ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/સોનાનો સૂરજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સોનાનો સૂરજ

(1) સવાર પડે અને સોનાનો સૂરજ ઊગે! લીલાંલીલાં હરિયાળાં ખેતરો ડૂંડાના ભારથી લળી પડતાં હોય; રાત બધી રડીરડીને ઝાકળરાણીએ પાંદડેપાંદડે મોતી પરોવ્યાં હોય; સૂર્યનાં કિરણો એમાં મેઘધનુષના સાતે રંગો પૂરતાં હોય; અડપલો સમીર પાકને હિલોળા આપી ઝાકળનાં મોતી સ22 સેરવી દેતો હોય; સિપાહીઓની પલટણ જેમ એકસાથે એક દિશામાં માથું નમાવે, બીજી દિશામાં માથું ઝુકાવે, એમ ઘઉંના ઊભા મોલ પવનને હીંચકે હીંચતા સૂર્યભગવાનને ઘડીક આ બાજુ તો ઘડીક પેલી બાજુ ડૂંડાં નમાવી નમન કરતાં હોય; કિલકિલ કરતાં પંખીઓ પૂર્વમાં ઊડી રહ્યાં હોય; ત્યાં તો દેવાદાદાની હાકલ પડે : ‘એલાઉ, ચાલજો; સોનાનાં નળિયાં થયાં, હવે ક્યાં સુધી ઘરમાં ભરાઈ રહેશો?’ હાકલ પડે ન પડે ત્યાં તો વગડાના ફૂલ જેવા રૂપાળા ઘરમાંથી પચીશ વર્ષનો જુવાનજોધ પાંચિયો બહાર આવે છે. એના લાલલાલ હોઠ ઉપર હજી તો મૂછનો પહેલો દોરો ફૂટ્યો છે. એની આંખમાં તેજ છે. એની પાઘડીના છોગલામાં આવળનાં ફૂલ છે. પાઘડી ફરતાં કાળાં ભમ્મર જુલફાં લટકે છે. એની ફાટફાટ થતી છાતી ઉપર કસકસતું કડિયું છે. મુક્કો મારે તો જમીનમાં ખોસી દે એવાં એનાં બાવડામાં ચકચકતું દાતરડું છે. ગામના શામજી મોચીએ સીવેલા જોડા પહેરેલા એના પગ પડે છે, ત્યાં તો ધરતી ધમધમી ઊઠે છે. બીજા ઢળિયામાંથી હરખો અને ભીમો નીકળે છે. પાંચિયાના એ સાંતીઓના. કાંડામાં પણ જોર માતું નથી, એમને કપાળે ઠરેલપણાની શરૂ થતી કરચલીઓ છે. આંખોમાં અનુભવનું ડહાપણ ઊગતું દેખાય છે. એમના પગો થોડા ઓછા ધમકે છે. અને ત્યાં તો પાંચિયાની ધણિયાણી રૂપાળી ઘર બહાર નીકળે છે. છોકરાને ધવડાવીને એણે સાસુને આપ્યું છે. જેમ ઉષા આવે અને આકાશ હસી ઊઠે, જેમ વનદેવી આવે અને વગડો મહેકી ઊઠે; એમ રૂપાળી આવે ત્યાં તો ફળિયું, ખેતર અને વગડો હસી પડે છે. એણે મોઢા આડું થોડુંક ઓઢણું તાણ્યું છે; રૂમઝૂમરૂમઝૂમ કરતીકને એ ચાલે છે. ઘાઘરાના તારલા અને ચાંદલા તડકામાં ચળકે છે. એના હાથમાં પણ દાતરડું છે. વડીલની મર્યાદામાં રહેનાર પાંચિયો એક ઝડપભરી નજર કરી આંખો ફેરવી લે છે. બન્નેનાં મોઢાં ઉપર લાલી આવે છે. ઘરડા દેવાદાદાને પણ વહુને જોઈને શાંતિ વળે છે. ‘એલાઉ, આ બાકી રહ્યું છે એ બધું વાઢ્યા પછી જ રોંઢો કરવાનો છે, હો! જો જો એક તણખલું પણ બાકી રહ્યું છે તો છાશ ઢોળી નાખીશ, પણ તમને પીવા નહિ દઉં.’ એમ કહેતાકને દેવાદાદા પોતાની પ્રેમાળ ભીની આંખો એક પછી એક સૌ ઉપર ફેરવે છે. જુવાન દીકરા પાંચિયા ઉપર એ આંખો એક ક્ષણ વધારે ઠરે છે. રૂપાળી વહુને જોઈને ડોસાને નિરાંતનો શ્વાસ આવે છે. ચાલો, શરૂ કરો, અમે તો બહુ ખેતર વાવ્યાં અને લણ્યાં. ધરતીમાતાને ખરે બપોરે અમારા બહુએ પરસેવા પાઈ શાંત કર્યાં છે. હવે અમને ઘરડેઘડપણ કાંઈ વિસામો તો હોય ને? ચાલો શરૂ કરો.’ એમ કહેતા ને દેવાદાદા આંબાની ઘટા નીચે ઢાળેલા ખાટલા તરફ જાય છે. કામ કરતા સાંતીઓ તરફ નજર કરતાં બેસે છે. ઘરમાંથી પટલાણી બહાર આવે છે. એની આંખમાં, એના મુખમાં, એના અંગમાં, એના ચાલવામાં પ્રૌઢાવસ્થાની સ્થિરતા છે, શરી2માં હજીયે જુવાનીનું જોમ છે; જુસ્સો નથી. કાખમાં પાંચિયા અને રૂપાળીનો ધાવણો દીકરો લખુડો છે. એની આંખમાં આંજણ આંજ્યાં છે. એના પહોંચા ઉપર મોરપીછું બાંધ્યું છે. એના ગાલ ઉપર હનુમાનના સિંદૂરની રક્ષા કરી છે. એના કાનમાં કરેણ ખોસી છે. ધીંગી પટલાણી આવીને લખુડાને દેવાદાદાના ગોઠણ ઉપર મૂકે છે : પટલાણી ઝાડને ઓથે સામે નીચે ચાકળો પાથરી બેસે છે. દેવાદાદા તો લખુડાની ઉપર ઝળૂબી રહ્યા છે. એની આંખોમાં હેત છે. એના હોઠમાં સમૃદ્ધિની શાતા છે. કપાળની કૂંળીકૂંળી કરચલીઓમાં સંતોષ છે. સામે બેઠાંબેઠાં પટલાણી પણ દીકરા અને દાદા તરફ જોઈને મરકમરક થાય છે. પટલાણીને પાંચિયાને બધી રીતે સુખી જોવાના મનમાં કોડ હતા. દેવાપટેલ પટલાણી તરફ મીઠી મીટ માંડે છે : એમની થોડીથોડી ધોળી મૂછો પવનમાં ફરકે છે. લખુડો જાણે એ દુર્લક્ષ્ય અસહ્ય થતું હોય એમ દાદાની ભૂખરી મૂછો તાણે છે. દાદા હસીને એને બચી લે છે. ‘મરતાં પહેલાં પાંચિયાનો દીકરો મારી મૂછો તાણે એવો મનમાં કોડ હતો. ભગવાને એ પૂરો પાડ્યો. આપણને હવે શેની ખોટ છે?’ ભગવાનનું નામ સાંભળતાં ભાવિક પટલાણી ‘રામ સૌની રક્ષા કરો’ એમ બોલી માથું નમાવે છે. ત્યાં તો પાંચિયાનો મોટો આઠ વર્ષનો દીકરો રામલો દેવાદાદાની ડાંગનો ઘોડો કરી, કરેણની એક સીધી સોટીની ચાબુક કરી, કુદુકકુદુક કરતો ત્યાં આવે છે. ‘અને,’ દેવાદાદા ફરી પટલાણીની આંખમાં આંખ પરોવી બોલવાનું શરૂ કરે છે : ‘પાંચિયાનો દીકરો મારી ડાંગનો ઘોડો ખેલવે એવા મનમાં ભાવ હતા. ભગવાને એય પૂરા પાડ્યા. પટલાણી ફરી માથું નમાવે છે. દેવાદાદા રામલા તરફ જોઈ ફરી શરૂ કરે છે : ‘દીકરા, ગઢ જીતીને આવ્યો?’ રામલો દાદાની નજીક જાય છે. દેવાદાદા એના માથા ઉપર અને કપાળ ઉપર હાથ ફેરવે છે. રામલો પોતાની કાલી ભાષામાં પોતાનાં પરાક્રમો કહેવાં શરૂ કરે છે. ‘અને દાદા, ઓલ્યો મોતી બળદ છે ને! — તે દાદા મેં એને એક સોટી લગાવી, પછી તો એણે એવું પૂછડું ફંગોળ્યું! પણ હું તો મારા ઘોડા ઉપર તબડાકતબડાક કરતો નાસી આવ્યો. અને દાદા. પેલો કાળિયો કૂતરો છે ને? — અને...’ પટલાણીની આંખમાં હરખનાં આંસુ આવે છે : ‘ભગવાન મારા રામ-લખમણની જોડીને અમર રાખો!’ એમ બોલીને એ ઊઠે છે. ‘હવે રોટલા ઘડવા શરૂ કરી દઉં.’ એમ કહી એ ઘરમાં જાય છે. અને આ બાજુ પાંચિયો, રૂપાળી અને સાંતીઓ કિલ્લોલ કરતાં પાક વાઢતાં જાય છે. જોતજોતામાં તો તડકાથી, ઉલ્લાસથી, મહેનતથી તેઓના ગાલ લાલ બની જાય છે. કપાળે અને શરીરે પરસેવાનાં ઝરણ ફૂટવા લાગે છે. એક ગાય છે. બીજો મૂંગોમૂંગો મનમાં ગણગણે છે. રૂપાળી અને પાંચિયો કાંઈક ધીમુંધીમું ગુંજે છે. સૂરજ ભગવાન માથે ચડ્યા ત્યાં તો ફરી દેવાદાદાનો મીઠો, ખખડધજ અવાજ આવે છે ‘લ્યો હાલો હવે હાલો બહુ લણ્યું!’ હડપ દેતાંને સૌ ધારિયાં હેઠાં મેલી ધોરિયે જઈને હાથપગ ધૂએ છે. મોઢા ઉપરનો પરસેવો લૂછી સૌ ઓશરીમાં જાય છે. કાંસાની તાસળીમાં છાશ છે; થારડીમાં બાજરાના ધીંગા રોટલા અને ચણોઠી જેવી ચટણી છે. પડખે વાડકામાં ખેતરનાં તાજાં રીંગ શાક છે; અને રોટલા ઉપર માખણના લોંદા છે. ઘડી બે ઘડીમાં તો બબ્બે ચડાવી કણબીઓ ઢાળિયામાં ખાટલા ઢાળી, જરી આડું પડખું કરે છે. પટલાણીઓ સમુંનમું કરી અંદરના ઓરડામાં જઈ આડી થાય છે. કલાક બે કલાકમાં તો ખેડૂતો ઊઠે છે અને પાછા કામે લાગે છે. સૂરજના ધોમતાપમાં પરસેવાની ઝરણીઓ વહેવડાવી ધરતીમાતાને શાંત કરે છે. પટલાણીઓ ઘરમાં મધમાખીઓની જેમ જુદાજુદા કામે વળગે છે. કોઈ ચાકળા ને ચંદરવા ભરે છે, કોઈ કપાસ સાફ કરે છે, તો કોઈ કાંતે છે. કમળમાં જાણે ભમરો ગુંજતો ન હોય! અમાસની મધરાતના અર્ધગોળમાં જાણે તારા ગાતા ન હોય! એમ ઘરમાં રેંટિયો ગુંજી રહે છે. એ એક રેંટિયો ઘરના તમામ લોકોનાં કપડાં પૂરાં પાડે છે. ગામનો ધનો ઢેઢ એ વણી આપે છે. એનામાં પાંચિયાની પછેડીમાં ફૂમતાં રાખવાની, અને રૂપાળીની ઓઢણીમાં ભાત પાડવાની કળા છે. પટલાણીનાં કપડાંમાં હીર ભરવાની અને દેવાદાદાની પાકટતાને શોભે એવી પાઘડીમાં સાદાઈ રાખવાની એનામાં કુદરતી આવડત છે. ધીમેધીમે સૂરજ આથમે છે. કોસ છોડીને પાંચિયો બળદને હાંકતોહાંકતો દૂહા લલકારતો ઘર ભણી આવે છે. ભીમો અને હરખો ક્યારા પાવાનું બંધ કરે છે. સીમમાંથી ચરીને પાછા આવતાં ગાય-ભેંસનાં ધણ ગામડાની તંદુરસ્ત ધૂળથી આકાશને ઘેરી લે છે. સૂરજનાં છેલ્લાં કિરણો ખેતરો વચ્ચે થઈને વહેતી સોનારખના પાણીને છેલ્લું ચુંબન કરી વિદાય લે છે. પંખીઓ બચ્ચાં માટે ડૂંડાંઓ ચાંચમાં પકડી માળા તરફ ઊડવા લાગે છે. ત્યાં તો ખેતરના છીંડામાંથી ગામના મુખી પ્રવેશ કરે છે. દેવા પટેલ ઊઠીને સામા તેડવા જાય છે. પાંચિયો ઘરમાંથી નવરંગ ગોદડું આણી ખાટલા ઉપર પાથરે છે. ભીમો અને હરખો સાથે અદબથી બેસે છે. દેવા પટેલ અને મુખી ભેટે છે; અને પછી ખાટલા ઉપર બેસે છે. આમલીથી ઊટકેલા ચળકતા લોટામાં પાંચિયો પાણી લાવે છે, અને મુખીને આપે છે. મુખી પાણી પી, સંતોષનો એક ઓડકાર ખાઈ, પાઘડી ઉતારી પડખે મૂકે છે; અને પછી કપાળ ઉપર હાથ ફેરવતાં બોલે છે : ‘દેવા પટેલ, હવે ચોથ આપવાનો સમય થઈ ગયો.’ ‘હા, એમાં શું? આજે જ લેતા જજો. તમને ફરી કોણ આંટો ખવડાવે? અને રાજાને ઊપજનો ચોથો ભાગ આપવો એમ તો શાસ્તરમાંય કહ્યું છે ને? જુઓને, ગયા ચોમાસામાં પેલા શંકરશાસ્ત્રી કથા કરવા આવ્યા હતા, યાદ છે ને? એણે ખેડૂતનો ધર્મ સમજાવ્યો હતો. આજે જ લેતા જજો.’ દેવા પટેલે જવાબ વાળ્યો. ‘આજે જ કાંઈ ઉતાવળ નથી; ગમે ત્યારે આપી જજો.’ મુખીએ મીઠી બેદરકારીથી કહ્યું. ‘ગમે ત્યારે શું કામ? આજે જ લેતા જજો. અને મુખી અમારે ત્યાં આવે અને ગળ્યું મોઢું કર્યા વિના પાછા જાય એ કેમ બને? બેટા પાંચા, જા. લાપશીનાં આધણ મુકાવ.’ મુખી અને દેવા પટેલની રકઝક ચાલે ત્યાં તો લાપશીનાં આધણ મુકાઈ પણ જાય છે. પછી તો અલી ઘાંચીથી માંડીને શ્યામલાલ દીવાન સુધીના એકએક માણસની વાતો ચાલે છે. વરસાદની વાતો થાય છે. ઓણસાલની ઊપજની અટકળ થાય છે. અને ત્યાં ઓ અવની ઉપર અંધકાર છવાય છે. સૌ ઊઠીને ઓશરીમાં જાય છે. છૂટી લાપશીમાં સાકરના દોથા ઠાલવી, ઘીનાં બોઘરણાંની ધીંગી ધાર કરવામાં આવે છે. એકબીજાને આગ્રહ કરતા, એકબીજાને સમ આપતા, સૌ ધરાઈધરાઈને જમે છે. પછી તો ફળિયામાં ઢોલિયા ઢળાય છે. પોતાના જ ખેતરનાં રૂનાં પોચપોચાં ગોદડાં પથરાય છે. આકાશની અનંત આંખો તળે પટેલો પોતાનાં સુખદુ:ખની અનેક વાતો છેડે છે. પાંચિયો ઘરમાંથી તાજો દેવતાભર્યો હોકો લઈ આવે છે. વારાફરતી સૌ એને ગગડાવતા અલકમલકની વાતો કરે છે. ઓશરીમાં પટલાણી પોતાના પૌત્રને પડખે બેસાડી વીર વિક્રમની, ગાંગલી ઘાંચણની, મહાભારત અને રામાયણની વાર્તાઓ કહે છે. રામલો હોંકારો દેતો જાય છે. ધીમેધીમે એના હોંકારા વચ્ચેનું અંતર વધતું જાય છે, અંતે એ માની ગોદમાં ઢળી પડે છે. ઘરમાં રૂપાળી રામજીના ગોખમાં ઘીનો દીવો કરે છે. કુટુંબની એ સૌભાગ્યમૂર્તિ કુટુંબની સમૃદ્ધિ માગતી પગે પડે છે. પછી ધીમેધીમે ભરત ભરતી મીઠી રાહ જોતી બેસે છે. પછી એકવાર આખા ખેતરમાં ફરીને પાંચિયો આવીને ખબર આપે છે, કે બધું બરાબર છે. મુખીને અને દેવાદાદાને ગોદડાં ઓઢાડી એ અંદર જાય છે. ક્ષણભર રૂપાળી સાથે હસીબોલી, ક્ષણભર લખુડાને રમાડી એ દિવસ બધો પરસેવો નિતારીને કમાયેલી મીઠી અને અમૂલ ઊંઘમાં પડે છે. આખું ખેતર શાંત થઈ જાય છે. રાત જામે છે. રાત ભાંગે છે. તારાઓ એક પછી એક આથમે છે. પો ફાટે છે. પંખીઓ પંચમ સ્વરથી પરમપંખીની પ્રાર્થના કરવા લાગે છે. તાંબડીમાં સર્રર્ સર્ર્ર્ સરકતાં શેડકઢા દૂધના મીઠા આલાપો શરૂ થાય છે. રૂમઝૂમ રૂમઝૂમ કરતી પટલાણીઓ ઢોરને ચારો નાખે છે : વાળીચોળીને ઘડી બે ઘડીમાં તો ઘર અને આંગણું છીંક આવે એવું સ્વચ્છ કરી નાખે છે. ઓશરીના થાંભલા વચ્ચે વલોણાના ઘમકાર શરૂ થાય છે. ‘ઉ.....હો!’ ‘ઉ...ઉ...હો!’ કરતા ખેડૂતો પંખીઓને ઉડાડવા ગોફણો વીંઝવા લાગે છે. દૂર આંબલીઓ વચ્ચે કોસના કિચૂડકિચૂડ અવાજ શરૂ થાય છે. રાંધણિયામાં સવારના શિરામણ માટે ધબાધબ રોટલા ઘડાય છે. પટલાણી તાજા લસણની ચટણી વાટવા બેસી જાય છે. સવાર પડે છે અને સોનાનો સૂરજ ઊગે છે!

‘એલાઉ, ચાલજો. સોનાનાં નળિયા થયાં.’ દેવાદાદાની હાકલ પડે છે.

(2) રાતના બાર વાગ્યા છે. રાત અંધારીઘોર છે. ડાકણના મોંમાં જેમ દાંત ચળકે તેમ કાળા ભમ્મર આકાશમાં તારાઓ ચળકે છે. શહેરના એક ગીચ અને ગંદા લત્તામાં મિલમજૂરોને રહેવાની ઓરડીઓ છે. આખું શહેર શાંત છે, પણ આ વિભાગમાં અશાંતિ છે. કોઈ ઓરડીમાંથી ડૂસકાંનો અવાજ આવે છે, તો કોઈમાંથી મારામારીના અણસાર આવે છે. ક્યાંક કોઈ ભાન ભૂલી બરાડા પાડે છે, તો ક્યાંક માંદો માણસ કષ્ટાય છે. ચાલને છેડે એક નાની, ભીની, ગંદી, ઓજીસાળા જેવી ઓરડી છે. એક જ ઓરડીમાં રાંધણિયું, પાણિયારું અને સૂવા-બેસવાનું સમાઈ ગયું છે. ગોખલામાં દીવેલનું એક ઝાંખું કોડિયું બળે છે, કોડિયાના ઉપરના ભાગમાં મેશના થર બાઝ્યા છે. નીચે દીવેલના રેલાના લિસોટા છે. મચ્છરોનો ગણગણાટ ઓરડીમાં ચાલુ છે. એક ખૂણામાં એક નિ:સત્ત્વ, ગંદું બાળક ભૂખે રડીરડીને એક ફાટલા ગોદડા ઉપર સૂઈ ગયું. છે. એના ફાટલા પહેરણમાંથી પેટનો ખાડો દેખાય છે. પડખે જ એક સહેજ મોટી ઉમ્મરની છોકરી અડધી જાગતી, અડધી ઊંઘતી પડી છે. એના ગંદા ગાલ ઉપર આંસુનાં એંધાણ છે. બારણા પાસે જુવાન સ્ત્રી કોઈની રાહ જોતી બેઠી છે. એની ઉંમર જુવાન છે, પણ એ જુવાન નથી. એની કાયા દૂબળી છે. ખભાનાં હાડકાં એના ફાટેલા બદનમાંથી વરતાય છે. એની આંખો ઊંડી ગઈ છે. રડીરડીને પાંપણો સૂઝી ગઈ છે. એના વાળ વીંખાયેલા અને તેલના અભાવથી ભૂખરા થઈ ગયેલા છે. એના હાથ ઉપર અને લમણામાં તાજાં મારનાં ચિહ્નો છે. એ આતુરતાથી અંધારા સામે જોઈ રહી છે. કોઈ અસ્થિર અને લથડતાં પગલાં પડે છે. દારૂના ઘેનમાં ભાનભૂલેલો ત્રીસેક વર્ષનો એક મજૂર પ્રવેશ કરે છે. એના ખમીસ ઉપર કશાકના લાલ ડાઘા છે. એના જાકીટનાં બટન ખુલ્લાં છે. એના ધોતિયામાં ચીરા છે. એના શરીરે ઉઝરડા છે. ઉંબરાની ઠેશ આવતાં એ લથડે છે. બાઈ ઊભી થઈ એને પકડી લે છે. પતિનો વાંસો પંપાળતી એ ભીની પાંપણે બાળકો તરફ ફરે છે. સાડલાની કોરથી આંખો લૂછી એ બોલે છે ‘બિચારાં ક્યાર સુધી ખાઉં ખાઉં’ કરી રડતાં હતાં, અંતે થાકીને સૂઈ ગયાં. તમને મારી તો દયા ન આવે, પણ એમનીયે નથી આવતી? મજૂર પોતાની લાલ અંગારા જેવી આંખો ફાડે છે. થોડી વાર એના હોઠ ધ્રૂજે છે. પછી થોથરાતોથોથરાતો બોલે છે : ‘તે.......એ હું શું કરું? મારો પીછો હજી નથી છોડતી?’ અને એક ખૂણામાં નમી લાકડી ઉપાડે છે. જોરથી બાઈના માથામાં ફટકારે છે. પછી થોડું ખડખડાટ હસી બીજા ખૂણામાં પડી ટગરટગર જોઈ રહે છે. બાઈના માથામાંથી લોહીનાં ટીપાં પડે છે. એની આંખમાંથી આંસુનાં ટીપાં પડે છે. એ નાના છોકરાને કાંખમાં લે છે. મોટી છોકરીને આંગળીને વળગાડે છે. જાગી ઊઠતાં, ભૂખ ફરી યાદ આવતાં છોકરાંઓ કકળી ઊઠે છે. બાઈ સહેજ ગળું ખંખેરી બોલે છે : ‘હવે નથી સહાતું. મારું અને મારાં છોકરાંઓનું જે થવાનું હોય તે થાય. હું જાઉં છું, લખમણ, જીવ્યામર્યાના જુવાર!’

હેં...એ! આ લખુડો? દેવાદાદાના ગોઠણ ઉપર રમતો હતો તે રૂપાળીનો લાડકો ફૂલ જેવો લખુડો? ના, હોય નહિ!

(3) એ વાતને તો વર્ષો વીતી ગયાં છે. પછી તો અસંખ્ય વહાણાંઓ વાયાં, અને અનેક વર્ષાઓએ ખેતરનાં ઢેફાં પલાળ્યાં. દિવસ જતાં દેશી રાજાઓ પાસેથી તરેહતરેહની યુક્તિઓ યોજી કંપની સરકારે એ રાજ્ય ખાલસા કર્યું છે. ગામડાંઓના મુખીઓ બદલાઈ ગયા છે. ઊપજના ચોથા ભાગનું રાજાને મળતું એને બદલે હવે ઊપજના ચોથા ભાગનું ખેડૂતને પણ નથી મળતું. ગમે તેમ કરી ખેડૂતોને વધારેમાં વધારે ચૂસવા એ રાજ્યકર્તાઓની નેમ થઈ પડી છે. અનાવૃષ્ટિ હોય કે અતિવૃષ્ટિ હોય! દુકાળ હોય કે હિમ પડ્યું હોય! રાજ્યકર્તાઓની મહેલાતોને એનો સ્પર્શ ન થતો. તેઓને તો મહેસૂલ સાથે કામ! ગમે તે સંજોગોમાં ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલ કરવામાં આવે છે. જોતાજોતામાં તો જે જમીનમાં સોનું પાકતું ત્યાં પાણા પાકવા લાગ્યા છે. સોનરખનાં સત સુકાયાં અને એમાં કાંકરા ઊડવા લાગ્યા છે. એક પછી એક ઝાડવાં ઠૂંઠાં થવા લાગ્યાં અને સીમ ઉઘાડી પડવા લાગી છે. પરદેશી સ્વાર્થાંધ વેપારીઓના ત્રાસથી ધના વણકરે પોતાનો અંગૂઠો કાપી નાખ્યો છે, અને પેટનો ખાડો પૂરવા શહેર તરફ ચાલ્યો ગયો છે. શામજી મોચીએ હવે ગામડું છોડ્યું છે અને શહેરની એક કંપનીમાં સંચા ઉપર ચંપલ સીવવાનું કામ લીધું છે. શહેરમાંથી એક તેલની મિલવાળો આવ્યો અને અલી ઘાંચી બેકાર પડ્યો છે. ગામડાંમાં પાન-બીડીની દુકાન થઈ અને છેવટે હોટલ પણ આવી છે. કણબીના દીકરાઓએ હવે છાશ પીવી છોડી દઈ ચાના કાળજાં બાળી નાખે એવા રગડા પીવા શરૂ કર્યા છે. શહેરમાંથી સસ્તું કાપડ આવવા લાગ્યું અને બહેનોએ રેંટિયા મેડે ચડાવ્યા છે. દેવાદાદા અને એમનાં ધીંગાં પટલાણી આ કળજુગ જોવા જ જીવ્યા નહિ, પાંચિયો પંચાવન વર્ષનો થયો ત્યાં તો એણે આઠ દુકાળ જોયા. છેલ્લા સતત ત્રણ દુકાળથી તો પ્રજા ત્રાહીત્રાહી પોકારી ગઈ છે. અનેક લોકો ભૂખના માર્યા મરવા લાગ્યા છે. ખેડૂતોના અનાજની કોઠીઓનાં તળિયાં દેખાવા લાગ્યાં છે. કૂવાનાં પાણી પાતાળ ગયાં છે, અને ધરણીના રસકસ ચુસાઈ ગયા છે. છેલ્લે વરસે તો બે આની પાક પણ થયો નથી. પાંચિયા માથે ખૂબ દેવું ચડી ગયું છે. એણે રૂપાળીની કાંબિયું અને કડલાં ઉતાર્યાં અને વાણિયાને ત્યાં ગીરો મૂક્યાં. પોતાના પેટના દીકરા જેવા બળદોને વેચી માર્યા છે, તો ય એનું દેવું પતતું નથી. રોજ કાળમુખો વાણિયો અને મુખી મતાદાર આવીને એને સતાવે છે. ભીમો અને હરખો શહેરમાં રોટલો રળવા ગયા છે. છેલ્લી મરકીમાં રામલો ઝડપાઈ મરી ગયો છે. લખુડો મોટો થયો છે, પણ હવે એ આખો દિવસ હોટલમાં બેસી રહે છે. અને પેટીવાજું સાંભળ્યા કરે છે. આવે વખતે પણ સરકારી અમલદારો તકાદો કરવો ચૂકતા નથી. એક દિવસ પાંચિયાના ઉજ્જડ ખેતરમાં તલાટી અને બીજા સિપાહીઓ આવે છે. પાંચિયો સૂનમૂન એક ખાટલામાં માથું છુપાવી પડ્યો છે. એક સિપાહીએ પાંચિયાને હલાવીને ઉઠાડ્યો પાંચિયો બેબાકળો થઈ તલાટી સામે ધ્રૂજી રહે છે. તલાટી મહેસૂલ માગે છે. પાંચિયો એમના પગમાં આળોટી કરગરે છે. એ આ વરસે મહેસૂલ મુલતવી રાખવા એમને વીનવે છે. તલાટીના પગ પકડે છે, પણ તલાટી કશું ન ગણકારતાં પાંચિયાને એક લાત મારે છે અને પછી સિપાહીઓને લઈ ઘરમાં ઘૂસે છે. રૂપાળી ફફડી ઊઠે છે, બારણાંમાંથી દોટ મૂકી પાંચિયા સામે આવી ઊભી રહે છે. એની આંખમાંથી આંસુની નદીઓ વહે છે. તલાટી એ ખાલીખમ ઘરમાં ફરી વળે છે. કાંઈ હાથ આવે છે તે ઉપાડે છે. એક ખૂણામાંથી ફાટલાં ગોદડાં લે છે. એક પટારામાંથી રૂપાળીનાં થીંગડાં દીધેલાં બે ઓઠણાં ઉપાડે છે. ઓશરીમાંથી દેવા પટેલની ડાંગ ઉપાડે છે. ચલમ ફૂટેલો હોકો લઈ લે છે. રાંધણિયામાંથી ફૂટેલાં બે હાંલ્લાં લઈ લે છે; અને આવતી કાલે ખાવા સંઘરી રાખેલું એક શેર અનાજ ઉપાડી બહાર આવે છે. પાંચિયા તરફ ફરી એકવાર તિરસ્કારભરી નજર કરે છે. ફરી એક લાત મારે છે અને ચાલતો થાય છે. રૂપાળી ધણીનું માથું ખોળામાં લઈ ક્યાંય સુધી બેસી રહે છે. પાંચિયાને એ લાત જીવલેણ નીવડે છે. ત્રણ દિવસ સુધી પીડાઈને એ મરી જાય છે. રૂપાળીને માથે આભ તૂટી પડે છે. એની આંખો ઊંડી જાય છે; અને ગાલ ફિક્કા પડી જાય છે. હાથનાં હાડકાં દેખાય છે અને પગમાંનું જોર જતું રહે છે. બીજા દિવસથી એ જ્યાં નવું સ્ટેશન બંધાતું હતું ત્યાં પાણા ઉપાડવા જાય છે. એક મુકાદમ એના રૂપ ઉપર લોભાય છે અને એની ઉપર અત્યાચાર કરે છે. જૂના જમાનાની સતી રૂપાળી આપઘાત કરે છે. માતાને અને તેની સાથે જગતની શાંતિને બાળીને લખુડો પોતાની હાલહવાલ સ્ત્રીને અને ધાવણી છોકરીને લઈને બટકું રોટલો ચરી ખાવા શહેર તરફ ચાલી નીકળે

[‘હિન્દુસ્તાન અને પ્રજામિત્ર’, દિવાળી અંક 29: 12 : 32]