ઇન્ટરવ્યૂઝ/સમકાલીન સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમકાલીન સાહિત્ય
[- ડૉ. રમણલાલ જોશીની મુલાકાત]


પ્રશ્ન : કોઈ પણ સાહિત્યકૃતિની નૈતિક, મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રીય, આકારવાદી કે આદિમ – પ્રકૃતિગત – એવા કોઈ પણ અભિગમ દ્વારા તપાસ થઈ શકે. વળી, હવે આપણે સંરચનાશાસ્ત્રીય, ભાષા-વૈજ્ઞાનિક કે શૈલી-વિજ્ઞાનાત્મક વિચાણાઓ દ્વારા પણ તેની તપાસની સારી એવી શક્યતા જોઈએ છીએ. વળી સાહિત્યકૃતિનાં સ્વરૂપ, સર્જન અને ભાવનામાં મૂળભૂત રીતે સક્રિય જણાતાં તત્ત્વોની સંજ્ઞાઓને પણ આપણે ઓજારો તરીકે ખપમાં લઈએ છીએ. કલ્પન– કલ્પનતંત્ર, સંદિગ્ધતા, પ્રતીક, રૂપક, પુરાણકલ્પન જેવી સંજ્ઞાઓ હવા અવાજ, લય–છંદ અને ભાવ–અર્થ જેવાં એકમો સાથે પનારું પાડીએ છીએ. આટલાં બધાં ઓજાર અને આટલાં બધાં અભિગમ હોવા છતાં ક્યારેક એમ થાય છે કે ભાષાગત વિશ્લેષણોમાં કે કશાક ચોકઠાં અને પત્રકોમાં કાવ્યનું રહસ્ય–એનો આનંદલોક તો આપણે પકડી શકતા નથી; એનું પુનઃપ્રગટીકરણ, પુનઃસર્જન જે છતું થવું જોઈતું હતું તે તો થતું નથી. વળી ક્યારેક આસ્વાદમૂલક પદ્ધતિથી આપણે કશુંક પામીએ પણ છીએ.

રમણલાલભાઈ, આપ વર્ષોથી સાહિત્યકૃતિઓની સમીક્ષા કરતા રહ્યા છો. આપને કઈ પદ્ધતિનો શા માટે આધાર લેવો ગમે છે તેની ચર્ચા કરશો?

ઉત્તર : મુખ્ય બાબત કલાકૃતિને પામવાની છે. ભિન્ન ભિન્ન અભિગમો અને ઓજારો પણ છેવટે તો કલાકૃતિને પામવા અર્થે જ છે. એમનું અલાયદું મહત્ત્વ નથી. ભિન્ન-ભિન્ન સાહિત્યકૃતિઓની વાત કરતાં દરેક વખતે જુદી જુદી પદ્ધતિ કામમાં લેવાતી રહી છે. પદ્ધતિ પણ કલાકૃતિ જ સૂચવતી હોય એવું બને છે. ભાષાગત વિશ્લેષણોમાં કેટલીક વાર કૃતિ અળપાઈ જાય છે. આપણે ત્યાં છેલ્લાં વરસોમાં ભાષાકીય તપાસનું મહત્ત્વ થયું છે. પણ વિશ્લેષણ માત્ર ભાષાનું જ ન હોય પણ ભાષા દ્વારા જે અનેક વસ્તુઓ વ્યંજિત થાય છે તેનું પણ હોય. ખરી રીતે તો વિશ્લેષણ-પ્રક્રિયા જ આખી કલાકૃતિને સમજવા અર્થે છે. કળાકૃતિ પોતે તો સાવયવ એકતાવાળો અખંડ પદાર્થ છે. સર્જકની અનુભૂતિમાં ગતિ કરતી વેળા આપણે સર્જકકૃતિનું પૃથક્કરણ કરતા હોતા નથી. આપણે આપણી આનંદાનુભૂતિને (સ્વરૂપાનુસંધાન અવસ્થાને) અને અનુભૂતિના આનંદને પૃથક્કરણ દ્વારા સમજતા હોઈએ છીએ. એટલે ભાષાકીય વિશ્લેષણને પણ અનેક સંદર્ભોમાં જોવાનું રહે છે. આખો ઐતિહાસિક દૃષ્ટિકોણ એમાં પ્રવેશે છે અને ભાષાકીય કૌશલ્યની મૂલ્યવત્તા નક્કી કરવામાં ઉપકારક બને છે. અમેરિકન નવ્ય વિવેચના કલાકૃતિના મૂલ્યાંકનમાં બિન-સાહિત્યિક ટેકનિકના ઉપયોગ ઉપર ભાર મૂકે છે. એ રીતે મનોવિજ્ઞાન, સાંસ્કૃતિક સંદર્ભ, સમાજકારણ – અર્થકારણ અને ભાષાવિજ્ઞાન બધાં એમાં ફાળો આપે છે. આ બધાં ઓજારો ઉપર પૂરો કાબૂ હોય છતાં કળાકૃતિનો મર્મ એથી અવગત થાય જ એમ કેમ કહેવાય? આધુનિક સમાજશાસ્ત્રો (ભાષા પણ એક સામાજિક રીતભાત છે, ની પણ અમુક મર્યાદા અવશ્ય છે.)

ગુજરાતી સાહિત્ય પરિષદના 29મા કલ્યાણ (મુંબઈ) ખાતે મળેલા અધિવેશનમાં સાહિત્ય વિવેચન વિભાગના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં મેં કૃતિને એની ભોંય પર જ તપાસવા, એના માધ્યમ તરીકે ભાષાની તપાસનું મહત્ત્વ સ્વીકારવા છતાં અને ભાવકના અંગત જીવંત પ્રતિભાવનો છેદ ન ઊડી જાય એ જોવા ઉપર ભાર મૂક્યો હતો. હું તો માનું છું કે ગમે તેવા નિયમોનાં ચોકઠાંમાં કલાકૃતિને બાંધી શકાતી નથી. કૃતિ ક્યાંક અનિર્વચનીય રહે જ છે. એથી જ મેં કહેલું કે : “‘વસ્તુ તપાસ’ અને ‘અનુભૂતિ’માં પ્રધાનતા અલબત્ત ‘અનુભૂતિ’ની છે. અનુભૂતિને કારણે ‘વસ્તુ’નું રૂપ બંધાયું છે. વસ્તુનો મહિમા કરવાના અતિ ઉત્સાહમાં અનુભૂતિ–પાસું ઉપેક્ષિત રહેશે તો વિવેચન નિમિત્તે આપણને મળશે ભાષાકીય ઘટકોનું વર્ગીકરણ, કૃતિના બાહ્યદેહનું વિશ્લેષણ કે સંદર્ભોનું આકલન. કૃતિબાહ્ય સંદર્ભ કૃતિને સમજવામાં ઉપકારક નીવડે એટલો જ એનો ખપ છે. બધો સંદર્ભ ઉપકારક ન પણ હોય. કાવ્યના શબ્દબંધને લક્ષમાં રાખીને પ્રસ્તુતતા કે ઉપકારકતાનો નિર્ણય કરવાનો રહે.”

આસ્વાદમૂલક પદ્ધતિથી કશુંક પામી શકાય છે એ તમારી વાત હું સ્વીકારું છું. માત્ર એટલું ઉમેરું કે આસ્વાદકે શક્ય તેટલા ગમા-અણગમાથી પર રહી પોતાના આસ્વાદની કોઈક વસ્તુલક્ષી ભૂમિકા ઊભી કરવી જોઈએ. એના અભાવમાં વિવેચન રોમેન્ટિક ભાવાવેશવાળું બની જવાનો ભય રહેલો છે.

પ્રશ્ન : આપે ગોવર્ધનરામ વિષે અગાઉ સમગ્રતયા અધ્યયન-ગ્રંથ લખ્યો હતો. હમણાં આપે અંગ્રેજીમાં ગોવર્ધનરામ વિશે પુસ્તક લખ્યું છે. આપે એમને ‘પ્રચંડ મનોઘટનાશાળી’ સાહિત્યકાર તરીકે જોયા છે. વળી વિસ્તારપૂર્વક ભૂમિકા બાંધીને એમના મનોગતને પામવા મથામણ કરી છે. વસ્તુગૂંથણી, પાત્રાલેખન, જીવનદર્શન, સમાજમીમાંસા, આકાર, ભાષાશૈલી અને મૂલ્યાંકન જેવા મુદ્દાઓ દ્વારા ‘સરસ્વતીચંદ્ર’ની ઝીણવટથી તપાસ કરી છે. આપે બે-એક દાયકાઓ અગાઉ આ તપાસ કરી હતી અને આકાર અંગે નવલકથા વિષે વિધાન કર્યું હતું કે તે કેન્દ્રોપગામી ગતિમાં હોય છે અને શબ્દનો વરો તેમાં ઝાઝો હોય છે. વળી આકાર પરત્વેની મીમાંસામાં અન્ય વિદ્વાનોએ ‘સરસસ્વતીચંદ્ર’ના આકાર વિષે વિવિધ વિધાનો કર્યાં છે. આનંદશંકર ધ્રુવે ‘સરસ્વતીચંદ્ર’ ને ‘પુરાણ’, વિશ્વનાથ ભટ્ટે ‘ગદ્યદેહે અવતરેલું મહાકાવ્ય’, ડોલરરાય માંકડે ‘સકલકથા’ કહેલ છે. રામનારાયણ પાઠક તેમાં ‘મહાનદ’નો, બળવંત ઠાકોર ‘પંચજૂટ જટાકલાપ’નો અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ‘બોરોબુદુરના મંદિરની શિલ્પબાંધણી’નો આકાર જુએ છે. વળી આકારની ચર્ચા કરી હોવા છતાં રામનારાયણ પાઠક અને આનંદશંકર ધ્રુવ નવલકથાના આકારનું વધુ મહત્ત્વ કરતા જણાતા નથી.

આપણે ત્યાં છેલ્લા બે દાયકાથી આકાર વિષે વધુ સભાનતા કેળવાઈ છે. આપ લગભગ એક પચીસી પછી ‘સરસ્વતીચંદ્ર’નું પુનઃમૂલ્યાંકન કરતી વેળાએ તેના આકાર વિષે શું વિચારો? અને એ ચર્ચા વેળાએ સ્વાભાવિક રીતે જ અંતર્ગત (content) અને આકાર (form) વિષે વિચારવાનું બનશે. ગાંધીયુગમાં અંતર્ગત–સામગ્રી વિષે વધુ ભાર દેવાયો હતો અને સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં આકાર પ્રત્યે વધુ પડતી સભાનતા આવી ગઈ હતી એમ આપને નથી લાગતું? કલાકૃતિને અનુષંગે આપ આકાર અને અંતર્ગત વચ્ચે કઈ પ્રકારની સમતુલા ઝંખો છો?

ઉત્તર : શ્રી ઉમાશંકરભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ. ડી. માટે હું શોધપ્રબંધ તૈયાર કરતો હતો ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ના આકાર પરત્ત્વે ઠીક ઠીક મથામણ થયેલી. ઘણી ચર્ચાઓ થયેલી. ગુજરાતી વિવેચનાએ ‘સરસ્વતીચંદ્ર’ના આકારની કરેલી ચર્ચા ઝીણવટપૂર્વક જોયા પછી ફરી વાર મેં કૃતિનું પઠન કર્યું, છેવટે મને આનંદશંકર ધ્રુવ અને રામનારાયણ વિ. પાઠકની વાત જચી ગઈ. આનંદશંકરે કહ્યું છે કે, “...formની દૃષ્ટિએ ભલે ‘સરસ્વતી ચંદ્ર’ inartistic ઠરે, પણ નવલકથાની કદરમાં ‘form’ એ જ એક વસ્તુ છે? જગતનાં કેટલાં બધાં નાટકો અને નવલકથાઓ અને મહાકાવ્યો એના ‘form’ની દૃષ્ટિએ ન જોવાતાં, એનાં અનેક બીજાં તત્ત્વોના કારણથી ઉત્તમ કોટિમાં મુકાયાં છે.” રા. વિ. પાઠકે આ વાત વધારે વિશદતાથી કહી છે : “બધાં સૌંન્દર્યો આકારસૌષ્ઠવની જ દૃષ્ટિએ જોવાનાં હોતાં નથી. ઘરની ફરસબંદીને સુંદર આકાર હોય છે. ભરતકામમાં સુંદર આકૃતિઓ હોય છે. તાજમહેલમાં અનેક દૃષ્ટિબિંદુઓથી અનેક સુંદર આકૃતિઓ દેખાય છે. પણ આકાશને શો આકાર છે? સમુદ્રને શો આકાર? પર્વતને કોઈ આકારસૌંદર્ય નથી. તેમ જ વનને પણ કોઈ આકારસૌંદર્ય નથી. છતાં એ બધા દૃશ્ય પદાર્થો છે અને સુંદર છે. તેમ મહાન વાર્તાને આકાર ન હોય તો ચાલે. મહાભારત મને ઘણી વાર એક મહાવન જેવું લાગે છે, પણ મહાવન કહેવાથી એક રૂપક આરોપાયું, તેથી કોઈને આકારસૌષ્ઠવ જિજ્ઞાસા તૃપ્ત થઈ લાગે, પણ વનને આકાર છે? મહાભારતને વન જેવું કહો તો ખોટું નથી, પણ તે છતાં તે આકાર વિનાનું જ રહે છે. એમ ‘સરસ્વતીચંદ્ર’ને આકાર ન હોય તો એ કૃતિને કોઈ દૂષણ લાગી જતું નથી, તેમ તેના સૌંદર્યને કોઈ ખોટ લાગતી નથી.” પણ એ પછી તેમણે કહેલું કે ‘સરસ્વતીચંદ્ર’ને મહાનદનો આકાર છે એ બધું આપણે જાણીએ છીએ.

એટલે લગભગ એક પચીસી પછી આ પ્રશ્ન પરત્વે વિચારું છું ત્યારે લાગે છે કે આપણે આકારવાદ (formalism) પર બહુ ભાર મૂકવા જેવો નથી. ‘સરસ્વતીચંદ્ર’ એક સફળ સહજ સ્ફુરણાત્મક અભિવ્યક્તિ છે. ક્રોંચેએ એ સાચું જ કહ્યું છે કે “The spirit only intuites in making, forming, expressing” અને છતાં ‘સરસ્વતીચંદ્ર’ને આકાર છે, સંકુલ પ્રકારનો છે, એ નિરાકાર છે એમ કહેવું યથાર્થ નથી. કૃતિ જો કલાકૃતિ થઈ તો એને કોઈ ને કોઈ પ્રકારનું રૂપ હોવાનું જ. 1887માં એનો પહેલો ભાગ પ્રગટ થયો અને 1901માં એનો ચોથો ભાગ પ્રગટ થયો, લગભગ ત્રણ વર્ષે પણ એ કૃતિમાં આપણો રસ અકબંધ રહ્યો છે તે બતાવે છે કે સાહિત્યરસિક વર્ગ ઉપર એનું કેવું કામણ રહ્યું છે! આજ દિન સુધી ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક અદ્વિતીય રહ્યા છે. રાજકોટમાં સોળમા સાહિત્યપરિષદ સંમેલન વેળા ઝવેરચંદ મેઘાણીએ “એકાદા ગોવર્ધનરામનું સ્થાને ય અર્ધી સદી સુધી ખાલી પડયું રહે એ અસહ્ય છે” એમ કહી “ગોવર્ધનરામને તો ગુજરાતને ટીંબે માગું છું” એવી ટહેલ નાખેલી તે આજે પણ એવી ને એવી ઊભી જ છે! ‘આકાર’ના ઝંડાધારીઓ પાસેથી એવો કોઈ સ્મરણીય–રમણીય આકાર મળ્યો નથી, જે ‘સરસ્વતીચંદ્ર’થી થોડા કિલોમીટર દૂર પણ ઊભો રહી શકે! એનો અર્થ હરગિજ એવો નથી કે ગોવર્ધનરામને આજે ‘સરસ્વતીચંદ્ર’ લખવાનો હોય તો આજ ઘાટીએ લખે. એમના સમયમાં જે સાંસ્કૃતિક પ્રશ્નો હતા, દેશની અને વિશ્વની જે પરિસ્થિતિ હતી એમાં પ્રજાને નવદૃષ્ટિ આપવાની–‘માણસો’ સર્જવાની લોકસંગ્રહની ભાવનાથી તેમણે ‘સરસ્વતીચંદ્ર’ લખ્યો હતો. ગદ્ય પણ પૂરું વિકસ્યું ન હતું અને નવલકથાની કોઈ પરંપરા પણ ન હતી ત્યારે ગોવર્ધનરામે પોતાનું સંવેદન–દર્શન જે આકારમાં વ્યક્ત કર્યું છે તેથી અન્યથા થવું શક્ય જ ન હતું એમ આજે પણ આપણે કહી શકીએ.

હવે તમારા પ્રશ્નનો છેલ્લો ભાગ : ગાંધીયુગમાં અંતર્ગત સામગ્રી ઉપર ભાર મુકાયો, અનુગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તર કાળમાં આકારનો મહિમા થયો અને હવે પાછું મતચક્ર ફરવાની તૈયારીમાં છે. આમ અભિપ્રાયો બદલાતા રહે, કલાકૃતિમાં અંતર્ગત (content) અને આકાર (form) બંને મહત્ત્વનાં છે. ફ્રેડ્રીક ગ્રબ ‘A Vision of Reality : A Study of Literalism in Twentieth Century Verse’માં સમગ્ર કૃતિના પિંડમાં સામગ્રી પણ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે એ દર્શાવે છે. સમગ્ર આકૃતિ નિર્માણમાં ‘વસ્તુ’ – પાસાની અવગણના થઈ ન શકે. આકાર અને અંતર્ગત છેવટે તો એકાકાર થઈ જતાં હોય છે, બંને અવિભાજ્ય થઈ રહે છે. સામગ્રીને આકાર આપવામાં આવતો નથી, આકૃતિ રૂપે જ સામગ્રીનું અસ્તિત્વ છે. પૃથક્કતા અહીં સંભવતી નથી. અને સામગ્રી, આ પ્રક્રિયામાં, એની એ રહી શકતી નથી. વાસ્તવિક સામગ્રીસંભાર રૂપાન્તરિત થયા વગર કળાનો સંભવ નથી. આ બંનેનું કલાગત સાયુજ્ય જ મહત્ત્વનું છે. એ જ કલાનો કીમિયો છે. એથી જ ક્રોચેએ કહેલું કે કળાપ્રક્રિયામાં સમગ્ર જ અંશની ગુણવત્તા નિશ્ચત કરે છે. ભિન્ન ભિન્ન આંશિકતા પોતાનું પૃથક્કત્વ વિસર્જીને એક અખંડત્વમાં લીન થઈ જાય છે. માટે જ કલારૂપ આપણા સ્વરૂપ સાથે અનુસંધાન કરાવી આપે છે એમ આપણે કહીએ છીએ.

પ્રશ્ન : સમકાલીનતા અને આધુનિકતા વચ્ચેનો ભેદ આપે અગાઉ સમજાવ્યો છે. વસ્તુ-અંતર્ગત અને ટેકિનક્ સાથે આ પ્રશ્ન સંકળાયેલો છે. સમય કરતાં વિષય–વસ્તુની પસંદગી તથા રચનારીતિ સાથે તેનો સંદર્ભ સાંકળીએ તે સ્વાભાવિક છે. વળી ‘આધુનિકતા’નું લેબલ લગાડ્યું એટલે તેના વિશ્લેષણ વખતે આપણે કેટલાક મુદ્દાઓ તારવી શકીએ. ઘણી વખત આ આધુનિક છે માટે એ જ સારું છે એવો હઠાગ્રહ કેટલાક સર્જકોમાં અને વિવેચકોમાં વર્તાય છે. કેટલીક વાર તો કવિ દુઃખ અને પાપની અવસ્થાનેય આધુનિકતાને નામે પુરસ્કારે છે. વળી કટુતા, ઘણા, વિતૃષ્ણા, વિરતિ અને નિર્વેદ જેવા ભાવને એ આધુનિકતાનું લેબલ લગાડી ગૌરવપદે સ્થાપે છે. ને આ ઋગ્ણતા સામાજિક દૃષ્ટિએ જ નહીં પણ રસાસ્વાદની દૃષ્ટિએ પ્રકટ થાય છે એ તો વળી આધુનિકતાનું પ્રહસન જ બની રહે છે! 1956 પછી આપણે ત્યાંના સાહિત્ય–સર્જન–પ્રવાહને આપણે આધુનિક કહીએ છીએ. અંતર્ગત અને આકારની બાબતમાં તે ગાળામાં ઘણાં નવાં પરિમાણો પ્રકટેલાં જોવા ય મળે છે. પણ આમાં ટકે એવું કેટલું મળ્યું? આપને આધુનિક (1956 પછીનું) સાહિત્ય અગાઉના યુગોની તુલનામાં કેવું લાગે છે? આધુનિકતા અને સનાતનતા વિષે ય સહજ રીતે આપને કહેવાનું મન થશે. આપ આ પ્રશ્નોનો કઈ રીતે વિચાર કરો છો?

ઉત્તર : તમ જેનો ઉલ્લેખ કર્યો એ ચર્ચા મેં ‘સાહિત્યમાં આધુનિકતા’ એ લેખમાં કરી ત્યારે મારા કથયિતવ્યનું તારણ રજૂ કરતાં મેં કહેલું કે : 1. આધુનિકતા એ સતત પરિવર્તન પામતો વિભાવ છે. 2. આધુનિકતા અને નવીનતા એ બંને ચીજો જુદી છે. 3. સમકાલીનતા અને આધુનિકતા વચ્ચે પણ ફેર છે. સમકાલીન સાહિત્ય એ આધુનિક સાહિત્ય ન પણ હોય. દેશ–વિદેશમાં પ્રગટેલા આધુનિકતાના વિભાવને ઐતિહાસિક દૃષ્ટિએ સ્પષ્ટ કર્યા પછી મેં લખ્યું હતું કે “વિશ્વ–પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનની ગંજાવર અસર માનવજાતિના જીવન ઉપર વરતાવા લાગી. કવિ કે સર્જક બ્રહ્માંડનું અંગત અર્થઘટન આપે છે, વિજ્ઞાન એ કરી શકતું નથી. યંત્રવિજ્ઞાનની અસરથી મનુષ્યને માટે સ્વતંત્રતા રહેતી નથી. આની અસરો માત્ર ભૌતિક જ નથી, પણ મનોવૈજ્ઞાનિક અને નૈતિક અસરો પણ થાય છે. આજનો મનુષ્ય હતાશા અનુભવે છે. માનવીયતાનો જ જાણે છેદ ઊડી રહ્યો હોય એમ લાગે છે. વૈયક્તિક જીવનની ઉષ્મા સ્વપ્નવત્ બની છે. તે આજુબાજુની પ્રકૃતિની નોંધ સરખી લઈ શકતો નથી. તે આજુબાજુની પ્રકૃતિ કે સમાજથી દૂર ફંટાઈને એકલો એકલો જીવે છે, કશીક નિરર્થકતામાં તે ફાંફાં મારી રહ્યો છે. આમ તો એનું અસ્તિત્વ સમૂહરૂપે જ પ્રતીત થાય છે, સમૂહરૂપે જ તે જીવી રહ્યો છે. છતાં સામૂહિક જીવનની હૂંફ તે અનુભવી શકતો નથી. તે તો ભીંસાય છે કારમી એકલતા અને શૂન્યતામાં. નિર્માનવીકરણ અને નિર્વ્યક્તિકરણની પ્રક્રિયાએ મનુષ્યજીવનને શીર્ણ વિશીર્ણ કરી નાખ્યું છે. ટકવા માટેની આધારશિલા જ જાણે ખસી જતી જણાય છે. વિશિષ્ટ અનુભવોને આકાર આપતી કલાપ્રવૃત્તિમાં વૈયક્તિકતા અને વૈશિષ્ટયનો જ મહિમા છે અને જે સમૂહમાનવ ઊભો થતો આવે છે તે એને જ ગ્રસી જતા જણાય છે. પ્રાચીન સમયમાં ધર્મ આપણું ધારક બળ હતો, આજે ધર્મની આખી વિભાવના પલટાઈ ગઈ છે. માનવીની સઘળી પ્રવૃત્તિઓને એકસૂત્રે સાંધનારું તત્ત્વ તે ધર્મ હતો. એની સઘળી પ્રવૃત્તિઓનું પ્રેરકબળ અને એને ટકાવી રાખનારું શ્રદ્ધાબળ એ વ્યાપક ધર્મભાવનામાં હતું. આજે એ રહ્યું નથી, મનુષ્ય મનુષ્ય વચ્ચેનો વિચ્છેદ, મનુષ્ય અને સમાજ વચ્ચેનો વિચ્છેદ ટાળવો અને મનુષ્યને કોઈ સર્વોપરી સત્તાની સાથે અનુસંધિત કરવો – આ કાર્ય કરી શકે એવું કોઈ અવેજી સાધન પણ આપણે ત્યાં ઊભું નથી...કલાપ્રવૃત્તિને જીવન સાથે કાર્યકારણભાવથી જોડી ન શકાય, તેમ છતાં લેખકની સામગ્રી તો જિવાતા જીવનમાંથી જ આવે છે તે નકારી શકાય એમ નથી. લૌકિક જીવનની હતાશા અને પરલૌકિક જીવનની અશ્રદ્ધા એ બે વચ્ચેની ખાઈ પૂરી શકે એવા કોઈ તત્ત્વના અભાવમાં આજના સાહિત્યમાં ભગ્નાશપણું, હતાશા અને નિરર્થકતાનું ચિત્ર આવ્યા વગર કેમ રહે? જીવનપ્રવાહ જ લક્ષ્યહીન, દારૂણ, કલુષિત, વેદનાગ્રસ્ત હોય તો સાહિત્યમાં પણ એ દેખા દે તે સ્વાભાવિક છે. આજના લેખકની મથામણ વ્યર્થતામાંથી અર્થ સૂચકતાની શોધની છે.”

આધુનિકતાના લેબલવાળી તમારી વાત સાચી છે. એક માત્ર કવિતાની વાત કરીએ તો અર્થદૃષ્ટિએ અસંગત હોય એવી પંક્તિઓ ગોઠવી એટલે કાવ્ય થઈ ગયું એવું એક ભ્રાંત વલણ પણ આપણે ત્યાં પ્રવર્તે છે. બીજા પ્રકારોમાં પણ આવી કૃતક રચનાઓની ખોટ નથી. હરકોઈ જમાનામાં સાહિત્ય પ્રવાહની દિશા ઓળખી જઈ પોતાની સર્જનાત્મક દરિદ્રતા ઢાંકવા અને સાહિત્યમાં ખપાવવા માટે માણસો આગળ આવે જ છે. અસ્તિત્વવાદી, અતિવાસ્તવવાદી કે વ્યર્થતાવાદી – આ કે તે લેબલવાળી રચનાઓ કરવાની સભાન પ્રતિજ્ઞાથી તો પ્રયોગલક્ષી કૃતક રચનાઓ જ મળવાની. પણ આવી રચનાઓને સાહિત્યમાં ખપાવવાના પ્રયત્નો લાંબા ચાલવાના નહિ. થોડા જ સમયમાં જળ નીતર્યાં થાય છે અને સહૃદયો એ પામી જાય છે. પ્રવાહમાં ડહોળાણ, છીછરાપણું કે મલિનતા પણ હોય એ સ્વાભાવિક છે. પણ હરકોઈ સમયમાં સહૃદય વાચકોની અને વિવેકશીલ વિવેચકોની ખોટ નથી. આ પ્રક્રિયા આપણે ત્યાં શરૂ થયાનાં ચિહ્નનો છે.

1956 પછીના સાહિત્ય વિશે ચુકાદો આપવાનું આ તબક્કે હું પસંદ ન કરું. પણ એક વસ્તુ તો લાગે જ છે કે આપણા સાહિત્યનો વ્યાપ વધ્યો છે, પણ ઊંડાણ ઘટ્યું છે. આ વ્યાપવાળી રચનાઓ પણ વિશાળ પ્રજાવર્ગ સુધી કેટલી પહોંચે છે તે વિચારવા જેવું છે. જાણે કે આપણે એક અતિશય નાના વર્ગ માટે લખીએ છીએ. સાહિત્યનો વ્યાપક પ્રજાહૃદય સાથેનો તાર જાણે કે પૂરો સધાયો નથી. કશુંક ખૂટતું લાગે છે. વાચકની સજ્જતા અલબત્ત અનિવાર્યતયા અપેક્ષિત રહે જ, પણ જો અગાઉના યુગોમાં વાચકો એ મેળવી શક્યા તો અત્યારે જ્યારે શિક્ષણનો પ્રસાર વધ્યો છે, જાગૃતિ વધી છે ત્યારે કેમ મેળવી ન શકે? યુગે યુગે રચનારીતિમાં પરિવર્તન આવે તે સ્વાભાવિક છે, પણ એની સાથે વિશાળ સાહિય રસિક વર્ગ કેમ કદમ મિલાવી શકતો નથી? આ પ્રશ્નને ગંભીરતાથી આપણે તપાસવો જોઈએ જ.

કળાપ્રવૃત્તિ એ ચિરંતન રસની વસ્તુ છે. કૃતિ જો કળાકૃતિ બની તો તે અમુક સમયગાળાની રહી શકતી નથી, એટલે શું પ્રાચીન કે શું અર્વાચીન, શું સમકાલીન કે શું આધુનિક સાહિત્યરચના માત્ર સનાતન થઈને જ રહે છે. એટલે પ્રશ્નનો પ્રશ્ન એ જ રહે છે કે કૃતિ આપણને રસાનંદ આપે છે કે કેમ, આ પૃથ્વીલોકમાં વિરલ એવા આનંદલોકની ઝાંખી કરાવી શકે છે કે કેમ, અને, તો એ ક્યા યુગની છે, કઈ પરિસ્થિતિમાં રચાયેલી છે વગેરે બાબતો આપોઆપ ગૌણ બની રહે છે.

પ્રશ્ન : પ્રતીકવાદના પરામર્શક એડમન્ડ વિલ્સન વિશે આપે ‘સમાન્તર’માં લેખ મૂક્યો છે અને તેને અનુષંગે પ્રતીકરચના વિશે વિચાર પણ કર્યો છે. વિલ્યેર દ લિસ્લાદોની લાંબી નાટ્યાત્મક ગદ્ય કવિતામાં એકસલનું પાત્ર આવે છે તે પરથી એડમંડ વિલ્સને તેના વિવેચનના પુસ્તકનું નામ ‘એક્સલ્સ કેસલ’ રાખ્યું છે એ પણ આપે દર્શાવ્યું છે. આ એક્સલનો દુર્ગ એક ગુપ્ત અને દુઃસાધ્ય ખજાનો છે અને એક્સલ તરગીલીલાના દુર્ગમાં બંદીવાન છે. એટલે તે વાસ્તવજીવનથી વિમુખ બનેલા માણસનું પ્રતીક બની રહે છે. એડમંડ વિલ્સન પ્રતીકવાદી સાહિત્યકૃતિના નાયકને એક્સલ જેવા ગણે છે – મસ્ત, તરંગી; પોતાના મિજાજની પોતાની ફેન્ટસીની સૃષ્ટિમાં તલ્લીન. અહીં સર્જકનું અંગત વિશ્વ પ્રકટે છે અને કલાકાર તેમાં પુરાયેલો રહે છે. એણે રચેલી એક પરીકથાની સૃષ્ટિમાં તે રમમાણ રહે છે.

પણ આટલી ઝડપથી માનવસમાજ જ્યારે યંત્ર-ઉદ્યોગવાદ ભણી દોટ મૂકી રહ્યો હોય, વિજ્ઞાને આટલી ગજબનાક સિદ્ધિઓ હાંસલ કરી આપી હોય ત્યારે સર્જકને માટે ફેન્ટસીના, ઘેલછાના કે માત્ર અંગત વિશ્વમાં પુરાઈ રહેવાનું આજે આપને સુમેળભર્યું લાગે છે? અર્વાચીન અભિરુચિ અને પ્રતિબદ્ધતાના પ્રશ્નો પણ ઊઠશે. વૈજ્ઞાનિક સમાજવાદ અને સામાજિક જાગરણના પ્રશ્નો સર્જકને આહ્વાન આપતા હોય ત્યારે સંગીતના અને પરીકથાના જગતમાં સર્જક સદાસર્વદા રહી શકશે? હવેના વિશ્વમાં પ્રતીક રચનાની કઈ દિશા આપને અભિપ્રેત છે? સર્જકને આપણે આંગળી ચીંધીને તો ન કહી શકીએ એ સ્વીકારીએ પણ વિવેચક તરીકે આપ એ વિશે શો વિચાર કરો છો? આપને પ્રતીકરચનાની સમગ્ર પ્રક્રિયા વિશે અન્ય કશુંક કહેવાનુંય હશે. ત્રીજા વિશ્વયુદ્ધના પ્રાંગણમાં ઊભેલા માનવસમાજનો લેખક હવે પ્રતીક સાથે કઈ રીતે કામ પાડી શકે? આપ આ સમસ્યા વિષે સમગ્રતયા કઈ રીતે વિચારો છો?

ઉત્તર : મારા વિવેચનલેખોના સંગ્રહ ‘સમાન્તર’માં એડમંડ વિલ્સનનો જે લેખ મેં મૂક્યો છે એમાં વિલ્સનના ‘એક્સલ્સ કેસલ’ની વાત અવશ્ય આવે છે, તો એમના ‘ટુ ધ ફિનલૅન્ડ સ્ટેશન’ની વાત પણ આવે છે! વિલ્સનનો અભિગમ માર્કસવાદ તરફ પણ ઢળતો હતો. સારી સમાજરચનામાં સહાયભૂત થાય એવા લેખકોની જરૂર તે જુએ છે. યેટ્સ, વાલેરી એલિયટ વગેરે આપણને મળ્યા એ શું પૂરતું છે?

વૈયક્તિક પ્રતીકવાદ આપણને કેટલે સુધી લઈ જશે? આ પ્રશ્નો પણ તેમણે રજૂ કર્યા છે. ‘ધ ટ્રીપલ થીન્કર્સ’માં સમાજ એ જ કલાકૃતિ બને એવો અભિપ્રાય આપીને સમાજને ઊંચે લઈ જવાના લેખકના કર્તવ્ય તરફ તે અંગુલિ નિર્દેશ કરે છે. આમ પ્રશ્નની બીજી બાજુ પણ છે જ. અને આ બીજી બાજુના પરામર્શક પણ કોઈ વિલ્સનને ગણે એવી પરિસ્થિતિ છે.

આપણે ત્યાં પ્રતીક-કલ્પનનો આજે પણ આપણે મહિમા કરીએ છીએ, જાણ્યે અજાણ્યે આ સંજ્ઞાઓનું રટણ કરીએ છીએ. આપણા વિવેચનની એક લાક્ષણિકતા એ છે કે જે સિદ્ધાંતો પશ્ચિમમાં વપરાઈને છોડી દેવાયા હોય તે જાણે તદ્દન તાજા છે એમ માનીને આપણે અહોભાવપૂર્વક એનો વિનિયોગ કરીએ છીએ! એમાંથી છૂટતાં હજુ આપણને ઘણો સમય લાગશે. પ્રતીકવાદે આધુનિક મૂવમેન્ટનો પાયો નાખી આપ્યો, થોડો સમય એની બોલબાલા રહી, ફ્રેન્ક કરમોડે ‘The Romantic Image’માં એનો પ્રબલ પુરસ્કાર પણ કર્યો. પણ અત્યારે પ્રતીકવાદથી સામેના છેડાને મત પ્રચલિત છે. અને તે સમાજલક્ષિતાનો. આધુનિક ચળવળ અને એની સાથેનાં ગૃહીતો ભૂતકાળની વસ્તુ બની જતાં દેખાય છે. અતીતમાં ડોકિયું કરી એનું જાણે કે સ્ટૉક-ટેકિંગ થાય છે. એની પુનર્વિચારણા થાય છે. અત્યારે વિવેચકો માર્કસવાદને આધારે સાહિત્ય તરફ જુએ છે. એમાં રેમન્ડ વિલિયમ્સ અને ટેરી ઈગલટન જેવા વિવેચકો છે. અગાઉનો પ્રવાહ સમાજ અને સાહિત્યસર્જનના સેતુનો હતો, એ જ વસ્તુ પાછી પુનઃ સ્થાપિત થઈ છે. માણસ એક સામાજિક પ્રાણી છે. અને કલા એની સામાજિકતાનો આવિષ્કાર છે એ પ્રકારની સમજ દૃઢ થતી આવે છે. અત્યારના પાશ્ચાત્ય વિવેચકો પ્રતીકવાદથી આગળ ગયા છે. દા. ત. હાર્ટમન વાચન ઉપર ભાર મૂકે છે, હેરલ્ડ બ્લૂમ પોતાની આગવી પદ્ધતિ ઊભી કરવા માંગે છે, જે પાશ્ચાત્ય અને ખાસ કરીને ક્રિશ્ચિયન પ્રણાલીમાંથી મળતા કેટલાક ગૂઢ સંકેતોને વિકસાવવા માગે છે. પોલદ માન પણ પોતાની રીતે સક્રિય છે. અત્યારે વધારે ઝોક વાચકના સ્વકીય પ્રતિભાવ ઉપર જણાય છે. રચના વાચકના હૃદયમાં જે સ્પન્દનો જગાવે છે, આકારો બાંધે છે એના વિશ્લેષણ ઉપર ભાર મુકાતો દેખાય છે.

પ્રશ્ન : આપના ડઝનેક જેટલા વિવેચનસંગ્રહોમાં આપે છેક મધ્યકાલીન કવિતાથી માંડીને આધુનિક કવિતા લગીની મીમાંસા કરી છે. વળી 1956 પછીની કવિતા વિષે આપે ક્યાં તો અવલોકન રૂપે, ક્યાં તો ખાસ લેખ રૂપે ઝીણવટથી છણાવટ કરી છે.

નવી કવિતા વિશે મારો પ્રતિભાવ આવો છે :

એકલતા, નૈરાશ્ય-વૈફલ્ય, હતાશા, રોગિષ્ટપણું, ખાલીપણું વગેરે આ નવી કવિતામાં એટલાં બધાં ગવાયાં–ચવાયાં છે કે એકધારાપણા, દેખાદેખી અને cynicismના ફટાટોપે તેના પ્રત્યે સૂગ પણ જન્માવી છે. રેઢિયાળ અને અતિમાત્રામાં કલ્પનોનો ઉપયોગ, અવારનવાર આવતા ઇંદ્રિયવ્યત્યયો, રૂઢ થઈ ગયેલાં mannerisms, ચપટી પ્રતીક-યોજના, ઉપમા-રૂપકો વગેરે અલંકરણોનો ગળાબૂડ પથારો, આત્મસંજ્ઞાની–અસ્તિની પ્રકાશપૂર્ણ ખોજને બદલે અહં અહમિકાની ક્ષુદ્ર પરિસમાપ્તિ, બૌદ્ધિકતા અને તાર્કિકતાને પ્રાજ્ઞતા ગણાવવાની રમત, વર્ણસામ્યો, સાદૃશ્યો અને પુનરાવર્તનોની સપાટીની રમત, લોકબાનીના ઓઠા હેઠળ કરેલા કૃતક લય–કટકાઓ, કલ્પના (imagination) અને તરંગ(fancy)ની સરહદો ભૂંસીને ઊભી કરેલી સંકરતા, વિશેષણોનો ભદ્દો ઉપયોગ–ટૂંકમાં, છેલ્લા બે દાયકાઓએ જ ભેટ ધરેલી Cliches ભાવક હવે કંટાળવા માંડ્યો છે.

ને છતાં કવિ–સર્જકોએ સમકાલીન યુગચેતનાને પ્રકટ કરવા મથામણ કરી છે અને અસ્તિત્વનાં અનેકવિધ સત્યોને પોતાની પ્રયોગ-શીલતાથી ઊંડાઈ, પહોળાઈ અને ઊંચાઈનાં સર્વ પરિમાણોમાં અભિવ્યક્ત કરવા પુરુષાર્થ કર્યો છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે આ સર્જકોએ કાવ્યમય રીતે માનવઅસ્તિની અર્થપૂર્ણતાને સમજવા પુરુષાર્થ કર્યો છે. અસ્તિત્વ વિષેની અંતઃસૂઝનું સ્વરૂપ કવિઓ જેમ જેમ પ્રકટ કરતા ગયા તેમ તેમ તેમને સ્વાભાવિક રીતે જ ભાષાની સન્મુખ ઊભા રહેવાનું થતું ગયું. આ વિસ્તરેલી અસ્તિની સાથે અવકાશ અને સમયની પરિભાષા આપણા કવિએ વાપરી છે. અનેકવિધ અને સંકુલ લાગણીઓની અને સત્યોની અભિવ્યક્તિ આ કવિસર્જકે કરી છે અને મૃત્યુ સુધીના અનુભવોની પ્રતીતિ કરાવી છે. ટૂંકમાં, નવી કવિતાએ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈમાં અગાઉના કોઈ પણ એક યુગ કરતાં વધારે સઘન કામ કર્યું છે અને અનુભવના વધુમાં વધુ વિશાળ વિસ્તારોની ભાળ કાઢી છે.

હું જે પેઢીનો કવિ છું તેનો પ્રતિભાવ મેં દર્શાવ્યો છે. પણ એવું બને કે મારી જ પેઢીની કવિતા અંગે અભિપ્રાય દર્શાવવા જતાં તેમાં અહોભાવ પ્રકટ થઈ જાય. વળી હું તેમાં સંડોવાયેલો (involved) ગણાઉં. પણ આપ તો વિવેચક છો અને ઊફરા ઊભેલા છો એટલે મારી પેઢીની કવિતા વિષે આપનો શો પ્રતિભાવ છે એ આપની પાસેથી જાણવું વધારે તટસ્થ અને મૂલ્યવાન ગણાય. ભાષા–ટેકનિકથી માંડીને સમગ્ર નવી કવિતાના રૂપ અંગેનો આપને શો પ્રતિભાવ છે? અન્ય પેઢીઓની કવિતાની તુલનામાં 1956 પછીની કવિતા આપને કેવી લાગે છે?

ઉત્તર : યશવંતભાઈ, આ પ્રશ્નનો ઉત્તર અમુક અંશે ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં મેં આપ્યો જ છે. ‘નવી’ કે ‘આધુનિક’ને નામે ભળતી રચનાઓ આપણે ત્યાં લખાવા માંડી એનાં લક્ષણો(કે અપલક્ષણો?)ની તમારી તારવણી સમુચિત છે. કળાસર્જનમાં પુનરાવર્તન અને અનુકરણ જેવી વિરૂપ વસ્તુ બીજી એક્કે નથી. કવિતાલેખકો બીજાઓનું અનુકરણ કરવા પ્રેરાય એ સમજી શકાય છે, પણ શક્તિશાળી કવિઓ પણ પોતાની એકની એક અનુભૂતિ કે રચનારીતિનું અનુકરણ કરે, એકની એક વાત પ્રકરાન્તરે પુનરાવર્તિત કરે ત્યારે એમની શક્તિનું માપ મળી રહે છે. તમે ગણાવેલાં ઉપકરણો ન યોજી શકાય એવું નથી, એની ઔચિત્યભરી સંયોજનાએ નવી કવિતાને એની આગવી વ્યક્તિતા અર્પેલી છે, પણ જ્યારે એ ઉપકરણો જ સાધ્ય બની જાય, લપટી પડી ગયેલી લઢણોનો આડેધડે દેખાદેખીથી ઉપયોગ થાય ત્યારે સર્જકતા ક્યાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે. નવી કવિતાને અ—લોકપ્રિય બનાવવામાં આવા કવિઓનો ફાળો મહત્ત્વનો છે!

અને છતાં આ બધાની વચ્ચે સાચા સર્જકો સમકાલીન યુગચેતનાને અભિવ્યક્ત કરતા રહે છે. આ બંને પ્રકારની રચનાઓ આપોઆપ જુદી પડી આવતી હોય છે, સહૃદયોના હૃદયમુકુરમાં યોગ્ય પ્રતિબિંબ ઝિલાય જ છે. હંમેશા સાચો અવાજ આપણો કાન પકડે છે! તમે જે પેઢીના કવિ છો એના હૃદ્ગતને તમે વાચા આપી છે. તમારી પેઢીના કવિઓની કવિતાક્ષેત્રમાં જે ઉપલબ્ધ છે મને હંમેશા અભિનંદનીય જણાઈ છે. બીજી ભાષાઓના સાહિત્યની તુલનામાં કવિતા અને ટૂંકી વાર્તામાં આપણા સર્જકોએ સારું કામ કરેલું છે. ખાસ તો ભાષાનો આખો સ્તર બદલાયો, ભાષાનો કાવ્યમય ઉપયોગ થયો એ નાની વસ્તુ નથી. નવા નવા આકારો નિપજાવાયા. Vocal બન્યા વગર પોતાના કથયિતવ્યને અપૂર્વ ધ્વનિમયતાથી પ્રસ્તુત કર્યું. હવે સાહિત્ય અમુક પ્રદેશ પૂરતું સીમિત રહ્યું નથી, આજે કોઈ પણ સર્જક (ગમે તે પ્રદેશનો કે ગમે તે ભાષાનો) વૈશ્વિક સંચલનો અને તુમુલ ખળભળાટને વ્યક્ત કર્યા સિવાય રહી શકતો નથી. આ બાબતમાં પણ આપણો નવો કવિ પાછળ રહ્યો નથી એ એક નોંધપાત્ર બાબત છે. કોઈ બે પેઢીની કવિતાને સરખાવવી એ કપરું કામ છે. પરિવેશ અને પરિસ્થિતિનો ભેદ, રચનારીતિનો ભેદ અને અભિગમોનો ભેદ – ઘણી બાબતો એમાં રહેલી છે, એટલે નિરપેક્ષ દૃષ્ટિએ નિરંજન ભગતના ‘પ્રવાલદ્વીપ’ અને ઉમાશંકરના ‘છિન્નભિન્ન છું’ પછીની કવિતાના પટને જોઉં છું ત્યારે આપણી કવિતા take–off સ્ટેજ વટાવી ગઈ છે એમ લાગે છે. સુરેશ જોષીએ આ સાહસને ‘કુણ્ઠિત’ કહ્યું, એ શબ્દ હું નહિ વાપરું, પણ એની સમક્ષ હવે જે ખુલ્લું આકાશ વિસ્તરેલું છે ત્યાં તે હવે કેટલી ઊંચાઈએ સાવચેતીપૂર્વક પહોંચે છે એ જોવામાં મને રસ પડશે. અને આમ કહું છું ત્યારે ગણતર સાચા અવાજો જ મારા ખ્યાલમાં છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.

પ્રશ્ન : આ યુગ ભાષા-સભાનતાનો યુગ છે. પીઅર્સ, બર્ટ્રાન્ડ રસેલ, વ્હાઈટહેડ, વિટજેસ્ટિન, કાર્નેપ વગેરેએ ભાષા અને તત્ત્વજ્ઞાન પર એટલું વિપુલ કાર્ય કર્યું છે કે તત્ત્વજ્ઞાનના પ્રશ્નો પણ હવે જાણે ભાષાના પ્રશ્નો બની ગયા છે તેવી પરિસ્થિતિ નિર્માઈ છે. આ ભાષા-સભાનતાએ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રશ્ન ઊભો કર્યો છે કે તે પછી તત્ત્વજ્ઞાન તે શું છે? તે અધ્યાત્મ વિદ્યા છે? નીતિશાસ્ત્ર છે કે માત્ર તર્કશાસ્ત્ર છે? તે માત્ર રચના છે કે વિવેચન છે? આજે તો બ્રહ્મના સ્વરૂપ અને અંતર્ગતના પ્રશ્ન સામે ફિલસૂફી આવી ઊભી છે અને ભારે અસંમતતા પ્રવર્તે છે. તત્ત્વજ્ઞાન, સાહિત્ય અને અન્ય કલાઓમાં તેનાં સૌંદર્યશાસ્ત્રીય મૂલ્યોમાં જ્યારે આવી અરાજકતા પ્રવર્તતી હોય ત્યારે આપ વિવેચન પાસેથી અને ભાષા પાસેથી શી અપેક્ષા રાખો છો?

ઉત્તર : આ યુગ ભાષા-સભાનતાનો છે અને ફિલોસૉફીમાં આ વસ્તુ આગળ તરી આવે છે એ તમારી વાત સાચી છે. ખાસ કરીને અંગ્રેજી ફિલોસૉફીમાં ભાષાની સભાનતા વિશેષ જણાય છે. પણ આપણે સાહિત્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો સાર્ત્રનો દાખલો તરત નજરે ચઢે છે. તે તત્ત્વજ્ઞાની પણ છે અને સર્જક પણ છે. એમની આત્મકથા ‘Words’ તમે જોઈ જ હશે. સાર્ત્ર સાહિત્યનાં બે પાસાં ‘વાચન’ અને ‘લેખન’માં શબ્દ સાથે કામ પાડવાની વાત કરે છે. એની અસર અલબત્ત વિવેચન ઉપર પડે, પણ સર્જન તો સ્વાયત્ત પ્રવૃત્તિ છે. સાર્ત્રનો પોતાનો સાહિત્યવિચાર એક વસ્તુ છે અને એની સર્જનાત્મક કૃતિઓ એ બીજી વસ્તુ છે. સાર્ત્રના સાહિત્યવિચારના નિદર્શન રૂપે એની કૃતિઓને ન જોવી જોઈએ. (જેમકે વર્ડઝવર્થની કાવ્ય વિચારણાને આપણે એની કવિતાને લાગુ પાડીએ તો મુશ્કેલી થાય!) સાર્ત્ર પર વાચનનો જે Impact હતો, એના માનસ પર જે ઓથાર હતો એમાંથી છૂટવા માટે તે સર્જન તરફ વળ્યો. ફિલસૂફીના આ નવા પ્રવાહનાં મૂળ કદાચ Positivismમાં રહ્યાં છે. 1950ના અરસામાં આ મૂવમેન્ટ જોર પકડે છે. એમાં ફિલસૂફી એ માત્ર ભાષામાં ઊતરનારાં Propositions બનાવવાની પ્રવૃત્તિ છે એવો વિચાર આગળ આવ્યો. Ayer–એ એનું પ્રતિપાદન કર્યું. આ એક વિશિષ્ટ શાખા તરીકે વિકસી, ખાસ કરીને બ્રિટનમાં એ પ્રણાલી આગળ ચાલી. તત્ત્વચર્ચા કરવી એ જ ફિલસૂફી છે અને તત્ત્વચર્ચા ભાષામાં થાય છે, એ રીતે ફિલસૂફી અને ભાષા જોડાય છે. ઑગસ્ટીનની Speech Acts – વાણી એ જ કર્મ છે એ થિયરી જાણીતી છે. આના કેન્દ્રમાં છેવટે આપણે Structuralism પર આવીને ઊભા રહીએ છીએ! સંરચનાવાદના પણ ઘણા પ્રકાર છે – નૃવંશશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરેમાં એનો ઉપયોગ થાય છે. સાહિત્યિક સંરચનાવાદ મુખ્યત્વે રશિયન ફોર્માલિઝમ અને પ્રાગ ભાષાવૈજ્ઞાનિક સંપ્રદાય સાથે આવ્યો છે એ આપણે જાણીએ છીએ. સાહિત્યમાં થતો ભાષાનો ઉપયોગ અને અન્ય જ્ઞાનશાખાઓમાં થતો ઉપયોગ એ બે ચીજો જુદી છે. એટલે ફિલસૂફીમાં પ્રવર્તતી અસંમતતા બહુ બહુ તો વિવેચન અને એસ્થેટિકસ પર અસર કરે અને એની મારફત કદાચ સર્જનાત્મક સાહિત્ય ઉપર પણ પડે. કોઈ સીધી અસર પડવાની સંભાવના દેખાતી નથી. સાહિત્યકૃતિ સાથે કામ પાડનાર સહૃદય વિવેચકે તો એમાં પ્રયોજાયેલી ભાષા પાછળ રહેલા સર્જક સંવિદને પામવા પ્રવૃત્ત થવાનું છે.

પ્રશ્ન : આપે નવલકથાના સ્વરૂપમાં ઘણો રસ લીધો છે અને અનેક નવલકથાઓનાં અવલોકનો લખ્યાં છે અથવા અભ્યાસલેખ લખ્યા છે. છેક ‘કરણઘેલો’થી માંડીને ‘સ્વપ્નતીર્થ’ લગીના એક શતક અને એક દાયકાના ગાળામાંથી આપને કઈ પાંચ નવલકથાઓ સૌથી વધુ ગમી? એ ગમવા માટેનાં સૌંદર્યમીમાંસાત્મક કારણો ક્યાં છે?

ઉત્તર : આ પ્રશ્નનો ઉત્તર આપવો મુશ્કેલ છે. ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’, ‘માનવીની ભવાઈ’, ‘ચૌલાદેવી’ (ધૂમકેતુની), ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’... આ યાદી તો લંબાયે જ જાય! નવાઓમાંથી પણ ‘અશ્રુઘર’, ‘માધવ ક્યાંય નથી’, ‘ચહેરા’, ‘અમૃતા’, ‘ફેરો’, ‘મહાભિનિષ્ક્રમણ’, ‘વિવર્ત’ ઘણી બધી ગણાવી શકું, એ યાદી પણ લંબાય! મને ગમતી ઘણી નવલકથાઓ વિષે પ્રસંગોપાત્ત લખવાનું બન્યું છે. હમણાં હમણાં ઘટનાને સમાદર કરીને પણ સારી નવલકથાઓ લખાતી આવે છે. પણ નવલકથાના ફોર્મમાં કાંઈક Stagnation આવ્યાનું પણ લાગે છે.

પ્રશ્ન : રમણલાલભાઈ, આપ સુંદરગિરિના યદુશૃંગ પર ક્યારેક ફરવા નીકળ્યા હો અને ગોવર્ધનરામ મળી જાય તો આપને શી લાગણી થાય? એમના પછી લખાયેલા ગુજરાતી સાહિત્ય વિષે પ્રતિભાવ પૂછે તો શું કહો? અને મર્માળુ હસતાં હસતાં એ મનીષી આપને પૂછે કે જીવન કેવું લાગ્યું તો શું કહો?

ઉત્તર : સુંદરગિરિના યદુશૃંગ ઉપર ગોવર્ધનરામ મળી જાય તો? મને આશ્ચર્ય તો ન જ થાય! જાણે હમણાં એમને મળ્યો હોઉં એમ વાત આગળ ચાલે. ખાસ તો હું એમને 1906માં (એમના દેહાવસાનની તરત પૂર્વે) ચંદ્રશંકર પંડ્યા સાથે નડિયાદના ડહેલામાં પેલી ખડકીમાં તેમની વચ્ચે થયેલી વાતચીતનું સ્મરણ કરાવી કહું કે ચંદ્રશંકર પંડ્યાએ ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ ગ્રંથ છે એમ કહ્યું ત્યારે તેમને અધવચ્ચે અટકાવીને આપે કહેલું કે “જો તેમ થાય તો મારી દિલગીરીનો પાર રહે નહિ. જો ‘સરસ્વતી ચંદ્ર’ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ હોય તો તેના વાચને જો ‘શ્રેષ્ઠતર’ સાહિત્યકૃતિ પ્રેરવી જોઈએ. નહિ તો એ કૃતિ શ્રેષ્ઠ શેની? ‘સરસ્વતીચંદ્ર’ કરતાં વધારે સફલ સાહિત્યકૃતિઓ ગુજરાતી સાહિત્યદેશે પ્રકટે અને ‘સરસ્વતીચંદ્ર’ ભુલાઈ જાય તો મારા જેટલો પ્રસન્ન કોઈ પણ નહિ થઈ શકે!” એ રીતે આપને પ્રસન્ન થવાની હજુ વાર છે પણ એથી ‘દિલગીર’ થવા જેવું પણ નથી. આપના અનુગામીઓએ કેટલુંક એવું સર્જનકાર્ય કર્યું છે કે જે જોઈને આનંદ થાય.

અને...જીવન કેવું લાગ્યું એ પ્રશ્નના ઉત્તરમાં કહું કે અત્યારે દેશનું અને દુનિયાનું જીવન જોઈને તો આપને કેવળ ખિન્નતા જ થાય એવું છે. પણ આપ ફિલસૂફ છો, આની પાછળ પણ કશીક દૈવી યોજના જોશો અને આપની સમત્વયુક્ત પ્રજ્ઞામાં કોઈ ફેર નહિ પડે એની અમને શ્રદ્ધા છે. ‘સાક્ષરજીવનની તટસ્થતા અને સાક્ષિતા’ આપે જ પ્રબોધી છે ને? અને મારા વિષે પૂછો તો કહું : આપે સર્જેલા જીવન વડે વધુ સમૃદ્ધ, વધુ આનંદપ્રદ, વધુ સૌંદર્યમય.