ઉપજાતિ/અજન્તા-ઇલોરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અજન્તા-ઇલોરા

સુરેશ જોષી

થાપા અહીં કુંકુમના કર્યા તે
પ્રવેશતાં આ ઘરમાં વધૂ બની,
આ ભીંત પે દૂધ તણો હિસાબ;
યાદી પણે છે કપડાંતણી લખી;
આ હાર આખી લખી આંકડાની
ચિરંજીવીએ ગણિતજ્ઞ કો બની!
તારાભણી ક્રોધથી તાક્યું ખાસડું,
દીવાલને અંગ થયો અહીં ઘા!
નિ:શ્વાસ તારા કંઈ આંકી છે ગયા
લાચારીકેરી લિપિઓ હજાર.

દારિદ્ય્રનું ટાંકણું હાથમાં લઈ
કોર્યાં જમાને કંઈ શિલ્પ આપણાં:
આ આંખની ઊંડી ગઈ બખોલ,
ને હાડકાંની કશી તીક્ષ્ણ ધાર;
આ પાંસળીઓ તણું રે શું સૌષ્ઠવ;
દેવો બની મુગ્ધ જુએ, શું ગૌરવ!
અમે રચ્યાં છે અહીં સાથ સાથે
જુઓ અજંતા વળી આ ઇલોરા-
આ ઓરડીમાં દસ બાય બારની.