ‘બાંધ ગઠરિયાં’થી માંડીને ‘ઈલાઈઝા ટુ’ સુધી પ્રવાસવર્ણન સાથે આત્મકથા વણી લીધી, નાટ્યશિક્ષણ અને નાટકોની વાતો પણ કરી – એમાં ‘હું’ની બદબૂ વધી જવાના ભયે વાચકોને સૂગ આવવા માંડે એમ આપે કહ્યું – લોકો સુધી ન પહોંચે એ સાહિત્યનો – એ લખાણનો–કંઈ જ અર્થ નથી એમ આપ કહો છો; વિશાળ જનસમુદાય સુધી પહોંચવા માટે આપે ગઠરિયાંમાં રૂપ, રંગ અને રસની ગઠરી બાંધતાં કલ્પનાનો આશ્રય લીધો હોય એવું બન્યું છે? નક્કર હકીકતોને બાદ કરતાં, જે પ્રસંગો આપે મૂક્યા એમાં ઈલાકાવ્યોના કવિએ રંગ પૂર્યા હોય એવું બન્યું છે ખરું? આપે લખ્યું છે કે અનુભવની, સફરની વાતો વિષે કેટલાકે શંકા કરી, શંકા શત્રુને સંતાપે, માનવું હેય તે માને, ન માનવું હોય તે ન માને – આવી શંકા મેં નથી કરી, હું તો અહીં એટલું જ પૂછું છું કે આપની કલમે વાસ્તવ સાથે કલ્પનાને શબ્દદેહ આપ્યો હોય તો તે કેટલે અંશે?

ઉત્તર : તમે શંકા નથી કરી તો બીજા જેઓ શંકા કરે એનો ઝંડો તમે શેનો લઈને ફરવા નીકળ્યા છો? અહીં પણ તમે ત્રણ–ચાર અલગ અલગ વિષયના સવાલોને ભેળવી દીધા છે; અને સવાલ પણ ઘણો યુક્તિપૂર્વક જ પૂછ્યો છે.

ગઠરિયાં આત્મકથા છે કે પ્રવાસવર્ણન કે નાટ્યવિવેચના કે નાટક જોયાની ડિરેક્ટરી? કેટલાકે મને આ વિષે કાગળો લખી લખી યા મોઢે ‘પૂછપાછ’ કરી જ છે. આ જે છે તે, છે સ્વાદવાદ. તમને ઠીક લાગે તો વાંચો, ન જાણતા હોત તો જાણો, માનો, નહીં મનાય તો ફરગેટ ઇટ – ભૂલી જાઓ. રેડિયોગઠરિયા તો મેં હજી લખી નથી. એક નવી વાત કરું. 1932માં લખેલું ‘ધારાસભા’ નાટક 1935થી મેટ્રિકના અભ્યાક્રમમાં પાઠ્યપુસ્તકમાં ભણાવાયું, પાંચ-દશ વર્ષ જ્યાં કન્યાઓનાં પાત્ર ન મળે એવી નિશાળમાં ભજવાયા કર્યું, તે 1950માં ધ્રોળ મહારાજાના પ્રમુખપદ હેઠળ સૌરાષ્ટ્રની એક શાળામાં ભજવાયું અને ચીફ મિનિસ્ટર ઢેબરસાહેબ – મારા મિત્ર – તે બગડ્યા. એના સેક્રેટરીએ એમાં રાજકોટ સરકારની ઠેકડી જોઈ. વાત લંબાઈ. મારી ‘આકાશવાણી’માં નોકરી જોખમાઈ, પેન્શન નહીં મળે એવી ઉપરથી ધાકધમકી; ઢેબરને મેં સમજાવ્યા, એ ન માને, એના મદ્રાસી સેક્રેટરી જ સાચા. આખરે સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ થયો, ત્યારે દિલ્હીમાં સૉલિસિટર જનરલ સ્વ. મોતીલાલ સેતલવડ, ન્યાયાધીશ કણિયાસાહેબ, બંનેએ નાટક 1935–36માં જોયેલા. ઘરમાં છોકરાઓએ વાંચેલા. એટલે એ જાણે, પીપલ્સ ઓન સ્કૂલમાં ભજવાયેલા જોયેલા પણ ખરા, એ નાટિકામાં બ્રિટિશ સરકારની ધારાસભાની ઠેકડી છે – ‘બ્રિટિશ સરકારે વાંધો નથી લીધો, તો વળી આપણે કોણ લેનારા?’ કહી કેસ જ કઢાવી નાખ્યો. ત્યાં સુધી ઢેબરભાઈને ભાન નહોતું આવ્યું. બહુ લાંબો ઇતિહાસ છે.

લેખકની આ દશા છે. આ દાખલો હમણાં જ મેં અમદાવાદમાં પરિષદ ભવનમાં એક ભાષણમાં રજૂ કર્યો અને શ્રી સ્નેહરશ્મિ અને શ્રી ઉમાશંકર કહે આ ઘટના તો છપાવો જ. એટલે મેં ‘નાટક લખવાના ગુન્હા’ નામે ‘સંસ્કૃતિ’માં કશી ટીકા–ટકોર વિના મોકલ્યો છે. ઢેબરભાઈ સાથે ગિધુભાઈ કોટક મારા પરમ મિત્ર ‘અખા’ નાટકમાં ઊતરેલા. તેમણે પણ દલીલો કરી. એ ફાઇનાન્સ મિનિસ્ટર, એનું પણ ઢેબરભાઈએ ન માન્યું. આ આપણું રાજકીય, દંભી વાચકો–લેખકની આવી દશા થાય. એ ભાષણમાં નાટકલેખનને અંગે કેટલીક વિટંબનાઓ ભોગવવી પડી તેનું બયાન કર્યું હતું.

ચાલુ ચીલામાં રહીને લખો તો જ ડાયરી, નોંધપોથી, આત્મકથા, પ્રવાસવર્ણનોની કિંમત. ક્યાંક આડે પાટે ચાલ્યા તો મૂઆ પડ્યા. ‘ઈલાઈઝા ટુ’માં તો ‘એરિયલ’ નામની નવલકથા શેલીના જીવન પર, શેક્સપિયરના ‘મેકબેથ’ નાટક ઉપરથી મેકડફ તે યુનાઈટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ જોન્સન ઉપર નાટક; કોઈએ કશા વાંધા લીધા નથી. એમ થોડી વાર્તા, થોડી અંગત વાતો, થોડી અમારા ગાઢ મિત્ર સ્વ. અરવિંદ કીલાચંદ વિષે – મિશ્રણ કર્યું. મારી પાસે એવી કોઈ લેબોરેટરી નથી કે એમાંનાં પાનાં નિતારી આમાં ખરું કેટલું, કલ્પના કેટલી, વાસ્તવિક શું એનું ટ્યુબ પૃથક્કરણ રજૂ કરી શકું! વાંચો, મનાય તો માનો. ન ગમે તો ફેંકી દો. લેખકને એની મરજી પ્રમાણે લખવાની સત્તા જ, સ્વતંત્રતા જ નહીં?

મોટાભાઈ યશવંતભાઈ, અમને ભણાવનાર બહુ મોટા પંડિત શિક્ષિકો હતા. ડૉ. સી. જે. સિસન અને પ્રિન્સિપાલ કોવર્ન્ટન, શ્રી નરસિંહરાવ દિવેટિયા અને ડૉ. ગજેન્દ્ર ગડકર. સંસ્કૃતના પંડિત. અને જેને માટે એમ કહેવાયું કે એના નાનકડા માથામાં કેટલાં પુસ્તકો સમાયાં છે તે ન પૂછો, પણ કેટલાં પુસ્તકોના ઘોડાના ઘોડાઓ હણહણે છે તે પૂછો. હાવ મેની શેલ્વ્સ? એ પહેલાં વિલ્સન કૉલેજમાં પછી એલ્ફિન્સ્ટનમાં પ્રોફેસર નરહરિ ટાકાખાઉ. ડૉ. સિસન વિષે, ‘ગઠરિયાં’માં જોજો. મુંબઈથી ક્યાં ક્યાં ફ્રાન્સ, કેનેડા, સ્ટેટફોર્ડ, બ્રિસ્ટલ શેક્સપિરિયન ચેર એણે શોભાવી કેટકેટલા વિદ્યાર્થીઓને ખ્યાતનામ કર્યા છે તે.

આ બધા બહુ વંચાવતા, નવું નવું વંચાવતા, વાંચનનો શોખ, એની લત કેળવતા રહેતા. એ પણ કિમિયો છે, એમાં એ લોકો નિષ્ણાત હતા. વિદ્યાર્થી પાસે શી રીતે વંચાવવું – એની જિજ્ઞાસા શી રીતે જાગ્રત કરવી – એ લોકો કંઈ હાથમાં થોથા લાવીને નહોતા આપતા, હોઠે ચમચો નહોતા ધરતા. લાઇબ્રેરીમાં એનો શી રીતે ઉપયોગ કરવો એની બારાખડી મોઢે કરાવતા. પુસ્તકો તો માંગ્યા મળી જ રહેતા. ડીક્વિન્સીની જીવનકથા, પાઠ્યપુસ્તક, કોઈ ચીનાએ નહીં ખાધું હોય એ કરતાં અનેકગણું અફીણ ખાનારી એ વ્યક્તિ એમાં એની જીવનકથા, ક્યાંક અંગ્રેજ વિવેચકો ‘ઈન્સ્પાયર્ડ પ્રોઝ’ ઇન્પેશન્ડ પ્રોઝ કહેતા તેવા ગદ્યની છણાવટ પ્રો. હેમિલે કરેલી. એલ્ફિન્સ્ટનમાં પ્રો. ચંદુભાઈ શાહ તે સી. આર. શાહે પઢાવેલી – તે કૉલેજ છોડ્યા બાદ પણ મળે, મળવા કહે, વાંચનના શોખને ખૂબીથી પ્રેરતા રહે.

હજી એ જૂની નોંધપોથીઓ મારી પાસે છે. આપણે ત્યાં આત્મકથાઓ કેટલી? નર્મદથી માંડી પંડિત સુખલાલ સુધી, એમાંની ભાતજાત કેટલી? મણિલાલ નભુભાઈની નોંધપોથી, ગાંધીજીના તો સત્યના અખતરા, નરસિંહરાવના સ્મરણમુકુરો...ઠીક ઠીક જાત ભાત છે. પણ અમારા વડવાઓએ તો ડીક્વિન્સી ઉપરાંત ગિબન, બોસવેલ, રૂસ્સો, એડમન્ડ ગોસ, સંગીતજ્ઞ બ્રનો, વોલ્ટર એવા એવાઓની કંઈ કથાઓ વંચાવેલી, એટલું જ નહીં પણ આત્મકથા એટલે શું? એની વિવેચના ઉપર તો ભલભલી નોંધો લખાવેલી, ઉમેરાવેલી, સમજાવેલી.

એમાં આત્મકથાના લેખકો, વિવેચકોને રસ પડે એ હેતુથી થોડીક વાનગી રજૂ કરું છું. ‘ડિઝાઈન એન્ડ ટ્રુથ ઇન ઓટોબાયોગ્રાફી’ રોય પાસ્કલ અને આંદ્રે મોરવાનું એ વિષય પરનું પુસ્તક વાંચી જશો. ‘કેવળ સત્ય ઘટનાઓ ભરી આત્મકથા કોઈ લખી જ શકે નહીં’ મોરવા કહે છે, ‘કારણ તમારી બાળપણની સ્મૃતિ તો હવે રહી જ નથી, પછી તમને સેન્સરશિપનો ભય નડે છે.’ એવા અનેક ભયસ્થાનો એણે ગણાવ્યા છે. વળી મોરવાનું એક કથન તો વિચારવા જેવું છે. ‘સ્મૃતિ સ્વયં એક મહાન કલાકાર જ છે.’ ગિબન વળી સત્ય અને કલાકારની ક્યાં ભેદરેખા દોરશો એમ કહે છે. રૂસ્સો તો તમે પોતાની જાતને, પોતાના અંતરને ‘કઈ હદ સુધી ઊંડાણમાં જઈ કેટલે દરજ્જે પ્રગટ કરશો, કરી શકશો?’ એમ કહે છે. પાસ્કલ વળી ચર્ચા કરતા કહે છે કે કિયો આત્મકથાકાર ફોર્મ અને વસ્તુ–ફોર્મ એન્ડ કન્ટેન્ટને કેટલે દરજ્જે અળગા રાખી લખી શકશે? અને એમ લખવા જશે તો વસ્તુ બળવો કરશે; કારણ એ લેખક છે, એટલે ફોર્મ–ઘાટનો ખયાલ એને ગૂંચવણમાં નાખવા કરશે. હે મિસ્ચ (Mistch) જર્મન લેખક આત્મકથા માટે ‘એને કાવ્યમય, ફિલસૂફી થકી, ઐતિહાસિક કે સાહિત્ય થકી કે કેવળ વર્ણનાત્મક ક્રિયા બીબાંમાં મુખ્યત્વે કે ગૌણ રીતે ઉતારશો એ પહેલેથી નક્કી ન કરો તો ગોથા જ ખાયા કરશો’ એમ કહે છે.

વળી આ ઘાટ અને વસ્તુ એનો આધાર તો અમુક વ્યક્તિના ઘડતર ઉપર છે. એની મનોદશા, એમાં થતા વારંવારના ફેરફાર, બીજી બહારની અસરો એમાં સત્ય છલકાય કે ઢંકાય, નગ્ન જ રહે કે જરૂર પડતા વાગા પહેરે, એ માટેના માપદંડ કિયા? અને એ લખાણમાં ક્યાંય રસ ન પડે, રસનિષ્પત્તિ ન હોય તો વાંચે પણ કોણ? શૂમેકર આત્મકથાને ‘ક્રિએટિવ ઈમ્પલ્સ’ છે–સર્જનાત્મક સ્ફુરણા, પ્રેરણા – એનું વળી પ્રેરકબળ શોધવાનું કહે છે; તે નક્કી કરો પછી એની વિવેચનામાં ઊતરો.

એક નોંધ છે કે ‘આત્મકથામાં કથાતત્ત્વ ન હોય તો એ કોઈ વાંચે નહીં’ તો બીજી નોંધ છે કે આત્મકથામાં આત્માને છેતરતા ચાલશો તો તમારો દંભ પકડાતા વાર પણ લાગશે નહીં.’ કવિ વર્ડઝવર્થની વાત તો વળી અતિ વિચિત્ર છે – એણે આત્મકથા લખી, બીજી આવૃત્તિ થઈ–1803માં પહેલી, 39માં બીજી – એ પહેલી થકી વળી જુદી, અંદર ભારે ફેરફાર – સાર એક જ એવો નીકળે કે એક વ્યક્તિ વર્ષે વર્ષે નવેસરથી કે દશ વર્ષે આત્મકથા લખતો રહે તો એમાં ફેરફાર શક્ય - તો એની કઈ આત્મકથા ખરી? આખરની? સાઠી બુદ્ધિ નાઠા પછીની? વળી બન્ને આત્મકથામાં કવિને અનેટેની સાથેના પ્રેમસંબંધને લઈને સંતાપ થયેલું, એની વર્ડઝવર્થે વાત જ નથી કરી, એ ઢાંકી. એ ઢાંકી શકે. લેખકનો એ હક્ક છે. પોતાની શરમને લઈને, બીજાની શરમને લઈને કે સમાજના ભયે – તો એ બીકણ, ડરપોક, દંભી–કોણ જાણે, એણે હકીકત છુપાવી, એ હકીકત એને એના અંતરભાવોને વ્યક્ત કરવામાં મહત્ત્વની ન પણ લાગી હોય. કોને ખબર? અને મોડેથી લખે તો કિશોરાવસ્થાના પ્રણયભાવ ઝાંખાં પણ પડ્યા હોય.

વળી કેટલાક આત્મકથા કેવળ બીજાનું મનોરંજન કરવા જ લખતા હોય છે. માર્કસ બ્રધર્સના મોટાભાઈએ પોતાની સાથે પોતાના ભાઈઓની ઠેકડી ઉરાડી છે અને એમાં ક્યાંક તો ટલ્લા, ગલ્લા, કંઈક ખોટા હલ્લા – અંગ્રેજી કહેવતાનુસાર જીભ ગાલમાં સંતાડી ‘વિથ ટંગ ઈન ધ ચિક’ લખી છે. એચ. જી. વેલ્સ પોતાની પહેલી વારની વહુ અને બીજી વારની વહુ વિષે ઘણું ઘણું કહે છે, પણ બીજા સંબંધો ઉપર ભારે પરદા નાખ્યા છે. એ પણ બને. કોઈને પોતાનો લગ્નસંબંધ કહેવો હોય અને પ્રેમસંબંધને ઢાંકવો હોય યા એને અગત્યનો ન પણ માનતો હોય યા એને સૌથી વધારે પવિત્ર માનતો હોય, એટલે ગૂઢ રાખવો હોય – બને. કોઈ વળી અમરત્વની લાલસાથી લખતો હોય, કોઈ રાજકારણના અનુભવો રાજકીય ધોરણે લખતો હોય. એરોલ હીલે તો જે આત્મકથા લખી, એમાં પોતાની માતા ઉપર તહોમતનામું – ગલીચ ગાળો થકી ભરપૂર – લખી વાળ્યું. જૂઠું જ હશે, કોણ જાણે. એ કોઈ એવો મોટો માણસ પણ નહીં. આપણે ત્યાં ગુજરાતીમાં સૌથી પહેલી આત્મકથા વિષે ‘પરબ’માં એક લેખ આવ્યો હતો. એ કવિ. એણે બળવામાં ભાગ લીધો તે વાત પણ એણે ઉલ્લેખી છે. એને બ્રિટિશ સરકારે સજા પણ કરેલી. એ નર્મદ પહેલાંની ગુજરાતીમાં આત્મકથા. કોઈએ હજી એની ગુણવત્તાની પણ ચર્ચા કરી નથી.

એ વાત જાહેર થયાને આજે વખત થયો, પણ એને પુસ્તક આકારે હજી કોઈએ ગ્રંથી નથી. જીવતરનું ઘડતર કિયા ગૂઢ અને સબળ કારણોને લઈને થાય છે એની ભાગ્યે જ કોઈ વ્યક્તિને પૂરી સમજણ હોય છે. – એટલે જીવનવિકાસની કેડી નિયોજવી, એને કેટલી શણગારવી, એને કેટલી સ્વચ્છ બનાવવી, એને કિયા અને કેટલા સત્યથી સાંધવી, આ સાંધણ ઝારણ સિમેન્ટનું કે માટીનું કે છાણના ગારાનું, પોતાના અહંને કેટલો પ્રકાશમાં આણવો, આણતા જાઓ તો પાપ, નહીં આણો તો તમે તમારી પ્રત્યે બેવફા – એ અહંના કેટકેટલા પ્રકાર, કેટકેટલા છાયા – પછડાયા, બહુ અટપટું કામ છે. એમાં તમારો સમગ્ર સ્વ – સ્વનો ભાવ સ્વભાવ કેટલો તટસ્થ રહી શકે એનું પ્રાણ-પ્રમાણ. આ બધાનું પૃથક્કરણ કોણ કરે અને કોણ જાણે? આમ જુઓ તો વર્ડઝવર્થની પોતીકી આત્માકથા બે, તે એક નથી, તેમ ગમે તેની બે આત્મકથાઓ સરખાવો તો એના ઘાટ એક નહીં મળે. એવા એવા દૃષ્ટિબિંદુઓ મોખરે હોય ત્યાં, સત્યદર્શન તો વેગળું જ હોય. સત્ય શું, કિયું સત્ય, કિયું પડખું સનાતન સત્ય, એ જ તો પહેલાં નક્કી કરવું અઘરું છે.

બર્ટ્રાન્ડ રસેલે વળી નવી જ ભાત પાડનારી આત્મકથા લખી. બર્નાર્ડ શો લખે તો ક્યાં નો ક્યાં-કટાક્ષોને કાંગરે ક્યાં નો ક્યાં ચગે? લોરેન્સ ઓફ અરેબિયા અને એની વહુએ લખેલી વાત, બે વાંચો તો લખાણમાં અને સ્વ – સ્વભાવમાં કેટલો ફરક! પણ આ ચર્ચા જ નકામી છે. મેં ક્યાં કહ્યું જ છે કે આ આત્મકથા છે –

તમે ઇલાકાવ્યોની વાત કરી. ચન્દ્રવદને ઇલાકાવ્યો લખ્યાં, બારડોલી જઈ ત્યાંની ભૂમિને બહલાવતી, ‘રતન’ લખી. 1928 પછી 1932માં સરદાર વલ્લભભાઈનો એને માથે નક્કર હાથ પડતાં ચન્દ્રવદન વાસ્તવવાદી થઈ ગયા. ભારે નક્કર વાસ્તવવાદ જ - સિનિક નહીં. તટસ્થતા આવી સરકારી નોકરીમાં – એ બે મહત્ત્વના ફેરફાર. મૈત્રીસંબંધ કહો કે પ્રેમસંબંધ કહો– એક દાખલો લઈએ મારીબોરમાં બ્રેડા સાથે મૈત્રી – લુબ્લિયાનાના એરપોર્ટ પર એની સાથે છૂટા પડતાં વાતો કરતાં હાથ પકડ્યા, એ ઘટના ‘કુમાર’માં આવતાં જ મારી ઉપર કાર્ડ– ‘આવા ધંધા કરવા યુરોપ જાઓ છો’ હવે એ પ્રસંગને છણો. મા–દીકરા, ભાઈ–બહેન, પ્રિયતમ–પ્રિયતમા હાથ પકડે છે. અહીં બ્રેડાનો પતિ તો હાજર જ હતો એનું ચિત્ર વર્ણન ગઠરિયામાં જોજો. ત્યાં નાનકડા એરપોર્ટ પર આ બે વ્યક્તિઓ લાગણીવશ થઈ, હાથે હાથ મળ્યા, આપોઆપ – કે બેમાંથી એક જણે પહેલો લંબાવ્યો. એકલા નથી, આસપાસ ઠીક ઠીક લોકો છે. એમને કંઈ આ ઘટનાની કંઈ પડી નથી. હાથની નાડીઓમાં હૃદયના ગલ્લામાંથી લોહી ધબકારા મારતું વહેતું હોય, બંન્ને હથેલીમાંથી ઝીણી સંવેદનાના સંદેશાની આપ-લે ચાલતી પણ હોય. કોમળ, નાજુક, મીઠા પવિત્રભાવ અણગણ્યા અણનોંધ્યા ઘડીભર બંનેની જીભ ઉપર સવાર થઈ ઓગળી પણ ગયા હોય. મિનિટ બે મિનિટ દશ મિનિટનો પ્રસંગ. એની સાચી છબી, ભાવાત્મક ફેટ, અંતર સંવેદનાની નોંધ કિયા શબ્દોમાં કઈ આત્મકથામાં–એની કે મારી કોની કથામાં કોણ પ્રગટ કરે, કરી શકે! અને લખે તો કેટલું લાંબું થાય? પ્રુસ્ટનો દાખલો લ્યો. બિચારાએ માંદા-માંદા જાતજાતની સંવેદનાઓ લંબાણથી લખી સ્વોનસવેના બાર ભાગ, કેટલા વાંચતા હશે?

એક વ્યકિત કેવળ પ્રેમકથા જ લખવા બેસે તો એ ન્હાનાલાલની ઉષા લખીને બેસી રહે. એને આત્મકથા કોણ કહેશે? ઉષા આત્મકથા કહેવાણી નથી. અને મેં ક્યાં આત્મકથા જ લખું છું એવું જાહેર કર્યું છે, આ તે છે બાંધ ગઠરિયાં – મીરાંએ પોતાની રીતે પોતાનું બાંધ્યું, ચલી – ગઠરી બાંધ મેં તો ચલી. મેં મારી ગઠરી બાંધી; વળી એ હારમાળામાં ‘ગાંઠબંધનિયા’ પણ છે, તે તો તમે વાંચી લાગતી નથી. જેક રેશિન્યો છે, એનો દીકરો ફાબિયો છે અને ફાબિયોની મોટરમાં ઉત્તર બારગેમોથી જે સોરેન્ટો સુધી ફર્યા, વિયેના, પ્રાગ કોન્સ્ટાટિબલ સુધી ઝપાટાબંધ ફરી આવ્યા, એ તો ભૌગોલિક પ્રદેશ હજી હયાત છે. એમાં ક્યાંક વાર્તાઓ પણ ગૂંથાઈ છે. ક્યાંક ભાષાશાસ્ત્રી પ્રોફેસરો પણ ડોકાયા છે; ઘણું ઘણું બન્યું છે. બને છે. એમાં પ્રોફેસર એલિનાની ભાષાશાસ્ત્ર વિષેની હકીકત ખાસ વાંચજો. તે પહેલાં દશ વર્ષ બાદ ફરી વાર મારીબોરથી લુબ્લિયાના જતાં બ્રેડા અને એનો વર મળે છે. ત્યાં એની મોટી થયેલી પુત્રી વિષે એની ગાંડી આયાની માનસશાસ્ત્રની દૃષ્ટિએ અતિ મહત્ત્વની વાત કરે છે. મળતાં જ બ્રેડા રડી, પછી વાત કહી, પછી એની દીકરી બચી ગઈ એ કહેતાં એ હવે માતા બનેલી મને ફરી ભેટે છે. આ વખત હાથ પકડવાની વાત નથી. પતિ-પત્ની બન્ને જતી વખતે મીઠાં મ્હેણાં મારે છે, કે મળ્યા વિના જ જતા રહેતા હતા? આ આ જીવનમાં ખરી બનેલી હકીકત – એક સુંદર વાર્તા થાય, થઈ છે એવી – એ તરફ કોઈનું ધ્યાન જતું નથી. બ્રેડાનો તમે હાથ પકડવા યુરોપ જાઓ છો, એમાં જ વાચકને રસ પડ્યો અને પછીની દશ વર્ષ બાદની કથા તો એણે વાંચી જ નથી.

આ ‘ગાંઠબંધનિયા’માં (વોરા પ્રકાશન) કાપ્રી નામના મશહૂર ઈટાલિયન ટાપુમાં ડાક્ટર સામ મુન્વે, અસલ સ્વિડનના, આત્મકથા લખી સાહિત્યમાં અમર થયેલો, એણે પોતાની સઘળી દોલત અહીં ખરચી પંખીઓનું વન વસાવ્યું છે તે જોજો અને એ ડાક્ટર મુન્વે એના મરણ બાદ સ્વિડનના રાજાને ભેટ આપતો ગયો. એટલે રાજાએ ત્યાં સંરક્ષક નીમ્યા – ત્યાં દુનિયાભરના પંખીગણો ફરવા–ચરવા મોસમ પ્રમાણે આવે છે એનો ખયાલ મેળવજો. આ ડૉ. મુન્વેની આત્મકથા એનું જીવતર, એની આખી ઘટના મેગેઝિન ડાયજેસ્ટમાં પ્રગટ થઈ ચૂકી છે. મેં એનો પંખી માળો જોયો એટલે એને વિષે કાપ્રીના પ્રવાસમાં લખ્યું – સાથે ફાબિયો – આ હકીકત કે કલ્પના?

સત્ય, કલ્પના, તમને તો શંકા સંતાપતી નથી, છતાં બ્રેડાના કિસ્સાનો એક પાકો ખયાલ આપી દીધો. નામ, ઠામ, ઠેકાણા સાથે – માનવું હોય તે માને, ન માનવું હોય તે ન માને! આ આખી ચર્ચાનો એક ટૂંકો જાપાનીઝ ઝેન કથામાં જવાબ આપું છું :

ગામમાં એક કુંવારિકાને ગર્ભ રહ્યો. સંતાન થયું. મા-બાપે પૂછ્યું, પિતા કોણ? પેલી જવાબ ન આપે. આખરે એણે ગામના પાદરીનું નામ દીધું. એટલે બધા પાદરીને ત્યાં ગયા. સંતાન એને આપી દીધું. પાદરીએ આખી વાત સાંભળી. હસતાં હસતાં એટલું જ કહ્યું, ‘ઓ, એમ હકીકત છે’ – ‘ઈઝ ધેટ સો!’ પછી થોડાં વર્ષો બાદ પેલા સાચા પિતાને પશ્ચાત્તાપ થયો હશે કે શું, તેણે પોતાની ભૂલ કબૂલ કરી. એ સંતાન એનું એવું જાહેર કર્યું. કન્યાએ પણ કબૂલ કર્યું. એટલે ગામલોક આ ઝેન પાદરી પાસે પાછા દોડ્યા. સાહેબ! અમને ક્ષમા કરો, સંતાન પાછું આપો. ઝેન પાદરી ફરી હસતે મોંએ સંતાન પાછું આપતાં એટલું જ કહે છે, ‘ઓ, એમ હકીકત છે’ – ‘ઈઝ ધેટ સો!’ ‘ઝેન’ શબ્દ સંસ્કૃતમાંથી પાલીમાં જઈ ‘ધ્યાન’ શબ્દમાંથી જાપાનમાં પ્રવેશ્યો છે એ વાત તો પ્રસિદ્ધ છે. હું તમારા જવાબમાં એમ જ કહું છું, ‘ઓ, એવી હકીકત છે!’

છેવટે કલ્પના અને વાસ્તવિકતા એ બેમાં ફેર શો–એ વિચારો. ગઈ કાલે વિશ્વભારતી યુનિવર્સિટીના એક પ્રોફેસર શિશિરકુમાર ઘોષે ટાગોર પર અને બીજું મિસ્ટીસિઝમ પર એમ બે ભાષણો કર્યાં. એણે ભૂમિકા બાંધી એમાં કલ્પનાને મિસ્ટીસિઝમ–ગૂઢ તત્ત્વરૂપે જ ગણાવી. એમાં એમણે શ્રી અરવિંદને ટાંક્યા. માઈન્ડ – મન નાબૂદીના શ્રી રમણ મહર્ષિના ઓસબેર્ન અને પોલ બ્રન્ટન સાથેના સંવાદો ટાંક્યા. સવાલ કરે છે–યોગી સિંહચર્મ પર બેસે છે તે સિંહના શિકારમાં હિંસાનું તત્વ ખરું કે નહીં? શ્રી રમણનો સહસા સહજ ઉત્તર મળે છે, સિંહ તે તમારા મનમાં છે. મનને ઊંચું મૂકી દો. માઈન્ડ ગયું એટલે થોટ ગયો. વિચારપ્રવાહ બંધ એટલે અહંની લીલા જ અટકી ગઈ. એટલે તમે આ કલ્પનાની, માયાની સૃષ્ટિમાંથી જે સત્ છે, જે સનાતન છે, જે અનંત છે, જે આનંદ છે એમાં જ ભળી ગયા. વાસ્તવિક અને કલ્પનાની ભેદરેખા એમણે આમ ભૂંસી આપી.

પ્રશ્ન : પ્રેમ અને લગ્નસંસ્થા વિષે આપે નાટકમાં ઘણું લખ્યું છે. આપે લખ્યું છે કે પ્રીત જેણે કરી ન જાણી એણે કશું ન જાણ્યું, જેણે માણી એણે બધું જાણ્યું. અંતરગઠરિયાં : 1ના મિત્રવર્ય જૅક કહે છે કે લોકો પ્રેમમાં પડે છે એ પણ એક તૂત છે, તરકટ છે, જૂઠાણું છે, મોટે ભાગે મેઈક – બિલીવની માનસિક પ્રક્રિયા છે – આ ઈટાલિયન પ્રેમની વ્યાખ્યા આપને ખરી લાગી કે ખોટી? પ્રેમ અને લગ્નના સંદર્ભે સંસારમાં જે રગડો જોવા મળે છે તે નાટકની સૃષ્ટિમાં છે, આ રગડાની રજૂઆત સમગ્રતાથી આપનાં નાટકોમાં થઈ છે. પ્રણયલીલામાં એકતાનતા ન સાધી શકાયાની આપની અંગત જીવનની વેદના આપે વ્યક્ત કરી જ છે. ‘કર્કોટકે ગતે મંગલ, પરગૃહનિવાસી, પરાન્નાશી ચ’ એ સૂત્ર આપના વિષે ખરું પડયું, આપ જેને જેને મળ્યા છો એ દરેકનું ઘર આપનું પોતાનું જ બન્યાનો આપને સંતોષ છે, છતાં સંસારના આ વિકટ પંથમાં પોતાનું ઘર (ખારમાં હજી છે કે નહીં તેની જાણ નથી.) ન હોવાનો ઉચાટ કે અસંતોષ ઊંડે ઊંડે રહ્યો હોય તો આપના સ્વભાવ મુજબ, નિખાલસતાથી કહી દેશો? આપ તો અલગારી જીવન જીવનારા છો – એકલવાયી જિંદગી ગમી?

ઉત્તર : મારી ફરિયાદ સાચી છે, અમે લખીએ છીએ પણ કોઈ વાંચતું નથી. તમે ગઠરિયાં ભાગ-1 વાંચી સવાલો પૂછો છો. જૅક રેશિન્યો તો વેપારી માણસ છે. હળવી વાતચીતમાં હળવાશ લાવનારી આ રમતિયાળ ઉક્તિ. એને આટલું મહત્ત્વ ન આપવું જોઈએ. એ મિત્ર સાચો, નથી લેખક કે નથી ફિલસૂફ. હસવામાં ગમે તે કહે, ‘ઈલાઈઝા ટુ’માં જર્મન, જાપાન, રશિયન, ચીન, સ્વિત્ઝર્લેન્ડ એમ વિવિધ દેશોની પ્રેમની વ્યાખ્યા વિષે અને તે ઉપર ચર્ચાનું આખું 13મું પ્રકરણ છે - પ્રેમ અને લગ્ન. અને પછી પ્રકરણ 46 વાંચો. તમારા પ્રેમ અને લગ્નની બધી સમસ્યાઓના જવાબ એમાં છે, બેલા કલ્પિત નામ છે પણ બેલા એમાં જીવંત વ્યક્તિ છે. જૅકની વ્યાખ્યા સાવ ખોટી, એનો સ્વભાવ સરળ, ભોળો, હસી રમીને જ જીવન જીવે છે. કદી ગંભીર થતો જ નથી અને તમે શોધી શોધીને એનું વાક્ય ખણ્યું! હા, લગ્નની સંસ્થાની નાટકોમાં મેં બધી રીતે ઠેકડી ઉરાડી છે એમ જે તમે કહો છો એ અર્ધસત્ય છે. મોટાભાગના લગ્નો ત્યારે છે શું? દાયજો, ઢોલ-ત્રાંસા, દીવાબત્તીના ઝગમગાટ – પછી સોએ દશ કે વીશ છૂટાછેડા જે વધતા જ જાય છે, યા ઝગડા યા મારપીટ યા નાસભાગ યા આડાવ્યવહાર–લગ્ન અરુંધતી અને સિવષ્ઠના. બેલા સાથેની ચર્ચા વાંચો.

તમે ‘સંસાર એ રગડે છે’ એ ‘પાંજરાપોળ’ નાટકનું વાક્ય પકડી બેઠા. પણ ‘પાંજરાપોળ’માં ‘લગન તે શું સમજો છો ખેલ સાહેલી ગૂંચવણી સમજવી નથી એની સ્હેલી’ એ જૂની રંગભૂમિનું ગીત તમે ન પ્રમાણ્યું. તમે ‘પાંજરાપોળ’માં નાયિકા જ્યોતિ બાળલગ્નના વરને, એના કુટુંબને, મામા–માશી–કાકા–ફોઈના સ્વાર્થ દૃષ્ટિએ શોધાયેલા વરોને પડતા મૂકી પોતાના પ્રિયતમને જ પરણવા નક્કી કરે છે તે ન પ્રમાણ્યું. નાલાયકોની ધનસુખલાલે ચાર ચિતા વચ્ચે વિવાહ કરનારા સગાંવહાલાંની અને એ પ્રથાની ઠેકડી ઉડાવી જ છે. એ ‘પાંજરાપોળ’માં જરા વિસ્તારી એટલો મારો ગુનો! લોકોથી પોતાની ઠેકડી સહન નથી થતી. આદર્શવાદીઓ પ્રત્યે યા પોતાની સ્વયં પ્રેમદ્રષ્ટિથી જીવનનો ભાગીદાર શોધી સુખ શોધે, શોધવા મથે તેવા દાખલા નાટકમાં જે છે તે નથી જોવા – એવી ભૂલ તમે પણ કરશો?

‘શેતલને કાંઠે’ તો લોકકથા છે. મેઘાણીએ એ ઉપરથી વાર્તા લખી. અમે આણલદે – શેતલને કાંઠે રંગરસ ભરી નાટક લખ્યું. પરણેતરને પોતાની વહુની બાળપણની પ્રીતનું ભાન થતાં અને પત્નીને પોતાનો સદાચાર રીતે ધર્મ પાળતી જોઈ કેવડા મોટા ઔદાર્ય ભાવે ઢોલરો દેવરાને પાછી આપવા ગયો. રૂઢિચુસ્ત વિવેચકોને, ચંન્દ્રવદન પર થીસીસ લખનારને એમાં આદર્શ ન દેખાયો. પ્રેમનો, પ્રીતનો, ત્યાગનો, હૈયાના સંલગ્નનો કેવો મોટો દાખલો તે વિવેચકોથી ન પકડાયો. એના કરતાં લોકવાર્તાનો લેખક કેટલો મોટો? અને એવા આ સંસારમાં દાખલા બનતા પણ આવ્યા છે. ‘સીતા’ નાટકને છોડો, પ્રેમની ભાવના એમાં પણ છે, ‘સોનાવાટકડી’માં નાટકની નાયિકાની કેવળ એકોક્તિ તો વાંચો. રસિક, કુનેહભરી, ઘરડા ઘુવડ વરને જે ચાબખા મારી પોતાની ઇચ્છા પ્રમાણે પરણે છે તે – ‘ધરાગુર્જરી’માં કવયિત્રી રૂપ-રૂપના ભંડાર સમી રૂપમતીનો બાજબહાદુર માટેનો પ્રેમકિસ્સો પણ તમે ભૂલ્યા? એકાંકીઓમાં નથી તમે ‘અંતર-બહિર’ વાચ્યું – મૃત્યુની છાયા તથા હૃદયનો પ્રેમ – એ જવા દો, ‘અંદર અંદર’ તો રેડિયો તથા ટી. વી. પર તેમ જ રંગભૂમિ ઉપર ઠીક ઠીક વાર ભજવાયું. વેરઝેર છરાબાજી સાથે દટાયા અને પરવાળી અને મોતન બન્નેએ જે પ્રેમ સંવનન, રમતિયાળ પ્રેમથી માંડી મક્કમ પ્રેમભાવથી જૂના વેર લેવા આવનારને પ્રેમભાવે ભીંજવી પાણીથી પાતળો, નમ્ર, સર્વને સુખને રસ્તે વાળનાર બે નાયિકાઓ પણ તમને ન ગમી? હા, ‘માઝમરાત’ ઘણી વાર ભજવાયું. હજી સુરતમાં ભજવાય છે. એની દરદાગીના, વૈભવમાં જ શોખ, અક્કડાઈ, કૃત્રિમ તકલાદી જીવનમાં જકડાયેલી નાયિકા પ્રિયતમ સંગાથે ન જતાં જકડાઈને ભોંય ભેગી જડ જેવી ઊભી રહે છે, (મંદા ઘરજમાઈ કરવાની ઇચ્છાવાળી જ) કારણ એ જડ જ છે, હૈયા વિનાની છે યા હૃદય ઉપર ધન-દોલતના ભારોભાર ભાર છે. તમે એવી કુંવરીઓ નથી જોઈ? એની દયા જ ખાવાની, એને આડે રસ્તે નથી દોરવી. હા, ‘શિખરિણી’ નાટક માટે તમે ઝગડો. પ્રિયતમ વરના વિશાલ હૃદયને, એના અસીમ ઔદાર્યને, એની વિશ્વકુટુંબની ભાવનાને ઉવેખશો? નાયિકા દ્વિધામાં છે. આજે ટેસ્ટ ટ્યૂબ સુધી તો પહોંચ્યા છે અને અસલ એવી પરિસ્થતિમાં ભીષ્મે વ્યાસજી પાસે નિયોગ કરાવ્યાનો દાખલો જગપ્રસિદ્ધ છે. અને ચન્દ્રવદને લગ્નની ઠેકડી જ ઉડાવી છે, એમ? પ્રેમ જાણ્યો, માણ્યો નથી એવા આરોપો શરૂ થયા; દંભ – પારાવાર દંભ ઉપર ફટકા મારનારની આ જ દશા થાય.

સારું છે કે તમે સવાલમાં ‘પ્રણયલીલા’ શબ્દ વાપર્યો છે. પ્રણય એ લીલા હોય ત્યાં એકતાનતા નથી સધાતી, પણ એથી અમે પ્રણય માણી એકતા નથી જ સાધી એવું શેં માની બેઠા? ‘ઈલાઈઝા ટુ’માં બેલાનું પાત્ર જુઓ. અસીમ પ્રેમ, વેદના એ તે સુખના બે પાસાં–પડખાં છે. બધે જ, ચેપ્લીનનું હાસ્ય, એની મજાક એના અભિનયમાં કારુણ્ય જ તરવરે છે. નાટકમાં તકલાદી દંભી લગ્નોની ઠેકડી ઉડાવી, પણ સીતા, જ્યોતિ, સેના, શિખરિણી, ધરા, આણલદે સૌ સૌના નિરનિરાળા પ્રેમને કોઈએ જાણ્યા જ નહીં? તમે પણ નહીં? અમે પ્રેમ માણ્યો છે, એનો અભિનવો આનંદ અનુભવ્યો છે. એ અખો કહે છે તેમ ‘વાણીમાં નવ જાયે કહ્યો’ ત્યાં, જ્યાં અખો લાચાર તો હું તો કેટલો લાચાર – પણ આનંદ થકી તો તમે બધા ‘પોતાની પત્ની કરી એની સાથે ઘરસંસાર નહીં મંડાય એટલે ઘર નહીં એનો ઉચાટ કે અસંતોષ ઉપરથી કે ઊંડે ઊંડે હોવો જોઈએ’ એવી વ્યાવહારિક માન્યતા ધરાવો છો તે ખોટી છે, સદંતર ખોટી છે, ધરાધર ખોટી છે, એટલું સત્ય કૃપા કરી સ્વીકારો તો આભાર. ચાળીશ વર્ષથી હું સુખી છું. ઘરની વાતમાં હા, ખારનું ઘર મારું જ છે, ચારે બહેનોને હું સંભાળું છું. એકલતામાં હું તો જે આનંદ માણું છું, તેનો લગરીક પણ લહાવો તમારા સૌ કોઈ મારે માટે નાહક ચિંતા કરનારને મહાણવા જાણવા મળે તો તમે એ અનુભવવા તત્પર થઈ રહેશો. તમે શું જાણો કેટલું શાંત મારું જીવન છે. સભર છે. રસ તરબતર છે. નિકટના મિત્રો અહીં કદીક રહી ગયા છે, રહી જાય છે, એને પૂછો. વિલોચન કેશવ હર્ષદ ધ્રુવને પૂછો. ઉમાશંકર જોષીને પૂછો. સુનીલ કોઠારીને પૂછો. ચાળીશ વર્ષથી એકલા રહેતા, કોઈને મેં હજી સુધી, આજે સવારે કે સાંજે ગમ્યું નથી કે ગમતું નથી એવી ફરિયાદ કરી નથી. અને એમ જુઓ તો સૌ કોઈ એકલા જ છે. સાથે રહેનારાઓના કેટલાકના રોજિંદા ઝગડા, ટંટા, વિખવાદ, રિસામણા, છણકા, ચઢ્યા મોં, ભારે દિલ, વિષાદ, ક્ષોભ, ક્રોધ-સંમોહ એકઠા કરો અને મારી અહીંની શાંતિનું તોલ કરો.

માતા તે માતા. એના અવસાન બાદ મને એવડી હૂંફ તો નહીં, પણ ઘણે અંશ એની ખોટ પૂરનારી માઓ મળી છે. સૌ. પદ્મા વસંત શાહ, સૌ. ચંન્દ્રકાન્તા ભૂપતિકુમાર ઘીઆ, સૌ. સુધા ક્ષેમેન્દ્ર દિવેટિયા, ચિ. મંદાકિની પરીખ–સ્ટેટ્સમાં અમારા અધ્યાપક મંડળના સાથીદાર ડૉ. ઓયરના ધર્મપત્ની જેન ઓયર – એ બધાંએ માની ખોટ સાલવા દીધી નથી. મારો પુત્ર હોત તો ચિ. અરુણકુમાર શ્રોફ કરતાં વધારે શાણો કે વિનય-વિવેકી ન હોત. બહેનો તો છે જ, સગી તેમ જ એવી જ સગા જેવી પારકી; દીકરીઓનો વસ્તાર તે વધતો જ જાય છે. ભાઈ મને નથી અને જે દેશમાં પારકા કરતાં પોતાના ભાઈ સાથે વધારે લઢે એ દેશમાં ભાઈ મને જોઈતો પણ નથી. અને પ્રિયતમા છે, સતત હૈયાને જીવતું રાખે છે. અને તમે ચિંતા કરે છે. વડોદરા યુનિવર્સિટીમાં અ. સૌ. હંસાબહેનના કહેવાથી રેડિયોમાંથી નિવૃત્ત થઈ વગર પગારે 1952થી કામગીરી બજાવી તેના પરિણામે યુનિવર્સિટીએ વગર ભાડે એમના અહીંના મકાનમાં જિંદગી સુધી શાંતિથી રહેવા સગવડ કરી આપી, એમાં ઈશ્વરનો કેટલો મોડો લાંબો કૃપાળુ હાથ–સમયસર જીવું છું, જે માટે પરિષદના ‘પરબ’માં ટકોર થઈ, ‘એમ ઘડિયાળને કાંટે ન જિવાય.’ ભલે તમે ન જીવો ને રાજી રહો. સમય જેવી કોઈ વસ્તુ નથી એ જાણું છું, છતાં વાસ્તવિક વ્યવહારને પરમાણી સમયસરનું જાગું છું, સમયસર રાંધું છું, સમયસર વાસણ સાફ કરું છું, સમયસર વાંચું છું, લખું છું, હરું-ફરું છું, બીજા સમય ચૂકે છે, ભલે ચૂકે, હું નહીં. કુદરત ચુકાવે તે જુદી વાત છે. મારી એકતાનતા, એકલતાની ઈર્ષા નથી કરતા, એને બદલે તમે બળાપા કરો છો, શેને માટે? કારણ તમે એકલા રહેવાનો અનુપમ લહાવો લીધો નથી, એ અનુભવ પ્રમાણ્યો નથી. મેં ક્યાંક કહ્યું તેમ આવો, મારા ઘરના બારણાંને રાતે પણ સાંકળ દેવાતી નથી.

મારા એક મિત્ર, પ્રો. બાર્નહીલ, બ્રાઉન યુનિવર્સિટીમાં અંગ્રેજી તથા નાટકક્ષેત્રના વડા, રોડ આઇલેન્ડના મારા જેવા જ અલગારી. દિલ્હીથી અમદાવાદ કોઈએ એને મિટર ગેજમાં બેસાડ્યા અને અમદાવાદથી જગ્યા ન મળતાં, એ અગિયારની લોકલમાં ઊપડી અને અઢી વાગે સ્ટેશન પરથી જગ્યા શોધતા રાતે ત્રણે મનુભાઈ મહેતા હોલ – નીચેથી રખવાળને પૂછી ઉપર, સવારે સમયસર છ પહેલાં હું ઊઠી જોઉં છું તો ઈઝી ચૅર પર આ વ્યક્તિ ઘોરે. બાજુમાં ટોર્ચ, એ થકી એણે જગ્યા શોધી લઈ લીધેલી. રોડ આઇલેન્ડમાં એના પોતે જાતે બાંધેલા ટ્રાન્સીટ સ્ટ્રીટમાંના ઘરમાં પણ અંદર આગળો કે સાંકળ નથી. જાઓ તો જજો કોઈ વાર. 1983, 84માં અહીં આવનાર છે, મેળવી આપું તો પૂછી લેજો તત્વાર.

અહીં અમારા બીજા મિત્ર છે, ભુપેન ખખ્ખર, ચિત્રકાર. ઘરને તાળાં કેવાં? આવી ઠીક ઠીક વ્યક્તિઓ છે, એમને મન ખરે જ રામરાજ્ય છે. ‘પ્રજા સુએ ઉઘાડે બાર.’ ખરું કહું તો એ જ જિંદગી છે.

જ્યોતિષશાસ્ત્ર બહુ ઊંડું અને વિશાળ છે. કર્કનો મંગળ જ એકલો પરઘરનિવાસી નથી બનાવતો. સાતમા ઘરનો માલિક બુધ જો બારમે વ્યવસ્થાને હોય તો લગ્ન બગડે, વહુ બીજે જાય, ભાગી જાય, એનું અવસાન થાય, વળી જેવી એની ઉપર શનિની દૃષ્ટિ – અને કર્કનો મંગળ હોય છતાં, સાતમા ઘરમાં બુધ માલિક હોય, ચન્દ્ર શુક્ર હોય તો કરોડપતિને ત્યાં ઘરજમાઈ પણ થઈ શકો. પણ આપણે અહીં જ્યોતિષની ચર્ચા કરી એ જ નકામી. લેખક લખે તેમાં ક્યાં છરવરાટ, રસ લાવવા, એકતાનતા તોડવા, રંગીન બનાવવા જેમ કહેવત – ઉપમાઓ વાપરે, એમ આ જ્યોતિષના કેટલા સિદ્ધાંતોનો કોઈ ઉપયોગ કરે, એથી એ જ્યોતિષી કે એ વિદ્યાનો સો ટકા સાચા માનીને ન ચલાય.

પ્રશ્ન : ચિંતનનું સાહિત્ય એટલું બધું છે કે મારી તતૂડીનો શો અવાજ નીકળે, કોણ એ સાંભળે એને બીજા એમાં શા માટે વખત બગાડે એમ આપે લખ્યું છે – કેટલાકના સત્સંગથી મનખાને મળેલી અનહદની શાંતિનો લહાવો આપે માણ્યો છે, આપ અતિશય સંવેદનશીલ પ્રકૃતિ ધરાવો છો, પણ એ પછી તરત આવતી સ્વસ્થતા પણ હદ્ય છે – આપે કહ્યું જ છે કે વધારે ધ્યાનમગ્ન થતાં ચિંતનકણિકા લાધે છે – એક બાજુ જિંદગીની એકલતાનો કેફ; સામે છેડે તમારા જાકીટ પરની ટાઈ જેવી અલગારી સ્વસ્થતા ને માથે ચિંતનનો મુગટ! ચન્દ્રવદનભાઈ, આ ત્રિવિધતા વિષે શું માનો છો?

ઉત્તર : ફરી ફરી કહું, લખ્યું કોઈ પૂરું વાંચતું નથી, કહ્યું કોઈ સાંભળે તો યાદ રાખતું નથી, સૌ સૌના તાનમાં – સૌ સૌ પોતપોતાની ચિંતામાં મશગૂલ હોય છે. જિંદગીમાં હું એકલો નથી. નથી, નથી, હરગિઝ નહીં, શી રીતે તમને એ સમજાવું? અને એકલો હોઉં કે હઈશ તો એનો આનંદ માણ્યો છે. કેફ તો નહીં જ. કંઈક હિતચિંતક હૂંફાળા મિત્રો, સ્વજન જેવા, આજે મારી આસપાસ છે. પડતા બોલ ઝીલે છે. જે છે તે છે. અને માને કે ન માને, ઉત્તર કેનેડાની ઉત્તરે બસો માઈલની સાગર પગથારમાં સાત સાત દિવસના ઉગમણા સૂરજની ઝાકળ પગથાર, આ બાજુ ગૌરીશિખર તે એવરેસ્ટ, એની નીચે ગૌરીશંકર, કાલિદાસે ‘કુમાર સંભવ’માં એ બેના ભેદ પાડી આપ્યા છે, છતાં આપણે એવરેસ્ટ – યોમો લુગ્માને ગૌરીશંકર નામે જ પઢાવ્યા કરીએ છીએ. અને બાજુમાં કૈલાસ. સુભગમાં સુંદર નમણું નંદાદેવી એ સૌની ઉપર ચાર-પાંચ હજાર ફીટની ઉપરથી પાંચ-સાત મિનિટ ન્યાળી આનંદસમાધિ માણી છે. હા, ‘એક મટકું ન માંડ્યું રે – ન નીરખ્યા હરિને જરી’ પણ આ સાક્ષાત્ હરિને અનેક મટકાં ભરી ભરી જોયા, વચ્ચે અલપઝલપ સ્વચ્છ સવારે માનસરોવર પર આ ભાગ્યશાળી હંસલો ઊડ્યો છે. વળી નિકટથી હરિદ્વાર ઓળંગી બિહામણી કહેવાતી શિવાલિકની શંખિણીધાર પણ મને હૃદયગમ લાગી છે. બદરીનાથ કરતાં કેદારનાથ મંદાકિનીની વાટે ઘાટે સતોપંથ હારમાળા, સ્વિસ આલ્પ્સમાં ઇન્ટરલોક નથી. યુંગ ફોઉ ‘જુવાન કિશોરી’, ફિનલેન્ડની ઉત્તરનો લાપપ્રદેશ–ત્યાંનો સાગર, ચાર ચાર દિવસ સતતનો બબ્બે વાર અતલાન્ટિક સાગર ‘ધીમે ધીમે તલ સમ પડે ઊપડે નાવ મારી’ એ યાદ આવતાં માણેલો વિરાટ સાગર – શું શું ગણાવું, કેટકેટલી મધુર સ્મૃતિઓ મારી સાથે સતતની જીવંત જ રહે છે – કેવડી મોટી યાદી થાય – જોજો ગઠરિયાંમાં – માનો ન માનો અલાસ્કાને કાંઠેથી સામે ખડો એશિયા ખંડ, આ કાયાએ શું શું નથી માણ્યું, શું જોવાનું બાકી રહ્યું. એટલે તો શ્રી ઉમાશંકર ખીલ્યા અને સી. સી.ને ચમકાવ્યો, ‘શું ખૂટે છે, આટઆટલું તો લૂંટે છે, દુનિયા ઊઘડી પગ આગળ ચન્દ્રવદન એક અલગારી ખુદ મસ્ત...’ કવિની કેટલી બધી કૃપા કે મદમસ્ત ન ઠેરવ્યો.

અરેરે, ક્યાં આ દિવાસ્વપ્નમાં મને દોડાવ્યો, ભાઈ! જાકીટ પરની ટાઈ જેવી કસ, પહેરણ પર છે, જાકીટ પર નહીં. એ અમારી અઠ્ઠાવીશમાં યુસુફભાઈ મહેરઅલી દોસ્તની બાહ્યધરી નીચે મુંબઈના સ્ટુડન્ટ્સ બ્રધરહુડની બારડોલી સત્યાગ્રહમાં પહોંચેલી ટોળીનો ગણવેશ – સરદાર વલ્લભભાઈની છત્રછાયા હેઠળ શિસ્ત, સમયપાલન, રસોડા સાફ કરવાના, રાતે ગાંધીજીની કુટિર પર પહેરો ભરવાનો, એમની સળગતી ભાષા સાંભળવાના, ત્યાં તથા પછી મુંબઈ બુલેટિન લખવાના બોધપાઠ શિક્ષણ લેવાનો એ ગણવેશ – આજે એક એકલો હું એ કસવાળું ઝભલુ કહો તો ઝભલુ, કુરતુ કહો તો કુરતુ, એ ખરેખર સાચે જ એકલવાયું છે. તોયે એ ખાદીના કસઝભલાએ બ્રિટિશ સરકારની નોકરી કરી, અડતાલીશ પછીના દેશી બડેખાંઓને એ પહેરવેશ વિચિત્ર લાગ્યો, એટલા ખાતર રોટરીમાં મને બ્લેક બૉકસ કર્યો પણ રેડિયોમાં સરકારે બચાવ્યો. મહાશય! દીનબંધુ! પ્રાર્થના કરે કે કોઈ મારા સુખની અદેખાઈ ન કરે.

ખાદીનો વેશ લિલિંથગો કે વેવલ માઉન્ટબેટનને નહોતો કઠ્યો. કેટલાક દેશી ઉપરી અધિકારીઓને ભારે અણગમો હતો. પણ ત્યારે બ્રોડકાસ્ટિંગમાં એક સરસ ગુજરાતી મહાશય મિ. ભાલજી, સ્વ. અંબાલાલ સારાભાઈના સોઢુભાઈ આ. સી. એસ. એમની ખૂબ જ કૃપાદૃષ્ટિ હતી, એટલે પેલા અધિકારીઓ ભોંઠા પડ્યા. આવી આવી તો ઘણી કડવી ઘૂંટડીઓ પચાવી બેઠો છું, ચિંતન તો હોય, એના ભાર નથી. ચાલુ ચીલા પ્રમાણે, વ્યવહારબધ્ધ આચરણ ન કરનારને લોક અતડો તો કહે, તોરી પણ કહે. ચકરમ્ પણ કહેનારા કહે છે. કહે. એવી અલગારી રીતે જીવનારા ઘણાં છે, પોતે મનથી સુખી છે, ઉમાશંકરે જાણ્યું તેમ ખુદમસ્ત પણ હોય. એ પણ એક નિજાનંદનો લહાવો છે. મારી એકલતા માણવી હોય તો આવજો અહીં મારા ઘરના બારણાને અંદરથી હું સાંકળ નથી વાસતો. રાતે પણ નહીં. સિવાય કે વાવાઝોડા કે વરસાદ પજવી એને અફાળે ત્યારે. બાકી તો નહીં જ.

એકલતા એ કેફ નથી, એ અનાદિકાળથી ચાલતી આવેલી એક મનુષ્ય માટેની પરિસ્થિતિ છે. અને એ એકલતામાં ધ્યાનમગ્ન થતાં કદીક જો એને કંઈક લૌકિક નહીં એવું, અલૌકિકનો અંશ માત્ર પણ લાધે છે, તો યોગીઓએ, મુનિવરોએ, દૃષ્ટાઓએ, અખા જેવા અનુભવીઓએ એની વાતચર્ચા કરવા ના પાડી છે. અને કહે પણ કોણ? બાવન બહારની એ વાત છે, ચત્વારી-પરા, પશ્યંતિ, માધ્યમમાંયે પરાથી આગળ–એ ભાગ્યે જ આગળ આવે.

પ્રશ્ન : આપે દુનિયાભરની ભાષાને અનુભવી છે. સમગ્ર ભાષા-સંવેદનાનો વ્યાપાર કેવો લાગ્યો છે? સાહિત્યકૃતિ અને ભાષાના સંદર્ભે આપ શું વિચારો છો? ભાષા સાધન નહીં પણ કલાકારની હસ્તી (being) છે એમ હું માનું છું. કવિતા પૂરું Communicate ન કરે તો ચાલે, પણ નાટકે તો કરવું જ જોઈએ. તો અહીં આપ આ બન્ને સ્વરૂપ સંદર્ભે ભાષા વિષે શું વિચારો છો? ભાષા વિષે અન્ય કશુંયે આપ કહેવા ઇચ્છો તે નિઃશેષ કહેશો? આભાર.

ઉત્તર : દુનિયાભરની તો નહીં, પણ સંસ્કૃત માણી, અંગ્રેજી માણી, જર્મન માણી, અસ્પાનિયા માણી, ફ્રેન્ચ બંગાળીની પણ મીઠાશ જાણી છે. આ સવાલ તો તમારે ભાયાણી સાહેબને કે સુનીતિકુમાર ચેટરજી જેવા વિદ્વાનને પૂછવાનો હોય. આપનો પ્રશ્ન પણ ઘણો અસ્પષ્ટ છે. ભાષાસાધન વિષે આપની માન્યતા બરાબર, જો કે ચિત્રકારને, માઈમના નટને ભાષાની જરૂર જ પડતી નથી. સાચા ગુરુને પણ ભાષાની જરૂર પડતી નથી. એ તો મૌનથી જ સંબંધ બાંધે છે, બોધે છે. શ્રી રમણ મહર્ષિનો દાખલો મોજૂદ છે. પોલ બ્રન્ટન, બ્રાઝિલના પાદરી પછીથી ‘સમાધિ’ પર અંગ્રેજી પુસ્તક લખનાર ‘મૌની’ સાધુ – છ છ મહિના રહ્યા તોયે બેમાંથી એકેયે એક શબ્દ પણ વિખેર્યો નહોતો.

અને પછી તમે કાવ્ય અને નાટક પર આવો છો. એ બે અમારે મતે ભિન્ન નથી જ. અસ્મિન્નેવ સંસારે કવિરેવ પ્રજાપતિઃ અને કાવ્યમાં નાટક જ રમ્યમ્. નાટક મૂળમાં તો કાવ્યથી જ રમ્ય બને છે, એને રમ્યતર નટ અભિનયથી બનાવે છે. ચેપ્લીન જેવો મૂક ચિત્રોમાં ભાષા વિના હૃદયને થનગનાવે છે, રૂંધે પણ છે. આપણે ત્યાં નાટકના ખયાલ હજી પૂરા પાંગર્યા નથી. ભરતે નાટ્યશાસ્ત્ર આપી એની પછીની નાટકકારોને બત્રીશલક્ષણો, આજાનુબાહુ, નાયક-નાયિકાને વિવિધ લક્ષણોમાં બાંધી દીધા. ભાસ છટક્યા લાગે છે. પછી એ ગમે તે ભાસ હોય. પણ સ્વતંત્ર દિમાગના નાટકકાર – ‘પ્રતિમા’ નાટકમાં તો એણે હદ કરી છે, પણ આપણે એને હજી સુધી પૂરતું નાણ્યું-માણ્યું નથી. એના કેટકેટલા શાપ લાગતા હશે!

ભારત સિવાય—અહીં વાત પણ કરું છું તો હસે છે, અમેરિકામાં હવે યુરોપમાં ‘થિએટર ફોર ધ ડેફ એન્ડ ડમ્બ’ તથા ‘થિએટર ફોર ધ બ્લાઈન્ડ’ છે. એમના ભાથામાં અનેક નાટકો, એમાં શેક્સપિયર મોલિયેર પણ ભજવે છે. 1980માં ચાળીશ દેશોમાં એમની મંડળી નાટકો કરવા ગઈ. ભાષાનો તો પ્રશ્ન જ નહીં, એમના વડા ડેવિસ હેઈઝ સાથે મને સારો સંબંધ. ન્યૂ લંડન પાસે ઓ’નિલ મેમોરિયલ થિએટરમાં એ લોકો રહે ભજવે. ત્યાં એમના કામ જોઈ હું ચકિત થઈ ગયો હતો, તે એમને ભારત નોતરવા, બોલાવવા કંઈ નહીં તો મુંબઈમાં બે પાંચ પ્રયોગો કરવા આપણી સરકારને મેં બબ્બે હાથ જોડી વિનવણીઓ કરી પણ એ લોકોએ કશી દાદ આપી નહીં. એમ હોઈ શકે? એવી શંકા. આપણા લોક સમજશે, એવા સવાલ, મનીલા, ટોકિયો, હોંગકોંગમાં ભજવાયા ત્યાં સમજાયા, અહીં નહીં.

નાટકમાં પહેલાં તો કાવ્ય અને એમાં નાટકની ભાષા હોવી જોઈએ. આ મેળ સાધવો બહુ અઘરો છે. મૂળ નાટકની ભાષા એ ક્રિયાપદનો ખેલ છે, ક્રિયાપદોની રમઝટ છે, ક્રિયાપદની કલા છે. કારણ નાટકનો આધાર ક્રિયા પરત્વે છે. ત્યારે ત્યાં કાવ્યતત્વને ક્રિયાત્મક બનાવતાં જતાં, પાત્રોના સ્તરની ભાષાનો ઉપયોગ જાણવો જોઈએ. એ શેક્સપિયર જેવા એક મહાન નાટકકારે ‘ટુ બી, ઓર નોટ ટુ બી’ નાનકડા ક્રિયાપદથી અલૌકિક સિદ્ધિ સાધી છે. એના ધ્વનિ પરત્વે હજી વિવેચકો ચર્ચા કર્યા કરે છે, એ તે ક્રિયાપદની કલા. મારી દૃષ્ટિએ ચાર સમર્થ નાટકકારોએ આ ભગીરથ કામ કર્યું છે. શેક્સપિયર, ચેકોવ, લોપે દ વેગા અને મોલિયેર. પિરેન્દેલો અને ઈબ્સન પછી આવે. પિરેન્દેલો ચૂંથાઈ ગયો, ફ્રાન્સમાં એના નાટક પર ઘણાં જણાંએ રંદા ફેરવ્યા. બાકી શંકરાચાર્યના માયાવાદને આબાદ રીતે એણે નાટકમાં જમાવ્યો છે. એવા સમર્થ એ નાટકકાર. લોપે તો પંદરસો સોળસો ઉપરાંત નાટકો લખી ગયો. ભજવ્યા, ભજવાવ્યા. ભાષાનો ઘડવૈયો, કવિ, નટ, યોદ્ધો, ડ્યુએલિસ્ટ, પ્રેમી, પરગજુ, રાજાનો ખિદમતગાર, મહાલયમાં નોકરી, ત્રણ વહુઓ, જાતે દુઃખી, શરીરે ઘા પર ઘા, એવા જ હૃદયે જખમો, એણે આરમાડામાં ભાગ લીધેલો, ગરીબ મા–બાપનો દીકરો, પંડિત થયેલો – લાંબી જીવનકથા છે, પણ લૉર્ડ હોલેન્ડના મતે એનાં નાટકોના અભ્યાસે જ ફ્રાન્સમાં કૉરનિલ અને મોલિયેર ઊભા થયા હતા. જબરો લેખક, કવિ, નવલકથાકાર, સેંકડો પ્રેમપત્રો, ભાષાનો ‘વિઝાર્ડ’, મોન્સ્ટર, જગલર એવા એવા એને વિશેષણો અપાયા છે. અસ્પાનિયા ભાષાના દરેક વાંક–વળાંક, મરોડ–મચક, લટક–નખરા એ જાણે. નાટકમાં રાજા નોકર સાથે વાત કરે અને રાજા રાણી સાથે વાત કરે અને નોકર રાજા સાથે વાત કરે અને રાણી સાથે વાત કરે એ જુદા જુદા સ્તરોની ભાષા એટલી સ્પષ્ટ અને સચોટ કે પાત્રોની વેશભૂષા નહીં જુએ તોયે શ્રોતા એના સ્તર કહી શકે. નોકરચાકરમાં યે ચઢઊતરના સ્તરો, કોટનું ઉપરનું બટન અને છેલ્લું બટન એવા સૂક્ષ્મ ભેદવાળી ભાષાનો આ ઘડવૈયો અને જાણકાર. બીજો સરવેન્ટીસ–એના ડોન કિહાટેને લઈ હું મેટ્રિડમાં, એથી ત્યાંની યુનિવર્સિટીના પંડિતો સાથે સંમેલનો–ત્યાં હું આ ભાષાના સ્તરો વિષે જાણીને છક થઈ ગયો. ડોન કિહાટેમાં એવાં ઘણાં સ્તરો ઉતારવા મથ્યો છું, પણ આપણે ત્યાં મારો ડોન કેટલા જણાએ વાંચ્યો હોય? ફ્રેન્ચ તો મેલિયેબલ આયર્ન. જેટલી સશક્ત એટલી મુલાયમ ભાષા. જાણે પોલાદની સીધી તીણી તલવારનો વીંટો પણ વાળી શકો. જર્મન ભાષા સશક્ત જ–સંસ્કૃત અસરોને લઈ પ્રગલ્ભ, અતિ પ્રૌઢ, ઉચ્ચાર-શુદ્ધિની બાબતમાં તદ્દન સ્વચ્છ, બહુ સ્પષ્ટ, એ માટે એ પ્રમાણેની કેળવણી, ગંભીર અર્થપ્રચુર નાટકમાંયે બહુ શુદ્ધ ઉચ્ચારો સાંભળવા, માણવા મળે એમાં ગોઈટે–શિલરના નાટકોમાં તો એના વાક્વ્યાપારની હવા જ એવી કે એ સાંભળતાં આપણી છાતી ગજ-ગજ ફૂલે. આ સંબંધી મારાં ઠક્કર વ્યાખ્યાનો ‘વાક્’ વહોરાએ પ્રગટ કર્યા છે તે જુઓ.

પણ આ તો હું આડે પાટે ચઢ્યો. નાટકમાં કાવ્યતત્ત્વ સાદી, સરળ પણ હૃદયંગમ ઉપમા અલંકારોથી શણગારાયેલી ભાષા હોય. કાલિદાસે વાપરી છે નાની–ટૂંકી ઉપમાઓ, બાણની શૈલી ન ચાલે. અને સાભિનય હોય તો એ નાટકને કોમ્યુનિકેટ કરતાં વાર લાગતી નથી. રસ જમાવતાં વાર લાગતી નથી. એમાં વાચિક અને સાત્ત્વિક અભિનય હૃદય સ્પર્શી જ જાય. શિશિર ભાદુરી મારે મતે એ દિશામાં, એ કલામાં એક્કો હતો. ગીલગુડ બીજે સ્થાને આવે, બન્ને સાદહના બાદશાહ. પણ આ મારો વિષય નથી. હું ભાષાશાસ્ત્રી નથી. ચૉમ્સ્કી મેં વાંચ્યો પણ એમાં હું બહુ ઊંડે ઊતર્યો નથી. નાટક પૂરતો મારો ઊર્મિમય સંવેદનાશીલ સૌથી સારો ઉપયોગ ‘ધરાગુર્જરી’માં ઓઝા ગુર્જરની ઉક્તિઓ–દ્વિધામાં ધરાને જોતાં જ એ નૃત્યમય, કાવ્યમય નાટ્યછટાવાળી ઉક્તિઓ કરે છે. જોજો.