ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ઉદયન ઠક્કરની કવિતા - વિસ્મય અને વિદગ્ધતાની જુગલબંધી
◼
ઉદયન ઠક્કરની કવિતા - રમણ સોની • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
ઉદયન ઠક્કર આજની ગુજરાતી કવિતાનો એેક વિશિષ્ટ જ નહીં, વિલક્ષણ કવિ અવાજ છે. એ અવાજમાં વ્યંજનાનો અંતર્ગૂઢ સૂર છે, તિર્યક્ અભિવ્યક્તિની વેધકતા છે. છંદલયના વિવિધ રણકાર એ પ્રગટાવે છે તો મરમાળી રહેતી બહુરંજકતાનો મુખર ઘોષ પણ એમાં સંભળાય છે. એક જ રસિક ભાવક સામે કે બે-પાંચ રસિકોની નાનીશી મંડળી સામે એ પઠન કરતા હોય કે પછી મોટા સંમેલન-મુશાયરામાં કાવ્યને ‘રજૂ’ કરતા હોય – એમની કવિતા સરખો આનંદ-પ્રતિભાવ પામે છે. પરંતુ એકાન્ત-વાચનમાં સર્જક તરીકેની એમની સજ્જતા પણ પ્રતીત થાય છે. ગુજરાતીની, દેશ-વિદેશની ભાષાઓની કવિતાનું એમનું વાચન-પરિશીલન; કવિતાનું જ નહીં, મનુષ્યચેતનાને પ્રભાવિત કરતી પૌરાણિક(mythical) કથાસૃષ્ટિમાં ને પ્રાદેશિક-વૈશ્વિક ઇતિહાસ-કથાનકોમાં પણ એમની કેવી, કેટલી રસજિજ્ઞાસા રહેલી છે એ પણ એમની કવિતા વાંચતાં વરતાય છે. એ રીતે એક વ્યાપક ભાવક-સંવેદનાને અને વૈચારિકતાને એમણે કેળવી છે, સર્જક તરીકે ઘૂંટી છે. એ રીતે, ઉદયન આપણા વિદગ્ધ સર્જકોમાંના એક છે. આ વિદગ્ધતાને એમણે વ્યક્તિ/કવિના અદમ્ય વિસ્મયથી એમની કવિતામાં ગૂંથી છે. અને અભિવ્યક્તિનું એક આગવું, પોતાનું, રચના-સ્થાપત્ય એ સરજતા રહ્યા છે એટલે જાણીતો સંવેદનવિષય હોય એ પણ એમનામાં એક વિશિષ્ટ રૂપ પામે છે. પરંતુ એકાન્ત-વાચનમાં ટિખળથી, રમૂજ-કટાક્ષથી, તિર્યક્તાથી, બહુરંજન-લક્ષિતાથી ઊપસતું એક ચાતુર્ય પણ પકડાય-પમાય છે. એમાં એમનો કંઈક અળવીતરો, વિલક્ષણ રીતિ-વિશેષ ક્યારેક સ્વાદ્ય બને છે તો ક્યાંક અતિસેવનથી એ ચાતુર્ય એમની રચનાને કવિતાના પરિવેશની બહાર મૂકી દે છે. આસ્વાદ્યતા, ક્વચિત્, ખંડિત થાય છે. એમની કાવ્યકૃતિઓમાં પ્રવેશીએ.
‘એકાવન’ અને ‘સેલ્લારા’
ઉદયનની કવિ-કારકિર્દીના આરંભથી જ, ઉપર જણાવી એ એમની લાક્ષણકિતાઓ ધ્યાનપાત્ર બનતી ગયેલી. બહુ અંશે અછાન્દસ કાવ્યો અને ગઝલો, ક્વચિત્ છંદ-કાવ્યો ને ગીતો, મુક્તકો અને દીર્ઘ કાવ્યો – એમ વિવિધ રૂપે-પ્રકારે લખાતી એમની કવિતામાં પ્રગટતા એમના વિશેષોને આસ્વાદીએ. પસંદ કરેલી સર્વ રચનાઓ તો તમારી સૌની સામે છે જ. ‘એકાવન’માંનું, ‘મથુરાદાસ જેરામ’ એક વિશિષ્ટ અંજલિકાવ્ય છે. અંજલિ પામતો મૃત વ્યક્તિ આમ તો એક સર્વસામાન્ય જણ છે – ખુમારીવાળો ને કુદરતપ્રેમી, મહેનતકશ ને ખંતવાળો વેપારી. એનામાં, સામાન્યમાંથી કૂદકો મારીને અસામાન્ય બની જનારની ભભકભરી ભવ્યતા નથી એટલે કાવ્યનાયક કહે છે કે, હું ‘વાતચીત કે વર્ણનોથી/વાઙ્મયમંદિર ચણી શકતો નથી/જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે.’ કાવ્યની છેલ્લી પંક્તિએ જતાં સમજાય છે કે, ત્રીજો પુરુષ એકવચનમાં સંબોધાયેલી હતી એ આ અંજલિ તો કાવ્યનાયકેે પિતાને આપેલી અંજલિ છે :
‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’ (‘એકાવન’)
‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે :
‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે,
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’ (‘એકાવન’)
ઉદયનની ગઝલોમાં અરૂઢતાનું અને સભારંજની ચાતુર્યનું કંઈક વિલક્ષણ સંયોજન થયું છે. એટલે એમની ગઝલોના કેટલાક શૅર બહુરંજકતાવાળા હોવા છતાં બીજે વાચને એની અભિવ્યંજકતાનો અનુભવ કરાવે છે. વાંચીએ :
૦ ‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?’ (‘એકાવન’)
૦ ‘મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા.’ (‘સેલ્લારા’)
ગઝલના, ત્રિપદીના, મુક્તકના, સંવાદ-યોજિત અછાંદસ કાવ્યોના, ક્યાંક છંદના ને ગીતના, એવા એવા રચનાબંધોમાં ઉદયને સરખું કવિકૌશલ બતાવ્યું છે. વિશદતાને છોડ્યા વિના, ક્યાંક તિર્યક્તાથી, ક્યાંક વ્યંજના દ્વારા એમણે કાવ્યમર્મો પ્રગટાવ્યા છે. કેટલાક અંશો વાંચીએ :
૦ ‘કોઈએ કહ્યું છે
માણસ જન્મે ત્યારે એનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે.
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?’
(‘મરવું’-માંથી, ‘સેલ્લારા’)
૦ ‘પેરેલિસિસમાં શરીર થઈ ગયેલું પિંજરું
એક વાર રહી ગયું ખુલ્લું
પોપટ ઊડી ગયો.’
(‘ગુમાવું’-માંથી, ‘સેલ્લારા’)
‘ભગવાન પણ ઓછી માયા છે?’ એક લાક્ષણિક સ્વાદ્ય કાવ્ય છે. મોક્ષ નહીં, જનમોજનમ અવતાર; વ્રજ વહાલું, વૈકુંઠ નથી જાવું – એવી પ્રેમભક્તિમય પસંદગી પ્રાચીન-મધ્યકાલીન કવિતામાં છે. એ ભક્તની પસંદગી છે, ઉદયનના આ કાવ્યમાં ભગવાનની પસંદગી છે! ભવ્ય ભેટો લઈને આવેલાં સમ્પન્ન માણસોને એ ભેટો ‘સ્વીકારી સ્વીકારીને, નાખ્યાં સ્વર્ગ નામની વખારે’ પરંતુ ‘પછી ભિલ્લુના હાથમાં હાથ પરોવીને, ભગવાન બોલ્યા, ‘કેમ વહાલા, ગોટી રમીશું ને?’ (‘સેલ્લારા’) ‘આત્મનિવેદનમ્’ એવું એક બીજું સરસ કાવ્ય છે. આ આત્મનિવેદન રાવણનું છે. પૌરાણિક-સંદર્ભો સરસું ચાલતા આ કાવ્યની છેલ્લી પંક્તિઓ વાંચીએ –
‘અહીં મન મીંચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને
તારને સ્થાને આ તાણ્યું આંતરડું.
રાવણહથ્થો વાગે
અંતરડાનું જંતરડું જાગે
ત્યારે જાણજો કે હું નાભિમાંથી બોલ્યો...
ગાઉં ને ગુંજું ત્યારે હું સાચો
બાકીનો સમય
રાક્ષસ’
(‘સેલ્લારા’)
પુરાણ-સંદર્ભોને લઈને કથાના લયમાં રચાયેલું, અછાંદસ અને વૃત્ત-છંદોમાં વહેતું, કથાકાર ભટ્ટ અને શ્રોતાઓ વચ્ચેના તેમજ અંતરિક્ષમાં વિષ્ણુ અને ગરુડ વચ્ચેના સંવાદ-અંશોને ગૂંથતું ‘ગરુડપુરાણ’ એક સુદીર્ઘ – ક્યાંક લંબાયેલું-ખેંચાયેલું લાગતું પણ સુવાચ્ય રહેતું – મહત્ત્વનું કાવ્ય છે. અપમૃત્યુ પામેલા પિતા અવગતિનો નરકવાસ ન પામે એ માટે ગરુડપુરાણ બેસાડતા પુત્રની આકાંક્ષામાં ‘મૃત્યુ પછીની સદ્ગતિ’નો રૂઢ ભાવ છે. એના વિરોધમાં જીવાતા જીવનની વિડંબના આ કાવ્યમાં સૂચન-નિરૂપણ પામી છે. કાવ્યનો છેલ્લો અંશ ‘શ્રવણફલમ્’ એથી, બહુ વ્યંજક બની રહે છે. વિષ્ણુએ આપેલા વરદાનના ઉત્તરમાં ગરુડ કહે છે –
‘કરુણાનધિ, એવા આશીર્વાદ આપો
કે આ સૃષ્ટિસમસ્ત, નરકયાતનામાંથી મુક્ત થાય!’
પરંતુ એનો ઉત્તર આપવા જતા વિષ્ણુના ફફડતા હોઠ પરના શબ્દો ગરુડજી સાંભળી-પામી શકતા નથી. વિષ્ણુ નિરુત્તર ભલે નથી, પણ અનિશ્ચિત-ઉત્તર છે. ગરુડજી ફરી પૂછે છે,
‘હે વાચસ્પતિ! બ્રહ્માંડો પ્રતીક્ષે છે
આપનો શબ્દ...’
પણ વિષ્ણુનો શબ્દ અશ્રાવ્ય (અવઢવવાળો?) રહે છે. ને–
‘અહીં પૃથ્વી પર સંભળાયા કરે છે આરતીનો કોલાહલ.’
આ બે કાવ્યોથી જાણે ઉદયનની કવિતા, પછીના સંગ્રહ ‘રાવણહથ્થો’માં અનુસંધાન પામે છે.
રાવણહથ્થો
આ સંગ્રહની રચનાઓમાં કવિનો અવાજ વધુ ઘુંટાયેલો ને વધુ શક્તિમંત બન્યો છે. કવિવિસ્મયની સાથે જ, કવિની ચેતનાના પ્રવર્તનમાં એમની સર્જક લેખેની વિદગ્ધતા વધુ કાર્યશીલ બની છે. સંગ્રહના નિવેદન ‘કિંચિત્’માં તો કવિએ જાણે એક ટૂંકુંસરખું પ્રવચન જ કરી કાઢ્યું છે! પણ એમાંથી એક ઓળખ-ઉદ્ગાર આપણે તારવી લઈએ. એ કહે છે, ‘કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં ને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે.’ આ સંગ્રહમાં કવિએ એમનાં કાવ્યોને સાત ખંડો પાડીને રજૂ કર્યાં છે. આ આયોજન-વિભાજન કોઈને સિતાંશુ યશશ્ચંદ્રના સંગ્રહોની ભાત(પૅટર્ન) યાદ કરાવે, પણ અંદરની કાવ્યરચનાઓ નિતાંત ઉદયની છે અને ખંડવિભાજન પણ એમની પોતાની અનિવાર્યતામાંથી આવ્યું છે. બે મુખ્ય લાક્ષણિકતાઓ આ કાવ્યોની આગવી મુદ્રા આંકે છે. સંગ્રહનાં મોટા ભાગનાં કાવ્યો મહાભારત આદિમાંનાં લાક્ષણિક પુરાકથાનકોના તેમ જ વિશ્વભરની એવી જ પ્રાચીન-અનુપ્રાચીન વિલક્ષણ ઘટનાઓના તથા પાત્ર-પ્રસંગોના સંદર્ભ-તંતુઓવાળાં છે. આ તંતુઓ, આ મૂળિયાં કવિની સંવેદનાને ક્યાંક કંપાવતાં, ક્યાંક તીવ્રતાથી હચમચાવતાં રહ્યાં છે ને નવો કાવ્યાવતાર પામ્યાં છે. બીજી, પ્રસન્ન કરનારી લાક્ષણિકતા છે કવિનું છંદવિધાન. ઉપજાતિથી (ક્યાંક ગુલબંકીથી) સ્રગ્ધરા સુધીનાં સંસ્કૃત વૃત્તો, નિયતથી પરંપરિત સુધીના તેમ જ ગઝલમાં પ્રયોજાતા માત્રામેળો, મનહર-વનવેલી જેવા સંખ્યામેળ-લયમેળ છંદો એમણે યોજ્યા છે – અછાંદસની આસાનીથી યોજ્યા છે, અન્વયને મરોડ્યા વિના ને તત્સમ શબ્દાવલીને લાદ્યા વિના તથા કથન-પ્રવાહને અવરોધ્યા વિના યોજ્યા છે. છંદવિવિધામાં ને પદાવલી-સંયોજનમાં ઉદયને કાન્તની ને છેક દલપતરામની પરંપરા સુધી વિહાર કર્યો છે, પોતાનો સૂર છોડ્યા વિના. હવે થોડાંક કાવ્યોની નજીક જઈએ, વિભાગ-અનુસાર. વિભાગ ‘એક’નાં કાવ્યોમાં મહાભારત-રામાયણમાંનું કોઈ કથાનક, કોઈ પાત્ર કે પછી સમગ્ર મહાકાવ્યનું કોઈ વિલક્ષણ સત્ય સંવેદનવિષય બન્યું છે ને મનુષ્ય-વેદનાના, મનુષ્ય-સંબંધોના માર્મિક અંશો એમાં તિર્યક્તાથી કાવ્યરૂપ પામ્યા છે. ‘ધર્મયુદ્ધ....?’ કાવ્ય મહાભારત-યુદ્ધના ૧૮ દિવસોમાંથી કેટલાંક દ્રુત ચિત્ર-અંશો (સ્નેપ-શૉટ્સ) ઝડપીને સોએક પંક્તિઓમાં જ, ધર્મ અને સત્યની કરુણ વિડંબનાને સૂચવે છે. ૧૮મા દિવસે કૃષ્ણ અર્જુનને કહે છે – ‘તમારું શ્રેય ઇચ્છીને, કપટયુદ્ધ આદરી / મહારથી હણ્યા છે મેં એક એક કરી કરી.’ (અનુષ્ટુપ). વળતાં અર્જુન ભગવાનને કહે છે, ‘યુુદ્ધ પૂર્વે ભગવદ્ગીતામાં તો તમે જુદો જ ઉપદેશ આપતા હતા!’ આ જ વક્રતા કાવ્યારંભે પણ છે – આ ‘ધર્મ’યુુદ્ધના નિયમોની પ્રતિજ્ઞા લેતાં ધૃષ્ટદ્યુમ્ન કહે છે – ‘શસ્ત્રહીન થયેલાને હણવો નહીં’ (અનુષ્ટુપ); ભીમ કહે છે – ‘છળપૂર્વક લડવું નહીં’ (અનુષ્ટુપ). કવિએ કોઈ અર્થઘટન ‘કહ્યું’ નથી, દૃશ્યોથી ને પાત્રોદ્ગારોથી ‘બતાવ્યું’ છે. એથી કાવ્ય સુવાચ્ય રહીને માર્મિક બન્યું છે. ‘રામરાજ્ય’ વાલ્મીકિ રામાયણના શ્લોક-સંદર્ભોની સરસું રહીને, રામના સીતાત્યાગને અને કવિના સ્વીકારને આલેખે છે. ગંગાને સામે તીરે સીતાને ઉતારીને, ક્ષમા યાચીને લક્ષ્મણ વિદાય લે છે, ને કવિ પ્રવેશે છે :
‘ઊભી ઊભી રુએ છે.
જાનકીને વાલ્મીકિ
ભીની આંખે જુએ છે.’
(છંદ : ગાલગા લગાગાગા)
કાવ્યના છેલ્લા ખંડની સળંગ વાલ્મીકિ-ઉક્તિમાં કવિ બદ્ધ છંદવિધાનને થોડું હળવું કરે છે. સીતાને કહે છે, આ તીરે હવે રાજસત્તા પૂરી, કવિસત્તા શરૂ. ‘તારું જ ઘર છે આ / વસવું હોય ત્યાં સુધી વસ / સુખેથી / અહીં / મારા કાવ્યમાં.’ ‘મારા કાવ્યમાં’ કહેવાથી વ્યંજના રમણીય ને બૃહત્-વ્યાપી બને છે. પુરા-સંદર્ભો સિવાયના સંદર્ભોનાં ને વ્યક્તિગત સંવેદનનાં વિભાગ ‘બે’નાં કાવ્યો પ્રશિષ્ટ છંદ-વિધાનમાંથી અછાંદસમાં વહે છે. ક્યાંક તો ગદ્યકથન ને વાર્તાકથન છે, પણ વ્યંજના કવિતાની છે. ‘વારતા’ કાવ્યમાં બકરી, ભટુરિયાં ને વરુ એનાં એ લાગે છે, પણ એનાં એ નથી. બકરીનું નામ અસ્મિતા છે અને છે તેજતર્રાર સ્વભાવની, પોતાની ભાષા પર મગરૂર! ભટૂરિયાં ‘વુલ્ફ’ના ‘હલ્લો, હાઉ ડુ યુ ડુ’માં ફસાઈને એનો ગ્રાસ બને છે. અસ્મિતાએ તો કહેલું, ‘માતાની ભાષા ઓળખનારાં જ જીવતાં રહે છે આ જંગલમાં.’ ‘ડીમન એક્સપ્રેસ’ પણ કૉન્વેન્ટની ભાષામાં ખેંચાઈને ‘ડીમન’(રાક્ષસ)ની રાઇડમાં બેસીને ‘ડીમનના મોંમાં હડપ થતાં’ બાળકોની માતૃભાષાના વિલયની વક્રતા છે. ‘કચરાટોપલી’ અને ‘ઝેરોક્સ સાહિત્ય’ વક્ર સ્થિતિમાં બેસ્વાદ બનતા સાહિત્ય-અનુભવને વિલક્ષણતાથી નિરૂપે છે. સંકેતોથી કાવ્યરચના કરતા કવિને ક્યારેક ચમત્કૃતિ રચવામાં રસ પડે છે. એવી ચમત્કૃતિ રસપ્રદ બને છે, પણ ક્યાંક મુખર બની જાય છે. ‘ફેન્સી ડ્રેસ’માં, મોટપણે મિત્રો બાળપણ અનુભવવાની રમત આદરે છે. કાવ્યમાં વ્યંજના છે એને કવિએ ઉઘાડી પાડી બતાવી છે! –
‘થોડી પળો અમે
બાળપણ પહેરીને
મૃત્યુને છેતર્યું.’
વિભાગ ‘ત્રણ’ની રચનાઓમાં સ્થળ-કાળના, ઇતિહાસના મોટા ફલક પરથી ગ્રહેલાં કેટલાંક ઘટના-પાત્ર-સંવેદના કાવ્યવિષય બન્યાં છે. ‘ઓગણીસો અઢાર’માં યુરપ-અમેરિકામાં ભયાનક બનેલા સ્પેનિશ ફ્લૂનાં, કેટલાંક શહેરોનાં હૃદય-વિદારક દૃશ્યચિત્રો જાણે કે દીવાલે ટાંગેલી મરણોપરાંત છબીઓ જેવાં લાગે છે!
‘ઘણાંય હૉસ્પિટલોની બહાર ઊભાં છે
કોઈની સારી, કોઈની ખરાબ દુવા મળે
હવે આ જાય તો એના બિછાને સૂવા મળે’
તથા ‘પછી તો સ્પેનમાં વસતીગણતરી લેવાઈ : / મર્યા છે કેટલા લોકો? કયાં શહેરોમાં? પહેલા નંબરે કોણ આવ્યું, એ કહી શકશો?’ એવી તિર્યક્ પંક્તિઓ વિશ્વવ્યાપી કોરોનાના આતંકનેય જાણે ધ્વનિત કરે છે (કાવ્ય રચાયું છે ૨૦૨૦માં). ‘ચેસ્લો વિમ્બાર્સ્કાની ડાયરી’ નામનું કાવ્ય બીજા વિશ્વયુદ્ધની દારુણતાને કરુણ-બીભત્સની વક્રતાથી આલેખતું અસરકારક કાવ્ય છે. એક વિલક્ષણ કટાક્ષનું કાવ્ય છે ‘કાકારેકુ.’ ચૂંટણીથી વાજ આવી ગયેલા બ્રાઝિલના સાઓપોલો શહેરના લોકોએ કાકારેકુ નામના એક ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખેલો! મનહરમાં ચાલતા ને વિનોદ-કાકુવાળી દલપતશૈલી યોજતા આ કાવ્યની છેલ્લી પંક્તિ સાંભળી લઈએ : ગેંડો જીતી જાય છે, મોટાં માથાં સામે આ વનેચર કેમ જીત્યો? ‘તેઓ બોલ્યા : આ બિચારો ખાવાનો સાઠ રતલ / બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે.’ હળવી રીતિની એક સ્વાદ્ય રચના. વિભાગ ‘ચાર’માં નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સિતાંશુુ યશશ્ચંદ્ર, જયંત પારેખને વિષય કરતાં કાવ્યો છે. એમાં નિરંજન ભગત વિશેના કાવ્યની આ પંક્તિઓ ધ્યાનાર્હ છે :
‘હૅવમોરમાં આઇસક્રીમ ખાતાં, સાદ સંભળાય
‘લાવો તમારો હાથ મેળવીએ’
એક છેડે હું બેઠો હોઉં
બીજે છેડે ભવભૂતિ
બેયને લાગે : મને કહે છે.’
વળી પાછું છંદવિધાનને યોજતાં, ખંડ ‘પાંચ’નાં કેટલાંક કાવ્યોમાં ઘટના-સંવેદનનાં આલેખનો બહુ વેધક છે. ચિત્રકાર કારાવાજિયો એક ગણિકાને સામે બેસાડી ચિત્ર કરતો ગયો ને ઊપસી આવી ઈસુની માતૃકા! છેલ્લી પંક્તિ છે :
‘ગણિકાને ચિત્રકારે તો માતા ગણી હતી,
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.’
(છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા)
બ્રાઝિલના ચિત્રકાર પોર્ટિનારિએ સંયુક્ત રાષ્ટ્રસંઘની ભીંતે એક અતિકાય ભીંતચિત્ર આલેખેલું છે. કવિ જુએ છે કે કલાકારે ‘પીંછી ઉપાડી, ભીંતમાં મારગ થતો ગયો.’ (કાવ્ય ‘યુદ્ધ અને શાંતિ’, રચનાવર્ષ ૨૦૨૧). વૉર એન્ડ પીસ નામના આ ચિત્રમાંની પંક્તિઓ તો જુઓ : ‘સર્વત્ર સ્ત્રી જ સ્ત્રી જ છે, પુરુષો કશે નથી / યુદ્ધોની પૂર્વે તો હતા, કિન્તુ હવે નથી / કુરુકુુળવધૂ ફરી રહી ઓગણીસમે દિવસ?’ છેલ્લા પ્રશ્નાર્થમાં કવિએ વિશ્વનાં, મહાભારત સમેતનાં, મહાયુદ્ધોના ભયાવહ કરુણને જાણે એક-આકાર કરી દીધો છે. આ કાવ્યનું છંદવિધાન છે – ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા. એનું ઉદા. લખ્યું છે – ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’ શું આ દૃષ્ટાંત પણ અનાયાસે ધસી આવેલી વ્યંજના? વિભાગ ‘છ’ આખોય એક જ કાવ્યનો છે. પંદર પાનાંમાં વિસ્તરેલું આ દીર્ઘ કાવ્ય જેરુસલામની જેહાદને આલેખે છે. આ મહત્ત્વાકાંક્ષી રચના સક્ષમ છે. એની કેટલીક ચાવીરૂપ પંક્તિઓ નોંધીને અટકીએ : ‘ગાજતી ને ગજવતી નીકળે નદી / એમ જેરુસલામ જાવા નીકળી / ઈસુની અગિયારમી આખી સદી. (ગાલગાગા ગાલગાગા ગાલગા) વિભાગ ‘સાત’ : અરે કવિ, છ કોઠા ઠીકઠીક દુર્ભેદ્ય અને છેલ્લો સાતમો કોઠો ભેદ્ય?! કેવી આય્રની! આ વિભાગમાં એક દુહા-સોરઠા-કાવ્ય છે, બીજી છ ગઝલરચનાઓ છે. માર્મિકતા અને રંજકતા વચ્ચેનું અંતર અહીં ઓછું થતું જાય છે, મરમાળો સોરઠો આવી કડી પણ ધરે છે! : ‘હસ્તધૂનન શી ચીજમાં ખાઈ ગયા ને થાપ! / સમજ્યા હસ્તમિલાપ, કોઈ એમાં શુંં કરે?’ ગઝલોમાં ઉદયનની પૂર્વકવિતામાંનો હળવો વિનોદ, ચમત્કૃતિ, સભારંજકતા વાનગીલેખે અહીં પણ આવ્યાં છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ-દિલ્લગી, દિલબહેલાવ રંજકતા. એની વચ્ચે –
‘સંતુલન આબાદ સાચવ્યું,
કાચાં કાવ્યો, પાકાં પૂંઠાં’
– એમાં કવિએ નબળા કાવ્યરાશિ પર કટાક્ષ કર્યો છે. ગઝલ-રચનાઓ આવી ઉચ્ચાવચતાવાળી બલકે કાચી-પાકી છે. પરંતુ કવિની એક વિલક્ષણ ઓળખ તરીકે એ સંગ્રહ-સ્થ છે એમ કહેવું રહ્યું.
ઉદયન ઠક્કરની કવિતા, ભાવકની સજ્જતાની અપેક્ષા રાખનારી, વિદગ્ધ ભાવકને વધુ આસ્વાદ્ય લાગનારી કવિતા છે. કવિમાં વિસ્મય અને વિદગ્ધતાની જે જુગલબંધી છે એ ભાવકને ચેતો-વિસ્તારનો આનંદ આપનારી છે. એમાં હવે પ્રવેશીએ –