ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા[1] આપી છે ! – ૧. કવિ તરીકે ૨. એકાંકી નાટ્યકાર તરીકે ૩. સંશોધનકાર અને કાવ્યવિવેચક તરીકે ૪. નવલિકાકાર તરીકે ૫. નવલકથાકાર તરીકે આ વ્યવસ્થા કંઈક વિચિત્ર છે ને આમેય ‘કાવ્યવિવેચક’ અને ‘નવલિકાકાર’માં કાવ્યવિવેચકને પ્રથમ સ્થાન કયા ધોરણે એ કેટલીક રીતે અટકળનો વિષય પણ રહે છે. આવાં જોખમી તારણોથી વિવેચકે બચતા રહેવું એ જ ઇષ્ટ છે, ને છતાંય પ્રસંગોપાત્ત, એવી વાત કરવાની આવે ત્યારે સર્જન અને વિવેચનના અલગ ક્ષેત્ર પૂરતો તો વિવેક કરવો જ જોઈએ. વળી આ તો ‘જ્યોતિર્ધર’માંનું ૪–૯–૧૯૪૩ની તારીખનું લખાણ છે. તે પછી તો ઉમાશંકરનું નિબંધકાર, ચરિત્રકાર આદિની હેસિયતથી થયેલું કાર્ય તો બાકી જ રહે છે. ઉમાશંકરનું જેમ ગુજરાતી કવિતા અને એકાંકીના ક્ષેત્રમાં, તેમ ટૂંકી વાર્તામાં પણ પ્રદાન મહત્ત્વનું છે અને તેથી એમના વાર્તાક્રમની ચર્ચા વિનાનો ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ અધૂરો જ રહે. જેમ કવિતામાં તેમ વાર્તામાં પણ સુન્દરમ્‌ અને ઉમાશંકરનાં નામ જોડાજોડ બોલાય છે અને તેથી ધનસુખલાલ જેવા સાહિત્યકાર નીચેનાં જેવાં રમૂજ પડે એવાં વિધાન પણ કરી બેસે છે. તેઓ અલબત્ત, આશ્ચર્યવિરામ વાપરીને લખે છે :

“કવિતાના ક્ષેત્રમાં ઉમાશંકરે સુન્દરમ્‌ને મહાત કર્યા એ વાત સૌ કોઈ સ્વીકારી લે છે, તે પ્રમાણે નવલિકાના ક્ષેત્રમાં સુન્દરમે ઉમાશંકરને ચીત કરી દીધા છે એની પણ કોઈ ના નહિ પાડી શકે !”[2]

આ દરેકની વાર્તાકાર તરીકેની પોતાની આગવી ખૂબી છે અને તેથી શુદ્ધ વાર્તાકલાની દૃષ્ટિએ જ એમના વાર્તાકર્મનું સામર્થ્ય તપાસાય એ ઇષ્ટ છે. સુન્દરમ્‌ ‘ખોલકી’ લખી શક્યા, ઉમાશંકર લખી શકે ? – આવા પ્રશ્નો ઊભા કરીને બંનેના વિશિષ્ટ સર્જકવ્યક્તિત્વ પ્રત્યે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકાય. બંનેની વાર્તાકલાની તુલના અમુક હદ સુધી રસપ્રદ પણ રહે; દા. ત., જયંત પાઠકે આ બંનેના સંદર્ભે વાત કરતાં લખ્યું છે :

“સુન્દરમ્‌‌ની વાર્તાઓની જેમ ઉમાશંકરની છ વાર્તાઓમાં પણ ગ્રામજીવન ને નગરજીવનનું નિરૂપણ થયું છે. વિચારસરણી ને જીવનદર્શનમાં આ બંને સાહિત્યકારો વચ્ચે સામ્ય જોવા મળે છે તો બંનેની વાર્તાકલામાં કેટલાંક પોતીકાં લક્ષણો પણ પ્રતીત થાય છે. સુન્દરમ્‌ની વાર્તાઓમાં ક્યારેક પ્રસ્તાર જોવા મળે છે, પ્રયોજન વધારે પડતું મુખરિત થતું જોવા મળે છે જ્યારે ઉમાશંકરમાં પ્રયોજન ને સંવિધાન વચ્ચેની સમતુલા વધારે જળવાતી જણાય છે. સુન્દરમ્‌ની વાર્તામાં એક અસલ, લોહીનો આવેગ છે, ઉમાશંકરમાં સ્વસ્થતા અને સફાઈ છે. માનવચિત્તનાં સૂક્ષ્મ સંચલનો આલેખવાનું વલણ ઉમાશંકરમાં વધારે જોવા મળે છે.”[3]

આ નિરીક્ષણ કેટલીક રીતે રસપ્રદ બન્યું છે. આમ છતાં એક જવાબદાર વાર્તાવિવેચક તરીકે જે તે અભ્યાસીએ ઉમાશંકરની વાર્તાકલાનો સૌપ્રથમ તો સ્વતંત્ર રીતે જ અભ્યાસ કરવો જોઈએ. ઉમાશંકર આપણા એક અત્યંત રસપ્રદ વાર્તાકાર છે એ નિ:શંક છે. ઉમાશંકર પોતે જ જણાવે છે તેમ, તેમણે ‘વાર્તા લખવાનો આરંભ કર્યો ૧૯૩૦માં વીરમગામ સત્યાગ્રહ છાવણીમાં ભાઈ વજુ કોટકને સાથ આપવા.’[4] આમ પદ્યમાં તો તેમની ખટાપટી ચાલતી જ હતી અને દરમ્યાન વજુ કોટકને ‘સાથ આપવા’ વાર્તા જેવું કંઈક લખવા પ્રેરાયા. આના પરિણામરૂપે બે વાર્તાઓ લખાઈ. પોતે જ નોંધે છે તેમ, ‘એ ‘બંને વાર્તાઓમાં બનાવ લગભગ ન જેવો’ હતો અને ‘બંને વાતાવરણની વાર્તાઓ”[5] હતી. વળી વાર્તારચનાના આરંભકાળમાં વાતાવરણની વાર્તા અજમાવવી મુશ્કેલ ને છતાંય એવા મુશ્કેલ સર્જનકર્મ તરફ તેમની રુચિ થઈ એ નોંધપાત્ર ઘટના કહેવાય. એમની પહેલી વાર્તામાંનું વસ્તુ પણ રસજ્ઞોએ ધ્યાનમાં લેવા જેવું તો ખરું જ. એ વાર્તામાં શહેરની એક બાળકી એકાએક અબોલ થઈ જતાં, અનેક નિષ્ફળ ઉપચારો બાદ, તેને કુદરતને ખોળે લઈ જવામાં આવે છે અને ત્યારે ત્યાં પંખીઓ, ઝરણાં વગેરેના સંગમાં એની વાણી રૂમઝૂમ રમવા માંડે છે.[6] એ વાર્તાનું નામ ‘ગોરુંજાની ખીણો’ હતું. ઉમાશંકરે વાર્તાલેખનનું આ સાહસ કર્યું તે પૂર્વે તેઓ કેટલાક ઉત્કૃષ્ટ વાર્તાકારોની વાર્તાઓ વાંચવાનો લહાવો મેળવી શક્યા હતા. ઇન્ટરના અભ્યાસક્રમમાં તેમને ટૂંકી વાર્તાઓનો એક અંગ્રેજી સંગ્રહ ભણવા મળ્યો હતો. એ સંગ્રહમાં પૉ, હૉથૉર્ન, બ્રેટહાર્ટ, સ્ટીવન્સન ને ગાલ્સવર્ધી જેવાની વાર્તાઓ હતી. વળી આલબ્રાઇટનું ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપ વિશેનું પુસ્તક પણ તેમના જોવામાં આવેલું. ધૂમકેતુનું ‘તણખા-મંડળ પહેલું’ તેમ જ ‘દ્વિરેફની વાતો – ભાગ પહેલો’નું વાચન કરવાની તક તેમને મળી હતી. તદુપરાંત મૅટ્રિકના અંગ્રેજી ગદ્યપદ્યસંગ્રહની ટાગોરની રાયચરણ(પુનર્જનમ)ની વાર્તા તેમ જ ‘કાબુલીવાલા’ તથા ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ વાર્તાનો પરિચય પણ તેમને થયેલો. એમાં વળી ગાય દ મોપાસાં જેવા વિશ્વખ્યાત વાર્તાકારની પચીસેક વાર્તાઓ વાંચવા મળી. ઉમાશંકર કહે છે તેમ એ ‘વાર્તાઓ તેમણે ‘અંદરથી વાંચી.’[7] પ્રત્યેક વાર્તા શતરંજની રમત હોય એમ લેખકની એકેએક ચાલ પર તેઓ નજર રાખતા. આ વાર્તાઓ તેમણે અનેક વાર વાંચી.[8] અને તેથી સફલ વાર્તાનો કીમિયો તેઓ સહેજે સમજી શક્યા.[9] તેઓ આ સજ્જતા સાથે વાર્તાલખનક્ષેત્રે પોતાનું કાર્ય આરંભે છે. પેલા અપ્રકટ વાર્તાપ્રયોગો બાદ કરતાં તેમની સૌપ્રથમ વાર્તા ‘ગુજરીની ગોદડી’ જુલાઈ, ૧૯૩૩માં લખાયેલી છે. આ વાર્તાને અને મોપાસોંને, લેખક કહે છે તેમ, કશો જ સંબંધ જોવા મળતો નથી.[10] ઉમાશંકર લખવા ગયેલા લલિત નિબંધ અને એ માટેના ‘નવા પ્રયત્ને’ લખી બેઠા આ વાર્તા ‘ગુજરીની ગોદડી’. આમેય એમના મતાનુસાર લલિત નિબંધ અને ટૂંકી વાર્તા વચ્ચે આછું જ અંતરપટ હોય છે[11] અને તેથી આ વાર્તામાં કેટલુંક લલિત નિબંધ જેવું જોવા મળે એવો નિરૂપણનો ઢાંચો છે ખરો. છતાંય એ એમના મતે વાર્તા છે ને ‘વાતાવરણની વાર્તા’ છે. આ પ્રથમ પ્રસિદ્ધ વાર્તા જ આપણા એક પ્રશસ્ત વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરને એમણે સંપાદિત કરેલ ‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ’૧૨માં સમાવવા જેવી લાગેલી ! આ પછી ઉમાશંકરે ખૂબ ઝડપથી વાર્તાઓ આપી છે. ઉમાશંકરે પ્રથમ કવિતા, પછી નાટક અને પછીથી જ આ વાર્તાઓ આપી ને તેથી જ તેઓ ‘શ્રાવણી મેળા’ના નિવેદનમાં વાર્તાકાર તરીકે ‘વાસુકિ’ ઉપનામ રાખવા વિશે ખુલાસો કરતાં લખે છે : “છૂટક કાવ્યો અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખે ને કોઈનેય એમ થાય કે ક્યાં બધા જ સાહિત્યપ્રકારોમાં માથું મારવા જાય છે, એવી કલ્પિત આશંકાથી ઉછીનું ઉપનામ મેળવીને કામ ચલાવ્યું હતું.”[12] ઉમાશંકરે ‘વાસુકિ’ ઉપનામ શ્રીદામ ભટ્ટ પાસેથી મેળવ્યું હતું.[13] આ ઉપનામ પછી છેલ્લે છેલ્લે એમણે ‘શ્રવણ’[14] ઉપનામથી પણ વાર્તાઓ લખવા માંડેલી. ‘તરંગ’[15], ‘ધરમ’[16], ‘બે બહેનો’[17] – આ વાર્તાઓ તેમણે ‘શ્રવણ’ ઉપનામથી લખેલી. (આમાંની ‘ધરમ’ વાર્તા અગ્રંથસ્થ છે.) ઉમાશંકરે એમની વાર્તાકળાની આગેકૂચમાં ‘તરંગ’ વાર્તાને સીમાંક બનાવી જણાય છે. તેઓ પોતાની વાર્તાકળા અંગેનો પરિપ્રેક્ષ્ય રજૂ કરતાં, ભવિષ્યના વાર્તાવલણ વિશે અટકળ કરતાં જણાવે છે કે “વાર્તા કહી જવા માટે ટૂંકી વાર્તામાં રસ ઓછો હોવાથી અને આયોજન-પ્રયોગ ઉપર વધુ નજર હોવાથી ભવિષ્યમાં વાર્તા તરફ વળું તો ‘તરંગ’ની દિશામાં અને આંતરચેતનાપ્રવાહના નિરૂપણની દિશામાં પ્રયત્નો વિશેષ રહે એ બનવાજોગ છે.”[18] આમ કહેનાર ઉમાશંકરની સૌથી છેલ્લી ગ્રંથસ્થ વાર્તા ‘અદાलત કે અદાवત ?’ ‘તરંગ’-શૈલીની કથા તો ન જ ગણાય. ઉમાશંકરની વાર્તાઓ અભિહિત અર્થમાં ‘ટૂંકી’ વાર્તાઓ છે. એમની ‘બે બહેનો’ વાર્તા તો માંડ અઢી પાનાંની (‘સંસ્કૃતિ’નું તો એક જ પાનું) છે. એમની વાર્તાઓ માટે ‘અનુભૂતિકણ’ શબ્દ બરોબર બંધ બેસતો આવે છે. ઉમાશંકરની નજરને ઘટનામાં ઘટનાને ખાતર રસ હોય એમ જણાતું નથી. માનવજીવનને લગતું કોઈ રહસ્ય નિષ્પન્ન કરવામાં એમને રસ હોય છે. એમની વાર્તાકળાને રા. વિ. પાઠકની વાર્તાકળાના અનુસંધાનમાં જોવી ઘટે. જેમ પાઠકે તેમ ધૂમકેતુએ પણ એમની વાર્તાકળાના વિકાસમાં પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે – ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાની રીતે ભાગ ભજવ્યો હશે જ, આમ છતાં ટૂંકી વાર્તા માટે વિશિષ્ટ ભાવપરિસ્થિતિ[19] સર્જવાની બાબતમાં એમની પ્રયોગશીલતા સહેજેય ધ્યાનાર્હ બની રહે છે. તેમણે વાત કહેવાનું જ નહિ, વાત બરોબર બનાવવાનું ને એ રીતે કહેવાનું પણ તાક્યું છે ને તેથી વાર્તાકળાની વિવિધ તરેહોના વિકાસના સંદર્ભમાં એમની વાર્તાઓનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. ઉમાશંકરે ઊર્મિકાવ્ય અને એકાંકી બંનેયમાં કલમ ચલાવવા માંડેલી. અંગત નોટબુકમાં વાર્તાના પ્રયોગ, તે અગાઉ સૂચવ્યા મુજબ, ૧૯૩૦થી કરવા માંડેલા, અને એમની સૌથી પહેલી વાર્તા ‘ગુજરીની ગોદડી’ પ્રગટ થઈ તે પૂર્વે ઉમાશંકર દ્વારા અનેક કાવ્યો (‘ગંગોત્રી’નાં એંશી કાવ્યોમાંથી લગભગ સિત્તેર) તેમ જ ‘સાપના ભારા’નાં સંભવત: અગિયાર (દસ તો ખરાં જ.) તેમ જ અન્ય બે એકાંકીઓ લખાઈ ગયાં હતાં અને એ રીતે ઊર્મિકવિતા તેમ જ એકાંકીમાં પોતાની કલાગત હથોટી પ્રગટ કરી દીધી હતી. એક સક્રિય સર્જકને પોતાના માધ્યમમાં નવા નવા અવકાશો શોધી, ઊભા કરી, એમાં કામ કરવાનું હંમેશાં ગમતું હોય છે. એ રીતે ઉમાશંકરે પણ ઊર્મિકવિતા તેમ જ એકાંકીની સરહદોને અવારનવાર સ્પર્શતું ટૂંકી વાર્તાનું ક્ષેત્ર પોતાની સર્ગશક્તિના પ્રયોગો માટે શોધ્યું – પસંદ કર્યું. જેમ એકાંકીમાં પ્રથમ ગ્રંથપ્રકાશને જ તેઓ સુપ્રતિષ્ઠિત થયા તેમ વાર્તામાં પણ બન્યું. પ્રથમ વાર્તાસંગ્રહ ‘શ્રાવણી મેળો’ના પ્રકાશને જ તેઓ પ્રથિતયશા વાર્તાકાર બની રહ્યા. ઉમાશંકરની ઊર્મિકવિતા ને એકાંકીસર્જનનો અનુભવ યત્કિંચિત્ વાર્તાકળામાં ઉપયોગી થયો જ. શબ્દનો કલાત્મક રીતે પ્રયોગ કરવાનો ઉત્સાહ અને પરિશ્રમ વાર્તાકળામાં પણ કેટલાક અવનવા કલાપ્રયોગો કરાવીને રહે છે. ઉમાશંકરે ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ – આ બે સંગ્રહોમાં અનુક્રમે ૧૫ અને ૨૨ વાર્તાઓ આપી છે. આમ ૩૭ વાર્તાઓને[20] આધારે તેમની વાર્તાકારની છબી દર્શાવાનો આપણો ઉપક્રમ રહેશે. એમણે ‘ત્રણ અર્ધું બે’માંથી ‘સરયૂસ્વાતિ’, ‘એક સુખી કરુણાન્ત’, ‘એક સુધારકનું વસિયતનામું’, ‘રમેશ’, ‘ધૂળધોયાની વહુનાં ઘરેણાં’ — એ પાંચ તથા ‘અંતરાય’માંથી ‘મહેરામણ બંધાણી’ – એ એક — એમ કુલ છ વાર્તાઓ રદ કરી છે. આ કુલ ૪૩ વાર્તાઓમાંથી ઈ. સ. ૧૯૩૮ની સાલ સુધીમાં તો તેમણે ૩૪ વાર્તાઓ આપી દીધી હતી ! ૧૯૩૮ પછીથી ૧૯૫૧ સુધીમાં (એટલે કે ૧૩ વર્ષના ગાળામાં) ગ્રંથસ્થ માત્ર ૯ વાર્તાઓ મળે છે. ‘એકાંકી’માં પણ એમણે એમનાં ગ્રંથસ્થ ૨૨ અને અગ્રંથસ્થ ૨ એમ કુલ ૨૪ એકાંકીઓમાંથી ૧૬ તો ૧૯૩૯ની સાલ સુધીમાં આપી દીધાં હતાં; બાકીનાં ૮ ૧૯૪૪થી ૧૯૫૪ સુધીમાં (એટલે કે દસ વર્ષના ગાળામાં) મળે છે. આમ એકાંકીઓ અને વાર્તાઓ જે રીતે આપણને ઉપલબ્ધ થાય છે તે ઉમાશંકરની સર્જનપ્રક્રિયા પર પણ પ્રકાશ પાડે છે. ઉમાશંકરે જૂન ૧૯૩૨માં ૩, ઑગસ્ટ ૧૯૩૨માં પણ ૩, ફેબ્રુઆરી ૧૯૩૩માં ૪, આ ઝડપે એકાંકીઓ લખ્યાં છે. વાર્તાઓમાં પણ એક જ દિવસે ૧૧–૧૨–૧૯૩૮ના રોજ તેઓ ‘કલંકિની’, ‘લીલી વાડી’, ‘રાહી’ અને ‘સ્મિતનું રહસ્ય’ — એમ સાથેલાગી ચાર વાર્તાઓ લખી દે છે ને ‘રત્ના કેમ પરણી’ એ પાંચમી વાત પણ માંડી દે છે ! જે દિવસે ‘મારી ચંપાનો વર’ પૂરી કરી તે જ દિવસે એમણે ‘છેલ્લું છાણું’ વાર્તા લખી. આમ તેઓ ઝડપથી લખનારા છે. તેમણે જ આ વાત કહી છે : “હું ઓછું લખનાર છું, પણ હું લખું છું ઝડપથી.” ઉમાશંકરે પોતાના સર્જનકાળના ૧૯૩૦થી ૧૯૪૦ના દસકા દરમ્યાન કવિતા ઉપરાંત એકાંકી, વાર્તા, નવલકથા ને નિબંધિકા વગેરેમાં કલમ ચલાવી જોઈ છે અને કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. પદ્યનાટ્યની દિશામાં કામ કરવાનો આરંભ પણ આ જ દસકામાં કરી લીધો હતો. આ રીતે એક સ્ફૂર્તિલા સર્જક તરીકે ઉમાશંકર ૧૯૩૦થી ૧૯૪૦–૪૪ દરમ્યાન પ્રગટ થાય છે. તેમની સર્જકપ્રતિભાએ આ ગાળા દરમ્યાન જે ક્ષેત્રો પસંદ કર્યાં તેમાં એકાંકી-વાર્તા આદિમાં કેટલુંક ઉત્કૃષ્ટ પણ થયું અને કેટલુંક ઉત્કૃષ્ટ કામ કવિતાક્ષેત્રે જેમ આ ગાળામાં થયું તેમ તેથીયે વધુ વિકસિત રૂપમાં આ પછીના ગાળામાં પણ થતું જોવા મળે છે. ઉમાશંકરે એમના સર્જનકાળના આરંભમાં પદ્યને અને પછી અત્યંત ટૂંકા સમયમાં ગદ્યને પણ પોતાનું કલામાધ્યમ બનાવ્યું; એ ગદ્ય કલાનુક્રમે તેમની શાસ્ત્રલક્ષી, વિચારલક્ષી લેખનપ્રવૃત્તિનું પણ સબળ માધ્યમ બની રહે છે. એકાંકી, વાર્તા જેવાં સર્જનાત્મક – લલિત સાહિત્યરૂપોમાં વિહરતું ગદ્ય ૧૯૫૪ પછી નિબંધ-વિવેચનની દિશામાં વધુ કાર્યાન્વિત જણાય છે. ‘ગોષ્ઠી’ નામના એમના પ્રથમ નિબંધસંગ્રહના ૨૭ નિબંધોમાંથી બે જ નિબંધો ૧૯૪૦ પહેલાંની સાલ બતાવે છે, જે સૂચક છે. વળી જેમ એકાંકીક્ષેત્રે ૧૯૫૪ બાદ તેમ ટૂંકી વાર્તાના ક્ષેત્રે ૧૯૫૧ બાદ વિસામો છે. આ વિસામો શાથી છે તેનું રહસ્ય ઉકેલવું મુશ્કેલ છે. ઉમાશંકરની સર્જકતાએ પોતાનું જે કંઈ ઉત્તમોત્તમ હતું તે એકાંકી ને વાર્તામાં પ્રગટ કરી દીધું ને હવે પછી એમનાથી એમાં કશું થઈ શકે એમ નથી એમ માનવું ? એમ માનીએ તો તો સર્જનની નિગૂઢ ગતિ વિશેની આપણી સમજ જ બરોબર નથી એમ ઠરે. એમ જરૂર લેખી શકાય કે સમજદાર સર્જક સમયે સમયે શબ્દ દ્વારા પોતાનું જે કંઈ ઉત્તમ હોય છે તે પ્રગટ કરવા મથતો હોય છે, અને પછી સાધ્યું હોય તેથી વધુ ઉત્તમ સાધવા, જે પગથિયાં ચઢ્યો હોય ત્યાંથી આગળ વધુ પગથિયાં ચઢવા એને માટે પ્રતીક્ષા કે વિરામ અનિવાર્ય બની રહેતો હોય. એ પ્રતીક્ષા કે વિરામ પછી નવું આવે જ એમ તો કેમ કહેવાય ? જૂનાનું પુનરાવર્તન સર્જક ન કરે — સર્જક પોતાની જ સફળ કૃતિનું અનુકરણ ન કરે તો એ લાભ પણ કંઈ નાનો હોતો નથી. જે દોરડાંથી પોતાને ગઢમાં પ્રવેશવા મળ્યું હોય એ દોરડાં જ કાપી નાખવાની તાનાજીની કહેવાતી રીત સમજદાર સર્જક અપનાવે તો એમાં નવાઈ નથી. ઉમાશંકરે ‘શ્રાવણી મેળા’ની કેટલીક સુંદર સફળ વાર્તાઓ પછી વાર્તામાં નવી નવી રીતે પ્રયોગો કરવાનું બીજા બે સંગ્રહો સુધી ચાલુ રાખ્યું; એટલું જ નહિ, ઑક્ટોબર, ૧૯૪૭માં લખાયેલી ‘તરંગ’ વાર્તાથી લેખકે ભાવિ વાર્તાનું દિશાસૂચન પણ કર્યું. આમ છતાં વાર્તાકાર તરીકેની જે જમાવટ ‘શ્રાવણી મેળા’માં થઈ તે ફરી પાછી ન થઈ તે ન જ થઈ, ને જેમ કુશળ ઉસ્તાદ સમજીને આત્મહિતાય પણ પોતાનો ખેલ સંકેલી લે તેમ ઉમાશંકરે પણ કર્યું હોય એમ કોઈને લાગે તો એમાં નવાઈ નથી ! ‘તરંગ’ની દિશામાં – આંતરચેતનાપ્રવાહના નિરૂપણની દિશામાં પોતાની વાર્તાકલાને વિકસાવવાની તેમની નેમ હતી પણ એ દિશામાં પછી ખાસ આગળ વધાયું જણાતું નથી. એમની ‘અદાलત કે અદાवત ?’ વાર્તા વાંચતાં તો સંભવ છે કે કોઈને ઉમાશંકર `¨स्थितस्य समर्थनम्' કરતા જણાય; આમ છતાં એક વાત તો કહેવી જ જોઈએ કે ભાવિ વાર્તા મનોવૈજ્ઞાનિક તથ્યો — સત્યોના પ્રદેશમાં વિકસવાનો વ્યાપકપણે પ્રયત્ન કરવાની હતી તેની સબળ શરૂઆત થઈ રા. વિ. પાઠકથી[21] એમાં બળ ને વેગ પૂર્યાં ઉમાશંકર–સુન્દરમ્‌ની વાર્તાઓએ. એ વાર્તાઓ પછીના વાર્તાલેખનમાં કેટલીક રીતે માર્ગસૂચક પણ બનેલી જણાય છે. તેમાંય માનવમનની સૂક્ષ્મ ગતિ-વિધિ, એનાં નિગૂઢ સંચલનોને પકડવા – પ્રકટ કરવામાં ઉમાશંકરની વાર્તાકાર તરીકેની એકાગ્રતા ને ઉત્કટતા સહેજેય વિશેષ ધ્યાન ખેંચે છે. ઉમાશંકરની ‘શ્રાવણી મેળા’ની વાર્તાઓનું અવલોકન કરતાં શ્રી ઝવેરચંદ મેઘાણીએ એમની આ વિલક્ષણતાનું પોતાની શૈલીએ વિવરણ કરતાં કહેલું :

“ભાવનાની ભભક અને ઊર્મિઓનાં સંવેદન એમાં ક્ષણિક અને ઉપરછલી તીવ્રતા પકડતાં નથી. વીજળીની ચાંપ દાબીને ઝળાંઝળાં ઓરડા કરી નાખવાની, મુગ્ધતા પમાડવાની, ઊર્મિઓનાં સંગીત રેલાવી મૂકવાની કલા આંહીં નથી. આ વાર્તાકલાની રીત તો ઝાંખી મશાલ લઈને મનોવ્યાપારની ગમતી અણગમતી કંદરાઓમાં ઊતરવાની છે. પગથિયાં નથી, સુગંધ નથી, ગુફાઓને ગોતવામાં શ્રમ પડે છે. આ શ્રમે લેખકની કલમ પાસેથી ધીરજ માગી લીધી છે, ને વાચક પાસેથી પણ એ કલા લેખકને પગલે પગલે એ પંથવિહીન અંતસ્તલમાં પ્રવેશવાની ધીરજ માગી લ્યે છે, કેમ કે એક જ પગલું ચૂકતાં કોઈ બીજા જ ઠેકાણે પહોંચી જવાની બીક રહે છે.” (પરિભ્રમણ, ભાગ-ત્રીજો, ૧૯૪૭, પૃ. ૧૯૭)

મેઘાણીએ ઉમાશંકરની વાર્તાકલામાં યોગ્ય ઠેકાણે જ પોતાની આંગળી મૂકી છે એમ કહેવું જોઈએ. જે વાત એમણે ‘શ્રાવણી મેળા’ના સંબંધમાં કહી તે વ્યાપક રીતે અન્ય સંગ્રહોની બાબતમાં પણ કહી શકાય. ઉમાશંકરને મન પાત્ર કે ઘટનાનું મહત્ત્વ એ જે ચૈતસિક સંદર્ભ રજૂ કરે છે તેને અનુષંગે છે. તેમને મન પાત્ર કે ઘટના પણ માનવભાવગત સત્યની અપેક્ષાએ સ્થૂલ છે. એમની વાર્તાકલા વધુ સૂક્ષ્મ તત્ત્વ સાથે, વધુ વ્યાપક ને શાશ્વત તત્ત્વ સાથે પોતાનો સંબંધ સ્થાપવા માગે છે. એ રીતે ઉમાશંકર વાર્તા દ્વારા જીવનની વધુ ઊંડાઈને તાકે છે ને એ એમના લક્ષ્યે એમને એકંદરે તો વિકાસોન્મુખ અને સત્ત્વનિષ્ઠ વાર્તાકાર તરીકે વિકસવાનો સતત અવકાશ આપ્યો છે એમ આપણને લાગે. જ્યાં એ અવકાશ ન રહ્યો ત્યાં વાર્તા પણ એમની વિરમી છે એમ પણ કહેવું જોઈએ. ઉમાશંકરે એક કવિ તરીકે વાર્તાલેખન શરૂ કર્યું. એમની અપ્રગટ વાર્તા એમની કવિતાઈ રીતરસમની ચાડી ખાય છે. તે પછી ‘ગુજરીની ગોદડી’ અને ‘ઝાકળિયું’ વાર્તાઓ આવી. શરૂઆતની આ બેય વાર્તાઓમાં કવિનો સમાજલક્ષી અભિગમ – વાસ્તવનિષ્ઠ અભિગમ આવીને રહ્યો છે. એમાં ગાંધીયુગીન વાતાવરણ કેટલું જવાબદાર એ પ્રશ્ન ઊઠવાનો. આપણે તો એટલું જ જોવાનું છે કે એક સાચા કલાકાર તરીકે, જીવંત કલાકાર તરીકે ઉમાશંકરે તેમની આજુબાજુના વાતાવરણને અનુભવ્યું છે યા નહિ, તેઓ ખરેખર પોતાના સમયને ક્ષણેક્ષણ જીવતા રહ્યા છે યા નહિ, કવિનો આજુબાજુના બાહ્ય સંદર્ભ સાથે કેવો તો નાળસંબંધ છે તે બધું તપાસવા જેવું હોય છે. ઉમાશંકર ‘ગુજરીની ગોદડી’ વાર્તામાં ફૂટપાથ પરની દુનિયા લાવીને રહ્યા છે. એક બાજુ તાપણા માટેનાં લાકડાંનો પ્રશ્ન અને બીજી બાજુ લાકડાના માવામાંથી બનેલા કાગળનાં થોકબંધ નીકળતાં પુસ્તકો – આ બે વચ્ચેના સંબંધઅંતરનો વિચાર કરવા પણ તેઓ પ્રેરાયા છે ખરા. ૧૫ x ૧૦ની ઓરડીમાં રહેનારો છાત્રવર્ગ –મધ્યમવર્ગ પણ સામાજિક વિષમતાનો ભોગ બનેલ છે પણ ફૂટપાથ પર સૂનારો પેલો દીનદલિત વર્ગ તો સામાજિક વિષમતાનો શિકાર બની જે સ્થિતિએ જીવે છે તે લગભગ અસહ્ય છે. તેમણે આલબેલ (‘ઑલ વેલ’) પોકારતા પોલીસ-તંત્રની રક્ષકવેશી ભક્ષક-તા પણ અહીં ઉપસાવી આપી છે. આ ઉમાશંકરે ‘ઝાકળિયું’ વાર્તામાં વધુ સમર્થ રીતે – વધુ સંકુલ રીતે ને તેથી વધુ રસપ્રદ રીતે સામાજિક વિષમતા જે રીતે દલિત વર્ગની – શ્રમજીવી વર્ગની વિકાસાકાંક્ષાઓને કચડી દેવામાં નિમિત્ત બને છે તે બતાવ્યું છે. ‘ગુજરીની ગોદડી’ લખતી વેળા ઉમાશંકર બાવીસ વર્ષના. આ ઉંમરે એમનું સર્જકમાનસ કેવી પરિપક્વતા દાખવે છે તેનું કંઈક સૂચન ‘ગુજરીની ગોદડી’ વાર્તામાંથી મળે છે. એપ્રિલ, ૧૯૩૨માં ઉમાશંકરે ‘જઠરાગ્નિ’માં ભૂખ્યા જનોના જઠરાગ્નિની વાત બુલંદ રીતે કરી હતી. એમાં આવેશ હતો, એમનું દર્શન જોઈએ તેટલું ઊંડું પણ નહોતું; નહીંતર એ ભાષા, એ લહેકો, એ મિજાજ કાવ્યમાં આવત નહીં. ‘ગુજરીની ગોદડી’માંય દીનદલિત પ્રત્યેની એમની હમદર્દી અવારનવાર વાર્તામાંથી બિનજરૂરી ડોકિયાં કરે છે; આમ છતાં તેમણે દીનદલિતોના પક્ષકાર કે પ્રચારક રહેવા કરતાં સાદ્યંત કલાકાર – દ્રષ્ટા રહેવાનું વધારે પસંદ કર્યું છે. શિવજી સગડી ફૂંકતાં જે તણખા પોતાના પર ઊડ્યા તે દૂર કરે છે ત્યારે વાર્તા-કથક તણખા ખંખેરી કાઢવાની એની ચેષ્ટાનું બયાન કરતાં કહે છે : “ઉત્ક્રાન્તિની ભટ્ઠીમાંથી તારાની ચીનગીઓ ઊડીને પોતાને અડી હશે ત્યારે વિશ્વકર્તાએ જે મધુર સ્મિતે એમની તરફ જોયું હશે એ આખું દૃશ્ય મારી કલ્પના આગળ રમવા લાગ્યું.” (શ્રાવણી મેળો, ૧૯૫૩, પૃ. ૧૨૮) આ દૃશ્યની પરિકલ્પના — એ જોવાની લેખકની ક્ષમતા જ એમની વધુ સ્વસ્થ-ઊંડી દર્શનશક્તિનો અંદાજ આપણને આપી રહે છે. ઉમાશંકરે સમાજજીવનમાં ભાતભાતનાં ચિત્રોને અહીં વાર્તાઓમાં અવકાશ આપ્યો છે. ગ્રામજીવન અને નગરજીવન, વિદ્યાર્થીજીવન (કૉલેજજીવન) ને સાધુજીવન, લેખકજીવન ને કૃષકજીવન, પ્રણયજીવન, સિનેજીવન — એમ કંઈ કેટલીયે જીવનતરેહોને વાર્તામાં પ્રગટ કરવા પ્રયત્ન કર્યો છે. પ્રણયની મુગ્ધ અવસ્થાથી માંડી પ્રગલ્ભ અવસ્થા સુધીનાં ચિત્રો આપ્યાં છે. આ વાર્તાઓમાં અશ્રુભીનું ગાંભીર્ય અને શિયાળાના તડકા જેવી હૂંફભરી હળવાશ પણ ક્યારેક જોવા મળે છે. જોકે, આ વાર્તાઓમાં એકંદરે તો કરુણગાન જ વિશેષ છે. એમની વાર્તામાં ક્યારેક તીવ્ર કટાક્ષ પણ (દા.ત., ‘પરબીડિયાં’) ઘટનાતત્ત્વ સાથે વણાઈને આવે છે. આ વાર્તાઓમાં લેખકની દૃષ્ટિ માનવમનની નિગૂઢ ગતિવિધિનાં ચિત્રો ખેંચવામાં વધુ સક્રિય જણાય છે ને તેથી એમની વાર્તાઓમાં જીવન-આલેખનની સ્થૂલતામાં સરી જવાનો તો ભય લગભગ દેખાતો નથી. સામાજિક પરિવેશના સંદર્ભમાં માનવમન કેવાં કેવાં ભાવ-આંદોલનો અનુભવે છે તેનું રસપ્રદ ચિત્ર અહીં અનેક લખાણોમાં મળે છે. ‘ચક્કીનું ભૂત’ જેવામાં મોપાસોંની કલાશૈલી હોવાનો વહેમ કોકને જાય, ક્યારેક માનવમનના આંતરિક સ્તરોને ઉકેલવાની પદ્ધતિમાં ચેખૉવના જેવી માર્મિક કલા-હથોટી વરતાય, આમ છતાં વાર્તાકાર તરીકે એમનો એક અભિગમ ‘ગુજરીની ગોદડી’થી આરંભીને ‘બે બહેનો’ સુધીમાં અનુભવાય છે. ‘ગુજરીની ગોદડી’માં ‘ગોદડી’ નિમિતે જે કંઈ બને છે તે રસપ્રદ છે. ‘ગોદડી’ સાથે જ એક સામાજિક વર્ગભેદ સંકળાયેલો છે. ‘ગોદડી’ કહેતાં મધ્યમવર્ગ કે ગરીબવર્ગ જ નજરમાં આવે છે. વળી ‘ગુજરી’થીયે એ જ સાધારણ વર્ગનો સંબંધ ખ્યાલમાં ઊપસી આવે છે. આ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન — એની જ કવિતા અહીં છે. એ ગોદડીથી ટાઢ ઊડી કે નહિ ? એ પ્રશ્ન કલા બહારનો પ્રશ્ન છે. એ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન કૉલેજિયનોએ કર્યો એ એક ભારે આશ્વાસક ઘટના છે. વળી પાછળથી પોતે આ વાર્તા સંબંધે વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે ‘ગુજરીની ગોદડી’ની નાયિકા હતી ઠંડી, વાયુમંડળની ઠંડી તો ખરી જ પણ સમાજહૃદયની ઠંડી – સામુદાયિક ઉષ્માહીનતા. (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) આ જાણ્યા પછી તો ગુજરીની ગોદડી ‘વાતાવરણની વાર્તા’ (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) થવા સાથે, પ્રતીકાત્મક વાર્તાય બને છે. આવી વાતાવરણની વાર્તાથી આરંભ કરનાર ઉમાશંકર ચેતનાપ્રવાહ-શૈલીની વાર્તા ‘તરંગ’ સુધી, મનોવૈજ્ઞાનિક ભૂમિકાની વાર્તા ‘બે બહેનો’ સુધી કઈ રીતે પહોંચી શક્યા એ જોવું અત્યંત રસપ્રદ છે. એમની ટૂંકી વાર્તાની યાત્રામાં કલાગત વૈવિધ્ય ને વિશિષ્ટતાઓ ઠીક ઠીક છે ને તેથી એ યાત્રા અત્યંત રસપ્રદ પણ છે. હવે એમની સંગ્રહવાર વાર્તાઓ અવલોકવાનો આપણે પ્રયત્ન કરીશું.



  1. આરામખુરશીએથી, ૧૯૪૫, પૃ. ૧૯૫.
  2. એજન, પૃ. ૧૮૭.
  3. ટૂંકી વાર્તા : સાહિત્ય અને સ્વરૂપ, માર્ચ, ૧૯૭૪, પૃ. ૭૫.
  4. પ્રતિશબ્દ, ઑક્ટો., ૧૯૬૭, પૃ. ૨૨૨.
  5. એજન, પૃ. ૨૨૨.
  6. એજન, પૃ. ૨૨૨.
  7. એજન, પૃ. ૨૨૪.
  8. આ વાર્તાઓનો સંગ્રહ તે ‘ટેઇલ્સ ઑફ ડે ઍન્ડ નાઇટ’. માર્જરી લૉરીએ કરેલ વાર્તાનુવાદો એ છે. એ વાર્તાઓ મોપાસોંની ઉત્તમ વાર્તાઓ નથી એ પણ ઉમાશંકર જણાવે છે. (પ્રતિશબ્દ, પૃ. ૨૨૪)
  9. ‘કોઈનો પ્રભાવ સાચી રીતે અનુભવવાની રીત’ (પ્રતિશબ્દ, પૃ. ૨૨૪) આ રીતે સમજણમાં પરિણમતી ઉમાશંકરમાં જણાય છે.
  10. પ્રતિશબ્દ, પૃ. ૨૨૪.
  11. એજન, પૃ. ૨૨૪–૫.
  12. નિવેદન; શ્રાવણી મેળો, પૃ. ૫.
  13. પ્રત્યક્ષ મુલાકાતને આધારે.
  14. જોકે સમયદૃષ્ટિએ સૌથી છેલ્લી ગ્રંથસ્થ વાર્તા ‘અદાलત કે અદાवત ?’ એમણે ‘વાસુકિ’ ઉપનામે લખેલી. સંસ્કૃતિ, ડિસે., ૧૯૫૧, પૃ. ૪૬૫.
  15. સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૪૭, વર્ષ : ૧, અંક : ૧૨, પૃ. ૪૨૩–૪૨૫.
  16. સંસ્કૃતિ, ઑક્ટોબર, ૧૯૪૮, વર્ષ : ૨, અંક : ૧૦, પૃ. ૩૭૭–૭૯, ૩૮૫.
  17. સંસ્કૃતિ, ડિસેમ્બર, ૧૯૪૮, વર્ષ : ૨, અંક : ૧૨, પૃ. ૪૬૬.
  18. પ્રતિશબ્દ, પૃ. ૨૨૭.
  19. ઉમાશંકર ‘રહસ્ય’ (જીવનરહસ્ય)નો અર્થ ‘તાત્ત્વિક ફિલૉસૉફિક સત્ય’ એવો કરતા નથી. તેઓ ટૂંકી વાર્તાના જીવનરહસ્ય તરીકે એમાં ‘વૃત્તાંત વડે શબ્દદેહ પામેલી ભાવપરિસ્થિતિ’નો નિર્દેશ કરે છે. (‘શૈલી અને સ્વરૂપ’, 1972, પૃ. 114) (T ઉમાશંકરે ટૂંકી વાર્તાનો પરિચય આપતાં જે લખ્યું છે તે આ સંદર્ભમાં સ્મરણીય છે. તેઓ જણાવે છે : ‘ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્ય વૃત્તાન્તની મદદથી લીધેલો કલાઘાટ !’ ઉમાશંકર આજની ટૂંકી વાર્તાનું સંપૂર્ણ રહસ્ય એના કલાઘાટના આકલન વિના તો પામી જ ન શકાય એમ માનતા જણાય છે.
  20.   રમેશ જાની ‘જિજ્ઞાસા’(1968)માં ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ મળીને કુલ 39 વાર્તાઓ હોવાનું કહે છે તે ભૂલ જણાય છે.
  21. ઝવેરચંદ મેઘાણી રા. વિ. પાઠક વિશે લખે છે : “મનોવિજ્ઞાનને નાની વાર્તાઓમાં જોર દઈ રમતું કરનાર શ્રી રા. વિ. પાઠક છે.” (‘પરિભ્રમણ’, ભાગ ત્રીજો, 9, ઑક્ટો, 1947, પૃ. 172)