ઉપજાતિ/લટાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લટાર

સુરેશ જોષી

આવો જરા આજ લટાર મારીએ,
વૃક્ષોતણી દીર્ઘ કતાર જોઈએ;
ના બેસવું, થંભવું, બોલવું ય
અસંખ્ય આ વૃક્ષ ગણ્યે જઈએ.

જો બેસીએ તો સ્મૃતિનીર બેસતાં
બધું બને નિર્મળનીતર્યું અરે!
ને જોવું ના જે બધું સ્પષ્ટ તે બને
વીંધ્યા કરે દૃષ્ટિ સહસ્ર શૂળે!

ચાલો, જરા એ જળને ડખોળીએ,
આવો, જરા માત્ર લટાર મારીએ.

ભર્યાં ન સાથે ડગ સાત આપણે
ત્યાં મંડપે લગ્નતણાં ભલે ને!
આવો તમે આજ ખુશીથી આપણે
સાથે ભરીએ ડગ સાતસો હવે;
ને સાતસો એ પગલાંની નીચે
દાબી દઈએ સ્મૃતિઓ હજાર,
ભેદ્યા કરે જે ઉર આરપાર!

ના હોમધૂમે થઈ આંખ રાતી,
ને તો ય આજે કણી કોક તાતી
કોર્યા કરે શારડી શી સદાય;
તેની ન હોઠે જરી વાત લાવીએ,
આવો, જરા માત્ર લટાર મારીએ.

બેઠાં ન’તાં આપણ સામસામે
ને ના ધર્યો’તો પટ યે પુરોહિતે,
ગ્રહ્યો નથી પાણિ ય સર્વ સાક્ષીએ.
આજે થયાં આપણ સામસામે,
વચ્ચે પડ્યો આ પટ દૂરતાનો,
ને હાથને પાંખ ઊગી છતાં યે
સાથે છતાં દૂર રહી જ ચાલીએ,
એ દૂરતાના પટને ન છેદીએ,
અધીર એ હાથની પાંખ કાપીએ.

ચાલો, જરા આજ લટાર મારીએ,
અસંખ્ય આ વૃક્ષ ગણ્યે જઈએ.