ઉમાશંકરનો વાગ્વૈભવ/જીવનક્રમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉમાશંકર જોશી : જીવનક્રમિકા
• સંકલનકાર : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી •


૧૯૧૧ : ૨૧ જુલાઈ (અષાઢ વદ ૧૦, વિ. સં. ૧૯૬૭) : જન્મ.
જન્મસ્થળ : બામણા, જિ. સાબરકાંઠા, ઉત્તર ગુજરાત.

કુટુંબની જ્ઞાતિ તથા ધર્મ : ત્રિવેદી મેવાડા, હિન્દુ.

માતૃભાષા : ગુજરાતી.

અન્ય ભાષાઓ : સંસ્કૃત, અંગ્રેજી, હિંદી, મરાઠી, બંગાળી.

ઉપનામો : ૧. ‘વાસુકિ’ ૨. ‘શ્રવણ’.
પિતા : જેઠાલાલ કમળજી. મૂળ શામળાજી પાસેના ડુંગરોમાં આવેલા લુસડિયા ગામના. ગુજરાતી સાત ચોપડી ભણેલા. દેવની મોરી, સામેરા તથા હાથરોલના કામદાર.
માતા : નવલબાઈ (મૂળ નામ ‘નર્મદા’). ભાઈશંકર ઠાકરનાં પુત્રી. નિરક્ષર, તેજસ્વી સ્મરણશક્તિ ધરાવનારાં; ભાવસમૃદ્ધ તેમ જ વ્યવહારડાહ્યાં. સાત પુત્રો તથા બે પુત્રીઓનાં માતા, જેમાં ઉમાશંકર ત્રીજા. [વયાનુક્રમે સંતાનોનાં નામ : રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબહેન, કેસરબહેન, દેવેન્દ્ર.]
પત્ની : જ્યોત્સ્નાબહેન. કર્વે વિદ્યાપીઠનાં સ્નાતક.
સંતાનો : નંદિની અને સ્વાતિ.
ઘરનું સરનામું : ‘સેતુ’, ૨૬, સરદાર પટેલ નગર, અમદાવાદ–૩૮૦ ૦૦૬.
૧૯૧૬ : યજ્ઞોપવીત સંસ્કાર.
૧૯૧૬–’૨૦ : બામણાની પ્રાથમિક શાળામાં શિક્ષણ.
૧૯૨૧–’૨૭ : ગુજરાતી ચોથું ધોરણ ઈડર જઈ પૂરું કર્યું. તે પછી ત્યાંની ઍંગ્લો- વર્નાક્યુલર સ્કૂલમાં શિક્ષણ.
૧૯૨૭–’૨૮ : અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૅટ્રિકની કક્ષાએ શિક્ષણ.
૧૯૨૮ : મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી મૅટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં ત્રીજા નંબરે તથા અમદાવાદમાં પહેલા નંબરે પાસ. ગુજરાત કૉલેજ તરફથી માસિક રૂ.૧૫ની મેરિટ સ્કૉલરશિપ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી માસિક રૂ. ૯નીબારડોલોઇ શિષ્યવૃત્તિ અને ઈડર રાજ્ય તરફથી માસિક રૂ. ૧૫ની શિષ્યવૃત્તિ એનાયત. ગુજરાત કૉલેજમાં પ્રવેશ, જ્યાં ૧૯૩૦ સુધી અભ્યાસ.
: ઑક્ટોબરમાં આબુનો પ્રવાસ. શરદપૂનમની રાત્રિએ નખી સરોવરનું સૌંદર્યદર્શન, જે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ નામના તેમના પ્રથમ કાવ્યસૉનેટનું બીજ અને એમની કાવ્યદીક્ષાનો અનુભવ બની રહ્યું.
૧૯૨૯ : જાન્યુઆરીથી શરૂ થયેલી અને ૩૪ દિવસ સુધી ચાલેલી ગુજરાત કૉલેજની હડતાળમાં સામેલ.
૧૯૩૦–’૩૪ : અભ્યાસ છોડીને સત્યાગ્રહી તરીકે સ્વાતંત્ર્યની ચળવળમાં સક્રિય.
૧૯૩૦ : એપ્રિલના આરંભમાં સત્યાગ્રહી તરીકે વીરમગામ છાવણીમાં.
૧૯૩૦–’૩૧ : પહેલો જેલનિવાસ. ચૌદ અઠવાડિયાંનો – નવેમ્બર, ૧૯૩૦થી; સાબરમતી જેલમાં તથા યરવડાની તંબુજેલમાં. ત્યાં મરાઠી, બંગાળી અને ઉર્દૂ શીખવાની શરૂઆત.
: સાબરમતી જેલમાં જીવનસમગ્ર માટેની આધ્યાત્મિક દીક્ષા આપતો વિલક્ષણ અનુભવ.
: સૌપ્રથમ અનુવાદ ટૉમસ હૂડના ‘ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’નો ‘પહેરણનું ગીત’ – એ નામથી.
૧૯૩૧ : કરાંચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં હાજરી.
: કૉલેજમાં ન જોડાતાં, જુલાઈથી ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના સાન્નિધ્યમાં. એ દરમિયાન રોજના છ કલાક ખાદીકામ. તે અરસામાં કવિ સુન્દરમ્ સાથે પરિચય-મૈત્રી.
: ‘વિશ્વશાંતિ’(ખંડકાવ્ય)નું સર્જન તેમ જ પ્રકાશન.
૧૯૩૨ : બીજો જેલનિવાસ, આઠ માસનો; સાબરમતી તથા વીસાપુર જેલમાં. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહમાંનાં ત્રીજા ભાગનાં કાવ્યોનું અને ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહમાંનાં પાંચ એકાંકીઓનું જેલમાં સર્જન. તે ઉપરાંત તેમના સર્વપ્રથમ એકાંકી ‘શહીદનું સ્વપ્ન’નું પણ સર્જન.
: ઉગ્ર નેત્રરોગ.
: પુણેમાં દેવદાસ ગાંધી સાથે કામગીરી.
૧૯૩૪ : એપ્રિલમાં પિતાનું અવસાન.
: ઑક્ટોબરમાં વડોદરાની કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળના કાવ્યપઠનના કાર્યક્રમો દ્વારા ઉમાશંકર તથા સુન્દરમે એ પ્રકારની કાવ્યપઠનની પરિપાટીનો કરેલો આરંભ.
: એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.માં પ્રવેશ. ત્યાંની હૉસ્ટેલમાં નિવાસ. ‘અનાથ’(ત્રિઅંકી નાટક)નું સર્જન. ‘વડો નિશાળિયો’ એ નામે તે નાટકનું શ્રી ચંદ્રવદન મહેતા દ્વારા સાન્તાક્રૂઝમાં મંચન.
: ‘ગંગોત્રી’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
: ‘કવિતા અને તત્ત્વજ્ઞાન’ — એ પહેલો વિવેચનલેખ.
૧૯૩૫ : ડિસેમ્બરમાં કડી છાત્રસંમેલનમાં પ્રમુખ. ‘મને સાંભરે રે’ વ્યાખ્યાન આપેલું.
૧૯૩૬ : એલ્ફિન્સ્ટન કૉલેજના મુખપત્ર ‘ધ એલ્ફિન્સ્ટોેનિયન’માં અંગ્રેજીમાં નાટક આપ્યું : ‘ધ પોએટ’.
: એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર (મુખ્ય) તથા ઇતિહાસ (ગૌણ) વિષયો લઈ, ઑનર્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ.
: ‘સાપના ભારા’(એકાંકીસંગ્રહ)નું પ્રકાશન.
: મુંબઈમાં બહુભાષી પ્રગતિવાદી સાહિત્યકારોનું મંડળ સ્થાપવામાં તેમનો સક્રિય હિસ્સો.
૧૯૩૭ : ૨૫ મેના રોજ, જ્યોત્સ્ના ન. જોશી સાથે લગ્ન.
: મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ પી. પી. શાળામાં શિક્ષક.
: ‘ગાંધીકાવ્યસંગ્રહ’નું સંપાદન, ‘સ્નેહરશ્મિ’ સાથે.
: ‘શ્રાવણી મેળો’(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન.
૧૯૩૮ : ગુજરાતી (મુખ્ય) તથા સંસ્કૃત (ગૌણ) વિષયો લઈ, મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ.
: સિડનહામ કૉલેજ ઑફ કૉમર્સ(મુંબઈ)માં ગુજરાતીના ખંડ સમયના વ્યાખ્યાતા – ૧૯૩૯ સુધી.
: ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન.
: કલકત્તામાં કવિવર રવીન્દ્રનાથના સાન્નિધ્યમાં યોજાયેલી ભારતીય લેખક પરિષદની એક બેઠકમાં પ્રમુખ તરીકે ભાગ લેવા નિમંત્રણ, પરંતુ સગવડના અભાવે ન જઈ શકાયું.
૧૯૩૯ : અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા) દ્વારા શરૂ થતા અનુસ્નાતક અધ્યયનસંશોધન વિભાગમાં અધ્યાપક તરીકે નિયુક્તિ, જે પદે ૧૯૪૬ સુધી રહ્યા.
: રણજિતરામ સુવર્ણચંદ્રક ‘ગંગોત્રી’ માટે. [તે અર્પણ થયો 
તા. ૨૫–૮–૧૯૪૦ના રોજ.]
: ‘નિશીથ’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
: ‘ગુલે પોલાંડ’(કાવ્યાનુવાદ)નું પ્રકાશન.
૧૯૪૦ : ‘પારકાં જણ્યાં’(નવલકથા)નું પ્રકાશન. [તે લખાયેલી ૧૯૩૯માં.]
: બીજી નવલકથા ‘ઉંબર બહાર’ ‘કુમાર’ના ૨૦૦મા અંકથી શરૂ. ચાર હપતા સુધી તે લખાયેલી.
: આનંદશંકર ધ્રુવકૃત ‘કાવ્યતત્ત્વવિચાર’નું સંપાદન (રામનારાયણ વિ. પાઠક સાથે).
૧૯૪૧ : ‘અખો : એક અધ્યયન’(વિવેચનગ્રંથ)નું પ્રકાશન.
: ‘સાહિત્યપલ્લવ’(ભાગ : ૧–૨–૩)નું સંપાદન, ‘સ્નેહરશ્મિ’ સાથે.
: પુત્રી નંદિનીનો જન્મ.
: આનંદશંકર ધ્રુવકૃત ‘સાહિત્યવિચાર’નું સંપાદન (રામનારાયણ વિ. પાઠક સાથે).
૧૯૪૨ : બાળાશંકર કંથારિયાકૃત ‘ક્લાન્ત કવિ’(કાવ્યસંગ્રહ)નું સંપાદન.
: આનંદશંકર ધ્રુવકૃત ‘દિગ્દર્શન’નું સંપાદન (રામનારાયણ વિ. પાઠક સાથે).
૧૯૪૪ : ‘પ્રાચીના’(નાટ્યાત્મક કાવ્યસપ્તક)નું પ્રકાશન.
: મહિડા પારિતોષિક, ‘પ્રાચીના’ માટે.
: એપ્રિલથી તે જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૪૬ સુધી ‘બુદ્ધિપ્રકાશ’ ત્રૈમાસિકનું સંપાદન.
: ડિસેમ્બરમાં મદ્રાસમાં યોજાયેલી અખિલ ભારતીય ઇતિહાસ પરિષદમાં હાજરી. એના અનુસંધાનમાં પત્ની તથા પુત્રી સાથે દક્ષિણ ભારતનો ૪૨ દિવસનો પ્રવાસ.
: ‘આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ’નું સંપાદન (અન્ય સાથે).
૧૯૪૫ : નર્મદ સુવર્ણચંદ્રક, ‘પ્રાચીના’ માટે.
૧૯૪૬ : ૨, સપ્ટેમ્બરથી જૂન, ૧૯૫૪ સુધી અધ્યાપનના સવેતન વ્યવસાયમાંથી સ્વેચ્છાએ મુક્ત.
: ‘આતિથ્ય’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
: ‘પુરાણોમાં ગુજરાત’(સંશોધનગ્રંથ)નું પ્રકાશન.
: આનંદશંકર ધ્રુવકૃત ‘વિચારમાધુરી’નું સંપાદન (રામનારાયણ વિ. પાઠક સાથે).
૧૯૪૭ : જાન્યુઆરીમાં ‘સંસ્કૃતિ’ માસિકનો પ્રારંભ, જે ડિસેમ્બર, ૧૯૭૯ સુધી માસિક તરીકે અને ત્યારબાદ ડિસેમ્બર, ૧૯૮૪ સુધી ત્રૈમાસિક તરીકે ચાલીને બંધ થયું.
: ‘સંસ્કૃતિ’માં ‘આબુ’ વિશે પ્રથમ પ્રવાસવર્ણન (સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના ચાર અંકોમાં).
: ‘અંતરાય’(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન.
૧૯૪૮ : મુંબઈ સરકાર દ્વારા નિયુક્ત ગુજરાતી પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય.
: ‘સમસંવેદન’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: પુત્રી સ્વાતિનો જન્મ.
: નવેમ્બર–ડિસેમ્બર દરમિયાન માતા સાથે ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ અને ઓરિસાની યાત્રા.
૧૯૫૦ : ‘ઉત્તરરામચરિત’(નાટ્યાનુવાદ)નું પ્રકાશન.
૧૯૫૧ : ‘ગોષ્ઠી’(સર્જનાત્મક નિબંધોનો સંગ્રહ)નું પ્રકાશન.
: ‘શહીદ’(એકાંકીસંગ્રહ)નું પ્રકાશન.
: ‘વરસની શ્રેષ્ઠ વાર્તાઓ’નું સંપાદન.
૧૯૫૨ : બેઇજિંગમાં એશિયાઈ તથા પૅસિફિક દેશોની શાંતિપરિષદમાં હાજરી આપવા નિમિત્તે રવિશંકર મહારાજ આદિ સાથે ચીનનો ૫૪ દિવસનો પ્રવાસ.
: ચીનથી પાછા વળતાં સિંગાપુર, જાવા, બાલી, મલાયા અને લંકાનો પ્રવાસ.
: ‘મેઘાણી ગ્રંથ’(૧ અને ૨)નું સંપાદન.
૧૯૫૩ : સણોસરા ખાતે લોકભારતી સંસ્થાની સ્થાપનામાં સક્રિય રસ. ત્યાં શરૂઆતના ગાળામાં તેમની મુલાકાતી અધ્યાપક તરીકે સેવાઓ.
: ‘અખાના છપ્પા’નું સંશોધન–સંપાદન.
: બલવંતરાય ક. ઠાકોરકૃત ‘મ્હારાં સૉનેટ’(સૉનેટસંગ્રહ)નું સંપાદન.
: ‘સંદેશ’ દૈનિકમાં ‘સાહિત્યસાધના’ કટારનું લેખન – જૂન, ૧૯૫૪ સુધી.
૧૯૫૪ : ‘વસંતવર્ષા’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
: ૧૨, માર્ચથી, દિલ્હીની સાહિત્ય અકાદમીના પ્રારંભથી તેની સામાન્ય સભા (જનરલ કાઉન્સિલ) તથા તેની કારોબારીના સભ્ય – ૩૧, ડિસેમ્બર, ૧૯૭૨ સુધી.
: જૂનથી ગુજરાત યુનિવર્સિટી(અમદાવાદ–૯)માં ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રધાન અધ્યાપક; તે સાથે જ તેના ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ; જે કામગીરી ૩૦, નવેમ્બર, ૧૯૬૬ સુધી વેતન સાથે અને ત્યાર પછી ૩૧, માર્ચ, ૧૯૭૦ સુધી વિના વેતને બજાવી.
૧૯૫૫ : વેડછી ખાતે ગાંધી વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં દીક્ષાન્ત પ્રવચન.
: ‘શાકુંતલ’(નાટ્યાનુવાદ)નું પ્રકાશન.
: નડિયાદ ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯મા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખ. એ પદેથી ‘કવિની સાધના’ વિશે વ્યાખ્યાન આપેલું.
: ‘ગંગોત્રી’ ટ્રસ્ટની સ્થાપના.
: ‘શ્રી અંબુભાઈ પુરાણી ષષ્ટિપૂર્તિ અભિનંદન ગ્રંથ’નું સંપાદન (અન્ય સાથે).
૧૯૫૬ : સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ તરીકે લલિત કલા અકાદમીના સભ્ય.
: ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લૅન્ડમાં ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ અર્થે મોકલેલા પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે અમેરિકા–ઇંગ્લૅન્ડનો પ્રવાસ.
: જુલાઈમાં લંડનમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. પાછા વળતાં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, ગ્રીસ તથા ઇજિપ્ત — એ દેશોનો પ્રવાસ.
૧૯૫૭ : તોક્યો–ક્યોતોમાં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો. હીરોશીમાની યાત્રા.
: અખિલ ભારતીય લેખક પરિષદ – કલકત્તાના વિભાગીય પ્રમુખ.
: ‘ગુજરાતી લોકસાહિત્યમાળા’ (મણકો–૧)નું સંપાદન (અન્ય સાથે).
૧૯૫૯ : ‘ઉઘાડી બારી’(નિબંધસંગ્રહ)નું પ્રકાશન.
: ‘અભિરુચિ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: ‘વિસામો’(વાર્તાસંગ્રહ)નું પ્રકાશન. [લેખકે ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’ તથા ‘અંતરાય’ — એ બે વાર્તાસંગ્રહોમાંની કેટલીક વાર્તાઓ રદ કરી, કેટલીક સુધારી અને કેટલીક નવી ઉમેરી તૈયાર કરેલો સંગ્રહ તે ‘વિસામો’. તેના પ્રગટ થયાથી ઉપર્યુક્ત બંને સંગ્રહો રદ થયા.]
: હરિશ્ચંદ્ર ભટ્ટકૃત ‘સ્વપ્નપ્રયાણ’(કાવ્યસંગ્રહ)નું સંપાદન.
: મુંબઈ યુનિવર્સિટીના આમંત્રણથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘કવિતાવિવેક’ વિશે વ્યાખ્યાનો.
: ‘ગુજરાતી લોકસાહિત્યમાળા’ (મણકો–૨)નું સંપાદન (અન્ય સાથે).
૧૯૬૦ : ‘શૈલી અને સ્વરૂપ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: ‘નિરીક્ષા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
૧૯૬૧ : જાન્યુઆરીના આરંભમાં રવીન્દ્ર જન્મશતાબ્દી નિમિત્તે નિખિલ ભારત બંગીય સંમેલને મુંબઈમાં યોજેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી તથા ‘ટાગોર્સ પોએટિક વિઝન’ વિશે નિબંધવાચન.
: ‘કવિની સાધના’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: ૧૩, એપ્રિલના રોજ કટકમાં યોજાયેલા ઊડિયાભાષી લેખકોના વાર્ષિક ‘વિષુવમિલન’માં અતિથિ તથા પ્રમુખ.
: ૭–૮, મેના રોજ રવીન્દ્ર જન્મશતાબ્દીના ઉત્સવમાં ભાગ લેવાનું નિમંત્રણ. શ્યામ પાર્ક અને રવીન્દ્ર સરોવર — એ સ્થળોએ યોજાયેલી વિશાળ સભાઓ સમક્ષ “ ‘કુમુદિની’માં પંખીપ્રતીક”— એ નિબંધનું વાચન તથા જોરાંસાંકોમાં રાત્રે આંતરરાષ્ટ્રીય કવિસંમેલનમાં ગુજરાતી સૉનેટનો કાવ્યપાઠ, બંગાળી અનુવાદ સાથે.
: વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ દેશભરમાંથી આમંત્રેલા દોઢસો સભ્યોની દિલ્હીમાં ૩૦, સપ્ટેમ્બરથી ૨, ઑક્ટોબર સુધી યોજાયેલી નૅશનલ ઇન્ટિગ્રેશન કૉન્ફરન્સ(રાષ્ટ્રીય એકતા સંમેલન)માં સભ્ય તરીકે ભાગ લીધો.
: ૫, ઑક્ટોબરથી ૨૯, ઑક્ટોબર સુધી ભારત સરકારના પાંચ લેખકોના પ્રતિનિધિમંડળમાંના એક સભ્ય તરીકે રશિયાનો પ્રવાસ.
: નવેમ્બરમાં સાહિત્ય અકાદમી – દિલ્હી દ્વારા દિલ્હીમાં રવીન્દ્ર જન્મશતાબ્દીના અનુલક્ષમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં નિબંધવાચન.
: નિખિલ ભારત બંગીય સાહિત્ય સંમેલનમાં જોરાંસાંકો – કલકત્તામાં યોજાયેલા રવીન્દ્ર જન્મશતાબ્દી અધિવેશનનું ઉદ્ઘાટન.
: ‘કાલેલકર અધ્યયનગ્રંથ’નું સંપાદન (અન્ય સાથે).
૧૯૬૨ : મૈસૂરમાં યોજાયેલા પી.ઇ.એન.ના ૨૪મા અધિવેશનના વિભાગીય પ્રમુખ.
૧૯૬૩ : ‘શ્રી અને સૌરભ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: ‘રવીન્દ્રનાથનાં છેલ્લાં કાવ્યો’ અને ‘રવીન્દ્રનાથની ટૂંકી વાર્તાઓ’ — એ વિષયો પર કલકત્તા યુનિવર્સિટીના ઉપક્રમે ‘ટાગોર લેક્ચર્સ’.
: કલકત્તાના ગુજરાતી સાહિત્ય મંડળના ઉપક્રમે વ્યાખ્યાનો.
: રવીન્દ્રનાથ ઠાકુરના કાવ્યગુચ્છ ‘એકોત્તરશતી’નો અનુવાદ (અન્ય સાથે).
૧૯૬૪ : ૧૭, જાન્યુઆરીના રોજ જ્યોત્સ્નાબહેનનું અવસાન.
: દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના માટેની ગુજરાત રાજ્યે નીમેલી સમિતિના સભ્ય.
: મેમાં પુત્રીઓ સાથે ગંગોત્રીની યાત્રા.
: ઑક્ટોબરમાં સણોસરામાં નાનાભાઈ વ્યાખ્યાનમાળામાં મહાભારત વિશે વ્યાખ્યાનો.
: ‘શેક્સપિયર’(પરિચયપુસ્તિકા)નું પ્રકાશન.
૧૯૬૫ : ‘મહાપ્રસ્થાન’(નાટ્યાત્મક કાવ્યસપ્તક)નું પ્રકાશન.
: ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૩થી ’૬૫ના ગાળાની શ્રેષ્ઠ સાહિત્યકૃતિ તરીકે ‘મહાપ્રસ્થાન’ માટે.
: નૅશનલ બુક ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાની સલાહકાર સમિતિના સભ્ય.
૧૯૬૬ : પુણે યુનિવર્સિટીના ઉપક્રમે રવીન્દ્રનાથની કવિતા પર ત્રણ વ્યાખ્યાનો.
: કેન્દ્રીય ભાષા-સલાહકાર સમિતિના સભ્ય.
: ૩૦, નવેમ્બરથી ૧૭, નવેમ્બર, ૧૯૭૨ સુધી ગુજરાત યુનિવર્સિટીના માનાર્હ કુલપતિ (વાઇસ ચાન્સેલર).
૧૯૬૭ : ૫, ફેબ્રુઆરીના રોજ માતાનું અવસાન.
: ‘અભિજ્ઞા’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
: કન્નડ કવિ પુટપ્પાની સાથે તેમને ૧૯૩૫થી ૧૯૬૦ સુધીના સમયગાળાની ભારતની શ્રેષ્ઠ સર્જનકૃતિ માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર, ‘નિશીથ’ને અનુલક્ષીને. આ પુરસ્કાર પ્રાપ્ત થતાં, મુંબઈ મરાઠી સાહિત્યસંઘે તેમનું સન્માન સંસ્થાનું માનાર્હ આજીવન સભ્યપદ તથા સુવર્ણપદક અર્પીને કર્યું.
: ‘પ્રતિશબ્દ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: દિલ્હીમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનના પ્રમુખ; ‘કવિની શ્રદ્ધા’ પર વ્યાખ્યાન.
: ‘અખેગીતા’નું સંપાદન (રમણલાલ જોશી સાથે).
: ‘દી. બા. નર્મદશંકર મહેતા સ્મારક ગ્રંથ’નું સંપાદન (અન્ય સાથે).
૧૯૬૮ : કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક, ૧૯૬૭ના શ્રેષ્ઠ કાવ્યગ્રંથ તરીકે ‘અભિજ્ઞા’ માટે.
: ૧૨, એપ્રિલના રોજ કલકત્તામાં આયોજિત અખિલ ભારતીય કવિપરિષદના મુખ્ય અતિથિ.
: ફિલ્મ સેન્સરશિપ તપાસ સમિતિ(૧૯૬૮–’૬૯)ના સભ્ય.
૧૯૬૯ : ૮, જાન્યુઆરીના રોજ બૅંગલોર યુનિવર્સિટીમાં દીક્ષાન્ત પ્રવચન. તે સમયે બૅંગલોર યુનિવર્સિટી તરફથી ડી. લિટ્.ની માનાર્હ પદવી આપવામાં આવી હતી.
: ‘ગાંધીકથા’(ગાંધીજીવનપ્રસંગો)નું પ્રકાશન.
: પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (ભાગ–૧)નું સંપાદન (હરિવલ્લભ ભાયાણી સાથે).
: ‘શ્રી અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથ’નું સંપાદન (ર. છો. પરીખ અને અન્ય સાથે).
૧૯૭૦ : ૩, એપ્રિલથી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત — ૨, એપ્રિલ, ૧૯૭૬ સુધી. આ નિયુક્તિ થતાં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના માનાર્હ પ્રાધ્યાપક તેમ જ અધ્યક્ષપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ.
: ૪, એપ્રિલના રોજ નાગપુર યુનિવર્સિટીનું ૫૧મું દીક્ષાન્ત પ્રવચન.
: સઓલ(દક્ષિણ કોરિયા)માં ભરાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. વચમાં રોકાઈને તાઇવાનમાં એશિયાઈ સાહિત્ય પરિષદમાં ઉપસ્થિત તથા જાપાનમાં ક્યોતોમાં યોજાયેલા ઍક્સ્પોની મુલાકાત.
: કુલપતિઓના મંડળના અધ્યક્ષ તરીકે પશ્ચિમ જર્મનીની યુનિવર્સિટીઓની મુલાકાત.
: ૧૧, ઑક્ટોબરના રોજ જોધપુર યુનિવર્સિટી તરફથી ડી. લિટ્.ની માનાર્હ પદવી.
: રાષ્ટ્રીય અકાદમીઓ તથા ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સની રિવ્યૂ કમિટીના સભ્ય (૧૯૭૦–’૭૨).
: ‘મડિયાનું મનોરાજ્ય’નું સંપાદન (અન્ય સાથે).

૧૯૭૧ ||:|| ‘કવિતા વાંચવાની કળા’(પરિચયપુસ્તિકા)નું પ્રકાશન.

: ૨, ફેબ્રુઆરી, શાંતિનિકેતન — વિશ્વભારતીમાં દીક્ષાન્ત પ્રવચન.
: પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’(ભાગ–૨)નું સંપાદન (હરિવલ્લભ ભાયાણી સાથે).
૧૯૭૨ : ‘કવિની શ્રદ્ધા’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: ‘કાવ્યાયન’ (વિશ્વકવિતાના આસ્વાદલેખોનો સંગ્રહ)નું સંપાદન. આ ગ્રંથથી ‘નિશીથ પુરસ્કાર ગ્રંથમાળા’નો આરંભ થાય છે, જેના ૧૯૮૮ સુધીનાં પ્રકાશનોની સંખ્યા બાવીસેકની થાય છે.
: ડિસેમ્બરમાં અમૃતસરમાં યોજાયેલા ઇન્ડિયન પી.ઈ.એન.ના સંમેલનમાં પ્રમુખ.
૧૯૭૩ : સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર, ‘કવિની શ્રદ્ધા’ માટે.
: ‘ભોમિયા વિના’(પોતે પસંદ કરેલાં પોતાનાં ગીતોનો સંચય)નું પ્રકાશન.
: ‘સૌના સાથી, સૌના દોસ્ત’(‘ગાંધીકથા’માંથી બાળકો માટે તારવેલા કેટલાક ગાંધીપ્રસંગોનો સંચય)નું ભારતની બધી ભાષાઓમાં પ્રકાશન. પાછળથી વિયેટનામમાં પણ તે પ્રકાશિત.
: સાંસ્કૃતિક વિનિમય યોજના હેઠળ જુલાઈમાં ફ્રાન્સ, હંગેરી તથા પૂર્વ જર્મનીનો પ્રવાસ. પૅરિસમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી. ઇંગ્લૅન્ડની પણ અંગત રીતે મુલાકાત.
: ઑક્ટોબરમાં જાપાનમાં ક્યોતોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં હાજરી.
: ઇન્ડિયન પી.ઈ.એન.ના ઉપપ્રમુખ — ૧૯૮૫ સુધી.
: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી.લિટ્.ની પદવી.
: ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’(ભાગ–૧)નું સંપાદન (અન્ય સાથે).
૧૯૭૪ : ‘કલાપીનાં કાવ્યો’નું લોકમિલાપ માટે સંપાદન.
૧૯૭૫ : ઑક્ટોબરમાં આસામ, મેઘાલય, મણિપુર, નાગાલૅન્ડનો પ્રવાસ. ઇમ્ફાલમાં ‘એપિક’ વિશે વ્યાખ્યાનો.
: થી ૧૯૭૭ સુધી જ્ઞાનપીઠની પ્રવર સમિતિના અધ્યક્ષ.
૧૯૭૬ : જાન્યુઆરીમાં રવીન્દ્રચર્ચાભવન – કલકત્તા તરફથી ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની ઉપાધિ.
: માર્ચમાં અંદામાનનો પ્રવાસ.
: ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર’(પ્રવાસગ્રંથ)નું પ્રકાશન.
: અખિલ હિંદ શરતચંદ્ર જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ–કલકત્તાના પ્રમુખ.
: ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’(ભાગ–૨)નું સંપાદન (અન્ય સાથે).
૧૯૭૭ : ‘હવેલી’(એકાંકીસંગ્રહ)નું પ્રકાશન. [આ પૂર્વેના ‘શહીદ’ એકાંકીસંગ્રહમાંની કેટલીક કૃતિઓ રદ કરી, એમાંની કેટલીક લઈ, કેટલીક મઠારી, કેટલીક નવી ઉમેરીને તૈયાર કરેલો સંગ્રહ તે ‘હવેલી’, આનું પ્રકાશન થતાં ‘શહીદ’ એકાંકીસંગ્રહ રદ થયો.]
: “ ’૩૧માં ડોકિયું”(ડાયરી)નું પ્રકાશન.
: ‘હૃદયમાં પડેલી છબિઓ’(ભાગ : ૧ અને ૨, વ્યક્તિચિત્રો)નું પ્રકાશન.
: ‘કેળવણીનો કીમિયો’(શૈક્ષણિક વ્યાખ્યાનો — દીક્ષાન્ત પ્રવચનો — લેખો)નું પ્રકાશન.
: ‘શરતચંદ્રજન્મશતાબ્દીગ્રંથ’નું સંપાદન.
: દૂરદર્શન–આકાશવાણી સ્વાયત્તતા કાર્યકારી જૂથ (વર્ગીઝ સમિતિ)ના સભ્ય.
: દિલ્હીમાં ઇકબાલ ઇન્ટરનૅશનલ સેમિનારમાં ઉદ્ઘાટન-પ્રવચન.
૧૯૭૮ : ફેબ્રુઆરીથી ફેબ્રુઆરી, ૧૯૮૩ સુધી દિલ્હીની સાહિત્ય અકાદમીના પ્રમુખ.
: ‘શિવસંકલ્પ’(નિબંધસંગ્રહ)નું પ્રકાશન.
: ‘સમયરંગ’(વૃત્તવિવેચન)નું પ્રકાશન.
: માર્ચમાં મદ્રાસમાં કુપ્પુસ્વામી સંસ્કૃત સાહિત્ય અકાદમીના સુવર્ણ મહોત્સવમાં અધ્યક્ષ.
: સપ્ટેમ્બરમાં રશિયામાં તૉલ્સ્તૉયની દોઢસોમી જન્મજયંતીના અનુલક્ષમાં યોજાયેલા સમારોહમાં ત્યાંના લેખકસંઘના નિમંત્રણથી ભાગ લઈને અંજલિ અર્પી.
: ચંદીગઢ યુનિવર્સિટીના બાબા ફરીદ મધ્યકાલીન અધ્યયન વિભાગના ઉપક્રમે અખા વિશે અંગ્રેજીમાં બે વ્યાખ્યાનો.
: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કૉમ્યૂનિકેશન — દિલ્હીના માનાર્હ અધ્યક્ષ (ચૅરમૅન).
: સભ્ય, નૅશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી.
: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર તરફથી ડી. લિટ્.ની માનાર્હ પદવી.
: રવીન્દ્રનાથ ઠાકુરના ગીતસંચય ‘ગીતપંચશતી’નો અનુવાદ (અન્ય સાથે).
: ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’(ભાગ–૩)નું સંપાદન (અન્ય સાથે).
૧૯૭૯ : સોવિયેત લૅન્ડ નેહરુ એવૉર્ડ.
: ૭, મેના રોજ રૉયલ એશિયાટિક સોસાયટી – મુંબઈના ઉપક્રમે ‘કાણે લેક્ચર્સ’ (વિષય : ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સમકાલીન વિવેચનમાં પ્રસ્તુતતા’.)
: સપ્ટેમ્બર, ૧૯૭૯થી સપ્ટેમ્બર, ૧૯૮૨ સુધી વિશ્વભારતી–શાંતિનિકેતનના માનાર્હ આચાર્ય (ચાન્સેલર).
: આચાર્ય ક્ષિતિમોહન જન્મશતાબ્દી સમિતિ – કલકત્તાના પ્રમુખ.
૧૯૮૦ : પુત્રી નંદિનીનું યુરોપયાત્રા માટે નિમંત્રણ. બંને પુત્રીઓ સાથે યુરોપના ચૌદ દેશોનો પ્રવાસ.
: ‘સંસ્કૃતિ’ માસિકમાંથી ત્રૈમાસિક બન્યું.
૧૯૮૧ : ‘ધારાવસ્ત્ર’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
: ‘સપ્તપદી’(કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
: ‘સમગ્ર કવિતા : ૧૯૩૧–૧૯૮૧’(કાવ્યગ્રંથ-સંપુટ)નું પ્રકાશન.
: ‘પ્રતિભા અને પ્રતિભાવ’(કાવ્યોના આસ્વાદ-લેખો)નું સંપાદન.
: મે–જૂનમાં રશિયાના લેખક સંઘના નિમંત્રણથી તેના સંમેલનમાં હાજરી.
: ૧૪–૧૬ સપ્ટેમ્બર : બુલે શાહ અને પૂરણસિંહ વિશેના રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન-પ્રવચન.
: ‘વિશ્વગુર્જરી’ ગૌરવ પુરસ્કાર.
: ૧૮, ઑક્ટોબરના રોજ ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં દીક્ષાન્ત પ્રવચન.
: આધુનિક મહાન ચીની લેખક લુ શુનની જન્મશતાબ્દી-પ્રસંગે ચીનના લેખકસંઘના નિમંત્રણથી ત્યાંનો પ્રવાસ.
: સ્વ. લીલા રાય સ્થાપિત ‘જયશ્રી’(સામયિક)ની સુવર્ણજયંતી મહોત્સવ સમિતિ – કલકત્તાના અધ્યક્ષ.
: ઉજ્જૈન આંતરરાષ્ટ્રીય કાલિદાસ ગોષ્ઠિ સપ્તાહની અધ્યક્ષતા.
: જબલપુર યુનિવર્સિટી તરફથી ડી. લિટ્.ની પદવી.
: ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’(ભાગ–૪)નું સંપાદન (અન્ય સાથે).
૧૯૮૨ : ‘શબ્દની શક્તિ’(વિવેચનસંગ્રહ)નું પ્રકાશન.
: મ. સ. યુનિવર્સિટીના ઉપક્રમે મહારાજા સયાજીરાવ મેમોરિયલ લેક્ચર્સ : પ્રેમાનંદ વિશે વ્યાખ્યાનો.
૧૯૮૩ : સભ્ય, પ્રેસ, કાઉન્સિલ ઑફ ઇન્ડિયા.
: મેનેઝીઝ બ્રોગાન્ઝા ઇન્સ્ટિટ્યૂટ – ગોવાના માનાર્હ સભ્ય.
૧૯૮૪ : ‘સર્જકની આંતરકથા’નું સંપાદન.
: ઑક્ટોબર–ડિસેમ્બર : ‘સંસ્કૃતિ’નો પૂર્ણાહુતિ-અંક. સ્વેચ્છાએ તે બંધ કર્યું.
: ‘કાલેલકર ગ્રંથાવલિ’ ભાગ–૧નું સંપાદન (અન્ય સાથે). આ ગ્રંથાવલિના કુલ ૧૫ ભાગ ઈ. સ. ૧૯૮૮ સુધીમાં પ્રકાશિત 
થયા છે.
૧૯૮૫ : મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક.
: ‘ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’ — એ નામે પોતે જ સંપાદિત કરેલી પોતાની વાર્તાઓના ગ્રંથનું પ્રકાશન.
: સાહિત્ય અકાદમી – દિલ્હીના મહત્તર સદસ્ય (ફેલો) તરીકે વરણી.
: ‘યુરોપયાત્રા’(પ્રવાસગ્રંથ)નું પ્રકાશન, જેમાં નંદિની તથા સ્વાતિ સાથે પોતાના પ્રવાસલેખો છે.
: થી ઇન્ડિયન પી.ઈ.એન.ના પ્રમુખ.
: ૧૩–૧૪, માર્ચ : મદ્રાસમાં સંસ્કૃત એકૅડેમીના ઉપક્રમે મહાભારત પર વ્યાખ્યાનો.
૧૯૮૬ : ‘ઇસામુ શિદા અને અન્ય’(વ્યક્તિચિત્રો)નું પ્રકાશન.
: એપ્રિલમાં ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય અકાદમીના આમંત્રણથી યુ.એસ.એ. તેમ જ કૅનેડાની મુલાકાત. મુખ્યત્વે ત્યાંના ગુજરાતી સમાજ સમક્ષ વ્યાખ્યાનો. કેટલીક યુનિવર્સિટીઓમાં પણ વ્યાખ્યાનો.
: ‘નિશ્ચેના મહેલમાં’(પ્રાર્થનાકાવ્યોનો રસાસ્વાદ)નું પ્રકાશન.
: અસમ સાહિત્યસભાના કામપુર સંમેલન(આસામ)ના મુખ્ય અતિથિ.
૧૯૮૭ : ‘કાલિદાસ’ (પરિચયપુસ્તિકા)નું પ્રકાશન.
: ઇન્ડિયન નૅશનલ કમ્પરેટિવ લિટરેચર ઍસોસિયેશનના અધ્યક્ષ.
: ‘મેહુલો ગાજે ને માધવ નાચે’નું સંપાદન (રઘુવીર ચૌધરી સાથે).
૧૯૮૮ : ‘કાલિદાસાઝ પોએટિક વૉઇસ’(વળ્ળતોળ સ્મારક વ્યાખ્યાનો)નું પ્રકાશન.
: ‘ઈશાવાસ્ય ઉપનિષદ’(ભાષ્ય)નું પ્રકાશન.
: ‘પ્રેમાનંદ’(પરિચયપુસ્તિકા)નું પ્રકાશન.
: ‘ઇન્ડિયન લિટરેચર : પર્સનલ એન્કાઉન્ટર્સ’નું પ્રકાશન.
: સૈયદ સાબિરઅલી બુખારીકૃત ‘ધ્રૂજતી પ્યાલી’નું સંપાદન.
: ૧૯, ડિસેમ્બર, સોમવાર(માગસર સુદ ૧૧, વિ. સં. ૨૦૪૫)ના રોજ રાત્રે મુંબઈની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં અવસાન.
૧૯૮૯ : વડોદરાની પ્રેમાનંદ સભા તરફથી પ્રેમાનંદ સુવર્ણચંદ્રક (મરણોત્તર).
૧૯૯૪ : ‘ચીનમાં ૫૪ દિવસ’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
: ‘યાત્રી’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
: ‘સર્જકપ્રતિભા–૧’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
: ‘સર્જકપ્રતિભા–૨’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
૧૯૯૫ : ડિસેમ્બર : ‘જીવનનો કલાધર’ (સંપા. નંદિની જોશી)નું પ્રકાશન.
૧૯૯૭ : ‘મસ્ત બાલ : કવિજીવન’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
: ‘કવિતાવિવેક’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
: ‘કાવ્યાનુશીલન’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
૧૯૯૯ : ‘થોડુંક અંગત’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.
૨૦૦૪ : ‘શેષ સમયરંગ’ (સંપા. સ્વાતિ જોશી)નું પ્રકાશન.