ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉપસંહાર: કવિતા

ઉમાશંકરની કવિતાયાત્રા ૧૯૨૮થી જે નક્કરપણે આરંભાઈ તે જીવનના અંત સુધી ચાલુ રહી. એ યાત્રા ઘણી રસપ્રદ છે. ‘વિશ્વશાંતિ’ ૧૯૩૧થી આરંભાતા ગુજરાતી કવિતાના એક નવીન તબક્કાને સીમાંકિત કરે છે. ‘છિન્નભિન્ન છું’ કાવ્ય ૧૯૫૬થી આરંભાતા ગુજરાતી કવિતાના છંદોલય-ક્ષેત્રના એક નૂતન વળાંકનું દર્શન કરાવે છે. ગુજરાતના પ્રકૃતિવિષયક, પ્રણયવિષયક, દીનદલિતવિષયક, ગાંધીવિષયક અને ગુજરાતપ્રશસ્તિવિષયક કાવ્યસંચયો એમની કાવ્યપ્રસાદી વિના થઈ ન શકે. ગુજરાતી સૉનેટને પ્રતિષ્ઠિત કરનાર, દૃઢમૂલ કરનાર બલવંતરાય ઠાકોર, એના વિકાસમાં જવાબદાર જે કેટલાક કવિઓ તેમાં ઉમાશંકરનો નિર્દેશ મહત્ત્વનો છે. ગુજરાતી ગીત-સાહિત્યના વિકાસમાં ન્હાનાલાલ પછી, સમૃદ્ધ ફાળો આપનારા તે સુન્દરમ્ અને ઉમાશંકર. ઉમાશંકર ગીતાશક્તિમાં ન્હાનાલાલને આંબી શકે એમ તો નથી; એમની કલાકાર તરીકેની સભાનતા એમાં કંઈક અંતરાયરૂપ પણ જણાય; આમ છતાં ‘ભોમિયા વિના’, ‘ગાણું અધૂરું’, ‘શ્રાવણ હો’ જેવાં કેટલાંક એવાં ગીતો અવશ્ય મળે છે, જે ગુજરાતી ભાષાનું ધન બનેલાં છે. તેમની સૉનેટ-માળાઓ – સૉનેટગુચ્છો તેમ જ ગીતમાળાઓ-ગીતગુચ્છો તરફ આપણા વિવેચકોનું વધુ ધ્યાન જવું જોઈતું હતું. ‘આત્માનાં ખંડેર’, ‘પ્રણય-સપ્તક’, ‘નારી : કેટલાંક સ્વરૂપ’ જેવી સૉનેટમાળાઓ; ‘આતિથ્ય’ અને ‘વસંતવર્ષા’માંની ‘સરવડાં’ની ગીતમાળાઓ આ સંદર્ભમાં તુરત યાદ આવે. એમનાં ‘શિશુબોલ’ ને ‘ત્રિશૂળ’નાં કાવ્યોનુંયે વસ્તુ-સ્વરૂપ વિલક્ષણતાએ ધ્યાનાર્હ છે. ‘ભટ્ટ બાણ’ જેવાં કાવ્યોને ખંડકાવ્યો તરીકે, ‘સદ્ગત મોટાભાઈ’ને કરુણપ્રશસ્તિ તરીકે તપાસી જોવાના વિવેચકોના પ્રયત્નોયે રસપ્રદ થઈ શકે. ‘સપ્તપદી’માંની એમની કાવ્યસંપદા તો ગુજરાતી કવિતાનો એક વિલક્ષણ સાતમજલી પ્રાસાદ છે. ‘પંખીલોક’ તો ઉમાશંકરના કવિલોકનો સર્વોત્તમ દર્શનકક્ષ છે. ઉમાશંકરની ‘વિશ્વશાંતિ’ રચનાને ‘કથનોર્મિકાવ્ય’ તરીકે અવલોકવાથીયે કેટલોક અવબોધપ્રકાશ મળી શકે. ગુજરાતી નાટ્યાત્મક ઊર્મિકવિતામાં ઉમાશંકરની સિદ્ધિ મહત્ત્વની છે. કવિતામાં નાટ્યતત્ત્વ સિદ્ધ કરવાની એમની મથામણ રસપૂર્ણ છે. ગુજરાતી સાહિત્યમાં પદ્યનાટક સિદ્ધ કરવાનો એમનો પુરુષાર્થ એકાગ્રતા ને સાતત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. માત્રામેળ છંદો બાદ કરતાં આ નાટ્યલક્ષી પદ્યપ્રયોગોમાં તેમણે મિશ્રોપજાતિ, અનુષ્ટુપ, પૃથ્વી અને શિખરિણી જેવા છંદો ઠીક ઠીક કૌશલ્યથી યોજી બતાવ્યા છે. કેશવ હર્ષદ ધ્રુવ તથા રામનારાયણ પછી વનવેલીનો એમણે કરેલો પ્રયોગ સવિશેષ ઉલ્લેખપાત્ર છે. એમની ‘મહાપ્રસ્થાન’માંની રચનાઓમાં જે રીતે દ્વાદશવર્ણી અને ષોડશવર્ણી વનવેલી પ્રયોજાય છે તે રંગભૂમિ માટેના પદ્યમાધ્યમમાં એમણે સાધેલી ઉત્ક્રાન્તિના સંકેતરૂપ છે. રામાયણ અને મહાભારતના કથાવસ્તુ પર અર્વાચીનકાળમાં જે કંઈ કામ થયેલું છે તેમાં ઉમાશંકરનું નામ ઉત્કૃષ્ટ કોટિનું લાગે એવું છે. બુદ્ધને અનુલક્ષતાં ‘બાલ રાહુલ’ અને ‘નિમંત્રણ’ કાવ્યો — નાટ્યલક્ષી પદ્યપ્રયોગો — આપણે ત્યાં લખાયેલાં બુદ્ધવિષયક કાવ્યોમાં આગળ તરી આવે એવાં છે. ઉમાશંકરની કવિતા ગાંધીયુગીન સત્ત્વનો પ્રભાવ તો દાખવે છે તે સાથે ગુજરાતી કવિતાની પરંપરાની ઉત્ક્રાન્તિયે દાખવે છે. ગુજરાતી કવિતાનું સત્ત્વલક્ષી ને સૌન્દર્યલક્ષી ઉન્નયન સિદ્ધ થયેલું એમની કેટલીક કવિતા-રચનાઓમાં તો જણાશે જ. એમની કવિતા સતત વિકાસોન્મુખ રહી છે. ચિંતન, ઊર્મિ ને કલ્પનાના નવનવોન્મેષો દાખવતો એમનો શબ્દ ‘અભિજ્ઞા’ પછીયે સારી સ્ફૂર્તિથી કામ કરી શક્યો ને તેનું એક સુભગ દર્શન ‘સપ્તપદી’માં આપણને થયું છે. ઉમાશંકરનો કવિતાફાલ વિષયવસ્તુના, સ્વરૂપના તેમ છંદો વગેરેના વૈવિધ્યે સમૃદ્ધ ને તેથી આકર્ષક જણાય છે. એમના જેવો ઉત્કૃષ્ટ કવિતાકસબ ઘણા ઓછા કવિઓમાં આપણે જોઈ શકીએ છીએ. એમનું ભાષાપ્રભુત્વ છંદ-પ્રભુત્વ અને પ્રાસપ્રભુત્વમાંયે ઉપકારક થયું છે. ગુજરાતી માત્રામેળ ને અક્ષરમેળ વૃત્તોનું, ગીતઢાળોનું જે વૈવિધ્ય–મિશ્રણ એમણે અજમાવી બતાવ્યું છે તે પિંગળકારો માટેય ધ્યાનાર્હ છે. તેમણે પદ્યપરિચ્છેદનાયે પ્રયોગો કર્યા છે. ‘લયપ્લુતિ’ પણ એમની ધ્યાન બહાર નથી. કાવ્યબાનીમાં સૌષ્ઠવ દાખવનાર તરીકે ‘કાન્ત’ પછી ઉમાશંકરનું નામ દેવું ગમે. કાવ્યોપકારક શિસ્તસંયમમાં એ બંને કવિઓ સ્થિરપદ જણાય છે. દલપતરામ પછી (કારીગરીથી નહીં પણ કલાત્મકતાથી) રૂડા પ્રાસ મેળવનારાઓમાં ઉમાશંકર અવશ્ય નજરમાં આવે. સૉનેટરચનાઓમાંનું એમનું પ્રાસવૈવિધ્ય અને ‘પ્રાચીના’માંનું એમનું પ્રાસકૌશલ્ય ઝીણવટથી તપાસનારને આ વિધાનનું વજૂદ વરતાશે. અલબત્ત, આ પ્રાસરચનાયે એમને કેટલીક હાનિ કર્યાનાંયે દૃષ્ટાંતો છે, છતાં સરવાળે તો એમની એક સિદ્ધિ તરીકે જ એમની પ્રાસમેળવણીની નિપુણતાને નીરખવી રહી. ઉમાશંકરે કવિતા-નાટકો કાનથી લખ્યાં છે એમ પણ કોઈ કહી શકે. એમનો શબ્દરસ એવો ઉત્કટ અને ઊંડો છે. ઉમાશંકરે લોકબોલીથી માંડીને સંસ્કૃતાઢ્ય લાગે એવી વાણી સુધીના વિવિધ વાક્સ્તરોને અનુલક્ષતા કવિતાપ્રયોગો ક્યાં છે. એ વાઙ્પ્રયોગોમાં એમની કવિપ્રતિભાનો પ્રભાવક પ્રસાદ આસ્વાદવા મળે છે. ઉમાશંકરની કવિતાને વિવિધ પેઢીઓના નરસિંહરાવ, બ. ક. ઠાકોર, કાકાસાહેબ, વિષ્ણુપ્રસાદ અને નિરંજન ભગત અને તે પછીની પેઢીના અનુગામી અનેક ભિન્નરુચિ સાહિત્યમર્મજ્ઞો દ્વારા સ્વાગત પ્રાપ્ત થયું છે એ ઘટના તેમના શિષ્ટ કવિત્વની જ દ્યોતક ને સમર્થક જણાય છે.