ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ગુણાઢ્યની ઉક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગુણાઢ્યની ઉક્તિ


(છઠ્ઠી સદીમાં ગુણાઢ્યે ‘બૃહત્કથા’ની પદ્યવાર્તાના સાત લાખ શ્લોક પૈશાચી ભાષામાં રચ્યા હતા. પિશાચ જાતિના લોકો પશ્ચિમોત્તર ભારતમાં કાશ્મીર પાસે વસતા હતા એમ કહેવાય છે.)


કથા-વારતાઓનો શોખ
મને બાળપણથી હતો
દિવસરાત લખતો જતો...

લખી નાની-મોટી બહુ
કથાઓ, મને કહે સહુ

‘તું લે રાજવીનું શરણ
સભામાં થશે વાહ વાહ
વળી મળશે શિરપાવ પણ’

અમે જ્યાં રહેતાં હતાં
પિશાચોની વસ્તી હતી
મળી માતૃભાષા મને
એ નાની અમસ્તી હતી

સકળ મારું સર્જન લઈ
વટાવીને વગડાઓ, વન
ગયો રાજવીને ભવન

પહેલી કહાણીની મેં
શરૂઆત જેવી કરી
‘અરે આ તો પૈશાચી છે!’
સભાજનમાં હોહા થઈ...

‘ભાષામાં મધુરા, મુખ્યા, દિવ્યા ગીર્વાણભારતી!’
વદ્યા વિદ્વાન... મેં પૂછ્યું, મારી પોતાની જીભથી,
‘તેથી શું? માતૃભાષામાં કવિતાઓ નથી થતી?’

ન ફરિયાદ કે રાવ છે
લખ્યું માતૃભાષામાં મેં
મળ્યો એનો શિરપાવ છે

આ બાવન પગથિયાં ચડી
કોઈ આવનારું હશે?
હું ઊભો છું ઉપહાર લઈ
કોઈ એને સ્વીકારશે?

બાવન : મૂળાક્ષરો
છંદવિધાન : લગાગા લગાગા લગા

(૨૦૨૨)