ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રોજની જેમ, સવારનાં પાંચ વાગ્યા એટલે, લોખંડની પાટ ઉપર હથોડો મારવાનો ઘોંઘાટ શરૂ થઈ ગયો. છાવણીને જગાડવાનો સમય થયો હતો, એટલે એક રખેવાળ લોખંડના એક લંબચોરસ ટુકડા ઉપર હથોડો મારતો હતો. છાવણીના મુખ્ય કાર્યાલય પાસે જ એ લટકાવેલો હતો, પણ બારીઓ ઉપર એવો તો બરફનો થર જામેલો હતો કે રહી-રહીને થતો આ ઘોંઘાટ માંડ અંદર સંભળાતો. વળી લાંબા સમય સુધી બહાર રહેવાની હિમ્મત તે રખેવાળમાં ન હતી, એટલે બે-ચાર વાર હથોડો મારીને તે અંદર જતો રહ્યો.

ઘોંઘાટ બંધ થયો, પણ વાતાવરણ હજી અડધી રાત જેવું જ હતું, સૂમસામ, હલનચલન વગરનું. અંધારું પણ હતું, શુખવ રાતના ડોલનો ઉપયોગ કરવા ઉઠ્યા હતા ત્યારે જેવું અંધારું હતું તેવું જ, ઘોર અને ગાઢ અંધારું. બારીમાંથી માત્ર ત્રણ જ દીવા દેખાતા હતા, બે બહારની બાજુ અને એક છાવણીમાં અંદર, જેમાંથી થોડું-થોડું અજવાળુ આવતું હતું.

કોણ જાણે કેમ પણ બરાકના બારણા ખોલવા હજી કોઈ આવ્યું ન હતું. મળમૂત્રની ડોલમાં સળિયા નાખવાનો અવાજ પણ હજુ નહોતો આવ્યો.

શુખવ હંમેશાં સમયસર ઊઠતા. રિવેલી (લશ્કરી અથવા કેદીઓની છાવણીમાં જગાડવા માટે થતો બ્યુગલ કે નગારાનો અવાજ) થતાં જ એ ઊભા થઈ જતા. એ જાણતા હતા કે વહેલા ઊઠવાથી દોઢ કલાકનો જે સમય મળતો, તે તેમનો પોતાનો હતો, અધિકારીઓનો નહિ. અને કોઈ પણ રીઢા કેદીને ખબર જ હોય કે કંઈક મેળવવું હોય તો આ ‘પોતાનો સમય’ કેટલો કામનો હોય છે! આ સમયમાં તમે કોઈકના હાથના મોજાંને થિગડું મારી આપી શકો, અથવા તો કોઈ વરણાગીને તેના કોરા બૂટ તેના ખાટલા પાસે મૂકી આપી શકો, (જેથી તેને ઠંડીમાં ઉઘાડા પગે બૂટ શોધવા ન જવું પડે), અથવા વખારની સાફ-સફાઈ કરી શકો કે એમાં ચીજવસ્તુ ગોઠવી શકો. અને બધાનું માનીતું એવું રસોડાનું કામ તો ખરુંજ, બધા ના એંઠા, ખાધેલાં વાસણો મેસમાંથી લઈને અંદર માંજાવા માટે આપવાના. એમાં તમને ખાવાનું મળે, એટલે આ કામ માટે ઘણી પડાપડી હતી. આ કામ મળવું મુશ્કેલ હતું પણ એનાંથી પણ અઘરું હતું વાટકાઓમાં વધેલું ખાવાનું ચાટી લેવાના પ્રલોભનને અંકુશમાં રાખવાનું. શુખવ તેમના પહેલાં ફોરમૅન, કુઝયોમિનના શબ્દો હંમેશાં યાદ રાખતા. શુખવ અને તેના સાથીઓ જ્યારે ૧૯૪૩માં અહીં આવ્યા, ત્યારે કુઝયોમિનને અહીં આવે બાર વર્ષ થયા હતા. વેરાન જંગલમાં, તાપણું કરતા-કરતા એ રીઢા કેદીએ નવા કેદીઓને કહ્યું હતું:

“અહીં ‘તૈગા’ (જંગલનું નામ)ના નિયમો ચાલે છે, છતાંયે, બધે ચાલે છે એમ, અહીં પણ જીવન ચાલી શકે છે. અને કોણ મરી જાય? જે બીજાનું છાંડેલું ખાય તે, માંદગીમાં દવાખાને જાય તે, અને જે બીજાની ચાડી ખાય તે.”

પણ એ ખોટા પડ્યા. ચાડી ખાનારાતો ઘણા ફાવી જતા. બીજાના ભોગે પોતે સલામત રહેતા. એટલે શુખવ સવારના ઊઠવામાં આળસ નહોતા કરતા. પણ આજે તે ના ઊઠ્યા. ગઈ કાલ સાંજથી એમને કંઈ ઠીક નહોતું લાગતું, શરીર તૂટતું હતું અને તાવ જેવું પણ લાગતું હતું. આખી રાત ઠંડી લાગતી રહી, અને ઊંઘ આવે તોય ઊંઘમાં ઘડીકમાં સારું લાગે તો ઘડીકમાં બેચેની. સવાર ન પડે, આવી ઇચ્છાતો હતી.............

.........પણ સવાર તો પડીજ અને સમયસર પડી!

આમ પણ, જ્યાં બારીઓ ઉપર બરફનો થર હોય, અને બરાકની ચારે બાજુની છત ઉપરથી બરફનું તોરણ લટકતું હોય, ત્યાં ગરમાવાની આશા ક્યાંથી રખાય?

પણ આજે એ ઊઠ્યાં નહિ. ઓઢી-પોઢીને સૂઈ રહ્યા. કામળામાં માથું નાખી, જર્કિનમાં બંને પગ વીંટાળી,જૅકેટ ઓઢીને એ સૂઈ રહ્યા. મોઢે-માથે ઓઢેલું હતું એટલે કશું દેખાતું ન હતું, પણ તેમના કાન તેમને બરાકની દરેક ગતિવિધિઓની માહિતી આપતા હતા, ખાસ કરીને તેમની ટુકડીના ખૂણાની. આ આવ્યો મળમૂત્રનું પીપડું ઊંચકીને લઈ જતા સિપાહીઓના ભારેખમ પગલાંનો અવાજ. આમતો એ અશક્ત માણસોનું કામ ગણાતું, પણ છલકાય નહીં એવી રીતે પીપડાને લઈ જવાનો પ્રયત્ન તો કરી જુઓ! અને આ આવ્યો જમીન ઉપર બૂટનો ઢગલો કર્યાનો અવાજ, ટુકડી ૭૫ના કોઠડિયામાં સૂકવવા મૂકેલા બૂટ આવ્યા હશે, અને આ એમની પોતાની ટુકડીના બૂટ આવ્યા----આજે એમનો પણ બૂટ સૂકવવાનો વારો હતો. એક અક્ષરે બોલ્યા ન હતા પણ સૂવાના પાટિયાના અવાજ ઉપરથી શુખવને ખબર પડી ગઈ કે તેમના ફોરમૅન અને ડેપ્યુટી ફોરમૅન બંને પોતપોતાના બૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે. હવે ડેપ્યુટી બ્રેડ લેવા જશે અને ફોરમૅન મુખ્ય કાર્યાલયમાં કામની ફાળવણીની માહિતી મેળવવા.

આ તો એ રોજ કરતા, પણ શુખવ ને યાદ આવ્યું કે આજે એ વસ્તુ થોડીક જુદી હતી. આજે, ટુકડી ૧૦૪ માટે, ફોરમૅનની કાર્યાલયની મુલાકાત ઘણી મહત્ત્વની હતી, કારણ કે આજની મુલાકાત નિર્ણાયક હતી. આજે નક્કી થવાનું હતું કે એમની ટુકડીનું દુકાનો બાંધવાનું કામ ચાલુ રહેશે કે પછી એમને ‘શુસ્કરદોખ’ (સોશ્યાલિસ્ટ વસાહત) બાંધવાનું કામ સોંપાશે. જો આ નવી વસાહત બનાવવાનું કામ સોંપાય, તો તો તેમની ટુકડી ઘણી હેરાન થશે. આ નવી વસાહત બરફથી ઢંકાયેલા એક ખુલ્લા, નિર્જન મેદાનમાં બનાવવાની હતી. બરફ એટલે,છેક ઢીંચણ સુધી પગ ખૂંપી જાય એટલો બરફ. સૌથી પહેલાં એ મેદાનની ફરતે કાંટાળા તારની વાડ કરવાની હતી, એટલે પહેલાં તો ખાડા ખોદી થાંભલા ઊભા કરવાના, પછી એમાં તાર બેસાડવાના, આમ પોતે જ પોતાના છટકવાના રસ્તાઓ બંધ કરવાના ! વાડનું કામ પૂરું થયા પછી જ બીજું બધું બાંધવાનું કામ શરૂ કરાશે, એ જાણતા હતા.

એનો અર્થ એ કે લગભગ આખા મહિના સુધી સૂવા-બેસવા માટે કોઈ હૂંફાળી જગ્યા હશે જ નહિ, નાનકડી ઓરડી પણ નહિ, જે થોડી-ઘણી હૂંફ આપે. અને આવી જગ્યાએ તાપણી કરાય એવું કશું પણ ક્યાંથી મળવાનું? ખોદી ખોદી, કામ કરીને જે ગરમાવો આવે તેજ સાચો! આજે ફોરમૅનનું કામ હતું ટુકડી ૧૦૪ને બદલે બીજી કોઈ ટુકડીને આ કામ સોંપાય તેવો પ્રયત્ન કરવાનો. અઘરું કામ હતું એટલે એ ચિંતીત દેખાતા હતા. વળી ખાલી હાથે તો કશું થવાનું ન હતું, કામની ફાળવણી કરનાર અધિકારીને કિલો-અડધો કિલો સૉલ્ટ પોર્ક કે બીજું એવું કંઈ આપવા માટે હોય તો કદાચ કામ થાય.

પણ પ્રયત્ન કરવામાં શું વાંધો? શુખવને થયું કે દવાખાને જઈ અને બે-ચાર દિવસની રજા લેવાનો પ્રયત્ન હું પણ કરી જોઉં. શરીરમાં કળતર અને દુખાવો તો થતોજ હતો. ઊઠતાં પહેલાં શુખવે મનમાં વિચાર્યું, આજે બરાકનું નિરીક્ષણ કરવાનો કોનો વારો હતો? ઓ, આજે તો ઇવાન નો વારો છે,‘દોઢ ઇવાન’નો. ઇવાન તાડ જેવો ઊંચો અને પાતળો હતો. એની આંખો કાળી હતી, બીક લાગે એવી કાળી. એ સુકલકડી સાર્જન્ટ પહેલી નજરે ઘણો બિહામણો અને દુષ્ટ લાગતો. પણ વધુ પરિચય થાય ત્યારે ખ્યાલ આવે કે તે બધાંય ચોકીદારોમાંથી સૌથી સરળ અને ભલો હતો. એ કોઈને સજા ન કરે, અધિકારીઓ પાસે ઘસડી ન જાય, કે કાળકોટડીમાં પૂરી ન દે. હા, થોડી વાર સૂઈ રેહવાનો વાંધો નથી, બરાક ૯ના કેદીઓ મેસમાં જાય ત્યાં સુધી તો સૂઈ રેહવાશે જ. શુખવ સૂઈ રહ્યા.

બરાકમાં સૂવા માટે, એક ઉપર એક એવા ચાર પાટિયાના માળખાંઓ આખા ઓરડામાં ગોઠવેલા હતા. શુખવના માળખામાં હલનચલન થવા માંડી, બે જાણ એક સાથે પોતપોતાના પાટિયા ઉપરથી નીચે ઉતર્યા, શુખવના સૌથી ઉપરના પાડોશી અલયોશ્ક, જે બેપટીસ્ટ તરીકે ઓળખાતો હતો અને નીચેનો નૌકાદળના પૂર્વ કપ્તાન, (સેકન્ડ રેન્ક) વિનોસ્કી.

મળમૂત્રના બંને પીપડાં લઈ ગયા પછી, એ બે ઘરડા સિપાઈઓએ ગરમ પાણી કોણ લાવશે તેનો ઝઘડો શરૂ કર્યો અને કકળાટ કરી મૂક્યો.

ટુકડી ૨૦ના ઇલેક્ટ્રિક વેલ્ડરે એમની તરફ બૂટ ફેંકીને ત્રાડ પડી, “આળસુના પીરો, તમે આ કકળાટ બંધ કરો છો કે પછી હું આવીને કરાવું?”

બૂટ થાંભલે અથડાયું, પણ કકળાટ બંધ થઈ ગયો.

બાજુની ટુકડીનો ડેપ્યુટી ફોરમૅન ઘૂરકીને ધીમેથી બોલ્યો, “વસીલી ફ્યુદરીચ, કોઠારના પેલા નક્કામા માણસોએ આ વખતે આપણને બરાબર છેતર્યા છે, નવસો ગ્રામની ચાર બ્રેડ હોવી જોઈએ, એને બદલે ત્રણ જ છે. હવે કોને ઓછું આપીશું?”

આમતો એમણે ઘણી ધીમેથી આ વાત કરી, પણ ટુકડીના દરેક કેદીએ તે સાંભળી લીધી. અને હવે કોને સાંજે ઓછું મળશે એની ચિંતામાં પડી ગયા.

લાકડાના વેરમાંથી બનેલું ગાદલું એટલા લાંબા સમયથી વપરાતું હતું, કે તે લાકડા જેવું નક્કર થઈ ગયું હતું. પણ શુખવ સૂઈ રહ્યા. આ અધવચ્ચની સ્થિતિ ઘણી કંટાળાજનક હતી, ન તો બરાબર તાવ આવતો હતો અને ન આ શરીરની કળતર ઓછી થતી હતી.

અલયોશ્ક પ્રાર્થના કરી રહ્યા હતા ત્યાં વિનોસ્કી બાથરૂમમાંથી અંદર આવ્યા અને દ્વેષપૂર્વક બોલ્યા, “તૈયાર થઈ જાવ, નાવિકો! બહાર -૨૦ ડિગ્રી તો છે જ!”

અને શુખવએ દવાખાને જઈ, માંદગી ખાતે રજા લેવાનું નક્કી કર્યું!

ત્યાં તો કોઈએ એમનો કામળો અને જર્કીન ખેંચી લીધાં. શુખવે મોઢાઉપરથી જૅકેટ ખસેડી, કોણીને ટેકે બેઠા થઈને જોયું તો ધ ટારટર ઊભા હતા. ધ ટારટર એકદમ પાતળા પણ છેક ઉપરના પાટિયા સુધી પહોંચે એવા ઊંચા હતા.

તેમનો વારો નહોતો તો આજે એ ક્યાંથી? અને વારો નહોતો એટલે જ એ આવી રીતે અચાનક ત્રાટકી શક્યા.

કાળા જૅકેટ પાછળ સીવેલી સફેદ પટ્ટીમાં લખેલો નંબર વાચતાં તે બોલ્યા, “એસ-૮૫૪, ત્રણ દિવસની કામ સાથેની સજા.”

બરાકમાં કંઈ ખાસ ઉજાસ જેવું ન હતું, અને બસો કેદીઓને તેમાં સૂવાની સગવડ હતી, સગવડ એટલે જીવાત ભરેલા બસો પાટિયાં. પણ ધ ટારટરનો ઘોઘરો અવાજ સાંભળતાં જ બરાકમાં મોટે પાયે અફરાતફરી મચી ગઈ. જે સૂતેલા હતા તે બધા સફાળા ઊભા થઈ ગયા અને તૈયાર થવા માંડ્યા.

થયા હતા એના કરતાં ઘણા વધારે અપમાનિત થયા હોય એવા હાવભાવથી શુખવએ પૂછ્યું, “કેમ, સિટીઝન ચીફ?” (‘કોમરેડ’ શબ્દનો ઉપયોગ કેદીઓથી નહોતો કરાતો).

જેલની સજામાં કામ કરવાનું મળે તો બહુ વાંધો ના આવે, વિચાર કરવાનો સમયજ ન મળે, અને ગરમગરમ ખાવાનું પણ મળે. ખરી સજા તો જેલમાં રાખીને કામ પર ન લઈ જાય ત્યારે થાય.

“સવારના સમયસર ઊઠ્યો નહીં તે માટે. ચાલ મુખ્ય કચેરી, કમાન્ડન્ટ સામે હાજર કરું,” ધ ટારટર પ્રમાદીપણે બોલ્યા.

એનું મોઢું જોવું ન ગમે તેવું હતું. ચીમળાયેલું, વાળ વગરનું અને તદ્દન ભાવવિહોણું. મોઢું ફેરવીને ધ ટારટરએ બરાકમાં ચારે બાજુ નજર દોડાવી, હવે કોનો વારો? પણ હવે તો બધાજ ઊઠી ગયા હતા - અંધારા ખૂણાઓમાં સૂતેલા અને અજવાળા નીચે રહેતા, બધા જ. જેમણે કપડાં પહેરી લીધાં હતાં તે પોતપોતાના કોટ લઈ બહાર જવાની ઉતાવળમાં હતા, અને બાકીનાને જલ્દી-જલ્દી કપડાં પહેરીને ત્યાંથી ભાગવાની ઉતાવળ હતી, એમના કાળા, ડાબા ઢીંચણ ઉપર નંબરવાળા પેન્ટ પહેર્યાં ના પહેર્યાં કે બરાકમાંથી બહાર! ધ ટારટરની નજરે શા માટે ચઢવું?

શુખવને ખરેખરી ભૂલ માટે સજા મળી હોત, તો એમને આટલું દુઃખ ન થાત. આમ તો એ વહેલા જ ઊઠતા હતા. પણ એ જાણતા હતા કે ધ ટારટર આગળ દલીલો કરવાનો કોઈ અર્થ નથી, એટલે દેખાડા ખાતર વાંધો ઉઠાવતા એમણે પોતાનું પેન્ટ સરખું કર્યું. (જેના ડાબા પગમાં, ઢીંચણથી થોડું ઉપર, ભૂંસાઈ જવા આવેલા નંબરવાળું ચીથરું સીવેલું). જૅકેટ પણ પહેર્યું (જેમાં આગળ અને પાછળ, બંને બાજુ એજ નંબર સીવેલા), પોતાના બૂટ ઢગલામાંથી શોધીને પહેર્યા અને છેલ્લે, એજ નંબરવાળી ટોપી પહેરીને ધ ટારટરની પાછળ બરાકમાંથી બહાર નીકળ્યા.

એમની આખી ટુકડીએ એમને જતા જોયા, પણ કોઈ કશું બોલ્યું નહીં, શું કહે અને કહેવાનો ફાયદો શું? ફોરમૅન હાજર હોત તો કદાચ કશુંક કરી શકાત, પણ એ હાજર ન હતા. વળી ધ ટારટરને ઉશ્કેરવામાં પણ જોખમ હતું, એટલે શુખવે પણ કોઈને કશું ન કહ્યું. એમને વિશ્વાસ હતો કે એમના સાથીઓ એમને માટે કંઈ ખાવાનું બચાવીને તો રાખશે જ.

બંને જણા બહાર નીકળ્યા, ઠંડીના મારાએ તો શુખવને ક્ષણિક સ્તબ્ધ કરી દીધો.

દૂર, ચોકી કરવાના ટાવરો ઉપર મૂકેલા ફરતા સર્ચલાઇટનો પ્રકાશ છાવણીના ખૂણે-ખૂણે પહોંચતો હતો. છાવણીની બહારના ભાગમાં ફરતા દીવાઓ અને છાવણીની અંદરના દીવાઓ, બધા દીવાઓ હજુ ચાલુ હતા. એટલા બધા દીવાઓ હતા કે એમની આગળ આભના તારા પણ ઝાંખાપડે!

બધા કેદીઓ કોટમાં મોઢું નાખીને ઝડપથી પોતપોતાના રસ્તે જતા હતા, કોઈ પોતાની ટપાલ જોવા, તો કોઈ રસોડામાં પોતાનો નાસ્તો તૈયાર કરાવવા, કોઈ પાયખાના તરફ, તો કોઈ કોઠાર તરફ. હાડ થીજી જાય એવી ઠંડી તો હતી જ, અને દિવસના ભાગમાં પણ આ ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા ન હતી, એટલે આખો દિવસ કેમ કઢાશે એની બધાને ચિંતા હતી. પણ ધ ટારટરને તો જાણે ઠંડીની કંઈ પડી જ નહતી. એ તો એનો જૂનો, મેલો, ભૂરી ઓળખ પટ્ટીવાળો, સૈન્યનો કોટ પહેરીને આરામથી બરફ ઉપર ચાલતો હતો.

શુખવ અને ધ ટારટરએ બીયુઆરને (છાવણીમાં સજા માટે પથ્થરથી બનેલી ઓરડી) પસાર કરી. એને ફરતે લાકડાની વાડ હતી. પછી આવી કાંટાળા તારની વાડથી સુરક્ષિત કરેલી છાવણીની બેકરી. અને આ શરૂ થયું કર્મચારીઓનાં રહેઠાણનું પરિસર, જેમાં આ ખૂણાના મકાનના હિમાચ્છાદિત કઠેરાને જાડા, મજબૂત તાર વડે લટકાવેલો હતો. અને છેલ્લે, થોડોક અંદરના ભાગમાં રાખેલો થરમોમીટરનો થાંભલો. અંદર હોય તો ઠંડીની માત્રા ઓછી આવે ને? શુખવે આતુરતાથી એ દુધિયા નળી ઉપર નજર નખી, જો તેનો પારો -૪૧ ડિગ્રીથી નીચે હોય તો કોઈને કામ માટે મોકલાય નહીં. પણ આજે તો એ -૪૧ ડિગ્રીની નજીક પણ નહતો.

બંને જણા મુખ્ય કાર્યાલયમાં પેઠા અને સીધા ચોકિયાતના ઓરડા તરફ ગયા. આમ તો શુખવને લાગ્યુંજ હતું કે તેમને કાલકોટડીમાં નહીં લઈ જવાય, ચોકિયાતોના ઓરડાને સાફ કરવાની જરૂર હશે, અને એવું જ બન્યું. ધ ટારટરએ, “આ વખતે જવા દઉં છું”, કહીને ઓરડો સાફ કરવાનો હુકમ કર્યો.

આમ તો આ ઓરડાની સફાઈનું કામ એક ખાસ કેદીને સોંપાયું હતું, જેને બહાર કામ કરવા મોકલવામાં નહોતો આવતો. પણ વખત જતાં તેણે છાવણીના મુખ્ય કાર્યાલય, ખાસ કરીને મેજરની, ડિસિપ્લિનરી ઑફિસરની અને ધ ગોડફાધરની (રાજકીય અફસર જે બાતમીદારો સાથે સંપર્ક રાખે) કચેરીઓમાં ખાસ્સો એવો પગ પસારો કર્યો હતો અને એમની ક્ચેરીઓમાં ઘણી સેહલાઈથી અવર-જવર કરી શકતો હતો. કામ કરતાં-કરતાં એને કાને એવી વાતો પડતી જેની ચોકીદારોને પણ ખબર ન હોય. ધીરે-ધીરે એના મનમાં રાઈ ચડી, અને ચોકિયાતનો ઓરડો સાફ કરવાનું કામ એને હલકું લાગવા માંડ્યું. ચોકિયાતોએ એક-બે વાર એને ઓરડો સાફ કરવા બોલાવ્યો, પણ એ ગયો જ નહીં. એટલે હવે બીજા કેદીઓને બોલાવીને ઓરડો સાફ કરાવતા.

ઓરડામાં તાપણી માટે સ્ટવ મૂકેલો હતો, જેને લીધે ઓરડો સરસ ગરમ અને હૂંફાળો હતો. બે ચોકિયાતો મેલા બાંડિયા પહેરીને ડ્રાફ્ટ્સ રમી રહ્યા હતા અને ત્રીજો નસકોરા બોલાવતો હતો, સાંકડા પાટિયા ઉપર શિપસ્કિનનો કોટ અને બૂટ પેહરીને જ સુઈ ગયો હતો. ઓરડાના એક ખૂણામાં ખાલી ડોલ અને પોતા માટે એક ગાભો પડેલો હતો.

શુખવને થોડી રાહતનો અનુભવ થયો અને ખુશ થઈને ધ ટારટરનો આભાર માનતા કહ્યું, “હવેથી હું કોઈ દિવસ મોડો નહીં ઊઠું.”

અહીંનો નિયમ બહુ સરળ હતો: કામ પતે એટલે અહીંથી ચાલવા માંડો. અને કામ સોંપાયું હતું, એટલે શરીરનો દુખાવો પણ યાદ ન આવ્યો. એમણે ખુલ્લા હાથે ડોલ ઉપાડી (ઉતાવળમાં હાથના મોજા તો તકિયા નીચેજ રહી ગયા હતા) અને કૂવા તરફ ગયા.

પી.પી.એસ. (પ્રોડક્શન પ્લાનિંગ સેક્શન) તરફ જતા થોડા ફોરમૅન થરમૉમીટરના થાંભલા પાસે ઊભા હતા. એમનો એક, જે થોડી ઓછી ઉંમર વાળો હતો, અને સોવિયત યુનિયનનો એક શૂરવીર હીરો હતો, થાંભલા ઉપર ચઢીને થરમૉમીટરને લૂછી રહ્યો હતો.

નીચે ઊભેલા એને સલાહ-સૂચનો આપતા:

“જોજે, પાછો થરમૉમીટરની બહુ પાસે શ્વાસ ન લેતો, તાપમાન વધી જશે.”

“આવામાં મારા શ્વાસની તો ક્યાં કંઈ અસર થવાની છે? એને લીધે તાપમાન કંઈ વધવાનું નથી.”

શુખવની ટુકડીના ફોરમૅન, ત્યુરીન, આ ટોળામાં ન હતા. શુખવને રસ પડ્યો, એટલે ડોલ નીચે મૂકી, સ્વેટરની બાંયોમાં હાથ નાખી સાંભળવા ઊભા રહ્યા.

થાંભલા ઉપર ચઢેલા કેદીનો ઘોઘરો અવાજ સંભળાયો, “સાડી સત્યાવીસ! એનાથી સહેજ પણ વધારે નહીં!”

ખાતરી કરવા થરમૉમીટર ઉપર ફરી નજર નાખીને તે નીચે ઊતરી ગયો.

“આ તો કયે દહાડે સાચું તાપમાન બતાવે છે?”

“સરખું થરમૉમીટર તો કોણ જાણે ક્યારે મુકાશે?”

“સાચું તાપમાન બતાવતું હોય તો આપણને દેખાય એવી રીતે આ લોકો કંઈ લટકાવતા હશે?”

ફોરમૅનઓ છુટ્ટા પડીને પોતપોતાને રસ્તે ચાલવા માંડ્યા. શુખવ પણ ઝડપથી કૂવા તરફ ગયા. ટોપી પહેરેલી હતી, પણ સરખી બાંધી ન હતી, એટલે ઠંડીમાં એમના કાન થીજવા માંડ્યા હતા. કૂવામાં પાણી થીજી ગયું હતું. બરફનો સારો એવો જાડો થર જામેલો હતો. થરમાં પાડેલા બાકોરામાંથી શુખવે ડોલને અંદર નાખી. પણ દોરડું તો અક્ક્ડજ રહ્યું, લોખંડ જેવું સખત, અને અક્ક્ડ.

ઠંડીમાં બુઠ થઈ ગયેલા હાથથી તેમણે તે નીતરતી ડોલ ઊંચકી, અને ચોકિયાતના ઓરડામાં ગયા. પાણીમાં હાથ નાખ્યો, પાણી હૂંફાળું લાગ્યું.

ધ ટારટર ત્યાંથી જતા રહ્યા હતા. અને ત્રણમાંથી ચાર થયેલા ચોકિયાતો, ડ્રાફ્ટ્સની રમત અને સૂવાનું બાજુ ઉપર મૂકીને જાન્યુઆરીમાં કેટલા ઘઉં મળશે એની ચર્ચા કરી રહ્યા હતા. (વસાહતમાં ખાવાની સામગ્રીની ઘણી અછત હતી. નિર્ધારિત કરેલું રાશન ચોકિયાતોને અપાતું હતું, પણ વધારાનું અનાજ તેમણે વેચાતું લેવું પડતું, અલબત્ત ઓછી કિંમતે, પણ વેચાતું તો લેવું પડે. બિનલશ્કરી રહીશો માટે તો આ સુવિધા પણ ઉપલબ્ધ ન હતી.)

“બારણું બંધ કર, ગધેડા!” ચર્ચા કરતા-કરતા એક ચોકિયાતનોઘાંટો પડ્યો. “ઠંડો પવન આવે છે!”

સવાર-સવારમાં બૂટ ભીના કરવામાં કંઈ માલ નથી. અને ધારોકે શુખવ ઉતાવળે બરાકમાં જાય, તોય તેમને બૂટની બીજી જોડી મળવાની ન હતી. કેદી તરીકેના આઠ વરસમાં તેમણે બૂટ વહેંચવાની બધીજ પદ્ધતિઓ જોઈ લીધી હતી. અમુક શિયાળા તો એમણે ફેલ્ટ બૂટ વગરજ કાઢ્યા હતા, ફેલ્ટ બૂટ તો ઠીક, ચામડાંના બૂટ પણ એમને નહોતા મળ્યા, એટલે દોરડા અથવા ચેઇલ્યબિન્ક્સ ટ્રૅક્ટર ફૅક્ટરીના જૂના ટાયરમાંથી બૂટ બનાવીને પહેરેલા, જેને પહેરીને ચાલો ત્યારે ટાયરની છાપ બરફમાં પડતી હતી. પણ હમણાં તો સારું હતું, ઑક્ટોબરમાં શુખવ ડેપ્યુટી ફોરમૅનની પાછળ-પાછળ વખારમાં પહોંચી ગયા હતા અને તેમની પાસેથી સાદા પણ સારા અને મજબૂત ચામડાના બૂટ મેળવી લીધા હતા. તે થોડાં મોટાં પણ હતા, એટલે પગ ઉપર બે-ચાર ગરમ લૂગડાંના કટકા વિંટાળીને તે પહેરી શકતા હતા. આ બૂટ શું મળ્યા, શુખવને તો જાણે ખજાનો મળી ગયો! અને પછી ડિસેમ્બર મહિનામાં ફેલ્ટ બૂટ આવ્યા, અરે વાહ! જીવન સુધરી ગયું! મરવાની વાર છે!

પણ કોઈ શૈતાન કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓના કાન ભર્યા, કેદીઓ પાસે એક જોડી પગરખાં હોવા જોઈએ, તેમને બેની શી જરૂર? જે પોતાના સાદા ચામડાના બૂટ પાછા આપે એમનેજ ફ્લેટ બૂટ મળે, તેમ નક્કી થયું. એટલે કયા બૂટ લેવા એ શુખવે નક્કી કરવાનું આવ્યું, શિયાળામાં સારા પડે તેવા ચામડાના બૂટ રાખવા કે પાછી તાપમાન વધીને બરફ ઓગળે ત્યારે કામ લાગે એવા ફેલ્ટ બૂટ. ચામડાંના બૂટ એમણે ઘણાં સાચવેલા, ચામડાને ચરબી ઘસી-ઘસીને નરમ અને સુવાળું કરેલું. એમણે એમના જીવનના આઠ વરસ આવી છાવણીઓમાં કાઢેલાં, પણ એ ચામડાના બૂટ પાછા આપતી વખતે એમને જે દુઃખ થયું હતું એવું ક્યારેય નહોતું થયું. એ બૂટ બીજા બૂટોની સાથે ઢગલામાં ફેંકાયા, શિયાળા પછી, વસંતમાં એ બૂટ પાછા મળવાની કોઈ શક્યતા જ ન હતી. ‘કલખોશ’ (સામૂહિક ખેતી) માટે બધાના ઘોડાઓ એકત્ર કરવા ફરી વળ્યા હતા એવું જ બૂટ માટે બન્યું.

શુખવે કામ શરૂ કરતાં પહેલાં કુશળતાથી પોતાના બૂટ કાઢીને એક ખૂણામાં મૂકી દીધા. પગ ઉપર વિંટાળેલ ગરમ લૂગડાંના કટકા પણ સાચવીને તેમાં મુક્યા. (એમાંથી એમની ચમચી નીકળી અને ભોંય ઉપર પડી. ઉતાવળે તૈયાર થયા હતા, પણ ચમચી લેવાનું નહોતા ભૂલ્યા!) પછી ઉઘાડા પગે, ચોકિયાતો ઊભા હતા તેની આસપાસ, ભોંય ઉપર છુટ્ટા હાથે પાણી છાંટવા માંડ્યા. પાણી ચોકિયાતના ફેલ્ટ બૂટ નીચે ગયું એટલે તેણે બૂમ પડી, “ઓય! શું કરે છે? જોઈને કર!” અને પોતાના પગ ખુરશી ઉપર મૂકી દીધા.

બીજો વાત કરી રહ્યો હતો, “ચોખા? ચોખાથી શું વળે? ઘઉં સામે ચોખાની શી વિસાત?”

“ગધેડા! કેટલું પાણી વાપરે છે? આ કેવી રીતે ધુવે છે? આ તો કંઈ રીત છે?”

“આવું નહીં કરું તો ચોખ્ખું નહીં થાય, સિટીઝન વૉર્ડર. જુઓ માટીનો કેટલો જાડો થર છે?”

“નાલાયક, તેં તારી પત્નીને ભોંય સાફ કરતાં નથી જોઈ?”

પાણી નીતરતું પોતું હાથમાં રાખીને શુખવે નિર્દોષ સ્મિત આપ્યું. એમનું મોઢું બોખું થઈ ગયું હતું. ૧૯૪૩માં, ઉસ્ત-ઇશમામાં એમને આગરુંનો રોગ થયો હતો અને ઘણા હેરાન થયા હતા. પેટમાં કશું ટકતું જ ન હતું, અને ઝાડા, એ તો માત્ર લોહીના જ. માંદગી જીવ લઈને રહેશે, એવું લાગતું હતું. પણ એ બચી ગયા. બોખા થયા, થોડા તોતડા થયા, પણ બચી ગયા.

“ ’૪૧માં મને મારાં પત્નીથી જુદો કરવામાં આવેલો, સિટીઝન ઑફિસર. મને તો એનું મોઢું પણ યાદ નથી રહ્યું.”

“બાઘા, આવી રીતે ધોવાય? આજ તકલીફ છે, કશું આવડે નહીં અને કશું શીખવાની દાનત પણ નહીં. નાલાયકોને પેટ ભરીને ખાવાનું તો જોઈએ છે, પણ કામ કરવામાં જોર આવે. આ લોકોને તો ખાવાનું જ ન આપવું જોઈએ, ગૂ જ ખવડાવવું જોઈએ!”

“એને આમ પણ રોજ-રોજ ધોવાની શી જરૂર છે? ભેજ કેટલો થાય છે? અને અમારે તો એમાંજ રહેવાનું ને? એ તું, ૮૫૪, સહેજ કપડું ભીનું કરી ને ભોંય ઉપર પોતું મારી દે અને ચાલવા માંડ.”

“હા, ઘઉં સાથે ચોખાની સરખામણી તો ના જ થાય.”

શુખવને બધી રીતે કામ કરતા આવડતું હતું. એમને મન, લાકડીની જેમ, કામને પણ બે છેડા હતા. જો કોઈ વ્યક્તિ માટે કામ કરવાનું હોય, તો તે બરાબર અને સરસ કરવાનું, અધિકારીઓ માટે કરવાનું કામ માત્ર સારું દેખાવું જોઈએ! આ રીતે જ બધા કામ કરતા. બીજી કોઈ રીતે કરવા જાય તો એ બાપડો ઊકલી ગયો જ સમજો.

શુખવે બરાબર પોતું કર્યું, કશું કોરું ન રહી જાય એનું ધ્યાન રાખીને પોતું કર્યું. પછી પોતાને નિચોવ્યા વગરજ સ્ટવની પાછળ નાખ્યું. બહાર જતાં પહેલાં એમણે બૂટ પહેરી લીધા. વધેલું પાણી પહેરેગીરોના ચાલવાના રસ્તા ઉપર જ ઢોળી દીધું, અને ટૂંકામાં ટૂંકા રસ્તે, ઝડપથી, સ્નાનઘર અને ઠંડી, અંધારી ક્લબ પસાર કરી, સીધા મેસમાં પહોંચ્યા.

હજી દવાખાને જવાનું હતું, શરીરનો દુખાવો ક્યાં મટ્યો હતો. પણ અત્યારે તો મેસના દરવાજે ઉભેલા ચોકિયાતોની નજરથી બચીને મેસમાં જવાનું હતું, કારણ કે છાવણીના કમાન્ડન્ટએ આદેશ આપેલો કે મેસમાં પોતાની ટુકડીથી છુટ્ટા પડીને જતા એકલ-દોક્લ કેદીઓને પકડીને પુરી દેવાના.

પણ આજે, સદનસીબે, મેસની સામે કોઈ લાઇન ન હતી, કોઈ ભીડ ન હતી, એટલે એ સીધા અંદર ચાલી ગયા.

મેસનું વાતાવરણ બાષ્પસ્નાન (તર્કીશ બાથ) જેવું હતું, એક બાજુ રસોઈની ગરમ વરાળ અને બીજી બાજુ બારણામાંથી આવતો ઠંડો પવન. ઘાંટા પડીને વાતો કરવી પડે એટલો બધો ઘોંઘાટ હતો. વળી જગ્યા મળી હતી તે તો બેઠેલા હતા, પણ જેમને નહોતી મળી તે લોકો જગ્યા ખાલી થવાની રાહ જોઈને અવર-જવર કરવાના રસ્તામાં જ ઊભેલા હતા. આવામાં દરેક ટુકડીમાંથી બે-ત્રણ જણા લાકડાની મોટી ટ્રેમાં સ્ટુ, અને ઓટમીલના વાટકાઓ મૂકીને લાવતા હતા, અને આ ઘોંઘાટ અને ધક્કામુક્કીમાં એ ટ્રેને સાચવવાની અને જગ્યા શોધીને ટેબલ ઉપર મૂકવાની.......અરે, પેલો મૂર્ખો, સાંભળતો જ નથી! જો ટ્રેને અથડાયોને? બધું ખાવાનું નીચે! તારા હાથ ખાલી છે, બે ધોળ માર! હા એમ! એ તું, નીચે પડેલું ખાવાનું લેવા માટે રસ્તો ના રોક!

આ ટેબલ ઉપર, એક યુવાને ખાવાનું શરૂ કરતાં પહેલાં ભગવાન ઈસુને પ્રણામ કરતા ક્રૉસ કર્યો. વેનદેરાના (યુક્રેન નેશનાલિસ્ટ અન્ડરગ્રાઉન્ડનો સભ્ય) જૂથનો હોવો જોઈએ, અને હમણાં જ આવેલો હશે. બાકી થોડો સમય અહીંયાં રહો તો ભગવાનને પણ ભૂલી જાવ. અહીં રહેતા બીજા રૂસીઓને તો ક્રૉસ કયા હાથે કરવાનો એ પણ યાદ નહોતું રહ્યું.

મેસનો ઓરડો ઘણો ઠંડો હતો. લગભગ બધા ટોપી પહેરીને ધીરે-ધીરે ખાતા હતા. ઠંડીમાં કાળા પડી ગયેલા કોબીચના ઊકળેલા પત્તાની નીચેથી નાની સડેલી માછલીઓ શોધી-શોધીને ખાતા હતા, અને પછી એના હાડકાં ટેબલ ઉપરજ થૂંકી કાઢતા. હાડકાંનો ઢગલો મોટો થઈ જાય, એટલે તેને નીચે જ પાડી દેવાતા, અને બધા ચાલી-ચાલીને એનો ભૂકો પણ કરી દેતા, પણ જમીન ઉપર સીધા હાડકાના થુંકાય, શિષ્ટાચારનો ભંગ થાય!

ઓરડાની વચ્ચોવચ ટેકાના થાંભલાઓની બે હરોળ હતી. ફ્તીકોફ, શુખવનો સહકેદી, એમાના એકની પાસે બેઠો હતો. એણે શુખવનો નાસ્તો સાચવી રાખ્યો હતો. એમની ટુકડીમાં ફ્તીકોફનું સ્થાન સૌથી નીચું હતું, શુખવથી પણ નીચું. આમ તો બધાના નંબરવાળા કોટ એક સરખાજ હતા, એટલે બહારથી તો બધા સમકક્ષ જણાય, પણ એવું હતું નહીં. ટુકડીના સદસ્યોમાં મોટા પાયે તફાવત અને ભેદભાવ હતા, વિનોસ્કી બીજા કેદીનું ખાવાનું સાચવીને ન જ બેસે. શુખવ પોતે પણ ગમે તે કામ ન કરે, એનાથી નીચી કક્ષાના બીજા કેદીઓ હતા.

શુખવને જોઈને ફ્તીકોફે રાહતનો શ્વાસ લીધો અને જગ્યા આપવા ઊભો થયો.

“બધું ઠંડું પડી ગયું છે. મને એમ કે તું જેલમાં ગયો, હું નાસ્તો પૂરો કરવાનોજ હતો.”

આટલું કહીને એ ત્યાંથી ચાલી ગયો. એ જાણતો હતો કે શુખવ કશું રહેવા નહીં દે, બધું ચાટી-ચાટીને ખાઈ જશે. કશું વધેલું મળવાની શક્યતા ન હતી, એટલે ત્યાં રોકાવાનો કંઈ અર્થ નહતો.

શુખવે બૂટમાંથી ચમચી કાઢી, એમની ઘણી વ્હાલી ચમચી! એમની સાથે એ પણ બધે ફરેલી. ઉસ્ત-ઇશમામાં અલ્યુમિનિયમના તારમાંથી એમણે જાતે ઘડેલી, અને એની ઉપર “ઉસ્ત-ઇશમા ૧૯૪૪” પણ જાતેજ કોતરેલું. ત્યારથી આ ચમચી એમની પાસે જ હતી.

મુંડાવેલા માથા ઉપરથી શુખવે ટોપી કાઢીને બાજુ ઉપર મૂકી. ગમે તેટલી ઠંડી હોય, ખાવા માટે શુખવ ટોપી કાઢીને જ બેસતા. પછી પીરસણ જોવા ઠંડો પડી ગયેલા સ્ટુને ચમચીથી હલાવ્યો, પીરસણ ઠીક-ઠીક હતું. છેક ઉપરથી ન હતું, પણ છેક નીચેથી પણ ન હતું. અને ફ્તીકોફ કોઈનું ખાવાનું સાચવતા-સાચવતા બટાકા વીણી ખાય એમનો હતો.

સ્ટુ ગરમ-ગરમ મળે એટલે સારો લાગે, પણ શુખવનો સ્ટુ તો ઠંડોગાર થઈ ગયો હતો. તો પણ, તે ઉતાવળ કર્યા વગર, રોજની જેમ ધીરે-ધીરે ખાતા હતા. ઉતાવળ કરવાની કોઈ જ જરૂર ન હતી, આગ લાગે તો પણ નહીં! ઊંઘવાના સમય સિવાય, જો કેદીનો પોતાને માટેનો કોઈ સમય ગણાય, તો તે ૧૦ મિનિટ સવારના નાસ્તા માટેનો સમય અને ૫-૫ મિનિટનો બે વખત જમવાનો સમય.

સ્ટુનો સ્વાદ ક્યારેય બદલાતો ન હતો, રોજ એક સરખો સ્ટુ પીરસાતો. શિયાળા માટે જે શાક સંઘરેલું હોય તેનો સ્ટુ બને. ગયા વર્ષે સપ્ટેમ્બરથી જૂન માત્ર ગાજરનો સ્ટુ બનેલો, સાચવવા માટે આથીને રાખેલા ગાજરનો. અને આ વર્ષે, ઠંડીમાં કળી પડી ગયેલી કોબિચનો. લગભગ જૂન સુધીમાં સંઘરેલું શાક વપરાઈ જતું, એટલે એ મહિનામાં ઓટ્સ નાખીને સ્ટુ બનાવતા, સૌથી સારો મહિનો ગણાય. જૂનમાં સ્વાદ અને પોષણ, બંને મળતાં. અને સૌથી ખરાબ? જુલાઈ. જુલાઈમાં તો કૌવચનો (નેટલ) સ્ટુ બનતો, એના ટુકડા કરીને સ્ટુમાં નંખાતા.

નાની માછલીઓના હાડકાં જ રહ્યા હતાં, તેનું માંસ તો બધું ઊકળી-ઊકળીને ઓગળી ગયું હતું. માત્ર પૂંછડી અને માથા ઉપર થોડુઘણું ચોંટી રહ્યું હતું. શુખવે કશું જવા ન દીધું, માંસનો નાનામાં નાનો ટુકડો વીણી-વીણીને ખાધો, અને હાડકાં ઉપરથી નાનામાં નાની માંસની કરચ ચૂસી-ચૂસીને ખાધા પછીજ હાડકાં ટેબલ ઉપર થૂંકી દેતા. તે માછલીના બધાં જ અંગો ખાતા, તેની ચુઈ, તેની પૂંછડી અને છુટ્ટીના પડી ગઈ હોય તો તેની આંખો પણ. બધા એમની ઉપર હસતા, પણ જો માછલીની આંખ છૂટી પડીને વાટકામાં તરતી હોય તો તે શુખવ નહોતા ખાતા, અલબત્ત નહોતા ખાઈ શકતા.

આજે શુખવે થોડી કરકસર કરી. નીકળ્યા પછી એમનું રાશન લેવા એ બરાકમાં પાછા નહોતા ગયા, એટલે એમણે નાસ્તો બ્રેડ વગર જ કર્યો. બ્રેડ તો પછીથી પણ ખવાય, એમાં પેટ પણ વધારે ભરાય, ખાધાનો સંતોષ થાય.

સ્ટુ પત્યો એટલે મગારનો વારો આવ્યો. મગાર રાબ જેવું હતું. ગરમ હોય તોય સ્વાદ વગરનું આ મગાર, ઠંડું પડીને જામી ગયુ હતું. શુખવે ખાવા માટે એના ટુકડા કર્યા. એ માત્ર સ્વાદ વગરનું જ ન હતું, પણ એનાથી પેટ પણ નહોતું ભરાતું. હતું ઘાસ જેવું, પણ દેખાતું હતું ઘઉં જેવું. એમ કહેવાતું હતું કે સિરીયલની જગ્યાએ આ આપવાનું ચીનાઓ પાસેથી શીખ્યા હતા. ઊકળે એટલે એનું વજન વાટકા દીઠ ૩૦૦ ગ્રામ જેવું થઈ જતું. સિરીયલ જેવું કશું હતું નહીં, પણ સિરીયલની જેમ જ આપતા. જે છે એ આ છે, ખાવું હોય તો ખાવ નહીં તો કંઈ નહીં!

શુખવે ચમચી ચાટીને બૂટમાં પછી મૂકી દીધી અને ટોપી પહેરીને દવાખાના તરફ વળ્યા.

હજુ ઘોર અંધારું જ હતું, પણ આકાશના તારા દીવાઓને લીધે દેખાતા ન હતા. બંને સર્ચલાઇટો હજી ચાલુ હતી અને આખી છાવણીને પ્રકાશિત કરતી હતી. પહેલવહેલી જ્યારે આ “ખાસ” (સખ્ત કેદની સજા ભોગવતા રાજકીય ગુનાઓના કેદીઓ માટે ખાસ સ્થપાયેલી છાવણી) છાવણી સ્થપાઈ હતી ત્યારે વીજળી ખોરવાય અને અંધારું થાય ત્યારે સુરક્ષા કર્મચારીઓ યુદ્ધના મેદાનમાં નહીં વપરાયલા ફ્લેર્સ સળગાવીને છાવણીને પ્રકાશિત કરતા, ધોળા, લીલા અને લાલ રંગથી પ્રકાશિત કરતા, જાણે યુદ્ધના ચાલતું હોય. પણ થોડા સમય પછી એ બંધ કરયુ, કદાચ પૈસા બચાવવ માટે.

આમ તો હજુ રેવલી જેટલું જ અંધારું લાગતું હતું, પણ કામ ઉપર જવાનો હુકમ તરતમાં જ થશે એવા સંકેતો હતા, જે અનુભવે જ ઓળખાય. લીમ્પીનો સહાયક (લીમ્પી મેસ ઑર્ડરલી હતો એટલે એ સહાયક રાખી શકતો અને તેને પેટ ભરીને ખવડાવી પણ શકતો) બરાક ૬ના કેદીઓને નાસ્તા માટે બોલાવવા જતો હતો. બરાક ૬માં અશક્ત કેદીઓને રાખતા, અને એમને બહાર કામ કરવા નહોતા મોકલતા. એક ઘરડા, દાઢીવાળા ચિત્રકાર કલચર ઍન્ડ એડ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યા હતા. તેમને કેદીઓના પોષાકના નંબરો વ્યવસ્થિત કરવા માટે પીંછી અને રંગ જોઈતા હતા. ધ ટારટર ફરી દેખાયા, પરેડ ગ્રાઉન્ડના રસ્તે, લાંબા ડગલા ભરીને ઝડપથી કર્મચરીઓના નિવાસ તરફ જઈ રહ્યા હતા. લોકોની અવર-જવર ઓછી થઈ ગઈ હતી, બધા આ અમૂલ્ય ક્ષણોને, કોઈ હૂંફાળા ખૂણામાં બેસીને મ્હાલી રહ્યા હતા.

ધ ટારટર ના જુવે એટલે શુખવ સિફતથી બરાકની પાછળ જતા રહ્યા. જોઈ જાય તો આવી બને! સચેત રહેવું સારું, ખાસ કરીને તમે એકલા હોવ તો. એકલા હોવ એટલે તમારી તરફ ધ્યાન જલ્દી ખેંચાય. તમને શી ખબર પડે કે ચોકિયાતોને કોઈ કામ સોંપવું છે કે અમસ્તા તમને હેરાન કરવા છે? હમણાંજ, થોડા વખત પહેલાં બરાકમાં આવીને નવા નીતિ-નિયમો નહોતા વાંચી ગયા? ચોકિયાત પાસેથી પસાર થવાનું હોય તો પાંચ ડગલાં પહેલેથી ટોપી કાઢવાની અને પસાર થયા પછી બે ડગલાં ચાલો પછીજ પહેરવાની. અમુક ચોકિયાતોને તો આ નિયમની નહોતી પડી, પણ અમુકને તો મઝા પડી ગઈ હતી, કેટલા બધાને ટોપીને કારણે સજા કરી હતી? ના,ના, સંતાઈ જવું વધારે સારું!

ધ ટારટર પસાર થઈ ગયા, શુખવ ધીરેથી બહાર આવીને દવાખાના તરફ જવા મંડ્યા. ત્યાં તો તેમને યાદ આવ્યું કે બરાક ૭ના પેલા ઊંચા, લાંબા લાટવિયને કહ્યું હતું કે તેની પાસે ઘરે ઉગાડેલું તમાકુ આવ્યું છે. ગઈ કાલેજ એ પાર્સલ એને મળ્યું હતું અને શુખવને જો એ ખરીદવું હોય, તો આજે કામ ઉપર જતાં પહેલાં આવીને લઈ જાય. આ બધી ધમાલમાં શુખવ એ વાત ભૂલી જ ગયા હતા! લાટવિયનનું તમાકુ સારું આવતું હતું, કડક અને ખૂશબુદાર. શુખવ પોતાની જાત પર થોડા અકળાયા, કાલ સુધી તો કદાચ બધું તમાકુ પૂરું થઈ જશે, અને બીજું પાર્સલ તો છેક આવતે મહિને આવશે.

દવાખાનું સામે જ હતું, એટલે શુખવ મૂંઝાયા. શું કરવું? તમાકુ લેવા પાછા જવું, કે પછી દવાખાનામાં જવું? ઘડીક પાછા જવાનો વિચાર કર્યો, પણ આખરે તે દવાખાના તરફ ગયા. પગ નીચે બરફ ક્ચડતા-કચડતા દવાખાનાના બારણા પાસે પહોંચ્યા.

હંમેશની જેમ, દવાખાનું એટલું બધું ચોખ્ખું હતું, કે શુખવને અંદર પગ મૂકતા પણ બીક લાગી! દીવાલો દૂધ જેવી સફેદ હતી અને ફર્નિચર પણ. બધાં બારણાંઓ બંધ હતાં, ડૉક્ટરો હજી ઊઠ્યા નહીં હોય. કોલ્યા દ્વવુશકીન, એક મેડિકલ ઑર્ડરલી, એક નાના, ચોખ્ખા ટેબલ ઉપર સફેદ કપડાં પહેરીને બેઠાં હતા. એ કશું લખી રહ્યાં હતા.

બીજું કોઈ દેખાતું નહતું.

ઉચ્ચ અધિકારી સામે ઊભા હોય, એમ શુખવ ટોપી હાથમાં લઈને ઊભા રહ્યા. આટલાં વર્ષો અહીં કાઢ્યાં હતાં એટલે એમની નજરને એક ટેવ પડી હતી, જ્યાં ના જવાનું હોય ત્યાં પહેલાં પહોંચી જતી! એમણે જોયું કે કોલ્યા કંઈક લખી રહ્યા હતા; લીટીઓને ગોઠવીને લખી રહ્યા હતા. એકની નીચે બીજી લીટી અને દરેક લીટી એક સરખી લાંબી. વળી દરેક લીટીનો પહેલો અક્ષર મોટા અક્ષરે લખેલો. શુખવને ખ્યાલ તો આવીજ ગયો કે કોલ્યા “અધિકૃત” કામ નહોતા કરી રહ્યા. એ કશુંક બીજું જ લખી રહ્યા હતા. ‘જે હશે તે! મારે એમાં શું લેવા-દેવા?’

“એવું છે, નીકોલાઈ સિમિનિચ............... મને.... છેને............મને બહુ ઠીક નથી લાગતું”, શર્મિંદગીથી અચકાતા-અચકાતા શુખવ બોલ્યા, જાણે હક્ક વગરનું કશુંક માંગતા હોય.

કોલ્યા દ્વવુશકીને લખવાનું બંધ કરી શુખવ તરફ જોયું. એમની આંખો મોટી હતી, પણ શાન્ત અને સૌમ્ય હતી. એમણે સફેદ ટોપી અને સફેદ ગાઉન પહેરેલા હતા, જેની ઉપર કોઈ નંબર-પટ્ટી નહોતી લગાડેલી.

“કેમ આટલો મોડો આવ્યો? ગઈકાલે રાતના કેમ ન આવ્યો? તને ખબર તો છે કે સવારના દર્દીઓની તપાસ નથી થતી. અત્યારે શું કરી શકાય? અને આજની યાદી પ્લાનિંગ ડીપાર્ટમેન્ટમાં મોકલી પણ દીધી છે.”

શુખવ તો આ જાણતા જ હતા, અને સાંજે તૈયાર થતી માંદા માણસોની યાદીમાં નામ મુકાવવું કેટલું અઘરું છે, એ પણ જાણતા હતા.

“પણ કોલ્યા, ........ એને આવવા જેવું હતું ....... કાલે રાતે ........ દુખાવાને ...... પણ રાતે દુખાવો નહતો.”

“અને હવે દુખે છે? ક્યાં દુખે છે?”

“કોઈ એક અંગ નથી દુખતું. આખું શરીર કળે છે.”

દ્વવુશકીન જાણતા હતા કે શુખવને અમસ્તા, કંઈ કારણ વગર દવાખાનાના આંટા મારવાની ટેવ ન હતી. એ ખરેખર માંદા હોય તો જ આવે. પણ સવારના, માત્ર બે જણને માંદગી ખાતે રજા આપવાની એમની પાસે સત્તા હતી. અને આજના બે નામ એમણે લખીને એમના ટેબલના લીલા કાચ નીચે મૂકી દીધાં હતાં. અને નીચે લીટી પણ દોરી દીધી હતી.

“એ તારે પહેલાં વિચારવાનું હતું ને? હાજરી પુરાવાના ટાઇમે માંદો છું કરીને અહીં આવી ગયો? લે આ લે.......”

કપડું ઢાંકેલી એક બરણીમાં કપડામાં વચે ચીરો પડીને દવાના મિશ્રણમાં ઘણા બધા થરમૉમીટરો મૂક્યા હતાં, એમાંથી એક થરમૉમીટર કાઢી, અને લૂછીને દ્વવુશકીનએ શુખવને આપ્યું. એમણે એ લઈને તરત બગલમાં મૂક્યું.

શુખવ દીવાલ પાસે મૂકેલા એક બાંકડા ઉપર ઉભડક બેઠેલા હતા; ઉભડક અને બાંકડાના છેડે, બાંકડો ઊથલી પડવાની બીક રહે, એટલા છેડે! એમ જણાતું હતું કે આ જગ્યા એમને માટે અવનવી હતી, અપરિચિત હતી, અને એ કોઈ મોટી આશા લઈને અહીં નહોતા આવ્યા.

દ્વવુશકીનએ લખવાનું ચાલુ રાખ્યું.

દવાખાનું છાવણીના એક વેરાન ખૂણામાં, થોડું અલગ રહે તેવી જગ્યાએ હતું. છાવણીનો કોઈ પણ અવાજ ત્યાં નહોતો પહોંચતો, એટલે સંપૂર્ણ શાંતિ હતી. ઘડિયાળનો અવાજ પણ અહીં નહતો, કારણ? દવાખાનામાં કોઈ ઘડિયાળ જ ન હતી. અને કેદીઓની? એમને તો ઘડિયાળ રાખવાની છૂટ ક્યાં હતી? એમને માટે તો અધિકારીઓજ ઘડિયાળ હતા! દવાખાનાની શાંતિ તો ઉંદર પણ ભંગ નહોતા કરતા, એ માટે બિલાડી હતી. એણે એક પણ ઉંદર રહેવા નહોતો દીધો!

શુખવ માટે આ થોડો જુદો અનુભવ હતો. શાન્ત, સ્વચ્છ ઓરડામાં, ઝળહળતા દીવા નીચે, કશું જ કર્યા વગર પાંચ મિનિટ સુધી બેસી રહેવાનું, એમને માટે અસાધારણ હતું, અજુગતું હતું. તેમણે આજુ-બાજુ નજર નાખી, દીવાલો સાવ કોરી હતી. પોતાના જૅકેટ નું નિરીક્ષણ કરતાં ધ્યાન ગયું કે આગળ, છાતી ઉપરનો નંબર ભુંસાઈ જવા આવ્યો છે. કોઈની નજર પડે અને તે પકડાય એ પહેલાં એને સરખો કરાવી લેવો પડશે. પોતાની દાઢી ઉપર હાથ ફેરવ્યો, ઘણી વધી ગઈ હતી. દસ દિવસ પહેલાં, નાહવાનો વારો હતો, ત્યારે દાઢી કરેલી. પણ તેથી શું? તે એમને ક્યાં નડતી હતી. ત્રણ દિવસ પછી નાહવાનો વારો આવવાનો જ હતો, અને તે વખતે દાઢી પણ થશે. હજામ પાસે લાઇનમાં ઊભા રહીને સમય બગાડવાની શી જરૂર છે? એમણે કોને માટે તૈયાર થવાનું હતું?

એમની નજર દ્વવુશકીનની દૂધ જેવી સફેદ ટોપી ઉપર પડી. અને એમને લોવાત નદી પાસેની ફીલ્ડ હૉસ્પિટલ યાદ આવી. એમનું જડબું તૂટેલું ત્યારે એમને ત્યાં લઈ ગયા હતા, અને એમણે કેવી મૂર્ખામી કરી હતી? ફરી લડાઈના મેદાનમાં જવા માટે તૈયાર થઈ ગયા હતા. બાકી પાંચ દિવસ તો એ નિંરાતે આરામ કરી શક્યા હોત.

અને હવે, હવે તો એ બે-ત્રણ અઠવાડિયાં માટે માંદા પડવાના સપનાં જોઈ રહ્યા હતા. પ્રાણઘાતક માંદગી તો નહીં જ, અને ઑપરેશન કરવું પડે એવી પણ નહીં. ત્રણ અઠવાડિયાં દવાખાનાના ખાટલા પર સૂઈ રહેવું પડે એવી માંદગી; સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂપ મળે એવી માંદગી.

પણ હવે તો એ સપનું પૂરું થવાની શક્યતા ક્યાં હતી? આ દવાખાનામાં હમણાં જ એક નવા ડૉક્ટર આવ્યા હતા, સ્ટેપાન ગ્રીગોરીચ. અને એ પોતે તો શાંતિથી નહોતા જ બેસતા પણ બીજાને પણ બેસવા નહોતા દેતા, દર્દીઓને પણ નહીં. જે દર્દીઓ સહેજ પણ ઊભા થઈ શકતા તેમને હૉસ્પિટલમાંજ કંઈ ને કંઈ કામ સોંપી દેતા, વાડ સરખી કરવાની, રસ્તા બનાવવાના, ક્યારાઓમાં માટી સરખી કરવાની અને શિયાળામાં તો રસ્તા ઉપરથી બરફ હડસેલીને એક બાજુ કરવાનો. એમનું માનવું એવું હતું કે કામ એ દરેક દર્દની એક રામબાણ દવા છે!

ઘોડાને પણ તેના ગજા ઉપરનું કામ કરાવો તો એ મરી જાય. પણ ગ્રીગોરીચને આ વાત સમજવાની તૈયારી જ ન હતી. એમને મજૂરી કરવાનો વારો આવ્યો હોત તો એ આ વાત સમજત અને એમના વિચારો બદલત.

દ્વવુશકીનનું લખવાનું ચાલુ હતું. શુખવેધાર્યું હતું તેમ, એ કોઈ વહીવટી કામ નહતું. અને શુખવને સમજણ પડે એવું પણ ન હતું. દ્વવુશકીન એમણે લખેલી કવિતાની સાફ નકલ લખી રહ્યા હતા. ગઈ કાલે રાત્રે બેસીને એમણે એમની કવિતામાં છેલ્લા સુધારા-વધારા કર્યા હતા અને આજે એને પેલા નવા ડૉક્ટર, સ્ટેપાન ગ્રીગોરીચને, બતાવવાની હતી.

આવું તો આવી છાવણીઓમાંજ બને: સ્ટેપાન ગ્રીગોરીચએ દ્વવુશકીનને “મેડિકલ ઑર્ડરલી” બનાવ્યા હતા, દ્વવુશકીનને, જે સાહિત્યના વિદ્યાર્થી હતા! જયારે એમની ધરપકડ થઈ હતી, ત્યારે તે વિશ્વવિદ્યાલયના બીજા વરસમાં સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા હતા. દર્દીઓના ભોગે ગ્રીગોરીચ એમને ઇન્જેક્શન અને ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન સહિતનું બધું શિખવાડી રહ્યા હતા. બિચારા દર્દીઓ! એમને શી ખબર પડે કે દ્વવુશકીન ચિકિત્સા વિજ્ઞાનના નહીં પણ સાહિત્યના વિદ્યાર્થી હતા! આવું અનૈતિક અને અપ્રામાણિક વર્તન બીજે ક્યાં જોવા મળે? અને એ જ ડૉક્ટર એમને લખવાને માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યા હતા. આઝાદ નાગરિક તરીકે તો એ નહોતા લખી શક્યા, હવે કેદી તરીકે લખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

હિમાચ્છાદિત, બેવડા કાચ વાળી બારીઓમાંથી હાજરી પુરાવા માટેનો ઘંટ માંડ સંભળાયો. શુખવ નિસાસો નખીને ઊભા થયા. એમને તાવ જેવું તો લાગતું હતું, પણ કામે તો જવું પડશે, એ સ્પષ્ટ હતું.

દ્વવુશકીનએ થરમૉમીટર લઈને જોયું,

“હમમમમ.......૩૭.૨.......આ બાજુ પણ નહીં અને પેલી બાજુ પણ નહીં, વચ્ચે અટક્યો છે. ૩૮ હોત તો સમજાત. આમાં મારાથી કંઈ નહીં થાય. તારે કામ પર ન જવું હોય તો એ તારી જવાબદારી. ડૉક્ટરની રાહ જોઈને બેસવું હોય તો બેસ, પણ એ જોખમ તારે માથે. ડૉક્ટર તને જોશે અને એમને લાગશે કે તને તકલીફ છે, તો તને રજા મળશે, બાકી નહીં. અને જો રજા ન મળી, તો માંદગીનો ઢોંગ કરવા માટે તારું આવી બનશે. તારી જગ્યાએ હું હોઉં તો હું રાહ ન જોઉં, કામ પર જઉં.”

શુખવ કશું બોલ્યા તો નહીં જ, માથું પણ ન ધુણાવ્યું, અને ટોપી પહેરીને ચાલવા મંડ્યા.

અંદર, ગરમાવામાં રહેતા માણસને બહારની, હાડ થીજવતી ઠંડીની શી ખબર પડે?

બહાર કડકડતી ઠંડી હતી. હજી ઠંડીની કળ વળે એ પહેલાં તો ધુમ્મસે શુખવને ઘેરી લીધું, મેલું, કાળું ધુમ્મસ….. અને શુખવને ઉધરસ ચઢી. બહારનું તાપમાન -૨૭ ડિગ્રી અને શુખવનું +૩૭, એટલે પછી શું થાય?

શુખવ ઝડપથી બરાક તરફ ગયા. પરેડ ગ્રાઉન્ડ હજી ખાલી હતું, છાવણી પણ વસ્તી વિનાની લગતી હતી; બધાજ, કેદીઓ અને ચોકિયાતો, આ ઝડપથી સરકતી નવરાશની ક્ષણો માણી રહ્યા હતા, એ અમૂલ્ય ક્ષણો, જે તમને ક્ષણિક એ ભ્રમમાં રાખે કે આજે કામ પર જવા માટેનો હુકમ થવાનો નથી. અત્યારે પહેરેદારો હૂંફાળા ઓરડામાં બેસી, એમની બંદૂક ઉપર માથું ટેકીને ઝોકા ખાતા હશે. એમને પણ કંઈ દૂધ-કેળાં નહોતાં, આ ઠંડીમાં ઊંચા બુરજ ઉપર બેસી રહેવાનું કંઈ સહેલું ન હતું. મુખ્ય દ્વારના ચોકિયાતો સ્ટવમાં કોલસા નાખતા હશે. અને છાવણીના ચોકિયાતો કેદીઓની તપાસ માટે જતા પહેલાં એમના ઓરડામાં બેસીને એક છેલ્લી સિગારેટ ફૂંકી રહ્યા હશે. અને કેદીઓ, એ તો આ હિમ જેવી ઠંડીમાં જવા માટે શક્ય એટલી તૈયારી કરીને બેઠા હશે. ફાટેલા તો ફાટેલા, પણ શક્ય એટલાં કપડાં પહેરી લીધાં હશે, કમરે દોરડું બાંધ્યું હશે, એકલી આંખો ખુલ્લી રહે એમ મોઢાં ઉપર પણ ચીંથરા વિંટાળ્યાં હશે અને બૂટ પહેરીને પોતપોતાના પાટિયા ઉપર આંખો મીંચીને સૂતા હશે, નિશ્ચિંત અને નફિકરા, ફોરમૅનની બુમ પડે કે તરત ઊભા થવાની તૈયારી સાથે પથારીમાં પડ્યા હશે.

ટુકડી ૧૦૪ સહિત બરાક ૯ ના બધાજ ઝોકા ખાતા હતા. માત્ર બે જણ બેઠા હતા, ડેપ્યુટી ફોરમૅન, પાવલો, અને અલયોશ્ક, ધ બેપ્ટીસ્ટ, શુખવનો સાફ-સ્વચ્છ પડોશી. પાવલો કઈંક ગણતરી કરી રહ્યા હતા અને અલયોશ્ક, એમનો ચોપડો વાંચી રહ્યા હતા. (એ ચોપડામાં એમણે લાગભગ અડધું ‘ધ ન્યુ ટેસ્ટામેન્ટ’ લખેલું હતું.) શુખવ અવાજ કર્યા વગર અંદર આવ્યા અને ઝડપથી ડેપ્યુટી ફોરમૅન પાસે પહોંચયા.

પાવલોએ ઉપર જોયું. “ઓહો, આવી ગયો? કાળકોટડીમાં નથી પુરાયો, ઇવાન દિનીશવીચ? તું બરાબર છે?” (ગમે તે હોય, પશ્ચિમ ઉકરેનનાં લોકો વિવક ના ભૂલે. અહીંયાં, છાવણીમાં પણ નહીં.)

એમણે શુખવને એના ભાગની બ્રેડ આપી. બ્રેડ ઉપર ખાંડની નાની ઢગલી હતી.

શુખવને ઘણીજ ઉતાવળ હતી, તોય એમણે પાવલોનો વ્યવસ્થિત આભાર માન્યો. (ડેપ્યુટી ફોરમૅન પણ એક ઉચ્ચ અધિકારી જ હતા, અને શુખવ માટે એમનું મહત્ત્વ છાવણીના કમાન્ડન્ટ કરતાં વધારે હતું.) ગમે તેટલી ઉતાવળ હોય, પણ બ્રેડ ઉપર મુકેલી ખાંડ તો ચાટીજ લેવાય ને? પથારી સરખી કરવા માટે ઉપર ચડતા-ચડતા શુખવે ખાંડની ઢગલીને ચૂસીને મોઢાંમાં લીધી, અને ધીરે-ધીરે એને ઓગાળવા માંડ્યા. પછી બ્રેડને હાથમાં લઈ એનુ વજન જોવા માંડ્યા, પાંચસો પચાસ ગ્રામની હશે કે નહીં? દરેક કેદીને પાંચસો પચાસ ગ્રામની બ્રેડનું રાશન આપવાનો કાયદો તો હતો, પણ બધા જાણતા હતા કે બરાબર, વજન પ્રમાણે, બ્રેડ કાપીને આપે તે માણસ ત્યાં લાંબું ટકે નહીં. એટલે ઓછું વજન તો હોયજ, સવાલ એટલોજ કે આજે કેટલું ઓછું છે. શુખવે જુદી-જુદી જેલોમાં અને છાવણીઓમાં, હજારો વાર, આજ રીતે બ્રેડને હાથમાં લઈ, અને એના વજનનો અંદાજ કાઢેલો. અને દરેક વખતે એ આશા રાખતા કે કદાચ----કદાચ આજે બ્રેડનું વજન ઓછું નહીં હોય, એ પૂરેપૂરી પાંચસો પચાસ ગ્રામની હશે. અને દર વખતે એમની આશા નિરાશામાં બદલાતી. જોકે એમને બ્રેડને ત્રાજવામાં તોલવાની તક ક્યારે મળી ન હતી, અને મળી હોત તો પણ શુખવનો સ્વભાવ પોતાના હક્ક માટે લડત આપે તેવો ન હતો, એ સ્વભાવે ઘણાં વિનમ્ર અને શાંતિપ્રિય હતા.

વીસેક ગ્રામ ઓછી છે, એમ નક્કી કરી અને શુખવે બ્રેડના બે ટુકડા કર્યા. એક અડધો ટુકડો એમણે એમના જર્કીનના ખીસામાં મૂક્યો. આમ તો કેદીઓના જર્કીન ખિસ્સા વગરના બનતાં, પણ શુખવે જર્કીનમાં, બહારથી ના દેખાય એમ અંદરની બાજુ, એક ખિસ્સું સીવી દીધેલું. એમાં એમણે બ્રેડનો ટુકડો મૂકી દીધો. સવારના નાસ્તામાં બચાવેલો બીજો ટુકડો એમણે ખાવાનો વિચાર કર્યો, પણ તરત જ એ વિચાર માંડી વળ્યો. ઉતાવળે, ડૂચા મારીને ખાવાનું સાવ નક્કામું ગણાય. એનાથી પેટ ના ભરાય, એટલે એ ખોરાકનો કંઈ અર્થ ના રહે, ખાધેલું વ્યર્થ જાય. એમના ખાનામાં બ્રેડ મૂકવાનો વિચાર કર્યો, ત્યાં યાદ આવ્યું કે હમણાં જ બરાકના ચોકીદારો બે વાર ચોરી માટે પકડાયા હતા, બરાક તો સહેજે સલામત ના ગણાય. ઇવાન દિનીશવીચએ બ્રેડને હાથમાં રાખીને એમના બૂટ કાઢ્યા, મોજાંની જગ્યાએ પગ ઉપર વીંટાળેલા ચીંથરાં અને એમાં સંતાડેલી ચમચી, બૂટમાં એમજ અકબંધ રહે એવી કુશળતાપુર્વક એમણે એમના બૂટ કાઢ્યા, અને ઉઘાડા પગે એમના પાટિયા ઉપર ચડી ગયા. ગાદલામાં એક નાનો ચીરો હતો, તેને પહોળો કર્યો અને લાકડાનો વહેર ખસેડી અને એમાં બ્રેડનો ટુકડો સંતાડી દીધો. પછી વહેરને સરખો કર્યો, અને ટોપીની ‘મ્યાન’માં સંતાડેલી સોય અને દોરો કાઢી ગાદલું સીવવા માંડ્યા. થોડાં વખત પહેલાં તપાસ દરમિયાન ટોપીમાં મૂકેલી સોય ચોકિયાતને વાગી ગઈ હતી, અને તેમણે ચિઢાઈને શુખવને સખત માર્યા હતા. ત્યારથી શુખવ તપાસ દરમિયાન સોયના વાગે એટલે ટોપીમાં, છેક અંદર સંતાડીને રાખતા. આ દરમિયાન મોઢાંમાં રાખેલી ખાંડ પૂરેપૂરી ઓગળી ગઈ. એમની આંગળીઓ ચપળતાથી ગાદલાને સીવતી હતી. ઝડપનું ઘણું મહત્ત્વ હતું, ગમે ત્યારે ચોકીદારોની બૂમ પડશે અને દોડવું પડશે! ઉદ્રાવો તો એની ચરમ સીમાએ હતો — તરત બુમ પડશે તો શું થશે! જલ્દી કરો! જલ્દી સીવો! શુખવ ઘણી ઝડપથી સીવી રહ્યા હતા, એમની આંગળીઓ જાણે સીવતી ન હતી, ઊડતી હતી! અને આંગળીઓ કરતાં પણ વધારે ઝડપથી એમનું મગજ દોડી રહ્યું હતું, આગળ શું કરવાનું છે અને એની તૈયારી કેવી રીતે કરવી, એ જ વિચારો એમના મગજમાં ચાલી રહ્યા હતા.

ધ બેપ્ટીસ્ટ બાઇબલ વાંચી રહ્યા હતા, બહુ જોરથી તો નહીં, પણ સાવ ધીમેથી પણ નહીં, આછું-આછું સંભળાય એવું. કદાચ શુખવને એમના ધર્મનો લાભ લેવા પ્રોત્સાહિત કરતા હતા. (એ બેપ્ટીસ્ટ પંથના હિમાયતી હતા, અને એ પંથમાં ધર્મ-પ્રચારનું મહત્ત્વ ખરું.)

“તમારા દુઃખનું કારણ ખૂન, ચોરી, કે બીજો કોઈ અપરાધ ના હોવો જોઈએ. એમાંનું કંઈ ના હોય તોય તમને દુઃખ પડે, તો ઈસાઈ તરીકે, લજ્જિત થયા વગર, એ દુઃખને સ્વીકારી અને ભગવાન ઈસુની મહત્તા વધારવી જોઈએ.” (૧ પીટર ૪)

અલયોશ્ક હોશિયાર હતા. તેમણે બરાકની દીવાલ કોતરીને નોટબુક સંતાડવા એક બાકોરું બનાવ્યુ હતું. એ બાકોરામાં એમની નોટબુક એવી રીતે સંતાડતા કે આજ સુધી એ ચોકિયાતોની નજરે નહોતી ચઢી!

શુખવે ઝડપથી પોતાનો કોટ પથારીના છેડે લટકાવી દીધો. પછી તેમણે હાથના મોજાં, પગ ઉપર વીંટાળવાના વધારાના કટકા, એક દોરડું અને બન્ને છેડે પટ્ટીઓ મારેલું એક કપડું, એટલું એમના ગાદલા નીચેથી ખેંચીને કાઢ્યું. ગાદલામાં વહેરના ગઠ્ઠા સરખા કરી, એની ઉપર કામળો પાથરી એને ચારેબાજુથી ગાદલા નીચે વ્યવસ્થિત દબાવી દીધો. ઓશીકું સરખું મૂકીને ઉઘાડા પગે નીચે ઊતરી ગયા. બૂટ પહેરતા પહેલાં પગ ઉપર વધારાના ગરમ કાપડના ટુકડાઓ વીંટાળ્યા, નીચે જરા સારા ટુકડા, અને એની ઉપર જુના ફાટેલા ચીંથરા.

તે બૂટ પહેરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં ફોરમૅનની બૂમ પડી, “૧૦૪, બધા બહાર!”

એમની ટુકડીના ફોરમૅનની બૂમ પડે એટલે બધા જ કેદીઓ તાબડતોબ ઊભા થઈ ને ચાલવા માંડે. તે જાણતા હતા કે એમના ફોરમૅન છેક છેલ્લી ઘડીએજ એમને બહાર જવાનો આદેશ આપશે. ઓગણીસ વરસથી તેઓ આવી છાવણીઓમાં રહેતા હતા અને આ ઓગણીસ વર્ષોમાં ક્યારેય એમણે એમના આધીન કેદીઓને જરૂર કરતાં વહેલા બહાર નહોતા ધકેલ્યા! એટલે જ્યારે ફોરમૅન કહે, બધા બહાર, એટલે બધા, ઊંઘતા, જાગતા, બગાસા ખાતા, બારણાં તરફ ચાલવા માંડે.

શુખવના સહકેદીઓ એક-એક કરીને પરસાળમાં થઈ, મુખ્ય દ્વાર તરફ જવા માંડ્યા. કશું બોલ્યા વગર, ચુપચાપ, ભારે પગલાં ભરતા, બધા બરાકમાંથી બહાર જતા હતા. ટુકડી ૨૦ના ફોરમૅને ત્યુરીનનું અનુકરણ કર્યું અને એની ટુકડીને બહાર જવાનો આદેશ આપ્યો. પગ ઉપર વીંટાળેલા કપડાના બે-બે થર ઉપર શુખવે બૂટ ચઢાવ્યા. પછી એમના જર્કીન ઉપર કોટ પહેર્યો અને કમરે દોરડું બાંધી દીધું. (આ ‘ખાસ’ છાવણીમાં તમને લવાય ત્યારે જો તમે ચામડાનો પટ્ટો પહેર્યો હોય, તો એ આવતાવેંત જપ્ત કરી લેવાતો.)

શુખવ તૈયાર થઈ અને બારણા પાસે પહોંચ્યા, ત્યાં સુધીમાં તો લગભગ બધા બહાર નીકળી ગયા હતા. શુખવને બધાની નંબર વાળી પીઠ બારણામાંથી બહાર જતી દેખાતી હતી. જેની પાસે જેટલા કપડાં હતાં તે બધાં જ પહેરી લીધેલાં, એટલે કદાવર પણ લગતા હતા. અક્ષરેય બોલ્યા વગર, એકની પાછળ એક ચાલતા હતા. કોઈને આગળ જવાની ઉતાવળ ન હતી. ઢસડાતા પગ નીચે બરફ કચરાતો હતો, એ ભચડ-ભચડ અવાજ શિવાય બીજો કોઈ અવાજ નહતો.

હજુ અંધારું હતું, પણ પૂર્વ દિશામાં ધીરે-ધીરે લાલાશ પડતો પ્રકાશ પ્રસરી રહ્યો હતો, સાથે-સાથે, એજ દિશામાંથી ઠંડો પવન પણ આવી રહ્યો હતો.

અંધારું, કડકડતી ઠંડી અને ભૂખ્યું પેટ, આ બધા સાથે હાજરી પુરાવવા જવાનું, અને ત્યાર પછી આખ્ખા દિવસની મજૂરી તો માથા ઉપર હોય જ! આનાથી વધારે નિરાશાજનક પરિસ્થિતિ શું હોઈ શકે? બોલવાનું મન ક્યાંથી થાય? એક-બીજા સાથે વાત કરવાનું મન ક્યાંથી થાય?

એક ઊતરતા દરજ્જાનો હોદ્દેદાર કામ ફાળવવા માટે પરેડ ગ્રાઉન્ડમાં આંટા મારતો હતો. તે બોલ્યો, “ચાલ, ચાલ ત્યુરીન. પાછો મોડો પડ્યો? અમારે તારે માટે કેટલી રાહ જોવાની? વિરોધ નોંધાવા કામ ધીમું કરવાનું છે કે શું?”

ત્યુરીનની જગ્યાએ શુખવ હોત તો એ કદાચ ડરી જાત, ભયભીત થાત. પણ ત્યુરીન--ત્યુરીને તો એની સામે જોયું પણ નહીં અને ચુપચાપ ચાલતા રહ્યા, અને એની પાછળ આખ્ખી ટુકડી.....ભચડ ભચડ ભચડ ભચડ.

ત્યુરીને અધિકારીઓને સૉલ્ટ પોર્ક આપ્યું હોય તેમ લાગ્યું. ટુકડી ૧૦૪ની જગ્યા નહોતી બદલાઈ, એટલે કોઈ બીજી ગરીબ, નાસમજ ટુકડી શુસ્કરદોખની વસાહત બનાવવાના કામ માટે ધકેલાઈ હશે. બિચારા! પારો તો શૂન્યથી ૧૭ ડિગ્રી નીચે હતો જ, ઉપરથી આ ઠંડો પવન! કોઈ પ્રકારના મકાન કે બાંધકામ વગર ના, એ બરફના ખુલ્લા મેદાનમાં, ઠંડી સામે રક્ષણ મળવાનું અશક્ય હતું. અને તાપણું થાય એવું પણ કશું મળવાની સંભાવના ન હતી.

ફોરમૅનને સૉલ્ટ પોર્કની ઘણી જરૂર પડે. કામ કઢાવવા પ્લાનિંગ ડીપાર્ટમેન્ટમાં તો આપવું જ પડે, અને પોતાને ખાવા માટે પણ થોડું જોઈએ. આમ તો, આટલાં વર્ષોમાં, ત્યુરીનના નામનું પાર્સલ ક્યારેય નહોતું આવ્યું, તોય એમને સૉલ્ટ પોર્કની અછત નહોતી વર્તાતી. એમની ટુકડીમાં જેવું કોઈને પાર્સલ મળે કે તરત ત્યુરીનને ભેટ આપવા પહોંચી જાય.

બાકી અહીં ટકી રહેવું અઘરું પડે.

ત્યાં ઊભેલા કામ ફાળવનાર હોદ્દેદારે યાદિ મૂકેલા પાટિયા ઉપર નજર નાખતા કહ્યું, “એક જણની માંદગીની રજા છે, ત્યુરીન. ૨૩ હાજર છે?”

માથું ધુણાવીને ત્યુરીન બોલ્યા, “હા, ૨૩ છે.”

કોણ ગેરહાજર હતું? પંતલીએફ ત્યાં ન હતો! પણ એ માંદા તો ન હતો!

ટુકડીમાં સળવળાટ થઈ, પંતલીએફ! એ નાલાયક! આજે પાછો નથી આવ્યો! એ ક્યાં માંદો છે? આ કામ છાવણીના સુરક્ષા કર્મચારીઓનું જ! હવે એને બોલાવશે અને કોણ શું કરે છે, શું બોલે છે, બધી પૂછપરછ કરશે. અને પંતલીએફ, એ તો બધાની ચાડી ખાશે જ ને? બે-ત્રણ કલાક પૂછપરછ કરે તોય કોણ જોવાનું હતું, કોણ સાંભળવાનું હતું?

અને એ લોકોએ પંતલીએફને દવાખાનામાં રાખવાની ગોઠવણ તબીબી અધિકારીઓ સાથે મળીને કરીજ લીધી હશે.

બધાના કાળા કોટને લીધે પરેડ ગ્રાઉન્ડ કાળા રંગથી છવાઈ ગયું હતું. અને આ કાળા કોટવાળો જનસમુદાય એક-બીજાને હડસેલતા-હડસેલતા છાવણીના પ્રવેશદ્વાર તરફ ધીરે ધીરે જઈ રહ્યો હતો. તે એમનું તપાસ નાકું પણ હતું. આ ભીડ સાથે શુખવ પણ આગળ વધતા હતા ત્યાં એમને યાદ આવ્યું કે તેમના જર્કીન ઉપર લખેલો એમનો નંબર ઝાંખો થવા મંડ્યો છે, અને એને સરખો કરાવવાનો છે. ભીડમાંથી રસ્તો કાઢી, એ ટોળાની બહાર આવ્યા અને બાજુમાં બેઠેલા ચિત્રકાર પાસે પહોંચ્યા. ત્યાં બે-ત્રણ જણા પોતાનો વારો આવવાની રાહ જોઈને ઊભા હતા. શુખવ એમની પાસે જઈને ઊભા રહ્યા. આ નંબરની મોટી ઉપાધિ હતી! દૂરથી ચોકિયાતો વાંચી શકે એટલો સ્પષ્ટ હોવો જોઈએ, એને બિલકુલ ઝાંખો નહીં થવા દેવાનો. તમે જો સમયસર એને સરખો ના કરાવ્યો, અને ચોકિયાતની નજર પડી, તો તમે સીધા કાળકોટડીમાં!

આ છાવણીમાં ત્રણ ચિત્રકારો હતા. અધિકારીઓ માટે એ મફતમાં ચિત્રો બનાવતા, બાકી હાજરી પૂરવાના સમયે તે આવીને કેદીઓના ઝાંખા થઈ ગયેલા નંબરો સરખા ચીતરી આપતા. ત્રણેએ વારા બાંધેલા હતા, આજે સફેદ દાઢી વાળા એક વયોવૃદ્ધનો વારો હતો. તમારી ટોપી ઉપર નંબર ચીતરતા એમની પીંછી એવી ફરે જાણે આશીર્વાદ આપતા હોય. એમણે હાથમાં ગૂંથેલા, પણ પાતળા મોજાં પહેરેલાં હતાં. એટલે થોડી થોડી વારે એમના હાથ થીજી જતા, ત્યારે એ ફૂંક મારી, હાથને થોડા ગરમ કરી ફરી ચીતરવા માંડતા. આમ એ માંડ-માંડ નંબરો ચીતરી રહ્યા હતા.

શુખવનો વારો આવ્યો. એમનો નંબર, એસ-૮૫૪, પાછો વ્યવસ્થિત દેખાતો થયો. આગળ એમની તપાસ થવાની જ હતી, એટલે કોટ ખુલ્લો રાખી, દોરડાનો પટ્ટો હાથમાં લઈને પોતાની ટુકડીમાં જોડાઈ ગયા. ત્યાં એમની નજર એમના સહકેદી, સેઝેર, ઉપર પડી, તે સિગારેટ પી રહ્યા હતા, સિગારેટ, રોજની જેમ પાઇપ નહીં. શુખવના મનમાં થોડી આશા જાગી, કદાચ......કદાચ આજે એક-બે કશ એમના નસીબમાં હોય! તે સેઝેરની પાસે જઈને ઊભા રહ્યા. સીધેસીધું પૂછવાની વાત તો દૂર, શુખવ તો એમની સામે જોતા પણ ન હતા. એ થોડું આડું જોઈને સેઝેર પાસે ઊભા હતા. સેઝેરમાં કે એમની સિગારેટમાં જાણે કોઈ રસ ના હોય, એમ શુખવ ઊભા હતા. પણ દરેક કશ સાથે નાની થતી સિગારેટ ઉપર એમનું પૂરેપૂરું ધ્યાન હતું.

ત્યાં તો પેલો ગીધડો, ફ્તીકોફ, સેઝેરની સામેજ આવીને ઊભો રહ્યો અને એના મોઢાં સામે ભૂખી આંખે ટગરટગર જોવા લાગ્યો.

સેઝેર પોતાના વિચારોમાં ખોવાયેલા હતા, અને વચ્ચે-વચ્ચે સિગારેટનો કશ લેતા હતા. શુખવને એક કશ લેવાની તીવ્ર ઇચ્છા જ ન હતી, એની થોડી જરૂરિયાત પણ હતી, કારણ કે શુખવે બધું જ તમાકુ વાપરી નાખ્યું હતું, એમની પાસે સહેજે તમાકુ વધ્યું ન હતું. અને હવે તો સાંજ પહેલાં તમાકુ મળે એવી શક્યતા પણ ન હતી. એટલે આ ક્ષણે નાનું થતું એ સિગારેટનું ઠૂંઠું એમને માટે ઘણું જ અગત્યનું હતું, એમની મુક્તિ કરતાં પણ વધારે અગત્યનું! પણ એ ફ્તીકોફ જેવાં નિર્લજ્જ ન હતા, એ કોઈના મોઢાં સામે ટગરટગર જોઈ રહે એવા ન હતા.

સેઝેર ગ્રીક હતા, જ્યુ હતા કે પછી જીપ્સી, કંઈ ખબર નહોતી પડતી, કદાચ દરેકનો થોડો-થોડો અંશ એમનામાં હતો. ઉંમરમાં થોડા નાના હતા, અને ફિલ્મો બનાવતા હતા. પણ એમની પહેલી ફિલ્મ પૂરી થાય એ પહેલાં તો એમની ધરપકડ થઈ હતી. એમને મૂછો હતી, કાળી, મોટી અને ભરાવદાર મૂછો. એમની ધરપકડ થઈ ત્યારે મૂછો સાથે જ એમનો ફોટો પાડવામાં આવ્યો હતો, એટલે છાવણીમાં એમની મૂછોને કોઈ અડ્યું નહીં, એને એમની એમજ રહેવા દીધી.

ફ્તીકોફના મોઢાં ઉપર લાલચ અને વાસના છવાયાં હતાં, એમનાથી રહેવાયું નહીં, આજીજી કરતાં તે બોલ્યા, “સેઝેર મર્કોવીચ, એક કશ તો અમને આપો!”

સેઝેર આંખ ઊંચી કરીને ફ્તીકોફ સામે જોયું. આજ વસ્તુ રોકવા માટે એમણે પાઇપ પીવાનું શરૂ કર્યું હતું. એમને તમાકુની નહોતી પડી, પણ એમને ધૂમ્રપાન કરતાં-કરતાં વિચારવાની ટેવ હતી. અને આવું થાય એટલે એમના વિચારોની કડી તૂટી જતી જેની સામે એમને વાંધો હતો. સિગારેટ સળગાવતાં જ સંખ્યાબંધ આંખોમાં એના ઠૂંઠા માટેની લાચાર વિનંતી એમને દેખાતી.

સેઝેરે સિગારેટનું સળગતું ઠૂંઠું હોલ્ડરમાંથી કાઢતા શુખવ તરફ જોયું અને બોલ્યા, “લે, ઇવાન દિનીશવીચ!”

આમ તો શુખવ આની જ રાહ જોઈ રહ્યા હતા. તરત જ હાથ લંબાવ્યો, સાવચેતી માટે નીચે બીજો હાથ રાખ્યો, અને ઉત્સાહપૂર્વક એ સિગારેટના ઠૂંઠાને ઝીલી લીધું. સેઝેરે એમનું સિગારેટ હોલ્ડર ના આપ્યું એનો એમને સહેજે રંજ નહોતો. બધાના મોઢાં સરખા ના હોય, કોઈના ચોખ્ખા હોય તો કોઈના ના હોય. આમ પણ એમને એ સળગતું ઠૂંઠું પકડવામાં કઈ વાંધો ન હતો, એમની શીંગડા જેવી કઠણ અને કડક આંગળીઓને કશું થવાનું નહતું, સળગતા ઠૂંઠાથી એ દાઝી નહોતા જવાના. મોટી વાત તો એ હતી કે પેલા ફ્તીકોફનું પત્તું કપાઈ ગયું હતું અને એ પોતે સિગારેટના કશ લઈ રહ્યા હતા. હોઠ થોડા દઝાતા હતા પણ, હાશ, કેવું સારું લાગ્યું! એમના શરીરમા જાણે જાન ફૂંકાઈ, માથાથી માંડીને પગ સુધી તમાકુની અસર થવા માંડી.

શુખવે આ આનંદની ક્ષણો માણી ના માણી ત્યાં તો બૂમ પડી, “બધાં કપડાં કઢાવે છે, ગંજી પણ.”

આવું હતું કેદીઓનું જીવન. સહેજ શાંતિ કરીને બેસો ત્યાં કંઈ નવું આવીને ઊભું રહે! શુખવ તો હવે એનાથી ટેવાઈ ગયા હતા. તમે કંઈ વાંકમાં ના આવો એજ સાચવવાનું.

પણ બધાં જ કપડાં કેમ? છાવણીના કમાન્ડન્ટે જ આ આદેશ આપેલો. પણ કેમ? ના,ના કંઈ ગડબડ લાગે છે.

તપાસ માટે ટુકડી ૧૦૪ની આગળ બે ટુકડીઓ હતી, એટલે એમને બધું દેખાતું હતું. ડિસિપ્લિનરી ઑફિસર, લેફ્ટનન્ટ વોલ્ગવય મુખ્ય કાર્યાલયમાંથી બહાર આવ્યા અને ચોકિયાતોને ઘાંટા પાડવા માંડ્યા. અત્યાર સુધી અધકચરી તપાસ ચાલી રહી હતી, પણ વોલ્ગવયની હાજરીને લીધે ચોકીદારો ગાંડાની જેમ કેદીઓ ઉપર તૂટી પડ્યા. મુખ્ય પહેરેગીરની બૂમોએ “બટન ખોલો, શર્ટ ખોલો”,કેદીઓને થોડા ભયભીત કરી દીધા.

વોલ્ગવયની દેહશત માત્ર કેદીઓમાંજ નહીં, ચોકીદારોમાં પણ હતી. કેહવાતું હતું કે એમની ધાક તો છાવણીના કમાન્ડન્ટને પણ હતી! ભગવાને એ હરામખોરને એના વરુ જેવા દેખાવને શોભે એવું નામ પણ આપ્યું હતું. (રૂસી ભાષામાં વોલ્કનો અર્થ વરુ થાય) એ દેખાવે તો વરુ જેવા હતા જ, ઊંચા, શ્યામ, ઉપસેલી ભમરવાળા અને તેજ, પણ સ્વભાવે પણ એવા જ હતા. એમની નજરથી બચવું લગભગ અશક્ય હતું. ગમે ત્યારે, ગમે ત્યાંથી એમની અણધારી રાડ પડે, “ત્યાં શું ચાલી રહ્યું છે?” પહેલાં તો એમના હાથમાં હંમેશાં ચાબુક રહેતી, લાંબી, જાડી, ગૂંથેલી ચાબુક. કહેવાતું હતું કે છાવણીની જેલમાં એ ચાબુકનો ભરપૂર ઉપયોગ થતો. જેલની બહાર પણ એનો પૂરેપૂરો ઉપયોગ થતો. બરાકની સાંજની તપાસ વખતે જો બારણાં પાસે ટોળું વળીને કેદીઓ ઊભા હોય, તો એ પાછળથી છાનામાના આવીને ટોળા ઉપર ચાબુક ફટકારતા, “લાઇનમાં કેમ નથી ઊભા, હરામખોરો?” ટોળું વળતા પાણીના મોજાની જેમ વિખરાઈ જતું. જેને ચાબુક વાગી હોય તે પણ પીડા સહન કરી, લોહી લૂછીને કશું બોલ્યા વગર ત્યાંથી જતો રહેતો, રખેને પાછા કાળકોટડીમાં નાખે.

કોઈ કારણસર, હમણાંથી એ ચાબુક સાથે નહોતા રાખતા.

ઠંડીમાં સવારના કેદીઓની તપાસ થોડી નરમાશપૂર્વક થતી, પણ સાંજે નહીં, સાંજે તો બરાબર તપાસ થતી. સવારના તો કોટના બટન ખોલી, હાથથી ખૂલ્લો કરીને કેદીઓ ઊભા રહેતા. પાંચ-પાંચ કરીને, સામે ઊભેલા પાંચ પહેરેદારો સામે જઈને ઊભા રહેતા. ચોકીદારો આખા શરીર ઉપર હાથ ફેરવીને તપાસી લેતા. નિયમ પ્રમાણે એક જ ખિસ્સું રખાતું, જે જમણા પગના ઢીંચણ ઉપર મુકાતું. એને તપાસી લેતા. કશું એવું લાગે તો પોતાના મોજાં કાઢીને હાથ અંદર નાખવાને બદલે બેદરકારીથી પૂછી લેતા કે એ શું છે.

સવારના પોરમાં કેદીઓ પાસે શું મળવાનું હતું? છરી? પણ એ તો અંદર લાવવાની વસ્તુ હતી, બહાર લઈ જવાની નહીં. સવારના તો બસ એટલું જ જોવાનું કે કોઈ કેદી નાસી જવા માટે વધારે ખાવાનું લઈને નથી આવ્યો ને. થોડાં વખત પહેલાં કેદીઓ કામ ઉપર લઈ જતા બસો ગ્રામના રાશનએ અધિકારીઓને એવા ભયભીત કરી દીધા કે તેમણે દરેક ટુકડી પાસે લાકડાની પેટી તૈયાર કરાવી, અને એમાંજ એ ટુકડીના બધા કેદીઓએ પોતાનું રાશન મૂકી દેવાનું. આનો ફાયદો શું એ તો એ શેતાનોજ જાણે. કદાચ કેદીઓની યાતના વધારવા માંગતા હતા, એમની ચિંતાઓમાં વધારો કરવા માંગતા હતા. તમે તમારી બ્રેડને જુદી પાડવા બટકું ભરો, પછી એને ધારી-ધારીને જુઓ, પણ આખરે તો એને એવાજ બીજા બ્રેડના ટુકડાઓ સાથે મૂકવાની. તમે આખા રસ્તે એજ ચિંતા કર્યા કરો કે તમે તમારા બ્રેડના ટુકડાને ઓળખી શકશો કે નહીં, તમને એજ પાછો મળશે કે પછી કોઈ બીજાનો ટુકડો તમારા હાથમાં આવશે? એને લીધે લગભગ રોજ ઝઘડા થતા, અને વાત ઘણી વાર મારામારી અને હાથાપાઈ સુધી પહોંચી જતી. પછી એક દિવસ ત્રણ કેદીઓ બ્રેડની આખી પેટી લઈ, ટ્રકમાં બેસી અને નાસી છૂટ્યા. ત્યારે અધિકારીઓને અક્કલ આવી, પેટીઓ તોડાવી પડી અને કેદીઓનો બ્રેડનો ટુકડો એમની પાસે પાછો આવ્યો.

સવારની તપાસમાં એ પણ ખાતરી કરવામાં આવતી હતી કે કોઈ કેદીએ પોષાક નીચે સાદાં કપડાં તો નથી પહેંર્યાને. એ વાત અલગ છે કે છાવણીમાં આવતાંની સાથે જ તમારી બધીજ વસ્તુઓ જપ્ત કરી લેવાતી, પછી એ કપડાં હોય કે બીજું કંઈ. તમારી સજા પૂરી થશે એ દિવસે તમને બધું પાછું મળશે, એમ કહીને બધું જપ્ત કરી લેતા (અલબત્ત આ છાવણીમાં ‘એ દિવસ’ આજ સુધી કોઈએ જોયો નહતો).

એક બીજી વસ્તુની પણ તપાસ કરતા, કેદીઓએ ચોરીછુપી લખેલા પત્રોની, જે સંતાડીને બહાર લઈ જવાતા અને સ્વાધીન મજૂરોની મારફત મોકલવામાં આવતા. પણ જો બધાને એવા પત્રો માટે તપાસે તો તો લગભગ આખો દિવસ તપાસવામાં જ નીકળી જાય.

વોલ્ગવયની બૂમ પડી એટલે ચોકીદારો હાથનાં મોજાં કાઢી કેદીઓને તપાસવા માટે તૈયાર થઈ ગયા. કેદીઓને કોટ અને ખમીસના બટન ખોલી અને ઉઘાડા થવાનો આદેશ મળ્યો. બરાકની થોડી-ઘણી હૂંફ કપડામાં સચવાયેલી હતી તે પણ ગઈ. ચોકીદારો આખા શરીર ઉપર હાથ ફેરવીને તપાસવા માંડ્યા, કશું સંતાડીને લઈ નથી જતા ને. કેદીઓમાં ચણભણ થઈ, વોલ્ગવયનો આદેશ છે કે કોટ અને જેર્કીનની નીચે, નિયમ પ્રમાણેનું બાંડીયું અને શર્ટ હોય તો ઠીક, બાકી બીજું જે પણ પહેર્યું હોય એ ત્યાં ને ત્યાં જ ઉતરાવી લેવુ. આ ઠંડીમાં પણ, એને ત્યાં ઉતરાવીને જપ્ત કરી લેવુ. જેમની પહેલાં તપાસ થઈ ગઈ હતી તે નસીબદાર હતા. કેટલાક તો મુખ્ય દ્વારની બહાર પહોંચી ગયા હતા. પણ જેમની તપાસ બાકી હતી એમણે તો ઉઘાડા થયે જ છૂટકો, અને નિયમ કરતાં વધારે પહેરેલું હોય તે ઉતારે જ છૂટકો.

આમ થોડો વખત ચાલ્યું, પણ તપાસવામાં થોડી વાર થાય, પાછા કેદીઓએ વધારાનાં કપડાં પણ કાઢવાં પડે, એટલે કેદીઓની કટારમાં ભંગાણ પડ્યું. મુખ્ય દરવાજા ઉપરથી બૂમો પડવા માંડી, “ચાલો! ચાલો! જલ્દી કરો! કેટલી વાર?” નાછુટકે વોલ્ગવય નરમ પડ્યો. ટુકડી ૧૦૪ને થોડી રાહત મળી, જેણે વધારાના કપડાં પહેંર્યા હોય તેમનું નામ નોંધી લીધું, એમણે સાંજે એ કપડાં જમા કરાવવાનાં અને સાથે લેખિતમાં ખુલાસો આપવાનો કે એ વધારાનાં કપડાં ક્યાંથી આવ્યાં અને એને એ ક્યાં અને કેવી રીતે સંતાડેલાં હતાં.

શુખવે તો કેદીઓનો પોષાક જ પહેરેલો, એટલે એમને તો કંઈ બીક ન હતી, જોવું હોય એટલું જુવો, તપાસવું હોય એટલું તપાસો, મારી છાતીમાં માત્ર મારું ઝમીર છે, મારી આત્મા છે. પણ સેઝેરએ ફલાલીનું ગંજી પહેરેલું હતું જેની નોંધ લેવાઈ અને ધાર્યું ના હોય પણ વિનોસ્કીએ બંડીયા જેવું કંઈ પહેરેલું. વિનોસ્કીએ તો બૂમાબૂમ કરી મૂકી. એ નૌસેનાના કમાન્ડન્ટ હતા, ટોર્પીડો વહાણોથી ટેવાયલા હતા અને છાવણીમાં ત્રણેક મહિના પહેલાંજ આવ્યા હતા.

“તમને આટલી ઠંડીમાં કપડાં કઢાવવાનો કોઈ અધિકાર નથી! તમેને ક્રિમિનલ કોડના આર્ટિકલ ૯ની જાણકારી નથી?”

પણ દોસ્ત, તમે નથી જાણતા, તમે હજી અહીંની રીતભાતથી અજાણ છો. એમને તો બધી જાણકારી હતી, અને એમને મનફાવે તે કરવાનો હક્ક પણ હતો.

કૅપ્ટનની ઉગ્રતા વધી, ચિડાઈને બોલ્યા, “તમારું વર્તન સચ્ચા રૂસી જેવું નથી!”

અત્યાર સુધી વોલ્ગવય સાંભળી રહ્યા હતા, પણ આ સાંભળીને એ ગર્જ્યા, “૧૦ દિવસની કડી સજા!” પછી મુખ્ય પહેરેગીરને થોડા ધીમા અવાજમાં કહ્યું, “આજ સાંજથી!”

સવાર સવારમાં કાળકોટડીમાં મોકલવાનો કોઈ ફાયદો નહીં, ઊલટાનો કામ કરવા માટે એક માણસ ઓછો થાય. આખો દિવસ છો કાળી મજૂરી કરતો, સાંજે જ એને કાળકોટડીમાં પૂરવાનો.

જેલનું મકાન પાસે જ હતું, પરેડ ગ્રાઉન્ડની ડાબી બાજુ. બે પાંખીયા વાળું છાવણીનું એક માત્ર પથ્થરનું મકાન, બાકીનાં બીજાં બધાં મકાનો લાકડાનાં બનેલાં. મકાન નાનું પડતું હતું એટલે એનું બીજું પાંખીયું હમણાં જ, શિયાળાની શરૂઆત થતાં પહેલાં જ ઉમેરાયું હતું. જેલમાં કેદીઓ માટે અઢાર ઓરડીઓ હતી. અને બીજી થોડીક ગોખલા જેવી, અને દીવાલથી વધારે સુરક્ષિત કરેલી ઓરડીઓ, એકાંત કેદની સજા પામેલા કેદીઓ માટે.

કપડાં કાઢવા પડ્યાં, એટલે ઠંડી તો જાણે શરીરને વળગી ગઈ. બધું પાછું પહેર્યું, પણ કશું ના પહેર્યું હોય એમજ લાગતું. શુખવનો કમરનો દુખાવો એમનો એમજ હતો, બિલકુલ ઓછો નહોતો થતો. અત્યારે તો એમની માત્ર એક જ ઇચ્છા હતી, દવાખાનાના ખાટલા ઉપર સૂઈ રહેવું, સરસ, ગરમ કામળો ઓઢીને ઊંઘી જવું, બસ ઊંઘી જ જવું.

તપાસમાંથી પસાર થયેલા કેદીઓ હજી બટનો બીડતા, કપડા સરખા કરતા અને કમરના પટ્ટા બાંધતા હતા ત્યાં તો બે બાજુથી બૂમો પડવા માંડી, આગળથી અને પાછળથી. આગળથી કામ ઉપર લઈ જવા તૈનાત ચોકીદારો “જલ્દી ચાલો! જલ્દી આવો!”ની બૂમો પડી રહ્યા હતા, જ્યારે પાછળના પહેરેગીરો એમને “આગળ ચાલો! આગળ જાવ!”ના બરાડા પડતા-પડતા આગળ ધકેલતા હતા.

પહેલો દ્વાર........સુરક્ષિત ક્ષેત્ર.......... બીજો દ્વાર....... અને બે કઠેરા વચ્ચેથી બહાર!

ત્યાં તો પાછી બૂમ પડી, “ઓંય! ઊભા રહો! આ ઘેટા બકરાની જેમ કેમ આવો છો? પાંચ-પાંચ કરીને આગળ આવો!”

હવે થોડું અજવાળું થવા માંડ્યું હતું. ચોકિયાતોએ મુખ્ય દ્વારના એમના ઓરડા પાસે જે તાપણી કરી હતી તે ઠરવા માંડી હતી. સવારના, કેદીઓને કામ ઉપર જવાના સમયે, ચોકીદારો હંમેશાં તાપણી કરતા, એને લીધે હૂંફ તો મળતી જ, પણ સાથે કેદીઓને તપાસતી વખતે એનું અજવાળું પણ સારું પડતું.

એક ચોકિયાત એના મોટા, કર્કશ અવાજે ગણી રહ્યો હતો, “પહેલાં પાચ!...બીજા!...ત્રીજા!”

પાંચ-પાંચ કરીને બધા આગળ વધતા હતા. પાંચનું એક ટોળું આગળ વધે એટલે બીજા પાંચ એમની જગ્યા લે, પાંચ માથા, પાંચ ધડ અને દસ પગ......

ગણતરી ચકાસવા કઠેરા પાસે બીજો એક પહેરેગીર ઊભો હતો.

અને એની ઉપરાંત આ બધા ઉપર દેખરેખ રાખવા માટે એક લેફ્ટેનન્ટ ત્યાં ઊભો હતો.

આ હતી છાવણીના વહીવટીતંત્રની ગણતરી.

ચોકિયાતો માટે આ ગણતરી ઘણી અગત્યની હતી. દરેક કેદી સોના કરતાં પણ વધારે મૂલ્યવાન હતો, કારણ કે જો ગણવામાં ભૂલ થઈ અને વાડની આ બાજુ એક પણ કેદી ઓછો હોય તો તેમને જોડે જવાનો વારો આવે!

વાડ પસાર કરીને બધા પાછા ભેગા થયા.

હવે કેદીઓની સાથે જનાર પહેરેગીરોની ગણતરી શરૂ થઈ.

પાછા પાંચ-પાંચ કરીને કેદીઓ આગળ વધવા માંડ્યા. “પહેલાં પાંચ!...બીજા!...ત્રીજા!”

ખાતરી કરવા માટે એક આસિસ્ટન્ટ ગાર્ડ કમાન્ડર સામેની બાજુએ ઊભો હતો.

અને એક લેફ્ટેનન્ટ આ બધા ઉપર દેખરેખ કરી રહ્યો હતો.

કોઈ પણ હિસાબે ભૂલ ના થવી જોઈએ. એક માથું ઓછું ગણાય તો તમારે સાથે કામ કરવા જવું પડે.

કેદીઓને લઈ જવા માટે બંદૂક ધારી ચોકિયાતો તૈનાત હતા. અર્ધવર્તુળમાં, મશીનગન સાથે, કેદીઓને જાણે બાથમાં લઈને ઊભા હતા. એમની બંદૂકની નાળ સીધી તમારા મોઢાં સામે આવે એમ ઊભા હતા. સાથે કૂતરા પણ ખરા, મોટા, રાખોડી રંગના કૂતરા. એક તો દાંત કાઢીને ઘૂરક્યા કરતો હતો, જાણે કેદીઓની મશ્કરીના કરતો હોય. છ એક ચોકીદારો સિવાય બધાએ ટૂંકા ફરના કોટ પહેરેલા હતા. છ જણાએ લાંબા શીપસ્કીનના કોટ પહેરેલા. આ શીપસ્કીન કોટના વારા બંધાતા. જેનો બુરજ ઉપર ચઢીને ચોકી કરવાનો વારો હોય તેને આ શીપસ્કીન કોટ પહેરવા મળતા.

ફરી બધા ભેગા થયા અને વીજ મથક માટે ફાળવેલી ટુકડીની પાંચ-પાંચ કરીને ફરી એક વાર ગણતરી થઈ.

“રાત કરતાં સૂર્યોદયે વધારે ઠંડી હોય. આખી રાત તાપમાન ઓછું થતું રહે એટલે સૂર્યોદય ટાણે તે સૌથી ઓછું હોય,” કૅપ્ટને બધાને સમજાવતા કહ્યું. કૅપ્ટનને બધું સમજાવવાની ટેવ હતી. તમે એમને પૂછો કે ફલાણી સાલના ફલાણા દિવસે ચંદ્ર શુક્લ પક્ષમાં હતો કે કૃષ્ણ પક્ષમાં, તો એ ગણતરી કરીને તમને જવાબ આપી દે.

તમારી નજર સામે કૅપ્ટનનું શરીર ઓગળી રહ્યું હતું, એમના ડાચાં બેસી ગયાં હતાં, પણ એમની હિમ્મત, એમનો જુસ્સો હેમખેમ હતાં.

શુખવ છાવણીની બહાર નીકળ્યા. કડકડતી ઠંડી હતી અને સામેથી, સીધો મોઢાં ઉપર, હિમ જેવો ઠંડો પવન આવતો હતો, એટલો ઠંડો કે એમના જડ થઈ ગયેલા ચેહરામાં પણ કળતર થવા માંડી. એ જાણતા હતા કે વીજ મથક સુધી એમણે સામે પવને જવાનું છે, એટલે એમણે ચેહરા ઉપર વીંટાળવાનું કપડું કાઢ્યું. એ અને બીજા ઘણાં કેદીઓ, આખા મોઢે વીંટાળાય એવો કાપડનો ટુકડો લઈ એના બંને છેડે લાંબી દોરી લગાડી દેતા. ઠંડીમાં ચહેરાના રક્ષણ માટે એ ઘણું ઉપયોગી હતું. એકલી આંખો બહાર રહે એવી રીતે એમણે એમના ચહેરાને એ કપડામાં વીંટાળ્યો અને બંને બાજુ કાન ઉપરથી દોરી લઈને પાછળ બાંધી દીધી. પછી એમણે એમની ટોપીની પાછળની ગડ ખોલી બોચી ઉપર જવા દીધી, અને કોટનો કોલર ઊંચો કરી દીધો. એજ રીતે એમની ટોપીની આગળની ગડ ખોલીને કપાળ ઉપર જવા દીધી. હવે આગળથી જુઓ તો માત્ર એમની આંખો જ દેખાય. છેલ્લે એમણે કોટને જરા સરખો કર્યો અને દોરડાનો પટ્ટો વ્યવસ્થિત અને કઠણ બાંધ્યો, કંઈક ઠીક પડ્યું. હવે હાથનો વારો. એમના હાથના મોંજા પાતળાં હતાં એટલે તે અત્યારથી જ થીજવા માંડ્યાં હતાં. અને ગમે ત્યારે આગળ ચાલવાનો આદેશ થશે ત્યારે હાથ પાછળ રાખવા પડશે, આખા રસ્તે પાછળ. શુખવ તાળીઓ પાડીને અને હથેળીઓ ઘસીને થોડો ગરમાવો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં તો કમાન્ડરે કેદીઓની ‘પ્રાર્થના’ શરૂ કરી. ત્રાસી ગયા હતા, પણ કેદીઓએ રોજ આ ‘પ્રાર્થના’ સાંભળવી પડતી. “ધ્યાન આપો, કેદીઓ! કૂચ કરતી વખતે કતારમાં ચાલવાનું. આઘા-પાછા નહીં થવાનું, આગળની કતારમાં નહીં ઘૂસવાનું, ચાલવામાં પાછળ નહીં પડવાનું. આંખો સામે, હાથ પાછળ. એક પણ ડગલું ડાબે કે જમણે ગયા તો ભાગેડુ ગણાશો અને પહેરેગીરો ચેતવણી આપ્યા વગર જ બંદૂક ચલાવશે. લીડર, આગે કૂચ!”

સૌથી આગળના બંને પહેરેગીરો ચાલવા માંડ્યા. અને આગળની ટુકડીમાં હલન-ચલન થઈ, ખભાઓ ડોલવા માંડ્યા. ટુકડીની સાથે પહેરેગીરો ચાલતા હતા, ટુકડીની બંને બાજુ, વીસેક ડગલાં દૂર, બંદૂક તાણીને ચાલતા હતા. બે પહેરેગીરો વચ્ચે લગભગ દસેક ડગલાંનું અંતર હતું. અઠવાડિયાથી બરફ નહોતો પડ્યો, એટલે રસ્તા ઉપર પડેલો બરફ દબાઈને કઠણ થઈ ગયો હતો. બહાર નીકળીને જેવા વળ્યા એવો ઠંડો પવન મોઢાં ઉપર ત્રાંસો વાગ્યો. પાછળ હાથ અને માથું નીચું, કોઈની સ્મશાનયાત્રામાં જતા હોય એમ બધા ચાલતા હતા. તેમને તમારી આગળ ચાલતા બે-ત્રણ કેદીઓના પગ અને તમારો પગ જ્યાં મૂકો એ કચડાયેલી, રગદોળાયેલી જમીન, એટલુંજ દેખાતું, બીજું કશું દેખાતું નહતું. હા, વચ્ચે-વચ્ચે પહેરેગીરોની બૂમો સંભળાય, “યુ-૪૦! હાથ પાછળ!” “બી-૫૦૪! જલ્દી ચાલ!” ધીરેધીરે એ પણ ઓછી થતી ગઈ. આ ચામડીને ચીરતાં પવનમાં બધે ધ્યાન રાખવું અઘરું હતું. વળી ચોકિયાતોને ફરજિયાત મોઢું ખુલ્લું રાખવું પડતું, આ ઠંડીમાં પણ એમણે એમનો ચેહરો ખુલ્લો રાખવો પડતો, એમનું કામ પણ કઈ સહેલું ન હતું!

જો વાતાવરણ થોડું સારું હોય, આટલું ઠંડું ના હોય, તો અંદર-અંદર વાતો ચાલતી. ચોકિયાતો બૂમો મારે, પણ વાતો બંધ ના થાય. પણ આજે તો બધા માથું નીચું રાખીને ચુપચાપ ચાલતા હતા. પોતાના વિચારોમાં વ્યસ્ત, આગળવાળાને પવન સામે ઢાલ બનાવીને ચાલતા હતા.

કેદીની જેમ એના વિચારોને પણ આઝાદી નથી હોતી, તે ફરી-ફરીને ત્યાંજ આવીને ઊભા રહે છે. આખો વખત એની એજ વાતોના વિચારો, એની એજ વસ્તુઓની ચિંતા. ગાદલામાં ગોદા મારશે? અને મારશે તો સંતાડેલું રાશન એમના હાથમાં આવશે કે નહીં આવે? આજે સાંજે દવાખાને જાઉં તો મને કાલની રજા મળશે કે નહીં મળે? કૅપ્ટનને કાળકોટરીમાં નાખશે કે નહીં નાખે? સેઝેરના હાથમાં ગરમ બાંડીયું ક્યાંથી આવ્યું? કોઈને લાંચ આપીનેજ મેળવ્યું હશે, બાકી એની પાસે ક્યાંથી આવે?

શુખવે સવારે ઠંડુ પડી ગયેલું ખાવાનું ખાધું હતું અને એ પણ બ્રેડ વગર, એટલે એમને પેટ રોજ કરતાં વધારે ખાલી લાગતું હતું. એમના પેટનો બળાપો અને ખાવા માટેની આજીજી નકારવા એમણે છાવણીના વિચારો બાજુ ઉપર મૂક્યા અને જે ઘરે પત્ર લખવાનો હતો એના વિચારો કરવા માંડ્યા.

એમની ટુકડીએ લાકડાનું કારખાનું પસાર કર્યું (જે કેદીઓ એ બનાવેલું), પછી રહેવા માટે બંધાયેલાં મકાનોનો સમૂહ પસાર કર્યો (કેદીઓએ જ બાંધેલાં, પણ એમાં સ્વાધીન મજૂરો રહેતા હતા), નવું બંધાયેલું મનોરંજન કેન્દ્ર પણ પસાર થયું (કેદીઓનું કામ, પાયો નાખવાથી માંડીને ભીંતચિત્રો સુધી બધુંજ કેદીઓએ કરેલું, અને એમાં ફિલ્મ કોણ જોઈ શકે? સ્વાધીન મજૂરો!) અને હવે સામે ખુલ્લું મેદાન હતું, ઝાડ-પાન વગરનું, વેરાન મેદાન. જ્યાં જુઓ ત્યાં ફક્ત બરફનો સફેદ રંગ દેખાય,એવું બેરંગ મેદાન. શુખવની ટુકડી મેદાનમાં આગળ વધી. સામેથી ઠંડો પવન આવતો હતો અને સામે જ સૂર્યોદયની લાલીમાંથી નીખરતું આભ દેખાતું હતું.

૧૯૫૧ની શરૂઆત હતી, આ વર્ષે શુખવને ઘેર બે પત્રો લખવાનો હક્ક હતો. છેલ્લો પત્ર એમણે જુલાઈમાં લખ્યો હતો જેનો જવાબ એમને ઑક્ટોબરમાં મળ્યો હતો. ઉસ્ત-ઈશમાના નિયમો જુદા હતા. તમને લખવો હોય તો તમે દર મહિને પત્ર લખી શકતા. પણ દર મહિને શું લખવાનું હોય? પહેલેથી જ શુખવને વારંવાર ઘેર પત્ર લખવાની ટેવ ન હતી.

શુખવ ૨૩ જૂન ૧૯૪૧ના રોજ ઘેરથી નીકળ્યા હતા. રવિવાર હતો અને પ્રાર્થના માટે પલોમ્નયા ગયેલા લોકોએ પાછા આવીને કહ્યું, “યુદ્ધ શરૂ થયું!” ત્યાંની ટપાલ કચેરીમાંથી આ સમાચાર સાંભળીને આવ્યા હતા. યુદ્ધ પહેલાં ચીમ્ગીન્યોવામાં કોઈના ઘરમાં રેડીઓ પણ ન હતો. આજે, પત્રો દ્વારા મળતા સમાચાર પ્રમાણે, ત્યાંના દરેક ઘરમાં રેડિયોની બકબક ચાલુ જ હોય છે.

ઘેર પત્ર લખવો એટલે ઊંડા, અગાધ તળાવમાં પથરો ફેંકવો----કોઈ નિશાની છોડ્યા વગર તે ડૂબી જાય. તમે કઈ ટુકડીમાં છો, શું કામ કરો છો, તમારો ફોરમૅન, આંદ્રીયે પ્રકોફવીચ ત્યુરીન, કેવો છે, આ બધી વાતો તમારા કુટુંબીજનોને જણાવવાનો કોઈ મતલબ નહીં. આજકાલ તો, એમના કરતાં વધારે આત્મીયતા પેલા લાટવીયન, કિલ્ડીગ્સ સાથે હતી.

એ લોકો પણ વરસમાં બે વાર પત્ર લખતા, બધા સમાચાર આપતા, પણ શુખવને એ પત્રો વાંચીને કંઈ ખ્યાલ નહોતો આવતો કે એમનું જીવન કેમ ચલી રહ્યું છે. કલખોશના (સામૂહિક ખેતી માટેના ખેતરોનો સમૂહ) નવા ચૅરમૅન આવ્યા. પણ એ તો દર વર્ષે બદલાય છે, કોઈને વધારે ટકવા ક્યાં દે છે? કલખોશને મોટું કરવામાં આવ્યું. તો શું? કેટલીએ વાર એનો વિસ્તાર વધારીને પાછો ઓછો કર્યો છે. વળી સમાચાર આવ્યા કે નિર્ધારિત કરાયલા કામના દિવસો કરતાં ઓછા દિવસો કામ ઉપર જાવ તો તમારી જમીન લઈ લે, હેક્ટર દીઠ ૧૫% જમીન જપ્ત થાય. ઘણી વાર તો ઓટલા સુધીની જમીન જતી રહે. એમનાં પત્નીએ એવા પણ સમાચાર આપ્યા હતા કે એવો કાયદો આવ્યો છે કે જે ઓછું કામ કરે એની ઉપર મુકદ્દમો કરવાનો અને જેલની સજા ફટકારાવાની. પણ કોઈ કારણસર આ કાયદો અમલમાં નહોતો મુકાયો.

એમની પત્ની એ એવું પણ લખ્યું હતું કે યુદ્ધ શરૂ થયા પછી કોઈ કરતાં કોઈ કલખોશમાં નથી જોડાયું. શુખવને સમજાતું ન હતું કે બધા કલખોશથી કેમ આઘા જતા હતા. અને કલખોશમાં ના જોડાય તો શું કરે? એમનાં પત્ની એ જણાવ્યું કે બધા યુવાનો અને યુવતીઓ કોઈ ને કોઈ કારણ બતાવી, કોઈ યુક્તિ કરી કલખોશમાં દાખલ થવાનું ટાળતાં અને શહેર જતાં રહેતાં. ત્યાં કોઈ કારખાનામાં કામ કરવા માંડતાં. કશું ના મળે તો વનસ્પતિમાંથી ખાતર અને બળતણ બનાવવાના એકમોમાં કામ કરતા. યુદ્ધમાં જોડાયેલા પુરુષોમાંથી અડધા તો પાછા જ નહોતા આવ્યા, અને જે આવ્યા હતા તે કલખોશમાં ફરી જોડાવાને બદલે ઘરે રહીને છુટક કામ કરવાનું વધારે પસંદ કરતા. હવે કલખોશની વાડીમાં માત્ર બેજ પુરુષો હતા, ફોરમૅન ઝાખર વસીલ્યવીચ અને તીખોન સુથાર. તીખોન ૮૪ વર્ષના હતા, પણ હમણાં જ પરણ્યા હતા અને છોકરા પણ થયા હતા. ૧૯૩૦માં જે મહિલાઓને એમાં ભરતી કરવામાં આવી હતી તે મહિલાઓ અત્યારે કલખોશને સંભાળતી હતી. એ નહીં હોય ત્યારે કલખોશનું અસ્તિત્વ પણ નહીં રહે.

ગમે તેટલો પ્રયત્ન કરે, પણ શુખવને એક વાત નહોતી સમજાતી, તમે ગામમાં રહીને બીજે કામ કરવા જાવ. નાના પાયે વ્યપાર કરવો કે કલખોશમાં કામ કરવું, એ સમજાય એવી વાત હતી, પણ ગામમાં રહીને ગામની બહાર કામ કરવાનું? એ શું? આ શું ખેતમજૂર તરીકે જવાની વાત હતી? અને ઘાસચારો? એ કેમ નો મેળવતા?

પણ એમનાં પત્નીએ કહ્યું કે ઘણા વખતથી ખેતમજૂરીનું કામ બંધ હતું, અને સુથારી કામ પણ. આમ તો એમનો ઇલાકો સુથારી કામ માટે ઘણો જાણીતો હતો, પણ હવે કોઈને એ કામ નહોતું કરવુ. અને નેતરની છાબડીઓ બનાવવાનું પણ બંધ થઈ ગયું હતું, છાબડીઓ લેનાર કોઈ નહોતા રહ્યા. એને બદલે બધાએ ઉત્સાહભેર નવો ધંધો શરૂ કર્યો હતો, જાજમો રંગવાનો. એક સિપાહી સેનામાંથી નિવૃત્તિ મેળવીને આવતો હતો ત્યારે એ થોડા સ્તેન્સલ લેતો આવ્યો. ત્યારથી આ ધંધો ધમધોકાર ચાલતો હતો અને વધારે ને વધારે લોકો એમાં જોડાવવા માંડ્યા હતા. આ રંગરેજો કોઈની નોકરી નહોતા કરતા, અને એ કોઈ ના પગારદાર નહતા. મહિનો એક ઘાસ-ચારાની કે પાકની લણણી વખતે વાડીમાં કામ કરી લેતા અને કલખોશમાંથી પ્રમાણપત્ર મેળવી લેતા કે ફલાણા-ફલાણા ભાઈએ કામના નિર્ધારિત કલાકો પૂરા કર્યા છે, કશું ચઢેલું બાકી નથી, અને એમને નીજી કારણસર રજા આપેલી છે. પછી એ આખા દેશમાં જાજમો રંગવા ઊપડી જતા, સમય બચાવવા એરોપ્લેનમાં પણ મુસાફરી કરતા અને જાજમો રંગીને અઢળક પૈસા કમાતા. નક્કામી, જૂની ચાદર કે એવાં બીજાં કોઈ પણ કપડાં ઉપર ૫૦ રુબેલમાં ડિઝાઇન ચીતરી આપતા, અને જાજમ તૈયાર! અને ચીતરવામાં તો માંડ કલાક થતો. શુખવનાં પત્નીની તીવ્ર ઇચ્છા હતી કે જ્યારે પણ શુખવ પાછા આવે ત્યારે કલખોશથી આઘા રહે અને જાજમ રંગવાનો ધંધો શરૂ કરે. એમને લાગતું હતું કે જે ગરીબી સામે એ ઝઝૂમી રહ્યા હતા એનાથી છુટકારો મેળવવાનો આ ઘણો સરસ અને સરળ ઉપાય હતો. પછી તો છોકરાંઓને સારું ભણતર આપવાનું પણ પોસાય અને લગભગ પડી ભાંગેલા એમના ઘરની જગ્યાએ નવું, સરસ ઘર પણ બનાવાય. આ કામમાં જોડાયેલા બધા નવા ઘર બાંધી રહ્યા હતા. અને રેલવેના પાટા પાસે તો પાંચ હજારમાં મળતાં મકાનોની કિંમત હવે પચીસ હજાર થઈ ગઈ હતી.

શુખવને હજી સારી એવી સજા કાપવાની બાકી હતી, એક શિયાળો, એક ઉનાળો, પાછો એક શિયાળો અને પછી એક ઉનાળો. પણ આ જાજમ વાળી વાત એમના મનમાં રમ્યા કરતી હતી. એ સજા કાપી લે પછી જો આ લોકો એમના બધા હક્કો છીનવી લે, કે એમને પોતાના ઘેર કે ઇલાકામાં જવા ઉપર પાબંદી મૂકે, તો કદાચ આ ધંધો એમને તારવી શકે. પણ આજ સુધી રંગો સાથે, કે ચિત્રો દોરવા સાથે એમને કોઈ લેવાદેવા ન હતા. તો પછી આ ધંધો કઈ રીતે કરી શકશે? આમ પણ આ જાજમોમાં એવું તે શું હતું કે લોકો એની પાછળ આટલા ઘેલા બની ગયા હતા? એમનાં પત્નીનો જવાબ આવ્યો કે આ કામમાં કોઈ આવડતની જરૂર જ નથી, મૂર્ખ માણસો પણ આ કામ સહેલાઈથી કરી લે છે. સ્તેન્સલને કાપડ ઉપર મૂકીને ખાલી જગ્યાઓમાં રંગ ભરી દેવાનો, બસ જાજમ તૈયાર! અને આ આખો ખેલ માત્ર ત્રણ ડિઝાઇનોનો હતો, “ત્રોઇકા” જેમાં સુંદર કવચ વાળા ત્રણ ઘોડા ઘોડદલના એક સિપાહીને દોરી જતા હતા, “સ્ટેગ” અને ત્રીજી પર્શિયન જાજમ જેવી કલાત્મક ડિઝાઇન. પણ આ ત્રણ ડિઝાઇનો માટે ઘણી પડાપડી હતી કારણ કે સચ્ચી જાજમ હજારો રૂબલની મળે, પચાસની નહીં.

શુખવને આ જાજમો ઉપર એક નજર નાખવાની ઇચ્છા તો થઈ જ ગઈ.

જેલમાં અને છાવણીઓમાં લાંબો વખત રહ્યા હતા એટલે શુખવને પરિવારના ભરણપોષણની ચિંતા કરવાની ટેવ સાવ છૂટી ગઈ હતી. હાલ એમનાથી એમના પરિવારની જીવનજરૂરિયાતોને પૂરી પાડવા માટેની મથામણ થાય એવી ન હતી અને એમની પોતાની જીવનજરૂરિયાતોને પૂરું પડવાનું કામ તો છાવણીના અધિકારીઓ કરતા. ચિંતામુક્ત હતા, એટલે અત્યારે જીવન થોડું સરળ બન્યું હતું, પણ બહાર નીકળ્યા પછી એ કેવું હશે? કોણ જાણે!

મકાનો બાંધતા-બાંધતા એમની વાતો સ્વાધીન મજૂરો, ડ્રાઇવરો અને બુલડોઝર અને બીજા યંત્રચાલકો સાથે થતી. એ લોકો કહેતા કે આજકાલ સામાન્ય માણસ માટે સીધો અને સાંકડો રસ્તો વર્જિત છે. તે છતાંય એ લોકો હિમ્મત હાર્યા વગર પોતાનો રસ્તો કાઢતા, અને ટકી રહી શકતા.

શુખવે પણ કદાચ એવુંજ કરવું પડશે. આ ધંધામાં સારા અને સહેલાઈથી પૈસા મળે એવું હતું. વળી ગામના લોકો એમની આગળ નીકળી જાય તે પણ કેમ ચાલે? પણ અંતરના ઊંડાણમાં તેમને આ કામ કરવાની ઇચ્છા ન હતી. આવું કામ કરવા માટે અલ્લડ અને નફિકરો સ્વભાવ જોઈએ, થોડી નફટાઈ જોઈએ, અને પોલીસને લાંચ-રૂશવત પણ આપવી પડે. શુખવના અડધા દાંત પડી ગયા હતા, એમના માથામાં ટાલ વધતી જતી હતી, પણ એમના ચાલીસ વર્ષોમાં એમણે કોઈ દિવસ લાંચ લીધી ન હતી કે આપી ન હતી, બહાર હતા ત્યારે પણ નહીં અને અંદર છાવણીમાં પણ નહીં.

સહેલાઈથી કમાયેલા પૈસાનું કંઈ વજન ના હોય, તમને પૈસા કમાયાનો સંતોષ ના થાય. ઘરડા બુઝુર્ગો સાચું જ કહેતા, “વોટ યુ ગેટ ફોર અ સૉંગ, યુ વોન્ટ હેવ ફોર લૉંગ”. હજી એમની પાસે બે હાથ હતા, એ બે હાથ કોઈ પણ પ્રકારનું કામ, કોઈ પણ પ્રકારની મજૂરી કરવા તૈયાર હતા. તો પછી એ છૂટીને બહાર જાય ત્યારે એમને સરખી નોકરી કેમ નહીં મળે? મળીજ જશે!

પણ!!.....પણ આ લોકો એમને જવા દેશે ખરા, એમને છોડશે ખરા? એમનો ઉપહાસ કરીને બીજા દસ વરસની સજા તો નહીં ફટકારી દે ને?

ત્યાં તો એમની ટુકડી નર્ધારિત સ્થાને પહોંચી ગઈ અને ચોકિયાતના ઓરડા પાસે જઈને ઊભી રહી. જગ્યા ઘણી વિશાળ હતી. શીપસ્કીન પહેરેલા બે ચોકિયાતો છુટ્ટા પડીને દૂરના ચોકી કરવાના બુરજ તરફ જવા માંડ્યા. નિસ્તેજ ચાલ, ઢસડતા પગ, પણ બુરજ ઉપર ચોકિયાતો ના પહોંચે ત્યાં સુધી કોઈનાથી અંદર ના જવાય! જોડે આવેલો કમાન્ડેટ બંદૂક ખભા ઉપર લટકાવીને ચોકિયાતના ઓરડામાં ગયો. એના ધુમાડિયામાંથી ધુમાડો નીકળતો હતો. આખી રાત એક સ્વાધીન મજૂર લાકડાના પાટિયા અને સિમેન્ટની ચોકી કરવા ત્યાં રહ્યો હતો.

આ વિશાળ જગ્યામાં બાંધકામ ચાલુ હતું. તારમાંથી બનેલા એના પ્રવેશદ્વારમાંથી અડધાં બાંધેલાં મકાનો દેખાતાં હતાં. આગળ નજર દોડાવો તો દૂર, બીજા છેડે, તારની વાડમાંથી ઊગતો સૂરજ દેખાતો હતો, ધુમ્મસમાંથી નીકળતો, મોટ્ટો અને લાલ સૂરજ. અલયોશ્ક શુખવની બાજુમાં ઊભા હતા. સૂરજને જોયો, અને આંખોમાં રમતું ખુશહાલ સ્મિત હોઠો સુધી પહોંચ્યું. અલયોશ્કના ડાચા બેસી ગયા હતા, એમને જે રાશન મળતું એના ઉપર એ જીવી રહ્યા હતા, વધારાનું કંઈ મેળવવાનો પ્રયત્ન પણ નહોતા કરતા. તો આ ખુશાલી શેની? એ અને બીજા બેપ્તીસ્ત દર રવિવારે ભેગા થઈ અને અંદર-અંદર ગુસપુસ કર્યા કરતા. એમના ધર્મને કારણે દરેકને પચીસ-પચીસ વર્ષની સજા થઈ હતી, પણ બતકને જેમ પાણીની અસર ના થાય, એમ આ લોકોને છાવણીના જીવનની કોઈ અસર જ નહોતી થતી. અને અધિકારીઓને આ લોકો સુધારશે એવી આશા હતી!

શ્વાસને લીધે શુખવનું મોઢાંનું કપડું ભીનું થયું હતું અને ત્યાં બરફ જામી ગયો હતો. શુખવે એને મોઢાં ઉપરથી ખેંચીને નીચે ગળા ઉપર જવા દીધું. એમના હાથનાં મોજાં પાતળાં હતાં, એટલે હાથ ઠરી ગયા હતા. ફેલ્ટ બૂટમાં પણ કાણાં પડેલાં, જેને એમણે બે વાર થીંગડા તો મારેલા, પણ તોય ડાબા પગની આંગળીઓ બૂઠ થઈ ગયી હતી. બાકી ઠંડી એમના શરીરમાં બહુ ઘૂસી નહોતી શકી. પવન પીઠ ઉપર આવે એમ એ ઊંધા ફરી ગયા.

ખભાથી માંડીને નીચે સુધી આખી પીઠમાં દુખાવો હતો. શુખવને ખબર નહોતી પડતી કે એ કામ કઈ રીતે કરી શકશે.

ઊંધા ફર્યા તો ફોરમૅનની સામે ઊભા હતા. હંમેશની જેમ એ છેલ્લી કતારમાં હતા. મજબૂત, કદાવર શરીર અને ખડતલ ચેહરો. સ્વભાવ પણ કડક અને ગમગીન, એમને આધીન કેદીઓ સાથે કોઈ જાતની ગમ્મત કે મશ્કરીની વાત નહીં, પણ હા, એમને ખાવાનું સરખું મળે, પૂરતું રાશન મળે, એ બધી વાતોનું બરાબર ધ્યાન રાખે. ગુલાગના સાચાં સપૂત! એમની આ બીજી વારની સજા હતી એટલે એમને છાવણીના વહીવટનો સારો એવો અનુભવ હતો.

છાવણીમાં તમારે માટે તમારા ફોરમૅન કરતાં વધારે મહત્ત્વ બીજા કોઈનું ના હોઈ શકે. એ ધારે તો તમને સંભાળી લે અને જીવનદાન આપે, અને ધારે તો તમારો સંપૂર્ણપણે નાશ કરે. શુખવ જ્યારે ઉસ્ત-ઈશમામાં હતા ત્યારે આંદ્રીયે પ્રકોફવીચ ત્યુરીન પણ ત્યાં હતા. જોકે ત્યારે શુખવ એમની ટુકડીમાં ન હતા. પછી જ્યારે “રાજ્યદ્રોહીઓ”ને સાદી સજાની છાવણીમાંથી અહીં, સખ્ત મજૂરીની છાવણીમાં ધકેલાયા, ત્યારે ત્યુરીન શુખવને જોડે લઈ આવ્યા. શુખવને છાવણીના કમાન્ડેન્ટ, પ્રોડક્શન પ્લાનિંગ સેક્શન, બાંધકામ માટેના વહીવટદારો, કે એન્જિનિયરો સાથે કોઈ પ્રકારની લેવડ-દેવડ નહોતી કરવી પડતી. કંઈ પણ હોય તો એમના ફોરમૅન આડા આવીને ઊભા રહે, એમની ફૌલાદી છાતી ખોલીને ઊભા હોય. અને જો એમની ભ્રમરો કે આંગળી સહેજ પણ ઊંચા થાય, તો તમે દોડીને એમનું કામ કરો. ત્યુરીન સિવાય તમારે જેને છેતરવું હોય એને છેતરો, જેની સાથે ચાલાકી કરવી હોય તે કરો, કંઈ વાંધો નહીં. ત્યુરીન સાથે માથાકૂટ નહીં, તો તમારું ગાડું ચાલશે.

શુખવને મન તો થયું કે ફોરમૅનને પૂછે કે એમણે ગઈકાલ વાળી જગ્યાએ કામ કરવાનું છે, કે બીજી જગ્યાએ, પણ એમના ઉચ્ચ વિચારો ભંગ કરવાનું ટાળ્યું. એમણે એમની ટુકડીને શુસ્કરદોખથી બચાવી હતી, અને હવે ચોક્કસ એમના મનમાં કામના દરનો વિચાર ચાલતો હશે. આવતા પાંચ દિવસનું રાશન એના ઉપર આધારિત હતું.

ચાઠા-ચાઠા વાળું મોઢું, મસમોટા ઝાડની છાલ જેવી ચામડી, અને સામા પવનમાં મટકું માર્યા વગર એ ફોરમૅનઊભા હતા.

ટુકડીમાં બધા તાળીઓ પાડીને અને પગ પછાડીને શરીરમાં થોડો ગરમાવો લાવવા પ્રયત્ન કરી રહ્યા હતા પણ પવન ખરાબ હતો, ઠંડો અને તેજ. પેલા પોપટો તો અત્યાર સુધીમાં પોતાના સ્થાને પહોંચી ગયા હશે, પણ પહેરેગીરો હજી કોઈને અંદર નહોતા જવા દેતા. સુરક્ષાના નામે આ થોડું વધારે પડતું હતું!

હાશ! છેવટે ચોકિયાતના ઓરડામાંથી પહેરેગીરોના કમાન્ડર અને એક તપાસ કારકુન બહાર આવ્યા. મુખ્ય દ્વારની બે બાજુ ઊભા રહ્યા અને પછી ઝાંપો ખોલ્યો.

“પાંચ-પાંચ કરીને આગળ આવો. પહેલાં પાંચ! બીજા પાંચ!”

કેદીઓ સૈનિકોની જેમ કદમ મિલાવીને આગળ વધ્યા. બસ અમને અંદર જવા દો, બીજું બધું અમે જોઈ લઈશું!

ચોકિયાતોના ઓરડા પછી તરત જ એક ઝૂંપડી આવી. એ નાનકડી છાપરી અહીંનું કાર્યાલય હતું. એની બહાર વહીવટદાર ઊભો-ઊભો બધા ફોરમૅનોને ઉતાવળ કરાવતો હતો. પણ એ લોકોને ઉતાવળ કરાવવાની કંઈ જરૂર ન હતી, એમને પોતાને જ અંદર જવાની ઉતાવળ હતી! દેર, પેલો કેદી જેને આ લોકોએ ઓવરસીયર બનાવેલો, એમની સાથે આવ્યો. એ એક નંબરનો બદમાશ હતો અને કૂતરા સાથે ના કરીએ એવું વર્તન એ એના સહ-કેદીઓ સાથે કરતો.

આમ આઠ વાગ્યા, ના, ના આઠને પાંચ થઈ ગઈ, (વીજ મથકની ટ્રેન સીટી મારતી ગઈ). અને અધિકારીઓ ચિંતા કરતા કે કેદીઓ આમતેમ વિખરાઈ, કોઈ હૂંફાળી જગ્યા શોધી અને સમય બગાડશે! કેદીનો દિવસ ઘણો લાંબો હોય, તે છતાં એ સમય કાઢી અને બધુંજ કરે. પરિસરમાં પેસતાની સાથે દરેક જણે નીચે વળીને એક-બે નાના લાકડાના ટુકડાઓ લઈ લીધા અને તરત સંતાડી દીધા. સ્ટવમાં સારા કામ લાગે! ડેપ્યુટી ફોરમૅન, પાવલોને ત્યુરીન કાર્યાલયમાં સાથે લઈ ગયા. સેઝેર પણ પાછળ-પાછળ ગયા. સેઝેર શ્રીમંત હતા. દર મહિને એમના બે પાર્સલ આવતાં. અને આપવા લાયક વ્યક્તિઓને એ કશું ને કશું આપતા રહેતા. અને એમ કરતા-કરતા એમનો વિશ્વાસ જીતી લીધો હતો. એ કાર્યાલયમાં કામ કરતા અને ‘નોર્મ-સેટ્ટર’ના (કેદીઓને કામ ઉપર રાખતા એકમોનું હિત સાચવે તે અધિકારી) મદદનીશ બની ગયા હતા. ટુકડી ૧૦૪ના બાકીના કેદીઓ વિખરાઈને અદૃશ્ય થઈ ગયા!

ઝાંખો, રાતો સૂરજ ધીરે-ધીરે એ વેરાન મેદાનની ઉપર આવી રહ્યો હતો. અડધા બરફમાં દટાયેલા તૈયાર પાટિયાંઓ ઉપર, પાયો નખીને ત્યજી દીધેલા મકાનની ચણેલી ભીંત ઉપર, ખાડો કરવાના મોટ્ટા મશીનના તૂટેલા હાથા ઉપર, જગ ઉપર, લોખંડના ભંગારના ઢગલા ઉપર. મેદાનમાં ઠેર-ઠેર ખાડાઓ હતા, નાના, મોટા, ઊંડા, છીછરા. વચ્ચે-વચ્ચે નાળાં પણ હતાં. આગળથી ખુલ્લાં એવાં છાપરાઓમાં મોટરગાડી સમી કરવાની દુકાનો પણ હતી. અને ત્યાં, પેલી ટેકરી ઉપર વીજ મથક દેખાતું હતું. નીચેનો માળ પૂરો થઈ ગયો હતો અને હવે પહેલા માળનું કામ શરૂ થયું હતું.

બુરજ ઉપરના છ પહેરેગીરો અને કાર્યાલય સામે ગણગણતું ટોળું, આ સિવાય બીજું કોઈ દેખાતું ન હતું, બધા જાણે સંતાઈ ગયા હતા. આ ક્ષણ કેદીઓની પોતાની હતી ! દરેક ટુકડીને એનું કામ રાત્રે ફાળવવાની ધમકી ઉચ્ચ વહીવટી હોદેદારોએ ઘણી વાર આપી હતી અને એક બે વાર એનો અમલ પણ કર્યો હતો, પણ એ વ્યવસ્થા બહુ ચાલી નહીં. રાતનું નક્કી કરેલું સવારના હંમેશાં બદલાઈ જતું!

હા! આ ક્ષણો તમારી છે! ઉપરીઓ તો દિવસનું સંયોજન કરવામાં પડ્યા છે, તો હૂંફાળી જગ્યા શોધો અને બેસી જાવ, બેસાય ત્યાં સુધી બેસો! કમ્મર તોડવાની તક તો તમને પછી મળવાની જ છે, ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી! સ્ટવ પાસે જો બેસવાનું મળે તો એના જેવું કશું નહીં, ગરમાવો તો મળેજ અને તમારાથી પગ ઉપર વીંટાળેલા કટકા ખોલી, એને થોડા હૂંફાળા કરીને ફરી બંધાય, પગ આખો દિવસ હૂંફમાં રહે! પણ સ્ટવના મળે તો કંઈ નહીં, આ ક્ષણોને પૂરેપૂરી માણો, એનો આનંદ ઉઠાવો!

ટુકડી ૧૦૪ મોટરગાડી સમી કરવાના એક વિશાળ કારખાનામાં પહોંચી. શિયાળા પહેલાં જ એમાં બારીઓ મુકવામાં આવી હતી. ટુકડી ૩૮ના કેદીઓ એમાં કામ કરી રહ્યા હતા. કૉન્ક્રેટને બીબામાં નાખી અને એના સ્લેબ બનાવી રહ્યા હતા. થોડા સ્લેબ હજી બીબામાં હતા અને થોડા બાજુમાં ઊભા મૂકેલા હતા. ચારે બાજુ વાયર મેશનાં ઢગલા હતા. દુકાનનું છાપરું ઘણું ઊંચું હતું, અને ભોંય માટીની હતી, એટલે એમાં બહુ ગરમાવો તો ના રહે, પણ તોય ત્યાં થોડો ગરમાવો તો હતો. અહીં કોલસાની કોઈ કરકસર ન હતી, પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરતા. માણસો માટે નહીં, પણ કૉન્ક્રેટના સ્લેબ સરખા અને નક્કર બને તે માટે. એમાં એક થરમૉમીટર પણ લટકાવેલું હતું. અને કોઈ કારણસર રવિવરે કેદીઓ કામ ઉપર ના આવે, તો સ્વાધીન મજૂરો સ્ટવને સળગતો રાખતા.

સ્ટવની સામે ટુકડી ૩૮ના કેદીઓ ઊભા હતા. પોતાના પગે વીંટાળવાના કપડા સૂકવતા હતા. બીજા કોઈને સ્ટવ પાસે આવવા નહોતા દેતા. કંઈ વાંધો નહીં, આ ખૂણો પણ સારો છે!

લાકડાનાં એક બીબા ઉપર અસ્તરવાળા પેન્ટનો લિસ્સો થઈ ગયેલો ફૂલો મૂકીને શુખવ બેસી ગયા. પાછળ દીવાલનો ટેકો લીધો. ટેકો લીધો એટલે એમણે પહેરેલા કોટ અને જર્કીન થોડા કસાયા અને ખેંચાયાં. ડાબી બાજુ, એમના હૃદય પાસે કોઈ કડક વસ્તુ અડી. એમના અંદરના ખીસામાં મૂકેલી બ્રેડ; સવારના રાશનનો એ અડધો ટુકડો જે એ બપોરના ખાવા માટે લાવેલા. એ કાયમ બ્રેડનો આટલોજ ટુકડો લાવતા અને બપોરના જમવાના સમય સુધી એને અડતા પણ નહીં. પણ કાયમ માટે એ બીજો અડધો ટુકડો સવારના નાસ્તામાં ખાતા અને આજે એમણે સવારના એ ખાધો ન હતો. એટલે આમ તો એમણે કશું બચાવ્યું ન હતું. આ હૂંફાળા વાતાવરણમાં એમને એ બ્રેડનો ટુકડો ખાવાની તીવ્ર ઇચ્છા થઈ. પાંચ કલાક પછી જમવાનો વારો આવશે. હજી બહુ વાર છે. દુખાવો કમરથી શરૂ થયો હતો અને હવે પગ સુધી એ પહોંચી ગયો હતો. અચાનક એમના પગ ઢીલા પડી ગયા, એમને અશક્તિ લાગવા માંડી. સ્ટવ પાસે જવાય તો કેટલું સારું!

શુખવે હાથના મોજા કાઢીને ઢીંચણ પર મૂક્યાં. જૅકેટનાં બટન ખોલ્યાં, મોઢે વીંટાળવાનું કપડું બહુ ઠંડું હતું. એને ખોલી અને ગળામાંથી કાઢી લીધું અને સરખું વાળીને ખીસામાં મુકી દીધું. પછી ખીસામાંથી સફેદ કપડામાં વીંટાળેલી બ્રેડ કાઢી, કોટની નીચે રાખી અને ધીરેધીરે ખાવા માંડ્યા, એની કરચ નીચે પડે નહીં એટલે બ્રેડને કપડામાં વીંટાળેલીજ રાખી. નાના-નાના બટકા ભરીને બ્રેડને ચાવી-ચાવીને ખાતા હતા. બ્રેડને કપડાના બે થરમાં રાખેલી અને એમના શરીરનો ગરમાવો તો ખરો જ, એટલે એ બિલકુલ થીજી ન હતી.

છાવણીમાં રહીને શુખવને એમના ગામનું જીવન ઘણી વાર યાદ આવતું, ખાસ કરીને એ શું-શું ખાતા અને કેટલું ખાતા. વિચાર્યા વગર તપેલા ભરીને પોરિજ અને કઢાઈ ભરીને બટાકા ખાતા. અને કલખોશનો જમાનો આવ્યો તે પહેલાં માંસના મોટા-મોટા ટુકડા પણ. અને દૂધ, એ તો પેટ ભરીને પીતા, હવે એકે ઘૂંટડો નહીં પીવાય એવું લાગે ત્યાં સુધી દૂધ પીધે રખતા! પણ હવે એ શીખી ગયા હતા, હવે ખાતા હોય ત્યારે ખાવાના ઉપર જ ધ્યાન રાખતા, જે અત્યારે પણ કરી રહ્યા હતા. બ્રેડના નાના-નાના ટુકડા કરી, એને જીભથી મમળાવીને થોડા પોચાં કરતા, એને ધીરે-ધીરે ચૂંસતા, અને પછી ઉતારતા. સુક્કી, કાળી પડી ગયેલી બ્રેડ હતી, પણ એમને મન એ સ્વાદિષ્ટ પકવાન હતું. આ આઠ-નવ વર્ષોમાં એમણે કેટલું ખાધેલું? કશુંજ નહીં. અને કામ કેટલું કરેલું? એ તો પૂછતાજ નહીં!

એટલે શુખવ એમના બસો ગ્રામમાં વ્યસ્ત હતા અને ટુકડી ૧૦૪ના બીજા કેદીઓ કારખાનની એજ તરફ પોતપોતાની રીતે આરામ કરતા હતા.

પેલા બે સ્તોનિયન કેદીઓ એક કૉન્ક્રેટના સ્લેબ ઉપર બેઠાં-બેઠાં હોલ્ડરમાં મૂકેલી અડધી સિગારેટના વારાફરતી કશ લઈ રહ્યા હતા. જાણે બે ભાઈઓ ના હોય! દેખાવમાં પણ બંને સરખા, આછાં સોનેરી વાળ, તાડ જેવાઊંચા, અને એકદમ પાતળા, સુકલકડી જેવાં, આંખો મોટી અને નાક લાંબું. બંને હંમેશાં સાથે જ હોય, છુટ્ટા પડે જ નહીં. એક બીજામાં એવા તો ઓતપ્રોત થયેલા જણાય કે તમને એમ થાય કે એ એક-બીજા વગર શ્વાસ પણ નહીં લેતા હોય! ફોરમૅન પણ એમને અલગ નહોતા કરતા. ખાવાનું પણ ભેગા ખાય, અને સૂવે પણ ભેગા. હાજરી પુરાવતી વખતે, કૂચ કરતી વખતે, અને સૂતી વખતે એક-બીજા સાથે સતત વાતો કરતા હોય. વાતો ધીમેથી થાય, પણ એ ચાલુ જ રહે, ક્યારેય બંધ ના થાય. પણ એ ભાઈઓ ન હતા, ટુકડી ૧૦૪માં જ એ બંને પહેલી વાર મળેલા. ખુલાસો કરતાં એમણે જણાવ્યું હતું કે એક તો બાલ્ટિકના માછીમાર હતા અને બીજા સ્વીડનથી આવેલા. આ બધું શરૂ થયું ત્યારે એમના માતા-પિતા એમને લઈને સ્વીડન જતાં રહ્યાં હતા. મોટા થઈને એમને એમની જન્મભૂમિમાં અભ્યાસ પૂરો કરવાનો વિચાર આવ્યો, એટલે એ પાછા ફર્યા. મૂર્ખામી કરી. જેવો એમણે રૂસી જમીન ઉપર પગ મૂક્યો તેવા એ ઝડપાઈ ગયા, અને એમની ધરપકડ થઈ ગઈ.

લોકો કહે છે કે વતન ઉપરથી માણસની પરખ ના થાય, દરેક દેશમાં સારા માણસો હોય અને ખરાબ માણસો પણ હોય. પણ શુખવ ઘણાં સ્તોનિયનના સંપર્કમાં આવ્યા હતા અને હજી સુધી એમને કોઈ ખરાબ સ્તોનિયન મળ્યો નહતો.

બધા જ ત્યાં હતા, થોડા સ્લેબ ઉપર બેઠેલા, થોડા એના બીબાઓ ઉપર અને બાકીના ભોંય ઉપર. સવારના ઠંડીમાં જીભ અક્ક્ડ થઈ ગઈ હતી, એટલે બધા ચુપ હતા, પોતપોતાના વિચારોમાં વ્યસ્ત હતા. પેલા ગીધડા, ફ્તીકોફએ, સિગારેટના ઠૂંઠાં ભેગાં કરેલાં, ઘણાં બધા ઠૂંઠાં ભેગાં કરેલાં. (એ ચીકાશ નહોતો કરતો, થૂકદાનીમાંથી પણ ઠૂંઠાં ઉપાડવામાં એને કંઈ જ વાંધો નહતો). હવે બેઠો-બેઠો એ ઠૂંઠાંઓને ખોલી રહ્યો હતો, ખોળામાં મૂકેલા એક કાગળના ટુકડામાં એ ઠૂંઠાંઓનું અડધું બળેલું તમાકુ ભેગું કરી રહ્યો હતો. ફ્તીકોફને ત્રણ છોકરાં હતા, પણ એની ધરપકડ થઈ પછી એ છોકરાંઓ એની સાથે કોઈ સંબંધ રાખતા ન હતા એના પત્નીએ પણ બીજા લગ્ન કરી લીધાં હતાં, એટલે એને કશેથી કોઈ મદદ મળતી ન હતી. વિનોસ્કી એને જોઈ રહ્યા હતા. એકાએક એમણે ઘાંટો પાડ્યો:

“આ ગંધાતું બધું શું ઉપાડી લાવે છે? તને ખબર પડશે એ પહેલાં તો તારા મોઢાંમાં રોગ પ્રસરી જશે, સિફીલીસનો રોગ. બધું નાખી દે!”

કૅપ્ટન બધા સાથે આજ રીતે વાત કરતા. એમને હુકમ ચલાવવાની ટેવ હતી.

પણ ફ્તીકોફ ઉપર એમનો તો કોઈ અધિકાર ન હતો, ગીધડો ખંધાઈથી હસ્યો, એનું બોખું મોઢું ખોલીને હસ્યો, “જો જેકૅપ્ટન, તું આઠ વરસ અહીં કાઢીશ ત્યારે તું પણ આમજ કરીશ.” કૅપ્ટનનું પણ કોઈ પાર્સલ નહોતું આવતું.

એની વાત તો સાચી હતી. ભલભલાને છાવણીએ ખત્મ કર્યા હતા, વિનોસ્કી કરતાં પણ વધારે સ્વાભિમાની માણસો અહીં તૂટી ગયા હતા, હારી ગયા હતા.

“હેં હે! શું કહ્યું?”, સીએન્કા કલ્યેવશિન બોલ્યા. એમણે બરાબર સાંભળ્યું ન હતું. એમને એમ કે સવારના વિનોસ્કી પકડાયા હતા એની વાત ચાલે છે. અફસોસથી માથું ધુણાવતાં કહ્યું, “જો તું ચિઢાયો ના હોત તો કશું ના થાત.”

સીએન્કા કલ્યેવશિન શાન્ત પ્રકૃતિના હતા. ’૪૧મા બિચારાનો કાનનો પડદો ફાટી ગયો હતો. પકડાયા એટલે એ પી.ઓ.ડબલ્યુ.ની છાવણીમાં ગયા. ત્રણ વાર ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો અને ત્રણે વાર પકડાઈ ગયા. આખરે એમને વુખેનવાલ્દમાં રાખ્યા. મર્યા નહીં એ ચમત્કારજ ગણાય. અને હવે એ શાંતિપૂર્વક એમની સજા પૂરી કરી રહ્યા હતા. એ કાયમ કહેતા કે સ્હેજ પણ ઉશ્કેરાયા તો આવી બન્યું. એમની વાત સાચી હતી. હસીને સહન કરવું સૌથી સારું. સ્હેજ પણ હિમ્મત બતાડો તો મરી ગયા! તમારી હિમ્મત તોડીને જ રહશે.

અલયોશ્ક ચુપ રહ્યા. એ હાથથી મોઢું ઢાંકીને પ્રાર્થના કરી રહ્યા હતા.

શુખવ એમની બ્રેડ ધીરે-ધીરે ખાતા હતા. નાના-નાના બટકા લઈ ને ખાતા હતા. એમના દાંત એમની આંગળીને મળ્યા ત્યાં સુધી એ ખાતા રહ્યા! પણ એમણે બ્રેડનો એક નાનો ટુકડો રહેવા દીધો. એને સાચવીને પાછો સફેદ કપડામાં વીંટાળ્યો અને ખીસામાં મૂકી દીધો. પોરિજનો વાટકો ચમચી કરતાં બ્રેડથી વધારે સારી રીતે સાફ થશે! બટનો બીડીને એ કામ કરવા તૈયાર થઈ ગયા, જ્યારે બોલાવવા હોય ત્યારે બોલાવો. પણ એકદમ ના બોલાવે તો ગમશે તો ખરુંજ!

ટુકડી ૩૮ના કેદીઓ ઊઠ્યા અને પોતપોતાના કામે લાગ્યા, કોઈ મિક્સર પાસે પહોંચ્યા, તો કોઈ પાણી લેવા ગયું અને કોઈ વાયર મેશ લેવા.

ત્યુરીન કે એમના ડેપ્યુટી, પાવલો, હજી સુધી નહોતા આવ્યા. શિયાળો હતો એટલે દિવસ ટૂંકો કર્યો હતો, કામ છ વાગ્યા સુધીજ થતું. ટુકડી ૧૦૪ ફોરમૅનની રાહ જોઈને બેઠી હતી. પૂરી વીસ મિનિટ પણ રાહ નહીં જોઈ હોય, તોય બધા ખુશ હતા, દહાડો પૂરો થવા આવ્યો હોય એટલા ખુશ. પેલા લાલ મોઢાંવાળો, હૃષ્ટપુષ્ટ લાટવિયન, કિલ્ડીગ્સ નિસાસો નાખતા બોલ્યા, “આ કેવો શિયાળો છે? હજી સુધી એકે વાર બ્લીઝર્ડ (બરફનું વાવાઝોડું) નથી આવ્યું!” આખી ટુકડીએ નિસાસો નાખીને હામી ભરી. બ્લીઝર્ડમાં કેદીઓને કામ ઉપર લઈ જવાનું તો દૂર, અધિકારીઓ એમને બરાકમાંથી પણ બહાર ના કાઢે. બરાકથી મેસ સુધી જવામાં પણ તમે ખોવાઈ જાવ. તમને એમનેમ ના જવા દે, બધાને દોરડા બાંધે અને દોરીને લઈ જાય. તોફાનમાં કેદીઓ મરે તેની કોઈને પડી ન હતી, પણ નાસી જાય તેની બીક હતી. અને એવું બનતું પણ ખરું. તોફાનમાં બરફના ઝીણા-ઝીણા ટુકડા વરસે, અને પછી એના ઢગલા થાય. એ ઢગલા સ્થિર હોય, હાથથી દબાવ્યો હોય, એવા સ્થિર. કેદીઓ તાર પાસે થતા આવા ઢગલા ઉપર ચઢે, અને તાર કૂદીને ભાગે. જોકે બહુ દૂર જાય એ પહેલાં બધા પકડાઈ જતા હતા. આમ વિચારીએ તો આ બ્લીઝર્ડથી કોઈને ફાયદો ન હતો. કેદીઓને પુરાઈ રહેવું પડે. વળી કોલસા સમયસરના આવે તો એ ઠંડો પવન બરાકની હૂંફને ઝુંટવી લે, અને છાવણીમાં લોટ ના પહોંચે તો બ્રેડના બને. ઉપરથી જેટલા દિવસ એ તોફાન ચાલે, ત્રણ દિવસ, પાંચ દિવસ, આઠ દિવસ, જેટલા દિવસ, એ બધા દિવસોની રજા ગણાય, અને એટલા રવિવાર કામ કરીને ભરવા પડે.

તોય કેદીઓને આવાં તોફાન ગમતાં, આતુરતાથી એની રાહ જોતા અને એ આવે એવી પ્રાર્થના પણ કરતા! જેવો થોડો પવન છૂટે કે બધા માથું ઊંચકીને આકાશ સામે જોતા, અને “આવવા દો! આવવા દો!”ના (એટલે બરફ આવવા દો) જાપ કરતા!

નીચે-નીચેનો પવન હોય એનાથી કશું ના વળે. એ તોફાનીના થાય.

એક કેદી ટુકડી ૩૮ના સ્ટવ પાસે હાથ ગરમ કરવા ગયો. એને ભગાડી મૂક્યો.

એટલામાં ત્યુરીન અંદર આવ્યા, એમનું થોબડું ચઢેલું હતું. ટુકડીને ખ્યાલ આવી ગયો કે કામ કરવાનું છે અને ઝડપથી કરવાનું છે.

ટુકડી ઉપર નજર નાખતા એ બોલ્યા, “ચાલો! ૧૦૪, બધા હાજર?” આજ સુધી એમની ટુકડીમાંથી કોઈ આઘુંપાછું નહોતું થયું, એટલે હાજરી ગણ્યા વગર, કે કશું ચકાસ્યા વગર જ એ કામ સોંપવા માંડ્યા. કલ્યેવશિન અને ગોપ્ચિકની સાથે પેલા બે સ્તોનિયનને એક મોટું મિક્સર મશીન વીજ મથકે લઈ જવાનું કામ સોંપાયું. ટુકડીને ખબર પડી ગઈ કે હાલ એમણે વીજ મથક બનાવવાનું કામ કરવાનું છે. મકાન અધૂરું હતું, શિયાળા પહેલાં એનું કામ બંધ કરાયું હતું, હવે પાછું ચાલુ કરવાનું હતું. પાવલો કામ માટે જોઈતા ઓજારો લેવા ગયા હતા, બે માણસોને ત્યાં મોકલ્યા. ચાર માણસોને વીજ મથકની આજુબાજુથી બરફ સાફ કરવાનું કામ સોંપાયું, એના દરવાજા પાસેથી, એન્જિન રૂમમાંથી અને ચાલવાના રસ્તાઓ અને દાદરો ઉપરથી, બધેથી બરફ સાફ કરવાનો હતો. બે જણને એન્જિન રૂમનો સ્ટવ સળગાવવાનું કામ સોંપાયું. એને માટે પહેલાં તો એમણે પાટિયા ચોરવા પડશે, અને એના ટુકડા કરે પછીજ એ સ્ટવમાં નખાશે. એક માણસ સિમેન્ટ લાવવા માટે, બે પાણી માટે અને બે રેતી માટે. રેતી થીજી ગઈ હતી, એટલે એક માણસને એને કોશથી તોડવાનું કામ સોંપાયું.

કામ વગર ના રહ્યા શુખવ અને કિલ્ડીગ્સ, ટુકડીના સૌથી કુશળ કારીગરો. ફોરમૅન એમને બાજુ ઉપર લઈ ગયા, અને કહ્યું, “છોકરાંઓ, સાંભળો!” (એમની ઉંમર કંઈ વધારે નહતી, પણ એ હંમેશાં બધાને ‘છોકરાંઓ’ જ કહેતા) “ટુકડી ૬નું અધૂરું કામ પૂરું કરવાનું છે. જમ્યા પછી બીજો માળ ચણવા માંડજો, બ્રીઝ-બ્લૉક્સથી (ઝીણી કોલસીની બનેલી હલકી ઈટો) ચણવાનો છે. પણ હમણાં એન્જિન રૂમને ગરમ કરવાનો છે. એમાં ત્રણ મોટી બારીઓ છે. તમારું પહેલું કામ બારીઓ બંધ કરવાનું છે. એ શેનાથી કરવી એ તમે વિચારો. મદદ માટે માણસો મળશે. એન્જિન રૂમમાં ગરમાવો ખાઈશું અને મિશ્રણ માટે પણ વાપરીશું. બાકી આ ટાઢમાં કૂતરાની જેમ ઠરી જઈશું. સમજ્યા?” એ આગળ બોલવા જતા હતા, ત્યાં સોળ વરસનો, ગુલાબી ગાલ વાળો, ગોપ્ચિક, દોડતો એમને બોલાવવા આવ્યો. બીજી ટુકડી એમને મિક્સર નહોતી લેવા દેતી, અને એનો ઝઘડો થયો હતો. એટલે ત્યુરીન ત્યાં દોડ્યા. આ ઠંડીમાં કામ શરૂ કરવાનું અઘરું હતું. પણ એક વાર શરૂ થયા પછી વાંધો ના આવે. શુખવ અને કિલ્ડીગ્સે એક બીજાની સામે જોયું. આની પહેલાં પણ એમણે સાથે કામ કરેલું અને એ કડિયાને અને સુથારને એક બીજા માટે ઘણું માન હતું, એક બીજાના કામનું સન્માન કરતા હતા. ચારે તરફ તો બરફ જ બરફ હતો, આવામાં બારીઓ બંધ કરવા માટે શું મળશે અને ક્યાંથી મળશે? પણ કિલ્ડીગ્સ બોલ્યા, “વાન્યા, (માનપૂર્વક સંબોધન માટે વપરાતો એક શબ્દ) સાંભળ! પ્રીફેબ પાટિયાં જ્યાં મૂક્યાં છે ત્યાં એક મોટો ડામરવાળા કાગળનો વીંટો પડ્યો છે. કંઈ કામનો નથી. મેં જ મૂક્યો છે. તેને લઈ આવીએ?”

લાટવિયન હતા, પણ કિલ્ડીગ્સ જન્મજાત રૂસી હોય એવી સરસ રૂસી ભાષા બોલતા. એમના ગામની જોડેના જ ગામના લોકો કટ્ટર રૂસી, એટલે ‘ઓલ્ડ બીલીવર્સ’ હતા. એટલે નાની ઉંમરે જ એ રૂસી ભાષા શીખી ગયા હતા. બે વરસથી જ છાવણીમાં આવ્યા હતા, પણ એ બધું સમજતા. માંગવાથી કશું ના મળે. એમનું નામ યાન હતું, પણ શુખવ પણ એમને વાન્યા કહીને સંબોધતા.

બારીઓ માટે ડામરવાળા કાગળનો વીંટો વાપરવાનું નક્કી થયું. પણ પહેલાં શુખવ એમનું લેલું લેવા ગયા. એ લેલું જે એમણે મોટરગાડી સમી કરવાની દુકાનની અડધી ચણાયેલી દીવાલમાં સંતાડેલું. લેલું તો કડિયાનો મુખ્ય ઓજાર, ઘણું અગત્યનું ઓજાર, એટલે એ હલકું અને ફાવે એવું જોઈએ. પણ અહીંયાં તો સવારના કામ ઉપર આવીને ઓજારો લેવાના અને રાતે પાછા જતા પહેલાં એને જમા કરાવી દેવાનાં. બીજે દિવસે કેવું ઓજાર તમારા હાથમાં આવશે એ કોને ખબર. પછી એક દિવસ શુખવએ ઓજાર બનાવનારને પટાવીને એક સરસ લેલું બનાવડાવ્યું. દર વખતે જુદે-જદે સંતાડતા અને જ્યારે કડિયાકામ કરવાનું હોય ત્યારે એને લઈ આવતા. હા, આજે જો શુસ્કરદોખ જવું પડત તો એ પાછા લેલું વગરના થઈ જાત! પણ આજે તો બે-ચાર કાંકરા ખસેડી, ચિરાડમાં હાથ નાખ્યો એટલે લેલું બહાર!

શુખવ અને કિલ્ડીગ્સ ગાડી સમી કરવાના કારખાનામાંથી નીકળીને પ્રીફેબની વખાર તરફ જવા માંડ્યા. એ ચાલતા જતા હતા. શ્વાસ બહાર આવતાંની સાથે જ ઘટ વરાળ બની જતો. સૂરજ ઊંચો આવી ગયો હતો, પણ એનો પ્રકાશ ધુમ્મસમાંથી આવતો હોય એવો હતો, નિસ્તેજ અને ઝાંખો. અને સૂરજની બંને બાજુ આ શું હતું? વાડના થાંભલા? શુખવે ઇશારો કરીને કિલ્ડીગ્સનુંએના તરફ ધ્યાન દોર્યું. પણ કિલ્ડીગ્સે હસી કાઢ્યું.

“તાર વગરના થાંભલાની તો કોઈ ચિંતાજ નથી. એમાં તાર બાંધે ત્યારે જોવાનું.”

કિલ્ડીગ્સ દરેક વસ્તુ મશ્કરીમાં લેતા, ગમે તે હોય, એ બધું હસી કાઢતા. એમની ટુકડીમાં એ સૌના પ્રિય હતા. અને છાવણીના લાટવિયનોને એમને માટે ઘણું માન હતું. પણ કિલ્ડીગ્સને હસવાનું પોસાય એવું હતું. એમના મહિનામાં બે પાર્સલ આવતાં, એટલે પેટ ભરીને ખાવાનું મળતું, ગાલ ભરેલા અને લાલ રહેતા, એ કેદી જેવા લાગતા જ ન હતા.

વીજ મથકનુ પરિસર વિશાળ હતું. થોડું ગ્રામીણ ક્ષેત્ર જેવું પણ હતું. ચાલીને જતા હોવ તો ગ્રામીણ ક્ષેત્રમાં ચાલવા નીકળ્યા હોવ એવું લાગે. એ જતા હતા ત્યાં ટુકડી ૮૨ના કેદીઓ સામે ભટકાયા. પાછું એમને ખાડા ખોદવાનું કામ સોંપાયું હતું. બહુ મોટા ખાડા નહીં, ૫૦ સેન્ટિમીટર બાય ૫૦ સેન્ટિમીટર અને ઊંડાઈ પણ ૫૦ની. પણ આ જમીન પથ્થર જેવી નક્કર અને કઠણ હતી, ઉનાળામાં પણ ખોદકામ કરવું ભારે પડતું, તો અત્યારે, એટલી થીજી ગયેલી જમીનને ખોદવી, ઘણું અઘરું કામ હતું, ભાઈ! તીકમ સરકી જતી, તણખા ઊડતા, પણ એ જામેલા બરફનો થર એમનો એમ જ રહેતો, એમાં એક નાની તિરાડ પણ નહોતી પડતી. દરેક કેદી પોતાનાં ખાડા પાસે ઊભો હતો. થોડી-થોડી વારે આજુબાજુ જોતા, કશે જવાય એવું છે, કશે બેસાય એવું છે? પણ આજુબાજુ કશું જ ન હતું, થોડી હૂંફ, થોડો ગરમાવો, કશું મળે એવું કંઈ કરતા કંઈ ન હતું. વળી એમને આ જગ્યાએથી ખસવાની પણ મનાઈ હતી, એટલે પછી તીકમ ઉપાડીને ખાડો ખોદવાનો પ્રયત્ન કરતા. એમને તો બસ આ કામથી હૂંફ અને ગરમાવો મેળવવાના હતા!

શુખવને એક પરિચિત મોઢું દેખાયું. પેલો વિત્યાકાનો રહેવાસી. શુખવે એમને સલાહ આપતા કહ્યું, “ખોદતા પહેલાં દરેક ખાડા ઉપર લાકડા સળગાવો તો બરફ ઓગળશે, અને જમીન થોડી પોચી થશે.”

એ વિત્યાકાના નિવાસીએ નિસાસો નાખતા કહ્યું, “અમને એ નથી કરવા દેતા. બાળવા માટે લાકડા ક્યાં આપે છે?”

“તો શોધી લાવો!”

કિલ્ડીગ્સ કંટાળીને થોડા ઊંચા સાદે બોલ્યા, “તું જાણે તો છે, વાન્યા! જો એ લોકો પાસે થોડી પણ અક્કલ હોત તો શું આ લોકોને તીકમથી ખોદવાનું કહેત? એ પણ આવી ઋતુમાં?”

ચીડમાંને ચીડમાં થોડા અસ્પષ્ટ અપશબ્દો બોલીને એ ચૂપ થઈ ગયા. આમ પણ આ ઠંડીમાં વાત કરવી કોને ગમે? બંને જણા આગળ વધ્યા. ખાસું એવું ચાલ્યા ત્યારે પ્રીફેબનો ઢગલો આવ્યો. પાટિયાં બધાં બરફથી ઢંકાઈ ગયાં હતાં. શુખવને કિલ્ડીગ્સ સાથે કામ કરવું આમ તો ગમતું હતું, ખાલી એ સિગારેટ નહોતા પિતા એ થોડું નડતું હતું. એમના પાર્સલમાં તમાકુ કોઈ દિવસ નહોતું આવતું. પણ હા, કિલ્ડીગ્સનું બધી બાજુ ધ્યાન રહેતું.

બંને જણાએ ભેગા થઈને એક પાટિયું ખસેડ્યું, પછી બીજું, અને ડામરવાળા કાગળનો વીંટો દેખાયો.

એને ખેંચીને બહાર કાઢ્યો. હવે કેવી રીતે લઈ જવો, એ પ્રશ્ન હતો. બુરજ ઉપરના પહેરેગીરો જોઈ જાય તો કોઈ વાંધો નહીં, કોઈ નાસી ના છૂટે એનું જ ધ્યાન રાખતા, એ પોપટો. તમે અંદર શું કરો છો એની સાથે એમને કોઈ લેવાદેવા ન હતી. એકે-એક પાટિયાના કુહાડીથી ટુકડા કરી દો તો પણ એમને પડી નહતી. બીજા રખેવાળ આવે તો પણ વાંધો ન હતો, એ પોતે જ કોઈને કોઈ કામની વસ્તુઓ ઉઠાવી જવાની પેરવીમાં હોય. અને કેદીઓ કે ફોરમૅનનો તો સવાલ જ નહીં, એમના બાપનું ક્યાં કશું જાય છે! પડી હોય તો અહીંના વહીવટદારને, જે સ્વાધીન મજૂર હતો અને ત્યાં નોકરી કરતો હતો, કે પછી અહીં દેખરેખ રાખવા નીમેલા કેદીને અથવા તો પેલા તાડ જેવાં ઊંચા શ્કુરાપત્યેન્કાને. શ્કુરાપત્યેન્કા આમ તો કેદીજ હતો, અને તે કૃપણ અને ઘણો લુચ્ચો માણસ હતો. એને રોજી ઉપર પ્રીફેબ પાટિયાંઓની ચોકી કરવાનું કામ સોંપાયું હતું, બીજા કેદીઓ એના ટુકડા કરી-કરીને ના લઈ જાય એ જોવાનું એનું કામ હતું. શ્કુરાપત્યેન્કા એમને જોઈ જશે, અને પકડી પાડશે એની બીક હતી.

શુખવને એક વિચાર આવ્યો.

“હું શું કહું છુ, વાન્યા, આપણે એને બે છેડેથી ઊંચકીને ના લઈ જઈએ. આપણા બેની વચ્ચે એને ઊભું કરી દઈએ. બંને જણા એક-એક હાથથી એને પકડી રાખીશું. એને લઈને ચાલવા માંડી શું. બેની વચ્ચે થોડુક સંતાયેલું હશે તો એને નહીં દેખાય. એ થોડો દૂર હશે તો તો બિલકુલ વાંધો નહીં આવે.”

વિચાર સારો હતો. પણ એને એક હાથે પકડવાનું ના ફાવ્યું, એટલે બંનેની વચ્ચે એને હાલે નહીં એમ દબાવી દીધું અને ચાલવા માંડ્યા.પાછળથી જુઓ તો ત્રણ માણસો ચાલતા હોય એવું લાગતું, અને બાજુમાંથી તો બેજ માણસો, એક બીજાને પડખે ચલાતા હોય, એવું લગતું હતું.

“વહીવટદારને ખબર તો પડશે જ. બારીઓમાં આ કાગળ લગાડીશું એટલે એને તરત ખબર પડશે,” શુખવ બોલ્યા.

કિલ્ડીગ્સે આશ્ચર્યથી પૂછ્યું, “તો એમાં આપણે શું? એ પહેલેથી લગાડેલા હતા. આપણે વીજ મથકમાં કામ કરવા પહોંચ્યા ત્યારે એ બારીઓમાં લગાડેલા જ હતા. આપણે એ કાઢી નાખીશું, એવી અપેક્ષા તો કોઈ રાખે જ નહીં.”

વાત તો સાચી હતી.

હાથનાં મોજાં પાતળાં હતાં એટલે શુખવના હાથ ઠરી ગયા હતા, અક્ક્ડ થઈ ગયા હતા. પણ એમના બૂટ ટકી રહ્યા હતા. બૂટ ટકી રહેવા જોઈએ, એ અગત્યનું હતું. બાકી કામ શરૂ કરો એટલે હાથ તો પાછા સરખા થઈ જાય.

એ જે મેદાનમાં ચાલી રહ્યા હતા, તેમાં બરફ સહેજ પણ કચડાયેલો નહતો. એ પસાર કર્યું અને એમને બરફમાં પાટાની વાટ દેખાઈ. ઓજારોના ઓરડાથી શરૂ થઈને વીજ મથક સુધી જતી હતી. સિમેન્ટ બરફની ગાડીમાં મૂકીને લઈ ગયા હશે.

વીજ મથક, છેક બીજા છેડે, એક નાની ટેકરી ઉપર હતું. એના સુધી પહોંચવાના બધા રસ્તાઓ બરફથી ઢંકાયેલા હતા, ત્યાં ઘણા વખતથી કોઈ ગયું નહતું. એ બરફની ચાદર ઉપર ટુકડી ૧૦૪ના પગલાના નિશાન અને બરફની ગાડીના પાટાના નિશાન સ્પષ્ટ દેખાતાં હતાં. બધા કામે લાગી ગયા હતા, એમના લાકડાના પાવડાથી બરફ કાઢીને માણસોની અને ટ્રકોની અવરજવર માટે રસ્તો સાફ કરી રહ્યા હતા.

ક્રેન કામ કરતું હોત તો થોડું સારું પડત, પણ થોડા વખત પહેલાં એનું એન્જિન ગરમ થઈ અને બંધ પડી ગયું હતું અને ત્યારથી એ બંધ જ હતું. એટલે હવે એમણે બધું ખભે નખીને ઉપર, બીજે માળ, ચઢાવવાનું રહ્યું. દીવાલ ચણવાનો માલ, બ્રીઝ-બ્લૉક્સ , બધુંજ. અને એવું પહેલી વાર નહોતું બન્યું.

બે મહિનાથી વીજ મથક હાડપિંજર જેવું બેજાન પડ્યું હતું, બરફની દુનિયામાં એક ભૂખરું હાડપિંજર. પણ હવે, હવે તો ટુકડી ૧૦૪ આવી પહોંચી છે! આ કઈ માટીના માણસો છે, સમજાતું નથી! ખાલી પેટ ઉપર દોરડાનો પટ્ટો થોડો કઠણ કરે. અને ઠંડી તો કહે મારું કામ! આ કડકડતી ટાઢમાં કોઈ હૂંફાળી જગ્યા નહીં, કોઈ તાપણી નહીં, એક તણખલું પણ નહીં. તો પણ ટુકડી ૧૦૪ આવી અને આ બેજાન જગ્યામાં જીવન ફરી શરૂ થયું!

સિમેન્ટ મિક્સર જનરેટિંગ રૂમના દરવાજા પસે મૂકેલું હતું, ભાંગેલું, તૂટેલું, લગભગ ભંગાર હાલતમાં એ ત્યાં પડ્યું હતું. શુખવને તો આશા નહોતી જ કે એ સારી હાલતમાં એમને મળશે. ફોરમૅને દેખાડા ખાતર થોડા ઘાંટા પડ્યા, પણ એ જાણતા હતા કે આમાં કોઈનો વાંક નહતો. ત્યાં કિલ્ડીગ્સ અને શુખવ આવી પહોંચ્યા, ડામરવાળા કાગળનો વીંટો લઈને આવ્યા એટલે ફોરમૅને ઉત્સાહભેર નવી સૂચનાઓ આપી. સ્ટવ ચાલુ થાય તો થોડો ગરમાવો મળે, એટલે ફોરમૅને શુખવને સ્ટવ ઉપર પાઇપ જોડીને ધુમાડિયું બનાવવાનું કામ સોંપ્યું. કિલ્ડીગ્સને સિમેન્ટ મિક્સર સમું કરવાનું કામ સોંપ્યું, મદદ માટે બંને સ્તોનિયનોને એમની સાથે જવાનું કહ્યું. ડામરવાળો કાગળ તો અડધી બારીમાં આવે એવું હતું, આખી બારી એનાથી નહોતી ઢંકાતી, અને એને બેસાડવા માટે લાકડાનું માળખું તો બનાવવું પડશે ને? એટલે સીએન્કા કલ્યેવશિનને એમની કુહાડી લઈને મચી પડવાનું કહ્યું. પણ લાકડાં આવશે ક્યાંથી? વહીવટદાર ઓરડો ગરમ રાખવા લાકડું તો આપશે નહીં. ફોરમૅને આજુબાજુ નજર નાખી, બધાએ આજુબાજુ નજર નખી. એક વસ્તુ કરાય એવી હતી. બીજે માળ જવાના ઢાળ ઉપર સાવચેતીના જે પાટિયાં માર્યાં હતાં એમાંથી જોઈતા પાટિયાં લઈ લેવાં. બધા જોઈને, સાચવીને ચાલશે તો કોઈ પડવાનું નથી. બીજું તો કંઈ થાય એવું ન હતું.

આપણને વિચાર તો આવે કે કેદીઓ દસ-દસ વરસ સુધી છાવણીઓમાં આવી સખ્ખત મજૂરી કેમ કરતા હશે. એની ના પાડી આખો દિવસ આરામ કેમ નહીં કરતા હોય? અને રાત તો એમની હતી જ ને?

પણ છાવણીમાં એવું ના કરાય. ટુકડીઓની યોજના જ એવી હતી કે તમે એ ના કરી શકો. બહાર કામ માટેની ટુકડીઓ જેવી આ છાવણીની ટુકડીઓ ન હતી. બહાર ઇવાન ઇવાનવિચ અને પ્યોત્ર પિત્રોવીચ ટુકડીમાં કામ કરે તો એમને એના પૈસા મળતા, બંનેને જુદા-જુદા પૈસા મળતા. પણ છાવણીમાં ટુકડીની ગોઠવણ જુદી હતી. એમાં કેદીઓની દેખરેખ અધિકારીઓ નહીં, પણ સહકેદીઓ રાખતા, એમની ઉપર નિયંત્રણ રાખતા, મળે તો ટુકડીના બધાને બોનસ મળે, નહીં તો કોઈને ના મળે. ‘નાલાયક કામ કર, કામ! હાથ જલ્દી ચલાવ! તારા જેવા હલકટ માણસ માટે હું ભૂખ્યો મરું? ચલ ચલ, જલ્દી કર!’

જ્યારે કોઈ ટુકડી તકલીફમાં હોય, જેમ ૧૦૪ અત્યારે હતી, ત્યારે કોઈ આળસ ના કરે. ઇચ્છા હોય કે ના હોય, બધા મચી પડે. બધા જાણતા હતા કે જો બે કલાકમાં આ જગ્યામાં ગરમાવો નહીં લવાય તો બધાનું આવી બનશે.

પાવલો ઓજારો લઈ આવ્યા હતા, શુખવએ એમાંથી જોઈતાં ઓજારો શોધવા માંડ્યાં. થોડી પાઇપો મળી. તે લીધી. લુહારના બધાં ઓજારો તો ન હતા પણ હથોડો અને એક નાની કુહાડી હતી. એનાથી કામ ચલાવવું પડશે.

શુખવે તાળીઓ પડીને હાથ થોડા ગરમ કર્યા પછી છેડે હથોડા મારીને પાઇપોને જોડવા માંડ્યા. હાથની તાળી, હથોડાનો માર, હાથની તાળી, હથોડાનો માર. (એમનું લેલું પાસેજ સંતાડેલું હતું. આમ તો ટુકડીમાં બધા સહ-કેદીઓ હતા, પણ કોઈ એ લેલું લઈ, અને એની જગ્યા એ બીજું મૂકી દઈ શકે, કિલ્ડીગ્સ પણ એવું કરી શકે.)

કામ શરૂ કર્યું એટલે શુખવના મગજમાં ચાલતા બધા આડા-અવળા વિચારો બંધ થઈ ગયા, એક જ વિચાર રહ્યો, ધુમાડિયું કઈ રીતે મૂકવું, એને કઈ રીતે જોડવું જેથી ઓરડામાં બિલકુલ ધુમાડો ના થાય અને એ સીધો બહાર જાય. ધુમાડિયાની પાઇપ બારીની બહાર જવા દીધી અને એને ત્યાં બાંધવા માટે ગોપ્ચિકને વાયર લેવા મોકલ્યો.

ઓરડાના એક ખૂણામાં એક બીજો સ્ટવ પણ હતો. પ્હોળો અને બેઠા ઘાટનો. એનું ધુમાડિયું ઈંટોનું બનેલું હતું. લોખંડનો એનો ઉપલો સપાટ ભાગ ગરમ થઈને લાલચોળ થઈ જતો. રેતી એની ઉપર સરસ ગરમ થઈને કોરી પડી જશે. એ સ્ટવ સળગાવી દીધેલો અને કૅપ્ટન અને ફ્તીકોફ હાથલારીમાં રેતી લેવા ગયા હતા. હાથલારી ચલાવવા માટે કોઈ આવડતની જરૂર ના હોય, એટલે જ ફોરમૅને આ બે ‘સાહેબો’ને આ કામ સોંપ્યું હતું. ફ્તીકોફ કોઈ કાર્યાલયમાં મોટા સાહેબ હતા અને એમની પાસે ગાડી પણ હતી.

પહેલવેહલા જ્યારે આ બેને જોડે કામ સોંપાયું , ત્યારે ફ્તીકોફએ થોડી દાદાગીરી કરવાની શરૂ કરી હતી, પણ કૅપ્ટને સામે એક ધોલ મારી, અને બંને જણાએ શાન્ત રહેવાનું નક્કી કર્યું! અમુક કેદીઓ રેતી વાળા સ્ટવનો ગરમાવો લેવા ધીરે-ધીરે એ તરફ વધી રહ્યા હતા. પણ ફોરમૅનની તરતજ બૂમ પડી, “હમણાં ફટકારીશ તો બધો ગરમાવો આવી જશે! પહેલાં આ વપરાય એવું કરો! કામે લાગો!”

હારેલા કૂતરાને ચાબુક બતાડી! તીવ્ર ઠંડી તો હતી, પણ ફોરમૅનનો ગુસ્સો વધારે તીવ્ર હતો! બધા પાછા કામે લાગ્યા.

શુખવે સાંભળ્યું કે ફોરમૅને પાવલોને ધીમેથી કહ્યું, “તું અહીં બરાબર ધ્યાન રાખજે. મારે મજૂરી નક્કી કરવા જવું પડશે.”

કામ કરતાં ટકાવારીનું મહત્ત્વ વધારે હતું. અને હોંશિયાર ફોરમૅન કામ કરતાં એની મજૂરી ઉપર ધ્યાન વધારે જ આપે. મજૂરીથી જ તો પેટ ભરાય. કામ થયું છે કે નહીં એ અગત્યનું ન હતું, પણ ના થયું હોય તો પણ થયું છે એવો દેખાડો કરવાનો અગત્યનું હતું. જો કામનો દર ઓછો હોય તો એનો દર કેવી રીતે વધે એની યુક્તિઓ વિચારવાનું ફોરમૅનનું કામ હતું. ફોરમૅનની હોશિયારી આ બધામાં કામ લાગે. પણ એકલી હોશિયારી ના ચાલે, નોર્મ-સેટર સાથે પણ ‘સમજૂતી’ જોઈએ. એ પણ તાકીનેજ બેઠા હોય ને?

અને વિચારો, કામ જલ્દી પૂરું થાય તો એનો ફાયદો કોને થાય? છાવણીને! છાવણી હજારો રૂબલ કમાય અને એના લેફ્ટનન્ટોને ઇનામ આપે, વોલ્ગવય જેવાને, ચાબુક લાવવા ઇનામ આપે! અને તમને? તમને તો એક જ દિવસ, રાતના જમવામાં બસો ગ્રામ વધારાની બ્રેડ મળે! પણ ઘણી વાર તમારા અસ્તિત્વનો આધાર એ બસો ગ્રામ ઉપર નિર્ભર હોય. વેલ્લામુર કેનલ (બાલ્ટિક-વ્હાઈટ સીની કનેલ જે ૧૯૩૧-૩૩માં કેદીઓએ બાંધેલી, અને ઘણાં કેદીઓ એ કામ કરતા જાન ગુમાવેલી) આવા બસો ગ્રામથી જ બંધાયેલી ને?

બે ડોલ પાણી આવ્યું, પણ એ લાવતા-લાવતા થીજી ગયું. એટલે પાવલોએ નક્કી કર્યું કે બીજું પાણી લાવવાનો કોઈ અર્થ નથી. ત્યાં જ પડેલા બરફને ઓગાળવો સહેલો પડશે અને કામ જલ્દી થશે. બંને ડોલોને સ્ટવ ઉપર મૂકી દીધી.

ગોપ્ચિક વીજ કારીગર વાપરે એવા નવા ઍલ્યુમિનિયમનાં વાયરો કશેકથી ઉપાડી લાવ્યો, અને બોલ્યો, “જો ઇવાન દિનીશવીચ! ચમચી બનાવાય એવા વાયર છે. કેવી રીતે એને ઘડવાની? મને શિખવાડીશ?”

ઇવાન દિનીશવીચને એ બદમાશ ગોપ્ચિક ગમતો. (એમનો પોતાનો દીકરો નાનપણમાં જ ગુજરી ગયો હતો. અને બે મોટી દીકરીઓ ઘરે હતી.) ગોપ્ચિક જંગલમાં સંતાયેલા યુક્રેનના ગેરીલા સિપાઈઓને દૂધ આપવા જતો હતો ત્યારે પકડ્યો હતો. સગીર હતો, પણ સજા સગીરની નહોતી. એ રમતિયાળ ગલૂડિયાની જેમ કેદીઓની આજુબાજુ તોફાન કરતો રહેતો. પણ પાકો હતો. એના પાર્સલમાંથી કોઈને કશું આપે નહીં. તેમને ઘણી વાર અડધી રાતે એ ચાવતો હોય એનો અવાજ સંભળાતો.

બધાને થઈ રહે એટલું તો નાજ હોય ને.

ચમચી બને એટલો વાયર તોડીને ખૂણામાં સંતાડી દીધો. બે પાટિયાં જોડીને શુખવે નિસરણી જેવું બનાવ્યું. અને પાઇપ બાંધવા ગોપ્ચિકને એની ઉપર ચઢાવ્યો. ગોપ્ચિક તો ખિસકોલીની જેમ ચઢી ગયો. પછી મોભ ઉપર ચઢીને ખીલો ઠોક્યો. વાયર લઈ પાઇપને એ ખીલા સાથે બરાબર બાંધી. શુખવ પણ કંઈ નવરા નહોતા બેઠા. એટલામાં એમણે પાઇપનું ધુમાડિયું પૂરું કર્યું. એમાં છેલ્લે એક વળાંક વાળી પાઇપ લગાડી. એનો વળાંક ઉપરની બાજુ રાખ્યો, એટલે પવન હોય તોય ધુમાડો અંદર ના આવે. આજે પવન ન હતો, પણ કાલે હોય પણ ખરો. એમને યાદ હતું કે સ્ટવ પોતાને માટે ચાલુ કરવાનો હતો.

ત્યાં સુધીમાં સીએન્કા કલ્યેવશિનએ લાકડાની લાંબી પટ્ટીઓ તૈયાર કરી દીધી હતી, અને ગોપ્ચિકને ડામરવાળા કાગળને ખીલીઓ મારવાનું કહ્યું. એ બારકસ વાતો કરતા-કરતા ફટાફટ ઉપર ચઢી જતો.

સૂરજ વધારે ઉપર ચઢ્યો હતો. ધુમ્મસ વિખરાઈ ગયું હતું. પેલા બે થાંભલા દેખાતા ન હતા, ત્યાં માત્ર સૂરજનો ઝળહળતો લાલ પ્રકાશ હતો.

ચોરેલા બળતણથી સ્ટવ ધગધગતો થયો. કેદીઓમાં થોડો ઉત્સાહ આવ્યો.

“જાન્યુઆરીનો સૂરજ ગાય ના પડખાં તપાવે,” શુખવે ટિપ્પણી કરી.

કિલ્ડીગ્સ માલ અંદર મોકલવા માટે નાળા જેવું બનાવી રહ્યા હતા. એ તૈયાર થઈ ગયું હતું અને છેલ્લો કુહાડીનો માર મારતા બોલ્યા, “ ઓય પાવલો! આ કામ માટે હું ફોરમૅન પાસેથી સો લઈશ. એક પણ કોપેક ઓછો નહીં ચાલે!”

પાવલો હસતા-હસતા બોલ્યા, “તને કદાચ સો ગ્રામ મળશે!”

અને ઉપર ચઢેલા ગોપ્ચિકે ઉમેર્યું, “અને ફોજદારી બક્ષિશ મળશે એ જુદી!”

શુખવે એકદમ બૂમ પડી, “ઊભા રહો! એને ના અડો! એને રહેવા દો!” એ લોકો ડામરવાળા કાગળને ખોટી રીતે કાપતા હતા. એમણે કાપવાની રીત બતાવી.

કેદીઓ સળગતા સ્ટવ પાસે ભેગા થવા માંડ્યા, પણ પાવલોએ એમને ભગાડ્યા. માલ ઉપર સુધી લઈ જવા માટે તગારા જેવું કંઈ જોઈએ. એટલે પાવલોએ કિલ્ડીગ્સને થોડા માણસોની મદદ લઈને તગારા બનાવવાનું કહ્યું. રેતી લાવવા માટે બીજા વધારાના માણસોને મોકલ્યા. પાલખ અને ચણાઈ ગયેલી દીવાલો ઉપર બરફ હતો, એને કાઢવા માટે થોડા માણસોને ઉપર મોકલ્યા. એક માણસને અંદરની ગરમ રેતીને કિલ્ડીગ્સે બનાવેલા માલના નાળામાં નાખવાનું સોંપ્યું.

બહાર એન્જિનનો અવાજ આવ્યો. બ્રીઝ-બ્લૉક્સ આવવા માંડ્યા, અને ટ્રક અંદર, મકાનની પાસે આવી હતી. ક્યાં ઉતારવાના છે એ બતાવવા પાવલો દોડ્યા.

એક ડામરવાળા કાગળનો ટુકડો લાગી ગયો, આ બીજાને પણ ખીલીઓ લાગી ગઈ. પણ એ કેટલું અને કેવું રક્ષણ આપશે? આખરે તો એ કાગળજ હતો ને? પણ એક આડશ, નક્કર આડશ તો લાગે. અને અંદર અંધારું થાય એટલે સ્ટવ પણ થોડો વધારે જ્વલંત લાગે.

અલયોશ્ક કશેકથી કોલસા લઈ આવ્યો. બે બાજુથી બૂમો પડી, “અંદર નાખી દે!” અને “ના, ના, અંદર ના નાખ, લાકડાનો વધારે ગરમાવો રહશે!” એ ઊભો રહી ગયો, એને ખબર ના પડી કે કોનું માને!

ફ્તીકોફસ્ટવ પાસે બેસી ગયો, અને પગ લંબાવ્યા, મૂરખાની જેમ બૂટ લગભગ આગમાં જાય એટલા લંબાવ્યા! કૅપ્ટને બોચું પકડીને એને ઊભો કર્યો, અને હાથલારી તરફ ધક્કો માર્યો, “રેતી લેવા જ, નાલાયક!”

કૅપ્ટન માટે હુકમ એટલે હુકમ, પછી એ છાવણીમાં હોય કે જહાજ ઉપર. મહિનામાં એમનું શરીર ખાસું એવુ ઊતરી ગયું હતું. પણ હિમ્મત તો હેમખેમ હતી!

ડામરવાળા કાગળના પડદા ત્રણે બારીઓને લાગી ગયા હતા. હવે માત્ર બારણામાંથીજ અજવાળું આવતું હતું, અને ઠંડી પણ. પાવલો એ બારણાના ઉપરના અડધા ભાગમાં પાટિયું મારી દેવાનું સૂચન આપ્યું. નીચેથી ખુલ્લું હોય એટલે વાંકા વળીને બધા અંદર આવી શકે. અને કામ પત્યું.

એટલામાં ત્રણ ટ્રક ભરીને બ્રીઝ-બ્લૉક્સ આવી ગયા હતા. હવે સવાલ એ હતો કે એને બીજે માળ સુધી લિફ્ટ વગર કેવી રીતે લઈ જવા. પાવલોએ કડિયાઓને બૂમ મારી, “ચાલો, કામ શરૂ કરીએ.”

ગર્વ કરાય એવું આ કામ હતું. શુખવ અને કિલ્ડીગ્સ પાવલોની પાછળ-પાછળ ગયા. ઢાળ પહેલેથીજ સાંકડો હતો, અને હવે તો એનો કઠેરો પણ નહોતો રહ્યો, સીએન્કાએ વાપરી નાખ્યો હતો. એટલે પડવું ના હોય તો દીવાલને અડીને ચાલવું પડે. વળી પાછો બરફ જામી ગયો હતો અને એ નાની પટ્ટીના છેડે તો થોડો ગોળાકારમાં થીજી ગયો હતો. પગ મૂકવાની પણ સરખી જગ્યા નહતી, માલ ક્યાંથી ઉપર ચઢાવવો? ત્રણેએ અડધી ચણાયેલી દીવાલો ઉપર નજર નાખી. થોડા સાથીઓઉપરનો બરફ પાવડાથી કાઢી રહ્યા હતા. પણ નીચે, જામી ગયેલો બરફ તો નાની કુહાડી કે એવા કશાકથી ધીરે-ધીરે છોલવો પડશે, તોજ બધું સાફ થશે.

બ્રીઝ-બ્લૉક્સ ઉપર ક્યા જોઈશે એ નક્કી કરીને એ જગ્યા ઉપર ઊભા રહીને ત્રણેએ નીચે જોયું. હા, ચાર જણા છેક નીચે ઊભા રહેશે, અને સૌથી નીચેની પાલખ ઉપર ઊભેલા બે માણસો એને લઈને ઉપર આપશે. ત્યાં પણ બે જણા જોઈશે, જે કડિયાને આપશે. ઢાળ ઉપરથી લાવવા કરતાં આ સારું રહેશે. ઓછી મહેનતે ઝડપી કામ થશે.

ઉપર પવન હતો પણ આજે એ બહુ તેજ નહતો. જોકે કામ કરશે ત્યારે પવન તો નડવાનો જ હતો. પણ તૈયાર દીવાલોની આડમાં રહીને કામ કરશે તો બહુ વાંધો નહીં આવે.

શુખવે આકાશ તરફ જોયું, ઓહો! આકાશ ચોખ્ખું થઈ ગયું હતું, અને સૂરજ માથે હતો. જમવાનો સમય થવા આવ્યો હતો. કામ કરતા હોવ તો સમય ક્યાં પસાર થાય, ખબર ના પડે, તમને ખ્યાલ આવે એ પહેલાં તો દિવસો ના દિવસો પસાર થઈ ગયા હોય. પણ તમારી સજા ત્યાંની ત્યાં જ હોય. સજાનો સમય કદી ઓછો ના થાય.

નીચે પહોચ્યાં તો બધા સ્ટવ આગળ ભેગા થઈને બેઠા હતા. કૅપ્ટન અને ફ્તીકોફ ત્યાં ન હતા. એ હજી રેતી લાવી રહ્યા હતા. પાવલો ચિઢાયા. આઠ જણને બ્રીઝ-બ્લૉક્સ માટે રવાના કર્યા, બેને તૈયાર કરેલા નાળામાં સિમેન્ટ અને રેતીને પાણી વગર ભેગું કરવાનું સોંપ્યું, એકને પાણી લેવા મોકલ્યો અને એકને કોલસા. કિલ્ડીગ્સે એની ટુકડીને કહ્યું, “ચાલો, ચાલો, આ હાથલારીમાં હજી થોડું કામ બાકી છે.”

શુખવને કોઈ કામ જોઈતું હતું. એમણે પાવલોને પૂછ્યું, “હું મદદ કરું?”

પાવલો એ હા પડી, “હા, કર.”

માલ બનાવવા પાણી જોઈએ, એટલે બરફ ઓગાળવા એક ટબ આવ્યું. કોઈક બોલ્યું કે બાર વાગી ગયા લાગે છે.

શુખવે ઉમેર્યું, “સૂરજ માથા ઉપર છે એટલે બાર તો વાગ્યાજ હશે.”

કૅપ્ટન બોલ્યા,“જો માથા ઉપર હોય તો એક વાગ્યો છે, બાર નહીં.”

“એ કઈ રીતે?” શુખવને નવાઈ લાગી. “વડીલો તો બધા ક્હે છે કે જમવાના સમયે, એટલે બાર વાગે, સૂરજ માથા ઉપર હોય.”

“એમના જમાનામાં એવું હશે,” કૅપ્ટને વળતો જવાબ આપ્યો. “હવે સૂરજ માથા ઉપર હોય તો એક વાગ્યો છે. એવું ફરમાન છે.”

“કોનું ફરમાન?”

“રૂસી સરકારનું.”

આટલું કહીને કૅપ્ટન હાથલારી લઈને જતા રહ્યા. શુખવ આમ પણ આગળ કશી દલીલો કરવાના ન હતા. કેવી વાત કરે છે, સૂરજ કંઈ સરકારના ફરમાનો પ્રમાણે ચાલવાનો હતો?

બે-ચાર બીજા ફટકા માર્યા, બે-ચાર બીજા હથોડા પડ્યા અને ચાર તગારા તૈયાર!

“ચાલો ત્યારે, થોડી વાર બેસીએ, થોડા ગરમ થઈએ,” એમ કહી પાવલો એ બંને કડિયાઓ સાથે સ્ટવ સામે બેઠા. “તું પણ આવ, સીએન્કા, જમ્યા પછી તારે પણ કડિયાકામ કરવાનું છે.”

એટલે સ્ટવ પાસે એ ચાર જણા બેસી ગયા, ચોરીછુપી નહીં, કાયદેસર બેઠા હતા. જમતા પહેલાં તો કંઈ કામ શરૂ નહીં કરાય, અને અત્યારથી માલ પણ તૈયાર નહીં કરાય. નહીં તો આ ઠંડીમાં એ થીજી જશે.

કોલસા બરાબર સળગી ગયા હતા અને એમાંથી એક સરખો તાપ આવતો હતો. પણ સ્ટવની પાસે બેઠા હોવ તો એ ગરમાવો તમને લાગે, બાકી ઓરડો તો હજી ઠંડોગાર હતો.

ચારે જણાએ હાથના મોજા કાઢી નાખ્યાં અને સ્ટવના ગરમાવામાં હાથ તાપવા માંડ્યા.

પણ એક વણમાંગી સલાહ, તમે બૂટ પહેર્યા હોય તો પગને તાપવા નહીં બેસવાનું. જો ચામડાના બૂટ હોય તો તેમાં તડો પડી જશે અને જો ફેલ્ટના હોય તો એના ભેજની વરાળ થશે અને પછી એ બૂટમાં વધારે ભેજ આવશે. અને પગ ઠંડા અને ભેજ વાળા જ રહેશે. ગરમ કરવા બહુ પાસે લઈ જશો તો તે બળી જશે અને આખો શિયાળો તમારે એ કાણાં વાળા બૂટમાં કાઢવો પડશે.

“શુખવ આમ તો સારો છે”, કિલ્ડીગ્સે શુખવની મશ્કરી કરી. “અને તમને ખબર છે એનો એક પગ તો એના ઘરના દરવાજે પહોંચી ગયો છે!” બીજા કોઈકે મશ્કરી આગળ વધારી.

“સાચી વાત! પેલો પગ, જેનું બૂટ કાઢી નાખ્યું છે!” અને બધા હસી પડ્યા.

(શુખવે પેલું બળેલું, કાણા વાળું ડાબા પગનું બૂટ કાઢી નાખ્યું હતું અને એ પગ ઉપર વીંટાળેલા કટકાઓને ગરમ કરી રહ્યા હતા.)

“શુખવની સજા તો પૂરી થવા આવી છે,” કિલ્ડીગ્સ બોલ્યા.

કિલ્ડીગ્સની પોતાની સજા પચીસ વરસની હતી. પહેલાં સારો સમય હતો, બધાને દસ-દસ વર્ષની સજા થતી. પણ ’૪૯માં બધું બદલાયું, બધાને પચીસ-પચીસ વર્ષની સજા આપવા માંડી. ગમે તે ગુનો હોય, સજા પચીસ વર્ષની. દસ વર્ષ તો તમે જેમતેમ કઢી શકો, પણ પચીસ?

શુખવને એ ગમતું. લોકો એમની તરફ ઇશારો કરીને જ્યારે કહેતા કે એની સજા પૂરી થવા આવી છે, ત્યારે એમને આનંદ થતો, પણ એ એમનો ઉત્સાહ કાબૂમાં રાખતા, એનો ઉલ્લાસ, એમની આશાને દબાવી રાખતા. યુદ્ધ વખતે જેમની સજા પૂરી થતી હતી તે બધાને ’૪૬ સુધી નહોતા છોડ્યા, ‘આદેશ નથી મળ્યો’ એમ કહીને અંદર જ રાખેલા. એટલે જેમને ત્રણ વરસની સજા થઈ હતી એમણે પાંચ વરસ અંદર કાઢ્યાં. એ લોકો તો મન ફાવે તેમ કરી શકે. તમારા દસ વરસ પૂરાં થાય પછી સારું કહીને બીજા દસ વરસ આપી દે. અથવા તમને દેશનિકાલની સજા આપે અને કશેક દૂર મોકલી દે.

પણ કોઈક વાર! કોઈક વાર તો તમને એ વિચાર આવે જ અને ત્યારે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, એ સ્વછંદ ઊડવા માંડે! તમારી સજા પૂરી થવા આવી છે! રીલમાં બહુ ઓછો દોરો રહ્યો છે! ઓ ભગવાન! જરા વિચારી જુઓ, તમારા બે પગ ઉપર ચાલીને તમે બહાર જશો! કોઈ નિયમો નહીં, કોઈ રોકટોક નહીં, બિલકુલ સ્વતંત્ર અને આઝાદ.

પણ બધાની વચ્ચે ઉત્સાહ બતાડવો શુખવને બરાબર નહોતું લાગતું, એમની સજા તો ઘણી બાકી હતી, એમણે તો હજી સારો એવો સમય અહીં કાઢવાનો હતો. એમણે કિલ્ડીગ્સને કહ્યું, “ગણવાનો શું ફાયદો? તમને ક્યાં ખબર છે કે તમે અહીં પચીસ વરસ રહેશો કે નહીં? આટલા સમયમાં છૂટીશું જ, એવું ધારી ના લેવાય, એ તો પંજેટીથી પાણી ભરવા જેવી વાત છે. એ જ વાત નક્કી કહેવાય કે મેં આઠ વરસ અહીં કાઢ્યાં છે.”

તમને પકડે ત્યારે તમે વિચારવા ના બેસો કે તમે કેમ પકડાયા અને તમે ક્યારે છૂટશો. પકડાયા ત્યારે જે ફાઈલ તૈયાર થઈ એના પ્રમાણે શુખવને રાજદ્રોહ માટે સજા કરાઈ હતી. એમની પૂછપરછ થઈ ત્યારે એમણે એમનો ગુનો કબૂલ કર્યો હતો-----હા, મેં દેશને દગો દેવા જ આત્મસમર્પણ કરેલું, અને જર્મનીના ગુપ્ત માહિતી વિભાગ માટે કામ કરવા માટે જ પી.ઓ.ડબલ્યુ.ની છાવણીમાંથી પાછો આવ્યો છું. એ ‘કામ’ શું હતું એની ખબર ન હતી શુખવને કે નહતી પેલા પૂછપરછ કરનાર અધિકારીને. કંઈક કામ, એટલું જ ફાઈલમાં લખાયું.

જાસૂસી વિભાગના અધિકારીઓ એ શુખવને ખાસ્સો એવો મારેલો. એમની પાસે બે રસ્તા હતા, સહી ના કરવી અને લાકડા ભેગું થવું, અથવા સહી કરીને થોડું વધારે જીવવું.

એમણે સહી કરી દીધી.

પણ હકીકત તો કંઈ જુદી જ હતી. ફેબ્રુઆરી ’૪૨માં ઉત્તર-પશ્ચિમી સૈન્ય ચારે બાજુથી ઘેરાઈ ગયું હતું. ખાવાનું પણ કંઈ ન હતું, પ્લેન ઉપરથી ખાવાનાં પડીકાં નાખતાં હતાં, પણ થોડા સમય પછી પ્લેનો ઊડી શકે એવા ના રહ્યાં, એટલે ખાવાનું પણ મળતું બંધ થઈ ગયું. પરિસ્થિતિ એવી ખરાબ હતી કે એ મરેલા ઘોડાની ખરીને છોલી, એને પાણીમાં પલાળીને ખાતા હતા. એમની પાસે ગોળીઓ કે બીજા કોઈ પ્રકારના દારૂગોળા પણ ન હતા. એટલે થોડા-થોડા કરીને જર્મન સિપાહીઓએ એમને પકડવા માંડ્યા. શુખવ પણ પકડાયા અને બે દિવસ પછી એ અને બીજા ચાર જણા નાસી છૂટ્યા. એ જંગલ અને આસપાસની કળણ અને દલદલ વાળી જમીનમાં રસ્તો શોધતા હતા કે સદનસીબે એમને બીજા સાથીઓ મળી ગયા. એ વાત અલગ છે કે એ ‘સાથી’ એ બે જણને એની નાની બંદૂકથી મારી નાખ્યા, અને ત્રીજો એને થયેલી ઈજાને લીધે મર્યો. એટલે આમ તો બેજ જણા કામયાબ થયા. જો એમણે થોડી અક્કલ વાપરી હોત અને એમ કહ્યું હોત કે એ છૂટા પડી ગયા હતા અને પછી જંગલમાં ખોવાઈ ગયા હતા, તો એમને કશું ના થાત. પણ એમણે સાચી હકીકત કહેવાની ભૂલ કરી. હા, અમને જર્મન સૈનિકોએ પકડ્યા હતા, અમે ત્યાંથી નાસી છૂટ્યા અને અહીં આવ્યા. છૂટેલા કેદીઓ? ના હોય! તમે તો જર્મની માટે જાસૂસી કરવા આવ્યા છો! જાવ સીધા જેલમાં! એજ તમારું સ્થાન છે! કદાચ પાંચે જણા હોત તો બધાની કહાની સરખાવીને એના ઉપર વિશ્વાસ કરત. પણ બેજ જણની વાત હતી, આ વાત તમે બે જણાએ ઉપજાવી કાઢી છે, તમે બંને જર્મની માટે જાસૂસી કરવા આવ્યા છો!

બહેરા સીએન્કા કલ્યેવશિનને લગ્યું કે કંઈક નાસી છૂટવાની વાત ચાલી રહી છે એટલે એ જોર થી બોલ્યા, “હું ત્રણ વાર નાસી ગયો હતો અને ત્રણે વાર પકડાઈ ગયો!”

સીએન્કા બહુ વાતો નહોતા કરતા. એમને સંભળાતું ન હતું, અને એમને વાત થતી હોય ત્યારે વચ્ચે માથું મારવાની ટેવ પણ નહતી. એ ધીરજ રાખીને બેસી રહેતા, બોલાવે તોજ બોલતા. એટલે કોઈને એમના વિષે બહુ માહિતી ન હતી. કહેવાતું હતું કે એ વુખેનવાલ્દમાં હતા ત્યારે ત્યાં એક ગુપ્ત સંસ્થા સાથે જોડાયેલા હતા. એમણે બળવા માટે હથિયાર પણ ભેગાં કર્યાં હતાં. એવું પણ કહેવાતું હતું કે જર્મન સિપાહીઓએ એમના હાથ પાછળ બાંધી, કાંડેથી લટકાવ્યા હતા અને સોટીએ-સોટીએ માર્યા હતા. કિલ્ડીગ્સને દલીલ કરવાનું મન થયું. એ બોલ્યા, “તેં આઠ વરસ તો કાઢ્યાં, પણ કેવી છાવણીઓમાં? સાદી છાવણીઓમાં, જ્યાં નંબરો ના હોય અને બૈરું પણ મળે! આઠ વરસ આવી, સખ્ત કેદની છાવણીમાં કાઢ તો ખરો. અહીં કોઈ આઠ વરસ ટક્યું જ નથી.”

“બૈરું? બૈરાંની ક્યાં વાત કરે છે, લાકડા મળતા તા’તા, લાકડા,” શુખવ બોલ્યા. શુખવ સ્ટવની જ્વાળા સામે જોઈ રહ્યા. એમને ઉત્તરની છાવણીમાં ગાળેલા એ સાત વરસ યાદ આવ્યાં. એ છાવણીમાં કાપેલા ઝાડના મોટા થડને ખેંચીને વહેરવા માટે લઈ જવા પડતાં, અને એમાંથી ખોખાં અને રેલનાં પાટા માટે પાટિયાં બનતાં. એ કામ એમણે ત્રણ વરસ કર્યું. ત્યાં, વહેરવાના કારખાનામાં પણ આવી જ રીતે તાપણું સળગતું, થોડી વાર દેખાય અને પછી પાછી જ્વાળા અદૃષ્ય થઈ જાય. અને એ પણ રાતપાળીમાં, દિવસના ભાગમાં નહીં. ત્યાંના મુખ્ય અધિકારીએ નિયમ બનાવ્યો હતો, જો તમારો કામનો નિયત હિસ્સો દિવસમાં પૂરો ના થાય તો એ રાતે પૂરો કરવાનો. પૂરો કર્યા વગર છાવણીમાં પાછા નહીં ફરવાનું.

ઘણી વાર તો અડધી રાત પછી એ છાવણીમાં પાછા આવતા, થાકેલા, પગ ઢસડતા પાછા આવતા, અને બીજે દિવસે સવારે તો પાછું કામે લાગવાનું જ હોય.

“ના, દોસ્ત ના”, શુખવ થોડું તોતડાતા બોલ્યા, “મને પૂછો તો અહીંયાં વધારે શાંતિ છે. તમારું કામ પત્યું હોય કે ના પત્યું હોય, છૂટવાના સમયે છાવણીમાં પાછા. અને અહીં રાશન પણ સો ગ્રામ વધારે મળે છે. આ છાવણી એટલી ખરાબ નથી, ઠીક છે, આ ખાસ છાવણી છે, પણ તેથી શું? એનો નંબર લગાડવામાં શું વાંધો? એનું ક્યાં કંઈ વજન છે?”

“વધારે શાંતિ વાળું!” ફ્તીકોફ બોલ્યા. (જમવાનો સમય થયો હતો એટલે બધા ધીરે-ધીરે સ્ટવ પાસે ભેગા થતા હતા.) “ઊંઘતા માણસોના ગળા કપાઈ જાય છે અને આ ક્હે છે કે અહીં વધારે શાંતિ છે!”

પાવલો ચિઢાઈને ફ્તીકોફની તરફ આંગળી ઊંચી કરતા બોલ્યા, “ચાડિયાઓના, માણસોના નહીં!”

એ સાચ્ચી વાત હતી. હમણાંથી છાવણીમાં આ નવું શરૂ થયું હતું. થોડા વખત પહેલાં ઊઠવાના સમયે બે જગજાહેર ચાડી ખાનારાઓની લાશ એમના ખાટલામાં મળી આવી હતી. એમને ગળું કાપીને કોઈ એ મારી નાખ્યા હતા. અને પછી બીજા એક કેદીની લાશ મળી હતી. એનું પણ ગળું કપાયેલું હતું. જોકે એ ખોટો ઝડપાયો હતો, એ ચાડી ખાનારો ન હતો. એક ચાડીખોર તો સલામતી માટે જેલમાં ઘૂસી ગયો અને અધિકારીઓએ જ એને ત્યાં સંતાડી રાખ્યો. વિચિત્ર બનાવ. આવું તો ગુનેગારોની છાવણીઓમાં પણ નહોતું થતું. અને આવું તો અહીંયાં પણ ક્યારે નહોતું બન્યું.

ત્યાં તો એકદમ વીજ મથકની ટ્રેનની સીટી વાગી. એની ક્ષમતા કરતા ધીમા અવાજે વાગી, જાણે ગળું સાફ કરવા ખોંખારો ખાધો હોય.

“બપોર પડી! ઓજારો મૂકી દો! જમવાનો સમય થયો!”

ઓત્તારી! આપણે ચૂકી ગયા! પહેલાં મેસમાં જઈને લાઇનમાં ઊભા રહી જવાનું હતું.

અહીંયાં અગિયાર ટુકડીઓ કામ કરતી હતી અને મેસ તો નાની હતી, બેજ ટુકડીઓ સમાય એટલી નાની.

ફોરમૅન હજી આવ્યા ન હતા. પાવલોએ આજુબાજુ જોયું અને પછી બોલ્યા, “શુખવ અને ગોપ્ચિક, તમે બે મારી સાથે આવો. કિલ્ડીગ્સ, હું ગોપ્ચિકને બોલાવવા મોકલું ત્યારે તું આખ્ખી ટુકડીને લઈને તરત આવજે.”

સ્ટવ પાસેથી જેવા એ ઊભા થયા કે તરત જ બીજા ત્યાં બેસી ગયા. બધા સ્ટવને ઘેરીને બેઠા હતા, જાણે કે કોઈ સુંદર સ્ત્રી પાસે ના બેઠા હોય!

કોઈકે બૂમ પડી, “જાગો બધા! સિગારેટ સળગાવો!”

બધા એક બીજાની સામે જોઈ રહ્યા, કોણ સિગારેટ સળગાવે છે? પણ કોઈએ સિગારેટ ના કાઢી. કાં તો કોઈ પાસે તમાકુ જ ન હતું અથવા તો તમાકુ પોતાને માટે સાચવી રાખવું હતું.

શુખવ પાવલો સાથે બહાર નીકળ્યા. ગોપ્ચિક જોડે સસલાની જેમ કૂદકા મારતો મારતો આવતો હતો.

“ઠંડી થોડી ઓછી થઈ છે.” શુખવે અનુમાન કર્યું, “-૧૮, એથી નીચું નથી. કડિયાકામ માટે સારું છે.”

એમણે બ્રીઝ-બ્લૉક્સ તરફ નજર નાખી. ઘણા બધા બ્લૉક્સ નીચેની પાલખ ઉપર મુકાઈ ગયા હતા અને થોડા તો બીજા માળે પણ મુકાઈ ગયાં હતાં.

શુખવે બાડી આંખે સૂરજ સામે જોઈ લીધું, કૅપ્ટનની ફરમાન વાળી વાતમાં કેટલો દમ છે એ ચકાસી લીધું.

બહાર ખુલ્લામાં પવનને ફરવા માટે ઘણી જગ્યા હતી, તોય એ તમને આવીને અથડાય, રખે તમે ભૂલી જાવ કે આ જાન્યુઆરીનો મહિનો છે!

અહીંનું રસોડું એટલે સ્ટવની આજુબાજુ હલકા પાટિયામાં ખીલીઓ મારીને બનાવેલી ઝૂંપડી. બહારની બાજુ કટાયેલા લોખંડના પતરાં લગાડેલાં હતાં, એટલે એની તડોમાંથી પવન ના આવે. અંદર બે ભાગ હતા, એક રસોઈ માટે અને એક જમવા માટે. નીચે સીધી જમીન હતી, જે બધાના પગ નીચે રગદોળાઈ ને ઊબડખાબડ હાલતમાં થીજી ગઈ હતી. રસોડાના નામે એક ચોરસ સ્ટવ હતો જેની ઉપર એક મોટી કઢાઈ ચણી દીધેલી.

રસોડું બે જણના હાથમાં હતું, એક રસોઇયો અને બીજો આરોગ્યશાસ્ત્રનો નિષ્ણાત, એક હાઇજીનિસ્ટ. રસોઇયાને છાવણીમાંથી નીકળતા પહેલાં લોટ આપતા. લગભગ એક જણનો પચાસ ગ્રામ, એટલે ટુકડી દીઠ એક કિલો. રસોઇયો કંઈ આટલું વજન ઊંચકીને ત્રણ કિલોમીટર ચાલવાનો ન હતો, એટલે એ કોઈ કેદીને આ કામ સોંપે, અને પીરસતી વખતે એને થોડું વધારે ખાવાનું આપે. પોતાની કમર તૂટે એ કરતાં વધારે ખાવાનું આપવું સારું. અને પાછું એનું ખાવાનું ક્યાં ઓછું થવાનું હતું, બીજા કેદીઓના ખાવાનામાંથી જ આપવાનું હતું, એટલે એમાં શું વાંધો?

સ્ટવ સળગાવવાનું, કે પાણી કે બળતણ લાવવાનું કામ પણ રસોઇઓ ના કરે, એ બીજાને સોંપે, મજૂરોને કે પછી કેદીઓને. એમને પણ વધારે ખાવાનું આપવું પડે. પણ એના બાપનું શું જતું હતું? કેદીઓને થોડું ઓછું આપવાનું! વાટકાઓ પણ છાવણીમાંથી લાવવા પડતા, (ત્યાં રાખે તો સ્વાધીન મજૂરો એને ઉઠાવી જાય) પચાસેક વાટકા લાવે પણ એને ઊંચકવા તો પડે, એટલે એક બીજું મોઢું. ઓછા હોય એટલે વપરાયલા વાટકાઓને ધોવાના, એટલે એક બીજો. ખાવાનું મેસની બહાર નહોતું લઈ જવાતું. એટલે કોઈ વાટકો બહાર ના લઈ જાય તે જોવા એક જણને બારણા પાસે ઊભો રાખવાનો. પણ એ ગમે તેટલું ધ્યાન રાખે, વાટકા તો બહાર જતા. એટલે કોઈકને એ વાટકાઓ શોધવા મોકલવો પડે, બારણા ઉપરનો પહેરેગીર અને વાટકા શોધનારો, બીજા બે મોઢાં.

રસોઇયાએ તો માત્ર લોટ અને મીઠું કઢાઈમાં નાખવાનું અને ચરબીને બે ભાગમાં વહેંચી દેવાની, એક ભાગ કઢાઈમાં જાય અને બીજો પોતાને માટે જુદો મૂકે. (સારી ચરબી કેદીઓ સુધી પહોંચે જ નહીં અને ખરાબ હોય તે સીધી કઢાઈમાં જાય. એટલે જે દિવસે કોઠારમાંથી ખરાબ ચરબી આવી હોય એ દિવસે કેદીઓને મઝા પડી જાય!) પછી એ કાંજી ઘટ થાય ત્યાં સુધી એને હલાવે. હાઇજીનિસ્ટનું (કોઈ ખાસ તાલીમ વગર દવાખાના તરફથી નિમાયેલો કેદી) કામ તો એટલું પણ નહીં, એ તો માત્ર બેસીને બધું જુએ. અને કાંજી તૈયાર થાય એટલે સૌથી પહેલાં એ પેટ ભરીને ખાય. રસોઇયો પણ એમજ કરે. પછી વારો આવે ફોરમૅનોનો. એમના વારા બાંધેલા, રોજ એક ફોરમૅન કાંજી ચાખે અને અપાય એવી છે કે નહીં એ નક્કી કરે. એમને પણ બમણું પીરસણ મળે, કારણ કે એ પાછા પોતાની ટુકડી સાથે તો ખાય જ.

ભૂંગળું વાગ્યું અને એક પછી એક ટુકડીઓ આવવા માંડી. રસોઇયો વાટકાઓ ભરી-ભરી ને બકોરમાંથી આપતો હતો. પાણી જેવી કાંજી હતી, અને વાટકો પણ પૂરેપૂરો નહોતો ભરતો, પણ કશું બોલવાનો તો અર્થ જ નહીં. કેટલા ગ્રામનું રાશન તમને મળે છે એ પૂછવા જાવ કે એનું વજન કરવા જાવ તો તમારું આવી બને! તમારી જિન્દગી હરામ બનાવી દે.

આ નિર્જન મેદાનમાં કાયમ પવન ફૂંકાતો જ હોય, ઉનાળામાં ગરમ, ભેજ વગરનો પવન અને શિયાળામાં ઠંડો, બરફ જેવો. આ મેદાનમાં કદી કશું ઊગ્યું ન હતું, અને આ તારની વાડની વચ્ચે તો બિલકુલ નહીં. અહીં ઘઉંની કૂંપળ બ્રેડ રાખવાની ઓરડીમાં જ દેખાય અને ઓટ્સની કોઠારમાં. બાકી તમે ગમે તેટલી મહેનત કરો, જમીનને ગમે તેટલી મઠેરો, એ તમને એક તણખલું પણ નહીં આપે. તમારી કમર તૂટશે, પણ આ જમીનમાં એક ફણગો નહીં ફૂટે. અધિકારીઓ તમને જે આપે એ તમને મળે. અરે, એ પણ તમને ક્યાં મળતું હતું? અડધું તો રસોઇયાઓ અને એમના સાથીઓ ખાઈ જતા હતા. અહીંયાં ચોરી, છાવણીમાં ચોરી અને સીધું-સામગ્રી વહેંચાય એ પહેલા કોઠારમાં પણ ચોરી. અને આમાંથી એક પણ ચોરને કશી મહેનત કરવાની જરૂર જ નહોતી પડતી. તમે મહેનત કરીને મરી જાવ, પણ તમને જે આપે, જેટલું આપે એટલું લઈ અને ખસી જવું પડે.

અહીં તો માણસ માણસને ભરખી ખાય.

મેસમાં જ્યારે પાવલો સાથે શુખવ અને ગોપ્ચિક પેઠા ત્યારે એટલા બધા ઊભા હતા કે તેમને ત્યાં બેસવા માટે મૂકેલા ટેબલ કે બાંકડા દેખાતા જ ન હતા. થોડા બેઠેલા હતા, પણ મોટા ભાગના ઊભા હતા. ટુકડી ૮૨, જેમણે આખી સવાર તાપણી વગર થાંભલા નાખવા માટે ખાડા ખોદવામાં કાઢી હતી, ત્યાં આવીને બેસી ગઈ હતી. જેવું ભૂંગળું વાગ્યું, એવા એ બધા આવીને બેસી ગયા. પહેલાં આવ્યા હતા, એટલે એમાંના અમુકનું તો ખાવાનું પણ પતી ગયું હતું. પણ એ લોકો ઊઠવાનું નામ નહોતા લેતા. બીજે ક્યાં જાય? આજુબાજુ બધા ગાળો આપે, પણ એમની ઉપર એની કોઈ જ અસર ન હતી. કડકડતી ઠંડીમાં થીજવા કરતાં ગાળ સાંભળવી સહેલી હતી.

પાવલો અને શુખવ ધક્કા મારતા-મારતા આગળ વધ્યા. સારા સમયે પહોંચ્યા હતા. એક ટુકડીને પીરસવાનું ચાલુ હતું અને બીજી એક જ ટુકડી એમની આગળ હતી. એમના ડેપ્યુટી ફોરમૅન રસોડાના બાકોરા પાસે ઊભા હતા, એટલે બીજી બધી ટુકડીઓનો વારો એમના પછી જ આવશે.

“વાટકા લાવો! વાટકા!,” રસોઇયાએ બકોરામાંથી બૂમ મારી.

વાટકાઓ એમને પહોંચ્યા. શુખવે પણ થોડા વાટકાઓ લઈને એમને આપ્યા, વધારે ખાવાનું મળવાની આશામાં નહીં, પણ ઝડપથી પીરસાય તે માટે.

પાછળ વધારે ખાવાનું મેળવવાના લોભમાં બે-ચાર જણા વાટકાઓ ધોઈ રહ્યા હતા.

પાવલોની આગળ ઊભેલા ડેપ્યુટી ફોરમૅનને પીરસવાની તૈયારી હતી એટલે એમણે બૂમ મારી, “ગોપ્ચિક!”

બારણા પાસેથી ઘેટા-બકરા જેવો તીણો અવાજ સંભળાયો, “આ રહ્યો!”

“બધાને બોલાવી લાવ!”

ગોપ્ચિક તરત એમની ટુકડીના બધાને બોલાવવા દોડ્યો.

આજે ઘણા સારા સમાચાર હતા, આજે કાંજી ઓટમીલની હતી! વાહ! સૌથી સરસ કાંજી. જે જવલ્લેજ મળતી! બાકી તો દિવસમાં બે વાર મગાર કે થૂલીની કાંજી મળતી. આજે તો ગલ વાળા ઓટમીલના દાણા મળશે. હાશ! થોડું પેટ ભરાશે!

શુખવે એમના ઘોડાઓને અઢળક ઓટ ખવડાવ્યા હતા, એ ક્યાં જાણતા હતા કે એક દિવસ એના મુઠીભર દાણા માટે એમણે આટલી બધી મહેનત કરવી પડશે?

પીરસવાના બાકોરામાંથી પાછી વાટકાઓ માટેની બૂમો પડી.

ટુકડી ૧૦૪નો વારો આવવાની તૈયારી હતી. એમની આગળ ઊભેલા ડેપ્યુટી ફોરમૅનને એમનું બમણું પીરસણ મળી ગયું હતું અને એ બાકોરા પાસેથી ખસી ગયા.

આ કેદીઓના જોખમે હતું, એમના ખાવાનામાંથી ભાગ પડતો, પણ કોઈ એક શબ્દ ના બોલ્યું. બધા ફોરમૅનને આ પ્રમાણે બમણું પીરસણ મળતું. પછી એમને જે કરવું હોય તે કરે, પોતે ખાવું હોય તો ખાય અને એમના મદદનીશને આપવું હોય તો તેને આપે. ત્યુરીન હંમેશાં વધારાનું પીરસણ પાવલોને આપતા.

શુખવ એમનું કામ કરવા માંડ્યા. એક ટેબલમાં ઘૂસ મારી અને ખાઈને પરવારી ગયેલા બે કેદીઓને ત્યાંથી ભગાડ્યા. ત્રીજાને સારી રીતે થોડી જગ્યા આપવાનું કહ્યું, અને ટેબલ ઉપર પાસે-પાસે બાર વાટકા રહે એટલી જગ્યા કરી. એની ઉપર બીજા છ મૂકવાના હતા અને છેલ્લે, છેક ઉપર બે. પાવલો પાસેથી વાટકા લઈને, ટેબલ ઉપર મૂકવાની તૈયારી થઈ ગઈ! વાટકા મૂકતી વખતે ગણતરીનું ધ્યાન રાખવું પડે, સાથે-સાથે બીજી ટુકડીમાંથી કોઈ આવીને વાટકા ચોરી ના જાય એ પણ જોવું પડે. વળી ટેબલ ઉપર કોઈ બેસવા જાય તો કોઈ ઊતરવા, એ ધક્કા-મુક્કીમાં એકે વાટકો પડે નહીં એ પણ સાચવવાનું. પાછા ટેબલ ઉપર કેદીઓ બેસીને ખાતા તો હોય જ, એટલે તમારે તમારો ખજાનો સાચવો પડે, નહીં તો કોઈ પોતાના વાટકાને બદલે તમારા વાટકામાંથી ખાવા માંડે તો નવાઈ નહીં.

રસોઇયો બે-બે વાટકા સાથે આપતો હતો. ગણતરીમાં કદાચ એને એ સરળ પડતું હતું. એણે વાટકા આપવાનું શરૂ કર્યું, “બે, ચાર, છ,” બાકોરામાંથી બે-બે કરીને વાટકા લંબાવેલા બે હાથમાં મૂકતો ગયો.

“બે, ચાર, છ,” બાકોરાની આ બાજુથી પાવલોએ ગણ્યા. એમના હાથમાં જેમ જેમ આવતા એવા એ શુખવને આપતા અને શુખવ એને ટેબલ ઉપર મૂકતા. શુખવ મોટેથી નહોતા ગણતા, પણ એ પેલા બંને કરતાં વધારે સાવચેતીથી વાટકા ગણી રહ્યા હતા.

“આઠ, દસ”.

કિલ્ડીગ્સ ટુકડીને લઈને કેમ હજી નથી આવ્યો? ગણતરી ચાલુ રહી, “બાર, ચૌદ.”

રસોડામાં વાટકા પાછા ખૂટી ગયા. રસોઇયાના હાથમાં બે વાટકા હતા, અને એ થોડો અટક્યો. કદાચ પાછળ વાટકા ધોઈ રહ્યા હતા એમને મોડા પડવા માટે ગાળ દેવા અટક્યો. તેજ વખતે કોઈએ ખાલી વાટકાનો ઢગલો બાકોરામાંથી અંદર નાખ્યો. એ પાછળ ધોવા આપવા પૂરતો રસોઇયાએ ભરેલા વાટકાઓ ઉપરથી હાથ હટાવ્યો......

ટેબલ ઉપર મૂકેલા વાટકાઓ છોડીને શુખવે ચપળતાપૂર્વક બાકોરામાં મૂકેલા બે ભરેલા વાટકા લઈ લીધા અને રસોઇયાને નહીં પણ પાવલોને કહેતા હોય એમ ધીમેથી બોલ્યા, “ચૌદ”.

“એ! ક્યાં લઈ જાય છે?” રસોઇયાએ ત્રાડ પડી.

“વાંધો નહીં, એ મારો જ માણસ છે.”

“સારું, પણ ગણતરીમાં ગોટાળાના કરો.”

“ચૌદ થયા,” કંઈ પડીના હોય એમ ખભા હલાવતા પાવલો બોલ્યા. ડેપ્યુટી ફોરમૅન હતા એટલે એ પોતે કોઈ દિવસ આવી રીતે વધારાનો વાટકો ના ઉઠાવે, એમણે હોદ્દાનું માન તો રાખવું પડે ને. પણ આ વખતે એમણે શુખવ જે બોલ્યા હતા એજ કહેવાનું હતું. અને પકડાય તો શુખવને માથે બધું ઢોળી દેવાય.

રસોઇયો ચીડાયો, “હું પહેલાં ચૌદ બોલ્યો હતો!”

“તે શું?,” શુખવે સામે ઘાંટો પાડ્યો, “તેં ક્યાં આપ્યા હતા? તું ક્યાં વાટકાઓને છોડે છે? ના વિશ્વાસ હોય તો આવીને ગણી જા. આ રહ્યા, આ ટેબલ ઉપર બધા મૂકેલા છે.”

શુખવે પેલા બે સ્તોનિયનને પોતાની તરફ આવતા જોયા હતા, એટલે એ રસોઇયાને ઘાંટો પડી શકે એમ હતું. એ બે જેવા થોડા પાસે આવ્યા કે તરત શુખવે બંનેના હાથમાં વાટકાઓ પકડાવી દીધા. રસોઇયો કંઈ કહે એ પહેલાં તો શુખવ ટેબલ પાસે પહોંચી ગયા હતા. એમણે તરત વાટકાઓ ગણ્યા, આજુબાજુથી કોઈએ વાટકો ઉઠાવ્યો તો નથી ને, પણ ગણતરી બરાબર હતી. કશું કહેવાય નહીં, કોઈ ઉઠાવી પણ જાય, એટલે ગણવું સારું.

રસોઇયાનું લાલ, ગોળ મોઢું બાકોરામાંથી બહાર આવ્યું.

“ક્યાં છે વાટકાઓ?” એમણે કડકાઈથી પૂછ્યું.

“તું જાતે જોઈ લે,” શુખવે ઘાંટો પડ્યો. અને વચ્ચે ઊભો હતો એને ધક્કો મારતા બોલ્યા, “એ ખસ! એને જોવા દે! જો આ બે,” ઉપર મૂકેલા બે વાટકા સહેજ ઊંચા કરીને બતાવ્યા. “અને એની નીચે ત્રણ લાઇનમાં ચાર-ચાર વાટકાઓ છે. આવીને ગણી જા.”

“તારી ટુકડી હજી આવી નથી?” નાના બાકોરામાંથી મોઢું કાઢીને રસોઇયાએ ઉશ્કેરાઈને પૂછ્યું. બહારથી કોઈ અંદર ડોકાચ્યા કરીને કેટલું ખાવાનું વધ્યું છે એ જોવા ના બેસે એટલે બાકોરું નાનું રાખ્યું હતું.

“ના, હજી નથી આવ્યા,” પાવલોએ માથું ધુણાવતા કહ્યું.

રસોઇયો તો ચિડાઈને લાલચોળ થઈ ગયો. “નાલાયક! ટુકડી તો હજી આવી નથી તો ખાવાનું કેમ સંઘરી લીધું?”

“આ આવી ગયા,” શુખવે બૂમ મારી. દરવાજામાંથી કૅપ્ટનનો અકળાયેલો, ચિડાયલો અવાજ આવતો હતો. હજી પણ એ પોતાના જહાજ પર હોય એમજ બોલતા.

“આટલી ભીડ કેમ કરો છો? ખાવાનું ખાઈને ચાલવા માંડો. બીજા બધાને પણ ખાવાનું છે, એમને પણ તક મળવી જોઈએ ને?”

ઘુરકિયા કરતું રસોઇયાનું મોઢું અલોપ થયું અને હાથ પાછા બાકોરામાંથી બહાર આવ્યા.

“સોળ, અઢાર......” અને આ છેલો બમણો હિસ્સો, “ત્રેવીસ! બધા થઈ ગયા! બીજી ટુકડી!”

ધક્કા મારતા-મરતા ટુકડી અંદર આવતી ગઈ અને પાવલો વાટકાઓ પસાર કરતા ગયા. બીજા ટેબલ ઉપર જગ્યા મળી હતી એટલે વાટકાઓ બેઠેલા લોકોના માથા ઉપરથી પસાર કરવા પડતા.

ઉનાળો હોય તો એક ટેબલ ઉપર પાંચ જણ બેસી શકતા, પણ અત્યારે, શિયાળામાં તો બધાના જાડા, ઢગડ કપડાંને લીધે માંડ ચાર જણા બેસી શકતા, અને એમાં પણ ખાવામાં તકલીફ પડતી, ચમચીથી ઢોળાય નહીં એવી રીતે ખાવું મુશ્કેલ કામ હતું.

શુખવને હતું કે જે બે વધારાના વાટકાઓ એમણે મારેલા, તેમનો એક તો એમના ભાગે આવશે. એટલે એ એમના હક્કનો વાટકો જરા જલ્દી પતાવવા બેઠા. જલ્દી પતે તો પાવલો એમને બીજો વાટકો આપે. વળી પાછો પેલો ફ્તીકોફ એમને સ્તોનિયનને વાટકા આપતા જોઈ ગયો હતો, એટલે એને ખબર હતી કે બે વધારાના વાટકાઓ છે. એ ચાર વણવહેંચાયેલા વાટકાઓ ઉપર નજર રાખી શકે એટલે એ પાવલોની સામે જ ઊભો-ઊભો ખાતો હતો, એ આશામાં કે આખો વાટકો નહીં તો અડધો વાટકો તો મળશે!

શુખવે એમનો જમણો પગ ઊંચો કરી ઢીંચણ પેટ સુધી લાવ્યા અને ‘ઉસ્ત-ઇશમા ૧૯૪૪’ની ચમચી એમના બૂટમાંથી કાઢી, પછી પોતાની ટોપી કાઢીને ડાબા હાથની બગલમાં દબાવી દીધી. ચમચી લઈને એ વાટકાના કાના ઉપર ફેરવવા માંડ્યા.

આમ તો ખાતી વખતે શુખવનું ધ્યાન સંપૂર્ણપણે ખાવાના ઉપર જ હોય. વાટકાની છેક નીચેથી એ પાતળી કાંજીને લઈ, ધીરેથી મોઢાંમાં મૂકે અને પછી ગળે ઉતારતા પહેલાં થોડી ક્ષણો એને માણે, પણ આજે એમણે થોડી ઉતાવળ કરી. જોકે પાવલો તો શાંતિથી એમનું ખાવાનું ખાઈ રહ્યા હતા. એમના શ્યામ, યુવાન ચાહેરા ઉપર કોઈ ભાવ ન હતો. એમણે ફ્તીકોફને જોયો છે કે નહીં, પેલા બે વધારાના વાટકાઓ એમને યાદ છે કે નહીં, કંઈ ખબર પડે એવું ન હતું. એ તો એમની રીતે આજુબાજુ જોયા વગર ખાતા હતા. શુખવે એમની કાંજી પૂરી કરી. બે વાટકાઓની આશા હતી, એટલે પેટ રોજ કરતાં વધારે ખાલી લાગતું હતું. આજે ઓટમીલની કાંજી હતી, તો પણ પેટ ખાલી-ખાલી લાગતું હતું. એમણે ખીસામાં હાથ નાખીને સાચવીને કપડાંમાં વીંટાળેલો પેલો બ્રેડનો ટુકડો કાઢ્યો. એનાથી વાટકીને લૂછી, નીચે ચોંટેલું ઓટમીલ એમાં લઈ લીધું, બ્રેડમાં આવ્યું એટલું ચૂસીને ખાઈ ગયા અને પછી ફરીથી વાટકી લૂછવા માંડ્યા. આવું એમણે બે-ચાર વાર કર્યું, ઓટમીલની એકે કરચ ના રહી ત્યાં સુધી એમણે કર્યું. વાટકો માંજ્યોયો હોય એવો ચોખ્ખો થયો પછી જ એને પાછળ માંજવા માટે આપ્યો. અને ટોપી બગલમાં રાખીને બેસી રહ્યા.

આમ તો શુખવે એ બે વાટકા ઉઠાવયા કહેવાય, પણ અંતે એ કોને આપવા એ ડેપ્યુટી ફોરમૅનના હાથમાં હતું. એમણે જેને આપવું હોય તેને એ આપી શકે, એનું જે કરવું હોય તે કરી શકે. પાવલોએ શુખવને થોડી વધારે રાહ જોવડાવી. એમણે શાંતિથી ખાવાનું ખાધું, ચમચી ચાટીને પાછી મૂકી, (પણ વાટકો નહીં) અને ઈસુનો ક્રૉસ કર્યો. પછી ચારમાંથી બે વાટકા શુખવ તરફ સહેજ ધકેલ્યા, આપવા માટે ખસવાની જગ્યા ન હતી, અને કહ્યું, “એક તારો, ઇવાન દિનીશવીચઅને બીજો સેઝેરનો.”

શુખવને યાદ હતું કે એમણે એક વાટકો સેઝેર માટે કાર્યાલયમાં લઈ જવાનો હતો. સેઝેર ક્યારેય મેસમાં નહોતા આવતા, અહીં કામ કરવા આવે ત્યારે પણ નહીં અને છાવણીમાં હોય ત્યારે પણ નહીં. એમને મન મેસમાં જમવાનું એટલે સ્વમાન નેવે મૂકવું. કાયમ એમને એમનું ખાવાનું પહોંચાડવામાં આવતું. જ્યારે પાવલો એ બે વાટકાઓ એક સાથે શુખવને આપ્યા, ત્યારે ઘડીક એમનું હૃદય થંભી ગયું. શું બંને વાટકાઓ સેઝેરને આપવાના છે? હવે ધબકારા પાછા બરાબર થયા!

એ શાંતિથી લૂંટેલા માલને માણી રહ્યા હતા. એમની પાછળ બીજી ટુકડીઓ અંદર આવવા માટે ધક્કામુક્કી કરી રહી હતી, પણ એમને એની કોઈ અસર ન હતી. એમની એક માત્ર ચિંતા હતી કે પેલા ફ્તીકોફને બીજો વાટકો ના મળવો જોઈએ. ફ્તીકોફ પોતે તો કંઈ કરે નહીં, પણ માંગી-ભીખીને વસ્તુ મેળવવામાં એ માહિર હતો. વિનોસ્કી એજ ટેબલ ઉપર થોડે દૂર બેઠેલા હતા. એમનું ખાવાનું થોડી વાર પહેલાં પૂરું થઈ ગયું હતું. એમને ખબર નહતી કે ટુકડી ૧૦૪ને આજે વધારાના વાટકાઓ હાથ લાગ્યા છે. અને એમણે ટેબલ ઉપર નજર પણ નહોતી નાખી કે ડેપ્યુટી ફોરમૅન પાસે કેટલા વાટકા વધ્યા છે. અહીં હૂંફ હતી એટલે એ થોડા ઘેનમાં આવી ગયા હતા. એમનામાં ઊભા થઈને બહાર ઠંડીમાં જવાની તાકાત નહતી, પેલી ‘ગરમ ઝૂંપડી’માં જવાનો તો અર્થ જ નહતો કારણ ત્યાં કોઈ ગરમાવો હતો જ નહીં. અને આમે એમને કશે જવું નહતું. આવ્યા ત્યારે બેઠેલાને ઊઠવા માટે ઘાંટા પડતાં હતા, પણ હવે એ બેસી રહ્યા હતા અને બીજા બધા જગ્યા માટે વલખાં મારતા હતા! એમને માટે આ છાવણીની જિંદગી, અને એની સાથે જોડાયેલા સામાન્ય કર્તવ્યો, બધું નવું હતું. એમને ખબર ન હતી, પણ આવી ક્ષણો એમને માટે ઘણી અગત્યની હતી. આવી જ ક્ષણોથી, એ સત્તાધારી, પ્રમાણભૂત નૌસેનાના અધિકારીને એક ધીમીગતિએ ચાલનારો, સચેત અને જાગૃત કેદી બનાવશે. એમને પચીસ વરસની સજા થઈ હતી, અને જો એ એમના પ્રયત્નોમાં થોડી કરકસર નહીં કરે, એમની ચાલ ધીમી અને નિસ્તેજ નહીં રાખે તો એમને આ પચીસ વરસ કાઢવા અઘરાં પડશે.

હવે એમને લોકો પાછળથી ધક્કા મારતા હતા, ઘાંટા પડતા હતા, પણ એ બેસી રહ્યા હતા. પાવલોએ એમને બોલાવ્યા, “કૅપ્ટન, સાંભળે છે, કૅપ્ટન?”

વિનોસ્કીને ઊંઘમાંથી ઊઠ્યા હોય એમ ઝબકીને આજુબાજુ જોયું.

પાવલોએ કાંજી ભરેલો વાટકો એમને પૂછ્યા વગર જ આપ્યો.

વિનોસ્કીને તો ચમત્કાર થયો હોય એવું લાગ્યું, ભમરો ઊંચી કરીને એ વાટકા સામે જોઈ રહ્યા. “લે, લઈ લે, તારો જ છે” પાવલોએ ખાતરી આપતાં કહ્યું, અને છેલ્લો વાટકો લઈને ફોરમૅનને આપવા ગયા.

કૅપ્ટનના સુક્કા હોટ ઉપર સ્મિત આવ્યું. એમના વહાણમાં એ યુરોપ ફરેલા, ધ ગ્રેટ નૉર્ધન સી રૂટમાંથી પણ પસાર થયેલા, પણ આજે એ અડધી કડછી ચરબી વગરની, ખાલી ઓટ વાળી અને પાણી જેવી પાતળી કાંજી રાજી થઈને ખાઈ રહ્યા હતા.

ફ્તીકોફ શુખવ અને કૅપ્ટનની સામે ખુન્નસથી જોઈને બહાર જતો રહ્યો.

શુખવને તો કૅપ્ટનને વધારાનો વાટકો મળ્યો તે ગમ્યું, એ બરાબરજ હતું. ભવિષ્યમાં એ કદાચ પોતાની જાતને સાચવતાં શીખશે, પણ અત્યારે તો એમને એનું કશું ભાન જ ન હતું.

કોઈ કારણ વગર, શુખવને એવી પાંખી આશા હતી કે સેઝેરની કાંજી પણ એમને મળશે. પણ એ જાણતા હતા કે સેઝેરને બે અઠવાડિયાંથી કોઈ પાર્સલ નહોતું આવ્યું, એટલે એ આશા રાખવાની વ્યર્થ હતી.

એમનો બીજો વાટકો પૂરો થયો, એટલે પહેલાં કર્યું તું એમ, પેલો સાચવેલો બ્રેડનો ટુકડો કાઢી અને વાટકાને લૂછવા માંડ્યા. લૂછતાં ગયા અને ચૂસતા ગયા. વાટકો ચોખ્ખો થયો એટલે એ બ્રેડનો ટુકડો મોમાં ગયો. પછી સેઝેરની સાવ ઠંડી પડી ગયેલી કાંજીનો વાટકો લઈને મેસની બહાર નીકળ્યા.

બારણા આગળ એક ખાન્ધિયો ઊભો હતો, જે શુખવને રોકવા ગયો. પણ શુખવે એને બાજુ ઉપર ખસેડી, “કાર્યાલય માટે છે,” એમ કહીને ત્યાંથી નીકળી ગયા.

ચોકિયાતોના ઓરડા પાસે આ કાર્યાલય હતું. કાર્યાલય એટલે લાકડાની એક નાની ઓરડી. સવારથી એના ધુમાડિયામાંથી સતત ધુમાડો નીકળતો હતો, હમણાં પણ નીકળતો હતો. એક માણસ, જે એમનો સંદેશવાહક પણ હતો, આ સ્ટવને સરસ સળગતો રાખતો. એને કલાક દીઠ પૈસા ચૂકવાતા. અને કાર્યાલય માટે લાકડાની કોઈ કરકસર નહોતી કરવામાં આવતી, જોઈએ એટલાં લાકડાં મળતાં.

શુખવે બહારનું બારણું ખોલ્યું, ચુ-ચુ અવાજ સાથે એ ખુલ્યું. આગળ બીજું બારણું હતું, એની તિરાડોને દોરડાના ટુકડા અને ચીંથરાંથી ભરેલી હતી. શુખવ એ ખોલીને અંદર ગયા, સાથે ઠંડો, બરફ જેવો પવન પણ લેતા ગયા, એટલે કોઈની બૂમ પડે ‘બંધ કર ગધેડા!’ એ પહેલાં એમણે ઝડપથી એ બારણું બંધ કરી દીધું.

શુખવને કાર્યાલય સ્નાનાગાર જેવું ગરમ લાગ્યું. વીજ મથક ઉપરથી તો સૂરજ તેજ વગરનો, ઉદાસીન લાગતો હતો, પણ અહીંયાં, કાર્યાલયમાં, એ ખુશમિજાજ લાગતો હતો. બારીઓ ઉપરનો બરફ ઓગળી રહ્યો હતો, અને એમાંથી આવતી સૂરજની રોશનીને લીધે વાતાવરણ થોડું પ્રફુલ્લિત બન્યું હતું. એ સૂરજની રોશનીમાં સેઝેરની પાઇપનો ધુમાડો ચર્ચમાં સળગાવેલી અગરબત્તીની જેમ વાતાવરણમાં પ્રસરતો હતો. સ્ટવ સરસ સળગતો હતો, એટલો સરસ કે એ તપીને લાલચોળ થઈ ગયો હતો. એનું ધુમાડિયું પણ લાલ થઈ ગયું હતું. તમે આ હૂંફમાં, આ ગરમાવામાં બે મિનિટ બેસો તો ચોક્કસ ઊંઘી જાવ!

કાર્યાલયમાં બે ઓરડાં હતા. બીજો ઓરડો અહીંના વહીવટદારનો હતો. એનું બારણું સહેજ ખુલ્લું હતું અને એ ઘાંટા પડી રહ્યા હતા: “પગારનો ખર્ચો વધારે છે અને માલસામાનનો ખર્ચો પણ વધારે છે. કેદીઓ બાળવા માટે મોંઘા-મોંઘા પાટિયાં ઉપાડી જાય છે, પ્રીફેબના પાટિયાં લઈ જાય છે ને તમે લોકો કશું જોતાં જ નથી! હમણાં થોડા દિવસ ઉપર કેદીઓ દુકાનો પાસે સિમેન્ટ ઉતારતા હતા, અને છેલ્લા દસેક મીટર લારીમાં નાખીને લઈ જતા હતા. પવન ઘણો હતો, એટલે એ આખો વિસ્તાર સિમેન્ટ વાળો થઈ ગયો, પગ ખૂંપી જાય એટલો સિમેન્ટ ત્યાં ઊડીને પડ્યો હતો. કેદીઓના કપડા પણ કાળાને બદલે રાખોડી રંગના થઈ ગયા હતા. દરેક વસ્તુમાં બગાડ, બગાડ ને બગાડ!”

એ સ્પષ્ટ હતું કે વહીવટદાર ઓવરસીયરોની સાથે કોઈ મોટી ચર્ચામાં પડ્યા હતા.

એક બેવકૂફ જેવો સિપાહી બારણા પાસે ખૂણામાં એક સ્ટુલ ઉપર બેઠો હતો. એની પાછળ, શ્કુરાપત્યેન્કા, કેદી બી-૨૧૯, બારીની બહાર જોઈ રહ્યો હતો. એ વાંકી લાકડી જેવો માણસ અહીંથી એની છારી વાળી આંખ સાથે, પેલા પ્રીફેબ પાટિયાની ચોકી કરી રહ્યો હતો, પાટિયાં કોઈ ઉઠાવી નથી જતું ને. એ મૂર્ખાને ડામરવાળા કાગળનું પીલ્લું તો હવે ક્યારેય જોવા નહીં મળે! બે કેદીઓ જે અહીં હિસાબનીશ હતા, સ્ટવ ઉપર બ્રેડ શેકીને ટોસ્ટ બનાવી રહ્યા હતા. બ્રેડ બળીના જાય તેને માટે એમણે વાયરમાંથી એક તવા જવું બનાવ્યું હતું, જેને એ સ્ટવ ઉપર મૂકી દીધો હતો.

સેઝેર થોડા આરામમાં હતા અને પાઇપ પીતા-પીતા પોતાના ટેબલ ઉપર બેઠા હતા. શુખવ તરફ એમની પીઠ હતી એટલે એમણે શુખવને ના જોયા.

એમની સામે ખ-૧૨૩ બેઠા હતા, ખડતલ કેદી જે વીસ વરસની કઠોર કેદની સજા કાપી રહ્યા હતા. એ એમની કાંજી ખાતા-ખાતા સેઝેર જોડે વાતો કરી રહ્યા હતા.

“તુ ખોટો છે, વડીલ,” શુખવે સેઝેરને કહેતા સાંભળ્યો, “તટસ્થ રીતે વિચારે તો આઇઝનસ્ટાઇનના (રૂસી ફિલ્મોના એક જાણીતા નિર્દેશક) હુન્નરને તો તું માને છે ને? તો પછી ‘ઇવાન ધ ટેરીબલ’ પણ એવા જ પ્રતિભા સંપન્ન વ્યક્તિનું કામ છે તો એને તું કેમ નકારી શકે? મુખોટા પહેરેલા અપ્રીચ્નીકીનું (ઇવાન ધ ટેરીબલના અંગરક્ષકોના દળના સભ્યો) નૃત્ય! કૅથેડ્રલનું દૃશ્ય!”

ખ-૧૨૩ની ચમચી મોઢાં પાસે આવીને અટકી ગઈ.

“શું વાહિયાત વાત કરે છે!” એમણે ચિઢાઈને કહ્યું. “એમાં તો એટલી બધી કલા ભરેલી છે કે એની કલાત્મકતા જ મરી જાય છે! સરળ અને નિખાલસ બ્રેડને બદલે મરી અને ખસખસ! અને એનો રાજકીય હેતુ? ઘૃણા થાય એવો! એક જુલમીને, એના જુલમોને વ્યાજબી ઠરાવવાની આ કોશિશ છે. આ કૃતિ ત્રણ પેઢીના રૂસી બુદ્ધિજીવીઓનું અપમાન છે, એમની સ્મૃતિનું અપમાન છે!” (એ કાંજીને એનો સ્વાદ માણ્યા વગર, એમનેમ ઉતારી રહ્યા હતા, એનો કોઈ ફાયદો નહીં થાય! ખાધું ના ખાધું બરાબર થશે!)

“પણ જો બીજી કોઈ રીતે એને પ્રસ્તુત કરી હોત તો સેન્સરમાં જ અટવાઈ જાત.”

“તો એમ ક્હે ને.......પણ તો એને પ્રતિભાસંપન્ન વ્યક્તિનો દરજ્જો ના આપીશ. એને તો કૂતરો કહેવાય જે પોતાના માલિકના આદેશ પ્રમાણે બધું કરે, ખાન્ધિયો અને ખુશામતિયો કહેવાય. પ્રતિભાસંપન્ન વ્યક્તિ ક્યારેય પોતાની કળાની પ્રસ્તુતિ કોઈના કહેવા પ્રમાણે ના કરે, ખાસ કરીને કોઈ અત્યાચારી મનુષ્ય ના કહેવાથી તો નહીં જ.”

“અહ..અહ”, શુખવે ખોંખરો ખાધો. એમને આ બે બુદ્ધિજીવીઓની જ્ઞાનપૂર્ણ વાતોમાં ખલેલ પહોંચાડવી ન હતી, પણ એ પણ વાટકો પકડીને ક્યાં સુધી ઊભા રહે?

સેઝેર ઊંધા ફર્યા અને હાથ લંબાવીને શુખવ પાસેથી વાટકો લઈ લીધો. એમણે શુખવ સામે જોયું પણ નહીં, અને પાછા દલીલ કરવા માંડ્યા. (કાંજીનો વાટકો એમના હાથમાં ઉડતો-ઉડતો આવ્યો હોત તો પણ એમને ખબર ના પડત!)

“હા, પણ કળામાં તમે શું કરો છો એ અગત્યનું નથી, તમે કેવી રીતે એને પ્રસ્તુત કરો છો એ જોવાનું હોય.”

ખ-૧૨૩ ચીઢાઈને ઊભા થઈ ગયા અને ટેબલ ઉપર હાથ પછાડતા બોલ્યા, “જે મારામાં સારી ભાવનાઓ ના જગાડી શકે મને એની પડી નથી. પછી એને જેમ કરવું હોય તેમ કરે!”

શુખવને આશા હતી કે સેઝેર અભાર માનવા એમને સિગારેટ આપશે, એટલે એ વાટકો આપીને થોડી વાર ત્યાં ઊભા રહ્યા. પણ સેઝેરને તો યાદ જ નહોતું કે શુખવ પાછળ ઊભા છે.

શુખવ ચાલવા માંડ્યા.

કંઈ વાંધો નહીં. બહાર એટલી બધી ઠંડી ન હતી. ચણતર કરવા માટે હવામાન સારું હતું.

રસ્તા ઉપર ચાલતા હતા ત્યાં એમને લોખંડની આરીનો તૂટેલો એક ટુકડો બરફમાં પડેલો દેખાયો. અત્યારના તો એમને એનું કંઈ કામ ન હતું, પણ ક્યારે એનું કામ પડે તેની શી ખબર? એટલે એમણે એને ઉપાડીને પેન્ટના ખીસામાં મૂકી દીધો. એને વીજ મથકમાં સંતાડવો તો પડશે, પણ કરકસર હંમેશાં ધનસમ્પત્તિને હરાવે.

વીજ મથક પહોંચીને પહેલું તો શુખવે એમનું સંતાડેલું લેલું કાઢ્યું અને કમર ઉપર બાંધેલા દોરડામાં ખોસ્યું. પછી એ માલ બનાવવાના ઓરડામાં પેઠા.

સૂરજના અજવાળામાંથી અંદર આવ્યા હતા એટલે ઓરડો અંધારો લાગ્યો, પણ બહાર કરતાં સહેજે ગરમ કે હૂંફાળું વાતાવરણ ન હતું. ઊલટાની હવા વધારે ઠંડી અને ભેજવાળી લાગતી હતી. શુખવે ચાલુ કરેલા ગોળ સ્ટવ અને રેતી ગરમ થતી હતી એ ચોરસ સ્ટવ, બંને સ્ટવ પાસે ભીડ હતી, બધાને સ્ટવની પાસેજ બેસવું હતું, પણ બધા ક્યાંથી સમાય? એટલે જેમને સ્ટવ પાસે જગ્યા નહોતી મળી તે કિલ્ડીગ્સે બનાવેલા માલ તૈયાર કરવાના નાળા ઉપર બેઠા હતા. ફોરમૅન તાપણીની સામે બેઠા હતા, એમની કાંજી પૂરી કરી રહ્યા હતા. પાવલોએ એમને કાંજી સ્ટવ ઉપર ગરમ કરીને આપી હતી.

કંઈ ગુસપુસ ચાલી રહી હતી, બધા થોડા ખુશ પણ લાગી રહ્યા હતા. કોઈકે ઇવાન દિનીશવીચને સમાચાર આપ્યા, ફોરમૅન એ આ કામ માટે સારો ભાવ નક્કી કર્યો હતો. એ ખુશ થઈને આવ્યા હતા.

ફોરમૅન પૂરું થયેલું શું કામ બતાવશે એ તો એજ જાણે. અડધો દિવસ તો પૂરો થઈ ગયો હતો, અને હજી તો કશું કામ પણ નહોતું થયું. તમને કંઈ સ્ટવ ચાલુ કરવાના પૈસા ના મળે. એ તો તમે તમારે માટે કરેલું, એમાં બાંધકામ ક્યાં આગળ વધ્યું? કામની નોંધવહીમાં કંઈક તો લખવું પડશે ને? કદાચ સેઝેર કંઈક ગોઠવણ કરવાનો હશે, ફોરમૅનને મદદ કરવા એમાં કંઈક ઉમેરવાનો હશે. ફોરમૅન સેઝેરને આદરભાવથી બોલાવતા, એમને ઘણું સન્માન આપતા, એનું કંઈક કારણ તો હશેજ ને?

‘સારો ભાવ’ નક્કી થાય એટલે પાંચ દિવસ વધારે રાશન મળે. પાંચે પાંચ દિવસ ના મળે, તો ચાર દિવસ તો મળે જ. એક દિવસ અધિકારીઓ અલ્પતમ રાશનનો દિવસ રાખશે જ, એ દિવસે સારું કે ખરાબ કામ જોયા વગર બધી ટુકડીઓને અલ્પતમ રાશન મળે. બધાને સરખું મળવું જોઈએ, એવું એ લોકો કહીને ઓછું રાશન આપતા. એ બચત તો કેદીઓના પેટના જોખમે થતી. જોકે કેદીનું પેટ તો કંઈ પણ સહન કરી શકે. આજે ખાવાનું નથી, તો કંઈ નહીં, કાલે પેટ ભરીને ખાઈશું. અલ્પતમ રાશનના દિવસે દરેક કેદી આ સપનું સાથે લઈને સૂવા જતો. પણ વિચારી તો જુવો, પાંચ દિવસનું કામ અને ચાર દિવસનું ભરપેટ ભોજન!

ટુકડી શાન્ત હતી, બહુ અવાજ નહતો. જેમની પાસે તમાકુ હતું તે છાનામાના કશ લઈ રહ્યા હતા. કોઈ મોટા પરિવારની જેમ બધા સ્ટવ પાસે બેઠા હતા, એ અજવાળા વગરના ઓરડામાં ટોળું વળીને બેઠા હતા. અને કામ માટે બનેલી ટુકડી પરિવાર જ ગણાય ને? સ્ટવ પાસે બેઠેલા ફોરમૅન એમની આજુબાજુ બે-ત્રણ જણને સંભળાય એવી રીતે કંઈ વાત કરી રહ્યા હતા. એમને બહુ વાત કરવાની ટેવ ન હતી, પણ આજે કરી રહ્યા હતા, મિજાજ સારો હશે.

આંદ્રીયે પ્રકોફવીચ ત્યુરીન, ફોરમૅને પણ ટોપી પહેરીને જમવાની ટેવ ન હોતી પડી. ટોપી વગર એમનું માથું ઘરડા માણસના માથા જેવું લાગતું હતું. એમના વાળ, બધા જેવાં ટૂંકા હતા અને સ્ટવની રોશનીમાં એમના સફેદ વાળ દેખાતા હતા.

“હું તો બટેલિયન કમાન્ડરથી પણ બીતો હતો, અને આ તો સિઓ હતા. મેં કહ્યું, ‘પ્રાઇવેટ ત્યુરીન હાજર છે.’ એની જાડી, ભરાવદાર ભ્રમર નીચેથી એ મારી સામે જોઈ રહ્યો અને પછી પૂછ્યું, ‘નામ અને અટક?’ મેં જવાબ આપ્યો. ‘જન્મનું સાલ?’ ફરી જવાબ આપ્યો. ૧૯૩૦માં તો હું કેવડો હતો? બાવીસ વરસનો, ગલૂડિયા જેવો. ‘અને કોની સેવા કરવાની છે, ત્યુરીન?’ ‘મજૂરોની સેવા.’ એ તો ધૂંઆપૂંઆ થઈ ગયા, અને ટેબલ ઉપર બંને હાથ જોરથી પછાડતા બોલ્યા, ‘મજૂરોની! પોતાની જાતને શું માને છે, નાલાયક?’ કંઈક ઊકળતું ગરમ ગળી ગયો હોવ એવું મને લાગ્યું. ‘મશીન ગન્નર, ફર્સ્ટક્લાસ,’ મેં કહ્યું. ‘સેના અને રાજકરણના વિષયોમાં સારી રીતે પાસ થયો છું.’ ‘ફર્સ્ટક્લાસ! જા,જા હલકટ! તારા બાપા તો કુલાક છે કુલાક! (સમૃધ ખેડૂત) આ દસ્તાવેજ જો, હમણાં જ કામિયનથી આવ્યો છે. તું ભાગી ગયો કારણકે તારા બાપા કુલાક છે. તને બે વરસથી શોધે છે.’ કાપો તો લોહી ના નીકળે એવો ઝાટકો લગ્યો, પણ ચૂપ રહ્યો. આજ બીકમાંને બીકમાં મેં વરસથી ઘેર પત્ર પણ લખ્યો ન હતો. મને ખબર ન હતી કે મારું પરિવાર સહીસલામત છે કે નહીં, અને એમને પણ ખબર ન હતી કે હું જીવું છુ કે નહીં. ‘ક્યાં ગઈ તારી નૈતિકતા? ક્યાં છે તારું ઝમીર?’ એ ગર્જ્યા, એમના બે ખભા ધ્રુજવા માંડ્યા, એની ઉપર લાગેલા હોદ્દાના બાર હાલી ગયા, ‘મજૂરોની અને શ્રમજીવીઓની સરકારને છેતરવા ચાલ્યો?’ મને થયું કે એ મને મારવા લેશે, પણ એવું ના બન્યું. એણે એક આદેશ ઉપર સહી કરીને મને છ કલાકમાં ચાલ્યા જવાનું કહ્યું. નવેમ્બરનો મહિનો હતો. મારો બૂટ સહિતનો શિયાળુ પોષાક લઈ લીધો અને મને હલકા બૂટ સાથે ઉનાળુ પોષાક આપ્યો, એ પણ ઊતરેલો, અને એક ટૂંકો ડગલો. મને નાદાન કહો કે મૂર્ખો, પણ મને એ પણ ખબર ન હતી કે મને ના પડવાનો હક્ક હતો, ‘જે થાય તે કરો, હું કશું નહીં કાઢું’. ઉપરથી મને છુટ્ટો કરાયો તેના કાગળિયામાં નોંધ થઈ, ‘છુટ્ટો કરાયો----કુલાક પુત્ર.’ એ નોંધ સાથે નોકરી લેવા તો જાવ! ઘેરથી દૂર હતો, ટ્રેનમાં જાઉં તો પણ ચાર દિવસ થાય એવું હતું. એ લોકોએ મુસાફરીનો પાસ તો ઠીક, પણ એક દિવસ ચાલે એટલું રાશન પણ નહોતું આપ્યું. મને ફક્ત એક વાર જમાડીને મથકમાંથી તગેડી મૂક્યો.

“મારી પલટનના કમાન્ડર મને ’૩૮માં કોલટાસની ટ્રાન્સિટ જેલમાં મળ્યા હતા, એમને પણ દસ વરસ માટે અંદર કરી દીધા હતા. એમણે મને કહ્યું કે સિઓ અને રાજકીય કમીસાર (રૂસી સામ્યવાદી પક્ષનો અમલદાર) બંનેને ’૩૭માં ગોળી મારીને મારી નાખ્યા હતા. શ્રમજીવી કે કુલાક, ’૩૭માં કોઈ ફરક નહોતો પડતો, એમનો અંતરઆત્મા જાગૃત હતો કે નહીં શી ખબર........મેં ક્રૉસ કરીને ભગવાનનો અભાર માન્યો, ‘ભગવાન, તું છે તો ખરો! મોડી તો મોડી, તેં લાઠી ઉગામી ખરી!’”

બે વાટકા કાંજીના ખાધા હતા, એટલે શુખવની તમાકુ માટેની તલપ વધી ગઈ. પેલા બરાક ૭ના લાટવિયન પાસેથી કાલે ઘરે ઉગાડેલું બે પ્યાલા તમાકુ લઈશ એટલે પાછું આપી દઈશ, એમ વિચારીને એમણે માછીમાર સ્ટોનિયનને ધીરેથી કહ્યું, “એઇના, મને કાલ સુધી ચાલે એટલ તમાકુ આપ. તું જાણે છે કે હું તને દગો નહીં દઉં.”

એઇનાએ શુખવ સામે સીધું જોયું, પછી ઉતાવળ કર્યા વગર નજર એના ‘ભાઈ’ તરફ કરી. એ બંને દરેક વસ્તુ વહેંચતા, દરેક વસ્તુના બે ભાગ પડતા. એટલે બીજાને પૂછ્યા વગર તમાકુનું એક તાંતણ પણ ના આપે. એ બંને એ અંદર-અંદર કંઈ વાત કરી અને એઇનાએ ગુલાબી દોરાથી ભરતકામ કરેલો એક નાનો વટવો કાઢ્યો. એમાંથી એક ચપટી જેટલું કારખાનામાં તૈયાર થયેલું તમાકુ લીધું અને શુખવના હાથમાં મૂક્યું, કેટલું છે એ જોઈને એમાં બીજા બે-ચાર તાંતણા ઉમેર્યા. એક વાર સિગારેટ બને એટલું જ તમાકુ હતું, સહેજે વધારે ન હતું.

શુખવ પાસે છાપાનો કાગળ હતો. એમાંથી થોડો ફાડીને એમણે સિગારેટ બનાવી. ફોરમૅનના બે પગ વચ્ચે સળગેલા લાકડાનો એક નાનો ટુકડો પડેલો, એ લઈને શુખવે એમની સિગારેટ સળગાવી. એક લાંબો કશ ખેંચ્યો, પછી બીજો ખેંચ્યો, અને શરીર ઢીલું પડી ગયું. એવું લાગતું હતું જાણે નશો ચઢ્યો હોય.

જેવી સિગારેટ સળગાવી એવી ઓરડાની સામી બાજુથી બે માંજરી આંખો ચળકવા માંડી. દયા ખાઈને શુખવ કદાચ ફ્તીકોફને એક કશ આપત, પણ એ ગીધડાએ સવારે એક બાજી તો મારી હતી. એટલે શુખવે ઠૂંઠું સીએન્કા કલ્યેવશિનને આપવાનું નક્કી કર્યું. એને બિચારાને ફોરમૅન શું ક્હે છે એ સંભળાતુ ન હતું, એ ચુપચાપ તાપણીમાં જોઈ રહ્યો હતો.

તાપણીનો પ્રકાશ ત્યુરીનના ચાઠાં વાળા ચહેરા ઉપર પડતો હતો. એ વાત કરતા હતા તેમાં સહેજે આપવીતીની વ્યથાની ભાવના ન હતી, એ જાણે કોઈ ત્રાહિતની વાત કરતા હોય એમ આખી વાત કરતા હતા.

“મારી પાસે જે થોડીઘણી પરચુરણ વસ્તુઓ હતી તે મેં એક જૂનો માલ લેનાર વ્યાપારીને વેચી. મને એની પા ભાગની કિંમત મળી. બ્રેડનું વેચાણ તો મર્યાદિત જ હતું. મેં બે બ્રેડના લોફ ગેરકાયદેસર રીતે ખરીદ્યા. મને એમ કે હું ભારખાના બદલતો-બદલતો ઘરે પહોંચીશ, પણ ખબર પડી કે એની સામે કડક કાયદા ઘડાઈ ગયા હતા. તમને એવું કરતા પકડે તો સીધી ગોળી જ મારી દે. મારી પાસે તો પૈસા નહોતા, પણ પૈસા હોત તોય ટ્રેનની ટિકિટ ક્યાં મળવાની હતી. સ્ટેશનની ચારે બાજુના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા, શીપસ્કીન પહેરેલા અણઘડ, ગામડિયાઓ પોતાને વતન પાછા ફરી રહ્યા હતા. પણ એમનાથી આગળ જવાય એવું ન હતું. કેટલાક તો ભૂખમરાથી ત્યાં ને ત્યાંજ ખલાસ થઈ ગયા. ટિકિટો તો બધી, તમે જાણો છો એમ, ઓજીપીયુંને, લશ્કરના સૈનિકોને, અને અધિકૃત કાર્ય માટે જતા અધિકારીઓને જ મળે. તમે તો પ્લૅટફૉર્મ સુધી પણ ના પહોંચી શકો. લશ્કરી દળના સૈનિકો દરવાજા ઉપર ઊભા હતા, અને પોલીસના સુરક્ષાકર્મીઓ સ્ટેશનની બે બાજુ પાટા ઉપર ચોકી કરી રહ્યા હતા. સૂરજ આથમતો હતો, રાત પડવા માંડી હતી. પાણીના ખાબોચિયાં ઉપર બરફ જમવા માંડ્યો હતો. મારે રાત ક્યાં કાઢવી? કોઈક રીતે મને એ લિસ્સી પથ્થરની દીવાલ ઉપર સહેજ પકડ આવી અને હું બીજી બાજુ કૂદી ગયો, મારા બ્રેડના લોફ લઈને કૂદી ગયો, અને સ્ટેશનના પાયખાનામાં ઘૂસી ગયો. થોડી વાર ત્યાં રાહ જોઈ, કોઈ મારી પાછળ ના આવ્યું. હું બહાર નીકળ્યો, જાણે મુસાફરી કરતો એક સિપાહી. અને સામે વ્લાદીવસ્તોકથી મોસ્કોની ટ્રેન ઊભી હતી. ગરમ પાણીના બૉઇલર આગળ ભારે ભીડ હતી, એક બીજાના માથા ઉપરથી કીટલીઓની લેવલ-દેવડ ચાલી રહી હતી. એક ભૂરો બ્લાઉઝ પહેરેલી છોકરી બે લીટરની કીટલી લઈને ત્યાં ઊભી હતી. એને બૉઇલરની બહુ પાસે જતાં બીક લગતી હતી. એના પગ નાના હતા, એટલે એને દાઝી જવાની કે પછી ભીડમાં ચકદાઈ જવાની બીક લગતી હતી. મેં કહ્યું, ‘આ મારા લોફને સાચવ, હું ગરમ પાણી લઈ આવું.’ પાણી ભરાતું હતું ત્યાં ટ્રેન આગળ ચાલવા માંડી. કીટલીની તો એને પડી નહતી પણ એને સમજણ ના પડી કે એ મારા લોફનું શું કરે, એટલે રડતી-રડતી મારા લોફ પકડીને ત્યાં જ ઊભી રહી. ‘ભાગ’, મેં કહ્યું, ‘જલ્દી ભાગ, હું પાછળ જ આવું છુ!’ એ દોડી, પાછળ હું પણ દોડ્યો. ટ્રેન તો ઝડપથી દોડવા માંડી હતી. એક હાથે ઊંચકીને એને ટ્રેનમાં ચડાવી દીધી. પછી પગથિયા ઉપર હું ચઢ્યો. પણ.......પણ કન્ડક્ટરનો ઠપકો સાંભળવા ના મળ્યો, અને એનો મુક્કો પણ ના ખાધો! એ ડબ્બામાં બીજા સિપાહીઓ હતા, એટલે એને એમ કે હું એમનો એક છું.”

શુખવે સીએન્કાને કોણીથી સહેજ ધક્કો માર્યો---આ ઠૂંઠું પૂરું કર! એમણે એમના લાકડાના સિગારેટ હોલ્ડર સાથેજ સીએન્કાને સિગારેટ આપી હતી, શાંતિથી કશ લેવાદો, એમાં મારું ક્યાં કશું નુકશાન થવાનું છે? સીએન્કા પણ રમૂજી હતો, છાતી ઉપર હાથ મૂકીને આભાર માનવા માટે નીચે નમ્યા, જાણે રંગમંચનો કલાકાર! બહેરા હતા, પણ વિવેક નહોતા ચૂકતા!

ફોરમૅને એમની વાત ચાલુ રાખી.

“એક બંધ ડબ્બામાં છોકરીઓ હતી, છ છોકરીઓ. એ છોકરીઓ લીલીનગ્રાડની વિદ્યાર્થિની હતી અને અભ્યાસ દરમિયાન થોડો વ્યવહારિક અનુભવ મેળવીને પાછી જતી હતી. એમની પાસે માખણ અને બીજું એવું કેટલુંએ ટેબલ ભરીને હતું, ખૂટી ઉપર નાચતા કોટ હતા, કાપડનું કવર ચઢાવેલી પેટીઓ હતી. એમને શું થઈ રહ્યું છે, એનું કંઈ ભાન નહતું, એમના જીવનમાં કોઈ ઊથલપાથલ ન હતી. અમે વાતે વળગ્યા. ચા સાથે સરસ વાતો ચાલી. તમે કયા ડબ્બામાં છો? એમણે મને પૂછ્યું. મેં ઊંડો સ્વાસ લઈને સાચ્ચી વાત કરી, ‘તમારે માટે ડબ્બો છે, મારે માટે તો આ શબવાહિની બની જઈ શકે.’”

સ્ટવમાંથી આવતો તડતડ અવાજ શિવાય ઓરડામાં બીજો કોઈ અવાજ નહતો.

“થોડા ઓ.... ને આ.... થયા, એ લોકો થોડા ગભરાયા, અચકાયા, પણ અંતે અંદર-અંદર વાત કરીને મને એમણે સંતાડીને રાખ્યો, ઉપરના પાટિયામાં કોટની નીચે એમણે મને સંતાડી દીધો. તે વખતે ઓજીપીયુના માણસો કન્ડક્ટરની સાથે રહેતા. એમને એકલી ટિકિટ નહોતી તપાસવી, પણ જો થોડો પણ વહેમ પડે તો તમારી ચામડી ઉધેડી લેવી હતી. એ છોકરીઓએ મને સંતાડી રાખ્યો અને નોવીસીવીસ્ક સુધી પહોંચાડ્યો........અને તમે માનશો નહીં, પણ મને એમની એક છોકરીનો આભાર માનવાનો મોકો વર્ષો પછી મળ્યો હતો. પીચોરામાં. ’૩૫ના કીરોફના (ઉચ્ચ અધિકારી જેનું ખૂન થયા પછી આડેધડ ધરપકડો થઈ હતી) ગાંડપણમાંએ ફસાઈ ગઈ હતી. એને ગમે તે કામ સોંપતા, એટલે એ ઘણી હેરાન હતી, લેવાઈ ગઈ હતી. મેં એને દરજીની દુકાનમાં કામ ઉપર લગાડી દીધી.”

“આપણે માલ બનવાનું શરૂ કરી શું?” પાવલોએ ધીરેથી પૂછ્યું.

ફોરમૅને એ સાંભળ્યું નહીં.

“હું મારે ઘેર અંધારા પછી પાછળના બગીચામાંથી પેઠો. મારા બાપાને તો એ લઈ ગયા હતા. મારી મા અને ભાંડુઓ દેહશતમાં જીવી રહ્યા હતા, આવીને અમને પણ લઈ જશે? હું પહોંચું એ પહેલાં તો તારથી મારા સમાચાર પહોંચી ગયા હતા. ગામના રૂસી વહીવટદારો મને પકડવા રાહ જોઈને બેઠા હતા. અમે ભયથી થથરી રહ્યા હતા. બધા દીવાઓ ઓલવીને અંધારામાં દીવાલને ચોંટીને બેઠા હતા. કેટલાક રાજકરણના ઉત્સાહીઓને, આખા ગામમાં ફરીને બારીઓમાંથી અંદર ડોકાચિયાં કરવાનો શોખ હતો. એજ રાતે હું મારા નાના ભાઈને લઈને નીકળી પડ્યો, કોઈક હૂંફાળી જગ્યા શોધવા નીકળી પડ્યો. અમે ફ્રુન્ઝે પહોંચયા. ના એની પાસે કંઈ ખાવાનું હતું કે ના મારી પાસે. એક ડામર ગરમ રાખવાના બૉઇલર પાસે થોડા મવાલી જેવા માણસો બેઠા હતા. હું પણ એમની સાથે ત્યાં બેસી ગયો અને એમને કહ્યું, ‘મારા લુખ્ખા ભાઈબંધો, તમે મારા ભાઈને તમારી સાથે રાખો અને એને તમારી જેમ જીવતા શિખવાડો.’ એ લોકોએ એને જોડે રાખી લીધો.......મને પણ કોઈક વાર એમ થાય છે કે હું પણ એ લુખ્ખાઓ સાથે જોડાઈ ગયો હોત તો સારું હતું.”

“એ પછી તમે તમારા ભાઈને ક્યારે જોયોજ નથી?” કૅપ્ટને પૂછ્યું.

બગાસું ખાતા ત્યુરીન બોલ્યા, “ના, ક્યારેય જોયો નથી.” ફરી બગાસું ખાતાં એ બોલ્યા, “ચાલો સાથીઓ, આમ ઢીલા ના પડો! આખરે એ વીજ મથક જ છે! આપણે એને ઘર જેવું બનાવી દઈશું! ચાલો, માલ બનાવવાનો શરૂ કરો, ભૂંગળું વાગવાની રાહ ના જુઓ!”

કામની ટુકડીની આજ ખૂબી છે. અધિકારી તમને કહે તો તમે કામ કરવાના સમયે પણ ઝડપ ના રાખો, પણ ફોરમૅન કહે તો તમે આરામના સમયે પણ કામે લાગો, કારણ કે ફોરમૅન તમને ખાવાનું પૂરું પડવાનો છે. તે ઉપરાંત જો જરૂરી ના હોય તો ફોરમૅન તમને આરામના સમયે કામે લાગવાનું ના કહે.

જો માલ બનાવવા માટે ભૂંગળું વાગવાની રાહ જોવાય તો ચણતર કરનારને બેસી રહેવું પડે, એમનું કામ આગળ ના વધે.

શુખવ નિસાસો નાખીને ઊભા થયા.

“ચાલો જઈએ, જામેલો બરફ તો ખોતરતા થઈએ.”

બરફ કાઢવા એમણે ઓજારોમાંથી એક નાની કુહાડી અને એક બ્રશ લીધું, જોડે એક હથોડો, એક લાઠી જેવી લાકડી, એમનું દોરડું, અને એક ઓળંબાની દોરી પણ લીધાં.

લાલ મોઢાં વાળા કિલ્ડીગ્સે અકળાઈને શુખવ તરફ જોયું----શેને માટે ફોરમૅન કરતાં વ્હેલો ઊભો થઈ ગયો? કિલ્ડીગ્સની વાત થોડી જુદી હતી. એને ટુકડીના રાશનની ચિંતા ન હતી, બસો ગ્રામ બ્રેડ આમતેમ થાય તો પણ એ ટાલિયો એના પાર્સલોથી કામ ચલાવી શકે એમ હતું.

તોય એ ઊભો થઈ ગયો. એ મૂર્ખ નહતો, એ જાણતો હતો કે ટુકડીને રાહ ના જોવડાવાય, બધાએ સાથેજ ઊભા થવું પડે.

“ઊભો રહે, વાન્યા,” એમણે બૂમ પડી, “હું આવું છું.”

હવે તું આવ્યો, જાડિયા! પોતાને માટે કામ કરતો હોત તો તો ક્યારનો કામે લાગ્યો હોત!

(શુખવને ઉતાવળ હતી કારણ કે ઓઝારો લેવા ગયા હતા ત્યારે એક જ ઓળંબાની દોરી લાવ્યા હતા, અને કિલ્ડીગ્સ એને લઈ લે એ પહેલાં શુખવને એ ઝડપી લેવી હતી.)

“ત્રણ જણા ચણતર માટે બરાબર છે?” પાવલોએ ફોરમૅનને પૂછ્યું, “કે પછી બીજો એક માણસ મૂકવો છે? પણ તો કદાચ માલ બનાવવામાં ના પહોંચી વળીએ.”

ફોરમૅને થોડું વિચારીને કહ્યું, “હું જાઉં છું, પાવલો. એટલે ચાર થયા. તું માલ બનાવવાનું કામ સંભાળ. નાળું મોટું છે, એટલે છ જણને માલ બનાવવાનું સોંપ. અડધામાં માલ તૈયાર કર, એક બાજુથી એ લેવાતો જાય અને બીજી બાજુ નવો માલ બનતો જાય. કામ અટકવું ના જોઈએ, એક મિનિટ માટે પણ નહીં!”

“સારું,” કહીને પાવલો કૂદકો મારીને ઊભા થયા. જુવાનીનું ધમધમતું લોહી હતું, એમને હજી છાવણીની અસરો વર્તાતી ન હતી. યુક્રેનના ડમ્પલીન્ગસ (સમોસા-કચોરી જેવી ભરેલી વાનગી) મોઢાં ઉપરથી હજી ઓસર્યાં ન હતાં. “જો તું ચણતર કરવા જાય છે, તો હું માલ બનાવીશ. જોઈએ તો ખરા કોણ વધારે કામ કરે છે! સૌથી લાંબા હાથા વાળો પાવડો ક્યાં છે?”

કામની ટુકડીની ખૂબી! પાવલો જેવો માણસ, જે જંગલમાંથી ગોળીબાર કરતો, કે રાતના રૂસી ગામો ઉપર છાપા મારતો, એ માણસ અહીં કમરતોડ મહેનત કરવા તૈયાર હતો. ફોરમૅન માટે કરવાનું હતું, એટલે કરવાનું.

શુખવ અને કિલ્ડીગ્સ ઉપર પહોંચી ગયા હતા. ઢાળ ઉપર કૂચડ-કૂચડ અવાજ સાથે પાછળ સીએન્કા ચઢી રહ્યા હતા. બહેરા હતા, પણ કામ શરૂ કરવાનું છે એ સમજી ગયા હતા.

બીજા માળની દીવાલો થોડીક જ બની હતી, લગભગ ત્રણ ઈંટ સુધી ઊંચી ચણાઈ ગઈ હતી, અમુક ઠેકાણે થોડી વધારે ઊંચી હતી. ઈંટો ચણવા માટે આ ઊંચાઇ સૌથી સારી, ધૂંટણથી છાતી સુધીની. પાલખ વગર આરામથી કામ થાય.

પહેલાં પાલખના પાટિયા અને ટેકા, બધું હતું. પણ કેદીઓ ઉપાડી ગયા હતા, થોડા બીજે કામ કરવા માટે અને થોડા બાળવા માટે, તમે ગમે તે કરો, બીજી ટુકડીને એ ના મળવા જોઈએ! આજે જો કામ બરાબર થશે તો કાલે ટેકાઓની જરૂર પડશે, એ બનાવવા પડશે, નહીં તો કામ અટકી જશે.

વીજ મથકની ઉપરથી દૂર સુધી બધું દેખાતું હતું. બરફની ચાદર ઓઢેલું વીજ મથકનું એ નિર્જન પરિસર. (બધા કેદીઓ હૂંફાળી જગ્યા શોધીને બેઠા હતા, ભૂંગળું વાગે એની રાહ જોતા હતા.) પેલા ચોકી માટેના અંધારા બુરજો, પેલા અણીદાર થાંભલાઓ, જેના તાર સૂરજની સામી ઝાળે દેખાતાં ન હતા, પણ બીજી બધી બાજુ સ્પષ્ટ દેખાતા હતા. સૂરજનો પ્રકાશ તેજ હતો, આંખો અંજાઈ જાય એટલો ઝળહળતો અને તેજ. થોડે દૂર વીજ મથકની ટ્રેન દેખાતી હતી. એનો ધુમાડો તો જુઓ, આ ધુમાડાને લીધે આકાશ પણ શ્યામ દેખાતું હતું. હંમેશની જેમ વ્હીસલ વગાડતા પહેલાં ‘ખોંખારો’ ખાધો, હવે એની વ્હીસલ વાગશે.....આ વાગી. એનું કામ કંઈ બહુ આગળ નહોતું વધ્યું.

કિલ્ડીગ્સે ઉતાવળ કરાવી.

“એ તું, સ્તખાનિયન! પેલી ઓળંબાની દોરીનું કામ જલ્દી પતાવ!”

શુખવે ટોણો મર્યો, “તારી દીવાલ ઉપર બરફનો થર તો જો! તને લાગે છે કે તું એને અંધારા પહેલાં સાફ કરી શકીશ? તારે તો લેલું લાવવાની જ જરૂર નહતી!”

જમવા જતાં પહેલાં નક્કી કરેલું એમ એ બંને પોતપોતાની દીવાલ પાસે ઊભા હતા. પણ ફોરમૅને એમને બૂમ મારી.

“ઊભા રહો! માલ નાળામાં જામી ના જાય એટલે બે-બે જણાએ એક દીવાલ ઉપર કામ કરવાનું છે, શુખવ તુંકલ્યેવશિનની સાથે કામ કરજે અને હું કિલ્ડીગ્સ સાથે. અને ગોપ્ચિક તું મારે માટે કિલ્ડીગ્સની દીવાલ સાફ કરવા માંડ.”

શુખવ અને કિલ્ડીગ્સે એક બીજા સામે જોયું. વિચાર સારો હતો, કામ જલ્દી થશે.

પોતપોતાની નાની કુહાડી લઈને બંને મચી પડ્યા.

શુખવની આંખ સામે હવે એમની દીવાલ હતી, બીજાં બધાં દૃશ્યો ઓસરવા માંડ્યાં. એ વીજ મથકનું પરિસર, બરફ ઉપર ચળકતી સૂરજની કિરણો, સવારના શરૂ કરેલું ખાડા ખોદવાનું કામ પૂરું કરવા માટે ધીરે-ધીરે કામે લાગતા કેદીઓ, જાળીઓને કૉન્ક્રીટ માટે સરખી કરતા કેદીઓ, સમારકામની દુકાનો માટે છાપરાં બનાવતા કેદીઓ, બધું લુપ્ત થઈ ગયું. એમને તો એમની દીવાલ જ દેખાતી હતી. ડાબા ખૂણેથી માંડીને એના જમણા ખૂણા સુધી એમની દીવાલ હતી. ડાબા ખૂણે થોડી ઊંચી, કમર સુધીની ચણેલી હતી, અને એના જમણા ખૂણેથી કિલ્ડીગ્સની દીવાલ શરૂ થતી હતી. એમણે સીએન્કાને એક બાજુથી બરફ સાફ કરવાનું કહ્યું, અને બીજી બાજુ એ પોતે ઉત્સાહભેર બરફ સાફ કરવા માંડ્યા. બરફ તોડવા એ જરૂરિયાત પ્રમાણે હથોડીનો અણીદાર ભાગ અને બુઠ્ઠો ભાગ વાપરતા. ચારે બાજુ બરફની કરચો ઊડતી હતી, કોઈક કરચ એમના મોઢાંને અથડાતી, પણ એ એમના કામમાં વ્યસ્ત હતા, અને કામ કુશળતાપૂર્વક અને ઝડપથી થતું હતું. બરફ કાઢતા-કાઢતા એમની આંખો દીવાલનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહી હતી. આ દીવાલ વીજ મથકના બહારના ભાગમાં હતી, એના રવેશના ભાગમાં હતી. અને બરફ કાઢ્યો એટલે દેખાયું કે એ દીવાલ તો માત્ર બે બ્રીઝ-બ્લૉક્સની હતી. જેણે પહેલાં કામ કર્યું હતું એ ક્યાં તો આવડત વગરનો હતો ક્યાં તો કામચોર.

આ દીવાલ જાણે એમની માલિકીની હોય, એમ શુખવે એનું નિરીક્ષણ કર્યું, અને એની રજેરજથી પરિચિત થયા. આ ગાબડું પડેલો ભાગ, એમાં તો ત્રણેક વાર માલ ભરવો પડશે, અને દર વખતે થોડું જાડું થર કરવું પડશે, તો જ સરખું સપાટ થશે. અને પેલા ઉપસેલા ભાગને સીધો કરવા માલના બે-એક થર તો જોઈશે જ. શુખવે દીવાલની લંબાઈનો અંદાજો કાઢ્યો અને પોતે ક્યાં સુધીની દીવાલ ચણશે અને સીએન્કા કેટલી ચણશે તે વિચારી લીધું. એમણે થોડો ઊંચે સુધી ચણાયેલા ડાબા ખૂણેથી કામ શરૂ કરવાનું નક્કી કર્યું, અને સીએન્કા એમની જમણી બાજુથી ચણવાનું શરૂ કરીને કિલ્ડીગ્સના ખૂણા તરફ જશે. શુખવ જાણતા હતા કે કિલ્ડીગ્સ એમના ખૂણા સુધી આવીને અટકી નહીં જાય, એ આબાજુ આવીને સીએન્કાને થોડી ઈંટો ચણીને મદદ કરશે જ. એ બંને ખૂણામાં માથાકૂટ કરતા હશે ત્યારે શુખવ ઝડપથી કામ કરીને અડધી દીવાલ ઊંચી ચણી દેશે, એટલે એ અને સીએન્કા પાછળ નહીં પડી જાય. શુખવે ક્યાં અને કેટલા બ્લૉક્સ જોઈશે એનું અનુમાન કાઢ્યું અને જેવા માણસો ઉપર આવ્યા, એવું એમણે અલયોશ્કને કહ્યું, “મને મારા બ્લૉકસ જલ્દી લાવી દો! થોડા અહીં મૂકો અને થોડા ત્યાં, પેલી બાજુ.”

સીએન્કા બરફ કાઢી રહ્યા હતા. શુખવે વાયરનું બ્રશ લીધું અને દીવાલને ઘસવા માંડ્યા. બંને હાથનું જોર લગાવીને દીવાલને ઘસતા હતા. તિરાડોને ખાસ જોરથી ઘસતા હતા. ઉપરની બાજુને એકદમ ચોખ્ખી ના કરી, એની ઉપર એક પાતળું બરફનું થર રહેવા દીધું.

શુખવ હજી બરફ ઘસી રહ્યા હતા ને ફોરમૅન ઉપર આવ્યા. એમણે એમનો દંડો ખૂણામાં બેસાડ્યો. શુખવ અને કિલ્ડીગ્સે તો પોતપોતાના દંડાઓ ક્યારના બેસાડી દીધા હતા.

પાવલોની નીચેથી બૂમ પડી, “ઉપર જીવો છો? માલ મોકલું છું!”

શુખવને પરસેવો છૂટી ગયો! એમણે ચણતર કરવા માટે દોરી તો હજી લગાડી નહતી. એમણે ત્રણ થર એક સાથે કરવાનું નક્કી કર્યું, અને એનાથી થોડીક ઊંચી દોરી બાંધી દીધી. સીએન્કાને અંદરનો ભાગ વધારે મળે એટલે એમણે બહારના ભાગમાં કામ કરવાનું નક્કી કર્યું.

દોરીને બાંધતાં-બાંધતાં એમણે થોડું બોલીને અને થોડા ઇશારા કરીને સીએન્કાએ ક્યાં ચણતર કરવાનું છે એ સમજાવી દીધું. એ બહેરો સમજી ગયો. હોઠ ચાવતા અને આંખો ઉપર લઈ જઈને એણે ફોરમૅનના ખૂણા તરફ માથું હલાવીને ઇશારો કર્યો, જાણે એ કહેવા માંગતો હતો કે હું તૈયાર છું, ચાલ એમને હંફાવી દઈએ! એમને હરાવી દઈએ! અને એ હસવા લાગ્યા.

માલ ઢાળ ઉપરથી આવી રહ્યો હતો. ચાર-ચારની બે ટુકડીઓ માલ લાવવા માટે હતી. ફોરમૅનનું ફરમાન હતું કે માલને કડિયા પાસે તગારામાં નહીં કાઢવાનો, કાઢતાં-કાઢતાં તો એ ઠરી જશે. એમની પાસે સીધી હાથલારી મૂકી દેવાની. અને કડિયાઓએ એમાંથીજ માલ લઈ લેવાનો. માલ લાવનારએ પણ ઉપર ટાઢમાં થીજવાની જરૂર નથી, હાથલારી ખાલી થાય ત્યાં સુધી એમણે બ્રીઝ-બ્લૉકસને કડિયાઓ પાસે ખસેડતા જવાનું. લારી ખાલી થાય અને એ લોકો નીચે ઉતરે ત્યારે બીજા ચાર ઉપર આવતા હોય, એટલે કામમાં કોઈ જાતનો વિલંબ ના થાય. નીચે ઉતરેલા ચાર જણાએ સ્ટવ પાસે જઈને લારીમાં થીજીને ચોંટી ગયલો માલ સાફ કરવાનો અને સમય હોય તો એ પણ થોડા ગરમ થઈ શકે.

પહેલી બે લારીઓ સાથે જ આવી, એક કિલ્ડીગ્સની દીવાલ માટે અને એક શુખવની. માલ હૂંફાળો હતો, અને બરફ જેવી ઠંડી હવામાં એમાંથી વરાળ નીકળતી હતી. જલ્દી કરો, જલ્દી એને ચોપડો, નહીં તો એ થીજી જશે, અને તમારે એને હથોડાથી તોડીને કાઢવો પડશે. એમાં તમારું લેલું કામમાં નહીં આવે. અને બ્લૉક સહેજ પણ ત્રાંસો રહી જશે તો એક બાજુથી નમેલો જ થીજી જશે. પછી તો એને કુહાડીથી તોડે જ છૂટકો, અને બધો માલ કોતરી-કોતરીને કાઢવો પડશે.

પણ શુખવ કોઈ ભૂલ નહોતા કરતા. બધા બ્લૉકસ સરખા ન હતા. જો કોઈ બ્લૉકનો ખૂણો તૂટેલો હોય, કે પછી વળેલો કે ખરબચડો હોય, તો શુખવ એને હાથમાં લેતાંની સાથે જોઈ લેતા અને પછી એને એમની દીવાલમાં ક્યાં, અને કઈ રીતે બેસાડવાનો એ નક્કી કરતાં એમને સહેજ પણ વાર નહોતી લાગતી.

એ લેલુમાં માલ લેતા અને નક્કી કરેલી જગ્યાએ એ માલ ચોપડતા. માલ ત્યાં લગાડતી વખતે શુખવ નીચેના થરમાં બે બ્લૉકસ વચ્ચેનો સાંધો જોઈ લેતા અને એની ઉપર જે નવો બ્લૉક મૂકતા એમાં એ સાંધો બરાબર વચ્ચે આવે એવી રીતે એને ગોઠવતા. માલ પણ એક બ્લૉક પૂરતોજ મૂકતા, અને બ્લૉક લઈ, લેલુંથી માલ જરા સરખો કરીને બ્લૉક મૂકી દેતા. પણ હા, બ્લૉક ઉપાડતી વખતે થોડી સાવચેતી રાખતા, બ્લૉક્સ ઘણા ખરબચડા અને બરછટ હતા, એમના હાથનાં મોજાં ફાટે નહીં એટલે એ બ્લૉકસ ઉપાડતી વખતે થોડા સાવધાન રહેતા. બ્લૉક મૂકીને એને તરત લેલુંથી ઠોકીને સરખો બેસાડી દેતા અને જોઈ લેતા કે એ ઊંચાઈ અને પહોળાઈમાં સમતળ છે કે નહીં. આ ઠંડીમાં તો એ તરતજ થીજી જઈને ચોંટી જાય.

બ્લૉક દબાતા જે થોડો માલ બહાર આવ્યો હોય એને તરતજ લેલુંથી ખોતરીને કઢી નાખવો પડે. (ઉનાળો હોય તો તમે એને ફરી વાપરી શકો, પણ આ ઋતુમાં ----ભૂલી જાવ!) પાછું નીચે જોઈ લેવાનું, કદાચ નીચેના થરમાં કોઈ બ્લૉક તૂટી ગયો હોય, એમાં નાનું ગાબડું પડ્યું હોય; જો એવું કંઈ હોય તો માલ થોડો વધારે લઈને ડાબી બાજુ વધારે આવે એમ લગાડવાનો, અને બ્લૉકને મૂકવાને બદલે જમણી બાજુથી ડાબી બાજુ સરકાવવાનો, એટલે વધારાનો માલ બે બ્લૉકની વચ્ચે બરાબર આવી જાય. બ્લૉક્સ સમતળ રાખો, સપાટ રાખો. ચોંટતા વાર નહીં થાય. બીજો જલ્દી આવવા દો!

શરૂઆત તો સારી થઈ. બે થર તો થઈ ગયા, જોડે જૂના તૂટેલા બ્લૉક્સ પણ વ્યવસ્થિત થઈ ગયા, બધું સરસ ચાલી રહ્યું છે. નજર સામે રાખો! ધ્યાન રાખો!

શુખવ ઝડપથી કામ કરી રહ્યા હતા, બહારની બાજુથી અંદરની બાજુ, એ સીએન્કા પાસે પહોંચી જવાની તૈયારીમાં હતા. સીએન્કા પણ એમના ફોરમૅન પાસેના ખૂણાથી શુખવ તરફ ઝડપથી વધી રહ્યા હતા.

શુખવે ઇશારો કરીને માલને એ પહોંચી શકે એવો પાસે મુકાવ્યો. જલ્દી પાસે લાવો! નાક ગળે છે, એ લૂછવાનો પણ મારી પાસે વખત નથી!

શુખવ અને સીએન્કા જોડે થઈ ગયા. બંને જણા એક જ લારીમાંથી માલ લેવા માંડ્યા. છેલ્લો માલ ઘસીને લઈ લીધો એટલે શુખવે દીવાલ ઉપરથી બૂમ મારી, “માલ!”

નીચેથી પાવલોએ ઘાટો પાડ્યો, “આવે છે!”

તાજો માલ આવી ગયો. જેટલો ભીનો હતો એટલો માલ ઘસીને લઈ લીધો, પણ જે ચોંટી ગયો હતો એ માલ લાવનારે સાફ કરવો પડશે, જો એ થર વધતું જશે તો એટલું વધારાનું વજન એમણે જ ઉપર નીચે કરવું પડશે. સારું, હવે જા! બીજી લારી અહીં!

શુખવ અને બીજા કડિયાઓને ઠંડીની જાણે કોઈ અસર જ ન હતી. કામની ગતિમાં થોડી ઝડપ આવી એટલે પહેલાં તો બધાને પરસેવો થયો, જૅકેટ, જર્કીન, ખમીસ અને બાંડિયા, બધાની નીચે પણ પરસેવો થયો અને બધું પલળી ગયું. પણ કોઈએ એક ક્ષણ માટે પણ કામ ધીમું ના થવા દીધું, બલકે કામની ઝપડ ઓર વધારી દીધી. કલાક પછી પરસેવો બધો સુકાઈ ગયો. ઉપર સતત હિમ જેવો ઠંડો પવન આવતો હતો, પણ એને ગણકાર્યા વગર બધા કામ કરી રહ્યા હતા. અને ખાસ તો એમને કોઈને પગમાં ઠંડી નહોતી લાગતી, બાકી કામ ઉપર ધ્યાન રાખવું અઘરું પડે. બધાની અવગણના કરાય, થીજી જતા પગની ના થાય! જોકે કલ્યેવશિન પોતાના પગ વારેઘડીએ પછાડતો હતો. એ બિચારાના બૂટનું માપ અગિયાર હતું, ઉપરથી એને બૂટની જોડી નહોતી આપી, બે અલગ બૂટ આપ્યા હતા અને એ પણ થોડા સાંકડા અને નાના.

થોડી-થોડી વારે ફોરમૅનની માલ માટે બૂમ સંભળાતી, અને શુખવની પણ.

તરવરાટથી કામ કરો તો તમે થોડાક અંશે ફોરમૅન બની જાવ. શુખવને પેલા બે આગળ વધી જાય એ બિલકુલ મંજૂર ન હતું. એમને માટે ઢાળ ઉપરથી માલ બરાબર આવતો રહે એ અગત્યનું હતું, અને અત્યારે એમની મનની પરિસ્થિતિ એવી હતી કે જો એમનો પોતનો ભાઈ કામમાં ઢીલ કરે તો એને પણ નહીં છોડવાનો!

જમ્યા પછી વિનોસ્કી ફ્તીકોફ સાથે માલ ઉપર લઈ જવાનું કામ કરી રહ્યા હતા. સીધો ઢાળ હતો, એટલે ખતરનાક હતો. અને વિનોસ્કી માટે તો એ થોડો મુશ્કેલ પણ હતો. શરૂઆતમાં તો એમને એ ઢાળ ઉપર માલ લઈને ચઢવામાં ઘણી તકલીફ પડી, એકબે વાર તો શુખવે એમને ઝડપ કરવાનું કહેવું પણ પડ્યું

“કૅપ્ટન, જલ્દી કરો! કૅપ્ટન આ બ્લૉક્સ મને જલ્દી આપો!”

પણ ધીરે-ધીરે એ ટેવાતા ગયા અને એમની ઝડપ વધવા માંડી, ત્યાં ફ્તીકોફએ કામચોરી કરવા માંડી. એ હરામખોર વજન ઓછું કરવા માલ બહાર ઢોળાય એવી રીતે લારી વાંકી રાખીને ચાલતો.

શુખવે એક વાર એને પાછળ ધોલ પણ મારી.

“સુવરની ઓલાદ! તું મૅનેજર હતો ત્યારે માણસો આવું કામ કરે તો ચલાવી લેતો હતો?”

“ફોરમૅન,” કૅપ્ટને બૂમ પાડી, “મને કોઈ બીજા માણસ સાથે કામ કરવા મૂકો! હું આ નાલાયક સાથે કામ નહીં કરું!”

ફોરમેને ફ્તીકોફને નીચે મોકલી દીધો. એને પાલખ ઉપર ઊભા રહીને બ્લૉક્સને ઉપર આપવાનું કામ સોંપાયું, એટલે એણે કેટલા બ્લૉક્સ ખસેડ્યા એ ગણી શકાય. અલયોશ્ક, ધ બેપ્ટીસ્ટને પાલખ ઉપરથી ઉતારીને કૅપ્ટન સાથે કામ કરવા મૂક્યો. અલયોશ્ક એટલા નમ્ર અને સૌમ્ય હતા, કે કોઈ પણ એમને આદેશો આપી શકે, એમની ઉપર હુકમ ચલાવી શકે. કૅપ્ટન દબાણ કરતા, “જલ્દી કર! દમ માર!જો આ લોકો કેટલું જલ્દી કામ કરે છે?”

અલયોશ્ક સૌમ્ય સ્મિત આપીને કહેતા, “જેમ તમે કો એમ! આનાથી યે વધારે ઝડપ રાખી શકીશ.”

અને બંને જણા ઢાળ ઊતરી જતા.

સરસ માણસ, જે કામ હોય તે ખુશીથી કરે. એના સાથીયો માટે તો એક અમૂલ્ય રત્ન!

ફોરમૅને નીચે કોઈકને ઘાંટા પાડ્યા. બ્રીઝ-બ્લૉક્સ લઈને આ બીજી ટ્રક આવી. છ મહિના સુધી કાંઈ નહીં ને અત્યારે એક પછી એક ટ્રકો ચાલુ જ છે. આવે છે ત્યાં સુધી કામ કરી લો. પછી તો કામ અટકવાનું જ છે. અને આ ગતિ પણ પછી પકડાય કે નહીં, કોને ખબર.

ફોરમૅન હજી ઘાંટા પાડી રહ્યા હતા. લિફ્ટની કંઈ વાત લાગી. વાત જાણવા માટે શુખવ ઉત્સુક તો હતા, પણ કામ ઘણું હતું. એમની દીવાલને સરખી, સપાટ બનાવવાની હતી. માલ લઈને આવ્યા એમણે શુખવને કહ્યું કે લિફ્ટનું એન્જિન સમું કરવા એક મિકૅનિક આવ્યો હતો. એની સાથે સ્વાધીન મજૂર હતો, જે વીજળીને લાગતાં-વળગતાં કામો સંભાળતો હતો. મિકૅનિક કામ કરી રહ્યો હતો અને પેલો સ્વાધીન મજૂર ઊભો-ઊભો એને જોતો હતો.

સામાન્ય વાત: એક કામ કરે અને બીજો એને જુએ.

જો એ લોકો ઉતાવળ કરીને લિફ્ટ સમું કરી દે તો બ્રીઝ-બ્લૉકસ અને માલ એમાં લાવી શકાય.

શુખવ એમના ત્રીજા થર ઉપર સારા એવા આગળ વધી ગયા હતા. (અને કિલ્ડીગ્સે ત્રીજું થર શરૂ કર્યું હતું) ત્યાં એક બીજો ‘જોનારો’, એક બીજો ‘ઉપરી’ આવી ચઢ્યો. દેર, પેલો બાંધકામનો ઓવરસીયર, ઢાળ ચઢીને ઉપર આવતો હતો. એ મૉસ્કોનો વતની હતો. અને કહેવાતું હતું કે એ રાજ્યના કોઈ પ્રધાન-ખાતામાં કામ કરતો હતો.

શુખવ કિલ્ડીગ્સના નજીક પહોંચી ગયા હતા. એમણે દેર તરફ ઇશારો કર્યો.

“તો શું?,” કિલ્ડીગ્સ બોલ્યા. “મારે એ ઉપરીઓ સાથે શું લેવાદેવા? હા, પણ એ ઢાળ ઉપરથી પડે તો મને બોલાવજે!”

હવે એ કામ કરતા કડિયાઓની પાછળ ઊભો રહીને જોતો હશે. આવા પ્રેક્ષકો શુખવથી સહન નહોતા થતા. એ હરામખોર કોઈ પણ રીતે એન્જિનિયરનું કામ ઝડપી લેવા માંગતો હતો. એક વાર તો મને કડિયાકામ શીખવાડવા ગયો. ત્યારે હું એટલું તો હસ્યો હતો કે ના પૂછો! હું તો એવું માનુ છું કે જ્યાં સુધી તમે તમારા હાથથી એક મકાન ના બાંધો, ત્યાં સુધી તમે એન્જિનિયર ના ગણાવ.

જોકે ચીમ્ગીન્યોવામાં ઈંટના મકાનો ન હતાં, બધાં મકાનો લાકડાનાં બનેલાં હતાં. શાળાનું મકાન પણ લાકડાનું જ હતું, એને માટે સરકારી જંગલમાંથી દસ-દસ મીટરના ઝાડનાં થડ લઈ આવ્યા હતા. છાવણીમાં તાત્કાલિક કડિયાની જરૂર પડી, એટલે શુખવે એ કામ ઝીલી લીધું. તમારા હાથથી તમે બે કામ કરેલા હોય, તો બીજા દસ શીખતાં વાર ના થાય.

અફસોસ, દેરને ઠેસ વાગી પણ એ નીચે ના પડ્યો! એ ઉપર લગભગ દોડતા ચઢી ગયા.

“ત્યુ---રી---ન,” એણે ત્રાડ પાડી. એટલો ચિડાયેલો હતો કે એના ડોળા બહાર આવી ગયા હતા. “ત્યુ---રી---ન.”

એમની પાછળ પાવડા સાથે પાવલો દોડતા ઢાળ ચડ્યા.

દેરનું જૅકેટ એને છાવણીમાંથી જ મળેલું, પણ થોડું ચોખ્ખું અને નવું હતું. સરસ ચામડાની ટોપી હતી. પણ બધાની જેમ એની ઉપર નંબર તો હતો જ, બી-૭૩૧.

“શું જોઈએ છે?” ત્યુરીન લેલું હાથમાં રાખીને આગળ ગયા. એમની ટોપી સરકીને એક આંખ ઉપર આવી ગઈ હતી.

કશુંક ખાસ હશે. શુખવને જાણવું તો હતું, પણ લારીમાં માલ ઠરવા માંડ્યો હતો. એમણે કામ ચાલુ રાખ્યું. એમના હાથ કામ કરતા હતા, પણ કાન સાંભળતા હતા.

“તું પોતાને શું સમજે છે?”. દેરના ઘાંટાની સાથે એનું થૂંક ચારે બાજુ ઊડ્યું. “જેલની સજા પણ ઓછી પડે! આ તો ગુનો કહેવાય, ત્યુરીન! તને ત્રીજી વાર જેલની સજા થશે!”

શુખવ સમજી ગયા. એમણે કિલ્ડીગ્સ સામે જોયું. કિલ્ડીગ્સને પણ ખ્યાલ આવી ગયો. ડામરવાળા કાગળ! દેરે બારીઓ ઉપર લગાડેલા ડામરવાળા કાગળ જોઈ લીધા હતા.

શુખવને પોતાને માટે બીક નહતી. એમને ખાતરી હતી કે ફોરમૅન એમનું નામ નહીં લે. એમને તો ફોરમૅનની ચિંતા થઈ. ફોરમૅન ટુકડી માટે પિતા સમાન હતા. અને આ લોકો માટે તો એ એક પ્યાદો હતા, ધાક બેસાડવા ઉપયોગમાં લેવાય એવો પ્યાદો. આના માટે એમને લાંબી સજા ફટકારીને આર્ક્ટિક પણ મોકલી દઈ શકે.

શુખવે ફોરમૅનનું આ બિહામણું સ્વરૂપ કયારે નહોતું જોયું. એમણે લેલું ખનખનાટ સાથે નીચે ફેંક્યું અને દેર તરફ આગળ વધ્યા. દેરે ગભરાઈને પાછળ જોયું. ત્યાં પાવલો પાવડો મારવાની તૈયારી સાથે ઊભા હતા.

એને માટે તો એ પાવડો ઉપર લાવ્યા હતા!

અને સીએન્કા, બહેરા હતા પણ એમને ખ્યાલ આવી ગયો કે શું ચાલી રહ્યું છે, એટલે કમર ઉપર હાથ મૂકીને આડા ઊભા રહ્યા, મજબૂત, ખડતલ માણસ!

દેરની આંખો પલકારા મારવા લાગી. ગભરાઈને એ ત્યાંથી નાસવાનો રસ્તો શોધવા માંડ્યા.

ફોરમૅન દેરના મોઢાં પાસે જઈને બોલ્યા, “તારા જેવો નાલાયક મને શું સજા આપવાનો હતો? એ દિવસો ગયા! યાદ રાખજે! હવે એક અક્ષર પણ બોલ્યો છે ને તો આ તારો આખરી દિવસ, સમજ્યો, શેતાનની ઓલાદ!” ફોરમૅન ઘાંટા પાડ્યા વગર બોલ્યા હતા, પણ ઉપર ઊભેલા બધાને એ સંભળાયું.

ફોરમૅન ગુસ્સામાં ધ્રુજી રહ્યા હતા. ધ્રુજારી બંધ નહોતી થતી.

અને પાવલોનું મોઢું તો માણસના બે કટકા કરી શકે એવું હતું.

દેરના મોઢાંનો રંગ ઊડી ગયો. એ ઢાળ પાસેથી થોડા ખસી ગયા.

“આરામથી, ભાઈ, આરામથી!” એ બોલ્યા.

ફોરમૅન કશું બોલ્યા નહીં. ચુપચાપ એમની ટોપી સીધી કરી, વળી ગયેલું લેલું ઉપાડીને દીવાલને ચણવા માંડ્યા.

પાવલો પણ પાવડો લઈને ધીમે-ધીમે, એટલે ઘણાં ધીમે, પાટિયા ઉપર ચાલવા માંડ્યા.

ગળા કપાયાનો ફરક પડ્યો! ત્રણ જ કપાયાં હતાં, પણ છાવણી બદલાઈ ગઈ હતી. તમને લાગે નહીં કે એ જ છાવણી છે.

દેરને ત્યાં ઊભા રહેવામાં બીક લગતી હતી અને નીચે જવામાં પણ બીક લગતી હતી. એ કિલ્ડીગ્સની પાછળ સંતાઈને સ્થિર ઊભો રહી ગયો.

કિલ્ડીગ્સે કામ ચલુ રાખ્યું. કોઈ દવા વેચનારો દવા જોખતો હોય એટલા ધ્યાનથી એ બ્રીઝ-બ્લૉક્સને હાથમાં લેતા. પોતે દાક્તર હોય એમ ઉતાવળ કર્યા વગર, ધ્યાનથી પોતાનું કામ કરી રહ્યા હતા. દેરને જોયો ના હોય એમ એની તરફ પીઠ કરીને કામ કરી રહ્યા હતા.

દેર ધીરેથી ફોરમૅન પાસે ગયા. એની દાદાગીરી હવાઈ ગઈ હતી.

“અહીંના વહીવટદારને હું શું કહું, ત્યુરીન?”

ફોરમૅન એ કામ ચલુ રાખ્યું અને એની તરફ જોયા વગર જ જવાબ આપ્યો, “કહેજે કે એ ત્યાં જ હતા. અમે આવ્યા ત્યારે એ લાગેલા જ હતા.”

દેર થોડી વાર ઊભા રહ્યા. એને મારવાના નથી એ ખાતરી થઈ એટલે ખીસામાં હાથ નખીને આમ-તેમ આંટા મારવા લગ્યા.

“એ એસ-૮૫૪!” એ ઘૂરક્યા, “માલ કેમ આટલો ઓછો-ઓછો મૂકે છે?”

કોઈક ઉપર તો ગુસ્સો કાઢવો ને! અને શુખવના કામમાં કોઈ ખામી ના દેખાઈ એટલે માલ ઓછો મૂકે છે એમ કહીને ઠપકો આપ્યો!

“તમારી અનુમતિથી,” શુખવ તોતડાતા અને મલકાતા બોલ્યા, “જો આનાથી જાડું પાથરું તો વસંતમાં બરફ ઓગળશે ત્યારે આ વીજ મથકમાં પાણી ચુશે.”

“તું તો કડિયો છે, ચણતર કરી જાણે. ઓવર્સીઅરની વાત તો સાંભળવી જોઈએ.”

દેરે ભ્રમરો ચઢાવી અને એની ટેવ પ્રમાણે ગાલ ફુલાવ્યા.

એની વાત સાવ ખોટી ન હતી. કદાચ અમુક ઠેકાણે માલ પાતળો હતો. માણસની જેમ કામ કરતા હોત તો માલ થોડો જાડો રાખત, પણ આ શિયાળાની ઠંડીમાં? કંઈક તો વિચાર કરો! અમારે બને એટલું વધારે કામ કરવાનું છે. પણ જો એને પોતાને આ વિચાર ના આવ્યો હોય, તો એને સમજાવવાનો પ્રયત્ન પણ શા માટે કરવો?

દેર ચુપચાપ ઢાળ ઉપરથી નીચે ઊતરી ગયા.

એ નીચે જતો હતો ત્યાં ફોરમૅને બૂમ મારી, “લિફ્ટ સમી કરાવ, અમે કંઈ ટટ્ટુ છીએ કે બ્રીઝ-બ્લૉકસ બે-બે માળ ઊંચકીને ચઢાવીએ?”

દેર અડધે પહોંચ્યા હતા. ત્યાંથી જ એમણે જવાબ આપ્યો, “તમને એના પૈસા તો મળવાના છે.” જવાબ ઘાંટા પાડ્યા વગર શાંતિથી આપ્યો.

“લારીના ભાવ મળશે, કેમ? ભરેલી લારી ધક્કો મારીને ઉપર લાવી તો જો! મને ગાડાંનો ભાવ જોઈએ છે!”

“મને તો કોઈ જ વાંધો નથી. પણ નાણાકીયખાતા ગાડાંના પૈસા નહીં આપે.”

“નાણાખાતાની ઐસી કી તૈસી! મારી આખી ટુકડી ચાર કારીગરો માટે માલ પહોંચાડવાનું કામ કરી રહી છે. આ રીતે હું કેટલું કમાઈ શકું?”

ઘાંટા પડતા હતા, પણ ફોરમૅનનું કામ તો ચાલુજ હતું.

અને “માલ લાવો,” નો પણ જોડે ઘાંટો પડ્યો.

શુખવે પણ માલ માટે બૂમ પાડી. બ્રીઝ-બ્લૉકસનો ત્રીજો થર પૂરો થયો, હવે ચોથો શરૂ કરો. દોરી થોડી ઉપર બાંધવી તો જોઈએ, પણ ચાલશે. એક થર દોરી વગર થઈ જશે. દોરી બાંધવામાં સમય નહીં બગાડીએ તો ચાલશે.

આટલામાં તો દેર ખાસ્સા દૂર નીકળી ગયા હતા, કાર્યાલય તરફ જઈ રહ્યા હતા. થોડા ખુંધા ચાલતા હતા, પરેશાન તો હશે જ ને! ફોરમૅન જેવા જુસ્સા વાળા પ્રખર વ્યક્તિની સામે પડતા એણે બે વાર વિચારવું જોઈએ ને? ત્યુરીન જેવા વ્યક્તિ સાથે માથાકૂટ ના કરે તો એ નિશ્ચિંત રહી શકે. એણે કામ કરવાનો તો સવાલજ ઊભો નહોતો થતો, રાશન પણ વધારે મળતું અને રહેવા માટે સ્વતંત્ર ઓરડો મળેલો, પછી એને બીજું શું જોઈએ? હા, એને પોતાની હોશિયારી બતાવવા જોઈએ, બધા ઉપર દાદાગીરી કરવા જોઈએ.

કોઈક ઉપર આવીને કહી ગયું કે લિફ્ટ સમી થાય એવી નથી એમ કહીને વહીવટદાર અને મિકૅનિક બંને ગયા.

એટલે હવે ગધ્ધાવૈતરું સાચું!

શુખવ જ્યાં કામ કરતા ત્યાંના યંત્રો ક્યાં તો બગડી જતાં ક્યાં તો કેદીઓ એને બગાડી દેતા. થોડો આરામ કરવો હતો એટલે કેદીઓએ એક વાર કનવેઅરની સાંકળમાં સળિયો નાખી દીધો અને પછી જોર કરીને ચલાવવા ગયા, અને એ તૂટી ગયું. આખો દિવસ, તમે બેવડા વળી જાવ ત્યાં સુધી લાકડાના મોટા-મોટા થડ ઊંચકીને ગોઠવવાનું કામ કરવાનું હોય તો તમે આવુંજ કરો ને?

“વધારે બ્લૉક્સ મોકલો,” ફોરમૅને બૂમ પાડી. એમનું કામ પુરજોશમાં ચાલી રહ્યું હતું. કામ ના અટકે એટલે સતત ઉપર-નીચે અવરજવર ચાલુ હતી, કોઈક માલ લાવતું, તો કોઈક બ્રીઝ-બ્લૉકસ. અને ખાલી કરીને નીચે પહોંચે તે પહેલાં તો ફરી બીજો ભાર લઈને ઉપર જવાનું થાય.

નીચેથી બૂમ પડી, “પાવલો પૂછે છે કે માલનું શું કરવાનું છે?”

“તને શું લાગે છે? બીજો બનાવી દે.”

“પણ હજી અડધું નાળું ભરીને માલ પડ્યો છે.”

“તો શું? બીજો બનાવી દે.”

દીવાલ ઝડપથી વધી રહી હતી. પાંચમો થર બેસાડી રહ્યા હતા. પહેલાં તો વાંકા વળીને કામ કરવું પડતું હતું, પણ હવે તો છાતી સુધી દીવાલ ઉપર આવી ગઈ હતી, એટલે સારું હતું. આમ તો એમાં કશું હતું નહીં, ન બારી, ન બારણા. ફક્ત એક બીજાને મળતી,બ્રીઝ-બ્લૉકસની બે કોરી દીવાલો. દોરી થોડી ઊંચી બાંધી દીધી હોત તો સારું પડત, હવે તો એને ઊંચી કરવાનો કોઈ અર્થ નથી.

“ટુકડી ૮૨ પોતાના ઓજારો પાછા મૂકવા ગઈ,” ગોપ્ચિકે સમાચાર આપ્યા.

ફોરમૅને એની સામે કાપતી નજરે જોયું.

“તું તારું કામ કર, ટેણી! બ્લૉક્સ અહીં લાવ!”

શુખવે પાછળ નજર નાખી. સૂરજ નીચે જવા માંડ્યો હતો, મેલા, ભૂખરા ધુમ્મસમાં લાલ સૂરજ. પાંચમાં થર ઉપર હતા એટલે હવે કંઈ કામ થયું ગણાય, સારું કામ થયું ગણાય. અને એને પૂરું કરી, બધું સરખું કરીએ એટલે આજનું કામ પૂરું.

ઉપર માલ-સામાન લાવતા સાથીઓનો શ્વાસ ફૂલી ગયો હતો. કૅપ્ટનનું મોઢું તો ફિક્કું પડી ગયું હતું. એ ચાલીસ વર્ષના ના થયા હોય, તો પણ એ ચાલીસે પહોંચવાની તૈયારીમાં તો હશે જ.

ઠંડી વધવા માંડી હતી. શુખવ કામ કરી રહ્યા હતા, પણ પાતળાં મોજામાં એમના હાથ ઠરવા માંડ્યા હતા. અને એમના ડાબા બૂટમાંથી પણ ઠંડી ઘૂસી રહી હતી. એ થોડી-થોડી વારે ગરમાવા માટે પગ પછાડતા હતા.

હવે દીવાલ ઉપર કમરેથી વળ્યા વગર કામ કરાતું હતું. પણ બ્રીઝ-બ્લૉકસ લેવા અને માલ લેવા તો એમને વળવું પડતું. કમરનો દુખાવો તો એમનો એમ જ હતો.

એમણે એમના સાથીઓને આદેશ આપ્યો, “આ બ્લૉક્સ મને ફાવે એમ આ દીવાલ ઉપર મૂકી આપો.”

કૅપ્ટન એ કરત, પણ એમનામાં ઊભા થવાની પણ તાકાત નહતી. એમને એવું કામ કરવાની ટેવ ન હતી. પણ અલયોશ્ક, એ તરત બોલ્યો, “સારું, ઇવાન દિનીશવીચ, મને બતાવી દે ક્યાં મૂકું.”

અલયોશ્ક કોઈ વાતની ના નહોતો પાડતો. તમે જે કામ બતાવો એ કરતો, એણે કોઈ દિવસ, કોઈ કામની ના નહોતી પાડી. દુનિયામાં બધા એના જેવા હોત તો કદાચ હું પણ એવો બની શકત. જે માંગે એને મદદ કરતો હોત. અને કેમ નહીં? એના વિચારો કંઈ ખોટા ન હતા.

લોખંડના કઠેરા ઉપર હથોડો માર્યાનો અવાજ આવ્યો, અને છેક વીજ મથક સુધી એ સંભળાયો. છૂટવાનો સમય થયો હતો, નવો માલ બનીને તૈયાર થયો ત્યારે જ! બહુ મહેનત કરવા જાવ ત્યારે આવું જ થાય!

ફોરમૅને બૂમ મારી, “માલ ઉપર લાવો!”

નવો માલ હમણાંજ તૈયાર થયો હતો. એને વાપરવો તો પડશે જ ને. હજી કામ ચાલુ રાખો, બીજું શું થાય. જો માલ બનાવવાનું નાળું અત્યારે વાપરીને ખાલી નહીં કરીએ તો કાલે તો એ પથ્થર બની જશે. પછી એને નાળામાંથી કાઢશો કેમનો? તીકમ પણ કામમાં નહીં આવે.

“હવે પાછા ના પડતા, હો!” શુખવે દબાણપૂર્વક દલીલ કરી.

કિલ્ડીગ્સ અકળાયેલા હતા. એમને આમ ઉતાવળે કામ કરવાનું નહોતું ગમતું. એ હંમેશાં કહેતા કે ઘેર, લાટવિયામાં બધા આરામથી કામ કરતા. બધા સુખી હતા એટલે પૈસા માટે ઉતાવળ કરવાની કોઈ જરૂર જ નહોતી પડતી. પણ અહિયાં તો ઉતાવળ કર્યા વગર છુટકો ન હતો. બધાની જેમ એ પણ ઝડપથી કામ કરતા રહ્યા.

પાવલો લારીઓ વચ્ચેથી જગ્યા કરીને ઝડપથી ઢાળ ચઢી ઉપર આવી ગયા. એ એક લેલું લેતા આવ્યા હતા, અને કડિયાઓ સાથે કામે લાગ્યા. હવે પાંચ કડિયાઓ એક સાથે કામ કરી રહ્યા હતા.

નીચે ના બે બ્લૉકસ વચ્ચેનો સાંધો જોઈને ઉપર બ્લૉક મૂકવાનો. સાંધો બરાબર વચ્ચે આવવો જોઈએ. બ્લૉક મૂકતા પહેલાં દર વખતે શુખવ માપનો અંદાજો કાઢતા અને અલયોશ્ક પાસે હથોડા વડે એને બરાબર માપનો કરાવતા, “લે, આને ચોરસ કર.” અને પછી એને દીવાલમાં બેસાડતા. જેટલી ઉતાવળ કરો, એટલું કામ ધીમું થાય. બધા મચી પડ્યા હતા, એટલે શુખવ થોડા ધીમા પડ્યા, અને દીવાલને તપાસવા લાગ્યા. એમણે સીએન્કાને ડાબી બાજુ મોકલ્યા અને પોતે જમણી બાજુ, ખૂણા તરફના ભાગમાં કામ કરવા લાગ્યા. ખૂણાનું ચણતર અગત્યનું ગણાય, એમાં જો કઈ ગોટાળો થાય તો મોટી ઉપાધિ, અને એને સરખું કરવામાં બીજો અડધો દિવસ જતો રહે.

“એક મિનિટ!” એમણે પાવલોને બૂમ મારી. એ બ્લૉક થોડો વાંકો મૂકતા હતા. શુખવે એને સીધો કર્યો. ખૂણામાં સીએન્કાએ લગાડેલા બે બ્લૉકસ પણ વાંકા હતા. એને પણ સરખા કરીને લગાડ્યા. કૅપ્ટન કહ્યાગરા ઘોડાની જેમ માલનો એક ભારો ઉપર લઈ આવ્યા.

“હજી બીજી બે લારી ભરીને લાવું છું,” એટલું કહીને એ પાછા ગયા.

થાકેલા હતા, કામ કરવાની તાકાત નહોતી રહી, પણ એમણે કામ ચાલુ રાખ્યું. શુખવને એમનો ઘોડો યાદ આવ્યો જે આવી જ રીતે એમને માટે કામ કરતો. સામુહીકરણ થયું તે પહેલાં એમની પાસે એ ઘોડો હતો. એ એની ઘણી કાળજી રાખતા હતા. પણ પારકા માણસોએ એની પાસે એટલું બધું કામ લીધું કે થોડાજ વખતમાં એ ખતમ થઈ ગયો.

સૂરજ પણ હવે પૃથ્વી પાછળ સંતાઈ ગયો હતો. ગોપ્ચિક કહે કે ના કહે, શુખવ જોઈ શકતા હતા કે બીજી ટુકડીઓ પોતાના ઓજારો પાછા આપીને ચોકિયાતના ઓરડા તરફ જઈ રહી હતી. (ઓજારો નીચે મૂકવાનો સંકેત થાય પછી કોઈને બહાર જવાની ઉતાવળ નહોતી થતી. કોઈ એટલું મૂરખ ન હતું કે બહાર ઠંડીમાં જઈને ઉભું રહે. બધા કોઈ હૂંફાળી જગ્યા શોધીને થોડી વાર બેસતા. પછી ફોરમૅનને લાગે કે હવે જવું જોઈએ એટલે એક સામટી, આખી ટુકડી ઉભી થઈને બહાર જાય. એવું તો કરવું જ પડે, બાકી આ અડીયલ ટટ્ટુ જેવા કેદીઓ, કોણ વધારે વખત ગરમીમાં બેસી શકે છે, એ જોવા માટે અડધી રાત સુધી ત્યાંજ બેસી રહે!)

ત્યુરીનને ખ્યાલ આવી ગયો કે થોડું વહેલું કામ બંધ કરવા જેવું હતું. હવે ઓજાર બનાવનારાઓની ગાળો ખાવી પડશે.

“સારું,” એ બોલ્યા. “હવે બીજો માલ વાપરવાનો સમય નહીં રહે. કડિયાઓને મદદ કરતા હતા એ બધા નીચે જાઓ અને નાળું સાફ કરો. અને માલ પેલા ખડામાં નખી દેજો અને એની ઉપર પાવડાથી બરફ વળી દેજો, એટલે કોઈને દેખાય નહીં. પાવલો, તું બે જણને લઈને બધાં ઓજારો પાછાં જમા કરાવી આવ. આ ઉપર આવેલી બે લારીનો માલ ખલાસ થાય એટલે હું ગોપ્ચિકને ત્રણે લેલું આપવા મોકલીશ.”

માલ અને બ્લૉક્સ લાવનારા માણસોને મનમાં થોડી રાહતનો અનુભવ થયો અને એ લોકો ઓજારો ભેગાં કરવા માંડ્યા. શુખવનો હથોડો અને દોરી લઈ લીધા. પછી ઉપર એમનું કંઈ કામ ન હતું એટલે બધા નીચે માલ બનાવવાના ઓરડામાં ગયા. હવે ત્રણ કડિયાઓ જ ઉપર રહ્યા હતા, કિલ્ડીગ્સ, કલ્યેવશિન અને શુખવ. કામનું નિરીક્ષણ કરવા ફોરમૅને લટાર મારી. કામથી એ ખુશ લાગ્યા.

“સરસ કામ થયું નહીં? અડધા દિવસમાં, લિફ્ટ કે બીજી સગવડ વગર, સારું કામ થયું.”

શુખવે જોયું કે કિલ્ડીગ્સના તગારામાં થોડોક જ માલ હતો. પણ એમને ફોરમૅનની ચિંતા હતી. વખારમાં ત્રણ લેલુંઓ મોડા પહોંચે તો એ મુશ્કેલીમાં મુકાય. એમણે એ ચિંતાનું નિવારણ કર્યું.

“સાંભળો, તમે ગોપ્ચિકને તમારા લેલુઓ આપી દો. મારું ગણાવેલું નથી, એટલે મારે એને પાછું આપવાનું નથી. હું અહીંનું કામ પૂરું કરી દઈશ.”

ફોરમૅન હસી પડ્યા, “તને અહીંથી જવા દે તો એ મૂર્ખા કહેવાય! તારા વગર જેલનું શું થશે?”

શુખવ સામે હસ્યા, પણ કામ ચાલુ રાખ્યું.

કિલ્ડીગ્સ લેલુઓ લઈને ગયા. સીએન્કા શુખવને બ્રીઝ-બ્લૉક્સ આપવા રોકાયા. કિલ્ડીગ્સના તગારાનો માલ શુખવના તગારામાં ઢાળવી દીધો.

ગોપ્ચિક પાવલોની પાછળ છેક ઓજારોની વખાર સુધી દોડ્યો. અને ટુકડી ૧૦૪ ફોરમૅન વગર આગળ ચાલી. ફોરમૅનનું મહત્ત્વ ઘણું, પણ અત્યારે ચોકિયાતોનું મહત્ત્વ વધારે. મોડા પડો તો એની નોંધ લેવાય અને કાળકોટડીની સજા પણ થાય.

ચોકિયાતના ઓરડા પાસે ટોળું વધી ગયું હતું, બધા ત્યાં પહોંચી ગયા હતા. અને પહેરેગીરો પણ ફરી ગણતરી કરવા આવી ગયા હતા. (અત્યારે બે વાર ગણતરી થતી. પહેલી ગણતરી બંધ ઝાંપે થતી, ઝાંપો ખોલવામાં કંઈ વાંધો નથી ને, એ જોવા માટે. અને પછી કેદીઓ ઝાંપાની બહાર જાય ત્યારે ફરી ગણતરી થતી. અને જો કંઈ વ્હેમ પડે તો ઝાંપાની બહાર ત્રીજી વાર પણ ગણતરી કરે.)

“માલ જાવા દે!” ફોરમૅન અધીરાઈથી બોલ્યા. “દીવાલની પેલી બાજુ નાખી દે!”

શુખવે કહ્યું, “તમે જાવ, ફોરમૅન! તમારી ત્યાં વધારે જરૂર છે!” (આમ તો શુખવ એમને આંદ્રીયે પ્રકોફવીચ કહીને સંબોધતા, પણ આજે એમણે જે કામ કર્યું હતું એને લીધે શુખવ પોતાને ફોરમૅનના સમોવડિયા ગણતા હતા. એ બોલ્યા ન હતા કે હું કામમાં તમારા જેટલો જ હોશિયાર છું, પણ એ લાગણી એમના મનમાં હતી.) ફોરમૅન ઢાળ નીચે ઉતરતા હતા ત્યારે શુખવ હસતા હસતા બોલ્યા, “આ ટૂંકા દિવસો કંઈ કામના નહીં, કામની ગતિ પકડાઈ ના પકડાઈ કે છૂટવાનો સમય થઈ જાય.”

હવે એ અને પેલો બહેરો, બેજ જણા રહ્યા. એની સાથે તો વાત કરવાનો કંઈ અર્થ નહીં. અને વાત કરવાની જરૂર પણ ના પડે, એ બીજા કરતા હોશિયાર હતા. એમને કશું કહેવાની જરૂર પડતી જ ન હતી.

માલ મુકો, બ્લૉક મૂકો, થોડો દબાવીને બેસાડો, સીધો છે એ ખાતરી કરો. માલ. બ્લૉક. માલ. બ્લૉક.

ફોરમૅને તો કહ્યુંજ હતું કે માલ ફેંકી દેજો. એ બગડે એની ચિંતા ના કરતાં સમયસર આવી જજો. પણ શુખવનો સ્વભાવ એવો કે કશું બગડે કે કોઈનું કામ બગડે એ એમનાથી નહોતું જોવાતું. અને એવું કરવાનું એમને આજ સુધી કોઈ શિખવાડી નહોતું શક્યું.

માલ! બ્લૉક! માલ! બ્લૉક!

“બહુ થયું!” સીએન્કાએ બૂમ મારી. “હું તો જઉં છું!”

લારી લઈને એ ઢાળ ઊતરવા માંડ્યા. પહેરેગીરો કૂતરા છુટ્ટા મૂકે તો પણ શુખવ અટકત નહીં. થોડા આઘા ખસીને એમણે આખી દીવાલ આગળથી જોઈ, બરાબર લાગી. પછી દીવાલની ઉપરથી ડોકિયું કરીને પાછળ જોયું. બહારથી પણ જેટલી સીધી હોઈ શકે એટલી સીધી લાગી. એની ઉપર હાથ નહોતો ફર્યો પણ એમની નજર એમને માટે પર્યાપ્ત હતી.

એ ઢાળ ઉપરથી નીચે દોડતા ગયા.

સીએન્કા માલ બનાવવાના ઓરડામાંથી દોડતો બહાર આવ્યો અને બહારનો ઢાળ ચઢી ગયો. પાછળ જોઈ ને બૂમ મારી, “જલ્દી ચાલ!”

“એક મિનિટમાં આવું છું. તું દોડી જા”

નીચે માલ બનાવવાના ઓરડામાં લેલું એમને એમ તો ના મુકાય. કાલે પાછા અહીં આવીએ કે ના પણ આવીએ. ટુકડીને શુસ્કરદોખ પણ મોકલી દે, શી ખબર પડે! અહીં છો મહિના પછી પણ આવીએ, કોને ખબર? આ લેલું ખોવાય એ ના પોસાય, તો એને સરસ સંતાડી દો. કોઈને ના જડે એવી જગ્યા શોધીને સંતાડી દો.

અંધારું થઈ ગયું હતું. માલ બનાવવાના ઓરડાના બંને સ્ટવ હોલવાઈ ગયા હતા. એમને બીક લાગવા માંડી. અંધારાની બીક નહીં, પણ કોઈ સાથે ન હતું એની બીક લગતી હતી. બધા તો ચોકિયાતના ઓરડા પાસે પહોંચી ગયા હતા, એ એકલાજ અહીં રહી ગયા હતા. અને જો એમની ટુકડીની ગણતરી સુધી એ ના પહોંચે તો એમનું તો આવી બને! એ એકલા જ ગેરહાજર હશે તો પહેરેગીરો તો એમની ઉપર તૂટી પડશે.

તો પણ---સરખું જુઓ, સરખી જગ્યા શોધો. એમણે ખૂણામાં એક મોટો પથ્થર પડેલો જોયો. એને સહેજ રગડાવીને લેલું એની પાછળ મૂકી દીધું અને પથ્થરને પાછો હતો તેમ ગોઠવી દીધો. હાશ! હવે વાંધો નહીં!

જલ્દી, સીએન્કાની સાથે થઈ જા. એ સો વારથી વધારે આગળ નથી ગયો. મારા વગર એ બહુ આગળ જશે પણ નહીં, આફતમાં પોતાને બચાવીને ભાગવાનું એના સ્વભાવમાં હતું જ નહીં. મુશ્કેલીનો બે ભેગા થઈને સામનો કરીશું----એ સીએન્કા હતો! બંને જણા જોડે દોડતા હતા, એક ઊંચા કદ વાળો અને બીજો નીચો. સીએન્કા શુખવ કરતાં થોડા ઊંચાં અને ભરાવદાર હતા, અને એમનું માથું પણ મોટું હતું.

અમુક લોકો પાસે બીજો કોઈ કામધંધો નથી હોતો એટલે એ પોતાની ઇચ્છાથી સ્ટેડિયમમાં દોડતા હોય છે. એમને કહો કે આખ્ખા દિવસના કમર-તોડ કામ પછી, વાંકા વળીને પોતાનો જીવ બચાવવા એક વાર દોડે. એટલે ખબર પડે કે દોડવાનું શેને કહેવાય. ઠંડીમાં, હાથનાભીનાં મોજાં અને ફાટેલા બૂટ સાથે જીવ બચાવવા દોડે, એને દોડવાનું કહેવાય.

શુખવ અને સીએન્કા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા, અને એમનો શ્વાસ પણ ફૂલી ગયો હતો. પોતાના હાંફવાના અવાજ સિવાય એમને બીજું કશું સંભળાય એમ નહતું.

એમણે ફોરમૅનને ચોકિયાતના ઓરડા પાસે ઊભેલા જોયા. ફોરમૅન હજી હતા એટલે એ સમજાવી શકશે. એ બંને સીધા ટોળા તરફ દોડી રહ્યા હતા, અને એ બીક લાગે એવું ટોળું હતું.

પાંચસોનું ટોળું એમને ગાળો આપી રહ્યું હતું, કર્કશ, ઘોઘરા આવજે પાંચસોએ પાંચસો જણા જગતભરના અપશબ્દો અને ગાળો વરસાવી રહ્યા હતા. પાંચસો માણસોનો ઉગ્રતા ભરેલો આ ઘોંઘાટ સાંભળીને બીક તો લાગેજ ને!

પણ અત્યારે તો પહેરેગીરો શું કરે છે, એ વધારે અગત્યનું હતું.

પણ પહેરેગીરોને કંઈ પડી નહતી. ફોરમૅન પણ ત્યાં જ હતા, પાછળ ઊભા હતા. એમણે પોતાને માથે જવાબદારી લઈ લીધી હશે.

બધા મોટે-મોટેથી બૂમો પાડીને ગાળો આપતા હતા. એ એટલો જબરજસ્ત અવાજ હતો કે સીએન્કાને પણ સંભળાઈ ગયો. એક ઊંડો શ્વાસ લઈને સીએન્કા સામે ગર્જ્યો. આમ તો એમના જીવનમાં સન્નાટો જ હતો, પણ જ્યારે અવાજ કરે ત્યારે...........! તે હાથ ઊંચા કરીને લડવા માટે તૈયાર થઈ ગયા! બૂમો બંધ થઈ ગઈ, અને થોડા કેદીઓ હસવા માંડ્યા.

કોઈકે બૂમ મારી, “ઓ ૧૦૪! તમે તો કહ્યું હતું કે એ બહેરો છે! અમારે ખાતરી કરવી હતી!”

બધા હસી પડ્યા, પહેરેગીરો પણ.

“પાંચ-પાંચની લાઇન કરો!”

પણ હજી ઝાંપો તો ખોલયો જ નહતો. એમને પોતાના ઉપર જ ભરોસો નહતો! ચોકિયાતો ટોળાને પાછળ ધકેલવા માંડ્યા. (મૂર્ખાઓ ઝાંપાને ચોંટીને ઊભા હતા, જાણે એનાથી કંઈ ફરક પડવાનો હોય!)

“પાંચ-પાંચ કરીને આવો! પહેલાં! બીજા! ત્રીજા!”

જેમ-જેમ ગણતા ગયા, એમ પાંચ-પાંચ જણા થોડા આગળ વધતા ગયા.

આ ચાલતું હતું એટલામાં શુખવની હાંફ ઊતરી અને એમણે આજુબાજુ નજર નાખી. રાતો નિસ્તેજ ચાંદો આકાશમાં દેખાતો હતો. હમણાં જ પૂનમ ગઈ હતી. ગઈકાલે આ સમયે ચાંદો વધારે ઊંચો ચઢી ગયો હતો.

બધું બરાબર પાર પડ્યું હતું એટલે શુખવને થોડી ગમ્મત સુઝી. એમણે કૅપ્ટનને ગોદો માર્યો અને પ્રશ્ન પૂછવા લાગ્યા.

“કૅપ્ટન, તમે વિજ્ઞાન જાણો છો ------ વિજ્ઞાન પ્રમાણે જૂનો ચાંદો ક્યાં જાય?”

“ક્યાં જાય એટલે? એ ત્યાં જ હોય, પણ આપણને એ દેખાય નહીં.”

શુખવ હસી પડ્યા. માથું હલાવતા બોલ્યા:

“દેખાય નહીં તો તમને કેમની ખબર પડી કે એ ત્યાં જ હોય છે?”

કૅપ્ટનને નવાઈ લાગી.

“તો તું ખરેખર માને છે કે દર મહિને નવો ચાંદો હોય છે?”

“એમાં શું છે? માણસોનો જન્મ રોજ થાય છે, તો દર ચાર અઠવાડિયે નવા ચાંદાનો જન્મ કેમ ના થાય?”

કૅપ્ટન ચિઢાયા, “તારા જેવા મૂર્ખા ખારવાને હું હજી સુધી નથી મળ્યો. તને શું લાગે છે? જૂનો ચાંદો ક્યાં જતો હશે?”

શુખવે મલકાતા પૂછ્યું, “એ જ તો હું તમને પૂછું છું----ચાંદો ક્યાં જાય છે?”

“ના, તું મને કહે.”

શુખવે ઊંડો શ્વાસ લઈને તોતડાતા જવાબ આપ્યો, “અમે તો એવું માનીએ કે ભગવાન એને તોડીને એના તારા બનાવે છે.”

કૅપ્ટન હસી પડ્યા. “જંગલી માણસો! આવું તો મેં ક્યારેય નથી સાંભળ્યું! તો તું ભગવાનમાં માને છે, કેમ શુખવ?”

હવે શુખવ નવાઈ પામ્યા. “હાસ્તો! વીજળી થાય ત્યારે ભગવાનમાં કોણ ના માને?”

“તો ભગવાન કેમ એવું કરે છે?”

“શું કરે છે?”

“ચાંદાને તોડી ને એના તારા બનાવે છે? તને શું લાગે છે? એવું કેમ કરે છે?”

“એ તો સમજાય એવું છે,” ખભા હલાવતા શુખવ બોલ્યા, “તારા ખરતા રહે એટલે એના કાણાં તો પૂરવા પડે ને!”

“આમ જુઓ, નાલાયકો!” પહેરેગીરે ઘાંટો પાડ્યો. “લાઇનમાં આવો!”

ગણતરી એમના સુધી પહોંચી ગઈ હતી. ચારસો આગળ ગયા પછી પાંચ-પાંચની બાર લાઇનો હતી, અને છેક પાછળ બે જણા, વિનોસ્કી અને શુખવ.

પહેરેગીરો મૂંઝાયેલા હતા. સવારે ગણતરી કરી હતી તે પાટિયાઓ જોતા હતા. પાછો એક માણસ ઓછો હતો! નાલાયકો, ગણતરી તો સરખી કરતાં શીખો!

એમણે અત્યારે ચારસોને બાસઠ ગણ્યા. પણ ચારસોને ત્રેસઠ હોવા જોઈએ, એવી વાત કરતા હતા.

કેદીઓ પાછા ઝાંપા પાસે જઈને ઊભારહ્યા. અને ફરી એક વાર એમને પાછા ધકેલ્યા.

“પાંચ-પાંચ કરીને આવો! પહેલાં પાંચ! બીજા!”

આ લોકોની ફરીફરીને ગણતરી કરવામાં જે સમય બગડતો હતો તે સરકારનો ન હતો, એ કેદીઓનો પોતાનો હતો. એટલે કેટલો ગુસ્સો આવે! હજી તો પેલા ખૂલા મેદાનને પાર કરીને છાવણીમાં પહોંચવાનું હતું. અને ત્યાં પણ તપાસ કરાવવા ઊભા રહેવું પડે. બીજે બધેથી કેદીઓ આવીને વહેલી તપાસ કરાવીને છાવણીમાં સૌથી પહેલાં પહોંચવાની દોડાદોડ કરતા હશે. જે ટુકડી પહેલી પહોંચે એ રાજા, મેસ ખાલી મળે, પાર્સલ લેવામાં કોઈ લાઇન ના હોય, વખારમાં પહેલા, વ્યક્તિગત રસોડામાં પહેલા, આવેલી ટપાલ લેવા માટે કે લખેલી ટપાલ સેન્સર માટે સીઈએસમાં (કલ્ચરલ ઍન્ડ એડ્યુકેશન સેક્શન) આપવામાં પહેલા, દવાખાનામાં, હજામત કરાવવામાં, ન્હાવામાં, બધામાં પહેલા.

આમ તો પહેરેગીરોને પણ કેદીઓને અહીંથી કાઢવાની ઉતાવળ હોય. એ પણ પછી છુટ્ટા થાય. એમની પાસે પણ ક્યાં ઝાઝો સમય હોય છે. મર્યાદિત સમયમાં એમણે પણ ઘણું કરવાનું હોય.

પણ આંકડા મળતા ન હતા.

છેલ્લી-છેલ્લી પાંચની લાઇન ગણતા હતા ત્યારે શુખવને લાગ્યું કે એમની લાઇનમાં ત્રીજો આવી ગયો. પણ ના, એ તો બે ના બે જ રહ્યા.

ગણતરી કરનારા પહેરેગીરો એમના પાટિયા લઈને કમાન્ડર પાસે પહોચ્યા. થોડી વાતચીત થઈ પછી કમાન્ડરે બૂમ પાડી:

“ફોરમૅન, ટુકડી ૧૦૪!”

ત્યુરીન અડધું ડગલું આગળ આવ્યા.

“અહીંયાં.”

“તારી ટુકડીનું કોઈ વીજ મથકમાં રહી ગયું છે? વિચારી ને જવાબ આપજે!”

“ના.”

“બરાબર વિચારી ને કહે નહીં તો તારું માથું ફોડી નાખીશ!”

“મેં કહ્યું એમ, કોઈ નથી રહ્યું!”

પણ એમણે પાવલો સામે જોયું. કોઈ માલ બનાવવાના ઓરડામાં સૂઈ નથી રહ્યું ને?

પહેરેગીરોના કમાન્ડન્ટએ ઘાંટો પાડ્યો, “ટુકડી પ્રમાણે ગોઠવાઈ જાવ!” બધી ટુકડીઓ ભેગી હતી. પાંચ-પાંચની લાઇનો કરાવી ત્યારે જેને જે લાઇનમાં જગ્યા દેખાઈ તે લાઇનમાં જઈને ગોઠવાઈ જતા. ઘાંટા પડવા માંડ્યા, “૭૬--આ તરફ!” “૧૩—અહીં!” “ચલો—૩૨!” ધક્કામૂક્કી પણ થવા માંડી.

ટુકડી ૧૦૪ ત્યાંની ત્યાંજ ઊભી રહી, બધાની પાછળ. શુખવે જોયું કે ટુકડીમાં બધાના હાથ ખાલી હતા. કામ કરવામાં એટલા મશગૂલ હતા કે બળતણ માટે લાકડાના ટુકડા કોઈએ ભેગા નહોતા કર્યા. બેજ જણા પાસે નાની-નાની પોટલીઓ હતી.

આ રમત રોજ રમાતી. કામ પૂરું થવાના સમયે કેદીઓ લાકડીઓ, લાકડાના ટુકડા, તૂટેલાં પાટિયાં, જે મળે તે ચીંથરામાં કે દોરીથી બાંધીને લઈ લેતા. જો વહીવટદાર કે કોઈ ઓવરસીયર ચોકિયાતના ઓરડા પાસે ઊભા હોય તો પહેલી ધાડ ત્યાં પડે, અને વીણેલું બધું ત્યાં મુકાવી દે. (જાણે કે બે-ચાર લાકડાના ટુકડા એમણે કરેલા લાખોના ધુમાડાનું સાટું વળશે!) પણ કેદીઓના પોતાના વિચારો હતા. જો દરેક માણસ એક કે બે લાકડી લઈને આવે, તો બરાક એટલું વધારે હૂંફાળું રહે. બાકી તો બરાકના ઓર્ડલીને એક સ્ટવ દીઠ જે પાંચ કિલોગ્રામ કોલસાની ભૂકી આપતા એનાથી કામ ચલાવવાનું રહે. એનો ગરમાવો તો કેટલો ટકે? એટલે કેદીઓ હાથમાં રાખેલા લાકડાના ટુકડાઓ ઉપરાંત લાકડીઓના નાના-નાના ટુકડા કરીને જૅકેટ નીચે સંતાડી દેતા. એટલું તો વહીવટદારની નજરથી બચી જાય.

જોડે આવનારા ચોકિયાતોને પણ બળતણની જરૂર પડે, પણ એ લોકો લાકડાં ત્યાં ના મુકાવે. લાકડાં ઊંચકી ને કોણ જાય, એ લોકો તો જાતે એને ઊંચકી ના શકે, એમના પોષાકમાં પણ મૂકી ના શકે અને હાથમાં કેદીઓને મારવા માટે ઑટોમેટિક હથિયાર હોય એટલે લાકડાં કઈ રીતે ઊંચકે. પણ જ્યારે કૂચ કરતા હોય ત્યારે રસ્તામાં આદેશ આપે:

“ફલાણી લાઇનથી ફલાણી લાઇન સુધીના બધા, લાકડાના ટુકડા અહીં મૂકો!”

એ લોકો નિર્દય નહતા. થોડું લાકડું રખેવાળો માટે રહેવા દેતા અને થોડું કેદીઓ માટે પણ. એવું ના કરે તો કશું ના મળે, બધું બંધ થઈ જાય.

એટલે એવો નિયમ હતો કે રોજ કેદીઓ થોડું લાકડું ઉપાડતા આવે. તમને શી ખબર પડે કે આજે એ તમારી સાથે ઘેર આવશે કે નહીં. કોઈક દિવસ આવેને કોઈક દિવસ ના પણ આવે.

શુખવ લાકડાના ટુકડા માટે આજુબાજુ નજર દોડાવતા હતા એટલામાં ફોરમૅને ટુકડીની ગણતરી કરીને પહેરેગીરોના કમાન્ડરને જણાવ્યું, “૧૦૪---બધા હાજર!”

સેઝેર પણ આવી ગયા હતા. કાર્યાલયને છોડીને પોતાની ટુકડીમાં પાછા જોડાઈ ગયા. એમની કાળી મૂછો ઉપર પાતળું બરફનું થર જામી ગયુ હતું. એ પાઇપ ના ઊંડા કશ લઈ રહ્યા હતા અને એનું આછું અજવાળું એમના ચહેરા ઉપર પડતું હતું.

“બધું કેમ છે, કૅપ્ટન?” એમણે પૂછ્યું.

ગાંડા જેવો પ્રશ્ન! થીજવું એટલે શું, એ તમને ગરમાવામાં રહીને ક્યાંથી ખબર પડે?

કેપ્ટને ખભા હલાવ્યા.

“શું લાગે છે? કામ કરીને એવો થાકેલો છું કે ઊભા નથી રહેવાતું.”

એટલે કે મને એક-બે કાશ લેવા દે!

સેઝેરે એને પાઇપ આપી. ટુકડીમાં એમને એકલા કૅપ્ટન સાથે થોડી મિત્રતા હતી. બાકી બીજા કોઈ સાથે એ કામ વગર વાત નહોતા કરતા.

“૩૨માં એક ઓછો છે!” બધા એક બીજાને કહેવા માંડ્યા.

ટુકડી ૩૨નો ડેપ્યુટી ફોરમૅન અને બીજો એક માણસ ગાડીઓ સમી કરવાની દુકાનોમાં એને શોધવા ગયા. ટોળામાં ગુસપુસ થઈ. એ કોણ છે? અને શું કરવા રોકાયો છે?

શુખવને કોઈએ કહ્યું કે પેલો નીચો અને શ્યામ મલદેવિયન અહીં નથી. પણ એ કયો મલદેવિયન? બધા જેને રોમેનિયન જાસૂસ ગણે છે તે? જોકે આ વખતે સાચા માણસને પકડ્યો હતો, એ ખરેખર જાસૂસ હતો.

દરેક ટુકડીમાં પાંચ જણા તો એવા હતા જેમની નોંધણી જાસૂસ તરીકે થઈ હતી, પણ એ ખરેખર જાસૂસ ન હતા. અધિકારીઓએ એમને જાસૂસ બનાવ્યા હતા. એ બધા તો યુદ્ધના કેદીઓ હતા, જેમને જાસૂસી માટે કેદ કરેલા. શુખવ એમાંના એક હતા.

પણ આ મલદેવિયન, એ તો સાચે જાસૂસી કરતો હતો.

કમાન્ડરે નામોની યાદી તપાસી અને એમના મોઢાંનો રંગ ઊડી ગયો. જો એ જાસૂસ નાસી છૂટે તો એમનું તો આવી બને!

શુખવ સહિત આખા ટોળાનો ગુસ્સો વધતો જતો હતો. એ હલકટ, હરામખોર ખૂની, ડુક્કરની ઓલાદ, પોતાની જાતને શું સમજે છે? અંધારું થઈ ગયું છે, થોડોઘણો ચંદ્રનો પ્રકાશ હતો બાકી તો અંધારું જ હતું અને રાત પડી ગઈ હતી એટલે બધું થીજવા માંડ્યું હતું, અને આ નકામો, ગૂ જેવો માણસ ગાયબ હતો! નાલાયક,આખા દિવસના કામથી પણ સંતુષ્ટ નથી! એને શું સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના અગિયાર કલાક પણ ઓછા પડ્યા? અગિયાર કલાકનો આ અધિકૃત સમય તને ઓછો લાગ્યો હોય તો ઊભો રહે, પ્રોસિક્યુટર તારો સમય વધારી આપશે!

બંધ કરવાના સંકેતની અવગણના કરીને કામ ચાલુ રાખવું એ શુખવને થોડું વિચિત્ર લાગ્યું.

એ ભૂલી ગયા કે એ પોતે પણ એવું કરતા અને વહેલા-વહેલા ઝાંપા પાસે બધા ભેગા થાય તો ચિઢાઈ જતા. પણ અત્યારે તો બધાની સાથે એ પણ ઠંડીમાં ઠૂંઠવાતા હતા અને બધાની જેમ એ પણ ગુસ્સે ભરાયા હતા. બધાનો ગુસ્સો વધતો જતો હતો, એ જોઈને શુખવને વિચાર આવ્યો કે જો હજી પેલો મલદેવિયન બીજો અડધો કલાક રાહ જોવડાવે અને પછી જો પહેરેગીરો એને ટોળાને સોંપે તો બધા એના ટુકડા-ટુકડા કરી દેશે, વરુ જેમ વાછરડાને ફાડી ખાય, એમ બધા એને ફાડી નાખશે!

ઠંડી વધતી જતી હતી. સ્થિર ઊભા રહેવાય એવું હતું નહીં, બધા પગ પછાડતા હતા અને બે ડગલાં આગળ-પાછળ કરીને પગ હલાવ્યા કરતા હતા.

એ મલદેવિયન નાસવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે નહીં એ તો કોઈને ખબર નહતી. પણ બધા વિચારતા હતા કે એ દિવસ દરમિયાન નાસી છૂટ્યો હોય તો બરાબર, બાકી જો અત્યારે સંતાઈ જઈને રાતના નાસવાનો વિચાર કરતો હોય તો એ ભરાઈ પડ્યો. જો એને એમ હોય કે રાતે બુરજ ઉપરથી ચોકિયાતો ઊતરે એટલે હું નાસી છૂટીશ, તો એ ત્યાંનો ત્યાંજ રહી જશે. કારણ કે જો તારની વાડમાંથી બાહર જતા કોઈ પગલાના કે ભાખોડિયા ભર્યાના નિશાન નહીં દેખાય, તો ચોકિયાતો એને શોધવા માંડશે અને એ મળે નહીં ત્યાં સુધી બુરજ ઉપરના ચોકિયાતો નીચે ઊતરશે જ નહીં. ચોકિયાતો આખો ઇલાકો ફેંદી મારશે. એને શોધવાનું કામ જ્યાં સુધી ચાલુ હશે ત્યાં સુધી બુરજ ઉપર ચોકીદારો ચોકી કરતા હશે, પછી શોધવામાં ત્રણ દિવસ થાય કે અઠવાડિયું, બુરજ ઉપર તો પહેરેગીરો હશે જ. આવી પરિસ્થિતિમાં પહેરેગીરો એવું જ કરે એ દરેક કેદી જાણતો હતો. પહેરેગીરોનું જીવન પણ કંઈ સરળ ન હતું, ખાસ કરીને જ્યારે કોઈ નાસી છૂટે ત્યારે. એ દોડતા થઈ જાય, બેસવાનું તો દૂર, ઊંઘવા કે ખાવાનાનો પણ સમય ના મળે એવી દોડાદોડ કરતા હોય. અને કોઈક વાર તો એવા ચિઢાઈ જાય કે જો નાસી છૂટેલો કેદી પકડાય તો એને સીધી ગોળી જ મારી દે, જીવતો પકડવાની વાતજ નહીં.

સેઝેર કૅપ્ટન સાથે વાતો કરતા હતા.

“દાખલા તરીકે પેલા જહાજના દોરડા ઉપર લટકતા ચાપવાલા ચશ્માં, યાદ છે?”

“મમ.....હા.” કૅપ્ટન પાઇપનો કશ લેવામાં મશગૂલ હતા.

“અથવા તો ઓડેસાના પગથિયાં ઉપરથી નાનાં બાળકોની ગાડી ગબડતી ગબડતી આવતી હતી તે?”

“હા. પણ એ ફિલ્મમાં જાણે કઠપૂતળીના ખેલ હોય એવું વહાણ ઉપરનું જીવન બતાવ્યું હતું.”

“કદાચ ફિલ્મો બનાવવાની આ અવનવી રીતોને લીધે આપણી આશાઓ થોડી વધારે હોય છે.”

“અને દરેક ઑફિસરને એક નંબરનો ચોર બતાવે છે.”

“ઇતિહાસમાં પણ એવું જ છે!”

“તો તને શું લાગે છે, સૈનિકોને યુદ્ધમાં કોણ દોરી ગયું હશે? અને પાછા માંસ ઉપર ફરતી પેલી ઇયળો, અળસિયા જેટલી મોટી દેખાતી હતી. આટલી મોટી ઇયળો તો કંઈ હોય?”

“કૅમેરા ઇયળોને આનાથી નાની ના બતાવી શકે!”

“હું શું કહું છુ, કે આપણી છાવણીમાં પેલી ગંધાતી માછલીઓને બદલે જો એ માંસ લાવીને ધોયા કે સાફ કર્યા વગરજ તપેલામાં નખી દીધું હોત તો, મને લાગે છે કે આપણે.....”

કેદીઓમાં સળવળાટ થયો, “ઓ......હો”, “આ.....હા”!

ત્રણ જણા ગાડી સમી કરવાની દુકાનમાંથી દોડીને બહાર આવતા દેખાયા. પેલો મલદેવિયન મળ્યો લાગે છે!

“ઓ...ઓ....ઓ...” ઝાંપા પાસે ઊભેલા ટોળાની અધીરાઈ બોલી.

એને એ ત્રણ થોડા પાસે આવ્યા એટલે, “સૂવરની ઓલાદ!” “દગાબાજ!” “ઉંદરો!” “કૂતરો!” “નીચ!” “હલકટ!”

શુખવ પણ એમાં જોડાયા, “સૂવરની ઓલાદ!”

એણે પાંચસો માણસોનો સમય બગડ્યો હતો, અડધા કલાકથી પણ વધારે સમય, અને એ પણ એમનો પોતાનો સમય. આટલો સમય બગાડવો મજાક છે?

એ મલદેવિયન માથું નીચું રાખીને ઉંદરડાની જેમ દોટ લગાવતો હતો.

એક પહેરેગીરે ઘાંટો પાડ્યો, “ઊભો રહે!” અને એને નંબર લખ્યો, “કે-૪૬૦, તું ક્યાં હતો?” એ બંદૂકની નાળ આગળ રાખીને એની તરફ ચાલવા માંડ્યો.

ટોળામાંથી બૂમો પડતી હતી, “હરામખોર!” “કપટી!” “સડેલું ગૂ!”

પણ જેવી સાર્જેન્ટની બંદૂક એમના તરફ વળી એવા બધા ચુપ થઈ ગયા.

મલદેવિયન કશું બોલ્યો નહીં, માથું નીચું રાખીને પીછે-હઠ કરી. ટુકડી ૩૨નો ડેપ્યુટી ફોરમૅન આગળ આવ્યો અને કહ્યું, “મારાથી સંતાઈને આ નાલાયક પાલખ ઉપર ચઢી ગયો હતો, અને ત્યાં થોડો હૂંફ કરીને ઊંઘી ગયો!”

આમ કહીને એને એક મુક્કો માર્યો, અને પછી એક જોરદાર ધક્કો માર્યો, એટલે એ પેલા સાર્જેંન્ટની પહોંચની બહાર ફેંકાઈ ગયો.

પણ એ પોતાને સંભાળે તે પહેલાં એની જ ટુકડીનો એક હંગેરિયન કેદી કૂદીને આગળ આવ્યો અને એને પાછળ જોરથી લાત મારી, અને એ ઊભો થયા એ પહેલાં તો ફરી બીજી લાત મારી! (આમ પણ હંગેરિયનોને રોમેનિયનો માટે ભારે ચીઢ!)

જાસૂસી કરવા કરતા આ થોડું જુદું હતું, નહીં? કોઈ મૂર્ખો પણ જાસૂસ બની શકે. જાસૂસો ઘણા આરામથી રહેતા, અને એમનું કામ પણ મજાનું હતું. અહીં, આ સખ્ત કેદની છાવણીમાં, કામ કરવું કંઈ સહેલું ન હતું.

સાર્જેન્ટે એની બંદૂક નીચી કરી અને પેહરેગીરના કમાન્ડરે ઘાંટો પાડ્યો:

“ઝાંપાથી દૂર ખસો! પાંચ-પાંચ કરીને આગળ આવો!”

નાલાયકોને ફરી ગણતરી કરવી છે? હવે શું કામ? એક ઓછો હતો તે આવી તો ગયો! અકળાયલા ટોળાની અકળામણ વધી ગઈ, ચિઢાયલા કેદીઓનો ઘોંઘાટ વધવા માંડ્યો. મલદેવિયન પ્રત્યેની નફરત હવે પહેરેગીરો તરફ વળી. ઝાંપા પાસેથી કોઈ ખસ્યું નહીં, અને ઘોંઘાટ ચાલુ રાખ્યો.

“આ શું છે?” કમાન્ડરે ત્રાડ પાડી. “બધાને બરફમાં અહીં બેસાડી દઉં? એમ ના માનતા કે હું એવું નહીં કરું. સવાર સુધી અહીં બેસાડી રાખીશ!”

એ એવું કરે પણ ખરો. એમાં કંઈ નવાઈ ન હતી. પહેલાં પણ કેદીઓને આવી રીતે બેસાડી રાખેલા. બેસાડી તો ઠીક, સૂવાડી પણ રાખેલા. “સૂઈ જાવ! પહેરેગીરો, બંદૂક તૈયાર!”

કેદીઓ જાણતા હતા કે આવું એ લોકો કરી શકે એટલે ધીરે-ધીરે ઝાંપા આગળથી ખસવા માંડ્યા. પહેરેગીરો “પાછા જાવ! પાછા જાવ!” ની બૂમો પાડીને એમને પાછળ ધકેલી રહ્યા હતા.

પાછળ ઊભેલા કેદીઓ આગળ વાળાને ચિઢાઈને ગાળો આપી રહ્યા હતા. “મૂર્ખાઓ! શાને માટે ઝાંપાને ચોંટીને ઊભા હતા?” ટોળું ધીરે-ધીરે પાછળ હડસેલાતું હતું.

“પાંચ-પાંચ કરીને આગળ આવો! પહેલા પાંચ! બીજા! ત્રીજા!”

ચંદ્રની લાલિમા વિખરાઈ ગઈ હતી અને હવે એનું ઝળહળતું સ્વરૂપ સામે હતું. એની યાત્રાનો પા ભાગ તો કપાઈ ગયો હતો. આખી સાંજ નકામી ગઈ. પેલા મલદેવિયનનું નખ્ખોદ જાય! પહેરેગીરોનું નખ્ખોદ જાય! અમારી આવી જિંદગીનું નખ્ખોદ જાય!

ગણતરી પછી આગળ પહોંચેલા કેદીઓ, પાછળ વળી-વળીને જોતા હતા કે છેલ્લી લાઇનમાં બેજ છે કે ત્રણ થયા. ના દેખાય તો ઊંચા થઈ-થઈને જોવાનો પ્રયત્ન કરતા. હવે તો એ જીવન-મૃત્યુનો સવાલ હતો.

એક ક્ષણ માટે શુખવને થયું કે ચાર થયા છે. ગભરાઈને એ ઢીલા પડી ગયા! એક વધારાનો! ફરીથી ગણતરી! પણ એ તો પેલો ગીધડો, ફ્તીકોફનું કારસ્તાન! એ કૅપ્ટન પાસેથી સિગારેટના ઠૂંઠાની ભીખ માંગવા ગયો હતો અને સમયસર પોતાની લાઇનમાં પાછો ના ફર્યો, એટલે એક વધી ગયો એમ લાગ્યું.

પહેરેગીરના ડેપ્યુટી કમાન્ડર ચિઢાઈ ગયા અને ફ્તીકોફને બોચીમાં એક ધોલ મારી.

સારું થયું!

હવે છેલ્લી લાઇનમાં ત્રણ હતા. હાશ ભગવાન! આખરે ગણતરી બરાબર થઈ!

“ઝાંપાથી આઘા જાવ!” પહેરેગીરોએ પાછા ધકેલ્યા.

પણ આ વખતે કેદીઓ કોઈ કચકચ કર્યા વગર ખસી ગયા. એમણે ઝાંપાની બહારની જગ્યાને સુરક્ષિત કરવા ચોકિયાતના ઓરડામાંથી ચોકીદારોને આવતા જોયા હતા.

એનો અર્થ એ કે એમને હવે બહાર મોકલશે.

ઓવરસીયર્ઝ કે વહીવટદાર કોઈ દેખાતું ન હતું. પોતપોતાના લાકડાઓના ટુકડા ભેગા કરવામાં પડ્યા હશે.

ઝાંપો ખુલ્લો મુકાયો. ચોકિયાતોનો કમાન્ડર અને એક હાજરી તપાસનાર બહાર, લાકડાના કઠેરા પાસે ગણતરી કરવા ઊભા હતા.

“પહેલા પાંચ! બીજા! ત્રીજા!”

જો આ આંકડા મળે તોજ બુરજ ઉપરથી ચોકીદારોને નીચે બોલાવશે. દૂરના બુરજ ઉપર ચઢેલા ચોકીદારોને ગોળ ફરી, પરિસરની દીવાલે-દીવાલે થઈને આવવું પડશે. લાંબું ચાલવાનું થશે. પણ બધા કેદીઓ બહાર નીકળે અને એ આંકડા મળે, ત્યારે જ એ બુરજ ઉપરના ચોકીદારોને ટેલિફોન કરીને નીચે ઊતરવાનો આદેશ મળે. એક મિનિટ પણ વહેલો આદેશ ના અપાય. ચોકીદારોના કમાન્ડરમાં સહેજે અક્કલ હોય, તો એ થોડો વહેલો આદેશ આપે. એ જાણતો તો હોય કે કેદીઓ કશે ભાગવાના નથી, અને આમ પણ બુરજ ઉપરના ચોકીદારો ટોળાને પકડી પાડી તો શકેજ ને. પણ થોડી મંદબુદ્ધિ વાળા કમાન્ડરને તો બીક જ લાગે કે કેદીઓ ભાગવા માંડે તો, એ એમને કાબૂમાં ના રાખી શકે તો, એટલે એ કાયમ રાહ જુવે.

આજનો કમાન્ડર એવો જ હતો. એણે રાહ જોવાનું નક્કી કર્યું.

સવારથી કેદીઓ કડકડતી ઠંડીમાં કામ કરી રહ્યા હતા. અને હવે, કામ પત્યા પછી, કલાકથી ઠંડીમાં થીજી રહ્યા હતા. પણ ટાઢ કરતાં એમને એમની સાંજ બગડી એનો વધારે ગુસ્સો હતો. હવે છાવણીમાં મોડા પહોંચશે એટલે બીજું કશું કરવાનો સમય નહીં રહે.

“બ્રિટિશ નૌસેનાની એટલી બધી માહિતી તારી પાસે કેવી રીતે?” બાજુની લાઇનમાંથી કોઈકે સવાલ કર્યો.

“એ તો એમ બન્યું કે લગભગ મહિના સુધી હું એમની યુદ્ધનૌકામાં રહ્યો હતો. મારી પોતાની કૅબિન પણ હતી. એમના એક કાફલામાં હું એમનો લાએસન ઑફિસર હતો.”

“આ, હવે સમજાયું. એમને પચીસ વરસની સજા ફટકારવા માટે કારણ મળી ગયું!”

“માફ કરજે, પણ મને આપણા ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું આ વિનાશક ઉદારતાવાદની ટીકા કરવામાં નથી માનતો.”

કપાળ તારું! શુખવ બોલ્યા.(પોતાના મનમાં જ બોલ્યા. એમને આમાં પડવાની સહેજે ઇચ્છા ન હતી.) સીએન્કા કલ્યેવશિન તો બેજ દિવસ અમેરિકનો પાસે હતો, તો પણ એને પચીસ વરસની સજા ફટકારી દીધી. તેં તો આખો મહિનો એમના વહાણમાં કાઢ્યો. તો તને કેટલાં વરસની સજા મળવી જોઈએ?

“યુદ્ધ પત્યા પછી, પેલા બ્રિટિશ એડમિરલના મનમાં શું આવ્યું કે આભાર માનતા, એણે યાદગીરી રૂપે મને ભેટ મોકલી. મને એવો તો આંચકો લાગ્યો, અને મેં એને શું ગાળો આપી છે, શું ગાળો આપી છે!”

વિચારો તો થોડું વિચિત્ર તો લાગે. આ ઉજ્જડ, વેરાન મેદાન, આ નિર્જન વીજ મથકનું પરિસર, અને ચાંદનીમાં ચળકતી આ બરફની ચાદર. દસ-દસ ડગલે બંદૂક તાણીને ઊભેલા ચોકિયાતો. અને કેદીઓનું આ કાળું ઝુંડ. એમનો એક, જેના ગણવેશ ઉપર કાયમ સોનેરી પટ્ટીઓ રહેતી, એણે જેણે બ્રિટિશ એડમિરલ સાથે દોસ્તી કરી હતી, એ આજે બધાની જેમ એના નંબર, એસ-૩૧૧, વાળું, કાળું જૅકેટ પહેરે છે અને ફ્તીકોફ સાથે હાથલારી ખેંચે છે.

મનફાવે એમ, તે માણસને ઊંધો-ચત્તો, આડો-અવળો, ગમે તેવો કરી શકો.

બધા ચોકિયાતો આવી ગયા, એટલે “જલ્દી ચાલો! સતાપી રાખો!” ની બૂમ પડી. અત્યારે એટલુંજ, અત્યારે ‘પ્રાર્થના’ નહીં.

સતાપી? શેની સતાપી? હવે ઉતાવળ કરવાનો કોઈ અર્થ નહીં, બીજી બધી ટુકડીઓ તો ક્યારની છાવણી પહોંચી ગઈ હશે. કશું બોલ્યા વગર બધા કેદીઓના મનમાં એક જ વાત હતી, તમે અમને રોકી રાખ્યા હવે અમે તમને મોડું કરાવીશું. અમે જાણીએ છીએ કે અમારા જેટલી જ તમને પણ આ ઠંડીથી બચવાની અને ગરમાવામાં બેસવાની ઉતાવળ છે.

ચોકિયાતોનો કમાન્ડર બૂમો મારતો હતો, “જલ્દી ચાલો!” “આગળની લાઇનો ઝડપ રાખો!”

હવે શેના ઝડપ કરીયે?

સ્મશાનમાં જતા હોય એમ, માથું નીચું રાખીને બધા કેદીઓ ધીરેધીરે ચાલતા હતા. હવે શું ખોવાનું છે? હવે તો એમની ટુકડી છાવણીમાં છેલ્લીજ પહોંચવાની છે. અમારી સાથે માણસ જેવું વર્તન ના રાખો તો હવે ઘાંટા પાડીને કાળજું કાઢો.

“જલ્દી ચાલો!”ની બૂમો થોડા વખત સુધી ચાલુ રહી, પણ અંતે પેલો કમાન્ડર સમજી ગયો કે એ ગમે તેટલી બૂમો પાડે આ કેદીઓ કોઈ ઉતાવળ કરવાના નથી, બંદૂક વાપરવાનો તો સવાલ જ ન હતો, બધા કેદીઓ પાંચ-પાંચની લાઇનમાં વ્યવસ્થિત, એકની પાછળ એક ચાલી રહ્યા હતા. એમને ઉતાવળ કરાવવા માટે કમાન્ડરથી કશું કરાય એવું હતું જ નહીં. (સવારે પણ કેદીઓની આ ધીમી ચાલ એમને તારી જતી. જો તમે જલ્દી કામ ઉપર ચઢો તો છેક સુધી કામ ના કરી શકો, અડધેથી જ વિખેરાઈ જવાય.)

કેદીઓ પોતાની ઉપર નિયંત્રણ રાખીને એક સરખી ધીમી ચાલે જતા હતા. એમના પગ નીચે બરફ કચડાતો હતો. થોડી-થોડી વાતો ચાલતી હતી, અને થોડા ચુપચાપ ચાલતા હતા. સવારે છાવણીથી નીકળ્યા ત્યારે શું-શું કામ બાકી રહી ગયું હતું એના વિચારોમાં શુખવ પડ્યા હતા. હમમ...હમમ.....હા, દાવખાને જવાનું હતું! કામ કરતા હતા ત્યારે એ દુખાવાને સાવ ભૂલી જ ગયા હતા, વિચિત્ર કહેવાય, નહીં.

દવાખાનામાં હમણાં દર્દીઓની તપાસ ચાલતી હશે. જો જમવા ના જાય તો કદાચ દવાખાને સમયસર પહોંચી જાય. પણ હવે દુખાવો તો લગભગ ન હતો. અને એ લોકો તાવ તો માપશે જ નહીં. ખોટ્ટો સમય બગડશે. હજી સુધી તો એમને દાક્તરો વગર ચાલ્યું હતું. અને આ દાક્તરો તો તમને લાકડે પહોંચાડે એમાંના હતા. અત્યારે તો દવાખાના કરતાં જમવા જવાનું વધારે અગત્યનું હતું. થોડું વધારે કેવી રીતે મળે, એ વિચારવાનું હતું. સેઝેરનું પાર્સલ આવે તો કદાચ કંઈ થાય. એ આવવાની તૈયારી તો હતી.

એટલામાં તો ટોળાની ચાલ બદલાઈ, એમાં ધ્રુજારી થઈ, અને એ હાલવા લાગ્યું, લથડવા લાગ્યું, બબડવાં લાગ્યું. શુખવ સહિત પાછળની લાઇનો વાળા કેદીઓએ આગળ વાળા સાથે રહેવા માટે દોડવું પડ્યું. એ થોડું ચાલતા અને પાછા દોડવા માંડતા. પાછળ વાળા ટેકરી ઉપર પહોંચ્યા ત્યારે એમણે જોયું કે એ મેદાનમાં, એમની જમણી બાજુથી, કાળા કોટ પહેરેલું બીજું એક ટોળું આવી રહ્યું હતું. એને એ એમના કરતાં થોડું દૂર હતું, એમનાથી આગળ રહેવા ટોળાએ આ દોટમૂકી હશે.

આ એન્જિનિયરિંગ કારખાનામાં કામ કરતા ત્રણસો કેદીઓની ટુકડી હશે. કમનસીબે એમને પણ રોકાવું પડ્યું હશે. કેમ રોકાયા હશે, શુખવ વિચારવામાં પડ્યા, પણ પછી થયું કે એમને તો ઘણી વાર મશીનોનું સમારકામ કરવા રોકાવું પડે છે. અને એમને તો કાયમ અંદર, ગરમાવામાં કામ કરવાનું હોય છે એટલે રોકાવું પડે તો પણ એમને ક્યાં વાંધો હતો.

હવે તો જે પાછળ રહે એ શેતાન ના! બધા દોડવા માંડ્યા, હરીફાઈમાં દોડતા હોય એમ દોડવા માંડ્યા. પહેરેગીરો પણ દોડ્યા. કમાન્ડર બૂમો પાડતો હતો, “પાછળવાળા ઝડપ રાખો! આટલા ફેલાવો નહીં! જોડે થાવ! પાસે રહો!”

અરે ચુપ રહેને ગધેડા! અમે બીજું શું કરીએ છીએ! જોડે-જોડે તો દોડીએ છીએ!

બધી વાતો, બધા વિચારો ભુલાઈ ગયા. આખા ટોળાના મનમાં એકજ વિચાર હતો, માત્ર એક.....

“એમની સાથે થાવ! એમની આગળ નીકળી જાવ!”

ગળ્યું અને કડવું, બધું ભેગું થઈ ગયું! પહેરેગીરો અને કેદીઓ એક થઈ ગયા. એ બે દોસ્ત અને પેલું બીજું ટોળું બંનેનું દુશ્મન!

ગુસ્સો ભુલાઈ ગયો, અને ઉત્સાહ જાગ્યો.

પાછળથી આગળવાળાને બૂમો પડવા માડી, “જલ્દી કરો! સતાપી રાખો! આગળ વધો!”

શુખવનું ટોળું વસાહતમાં પેઠું, મકાનો આવ્યાં એટલે એન્જિનિયરો દેખાતા બંધ થઈ ગયા. હવે તો બધા ઊંધું ઘાલીને દોડતા હતા. રસ્તો આવી ગયો હતો, એટલે દોડવું સહેલું હતું. બાજુમાં દોડતા પહેરેગીરોને પણ ઓછી ઠોકરો વાગતી. આગળ નીકળી જવા માટે આ તક ના ચુકાય.

એન્જિનિયરોથી આગળ નીકળવા માટેનું એક બીજું પણ કારણ હતું, ચોકિયાતોના ઓરડા પાસે જે તપાસ થતી એમાં એમની તપાસમાં વધારે સમય જતો. અને જ્યારથી ગળા કાપવાના બનાવો બન્યા હતા ત્યારથી એન્જિનિયરોની તપાસ ઝીણવટપૂર્વક થતી. એન્જિનિયરિંગ કારખાનામાં ચપ્પા તો સહેલાઈથી બની શકે, એમ માનીને અધિકારીઓ એ એન્જિનિયરો પાછા ફરે ત્યારે એમની બરાબર તપાસ કરવાનો આદેશ આપેલો હતો, જેથી ચપ્પુ કે એવું બીજું કોઈ ઓજાર છાવણીમાં ના આવી શકે. અને શિયાળાની શરૂઆતમાં પણ એમની તપાસ વખતે એમને બૂટ કાઢવાનો આદેશ મળતો, “બૂટ કાઢો, એન્જિનિયરો! બૂટ હાથમાં રાખો!” અને બરફ જેવી જમીન ઉપર, ઉઘાડા પગે એમને તપાસ કરાવવી પડતી.

અત્યારે આ ઠારમાં પણ ચોકિયાતોની બૂમ પડે, “એ તું, જમણું બૂટ કાઢ! ત્યાં તું, તારું ડાબું બૂટ કાઢ!”

છરી સંતાડી નથી ને એ જોવા પેલા કેદીનું બૂટ ઊંધું-ચત્તું કરાય, એના પગે વીંટાળવાના કટકા ખંખેરાય, ત્યાં સુધી એ બાપડો એક પગે ઊભો રહે.

સાચુંખોટું તો ખબર નહીં, પણ શુખવે સાંભળેલું હતું કે ઉનાળામાં એન્જિનિયરો વૉલીબૉલ રમવા માટે બે થાંભલા છાવણીમાં લઈ આવ્યા હતા અને એમાં બધી છરીઓ સંતાડેલી હતી. એક થાંભલામાં દસ મોટી છરીઓ મૂકેલી. એક-બે છરીઓ આમતેમ પડેલી મળી આવી હતી.

થોડું દોડતા થોડું ચાલતા મનોરંજન કેન્દ્ર પસાર થયું, સ્વાધીન મજૂરોનાં મકાનો પસાર થયાં અને લાકડાનું કારખાનું પણ પસાર થયું. ટોળું ચોકિયાતની ઓરડીના વળાંક તરફ આગળ વધ્યું. “હો...ઓ....ઓ...ઓ!” એકી આવજે ટોળું બોલી ઊઠ્યું. હવે સામે પેલા ચાર રસ્તે પહોંચવાનું. એન્જિનિયરો જમણી બાજુ દોઢસો મીટર પાછળ રહી ગયા હતા.

હવે શ્વાસ લેવાશે. ટોળામાં આનંદનું મોજું ફરી વળ્યું, જાણે સસલાને ખબર પડે કે દેડકા એનાથી બીને છે!

અને સામે હતી છાવણી. જેવી મૂકીને ગયા હતા એવીજ, અંધારી, દીવાઓ વળી પરિસરની દીવાલ, અને ચોકિયાતના ઓરડા સામે ઝળહળતી રોશની. તપાસક્ષેત્રમાં એટલા બધા દીવાઓ હતા માનો સૂરજ ઊતરી આવ્યો હોય.

પણ ચોકિયાતોના ઓરડા પાસે પહોંચતા પહેલાજ કમાન્ડરનો ઊભા રહેવાનો આદેશ આવ્યો, “બધા ઊભા રહો!”

એમની સબ-મશીન ગન એક સિપાહીને આપીને કેદીઓ પાસે ગયા. (એમને હાથમાં બંદૂક લઈને કેદીઓ પાસે જવાની મનાઈ હતી.)

“જમણી બાજુના બધા, જેની પાસે લાકડાના ટુકડા હોય તે આ બાજુ, જમણી બાજુ ફેંકી દો!”

બાહરની બાજુ, એને દેખાય એમ જેટલા હતા એમણે લાકડાં સંતાડવાનો કોઈ પ્રયત્ન ના કર્યો. એક પોટલી ઊડીને પડી, પછી બીજી, ત્રીજી.... અંદરની બાજુ કોઈકે લાકડા સંતાડવાનો પ્રયત્ન કર્યો, તો એની બાજુમાં ઊભેલા કેદીઓ એની ઉપર તૂટી પડ્યા. “તારે લીધે બધાના લાકડા લઈ લેશે! એ ફેંક, એમાંજ ડહાપણ છે.”

એક કેદીનો સૌથી મોટો દુશ્મન કોણ? બીજો કેદી. આવા અંદર-અંદર ઝઘડા ના થાય તો અધિકારીઓની પકડ પણ ઢીલી પડી જાય.

ડેપ્યુટી કમાન્ડન્ટનો હુકમ થયો, “આગે કૂચ!”

અને બધા ચોકિયાતના ઓરડા તરફ આગળ વધ્યા.

ચોકિયાતના ઓરડા આગળ પાંચ રસ્તા મળતા હતા, અને એક કલાક પહેલાં એ પાંચે રસ્તાઓ જુદે-જુદે કામ ઉપર ગયેલા કેદીઓનાં ટોળાંઓથી ખીચોખીચ ભરેલા હતા. ભવિષ્યમાં, કોઈક દિવસ જો આ રસ્તાઓની બંને બાજુ મકાનો આવી જશે, તો તે સમયે સિવિક સેન્ટર અહીં, આ ચોકિયાતના ઓરડાની જગ્યાએ, આ તપાસવાની જગ્યા ઉપરજ બનશે. અને આજે જ્યાં ચારે બાજુ કેદીઓની ટુકડીઓની ભીડ થાય છે, તેની જગ્યાએ એ વખતે રજાના દિવસે સૈન્યની કવાયતો થશે.

ચોકીદારો અંદર ગરમાવામાં રાહ જોતા હતા, તે બહાર આવીને રસ્તાની બાજુમાં ઊભા રહ્યા.

“જૅકેટનાંબટન ખોલો!” “જર્કીનનાં બટન ખોલો!” તપાસ માટે બાથમાં લેવા ચોકીદારો હાથ પહોળા કરીને ઊભા રહ્યા હતા. સવારની જેમ, તમારું શરીર થાબડીને તપાસવા તૈયાર હતા.

લગભગ ઘેર પહોંચી ગયા હતા, એટલે બટનો ખોલવાનો બહુ વાંધો ન હતો.

હા, આ એમનું ‘ઘર’ હતું. આનેજ એ ‘ઘર’ કહેતા હતા.

અને દિવસ દરમિયાન પણ બીજા કોઈ ઘરનો વિચાર કરવાનો સમય નહોતો મળતો.

એમની ટુકડીના આગળના કેદીઓની તપાસ થઈ ગઈ એટલે શુખવ સેઝેર પાસે ગયા અને એમને કહ્યું, “સેઝેર મર્કોવીચ! ચોકિયાતનો ઓરડો પસાર કરી લઈએ એટલે હું દોડીને પાર્સલ રૂમની લાઇનમાં ઉભો રહીશ.”

સેઝેરે એની કાળી, મોટી, ભરાવદાર મૂછો (જે હમણાં નીચેથી થોડી સફેદ હતી) શુખવ તરફ ફેરવી.

“શેને માટે, ઇવાન દિનીશવીચ? પાર્સલના પણ આવ્યું હોય.”

“તો મને શું ફરક પડશે? હું દસ મિનિટ ઊભો રહીશ, એટલામાં તું નહીં આવે તો હું બરાકમાં પાછો ફરીશ.” (શુખવે વિચારી લીધેલું કે જો સેઝેર ના આવે તો એ જગ્યા બીજા કોઈને તો એ વેચીજ શકશે!)

પણ એમને લગ્યું કે સેઝેર પણ એ પાર્સલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

“સારું,” એ બોલ્યા, “દોડીને જગ્યા રોકી દેજે, ઇવાન દિનીશવીચ. પણ દસ મિનિટથી વધારે ના રોકાઈશ.”

તપાસ માટે વારો આવવાની તૈયારી હતી. શુખવ કોઈ બીક વગર આગળ વધી રહ્યા હતા. આજે એમની પાસે સંતાડવા જેવું કશું હતુ નહીં. એમણે જૅકેટ ના બટનો ખોલ્યાં અને કમરનો પટ્ટો ઢીલો કર્યો.

એમને હતું કે છાવણીમાં અંદર ના લઈ જવાય એવું કશું જ એમની પાસે નથી. પણ આઠ વરસ અંદર રહ્યા પછી અગમચેતી એમના સ્વભાવમાં ગૂંથાઈ ગઈ હતી. એ જાણતા હતા કે કશું નથી, તે છતાંય એમણે વધારાનું સીવેલું ખિસ્સું હાથ નાખીને તપાસ્યું.

ઓહો, એમાં તો તૂટેલી બ્લેડનો ટુકડો હતો! એ ટુકડો જે એમને સવારના વીજ મથકના પરિસરમાંથી મળ્યો હતો. કામ લાગશે એમ કરીને ઉપાડ્યો હતો, પણ છાવણીમાં લઈ આવવાનો એમનો ઇરાદો ન હતો.

ઇરાદો ન હતો, પણ એ આવી ગયો હતો. અને હવે, આવી ગયા પછી, એને ફેંકી દેવાનો પણ અર્થ ન હતો. એની બરાબર ધાર કાઢો તો એ તમે મોચીને કે દરજીને, ગમે તેને આપી શકો.

જો પહેલેથી અંદર લાવવાનો વિચાર હોત તો એને સંતાડવાની જગ્યાનો પણ વિચાર કર્યો હોત. આગળ બે જ લાઇનો હતી અને હવે તો એમાંની પહેલી લાઇન તપાસ કરાવવા માટે આગળ વધી હતી. એમણે ઝડપથી નક્કી કરવું પડશે કે આગળની લાઇનની આડમાં, કોઈના જુવે એમ, એ બ્લેડને નીચે બરફમાં સરકાવી દેવી (જે પછીથી મળશે તો ખરી, પણ એ ખબર નહીં પડે કે એ કોણે સરકાવી હતી) કે પછી એને પોતાની પાસે રાખવી. એ લોખંડના ટુકડાને જો આ લોકો છરી ગણે તો કાળકોટડીમાં દસ દિવસની કેદ નક્કી.

પણ એને ધાર કરીને જો મોચીનો ઓજાર બનાવાય તો સારી એવી કમાણી થાય, અને વધારે કમાણી એટલે વધારાની બ્રેડ! ના, નાખી તો ના દેવાય.

શુખવે એને એમના અસ્તરવાળા હાથના મોજામાં સરકાવી દીધું. એમની આગળના પાંચ જણને તપાસ માટે આગળ બોલાવ્યા.

હવે ઝળહળતી રોશનીમાં ત્રણ જણા રહ્યા: સીએન્કા, શુખવ અને ટુકડી ૩૨નો કેદી જે પેલા મલદેવિયન પાછળ દોડ્યો હતો. એ માત્ર ત્રણ અને સામે પાંચ ચોકીદારો. એટલે શુખવને તક મળી કે જમણી બાજુ ઊભેલા બે ચોકીદારોમાંથી એ એકને પસંદ કરી શકે. એમણે જુસ્સો ભરેલો અને થોડી નાની ઉંમરવાળા ચોકીદારને બદલે કાબરચીતરી મૂછોવાળા, ઉંમરલાયક ચોકીદારને પસંદ કર્યો. વધારે અનુભવી તો ખરો, પણ આ ઉંમરે આ કામને એ ધિક્કારતો જ હશે.

બંને હાથનાં મોજાં એમણે કાઢી લીધાં હતાં, અને એક હાથમાં પકડી લીધા. ખાલી મોજું થોડું આગળ રહે એમ પકડ્યાં. કમરના પટ્ટાને પણ એજ હાથેથી પકડી રાખ્યો. જૅકેટ ના બટનો ખોલી નાખ્યાં અને જૅકેટ અને જર્કીનને ખુલ્લાં કરી દીધાં. (રોજ તપાસ વખતે એમનો આટલો બધો સહકાર નહોતો મળતો, પણ આજે ચોકીદારોને એ જણાવવાં માંગતા હતા કે એમની પાસે કશું હતું નહીં.) આદેશ મળતા એ પેલા કાબરચીતરી મૂછોવાળા પાસે પહોંચી ગયા.

એણે શુખવને આગળ-પાછળ થાબડીને તપાસ્યો, સીવેલું ખિસ્સું બહારથી થાબડીને તપાસ્યું, તે ખાલી હતું. જર્કીન અને જૅકેટ ના છેડા તપસ્યાં અને હાથના મોજાને દબાવીને તપસ્યા. કશું ન હતું......

પહેરેગીર હાથના મોજા દબાવીને તપાસી રહ્યો હતો, અને શુખવનું કાળજું ભીંસાઈ રહ્યું હતું. બીજું મોજું દબાવશે તો, તો આવીજ બન્યું---સીધા કાળકોટડીમાં, રોજનું માત્ર ત્રણસો ગ્રામ ખાવાનું, ઉપરથી બે દિવસે એક જ વાર ગરમ ખાવાનું મળશે. ભૂખમરાની અશક્તિ શુખવને અત્યારથી જ લાગવા માંડી. અને એ પછી એમનું શરીર આજની સ્થિતિમાં કઈ રીતે આવશે, એની ચિંતા થવા માંડી. (આજે એમનુ શરીર ‘સુખી’ ના લાગે, પણ તે કસાયેલું હતું, એ ભૂખ્યા માણસનું શરીર ન હતું.)

એમની વ્યથા પ્રાર્થનામાં ફેરવાઈ. મનમાં ને મનમાં ઈશ્વરને આજીજી કરવા માંડ્યા, “હે ભગવાન! મને બચાવી લે! મને કાળકોટડીમાં ના જવા દઈશ!”

પહેરેગીર શુખવનું આગળ રહેલું હાથનું મોજું તપાસી રહ્યા હતા ત્યારે શુખવના મનમાં આ બધા વિચારો ચાલી રહ્યા હતા, અને હવે એમનો હાથ પાછળના મોજા તરફ જવા માંડ્યો હતો. (જો શુખવે બંને હાથમાં એક-એક મોજું રાખ્યું હોત તો બંને મોજા સાથે તપાસી લીધાં હોત.) ત્યાં તો તપાસના મુખ્ય અધિકારીએ ચોકીદારોને હુકમ કર્યો:

“એન્જિનિયરોને બોલાવો.”

એને કામ પતાવવાની ઉતાવળ હતી.

એટલે પેલા કાબરચીતરી મૂછોવાળા એ શુખવનું બીજું મોજું તપાસવાને બદલે એને જવાનો સંકેત આપ્યો......હાશ! જાન બચી!

શુખવ દોડીને પોતાની ટુકડી પાસે પહોંચી ગયા. બધા પાછા પાંચ-પાંચની લાઇનો કરીને બે કઠેરાની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. એ કઠેરા બજારમાં ઘોડાઓને બાંધવા માટે મૂક્યા હોય એવા લાગતા હતા, અને એ અંદર જવા આતુર કેદીઓની ગતિ ધીમી પાડવાનું કામ કરી રહ્યા હતા. શુખવ હળવાશથી દોડી રહ્યા હતા, માનો એમના પગ જમીન ઉપર પડતા જ ન હતા. તે એટલી બધી ઉતાવળમાં હતા કે પ્રાર્થના કરીને ઈશ્વરનો આભાર માનવાનું પણ ભૂલી ગયા. અને આમ પણ બચી ગયા, હવે શું? શુખવની ટુકડી સાથે આવેલા પહેરેગીરો એક બાજુ એમના કમાન્ડરની રાહ જોઈને ઊભા હતા. એમની જગ્યા એન્જિનિયરોના પહેરેગીરોએ લીધી. કેદીઓ પાસેથી રસ્તામાં ભેગું કરેલું લાકડું પહેરેગીરોએ લઈ લીધું હતું અને તપાસમાં જપ્ત કરેલું લાકડું ચોકિયાતના ઓરડા પાસે ઢગલો કરીને મૂકેલું હતું.

બર્ફીલી આ રાત થોડી ઊજળી હતી. ચાંદો આકાશમાં અધ્ધર હતો. અને ઠારે રાત ઉપર એની પકડ મજબૂત કરી દીધી. પહેરેગીરોનો કમાન્ડર એના આજના ચારસો ત્રેસઠ ‘માથા’ની પાવતી લેવા ચોકિયાતના ઓરડામાં ગયો હતો. એણે વોલ્ગવયનાં સેકન્ડ-ઇન-કમાંડ, પ્રિયાખા સાથે કંઈ વાત કરી. પ્રિયાખા બોલ્યા, “કે-૪૬૦!”

ટુકડીની વચ્ચે સંતાઈને ઉભેલો પેલો મલદેવીયને ઊંડો શ્વાસ લીધો અને જમણી બાજુના કઠેરા તરફ ગયો. માથું નીચું અને થોડી ખુંધ, એ કઠેરા પાસે પહોંચી ગયો.

“અહીં આવ!” પ્રિયાખાએ આંગળીથી ઇશારો કર્યો અને એને કઠેરાની બીજી બાજુ આવવાનું કહ્યું.

એ ત્યાં ગયો એટલે એને હાથ પાછળ રાખીને હાલ્યા વગર સ્થિર ઊભા રેહવાનો આદેશ મળ્યો.

આહા, એટલે એની ઉપર નાસવાનો પ્રયત્ન કરવાનો આરોપ મૂકવાના હશે. એની લાંબી જેલની સજા પાક્કી.

બંને કઠેરાઓ પાસે એક-એક પેહરેગીર આવીને ઊભો રહી ગયો. પહેરેગીરો ઝાંપા અને કઠેરાની વચ્ચે ઊભા હતા. ઝાંપાની ઊંચાઈ માણસ કરતા ત્રણ ઘણી હતી. એ ધીરેથી ખુલ્યો અને હુકમ થયો: “પાંચ-પાંચ કરીને આગળ વધો!” (“ઝાંપા થી આઘા રહો!” કહેવાની જરૂર ન હતી કારણ કે ઝાંપો અંદરની બાજુ ખુલતો હતો. અંદર કેદીઓનું ટોળું તોફાની થાય તો એ ખોલી ના શકે માટે એ અંદરની બાજુ ખુલે એવો રાખ્યો હતો.)

“નંબર એક! બે! ત્રણ!”

આખો દીવસ ભૂખ્યા પેટે, ઠાર અને બરફ જેવો પવન સહન કરીને કમર તોડ કામ કર્યું હોય, એટલે સાંજે, અંદર જવા માટે ગણતરી કરાવવા ઝાંપા પાસે લાઇનમાં ઊભા કેદીઓની એક જ ઈચ્છા હોય, કડછો ભરેલો, પાણી જેવો સાંજનો ગરમ-ગરમ સૂપ. દુકાળમાં પાણી માટે જેવી ઝંખના હોય, એવીજ ઝંખના કેદીઓને આ સાંજના સૂપ માટે થાય. આ ક્ષણે એ સૂપ એમને માટે એમની આઝાદી કરતા પણ વધારે મહત્ત્વ ધરાવે, એમનુ આખ્ખું વીતેલું જીવન, એમનું આગળ બચેલું જીવન, કશાયનું મહત્ત્વના રહે. અત્યારે તો એક ઘુંટડામાં એ ગરમ-ગરમ સૂપ પીવાની જ ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા.

લડાઈમાં વિજય મેળવીને પાછા ફરતા સૈનિકોની જેમ કેદીઓ છાવણીમાં અંદર આવતા---ગર્જતા, રણકાર કરતા, ઉદ્ધતાઈથી એ છાવણીમાં પ્રવેશ કરતા, “એ! આઘો ખસ! રસ્તો આપ!”

અને અધિકારીઓની કાર્યાલયની બારીમાંથી જોઈ રહેલો એમનો વિશ્વાસુ કેદી, પાછા ફરતા આ કેદીઓના અલ્લડ મોજાંઓ જોઈને ભયભીત થતો......

સવારના સાડા છ વાગે હાજરી પુરાય, ત્યારથી કેદીઓનો દાડો શરૂ થાય, તે દાડો સાંજની આ છેલ્લી ગણતરી સાથે પૂરો થાય. એ પછી જ એને થોડી નવરાશ મળે, થોડી મોકળાશ મળે. મોટો ઝાંપો, પછી નાનો ઝાંપો, અને અંદરના પરિસરમાં મૂકેલા બે કઠેરાઓ વચ્ચેથી છાવણીમાં પેઠા, એટલે દરેક કેદી પોતપોતાને રસ્તે. તમને મન ફાવે ત્યાં જાવ, મન ફાવે તે કરો.

જોકે ફોરમૅનને કામ ફાળવનાર બોલાવે, “બધા ફોરમૅનો! સીધા પી. પી. એસ.માં!”

કાલના કામની ફાળવણી નક્કી કરવી પડે ને.

શુખવ ઝડપથી જેલ પસાર કરી, મકાનોની વચ્ચે થઈને સીધા પાર્સલ રૂમ પહોંચ્યા. સેઝેર એમનો મોભો સાચવીને, ધીરે ધીરે બીજી બાજુ ગયા. એ પાર્સલ આવ્યા હોય તેમનાં નામ જે પાટિયાં ઉપર લખાતાં એ પાટિયાં તરફ ગયા. નામ ભૂંસાય નહીં એવી સહીથી લખતા અને પાટિયું એક થાંભલા ઉપર ખીલીઓ મારીને બેસાડેલું હતું. એ પાટિયા પાસે મધમાખીઓની જેમ કેદીઓનું ટોળું બણબણતું હતું.

છાવણીમાં આવું કંઈ લખવા માટે કાગળને બદલે પાટિયાનો ઉપયોગ થતો. એ ફાટી ના જાય એટલે વધારે ટકાઉ અને ભરોસાપાત્ર ગણાય. કામ ફાળવનારાઓ પણ જે તે દિવસના માથાની ગણતરી નોંધવા પાટિયાનો જ ઉપયોગ કરતા. બીજે દિવસે એને ખોતરી નાખો એટલે ફરીથી એજ પાટિયું ઉપયોગમાં લેવાય. કાર્યક્ષમતા વાળી કરકસર!

કામ ઉપર ના ગયા હોય એ કેદીઓ માટેનું કામ: એ પાટિયાં ઉપર જેનું નામ હોય એને અધવચ્ચે મળીને એનો નંબર કહેવાનો. એમાં બહુ તો નહીં, પણ કદાચ એકાદ સિગારેટ મળી જાય.

શુખવ દોડીને પાર્સલ રૂમ તરફ ગયા, જે એક મકાનનો ટેકો લઈને બનાવેલો હતો. એની ફરતે પરસાળ હતી. એને દરવાજો ન હતો, એટલે ઠંડો પવન છૂટથી આવતો હતો, તેમ છતાંય અહીં થોડી હૂંફ લગતી હતી, ઉપર છાપરું તો હતું.

શુખવ પહોંચ્યા ત્યારે પરસાળની આખી દીવાલ જેટલી લાઇન હતી. પંદરેક જણા તો લાઇનમાં હશે જ. શુખવ લાઇનમાં જોડાઈ ગયા. લાઇનમાં કલાક ગણી લેવાનો, એટલામાં તો સૂવાનો સમય થશે, બત્તી બંધ કરવાનો સમય થશે. એમની ટુકડીના જે પોતાનું નામ જોવા ગયા હશે, એમનો વારો હજી પણ પાછળ આવશે અને એન્જિનિયરો તો એનાથી પણ પાછળ. એમને તો કદાચ સવારે વહેલા જ આવવાનું થશે.

લાઈનમાં ઊભા રહેલા બધા પાસે બૅગો અને કોથળાઓ હતા. દરવાજાની પેલી બાજુ (શુખવે આ સાંભળેલું, એમને તો આ છાવણીમાં એક પણ પાર્સલ નહોતું આવ્યું) નિયમ અનુસાર આવેલાં ખોખાંઓને પહેરેગીર હથોડી મારીને ખોલતા અને એમાંની દરેકે દરેક વસ્તુ બહાર કાઢતા, એને તપાસવા માટે એને કાપતા, તોડતા, ગોદા મારતા અને ઢોળતા. પ્રવાહી ભરેલી બરણીઓ અને ડબ્બાઓ ખોલીને એને ખાલી કરતા. તમે હાથમાં કે ટુવાલ જેવાં કપડામાં જે ઝીલી શકો એ તમારું. અને કોઈક કારણસર એ બરણીકે ડબ્બો પણ આપતા બીતા હતા. એટલે એ પાત્ર પણ તમને ના મળે. અને પાર્સલમાં જો પાઈ કે કેક, અથવા તો એવી બીજી કોઈ સારી મીઠાઈ હોય, સોસેજીસ કે સ્મોકડ ફીશ હોય તો પહેરેગીર એમાં ભાગ પડાવેજ, એ થોડું ખાઈનેજ તમને આપે. (તમારા હક્કોનો ઉલ્લેખ કરો તો તમારા હાથમાં કશુંજ ના આવે. આ પ્રતિબંધિત છે અને પેલું લઈ ના જવાય એમ કરીને તમને કશું આપેજ નહીં. જેને પાર્સલ મળે એણે આપવું જ પડે અને બધાને આપ્યા કરવું પડે. એની શરૂઆત પહેરેગીરથી થાય.) બધું તપાસી લીધા પછી પણ જે ખોખામાં બધું આવ્યું હતું એ ખોખું તો આપે જ નહીં. બધું બૅગમાં કે કોથળામાં ભરી લો, ના હોય તો પોતાના જર્કીન કે જૅકેટ માં ભરો. આના પછી કોણ છે? એટલી ઉતાવળ કરાવે કે ઘણી વાર પાર્સલમાં આવેલી કોઈ વસ્તુ ત્યાંજ રહી જાય. પાછા લેવા જવાનો તો કોઈ અર્થ નહીં, પાછા જાવ ત્યાં સુધીમાં તો એ ઊપડી ગઈ હોય.

ઉસ્ત-ઇશમામાં શુખવને બે-એક પાર્સલ મળ્યાં હતાં. પણ પછી એમણે એમનાં પત્નીને પાર્સલ મોકલવાની ના પાડી દીધી. છોકરાઓને માંડ-માંડ કંઈક મળતું હોય, એમાંથી પાર્સલ માટે ભાગ પડાવે અને અહીં એ તો આમ જ વેડફાઈ જાય.

શુખવ જ્યારે બહાર હતા ત્યારે એ આખા પરિવારનું ભરણપોષણ સેહલાઈથી કરી લેતા. પણ અહીં, છાવણીમાં, એમને પોતાનું એકલાનું પેટ ભરવું અઘરું પડતું હતું. પણ એ જાણતા હતા કે પાર્સલ મોકલવામાં ઘણો ખર્ચો થતો હતો, અને દસ વર્ષ સુધી તમે તમારા પરિવારનું આવું શોષણ ના કરી શકો. ના, ના એના વગર ચલાવી લેવાનું.

એમણે એના વગર ચલાવી લેવાનું નક્કી તો કર્યું, પણ જ્યારે પણ બરાકમાં કોઈને કે એમની ટુકડીમાંથી કોઈને પાર્સલ આવે (અને લગભગ રોજ કોઈકને ને કોઈકને તો પાર્સલ આવે) ત્યારે એમને થોડું લાગી આવતું તો હતું----મારે માટે પાર્સલ કેમ નથી આવતું? એમણે જ એમનાં પત્નીને પાર્સલ મોકલવાની ના પાડી હતી, ઈસ્ટર જેવો તહેવાર હોય તો પણ ના મોકલીશ એમ કહ્યું હતું, અને પાટિયા ઉપર લખેલાં નામો જોવા એ ક્યારેય નહોતા જતા, સિવાય કે કોઈ સહકેદીનું નામ જોવા જાય, તો પણ કોઈક વાર એમના મનમાં આશા ઊભરે, કે કોઈક દોડતું આવીને એમને કહેશે, “શુખવ, તું લેવા કેમ નથી ગયો? જા જલ્દી જા, તારું પાર્સલ આવ્યું છે!”

પણ કોઈ દોડતું નહોતું આવતું.

જેમ-જેમ સમય પસાર થતો ગયો, એમ-એમ પોતાના ગામ, ચીમ્ગીન્યોવાની, અને પોતાના નાનકડા ઘરની સ્મૃતિઓ ઝાંખી થતી ગઈ. સવારમાં ઊઠતાંની સાથે છાવણીના જીવનમાં એવા અટવાયેલા રહેતા કે રાત સુધી બીજા કશાનો વિચાર કરવાનો સમય ના મળે, ભૂતકાળને વાગોળવાનો સમય તો ના જ મળે. શુખવની આસપાસના બધા પોતાના પાર્સલના વિચારોમાં મગ્ન હતા. થોડી વારમાં એ સરસ રાંધેલું માંસ ખાઈ શકશે, કે બ્રેડ ઉપર માખણ લગાડીને ખાઈ શકશે, કે પછી ખાંડ નાખી ગળી ચા પી શકશે. શુખવના મનમાં માત્ર એક જ વિચાર હતો, એ અને એમની ટુકડી સમયસર મેસમાં પહોંચે, અને એમને ગરમ-ગરમ સૂપ પીવા મળે. ઠંડા સૂપનો કોઈ અર્થ નહીં.

શુખવની ધારણા પ્રમાણે, અત્યાર સુધીમાં સેઝેરે પોતાનું નામ છે કે નહીં એ જોઈ લીધું હશે, અને જો નહીં હોય તો એ ક્યારના બરાકમાં હાથપગ ધોવા પહોંચી ગયા હશે, અને જો નામ હશે તો એ કોથળા, પ્લાસ્ટિકના મગ અને કાગળોના મોટા ટુકડાઓ ભેગા કરવામાં પડ્યા હશે. શુખવે દસ મિનિટ સુધી ઊભા રહેવાની વાત એટલે જ કરી હતી.

લાઇનમાં ઊભા-ઊભા એમણે સમાચર સાંભળ્યા, આ રવિવારે રજા નથી મળવાની. પાછો રવિવાર ગયો. જોકે એમણે અને બધાએ આ ધારેલું જ હતું, એક મહિનામાં જો પાંચ રવિવાર આવતા હોય, તો ત્રણ રવિવારની રજા રાખે પણ બે રવિવારે તો કામ કરાવે. એટલે ધારેલું હતું, પણ તોય સાંભળ્યું એટલે માઠું તો લાગ્યું. રવિવારનો આરામ કોને ના ગમે? જોકે લાઇનમાં કહેતા હતા એ વાત પણ સાચી હતી: છાવણીમાં રજાને દિવસે તમને નવરાશ મળે એવું કંઈ નક્કી નહીં. એ લોકો કંઈનું કંઈ કામ કાઢે જ, બાથરૂમો સરખી કરાવે, કે બે બરાકની વચ્ચેના રસ્તાને દીવાલથી બંધ કરાવે અને બીજું કંઈ ના મળે તો પરિસર ચોખ્ખું કરાવે. ગાદલા બદલવાનું કામ પણ રજાને દિવસે જ કરાવે, ગાદલાં ઉપાડીને ઝાટકવાનાં અને પછી સૂવાના પાટિયામાં સંતાયેલા માંકડને શોધી-શોધીને મારવાના. અથવા તો તમારી ફાઈલ કાઢીને તમને સામે ઊભા રાખીને એમાં કરેલું તમારું વર્ણન તપાસે. અને કંઈ ના મળે તો તમારો સામાન તપાસવાને બહાને તમને સામાન સાથે અડધો દિવસ બહાર બેસાડી રાખે.

સવારના નાસ્તા પછી કેદીઓ સૂવે કે આરામ કરે તો અધિકારીઓને અકળામણ થાય!

લાઇનમાં હજી દસ જણા શુખવની આગળ હતા, અને એમની પાછળ બીજા સાત જણા લાઇનમાં જોડાયા હતા. ત્યાં સેઝેર કોઈકે બહારથી મોકલેલીz નવી ફરની ટોપી પહેરીને આવી પહોંચ્યા, નવી ટોપ વાળું માથું નીચે નમાવીને એ અંદર આવ્યા. (ટોપી ખરેખર સરસ હતી. આ નવી, શહેરમાં લોકો પહેરે એવી સરસ ટોપી પહેરવાની પરવાનગી લેવા માટે સેઝેરે ચોક્કસ કોઈકને લાંચ આપી હશે. બાકી બીજાની તો એમની જૂની, ફાટેલી સૈન્યની ટોપી પણ પહેરવા નહોતી મળતી. છાવણીમાં આવે એટલે એ ટોપીઓ જપ્ત કરી લેતા અને છાવણીના પોષાકની ગંદી, ચીંથરેહાલ ટોપી પહેરવા આપતા.)

લાઇનમાં ઊભો-ઊભો એક શખ્સ છાપું વાંચી રહ્યો હતો. ચશ્માંવાળો એ શખ્સ થોડો વિચિત્ર દેખાતો. અને લાઇનમાં આવ્યો ત્યાર નો એનું મોઢું છાપામાં નાખીને એ છાપું વાંચી રહ્યો હતો. સેઝેર શુખવને એક સ્મિત આપીને પેલા શખ્સ જોડે વાતે વળગ્યા.

“આહા! પીયોત્ર મિખાઈલીચ!”

ફૂલ ખીલે એમ એક બીજાની સંગતમાં બંને ખીલી ઊઠ્યા. “જો મને નવું ‘ઇવનિંગ મૉસ્કો’ મળ્યું છે! પાર્સલમાં કશું વીંટાળીને આવ્યું હતું!” એ શખ્સ ઉત્સાહભેર બોલ્યો.

“ખરેખર!” સેઝેરે છાપામાં મોઢું નાખતાં કહ્યું. ઉપરથી લટકતો લાઇટનો બલ્બ સાવ નિસ્તેજ હતો, એના પ્રકાશમાં આ લોકોને છાપાના ઝીણા-ઝીણા અક્ષર કેમના વંચાતા હશે?

“આમાં ઝવાસકીના (રૂસી અભિનેતા અને નિર્દેશક) પ્રીમિયરનું રસપ્રદ અવલોકન છે!”

આ મૉસ્કોના માણસો કૂતરાની જેમ એક બીજાને દૂરથી સૂંઘી કાઢે એવા અને પછી મળે એટલે એકબીજાના ઈર્દગીર્દ ફર્યા કરે. બોલે એટલું ઝડપથી જાણે સૌથી વધારે શબ્દો બોલવાની હરીફાઈમાં ઊતર્યા હોય. અને બોલવામાં માંડ એક-બે શબ્દો રૂસી ભાષાના હોય, તમને કોઈ લાતવિયન કે રોમેનિયન બોલતો હોય એવુંજ લાગે.

બેરહાલ, સેઝેર બૅગો સાથે તૈયાર હતો.

“તો હવે હું......હું.....હું જઉં છું, સેઝેર મર્કોવીચ,” તોતડાતા શુખવ બોલ્યા.

સેઝેરની કાળી મૂછો છાપામાંથી બહાર આવી.

“હા, હા... મને જોઈ લેવા દે, મારી આગળ કોણ છે? અને મારી પાછળ?”

શુખવે એમને કોણ આગળ છે અને કોણ પાછળ એ બરાબર સમજાવી દીધું. અને એ કહે એ પહેલાં પૂછી કાઢ્યું:

“તમારું ખાવાનું લઈ એવું?” (એટલે કે મેસમાંથી સૂપનો કપ અહીં આપી જવું. મેસમાંથી ખાવાનું બહાર લઈ જવાની સખ્ત મનાઈ હતી, અને એ વિશે કેટલાય હુકમો બહાર પડ્યા હતા. જો મેસના કપ સાથે તમે પકડાવ તો સૂપને જમીન ઉપર ઢોળી દેવામાં આવે અને તમે જાવ સીધા કાળકોટડીમાં. તોય એ ચાલુ હતું અને ચાલુ રહેવાનું હતું, કારણ કે જે માણસને બીજાં કામો હોય એ એની ટુકડી સાથે, મેસમાં સમયસર ના જ પહોંચી શકે.)

જોકે શુખવે પૂછ્યું એની પાછળનો એમનો હેતુ કંઈક જુદો જ હતો. એમને પૂછવું હતું, “તારા ભાગનો સૂપ મને આપીશને? તું સાવ કંજૂસ તો નહીં બનેને? તને તો ખબર જ છે કે સાંજે જમવામાં કોઈ અનાજ નથી હોતું, અને સૂપમાં પણ કંઈ નાખેલું નથી હોતું. એકલો પાણી જેવો સૂપ હોય છે.”

સેઝેરે મલકાતાં કહ્યું, “ના,ના. મારો સૂપ તું પી જજે, ઇવાન દિનીશવીચ.”

શુખવ એની જ રાહ જોતા હતા. પાંજરામાંથી છૂટેલા પરિંદાની જેમ તે પ્રવેશખંડમાંથી નીકળ્યા, અને શક્ય એટલી ઝડપ રાખીને ચલવા માંડ્યા.

ચારે બાજુ પોતાનાં કામો પૂરાં કરવા કેદીઓ દોડતા હતા. એક સમયે છાવણીના કમાન્ડન્ટએ એકલા નીકળેલા કેદીઓને પકડવાનો હુકમ કર્યો હતો. જ્યાં જવું હોય ત્યાં આખી ટુકડીએ જોડે જવાનું. અને દવાખાને કે સંડાસ જેવી જગ્યા હોય, જ્યાં આખી ટુકડી ના જઈ શકે ત્યાં એક જણને જવાબદારી સોંપીને ચાર-પાંચ જણની ટુકડી બનાવવાની અને ત્યાં જવાનું. જે તેનું કામ પતે નહીં ત્યાં સુધી બધાએ ત્યાં રોકાવાનું અને પછી સાથે પાછા આવવાનું.

કમાન્ડન્ટ આ હુકમથી ઘણાં ખુશ હતા અને આ હુકમ સામે કશું બોલવાની કોઈનામાં હિંમ્મત ન હતી. ચોકિયાતો એકલા નીકળેલા કેદીઓને પકડી લેતા, અને એમનો નંબર નોંધી, જેલમાં નાખી દેતા. પણ બીજા ‘સખ્ત’ કાયદાઓની જેમ થોડા વખત પછી આ હુકમનો અમલ પણ અધ્ધર ચઢી ગયો. એમણે પોતાને કોઈ કેદીને બોલાવવો હોય તો એમણે એને માટે માણસો મોકલવાના! અથવા તો કોઈકને પોતાનું રાશન લેવા વખારમાં જવું હોય તો બીજાએ એની સાથે શા માટે જવાનું? અને જો કોઈકને સી.ઈ.એસ.માં છાપું વાચવાં જવાનો વિચાર આવ્યો, તો એની સાથે તો કોણ જાય? એકને એના બૂટ સિવડાવા જવું હોય તો બીજાને બૂટ સૂકવવા. અને ત્રીજાને આમ જ દરેક બરાકમાં જોવું હોય. (બધા કરતા આ સૌથી વધારે ગંભીર ગુનો હતો!) આ બધાને તમે કેવી રીતે રોકો?

એ બેડોળ સૂવર કેદીઓને થોડી શાંતિ મળે એવા દરેક વિકલ્પો ઝૂંટવી લેવા માંગતો હતો. પણ એ દર વખતે કામયાબ નહોતો થતો.

શુખવ દોડતા બરાકમાં જતા હતા ત્યાં રસ્તામાં ચોકિયાત મળ્યો. સજા કરતાં સાવચેતી ભલી, એટલે ટોપી કાઢીને એમણે એને ‘સલામ’ કર્યો, અને બરાકમાં ગયા. અંદર કેદીઓ અને ચોકિયાતો સામસામે બૂમબરાડા કરતા હતા, દિવસ દરમિયાન કોઈકનું રાશન ચોરાઈ ગયું હતું. ટુકડી ૧૦૪નો ખૂણો ખાલી હતો.

પાછા આવે ત્યારે, દિવસ દરમિયાન જો ગાદલાની ઊલટતપાસ ના થઈ હોય, તો શુખવ માટે એ સાંજ ખુશહાલ બની જતી.

જૅકેટ કાઢતા-કાઢતા એ એમના સૂવાના પાટિયા તરફ ગયા. જૅકેટ ઉપર નાખ્યું, પેલા લોખંડના ટુકડા વાળા હાથ મોજા પણ ઉપર ગયા. એમના હાથ ઊંડા જઈ ગાદલું ફંફોળવા લાગ્યા. સવારે સંતાડેલો બ્રેડનો ટુકડો ત્યાંજ હતો! સારું થયું એને શીવી દીધો હતો! ચાલો ભાગો! મેસ તરફ જવા માંડો!

મેસ તરફ જતા શુખવને કોઈ ચોકિયાત ના ભટકાયો. આજુબાજુ રાશનની ચર્ચામાં મશગૂલ કેદીઓ જ હતા. ચંદ્રની રોશની વધારે તેજ થઈ હતી. દીવાઓ ઝાંખા હતા, અને બરાકના કાળાડીબાંગ પડછાયા પડતા હતા. ચાર પગથિયાં ચઢી, ઓસરીમાં થઈને મેસમાં જવાતું હતું. બધું અંધારામાં હતું. હા, ઉપરથી લટકતો એક નાનકડો દીવો તો હતો, પવનમાં ચું-ચું અવાજ સાથે ડોલતો દીવો. ધૂળને લીધે હોય કે પછી ઠંડીને લીધે, પણ છાવણીના દરેક દીવાને ફરતે મેઘધનુષી કૂંડાળું હતું.

કમાન્ડન્ટનો બીજો કડક કાયદો, મેસમાં એક સાથે બે ટુકડીઓએ જ જવાનું. હુકમ પ્રમાણે, મેસ પહોંચો એટલે પગથિયાં ચઢતા પહેલાં પાંચ-પાંચની લાઇનો કરીને ઊભા રહેવાનું અને મેસ ઑર્ડરલી આદેશ આપે ત્યારેજ અંદર જવાનું.

લીમ્પી મેસ ઑર્ડરલી હતો, અને એ કામ મેળવ્યું ત્યારથી એને જળોની જેમ વળગી રહ્યો હતો. તે લંગડાતો હતો, અને એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતો. એ નાલાયકનું શરીર સ્વસ્થ અને મજબૂત હતું, પણ એને જે ખોડ હતી એના કરતાં ઘણી વધારે હોય એવું નાટક કરીને એ બીજા દરેક કામમાંથી છટકી જતો. એણે ભુર્જ વૃક્ષનો (બર્ચનું ઝાડ) અંગૂઠા જેટલો જાડો ડંડો શોધી કાઢ્યો હતો, જેને લઈને એ ઓસરીમાં ઊભો રહેતો અને એના આદેશ વગર જે પગથિયાં ચઢવા જાય એને એ ડંડાથી ફટકારતો. જો કે બધાને નહીં. લીમ્પી બરાબર જાણતો હતો કે કોની ઉપર દાદાગીરી થાય અને કોની ઉપર નહીં. એની આંખો તેજ હતી અને દૂર, અંધારામાં ઊભેલા માણસને એ જોઈ લેતો. એટલે જે અને મુશ્કેલીમાં મૂકે એવા કોઈ પણ વ્યક્તિની ઉપર એ ક્યારે ડંડો આજમાવતો ન હતો. એનો ડંડો અધમુવાઓ માટે જ હતો. શુખવને એક વાર એ દંડાનો અનુભવ થયો હતો.

એને બધા ‘ઑર્ડરલી’ કહેતા, પણ આમ જોવા જાવ તો એ કોઈ રાજકુમારથી ઓછો ન હતો. રસોઇયા એના દોસ્ત હતા ને!

આજે ઓસરી પાસે ઊભેલું ટોળું ઘણું મોટું હતું. ક્યાં તો ટુકડીઓ છુટ્ટી પાડવામાં વાર થઈ, અથવા તો બધી સામટી જમવા આવી ગઈ, પણ પગથિયાં પાસે ટોળું મોટું હતું. અને ઉપર, ઓસરીમાં, લીમ્પી, એનો એક હાજીયો, અને મેસનો મૅનેજર ઊભા હતા. આ ત્રિપુટી હોય તો ચોકિયાતોની શી જરૂર?

મેસનો મૅનેજર વધારે ખાઈ લીધું હોય એવા બેડોળ ડુક્કર જેવો હતો, હમણાં ફાટી જશે, એમજ લાગે. કોળા જેટલું એનું માથું હતું અને દોઢ ગજના ખભા. દેખાતો હતો બેડોળ ડુક્કર જેવો, પણ હતો ભયંકર તાકાત વાળો. હાથ-પગના સાંધાઓમાં સ્પ્રિંગ હોય એમ એ આંચકા ખાતા-ખાતા ચાલતો. એણે નંબરના થીંગડા વગરની ફરની ટોપી પહેરી હતી. આવી ટોપી તો સ્વાધીન મજૂરો પાસે પણ ન હતી. એણે ‘અસ્ત્રખન’ (ટૂંકો કોટ) પહેરેલો હતો, જેની છાતી ઉપર ટપાલ ટિકિટ જેટલુ નંબરનું થીંગડું લગાડેલું હતું, કદાચ વોલ્ગવય ને ખુશ કરવા. કોટની પાછળ તો એ પણ ન હતું. એ મેસનો મૅનેજર કોઈનું આદર કરવામાં માનતો ન હતો અને બિચારા કેદીઓ, એ તો એનાથી બીતા ફરતા. એના હાથમાં હજારો જિંદગીઓ હતી! એક વાર બધાએ એને મારવા લીધેલો, પણ રસોઇયા એને બચાવવા દોડી આવ્યા---એ સાલી ઠગોની ટોળકી!

જો ટુકડી ૧૦૪ અંદર જતી રહી હશે તો આફત! લીમ્પીને ખબર હતી કે કોની કઈ ટુકડી છે, અને મેસનો મૅનેજર પણ હાજર હતો, એટલે ખોટી ટુકડી સાથે તમને અંદર નહીં જ જવા દે એ નક્કી હતું. બલિનો બકરો બનાવવા કોઈકને શોધતો જ હશે! ઘણી વાર કેદીઓ લીમ્પીની નજર ચૂકવી, આસ્તેથી પાછળ જઈ, ઓસરીનો કઠેરો ચઢીને અંદર જતા રહેતા. શુખવે પોતે પણ એવું કરેલું હતું. પણ મૅનેજર હાજર હતો, એટલે એવું કરવું અશક્ય હતું----તમને એનો એવો માર પડે કે તમે માંડ દવાખાના ભેગા થાવ.

જલ્દી ઓસરીમાં ચઢીને જુવો કે આ એકસરખા કાળા કોટોના ટોળામાં તમારી ટુકડી, ૧૦૪, કશેક દેખાય છે કે નહીં.

એટલામાં તો ટુકડીઓનું ટોળું ધક્કે ચઢ્યું (બીજું શું કરે----દીવા-બત્તી બંધ કરવાનો સમય થવા આવ્યો હતો!) કોઈ કિલ્લા ઉપર ચઢાઈ કરતા હોય એમ, એક-એક પગલું ભરતા-ભરતા, ઓસરીનાં પગથિયાં ચઢવા માંડ્યા.

લીમ્પીએ એનો ડંડો ઊચો કરતાં ત્રાડ પાડી, “કૂતરાઓ થોભી જાવ! નહીં તો માથું ફાડી નાખીશ!”

આગળ વાળા બધાએ જવાબ આપ્યો, “અમે શું કરીએ, પાછળથી ધક્કા આવે છે!”

ધક્કો પાછળથી જ આવતો હતો, અને એ ધક્કો એમને મેસમાં ધકેલી જાય એવી આગળ વાળાની ઇચ્છા હતી. એટલે એ લોકો એને અટકાવવાનો કોઈ પ્રયત્ન નહોતા કરતા.

લીમ્પીએ એનો ડંડો રેલવેના ફાટકની જેમ આડો કર્યો, એને છાતી સમાન રાખી બે હાથેથી પકડ્યો પછી કેદીઓ તરફ ધસમસતો દોડ્યો. એનો હાજીયો પણ એમાં જોડાયો, અને મેસના મૅનેજરને પણ આ કામમાં કોઈ નાનમ ના લાગી, એટલે એણે પણ બીજી બાજુથી ડંડો પકડી લીધો. એક તો એમણે ઉપરથી નીચે ધક્કો મારવાનો હતો, ઉપરથી ખાવામાં માંસને બધું મળતું હતું, એટલે એમની તાકાત પણ વધારે હતી. બિચારા કેદીઓ! એ ક્યાંથી પહોંચી વળે? એ પાછા ધકેલાયા. પગથિયાં ચઢેલા કેદીઓ ગાંસડીની જેમ ગબડવા માંડ્યા અને એમની પાછળવાળા ઉપર પડ્યા, જે એમની પાછળવાળા ઉપર.

કોણ બોલ્યું એ ખબર ના પડે એમ ટોળામાંથી થોડી બૂમો પડી, “લીમ્પી, નાલાયક! મા પરણાવવા જા!” મોટા ભાગના તો ચુપચાપ પછડાયા અને ચુપચાપ ઊભા થયા, ચુપચાપ અને ઉતાવળે. બિચારા કચડાઈ જવાની બીકે બને એટલા જલ્દી ઊભા થઈ ગયા.

પગથિયાં ખાલી થઈ ગયાં. મેસનો મૅનેજર પાછળ જઈને ઊભો રહી ગયો અને લીમ્પી સૌથી ઉપરના પગથિયે ઊભો-ઊભો પોતાના નિયમોનું પુનરાવર્તન કરવા માંડ્યો: “પાંચ-પાંચ કરીને ગોઠવાઈ જાવ, ગધેડાઓ! મારે કેટલી વાર તમને કહેવાનું? હું કહું ત્યારેજ આગળ આવવાનું!” એટલામાં શુખવને ઓસરી પાસે સીએન્કા કલ્યેવશિનનું માથું દેખાયું, અને એમની ખુશાલીનો પાર ના રહ્યો. એમની કોણીઓને કામે લગાડી, શક્ય એટલી જોરથી ચલાવી, પણ એ કાળી દીવાલ નક્કર હતી, એમાં ગાબડું પાડવું અશક્ય હતું.

“ટુકડી ૨૭!” લીમ્પીએ બૂમ પાડી, “અંદર જાવ!” ટુકડી ૨૭ કૂદીને ઓસરીમાં પહોંચી ગઈ અને બારણા તરફ ધસી. ફરીથી પાછળથી ધક્કો આવ્યો અને બીજા પણ પગથિયાં ઉપર પહોંચી ગયા. શુખવ પણ પોતાની પૂરી તાકાત વાપરીને ધક્કા મારતા હતા. ઓસરી ડગુમગુ થઈ, ઉપર લટકતો દીવો ચુચું કરીને ડોલવા લાગ્યો.

“પાછા ચાલુ પડી ગયા, નાલાયકો!” લીમ્પી ચિઢાઈને બોલ્યો. એનો ડંડો ફરવા લાગ્યો, વાંસાઓ અને ખભાઓ ઉપર ફરવા લાગ્યો. કેદીઓ પાછા પડ્યા, એકબીજા ઉપર પડતા, એકબીજાને ધકેલતા પગથિયાં ઉપરથી પડવા માંડ્યા, ઊતરવા માંડ્યા. ફરી પગથિયાં ખાલી થઈ ગયાં. નીચેથી શુખવે જોયું કે પાવલો લીમ્પી પાસે ઊભા હતા. ટુકડીને મેસમાં હંમેશા પાવલો લઈ જતા. ત્યુરીન આવાં ટોળાંઓમાં કોઈ દિવસ ના આવે.

“૧૦૪, પાંચ-પાંચ કરીને ઊભા રહો!” પાવલો એ બૂમ મારી. “અને દોસ્તો, થોડી જગ્યા કરો!”

પણ એ દોસ્તો તો પહેલાં મરી જાત!

શુખવે એમની આગળ ઊભેલા કેદીને બોલાવ્યો.

“એ તું, મને જાવા દે. મારી ટુકડીનો વારો આવી ગયો. થોડો આઘો ખસ, હું નીકળી જઉં.”

એને ખસવાની જગ્યા હોત તો એ ખસ્યો પણ હોત, પણ એ કશે ખસી શકે એવું હતુંજ નહીં. ટોળાને પાછું અડબડિયું આવ્યું. સૂપ માટે, પોતાના હક્કના સૂપ માટે, ગૂંગળાઈ મરવાનું જોખમ લેવા ટોળું તૈયાર હતું.

શુખવે બીજો પ્રયત્ન કર્યો: એમણે એમની ડાબી બાજુનો ઓસરીનો કઠેરો પકડી લીધો. અને પછી ઓસરીનો થાંભલો પકડી લટકી ગયા. કોઈકના ઢીંચણે એમના પગ અથડાયા, તો કોઈકના હાથ એમની છાતીને વાગ્યા, થોડીઘણી ગાળો પણ ખાધી, પણ એ ટોળામાંથી બહાર હતા. એક પગ હવામાં અને બીજો ઓસરીના છેલ્લા પગથિયે. એમની ટુકડીના સાથીઓએ એમને જોયા અને મદદ કરવા દોડ્યા.

ઓસરીમાંથી અંદર જતા મેસના મૅનેજરે કહ્યું, “બીજી બેજ ટુકડીઓ, લીમ્પી!”

“૧૦૪!” લીમ્પી એ બૂમ મારી. “અને તું ક્યા જાય છે, નાલાયક?” અને એ ઘૂસણખોરને બોચી ઉપર એક ડંડો પડ્યો.

“૧૦૪!” પાવલો એમની ટુકડીને અંદર લઈ જવા માંડ્યા. “હા..આ..આ!” અને શુખવ મેસની અંદર. અંદર પેંસતાની સાથે શુખવ ખાલી ટ્રે શોધવા માંડ્યા. પાવલોના આદેશની રાહ જોયા વગર ટ્રે માટે આજુબાજુ નજર દોડાવવા લાગ્યા.

મેસ રોજ જેવી હતી----દરવાજામાંથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો, ટેબલ ઉપર સૂરજમુખીના બીયાંની જેમ કેદીઓ ખીચોખીચ બેઠા હતા, બાકીના જગ્યા શોધવા માટે આમતેમ આંટા મારતા હતા, કે પછી એમની ભરેલી ટ્રેને બચાવતા-બચાવતા એમની ટુકડી પાસે જતા હતા. આટલાં વર્ષો પછી શુખવ આ બધાથી ટેવાઈ ગયા હતા, એટલે આ હડબડાટમાં પણ એમની ચબરાક નજર એસ-૨૦૮ની ટ્રે ઉપર પડી, જેમાં માત્ર પાંચ વાટકાઓ હતા. એટલે આ એ ટુકડી છેલ્લા વાટકાઓ હતા, નહીં તો ટ્રે વાટકાઓથી ભરેલી હોય.

શુખવ એમની પાસે ગયા અને એમની પાછળ જઈને ધીરેથી કાનમાં કહ્યું, “હું ટ્રે લેવા આવું છું, દોસ્ત. હું તારી પાછળ જ છું.”

“પણ પેલો બારી પાસે ઊભો છે એને મારે આપવાની છે, મેં એને કહ્યું છે......”

“એ ગયો તેલ લેવા---એણે એની આંખો ખુલ્લી રાખવી જોઈએને.”

અને નક્કી થઈ ગયું.

એસ-૨૦૮ એના ટેબલ ઉપર જઈને ટ્રે ખાલી કરી અને શુખવે તરત પકડી લીધી. પેલો, જે રાહ જોઈને બારી પાસે ઊભો હતો, એ દોડતો આવ્યો અને ટ્રેને બીજી બાજુથી પકડીને ખેંચવા માંડ્યો. શુખવ કરતાં એ નબળો હતો, અને જેવી એણે ખેંચવા માંડી, એવો શુખવે ટ્રેને એની બાજુ ધકેલી. એટલે એ પાછળ ધકેલાયો અને પડ્યો, અને ટ્રે એના હાથમાંથી છૂટી ગઈ. શુખવ ટ્રેને બગલમાં દબાવીને પીરસવાની બારી ઉપર પહોંચી ગયા. ત્યાં લાઇનમાં ઊભેલો પાવલો આતુરતાથી ટ્રેની રાહ જોઈ રહ્યા હતાં. શુખવને જોયો અને ખુશીથી બૂમ પાડી ઉઠ્યો, “ઇવાનદિનીશવીચ!” અને ટુકડી ૨૭ના ફોરમૅનને આઘો કરતા કહ્યું, “મને આગળ જવા દે! તું તો ખાલી ઊભો જ છે, મારી પાસે ટ્રેઓ આવી ગઈ છે!”

ગોપ્ચિક, એ ગુંડો, પણ બીજી ટ્રે લઈને આવી પહોંચ્યો હતો.

એ હસતાંહસતાં બોલ્યો, “એ લોકોની નજર સહેજ હટી ને મેં ટ્રે ઉપાડી લીધી!”

ગોપ્ચિકમાં એક કામયાબ કેદીનાં લક્ષણો હતાં. એને થોડો મોટો થવા દો, બે-ત્રણ વરસ જવા દો, પછી જુવો એનું નસીબ કેવું ખીલે છે! એને બ્રેડ કાપનારનું કામ તો મળશે જ મળશે.

પાવલોએ બીજી ટ્રે પેલા ખડતલ સાઈબેરીયન, યેર્મલ્યેફને પકડાવી (જે પૂર્વ યુદ્ધ-કેદી હતો અને દસ વરસની સજા ભોગવી રહ્યો હતો) અને ગોપ્ચિકને જમવાનું પૂરું થવા આવ્યું હોય એવું ટેબલ શોધવા મોકલ્યો. શુખવ એમની ટ્રેનો એક ખૂણો પીરસવાની બારી ઉપર મૂકીને ઊભા રહ્યા.

“૧૦૪!”, પાવલો એ બારીમાં જાહેર કર્યું.

કુલ પાંચ બારીઓ હતી: ત્રણ બારીઓ સદા કેદીઓ માટે હતી. એક બારી ખાસ આહારની હતી, જેમાંથી પેટની ચાંદી વાળાનું ખાવાનું અપાતું, (જે ડઝનથી વધારે નહીં હોય,) બાકી મુનીમોને એમાંથી પીરસતું અને એ લોકો આ ‘ખાસ આહાર’નો લાભ મેળવતા હતા. અને એક બારી એંઠા વાટકાઓ મૂકવાની હતી. (જેની પાસે હંમેશા ભીડ રહેતી અને એંઠા વાટકાઓ ચાટવા માટે એ ભીડમાં કાયમ મારંમારી થતી.) બારીની પાળીઓ લગભગ કમર જેટલી ઊંચી હતી. અને એ બારીઓમાંથી રસોઇયાના માત્ર હાથ અને એમાં પકડેલો કડછો જ દેખાતા, બાકી કશું જ નહોતું દેખાતું.

આ રસોઇયાના જાળવેલા, ઊજળા હાથ હતા, સાથે એ રુંવાંટીવાળા અને ખડતલ પણ હતા. મુક્કાબાજના હાથ હતા, રસોઇયાના નહીં. એણે અંદર, દીવાલ ઉપર લટકાવેલી યાદીમાં પેન્સિલથી કંઈ નિશાન કર્યું.

“૧૦૪---૨૪!”

ઓહો! એટલે પંતલીએફ મેસમાં આવી પહોંચ્યો હતો. અને એ હરામખોર માંદો ન હતો!

રસોઇયાએ મોટો, ત્રણ લિટરનો કડછો લીધો, સૂપ ભરેલી ડોલમાં નાખીને સૂપને થોડો હલાવ્યો. (હમણાં જ અંદર બીજો સૂપ ઠલવાયો હતો એટલે ડોલ લગભગ છલોછલ ભરેલી હતી અને સૂપ પણ ગરમ હતો, એમાંથી વરાળ નીકળતી હતી.) પછી નાનો, સાતસો ને પચાસ ગ્રામનો કડછો લઈ, બહુ અંદર સુધી નાખ્યા વગર, વાટકાઓ ભરવા માંડ્યો.

“એક, બે, ત્રણ, ચાર.....”

શાક અને માંસ નીચે બેસી જતાં પહેલાં કયા વાટકાઓ ભરાયા હતા, અને કયા વાટકાઓમાં પાણી જેવો પાતળો સૂપ હશે, એ શુખવે જોઈને નોંધી લીધું. પછી દસ વાટકાઓ ટ્રેમાં ગોઠવી, ટ્રે લઈને એ ત્યાંથી નીકળી ગયા. થાંભલાઓની બીજી હરોળ પાસે ઊભો-ઊભો ગોપ્ચિક એમને બોલાવી રહ્યો હતો.

“અહીં, ઇવાનદિનીશવીચ! અહીં જગ્યા રાખી છે!”

વાટકાઓ ભરેલી ટ્રે લઈને જવું સહેલું લાગે, પણ એ અઘરું કામ હતું. ટ્રેને સહેજે આંચકો ના આવે એમ શુખવ ટોળા વચ્ચેથી રસ્તો કાઢતા-કાઢતા ગોપ્ચિક અને પેલા ટેબલ તરફ જતા હતા. રસ્તો કાઢવાનું કામ એમણે એમના હાથને નહીં, પણ એમના અવાજને સોંપેલું.

“એ તું, કે-૯૨૦! જોજે, દોસ્ત!.........રસ્તામાંથી ખસ, બકા!”

છલકાય નહીં એમ એક વાટકો પણ આ ટોળામાંથી કાઢવો અઘરો પડે, અને શુખવ પાસે તો દસ વાટકાઓ હતા. તો પણ જ્યારે એમણે ગોપ્ચિકએ મુક્ત કરેલા ટેબલ ઉપર ધીમેથી ટ્રે મૂકી ત્યારે એ ટ્રેમાં કોઈ તાજા છલકાયેલા સૂપના ડાઘા ન હતા. શાક અને માંસ વાળા ઘટ સૂપના વાટકાઓ એમની તરફ રહે, એવી રીતે સિફતથી એમણે ટ્રે ટેબલ ઉપર મૂકી દીધી.

યેર્મલ્યેફ બીજા દસ વાટકાઓ ભરેલી ટ્રે લઈને આવ્યો, પાછળ ગોપ્ચિક અને પાવલો છેલ્લા ચાર વાટકાઓ હાથમાં લઈને આવી પહોંચ્યા. અને બધા માટે ટ્રેમાં બ્રેડ લઈને કિલ્ડીગ્સ આવ્યો. આજે ખાવાનું કામ કર્યા પ્રમાણે મળવાનું હતું----કોઈક બસો ગ્રામ કમાયા હતા, અને કોઈક ત્રણસો. આજે શુખવ ચારસો ગ્રામ કમાયા હતા. શુખવે એમના ભાગની બ્રેડ તરત લઈ લીધી, પોતે કમાયેલા ચારસો ગ્રામ, જે ખાસ્સો એવો મોટો ટુકડો હતો, અને એમને મળેલું સેઝેરનું બસો ગ્રામનું રાશન. એ પણ એમણે જોઈને પાઉંની વચ્ચેથી જ લીધું.

મેસમાં ફેલાયલા એમની ટુકડીના કેદીઓ પોતપોતાનું ખવાનું લેવા આવવા માંડ્યા અને જે જગ્યા, જેવી જગ્યા મળી, ત્યાં બેસીને ખાવા માંડ્યા. શુખવ બધાને સૂપના વાટકાઓ આપતા હતા. જે લઈ જાય એની મનમાં નોંધ કરી લેતા, સાથેસાથે જ્યાં એમના વાટકાઓ મૂક્યા હતા એ ટ્રેના ખૂણા ઉપર બરાબર નજર રાખતા હતા. એક ઘટ સૂપ વાળા વાટકામાં એમણે એમની ચમચી મૂકી દીધી હતી, એટલે એક વાટકો તો થોડોઘણો સલામત રહે. વાટકો લઈ જવામાં ફ્તીકોફ પહેલો હતો. એ વાટકો લઈને જતો રહ્યો, કારણ કે એ જાણતો હતો કે એની ટુકડીમાંથી કોઈ પાસેથી એને કશું મળશે નહીં. મેસમાં બીજે કશે કદાચ એનું નસીબ ચાલી જાય. કોઈક એના વાટકા પાસેથી સહેજ આઘોપાછો થાય, તો એ મળી જાય. (ખાલી કર્યા વગર જો કોઈ વાટકો મૂકે તો એ વાટકા ઉપર શિકારી પરિંદાઓની જેમ આજુબાજુ ઊભેલા બધા તૂટી પડે.)

શુખવ અને પાવલો એ આવેલા બ્રેડના ટુકડાઓનું વજન ચકાસી જોયુ. બરાબર લાગ્યું. આંદ્રીયે પ્રકોફવીચ માટે શુખવે પાવલોને ઘટમાં ઘટ સૂપનો વાટકો આપ્યો અને પાવલોએ એને એક સાંકડા જર્મન થર્મસમાં રેડી દીધો. એ પછી કોટની અંદર છાતીને વળગાડીને લઈ જશે.

એમની ટ્રેઓ સોંપાઈ ગઈ એટલે હવે પાવલો એમનો બમણો હિસ્સો અને શુખવ એમના બે વાટકાઓ લઈને બેઠા. હવે કોઈ વાત નહીં, કોઈ ચીત નહીં. મુબારક ઘડી આવી ગઈ હતી!

શુખવે એમની ટોપી કાઢીને ઢીંચણ પર મૂકી. પછી ચમચી લઈને વારાફરતી બંને વાટકાઓ ચકાસયા. સૂપ ઠીક-ઠીક હતો, એમાં થોડા માછલીઓના ટુકડા પણ દેખાયા. સાંજનો સૂપ થોડો પાતળો જ બનાવતા. સવારે તો કેદીઓએ કામ કરવા જવાનું હોય, એટલે એને સરખો ખોરાક આપવો પડે. સાંજે તો એ સૂવાનો જ હોય, ભૂખ્યો હોય તો પણ એ તો સૂઈ જવાનો. અને રાતોરાત કંઈ ઊકલી નહોતો જવાનો!

શુખવે ખાવાનું શરૂ કર્યું. પહેલાં ચમચી-ચમચીએ પ્રવાહી સૂપ પીવા માંડ્યા. ગરમાવો શરીરમાં પ્રસર્યો એટલે સારું લાગ્યું. ગરમગરમ સૂપને એમના શરીરે વધાવી લીધો. આ ક્ષણ અનમોલ હતી, આજ ક્ષણ, આવી જ ક્ષણો, કેદીઓમાં જીવવાની ઈચ્છા જાગૃત રાખતી હતી. થોડી વાર માટે શુખવ એમની બધી ફરિયાદો, એમને થયેલા બધા અન્યાયઓને ભૂલી ગયા. એ ભૂલી ગયા કે એમની સજા લાંબી હતી, અને આજનો દિવસ પણ લાંબો હતો, અને આ રવિવારે રજાની પણ આશા ન હતી. આ ક્ષણે એમના મનમાં એકજ વિચાર હતો: આપણે આટલે તો પહોંચી ગયા. ભગવાનની દયા હશે તો આમાંથી પણ ઉગરી જઈશું, અને આનો અંત જોઈશું.

બંને વાટકાઓમાંથી પ્રવાહી પીવાઈ ગયું, અને એક વાટકામાં જે વધેલું એ શુખવે બીજા વાટકામાં ઠાલવી દીધું. બધું ચમચીથી બરાબર ઘસીઘસીને લઈ લીધું. હવે થોડી શાંતિ, બીજા વાટકાનું ધ્યાન નહીં રાખવું પડે, એમની આંખથી, એમના હાથથી એની ચોકી નહીં કરવી પડે.

એમની આંખ નવરી પડી એટલે આજુબાજુના કેદીઓના વાટકાઓ તરફ વળી. એમની ડાબી બાજુ બેઠેલા કેદીના વાટકામાં સૂપના નામે નકરું પાણીજ હતું. કૂતરાઓ! સહ-કેદીઓને પણ આવું કરે....

હવે શુખવ નીચેનો ઘટ સૂપ પી રહ્યા હતા, એમાં કોબીચનો ટુકડો હતો, જેની એ મજા માણી રહ્યા હતા. સેઝેરના વાટકામાં તો આજે બટાકાનો ટુકડો પણ હતો. બહુ મોટો ન હતો, અને ઠારને લીધે એનો જે ભાગ કડક થઈ ગયો હતો એ રંધાયા પછી પણ કડક જ રહ્યો હતો, તોય થોડી મીઠાશવાળો બટકાનો એક ટુકડો આજે સૂપમાં હતો. સૂપમાં માછલીઓ તો દેખાતી ન હતી, પણ માંસ વગરના એના કરોડરજ્જુઓ વચ્ચે-વચ્ચે દેખાઈ જતા. અને જે ખાવાનું મળે એને વેડફી નાજ નખાય, એટલે માછલીઓનું નાનામાં નાનું હાડકું, એની દરેકેદરેક ફીન બરાબર ચાવવાની, અને એનો પૂરેપૂરો રસ ચૂસીને જ છોડવાનું. વળી એ રસ તમારે માટે ગુણકારી પણ ખરો. ખાતાં વાર તો લાગવાની, પણ શુખવને કોઈ ઉતાવળ ન હતી. આજનો દિવસ તો એમને માટે રજાના દિવસ જેવો મજાનો દિવસ હતો: એમને સવારે અને સાંજે, બંને સમયે બે-બે વાટકાઓ સૂપના મળેલા. એટલે આજે તો ખાવાનું પત્યા પછી જ બીજું બધું.

જોકે પેલા લાટવિયન પાસે તમાકુ લેવા જવું જોઈએ, સવાર સુધીમાં તો કદાચ એનું તમાકુ પતી જશે.

શુખવ ખાવાનું બ્રેડ વગર જ ખાતા હતા: બે સૂપના વાટકાઓ ઉપર બ્રેડ ખાવી, થોડું વધારે પડતું થાય. કાલે આ બ્રેડ કામમાં આવશે. પેટ સાલું હરામખોર હોય છે. આજે કરેલા અહેસાનો ભૂલી જશે અને કાલે બીજું માંગશે. આજે શુખવને આજુબાજુ બેઠેલા કેદીઓમાં કોઈ ઝાઝો રસ ન હતો. આજે એ સંતુષ્ટ હતા, આજે એમને કાયદેસરના બે વાટકા સૂપ મળેલા, એટલે કશું મેળવવાની કોઈ ઝંખના ન હતી. તો પણ એમનું ધ્યાન એક ઊંચા, વયોવૃદ્ધ કેદી, યુ-૮૧ ઉપર પડ્યું. એમની સામે જગ્યા ખાલી થઈ ત્યાં એ આવીને બેઠો. શુખવ જાણતા હતા કે એ ટુકડી ૬૪માં હતા, અને પાર્સલ રૂમમાં લાઇનમાં ઊભા-ઊભા એમને ખબર પડી હતી કે ટુકડી ૧૦૪ને બદલે શુસ્કરદોખમાં ટુકડી ૬૪ને મોકલી હતી. અને એ ટુકડીએ કોઈ હૂંફાળી જગ્યા વગર આખો દિવસ તારની વાડ નાખવામાં કાઢ્યો હતો, પોતેજ પોતાને માટે વાડ બનાવી હતી.

શુખવે સાંભળેલું હતું કે સોવિયત યુનિયન સ્થપાયું ત્યારથી આ વૃદ્ધ કેદી જેલમાં જ છે. એક સજા પૂરી થાય કે તરત એને બીજી સજા મળતી. અને એક પણ સર્વક્ષમાનો એને લાભ નહોતો મળ્યો. શુખવને આજે એને બરાબર જોવાની તક મળી. એની આજુબાજુ બધાની કમરો થાકીને વળેલી હતી, પણ એ સીધો બેઠેલો, એકદમ ટટ્ટાર અને સીધો, જાણે એ બેસવા માટે બાંકડા ઉપર કશુંક મૂકીને બેઠો હોય. એના માથાને વર્ષોથી હજામની જરૂર નહોતી પડી. આ એશોઆરામમાં એના બધા વાળ જતા રહ્યા હતા. એની આંખો સ્થિર હતી, એમને મેસની પ્રવૃત્તિમાં કોઈ રસ ન હતો. એ તો સ્થિર થઈને શુખવના માથા ઉપર શૂન્યમાં કંઈક જોઈ રહી હતી. એ સતત એનો સૂપ પી રહ્યો હતો, પણ બીજાની જેમ એ વાટકામાં મોઢું નહોતો નાખતો, પણ વાટકો નીચે રાખી વપરાશને લીધે ઘસાઈ ગયેલી પોતાની ચમચીને મોઢાં સુધી લઈ જતો. ઉપરના અને નીચેના, બધા દાંત પડી ગયા હતા, મોઢાંમાં એક પણ દાંત ન હતો, પણ એના દાંત વગરના જડબા બ્રેડને બરાબર ચાવી લેતાં. એના મોઢાં ઉપર સહેજે ચરબી ન હતી, અને જડબાં બેસી ગયાં હતાં, પણ એ મોઢું હારેલા, હતાશ માણસનું ન હતું, એ તો કાળા પથ્થરમાંથી ટન્કારેલું હોય એવું લાગતું. એના મોટા, કાળા, બરછટ હાથ જોઈને જ જાણી જવાય કે આટલાં વર્ષોમાં સારું કામ મેળવવા એણે ક્યારે કોઈની ખુશામત નહીં કરી હોય. તો પણ એણે હાર સ્વીકારી ન હતી, બીજાની જેમ એ એના ત્રણસો ગ્રામ ગંદા, ડાઘાવાળા ટેબલ ઉપર ક્યારે નોતો મૂકતો, એ એક સ્વચ્છ કપડાના ટુકડામાં બ્રેડ મૂકતો અને એ કપડાનો ટુકડો રોજ ધોતો.

પણ શુખવ પાસે એને જોયા કરવાનો સમય ન હતો. એમણે એમની ચમચી ચાટીને પાછી બૂટમાં મૂકી દીધી, ટોપી માથામાં ઠોસીને ઊભા થયા. પોતાના ભાગની અને સેઝેરના ભાગની બ્રેડ લીધી અને ત્યાંથી નીકળી ગયા. બહાર જવા માટે પાછળથી જવાનું હતું, જ્યાં બે ચોકિયાતો ઊભા હતા, તમારે જવું હોય ત્યારે એ આંકડી ખોલે અને તમે નીકળી જાવ એટલે એને પછી વાસી દે, આટલા કામ માટે બે ચોકિયાતો!

આજે શુખવનું પેટ ભરેલું હતું એટલે એમનું મન પણ શાંત હતું. દીવા-બત્તી બંધ થવામાં બહું વાર નહોતી, પણ એ બંધ થાય એ પહેલાં શુખવે પેલા લાટવિયન પાસે જવાનો વિચાર કર્યો. એટલે બરાક ૯માં બ્રેડ મૂકવાનું ટાળીને સીધા બરાક ૭ તરફ ગયા.

ચંદ્ર આકાશમાં ઊંચો ચઢી ગયો હતો, વાદળ વગરના શ્યામ આકાશમાં જાણે કોઈકે ગોળ કાણું પાડી દીધું હોય એવું લાગતું હતું. આભમાં બેચાર તેજસ્વી તારાઓ પણ દેખાતા હતા, પણ શુખવની નજર આકાશ તરફ ક્યાંથી જાય, આ ઠારે એમને ચિંતામાં મૂકી દીધા હતા, એ હળવો થવાનું નામ જ નહોતું લેતું. કોઈકે સ્વાધીન મજૂરો પાસેથી સાંભળ્યું હતું કે રાતે તાપમાન -૩૦ થશે અને સવાર સુધીમાં તો -૪૦ થઈ જશે. સ્વાધીન મજૂરોએ આ સૂચના રેડિયો ઉપર સાંભળી હતી.

આજુબાજુના અવાજો સ્પષ્ટ સંભળાતા હતા. વસાહતમાં ટ્રૅક્ટર ફરતું હતું એનો અવાજ, હાઇવે તરફથી એક્સકેવેટરનો કર્કશ અવાજ, અને છાવણીમાં ફરતી, દોડતી, ચાલતી દરેક બૂટની જોડીનો કચડ-કચડ અવાજ.

પવન સાવ પડી ગયો હતો.

પહેલા લીધેલું એ જ કિંમતે એ ઘરે ઉગાડેલું તમાકુ લેવાનું હતું---એક રૂબલમાં એક ટમ્બલર. બહાર આટલા તમાકુની કિંમત ત્રણ રૂબલ તો થાયજ. અને સારી ગુણવત્તા વાળું તમાકુ એનાથી પણ વધારે કિંમતમાં વેચાય. પણ છાવણીમાં બહાર કરતા જુદો વ્યવહાર ચાલતો. અહીં કેદીઓને રોકડા પૈસા રાખવાની છૂટ ન હતી, એટલે થોડા પૈસામાં વધુ મળતું. આ છાવણીમાં પૈસાથી પગાર નહોતો ચૂકવતો. (ઉસ્ત-ઇશમામાં શુખવ મહિને ત્રીસ રૂબલ કમાતા----વધારે તો ના જ કહેવાય, પણ ત્યાં કંઈક તો મળતું હતું.) અહીં જો કોઈના ઘરેથી પૈસા આવે તો એ એને હાથમાં ના મળે. એ એના ખાતામાં જમા થાય, જેમાંથી એ છાવણીની દુકાનમાંથી, મહિનામાં એક વાર નાહવાનો સાબુ, ઉબાઈ ગયેલી જીંજરબ્રેડ કે પછી પ્રીમા સિગારેટ ખરીદી શકે. અને તમે એક વાર કમાન્ડન્ટને જોઈતી વસ્તુઓની જાણ કરો એટલે તમને એ ગમે કે ના ગમે, તમારે એ લેવીજ પડે. અને જો તમે એ ના લો તો પણ તમારા ખાતામાંથી એના પૈસા કપાઈ જાય, એ તમારા હાથમાં ના આવે.

શુખવ ખાનગીમાં કામ કરીને પૈસા કમાતા હતા: બે રૂબલમાં ગ્રાહકે આપેલા કાપડના કટકાઓ અને ચીંથરાંઓમાંથી ચંપલ બનાવી દે, અને ભાવ નક્કી કરીને જૅકેટ ને થીંગડું પણ મારી આપે.

બરાક ૯નું બે મોટા ભાગમાં વિભાજન કરાયું હતું, પણ બરાક ૭માં એવું ન હતું. બરાક ૭માં દસ ઓરડાઓ હતા, જેના બારણાંઓ એક લાંબી પરસાળમાં ખૂલતા હતા. દરેક ઓરડામાં બે માળખાંવાળા સાત સૂવાના પાટિયાંઓ ઠોસેલાં હતાં. એક ટુકડીનો એક ઓરડો હતો. મળમૂત્રનું પીપડું સહેજ ઊંચે મૂકેલું હતું. એની નીચે કોલા જેવો એક ઓરડો હતો. એવો જ બીજો ઓરડો બરાકના વહીવટદાર માટે હતો. ચિત્રકારોને પણ એવા કોલા જેવાં ઓરડાઓ મળેલા. શુખવ પેલા લાટવિયનના ઓરડામાં ગયા. ટેકા ઉપર પગ મૂકીને એ નીચેના પાટિયા ઉપર સૂતેલો, અને એના પડોશી સાથે લાટવિયનમાં વાતો કરતો હતો. શુખવ એની પાસે જઈ ધીરેથી અસ્પષ્ટ અવાજે ‘કેમ છે’ કહીને પાટિયા ઉપર બેસી ગયા. લાટવિયનએ પગ નીચે મૂક્યા વગર સૂતે-સૂતે એજ રીતે સામો જવાબ આપ્યો. ઓરડો નાનો હતો અને બધા કોણ આવ્યું અને કેમ આવ્યું જાણવા માટે ચુપ થઈને શુખવને જોવા માંડ્યા. બંને સમજીને આડીઅવળી વાતો કરવા માંડ્યા. શું ચાલે છે? બસ સારું છે. આજે ઠંડી વધારે છે, નહીં? હા, આજે ઠંડી છે. કોરીયન યુદ્ધની વાત ચાલી રહી હતી, ચીન જોડાયું છે તો હવે વિશ્વયુદ્ધ થશે કે નહીં એની ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા ફરી શરૂ થઈ એટલે શુખવે મોઢું લાટવિયન તરફ કરીને પૂછ્યું:

“ઘરે ઉગાડેલી તમાકુ છે?”

“હા.”

“મને દેખાડ.”

લાટવિયનના પગ ટેકા ઉપરથી નીચે આવ્યા અને એ ઊભા થયા. આ લાટવિયન મહા કંજૂસ હતો. ટમ્બલરમાં સહેજ પણ વધારે તમાકુ ના ભરે, એક સિગારેટ બને એટલું પણ વધારાનું ના આપે.

લાટવિયનએ શુખવને તમાકુની કોથળી બતાવીને એનો ચાપડો ખોલ્યો.

શુખવે એમાંથી એક ચપટી હાથમાં લીધી. ગઈ ફેરી જેવું જ હતું, એવા જ ઘેરા કથ્થઈ રંગના પાંદડાં હતાં. નાક પાસે લઈ જઈને સૂંઘી જોયું---હા ગઈ ફેરી જેવું જ હતું. પણ લાટવિયનને એમણે કહ્યું, “ગઈ ફેરી જેવું નથી લાગતું.”

લાટવિયન ચિઢાઈને બોલ્યો, “આ એવું તો છે! મારું હંમેશા આવું જ તો હોય છે. ક્યારેય ફરક નથી પડતો.”

“સારું! સારું!” શુખવે જવાબ આપ્યો, “મને બરાબર ટમ્બલર ભરીને આપ. હું એમાંથી કશ લઈને જોઈ જોઉં કેવું છે. પછી કદાચ બે ટમ્બલર પણ લઉં.”

બરાબર ભરવાનું કહ્યું, કારણ કે એ લાટવિયન ટમ્બલર હંમેશા પોલું-પોલું ભરતો.

તકિયા નીચેથી એ લાટવિયને બીજી, ભરેલી કોથળી કાઢી અને એના કબાટમાંથી ટમ્બલર કાઢ્યું. ટમ્બલર પ્લસ્ટિકનું હતું, પણ શુખવે એનું માપ કાઢેલું અને એ કાચના ટમ્બલર બરાબર હતું.

લાટવિયન એમાં તમાકુ ભરવા માંડ્યો.

પોતાની આગલી ટમ્બલરમાં નાખીને તમાકુ દબાવતાં શુખવ બોલ્યા, “અરે થોડું દબાવીને તો ભર!”

“તારી મદદની જરૂર નથી!” ટમ્બલરને ગુસ્સામાં ખેંચીને તે બોલ્યો, પછી થોડા પોલા હાથે જાતે તમાકુ દબાવવા માંડ્યા અને થોડું બીજું તમાકુ ઉમેર્યું.

શુખવે એમના જર્કીન ખોલીને અસ્તર ખંખોળિયુ, એમાં સંતાડેલો કાગળનો ટુકડો શોધતા હતા. તપાસમાં ના પકડાય એવી રીતે સંતાડેલો આ ટુકડો એમની આંગળીઓએ શોધી કાઢ્યો. અસ્તરમાં બીજી બાજુ એક કાણું કર્યું હતું જેને એમણે બે મોટા ટાંકા લઈને સીવી દીધું હતું. અસ્તરમાં રહેલા એ ટુકડાને બે હાથની મદદથી ધીરેધીરે એ પેલા કાણા સુધી લઈ આવ્યા. પછી નખથી ટાંકા ખોલીને કાગળને વાળ્યો, આમ તો વાળીને એની લાંબી પટ્ટી કરીનેજ મૂકેલો, પણ એને ફરી એક વાર વાળીને ધીરેથી બહાર કાઢ્યો. એ બે રૂબલની નોટ હતી, વપરાયેલી નોટ, નવા જેવી કડકડતી, કડક નહીં. ઓરડામાં કોઈક બૂમો પાડીને બોલતું હતું, “એ મુછ્છડ તને જવા જ નહીં દે ને! પોતાના ભાઈ ઉપર વિશ્વાસ નથી, તો તારા જેવાં ડોબા ઉપર ક્યાંથી કરશે?”

સખ્ત કેદની છાવણીઓની એક વાત સારી હતી, તમે કોઈની પણ વિરુધ્ધમાં, જે પણ કહેવું હોય તે છૂટથી કહી શકો. ઉસ્ત-ઇશમામાં તો તમે કોઈના કાનમાં એવું કહો કે બહાર દીવાસળીઓ નથી મળતી, તો પણ તમને બીજાં દસ વરસની સજા ઠોકી દે. અહીં તો તમે છાપરે ચઢીને બૂમો પાડો તો પણ તમારી વિરુધ્ધ કોઈ ફરિયાદ ના થાય. તમે શું કહો છો, શું બોલો છો એની ચોકિયાતોને પડી જ ન હતી.

પણ શુખવને વાતો કર્યા કરવાનો સમય ન હતો.

ફરિયાદ કરતાં એ બોલ્યા, “કેટલું ખાલી રાખ્યું છે!”

“આ લે! બસ!” ચપટી તમાકુ વધારે નાખતા લાટવિયન બોલ્યા.

શુખવે અંદરના ખિસ્સામાંથી કોથળી કાઢીને ટમ્બલરમાંથી એમાં તમાકુ ઠાલવી દીધું.

“સારું, બીજું ટમ્બલર ભરી દે.” પહેલી સિગારેટને તો પૂરેપૂરી માણવી પડે ને, ઉતાવળે ના પીવાય.

બીજું ટમ્બલર ભરાયું; એમાં પણ થોડી કચકચ કરીને ચપટી બે ચપટી વધારાનું તમાકુ નખાવ્યું. પછી બે રૂબલની નોટ આપી, માથું ધુણાવીને લાટવિયનની વિદાય લીધી અને ત્યાંથી નીકળી ગયા.

બરાક પહોંચવાની ઉતાવળ હતી. સેઝેર પાર્સલ લઈને આવે ત્યારે શુખવ હાજર હોય તો ફેર પડે. એ સીધા બરાકમાં ગયા.

પણ સેઝેર એમના પહેલાં પહોંચી ગયા હતા. પોતાના નીચેનાં પાટિયા ઉપર બેસીને નજારો માણી રહ્યા હતા. આવેલું બધું પાથરી દીધું હતું, થોડું કબાટમાં અને બાકીનું પથારીમાં. એ ભાગમાં અંધારું રહેતું, કારણ કે ત્યાં શુખવના ઉપરના પાટિયાનો પડછાયો પડતો હતો.

શુખવે નીચા નમીને સેઝેર અને કૅપ્ટનના પાટિયાંઓ વચ્ચેથી હાથ લંબાવ્યો:

“સેઝેર મર્કોવીચ! તમારી બ્રેડ!”

“આહા! તને મળ્યું!” એવું ના કહ્યું. એવું કહેવાનો અર્થ તો ‘લાઇનમાં જગ્યા રાખવા માટે મને આમાંથી ભાગ આપો’, થાય. ભાગ મેળવવાનો એમનો હક્ક હતો, એ બરાબર, પણ આઠ વરસ પછી પણ એ પરોપજીવી ન હતા, ભિખારી ન હતા. અને વખત પસાર થતાં એમનો એ નિશ્ચય વધારેને વધારે દૃઢ થતો જતો હતો.

પણ એમની આંખો---એ તો એક રીઢા કેદીની બાજ આંખો હતી. કબાટમાં અને પાટિયા ઉપર પથરાયેલી વસ્તુઓ ઉપર ઝડપથી ફરી ગઈ. હજી થોડાં પડીકાંઓ અકબંધ હતાં, થોડી થેલીઓ પણ ખોલવાની બાકી હતી, પણ એમની ચપળ આંખો અને તીવ્ર નાકે શુખવને જાણ કરી દીધી કે પાર્સલમાં સોસેજ, કનડેન્સ મિલ્ક, એક મોટી શેકેલી માછલી, માંસ, સરસ સોડમવાળાં બિસ્કિટ, કેક, જેની સોડમ થોડી જુદી હતી, પણ સરસ તો હતી જ, ઓછામાં ઓછી બે કિલો ખાંડ, અને કદાચ માખણ પણ આવ્યું હશે. આ ઉપરાંત સિગારેટ અને પાઇપમાં પીવાનું તમાકુ જેવું બીજું બધું પણ હતું.

આ બધી માહિતી શુખવે “તમારી બ્રેડ! સેઝેર મર્કોવીચ!” કહેતાં-કહેતાંમાં મેળવી લીધી.

સેઝેરની આંખો બાવરી હતી, માથાના વાળ વિખરાયેલા હતા. એને હરખનો નશો ચઢ્યો હતો. (જેના પાર્સલમાં ખાવાની વસ્તુઓ આવતી એની આવી જ હાલત થતી.) બ્રેડને સેઝેરે તરછોડી:

“તું રાખ, ઇવાન દિનીશવીચ!”

પહેલા સૂપ અને હવે બસો ગ્રામ બ્રેડ! પૂરું જમવાનું થયું. લાઇનમાં ઊભા રહેવાનું પૂરેપૂરું મહેનતાણું મળી ગયું.

શુખવને હવે પાર્સલની ઇચ્છનીય વસ્તુઓમાંથી કશું મળવાની આશા ના રહી. અને કશું આવવાનું ના હોય તો પેટને શા માટે ઉશ્કેરવાનું?

આજે એમને ચારસો ગ્રામ બ્રેડ મળી હતી, હવે આ બીજી બસો ગ્રામ અને ગાદલામાં સંતાડેલી તો ખરીજ. એ પણ બસો ગ્રામ તો હશે જ. ઓહો! ઘણી બ્રેડ થઈ! અત્યારે બસો ગ્રામ ખાઈ લે અને સવારે બીજી પાંચસોને પચાસ ગ્રામ ખાય, તો પણ કાલે કામ ઉપર ચારસો ગ્રામ બ્રેડ લઈ જઈ શકશે. મઝા-મઝા થઈ ગઈ! ગાદલામાં મૂકેલી બ્રેડ હમણાં ત્યાંજ રેહવા દેવાશે. સારું છે બ્રેડ મૂકેલું કાણું સમયસર સીવી નાખ્યું હતું. ટુકડી ૭૫ના કોઈક કેદીના કબાટમાંથી વસ્તુઓ ચોરાઈ હતી. (સુપ્રીમ સોવિયતને તપાસ કરવાનું કહો ને!)

લોકોની માન્યતા હતી કે પાર્સલ મળતાંની સાથે એ માણસમાં કંજૂસાઈ તો આવે જ, એટલે એની પાસેથી તમે જેટલું કઢાવી શકો એટલું તમારું. પણ તમે થોડો વિચાર કરો તો પાર્સલ આવતાંની સાથે જ એ વહેંચાવવા માંડે, એટલે ઘણી વાર એ નસીબદાર લોકો પણ બે પાર્સલની વચ્ચે એક વાટકો સૂપ કમાવા માટે પ્રયત્નો કરતા હોય છે. કે પછી સિગારેટનાં ઠૂંઠા માટે કોઈની ખુશામદ કરતા હોય છે. વૉર્ડરને આપવાનું, તમારી ટુકડીના ફોરમૅનને પણ આપવું પડે, અને પાર્સલ રૂમમાં કામ કરતા પેલા હજુરિયાને તો ના જ ભુલાય. ભૂલી જાવ તો તમારું બીજી વાર પાર્સલ આવે એ ગુમ થઈ જાય, અને છેક અઠવાડિયા પછી જ તમારું નામ યાદીમાં આવે. પાર્સલમાં આવેલું બધું ખાવાનું કોઠારમાં મૂકવા આપવું પડે, સેઝેર પણ કાલ સવારની પરેડ પહેલાં થેલી ભરીને ખાવાનું લઈ જશે. આવો કમાન્ડન્ટનો આદેશ તો હતો જ, પણ એમ કરવાથી ખાવાનું પણ સલામત રહેતું. ચોરોના અને બરાકની તપાસ કરતા ચોકિયાતોના હાથમાં એ નહોતું ચઢી જતું. પણ એ કોઠારના કારકુનને સાચવવો પડે, એને સારું એવું આપવું પડે, નહીં તો થોડું અહીંથી અને થોડું તૈંથી લેવા માંડે.......એ ઉંદરો આખો દિવસ બંધબારણે બેસીને બધાનું ખાવાનું સાચવતો હોય, એ શું કરે છે, કોને ખબર પડે? પછી જેણે તમારા માટે કામ કર્યું હોય એને આપવું પડે (જેમ કે શુખવે સેઝેર માટે કર્યું હતું). સ્નાનઘર વાળાને કંઈક આપો તો એ તમને થોડા સારા અને ચોખ્ખા જાંઘિયા અને ચડ્ડી કાઢી આપે. દાઢી કરાવતી વખતે તમારા ઉઘાડા ઢીંચણને બદલે કાગળના ટુકડાથી અસ્ત્રો સાફ કરવા માટે હજામના હાથમાં કંઈ મૂકવું પડે, વધારે નહીં પણ ત્રણ-ચાર સિગારેટ તો આપવી જ પડે. સી.ઈ.એસ.માં પણ કોઈક હોય જ જે તમારા પત્રો ઢગલામાં નાખવાને બદલે જુદા રાખતો હોય. જો કોઈક દિવસ તમને કામ ઉપર જવાનું મન ના હોય, છાવણીમાં રહીને આરામ કરવો હોય, તો દાક્તરને કંઈક આપીને પટાવવો પડે. એ ઉપરાંત તમારો પડોશી, એ તમારી સાથે કબાટને ટેબલ બનાવીને રોજ ખાતો હોય, જેમ કે કૅપ્ટન અને સેઝેર. એ તમારો દરેક કોળિયો જોતો હોય, એને ગણતો હોય. આ કોણ સહન કરી શકે. ભલેને એ ગમે તેટલો નફ્ફટ અને બેશરમ હોય, આની સામે તો એ ટકી ના શકે.

એવા પણ લોકો હતા જેમને બીજાની વસ્તુઓ કાયમ મોટી લાગે, વધારે સારી લાગે. એવા લોકો ઈર્ષા કરે, એનો બળાપો કરે, પણ શુખવ સમજતા હતા. એ બીજાની વસ્તુઓમાં સહેજે જીવ નહોતા રાખતા, એમનું પેટ બીજાનું ખાવાનું જોઈને ક્યારેય ગુડગુડ નહોતું કરતું.

શુખવ બૂટ કાઢી, ઉપર ચઢી, એમના પાટિયા ઉપર બેઠા અને પેલો લોખંડનો ટુકડો હાથના મોજામાંથી કાઢીને જોવા લાગ્યા. સારો લાગ્યો, એટલે બીજે દિવસે એને ઘસવાને માટે એક સારો પથ્થર શોધી કાઢવાનું નક્કી કર્યું. મોચીની સરસ અણીદાર છરી બને એવો ટુકડો હતો. ચાર દિવસ સવારના અને સાંજે એની ઉપર કામ કરશે તો એ નાનો, વાંકી ધારવાળો, સરસ અસ્ત્રો બની જશે.

પણ હમણાં એને સંતાડવાની જગ્યા શોધવી પડશે, અત્યારે જ, રાતેને રાતે, એને સંતાડી દેવો પડે. શુખવે એમની પથારીના બે પાટિયાં વચે મૂકવાનું વિચાર્યું. નીચે, કૅપ્ટનની પથારી હજી ખાલી હતી, એટલે કૅપ્ટનના મોઢાં ઉપર ધૂળ પડવાનો સવાલ ન હતો. શુખવે માથા બાજુથી લાકડાનો વેર ભરેલું, ભારેખમ ગાદલું ઊંચું કર્યું અને એ ટુકડો પાટિયાઓ વચ્ચે ગોઠવવા માંડ્યા.

એમની ઉપરના પાટિયા ઉપરથી અલયોશ્ક, ધ બેપ્ટીસ્ટ, અને સામેના પાટિયા ઉપરથી પેલા બે સ્તોનિયન ભાઈઓ એમને જોઈ શકતા હતા. પણ શુખવને ખાતરી હતી કે એમનો ભય રાખવાની જરૂર નથી.

ફ્તીકોફ બરાકમાં આવ્યો. એ રડતા હતો. કોઈની સામે જોયા વગર, માથું નીચું અને ખૂંધા ખભા રાખીને એ રડતા-રડતા બધાની વચ્ચેથી પોતાના પાટિયા ઉપર ગયો અને ગાદલામાં મોઢું નાખી દીધું. એના હોઠ લોહીવાળા હતા. વાટકાઓ ચાટવાની બાબતે ફરી માર ખાધો હશે. ઘણી વાર તમને એની દયા પણ આવે. એને પોતાનું ધ્યાન રાખતા આવડતું ન હતું. એ એની સજા પૂરી કરશે કે કેમ એ સવાલ હતો.

ત્યાં કૅપ્ટન આવી પહોંચ્યાં. એમના હાથમાં મેસનો કપ હતો જેમાં તાજી ઉકાળેલી ચા હતી. બરાકમાં ચા કહેવાય એવા પ્રવાહીની બે ડોલો હતી. ચાનો રંગ તો હતો અને ગરમ પણ ખરું, પણ સ્વાદ-------એનો સ્વાદ તો એંઠવાડ સાફ કરેલા પાણી જેવો હતો. ઉપરથી લાકડાની ડોલને લીધે એમાં કોહવાયેલા લાકડાનો સ્વાદ પણ આવતો. આ હતી મજૂરી કરતા સામાન્ય માણસો માટે ચા. વિનોસ્કીને સેઝેર પાસેથી અસલ ચા મળી હશે, એટલે એને કપમાં નાખીને ગરમ પાણી માટે સીધા બૉઇલર પાસે પહોંચ્યાં હશે. હવે એ કપ લઈને એમના કબાટ પાસે બેઠા. ખુશ હતા, સંતુષ્ટ હતા.

“ગરમ પાણી લેતા આંગળીઓ બળી!” દેખાડો કરતા એ બોલ્યા.

નીચે સેઝેર પથારીમાં કાગળ પાથરીને પાર્સલની વસ્તુઓ મૂકવા માંડ્યા. એટલે શુખવે ગાદલું પાછું પાથરી દીધું, રખેને એ જોઈને એમને કોઈ જાતની લાલચ થાય, કોઈ લોભ થાય. પણ એમના વગર ક્યાં ચાલવાનું હતું? સેઝેર ઊભા થયા, શુખવના પાટિયા પાસે મોઢું રાખી, આંખ મારીને બોલ્યા, “દિનીશવીચ! તારું દસ-દિવસયું ઓજાર ઉધાર આપ!”

એ એક નાનકડી, વાળીને રખાય એવી છરીની વાત કરતા હતા. શુખવે એને એમની પથારીમાં સંતાડીને રાખેલી હતી. વળેલી આંગળી જેટલી નાની હતી, પણ જબરું કાપતી હતી----એનાથી ચાર આંગળ જાડો માંસનો ટુકડા સહેલાઈથી કાપી શકાતો. શુખવે ઉત્તમ છરી બનાવી હતી અને મહેનત કરીને એની ધાર પણ તેજ રાખતા.

ગાદલામાંથી છરી શોધીને શુખવે સેઝેરને આપી. સેઝેર માથું ધુણાવીને પાછા અદૃષ્ય થઈ ગયા.

એ છરી સારી કમાણી કરી આપતી હતી. એની સાથે તમે પકડાવ તો દસ દિવસ કાળકોટડીના પાક્કા. નૈતિકતા ગઈ ભાડમાં! તારી છરી આપ, એનાથી મારે સોસેજીસના ટુકડા કરવા છે. અને એમ ના માનતો કે એમાંથી તને કંઈ મળશે!

શુખવે સેઝેર ઉપર વધુ એક ઉપકાર કર્યો. સેઝેર ઉપર શુખવનું ફરી દેવું ચડ્યું.

બ્રેડ અને છરીઓની વાત પતી એટલે શુખવે તમાકુની કોથળી કાઢી. સ્તોનિયન પાસેથી જેટલું તમાકુ લીધેલું બરાબર એટલી જ ચપટી લઈને આભાર માનતા એને ધર્યું.

સ્તોનિયનના હોઠ ઉપર થોડું સ્મિત દેખાયું. એના સાથીને કંઈ વાત કરી અને શુખવે આપેલું તમાકુ કેવું હતું એની ચકાસણી કરવા એમાંથી સિગારેટ બનાવીને સળગાવી.

હા, હા! જોઈ જુઓ! તમારા કરતાં ઊતરતું નથી! શુખવે પણ એક સિગારેટ બનાવીને પીધી હોત, જો એમના અંતરે એમને સાવચેત ના કર્યા હોત કે હાજરી પુરાવવાનો સમય થવા આવ્યો છે. આજ સમયે વૉર્ડરો બરાકમાં છાનામાના ત્રાટકે. સિગારેટ પીવી હોય તો એમણે જલ્દી બહાર, ઓસરીમાં જવું પડે, પણ બહાર કરતાં અહીં, એમનું ઉપરનું પાટિયુ વધારે હૂંફાળું હતું. બરાકમાં કંઈ એવો ગરમાવો ન હતો, એની છત ઉપરનો બરફ પણ સહેજે ઓછો નહોતો થયો. આજની રાત કપરી લાગવાની હતી, પણ તોય અત્યારે અહીં સહન થાય એવી ઠંડી હતી.

બધું કામ પત્યું એટલે શુખવ એમની બસો ગ્રામ બ્રેડના નાના ટુકડા કરવા માંડ્યા. નીચે સેઝેર અને કૅપ્ટન વાતો કરતા હતા. શુખવને બધું સાફ સંભળાતું હતું.

“લો, લો, કૅપ્ટન! શરમાતા નહીં! આ શેકેલી માછલી થોડી લો. આ સોસેજીસ લો!”

“હા હું લઉં છુ! થૅંક યુ!”

“આ પાઉં ઉપર માખણ લગાડીને ખા! અસલ મૉસ્કોનો પાઉં છે!”

“ઓહો! મારા માન્યામાં નથી આવતું કે કશેકને કશેક આવા પાઉં શેકાઈને તૈયાર થાય છે! આ ઓચિંતો આવેલો ભરમાર જોઈને મને એક વાત યાદ આવી. હું સેવસ્તોપલમાં હતો અને યલતા કૉન્ફરન્સ પહેલા, અમારે એક અમરિકન એડમેરલને ગામમાં ફેરવવાનો હતો. ગામમાં ખાવાની કોઈ જ વસ્તુઓ ન હતી, આખ્ખું ગામ ભૂખે મરતું હતું. એડમેરલને બતાવવા માટે એક દુકાનમાં દરેક જાતની ખાવાની વસ્તુઓ ભરી દીધી. એ દુકાન અમે પાસે આવીએ એટલે ખોલવાની હતી, એટલે ત્યાંના રહીશો દુકાન ખાલી ના કરી દે. તો પણ દુકાન ખૂલીને એક મિનિટમાં તો અડધી ભરાઈ ગઈ. લોકો બૂમો પાડી રહ્યા હતા, “જો માખણ!” “અસલ માખણ!” “અને સફેદ બ્રેડ પણ!”

બરાકના એમના ખૂણામાં બસો કર્કશ કંઠે ઘોંઘાટ કરી મૂક્યો હતો. તો પણ શુખવ એ લોખંડની પાટ ઉપર હથોડાનો રણકાર સાંભળયો. બીજા કોઈને એ ના સંભળાયો. શુખવે એ પણ જોયું કે પેલો નીચો, લાલ મોઢાં વાળો, જુવાન વૉર્ડર બરાકમાં આવ્યો. એને બધા બુચિયો કહેતા. એના હાથમાં એક કાગળ હતો. એ કાગળ અને એના હાવભાવ ઉપરથી એવું લાગતું હતું કે એ સિગારેટ પીતા કેદીઓને પકડવા નહોતો આવ્યો, કે હાજરી માટે બધાને બહાર કાઢવા પણ નહોતો આવ્યો, પણ એ કોઈ ખાસ વ્યક્તિને શોધવા આવ્યો હતો.

બુચિયાએ કાગળમાં જોઈને પૂછ્યું, “૧૦૪ કઈ છે?” “આ છે.” એને જવાબ મળ્યો. એને જોઈને બંને સ્તોનિયન એ પોતાની સિગારેટો સંતાડી દીધી અને એનો ધુમાડો હાથથી વિખેરી નાખ્યો.

“ફોરમૅન ક્યાં છે?”

પાટિયા ઉપરથી પગ લટકાવીને ત્યુરીને જવાબ આપ્યો, “શું કામ છે?”

“તારા માણસોએ લખીને ખુલાસો આપવાનો હતો. એ તૈયાર છે?”

“એ તૈયાર કરી રહ્યા છે.” ત્યુરીન વિશ્વાસપૂર્વક બોલ્યા.

“અત્યાર સુધીમાં તો એ અમારા હાથમાં હોવા જોઈએ.”

“આ માણસો લગભગ અભણ છે. આ કામ એમને માટે થોડું અઘરું છે.” (ત્યુરીન સેઝેર અને કૅપ્ટનની વાત કરી રહ્યા હતા. ત્યુરીન પણ જબરો હતો, જવાબો આપવામાં અવ્વલ નંબર!) “અને અમારી પાસે પેન કે સહી પણ નથી.”

“તો એ હોવી જોઈએ.”

“એ તો એ લોકો જપ્ત કર્યા કરે છે.”

“જે બોલે તે સાચવીને બોલ, ફોરમૅન, નહીં તો તને જેલમાં નાખી દઈશ,” બુચિયાએ ધમકી આપી, થોડી હળવેથી આપી, પણ એ કહી તો દીધું. “કાલ સવારની હાજરી પહેલા ખુલાસાઓ વૉર્ડરના બરાકમાં પહોંચી જવા જોઈએ. અને તું જાતે પ્રતિબંધિત વસ્તુઓ વ્યક્તિગત મિલકત સ્ટોરમાં આપ્યાની જાણ કરી જજે. સમજ્યો?”

“સમજી ગયો.”

(“કૅપ્ટન બચી ગયો!” શુખવને થયું. કૅપ્ટન પોતે સોસેજિસ ખાતા હતા. એમણે એમાંનું કશુ જ સાંભળ્યું ન હતું.)

“હવે,” વૉર્ડર આગળ બોલ્યા, “એસ-૩૦૧, એ તારી ટુકડીમાં છે?”

“મારે યાદી જોવી પડશે”, ફોરમૅન અજ્ઞાનતા બતાડી.

“માણસને સાલું આ નંબરો ક્યાંથી યાદ રહે?” (જો એ હાજરી સુધી ખેંચી શકે તો કૅપ્ટનને રાત પૂરતું તો બચાવી લેવાય.)

“વિનોસ્કી----એ અહીં છે?”

“હે! એ તો હું!” શુખવના પાટિયા પાછળથી ઊભા થઈને કૅપ્ટન બોલ્યા.

ઉતાવળી જૂ કાંસકીમાં પહેલી પકડાય!

“તું છે? સારું, એસ-૩૦૧ જવા તૈયાર થઈ જા.”

“ક્યાં જવા?”

“તું જાણે છે ક્યાં જવાનું છે.”

કૅપ્ટને આહ ભરીને નિસાસો નાખ્યો. અત્યારે દોસ્તોને છોડીને હિમ જેવી ઠંડી જેલમાં જવા કરતાં એને ટોર્પીડો વાળા વહાનોના સ્કવોડ્રનને તોફાની, અંધારા દરિયામાં લઈ જવાનું વધારે સેહલું લાગતું હતું.

કૅપ્ટને ઢીલા અવાજે પૂછ્યું, “કેટલા દિવસ?”

“દસ. હવે ચાલ, જલ્દી કર!”

ત્યાં તો ચોકિયાતોની બૂમો શરૂ થઈ ગઈ. “ચાલો હાજરી પુરાવવા બહાર ચાલો! બધા બહાર!”

હાજરી પૂરાવા માટે વૉર્ડર બરાકમાં આવી પહોંચ્યો હશે.

એક ક્ષણ કૅપ્ટનને પોતાનો કોટ લઈ લેવાનું મન થયું, પણ પછી થયું કે એ તો ત્યાં જતાવેંત એની પાસેથી લઈ લેશે અને એકલું જૅકેટ રહેવા દેશે, એટલે જેમ છે એમજ જવું સારું. કૅપ્ટનને હતું કે વોલ્ગવય એ વાત ભૂલી જશે, પણ વોલ્ગવય કશું ભૂલી જાય કે કશું માફ કરે એમાંનો ન હતો. કેપ્ટને કશીજ તૈયારી નહોતી કરી. જૅકેટમાં કશું સંતાડ્યું ન હતું, થોડું તમાકુ પણ નહીં. હાથમાં રાખવાનો તો અર્થ જ નહીં, તપાસ કરશે એટલે એ તો જ્પ્ત જ થઈ જશે.

તો પણ એ ટોપી પહેરતા હતા ત્યારે સેઝેરે એમને બે-ત્રણ સિગારેટ સરકાવી દીધી.

“ફરી મળીશું, દોસ્તો!” હતાશ અને ગમગીન કેપ્ટને બધાની વિદાય લીધી અને વૉર્ડરની પાછળ બરાકમાંથી બહાર ગયા. “હસતો રહેજે!” “મક્કમ રહેજે!” એવી થોડી ઘણી બૂમો પડી. આનાથી વધારે તમે એને શું કહો. ટુકડી ૧૦૪ એ જાતે એ જેલ બાંધી હતી એટલે એમને એના વિષય બધી ખબર હતી: પથ્થરની દીવાલો, સિમેન્ટની ફર્શ, અને એકે બારી વગરની એ જેલ હતી. દીવાલો ઉપરથી બરફ ઓગળવા પૂરતો સ્ટવ ચાલતો, અને ભોંય ઉપર ખાબોચિયાં ભરાઈ જતાં. ગાદલા વગર, પાટિયા ઉપર સૂવાનું અને રોજ ત્રણ સો ગ્રામ બ્રેડ ઉપર રહેવાનું. અને ગરમ સૂપ, એ તો દર ત્રીજે દિવસે મળે. દસ દિવસ! અને જો એ દસ દિવસ માટે એ લોકો કડકાઈ રાખે, તમને અંદર જ રાખે, બહાર કાઢે જ નહીં, તો સમજો તમારી તબિયત ખલાસ. તમને ચોક્કસ ક્ષયરોગ થાય અને તમારા જીવનના બાકીના દિવસો દવાખાનામાં જ જાય.

એવા પંદર દિવસ જાય તો તમે લાકડા ભેગા.

ભગવાનનો પાડ કે બરાક હૂંફાળું છે. અને તમે હજી કશામાં ફસાયા નથી!

“બધા બહાર!” ચોકિયાતે બૂમ મારી. “હું ત્રણ સુધી ગણીશ, ત્યાં સુધી જે બહાર નહીં આવે તેનો નંબર લઈ સીધો વૉર્ડરને આપી દઈશ.”

બરાકનો આ ચોકિયાત અવ્વલ નંબરનો હરામખોર અને નાલાયક માણસ હતો. આખી રાત એ અમારી સાથે અહીં પુરાયેલો હોય. એને કોઈની બીક ન હતી, અને અધિકારીઓ પણ એનીજ તરફદારી કરતા. બધા એનાથી બીતા હતા. એ બેધડક વૉર્ડરોને તમારી ચુગલી કરી દે કે પછી તમને બે-ચાર ઠોકી પણ દે. કોઈકની સાથેની ઝપાઝપીમાં એની એક આંગળી કપાઈ ગઈ હતી, એટલે એ વિકલાંગ ગણાતો હતો, પણ હતો પાક્કો ગુંડો. ગુંડાગર્દી માટે એને સજા પણ મળી હતી. પણ પછી એની ઉપર આર્ટીકલ ૫૮ સબસેક્શન ૧૪ની(“વિરોધી ક્રાંતિકારી સેબોતાજ”, તમારું કોઈ પણ પગલું અર્થતંત્ર વિરુધ્ધ ગણાય, તો આ કલમ લાગુ પડે.) કલમો ઠોકીને એને અહીં, આ છાવણીમાં, મોકલી દીધો.

તમારું નામ નોંધીને વૉર્ડરને આપતાં એને વાર ના લાગે, પછી કામ સાથે બે દિવસ કાળકોટડીમાં નક્કી. થોડા કેદીઓ જવા માંડ્યા હતા, પણ હવે તો બધાને બહાર જવાની ઉતાવળ થઈ ગઈ. ઉપરના પાટિયાવાળા ધબાધબ નીચે કૂદવા માંડ્યા અને બારણા પાસે ટોળામાં જોડાઈ ગયા. સાંકડા બારણામાંથી બહાર નીકળવા માટે ધકામૂકી થવા માંડી. શુખવ પણ ચપળતાથી ભૂસકો મારીને નીચે ઊતર્યા. એમણે બનાવીને રાખેલી સિગારેટ, સળગાવ્યા વગર હાથમાં રાખી, બૂટમાં પગ નાખ્યા અને શુખવ જવા તૈયાર. પણ એમને સેઝેરની દયા આવી. શુખવને દિલથી એમની દયા આવી, વધારાનું બીજું કંઈ મળશે એ ભાવના તો એમના મનમાં આવી જ ન હતી. સેઝેર પોતાને ગમે તેટલો શાણો અને હોશિયાર સમજતો હોય, પણ જીવનના મૂળભૂત સત્ય વિશે એ કશું જ નહોતો જાણતો. તમને પાર્સલ મળે એટલે ખુશ થઈને એને જોયા ના કરાય. રાતની હાજરી પુરાવા જતા પહેલાં એને સ્ટોરરૂમમાં મૂકવા જવાનું હોય. ખાવાનું પછી મણાય. હવે સેઝેર શું કરશે? જો એ બધું લઈને બહાર જાય તો બધા એની ઉપર હસશે, પાંચસો એ પાંચસો જણા ખડખડાટ હસી પડશે. અને અહીં રેહવા દેશે તો જે કેદીઓ પહેલા અંદર આવશે એ બધું ઉઠાવી જશે. (ઉસ્ત-ઇશમામાં તો આનાથી પણ ખરાબ હાલત હતી. ત્યાં જે ગુંડાઓ હતા તે હંમેશાં કામ ઉપરથી વહેલા આવતા અને બીજા બધા આવે એ પહેલા એમના કબાટો ખાલી કરી દેતા.)

શુખવે જોયું કે સેઝેર ગભરાયેલા હતા, પણ એમણે પહેલા વિચારવાનું હતું. હડબડીમાં એ માંસનો ટુકડો અને સોસેજીસ પોતાના શર્ટમાં મૂકી રહ્યા હતા. બીજું કશું નહીં તો આ તો કદાચ આમ કરતાં બચી જાય.

શુખવને દયા આવી. એમણે એને કહ્યું:

“હમણાં બેસી રહે, સેઝેર મર્કોવીચ. દેખાય નહીં એમ થોડો અંધારામાં બેસ અને છેલ્લો બહાર આવજે. વૉર્ડર અને ચોકિયાતો અંદર ખૂણેખાંચરે તપાસ કરવા આવે, ત્યારે આવજે. કહેજે કે માંદો છે. અને હું પહેલો જઈને પહેલો પાછો આવીશ. એવું કરીએ.”

આટલું કહીને એ ઝડપથી નીકળી ગયા.

ધક્કામુક્કી કરતા એ આગળ પહોંચ્યા. (એમની સિગારેટને મુઠ્ઠીમાં સાચવી લીધી.) બરાકના બંને વિભાગના દરવાજા એક પરસાળમાં ખુલતા હતા, અને પરસાળમાંથી બહાર જવા માટે એક બારણું હતું. પરસાળમાં કોઈ ધક્કામુક્કી ન હતી. ત્યાં આવીને બધા દીવાલે ચોંટીને ઊભા રહ્યા હતા. એક માણસ જઈ શકે એટલી જગ્યા વચ્ચે રાખીને બધા ઊભા હતા. આ ટાઢમાં બહાર જવાની મૂર્ખામી કરવી હોય તો તું કર. એમે તો અહીં ઊભા છીએ. આખો દિવસ ઠંડીમાં કાઢ્યો છે. હવે દસ મિનિટ પણ શાને માટે બહાર ઊભા રહીએ? અમે કંઈ એવા મૂર્ખા નથી. આજે તારે જવું હોય તો જા----હું કાલે જઈશ!

બીજા કોઈ દિવસે શુખવ પણ બધાની સાથે દીવાલને ચોંટીને ઊભા રહ્યા હોત, પણ આજે નહીં. આજે એ આગળ વધ્યા અને મહેણું માર્યું, “શેના બીઓ છો? સાઇબીરિયાનો શિયાળો નથી જોયો? વરુઓ તો બહાર તડકો ખાવા નીકળ્યા છે! ચાલો, જોઈ તો જુઓ! દોસ્ત, મને માચીસ આપ!”

શુખવે સિગારેટ સળગાવી અને તરત બહાર નીકળી ગયા. એમના પ્રદેશમાં ચાંદનીને મજાકમાં “વરુનો તડકો” કહેતાં.

ચાંદો ઊંચે ચઢી ગયો હતો. થોડી વારમાં તો એની ટોચ ઉપર હશે. લીલી ઝાંયવાળું ઊજળું આકાશ, ઓછા, પણ તેજસ્વી તારાઓ. સફેદ ચમકતો બરફ અને સફેદ બરાકની દીવાલો. આ બધામાં બિચારા દીવાઓની શું વિસાત?

જોડેના બરાક આગળ કાળું ટોળું વધી રહ્યું હતું. બધા લાઇનમાં ઊભા રહેવા બહાર આવવા માંડ્યા હતા, અને એના પછીના બરાકમાં પણ લાઇન થવા માંડી હતી. અંદર-અંદર થતી વાતોનો ગણગણાટ, પગ નીચે કચડાતાં બરફના અવાજમાં ક્યાંયે ખોવાઈ ગયો હતો.

પાંચ જણ પગથિયાં ઊતરીને બારણા સામે એક લાઇનમાં ઊભા રહ્યાં. એમની પાછળ બીજા ત્રણ આવ્યા. શુખવ એ ત્રણની જોડે જઈને ઊભા રહી ગયા. બ્રેડ ખાધી હતી અને મોઢાંમાં સિગારેટ પણ હતી, એટલે શુખવને ઊભા રહેવાનું બહુ આકરું નહોતું લાગતું. એ લાટવિયને એને છેતર્યો ન હતો. તમાકુ સારું હતું, સોડમ વાળું માદક તમાકુ હતું. ધીરેધીરે બધા બહાર આવતા હતા. હવે શુખવની લાઇન પછી બીજી બેત્રણ લાઇનો થઈ ગઈ હતી. બહાર આવીને રાહ જોતા કેદીઓ અકળાયેલા હતા. બધા શું કરે છે? અંદર ભરાઈ રહ્યા છે અને અમે અહીં થીજી રહ્યા છીએ. ઘડિયાળ જોવાની કેદીઓને ટેવ ન હતી અને જરૂર પણ ન હતી. ઘડિયાળ જોવાનો ફાયદો શું? એમને તો એજ જાણવાનું હોય કે રેવલીને કેટલી વાર? કામ ઉપર જવાને કેટલી વાર? અને જમવાને? દીવાબત્તી બંધ થવાને કેટલી વાર?

ખેર, સાંજની હાજરી નવ વાગે પૂરી થવી જોઈએ. પણ એવું લગભગ ના થાય. ઘણી વાર બેત્રણ વાર હાજરીની પ્રક્રિયા ચાલે એટલે સૂતા-સૂતા દસ વાગી જાય. અને રેવલી તો સવારે પાંચ વાગે ખરીજ. તો પેલો મલદેવિયન સૂઈ ગયો એમાં શી નવાઈ? કોઈ કેદીને સહેજ હૂંફાળી જગ્યા મળી એટલે એ તરત સૂઈ જ જાય ને. અઠવાડિયું પૂરું થતાં થતાં તમારે એટલી બધી ઊંઘ પૂરી કરવાની હોય કે જો રવિવારે કામ ઉપર ના જવાનું હોય તો બરાક ઊંઘતા શરીરોનો એક ઢગલો બની જાય.

આહા.....કેદીઓ સામટા બહાર આવવા માંડ્યા. વૉર્ડર અને ચોકિયાતની લાતો પડી હશે. સારું થયું, સૂવરની ઓલાદો.

“તમે અંદર શું કરી રહ્યા હતા?” વહેલા બહાર આવેલા બધા બૂમો પાડવા માંડ્યા. “ગૂમાંથી માખણ કાઢતા હતા? વહેલા આવ્યા હત તો હાજરી ક્યારની પતી ગઈ હોત.”

આખ્ખું બરાક ખાલી થયું. ચારસો માણસો, પાંચ જણની એંશી લાઇનો. બધા લાઇનમાં ગોઠવાવા માંડ્યા. આગળ વ્યવસ્થિત લાઇનો થઈ, પણ પાછળ, પાછળ તો હજી અવ્યવસ્થા જ હતી.

“પાછળ બધા વ્યવસ્થિત લાઇનમાં આવી જાવ!” ચોકિયાતે પગથિયાં ઉપરથી બરાડો પાડ્યો.

પણ એ નાલાયકો ક્યાં માનવાના હતા.

સેઝેર નીચો નમી, માંદગીનો ઢોંગ કરતો આવ્યો, એની પાછળ બરાકની બીજી ટુકડીના બે ચોકિયાતો, શુખવની ટુકડીનો એક ચોકિયાત અને એક લંગડો કેદી આવ્યા. એ પાંચ સૌથી આગળ જઈને ઊભા રહ્યા. શુખવ હવે ત્રીજી લાઇનમાં હતા. સેઝેરને છેક પાછળ મોકલી દીધો. વૉર્ડર બહાર આવ્યો અને પાછળ વાળાને “પાંચ પાંચની લાઇન બનાવો!” નો ઘાંટો પાડ્યો. એના કાકડા નીરોગી હતા. તરત ચોકિયાતે બરાડો પાડ્યો, “પાંચ પાંચની લાઇન બનાવો!” એના કાકડા પેલા કરતાં પણ વધારે સબળ હતા!

તોય એ નાલાયકો હાલ્યા નહીં.

બરાકનો ચોકિયાત પગથિયાંકૂદીને કેદીઓ તરફ ધસ્યો અને મોઢાં સાથે હાથ પણ ચલાવવા માંડ્યો. જો કે હાથ કોના ખભે વાગે છે એનું ધ્યાન બરાબર રાખીને એ હાથ ચલાવતો હતો. ભીરુ કેદીઓની પીઠને જ એના ધબ્બા વાગતા.

આખરે લાઇન વ્યવસ્થિત થઈ અને એ એની જગ્યાએ પાછો પહોંચી ગયો. ગણતરીમાં વૉર્ડરની સાથે એનો પણ અવાજ આવતો હતો.

“પહેલા પાંચ! બીજા! ત્રીજા!”

જેવો એમનો નંબર બોલાય કે તરત પાંચની લાઇન બરાકમાં દોડી જાય. હાશ! દિવસ પત્યો.......

જો ફરી ગણતરી કરવા ના આવે તો! કોઈ ગમાર ગોવાળ પણ એમના કરતાં સારું ગણી શકે. લખવાનું કે વાંચવાનું ના આવડતું હોય, પણ ચરાવતી વખતે જો એક પણ વાછરડું આમ તેમ થાય, તો નજર નાખતાં જ એને ખબર પડી જાય કે એક ઓછું છે! આ લોકોને તો બધી તાલીમ મળેલી હોય પણ એ તાલીમનો કોઈ અર્થ ન હતો.

ગઈ સાલ સુધી બૂટ સૂકવવા માટેના કોઈ ઓરડાઓ ન હતા. રાતના બધાના બૂટ બરાકમાંજ રહેતાં. એટલે બીજી, ત્રીજી ચોથી વારની ગણતરી માટે બધાને બહાર કાઢતા. અને કેદીઓ તૈયાર થયા વગર, કામળાઓ ઓઢીને બહાર આવી જતા. પણ હવે સૂકવવા માટેના ઓરડાઓ તૈયાર કરાયા હતા. આખા બરાકના બૂટ આવે એવા નહીં, પણ એક ટુકડીના એમાં મુકાય એવા, અને દર ત્રીજે દિવસે તમારી ટુકડીનો વારો આવે. પણ હવે બીજી ગણતરી કરવી પડે તો એ અંદર કરતા, બધાને એક ખૂણેથી બીજા ખૂણે ધકેલે પણ ગણતરી અંદર થતી.

બરાકમાં શુખવ સૌથી પહેલા નહોતા ઘુસ્યા, પણ એમની આગળ કેદી ઉપરથી નજર હટાવ્યા વગર એ બરાકમાં દોડતા અંદર પેઠા. એ ઝડપથી સેઝેરની પથારી પાસે ગયા, અને ત્યાં બેસીને પોતાના બૂટ કાઢી લીધા. પછી બીજા અનુકુળ પાટિયા ઉપર ચઢીને બૂટને સ્ટવ ઉપર સૂકવવા મૂકી દીધા. તમે પહેલાં પહોંચો તો બધું થાય. કૂદકો મારીને પાછા સેઝેરના પાટિયા ઉપર પલાઠી વાળીને બેસી ગયા. એક આંખથી એ તકિયા નીચે મૂકેલો સેઝેરનો કોથળો કોઈ ઉપાડી ના જાય એ જોતા હતા, જ્યારે બીજી આંખ એમના પોતાના બૂટ ઉપર હતી. ધ્યાન ન રાખો તો કોઈ પણ તમારા બૂટ આઘાપાછા કરીને પોતાના બૂટ મૂકી દે.

એક જણ ને એમણે ઘાંટો પાડવો પડ્યો, “એ તું! ભૂરિયો! મોઢાં ઉપર બૂટ મારું કે? તારા બૂટ મૂક પણ બીજાના બૂટને ના અડ!”

કેદીઓની ભીડ થવા માંડી હતી. ટુકડી ૨૦માંથી કોઈએ બૂમ મારી, “તમારા બૂટ અહીં આપો.” બૂટ સૂકવવા લઈ જનારા કેદીઓ જેવા બહાર જશે કે તરત દરવાજે પાછું તાળું વાગી જશે. બૂટ મૂકીને દોડતા પાછા આવશે, “સિટીઝન વૉર્ડર! દરવાજો ખોલો! અમને અંદર આવવા દો!”

વૉર્ડરો હવે મુખ્ય કાર્યાલયના મકાનમાં પહોંચ્યા હશે અને કોઈ નાસી નથી ગયુંને એ જોવા યાદીઓની તપાસ ચાલતી હશે.

પણ શુખવને એ કશાની પડી ન હતી. અહા----સેઝેર આવી ગયા! પથારીનાં પાટિયાંઓ વચ્ચેથી રસ્તો કાઢીને સેઝેર ઝડપથી એમના પાટિયા પાસે પહોંચી ગયા.

“તારો આભાર, ઇવાન દિનીશવીચ!”

શુખવ માથું ધુણાવીને ખિસકોલીની જેમ ઉપર ચઢી ગયા. હવે એ પેલી બસો ગ્રામ બ્રેડ ખાઈ શકે, બીજી સિગારેટ માણી શકે અને કશું ના કરવું હોય તો સૂઈ પણ જઈ શકે.

સૂવાનું મળે એવું હતું, પણ અત્યારે એ એટલા પ્રફુલ્લિત અને ઉલ્લાસિત હતા કે એમને સૂવાનું મન ન હતું.

પથારી કરવામાં કંઈ ઝાઝો સમય ના લાગ્યો: કાળો પડી ગયેલો કામળો ઊંચો કરીને ચાદર વગર ગાદલા ઉપર સૂઈ ગયા. (’૪૧માં ઘર છોડ્યું તે પછી ક્યારેય ચાદર પાથરીને પથારીમાં સૂવાનો વારો નહોતો આવ્યો. અને હવે તો એમને એમ થતું કે આ બૈરાંઓ ચાદરની માથાકૂટ કેમ રાખતાં હશે. એટલાં ધોવાનાં કપડાં વધી જાય, બાકી એ હોય કે ના હોય, શું ફરક પડે છે.) ભૂસું ભરેલા ઓશીકા ઉપર માથું મૂક્યું, જર્કીનમાં પગ નાખી, જૅકેટ ને કામળા ઉપર પાથરી દીધું અને----

“ભગવાન તારોજ આધાર છે! તારો પાડ માનું છુ, એક બીજો દિવસ પત્યો!”

એમને કાળકોટડીમાં ના સૂવું પડ્યું, એનો આભાર. અહીં જ માંડ રહેવાય એવું હતું.

શુખવનું માથું બારી તરફ હતું. અલયોશ્ક બીજી તરફ માથું રાખીને સૂતો હતો, ત્યાં દીવાનો પ્રકાશ પહોંચતો હતો અને એ એની ટેસ્ટામેન્ટ વાંચી રહ્યો હતો.

દીવો બહુ દૂર ન હતો. એના પ્રકાશમાં આરામથી વાંચી શકાતું હતું, સીવી શકાતું હતું.

અલયોશ્ક શુખવની ભગવાન સાથે થતી વાત સાંભળી ગયો. અને આજુબાજુ જોવા માંડ્યો.

“તું અહીં છે, ઇવાન દિનીશવીચ! તારી આત્માને ભગવાનનું સ્મરણ કરવું છે. એને કેમ નથી કરવા દેતો?” શુખવે એની તરફ નજર નાખી, એની આંખો દીવા જેવી તેજસ્વી દેખાતી હતી. શુખવે એક ઊંડો શ્વાસ લીધો.

“કારણ કે, અલયોશ્ક, પ્રાર્થના દરખાસ્ત જેવી હોય. યા તો એ પહોંચેજ નહીં, યા તો ‘દરખાસ્ત નામંજૂર’ થઈને પછી આવે.”

ચાર સીલબંધ ડબ્બાઓ કર્મચારીઓના મકાન પાસે મૂકેલા હતા. એને ખાલી કરવા માટે એક કર્મચારીને નિયુક્ત કરેલો હતો અને જે દર મહિને એને ખાલી કરતો હતો. ઘણાં કેદીઓ એમાં દરખાસ્તો નાખતા, અને પછી રાહ જોતા, દિવસો ગણતા, બે મહિનામાં જવાબ મળશે, એક મહિને મળશે......

પણ જવાબ નહોતો મળતો. અને જવાબ મળે તો....... ‘દરખાસ્ત નામંજૂર’

“એ તો તું શાંતિથી, શ્રદ્ધાથી પ્રાર્થના નથી કરતો એટલે. તને એમ કે તારી પ્રાર્થના કોઈ સાંભળતું નથી. પ્રાર્થના સતત કરવી પડે. જો શ્રદ્ધા રાખીને પહાડને રસ્તો આપવાનું કહો, તો એ પણ ખસી જાય.”

શુખવ હસી પડ્યો, બીજી સિગારેટ બનાવી અને સ્તોનિયન પાસેથી માચીસ લઈને સિગારેટ સળગાવી.

“શું વાહિયાત વાત કરે છે, અલયોશ્ક. પહાડોને મેં ક્યારેય ખસતા નથી જોયા. અરે, મેં તો કોઈ પહાડ જ નથી જોયા. પણ જ્યારે તું અને તારું બેપટિસ્ટ સંઘ કકાસકીમાં પ્રાર્થના કરતા હતા ત્યારે એક પણ પહાડ ખસ્યો હતો કે હાલ્યો પણ હતો?”

બિચારા! એમની પ્રાર્થનાથી શું નુકશાન થવાનું હતું? પણ બધાને પચીસ-પચીસ વરસની સજા મળી. આજકાલ પચીસ સિવાય સજાનું બીજું માપ મળતું જ ન હતું.

“પણ અમે એવી વસ્તુઓ માટે પ્રાર્થના નથી કરતા, દિનીશવીચ,” અલયોશ્ક ભાવુક થઈને બોલ્યા. ફરીને મોઢું શુખવ તરફ કરી લીધું. “ભગવાનની પ્રાર્થના ભૌતિક કે ક્ષણિક વસ્તુઓ માટે ના કરાય. ‘ગીવ અસ થીસ ડે આર ડેલી બ્રેડ’, રોજના રોટલા સિવાય બીજી કોઈ ભૌતિક વસ્તુઓ માટે ભગવાનને પ્રાર્થના ના કરાય. એની આજ્ઞા નથી.”

“એટલે આપણું રાશન?” શુખવે પૂછી કાઢ્યું.

પણ અલયોશ્ક એમ ચુપ નહોતો થવાનો. શબ્દો સાથે એની આંખો પણ શુખવને સમજાવવામાં લાગી ગઈ, અને એમનો હાથ પંપાળતા અલયોશ્ક બોલ્યા:

“ઇવાન દિનીશવીચ! એક પાર્સલ માટે કે થોડા વધારાના સૂપ માટે પ્રાર્થના ના કરાય. લોકોની નજરમાં જે અનમોલ છે એ ભગવાનની નજરમાં તુચ્છ છે, નકામું છે. પ્રાર્થના તો જીવનમાં આધ્યાત્મિકતા મેળવવા કરાય, ભગવાનની મદદ આપણા હૃદયમાંથી, મનમાંથી અધર્મી વિચારોનો નાશ કરવા માટે માંગવાની હોય.”

“ના, હવે તું સાંભળ. પલોમ્નયાના અમારા ચર્ચમાં એક પાદરી છે...........”

અલયોશ્કની ભાવાં ચઢી ગઈ, જાણે કોઈ ભયંકર પીડા હોય. “તારા પાદરીની તો તું વાત જ ના કર!”

“ના, ના તું સાંભળ.” શુખવ કોણીનો ટેકો લઈને અડધા બેઠા થયા. “અમારા પેરીશ, પલોમ્નયાનો પાદરી, સૌથી પૈસાદાર હતો. છાપરાની મરંમત કરવાનાં બીજા પાસેથી અમે એક દિવસના પાંત્રીસ લઈએ, તો એની પાસેથી અમે એક દિવસના સો લઈએ. એ ચું કે ચાં કર્યા વગર આપી દેતો હતો. ત્રણ જુદાં જુદાં શહેરોમાં ત્રણ બૈરીઓને એ ખોરાકી આપતો અને એના ચોથા પરિવાર સાથે એ અહીં રહેતો. સ્થાનિક બિશપ એની મૂઠ્ઠીમાં હતો, એને બરાબર સાચવતો હતો. કોઈ બીજા પાદરીને મોકલે તો એનું જીવવાનું હરામ કરી દેતો. બધું એનું જ, એમાં કોઈ ભાગ પડાવનાર ના જોઈએ.”

“મને શાને માટે આ પાદરીની વાત કરે છે? ઑર્થોડોકસ ચર્ચે તો ગોસપલને નકારી છે, એને પીઠ બતાડી દીધી. એ નથી પકડાતાં, એમને સજા નથી થતી, અને થાય છે તો પણ પાંચ વરસની ટૂંકી સજા. કારણ એમનો વિશ્વાસ અચલ નથી, અડગ નથી.”

સિગારેટ પીતા-પીતા શુખવ શાંતિથી અલયોશ્કનો ઉદ્વેગ નિહાળી રહ્યા હતા.

“જો, અલયોશ્ક”-----શુખવે એનો હાથ આઘો ખસેડ્યો એટલે ધી બેપ્તીસ્તની આંખમાં ધુમાડો ગયો. “હું ભગવાનની વિરુદ્ધ નથી. હું ભગવાનમાં માનું છું. પણ હું આ સ્વર્ગ-નરકના ચક્કરમાં નથી માનતો. એકને માટે સ્વર્ગ ઉચિત છે તો બીજાને માટે નરક બરાબર છે, એવું કેમ? અમને મૂર્ખા સમજો છો? એ વાત મને નથી ગમતી.”

શુખવ પાછા આડા પડ્યા. સિગારેટની રાખ સાચવીને પથારીના પાટિયા અને બારી વચ્ચે ખંખેરી, કૅપ્ટનનો સામાન બળી ના જાય એવી રીતે ખંખેરી. પોતાના વિચારોમાં ખોવાઈ ગયા, એટલે અલયોશ્કની બડબડ સંભળાતી ન હતી.

“જવા દે,” એમનો નિષ્કર્ષ વ્યક્ત કરતાં કહ્યું. “જેટલી પ્રાર્થના કરવી હોય એટલી કરી લે. એને લીધે તારી સજા તો ઓછી થવાની નથી. આવ્યો ત્યારે તારે માટે પહેલો ઘંટ વગ્યો હતો, અને સજા પૂરી થશે ત્યારે જ તારે માટે છેલ્લો ઘંટ વાગશે. એમાં મીનમેખનો પણ ફરક નહીં પડે.”

અલયોશ્કનું મન દુભાયું. “એને માટે તો કઈ પ્રાર્થના કરવાની હોય! એ આઝાદીનો, એ સ્વછંદતાનો તને શું ફાયદો થશે? બહારની દુનિયા તારી શ્રદ્ધાને, તારી આસ્થાને ગૂંગળાવી મારશે! તું ખુશ થા કે તું કેદમાં છે. અહીં તને તારી આત્માનો વિચાર કરવાનો સમય તો મળે છે. એપોસટલ પૉલે શું કહે છે એ યાદ કર: ‘આ શું કરો છો, રડી-રડીને મારું મન દુભાવો છો? લૉર્ડ જિસસ માટે હું કેદ માટે જ નહીં, જેરૂસલેમમાં જાન ગુમાવવા પણ તૈયાર છુ.’” (એક્તસ ૨૧, ૧૩)

શુખવ જવાબ આપ્યા વગર છત સામે જોઈ રહ્યા. એમને જ ખબર નહોતી પડતી કે હવે એમની આઝાદ થવાની ઇચ્છા હતી કે નહીં. શરૂઆતમાં તો એમની આઝાદીની ઝંખના ઘણી તીવ્ર હતી. રોજ સાંજે કેટલા દિવસો બાકી રહ્યાં એની ગણતરી કરતા. પછી થાકીને ગણતરી કરવાનું છોડી દીધું. અને એના થોડા વખત પછી એમના મનમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે એમના જેવા કેદીઓની સજા પૂરી થાય એટલે એમને ઘેર જવા ના મળે, પણ એમને દેશવટો મળે. અને કયું જીવન સરળ હશે, અહીંનું કે ત્યાંનું, એ તો કોણ કહી શકે?

ભગવાનને આજીજી કરવાની હોય તો કદાચ ઘેર જવાની આજીજી એમની એક માત્ર આજીજી હોય.

પણ એમને આ લોકો ઘેર તો મોકલવાના ન હતા.

જોકે અલયોશ્ક ખોટું નહોતો બોલતો. એની આંખો અને એના અવાજ ઉપરથી સ્પષ્ટ હતું કે જેલમાં એ ખુશ હતો. “જો, અલયોશ્ક,” શુખવે સમજાવ્યું, “તારે માટે એ સારું હશે. તને ઈસુએ કહ્યું અને તું એમને માટે જેલમાં આવ્યો. પણ હું શું કામ? ’૪૧માં લડાઈ માટે એ લોકો તૈયાર ન હતા, એ કારણસર? એમાં મારો શું વાંક?”

“બીજી વાર હાજરી લેવાના લગતા નથી,” કિલ્ડીગ્સ બગાસું ખાતા બબડ્યા.

“અહોભાગ્ય!” શુખવ બોલ્યા, “હવે કદાચ થોડી ઊંઘ મળશે.”

બરાકમાં શાંતિ છવાઈ. એજ ક્ષણે બહારના દરવાજાનું તાળું ખોલવાનો અવાજ આવ્યો. બે કેદીઓ બૂટ સૂકવવા મૂકીને પછા ફર્યા હતા. “બીજી વારની હાજરી!”ની બૂમ મારતા દોડતા અંદર આવ્યા.

એમની પાછળ-પાછળ વૉર્ડર આવ્યો, “બધા પેલી બાજુ જતા રહો!”

થોડા કેદીઓ તો ઊંઘી ગયા હતા! કકળતા, બબડતા બધા જાગૃત થયા, અને બૂટ પહેરવા માંડ્યા. (થોડાક કેદીઓ ચડ્ડીમાં સૂતા હતા. મોટા ભાગના પોતાના અસ્તર વાળા પેન્ટ પહેરીને જ સૂઈ જતા---એના વગર તો સવારના તમારા પગ થીજી ગયા હોય, કામળુ ઓઢેલું હોય તોય.) શુખવે જોરથી એમને ગાળ આપી, “એની મા પરણાવવા જાય!” પણ ખરેખર તો એ સહેજે ચિઢાયા ન હતા કારણ કે એ હજી ઊંધી નહોતા ગયા.

સેઝેરનો હાથ ઉપર આવ્યો અને શુખવની પથારીમાં બે બિસ્કિટ, બે ખાંડના ગઠ્ઠા અને સોસેજનો એક ગોળ ટુકડો મૂક્યો.

“આભાર સેઝેર મર્કોવીચ,” શુખવ માથું બહાર કાઢીને બોલ્યા. “લાવ તમારો થેલો મારા તકિયા નીચે મૂકી દઉં. થોડો સુરક્ષિત રહશે.” (ત્યાંથી પસાર થતા કેદીઓના ચોરી કરતા હાથમાં જલ્દી ના આવે. અને આમે શુખવ પાસે કંઈ હશે એવું કોણ માને?)

સેઝેરે એનો બરાબર બાંધેલો સફેદ થેલો શુખવને પકડાવી દીધો. શુખવે એને ગાદલા નીચે વ્યવસ્થિત મૂકી દીધો. ઉઘાડા પગે પરસાળમાં બહુ ના ઊભા રહેવું પડે એટલે શુખવ થોડા મોડા નીચે ઊતરવાના હતા, પણ વૉર્ડરે બૂમ મારી, “એ તું! ખૂણામાં છે તે! નીચે આવ!”

શુખવે ઉઘાડા પગ લટકાવીને નીચે, હિમ જેવી ફર્શ ઉપર ભૂસકો માર્યો. (એમના બૂટ અને પગમાં વીંટાળવાના કટકા સ્ટવ ઉપર એવી સરસ જગ્યા એ મુકાયા હતા કે એને ખસેડવાની ભૂલ ના કરાય.) એમણે ઘણી સ્લીપરો બનાવી હતી, પણ કાયમ બીજા માટે. એમણે પોતાને માટે એક પણ સ્લીપરની જોડી બનાવી ન હતી. એ ટેવાઈ ગયા હતા, અને અત્યારે બહુ વધારે વાર આમ ઊભા નહીં રેહવું પડે.

સ્લીપર જો દિવસના ભાગમાં પકડાય તો એ જપ્ત કરતા. જે ટુકડીએ બૂટ સૂકવવા મૂકેલા હોય એ ટુકડીના કોઈ કેદી સ્લીપર પહેરે તો કોઈ વાંધો ન હતો, પણ ઘણાં ના પગ ઉપર ખાલી કટકા વીંટેલા હતા અને થોડા ઘણા ઉઘાડા પગે આવેલા હતા.

“ચાલો જલ્દી આવો! ચાલો......ચાલો!” વૉર્ડર ગર્જ્યા. બરાકના ચોકિયાતે સૂર પુરાવ્યો, “નાલાયકો, એક-બે ઠોકું કે!”

લગભગ બધા બરાકના એક ભાગમાં ઊભા હતા. શુખવની જેમ મોડા આવનારાઓને પરસાળમાં ઊભા રહેવું પડ્યું. શુખવ મળમૂત્રની ડોલની દીવાલને ચોંટીને ઊભા હતા. ફર્શ ભેજ વાળી હતી, અને હિમ જેવો ઠંડો પવન પણ આવતો હતો. બધા બહાર આવી ગયા હતા, તો પણ વૉર્ડર અને ચોકિયાત અંદર તપાસ કરવા ગયા, કોઈ સંતાઈને બેઠો નથી ને, કોઈ અંધારા ખૂણામાં સુઈ નથી રહ્યું ને. ગણતરીમાં થોડી પણ વધઘટ થાય તો ફરી ગણતરી કરવાનો વારો આવે. બંને જણા અંદર ગોળગોળ ફરીને આખરે બહાર આવ્યા.

અત્યારની ગણતરીમાં થોડી ઝડપ હતી. એક પછી એક બધાને અંદર મોકલતા ગયા. શુખવ થોડી ધક્કામુક્કી કરીને અઢારમે ક્રમે અંદર પહોંચી ગયા. સીધા પાટિયા પાસે, ટેકા ઉપર પગ મૂકીને એક છલાંગમાં ઉપર. હાશ! પગ પાછા જર્કીનની બાયોમાં, ઉપર કામળું, એની ઉપર જૅકેટ અને સુવા માટે તૈયાર! બીજી બાજુના કેદીઓને આ બાજુ લવાશે, પણ એ એમનું કમનસીબ.

સેઝેર પાછા આવ્યા એટલે શુખવે એમણે એમનો થેલો આપી દીધો.

અલયોશ્ક પણ પાછા આવી પહોંચ્યા. એને કંઈ ખબર જ નહોતી પડતી. કોઈ દિવસ કંઈ ‘કમાતો’ ન હતો પણ બધાની મદદ કર્યા કરતો હતો.

“આ લે, અલયોશ્ક,” શુખવે એને એક બિસ્કિટ આપી. અલયોશ્કનો ચહેરો ખીલી ઊઠ્યો. “આભાર! પણ તારે માટે નહીં રહે!”

“તું ખાઈ જા!”

આપણી પાસે ના હોય, તો કમાઈ તો લેવાય ને.

એમણે પોતે સોસેજનો કટકો લીધો અને મોઢાંમાં મૂક્યો. દાંત વચ્ચે મૂક્યો, ચાવ, ચાવ, ચાવ! આહા! સરસ ફોરમ વાળું, રસ ભરેલુ માંસ! તાજું અને સ્વાદિષ્ટ. પેટમાં પહોંચી ગયું!

સોસેજનો અંત....

બીજું બધું કાલે સવારની હાજરી પહેલાં ખાવાનું નક્કી કર્યું.

મોઢે-માથે પાતળો, મેલો કામળો ઓઢીને સૂવાની તૈયારી કરી. ગણતરીની રાહ જોતા એમની પાસે ઊભેલા બીજા કેદીઓના અવાજો માટે કાન બંધ કરી દીધા.

શુખવ આજે સંતુષ્ટ હતા. ઊંઘ આવવાની રાહ જોતા-જોતા એ આજના સારા બનાવોને મનમાં વાગોળવા માંડ્યા. આજનો દિવસ સારો હતો. એ જેલમાં નહોતા ધકેલાયા. એમની ટુકડીને શુસ્કરદોખ ના જવું પડ્યું. બે વખત જમવામાં બીજા વધારાના સૂપના વાટકોઓ મળ્યા હતાં. ફોરમૅને કામ માટે સારી મજૂરી નક્કી કરી હતી. દીવાલ બનાવવામાં એમને મઝા આવી હતી. તપાસમાં પેલો લોખંડનો ટુકડો નહોતો પકડાયો. સેઝેર પાસેથી થોડું કમાઈ શક્યા હતા. અને તમાકુ ખરીદી લીધું હતું.

વાદળો વગરનો ચોખ્ખો દિવસ હતો. એકંદરે ખુશહાલ દિવસ.

એની સજાના ત્રણ હજાર છસો અને ત્રેપન દિવસોમાંનો એક દિવસ, ઘંટથી ઘંટ સુધી.

વધારાનાં ત્રણ દીવસ લીપ ઈયરના.

*************


ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ...૩૬૫૩ દિવસ....