ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧.

ઉમાશંકરની પૂર્વવર્તી ગુજરાતની સાંસ્કૃતિક–સાહિત્યિક પરંપરા

કોઈ પણ સાહિત્યસર્જક કે વિવેચકનું આગમન આકસ્મિક હોતું નથી, આકસ્મિક લાગે એ વાત અલગ છે. સાહિત્યસર્જક યા વિવેચક એક વ્યક્તિ તરીકે કેટલુંક આગવાપણું ધરાવે છે, તો સમષ્ટિના એક અંશ તરીકે કેટલુંક સામ્ય પણ ધરાવે છે. સાહિત્યસર્જક યા વિવેચકની વૈયક્તિક ભૂમિકાનો એના સમષ્ટિગત સંદર્ભ પર પ્રભાવ પડતો હોય છે તો એના સમષ્ટિગત સંબંધ-સંદર્ભનો એની વૈયક્તિક ભૂમિકા પર પ્રભાવ પડતો હોય છે. સાહિત્યસર્જક યા વિવેચકની આ ઉભયપદી અવસ્થા એને એક સંકુલ પરિવર્તનશીલ પરિસ્થિતિના અનન્ય આવિષ્કારરૂપે આપણી સમક્ષ રજૂ કરે છે. તેથી એનો પરિચય સાધવાની પ્રક્રિયા અત્યંત સંકુલ અને તે સાથે જ અત્યંત રસપ્રદ પણ બની રહે છે. દેશકાળ અને માનવચેતનાનું જે વિશિષ્ટ સંયોગરૂપ સાહિત્યકારમાં પ્રતીત થતું હોય છે તે Poets are born – એ પ્રસિદ્ધ ઉક્તિને કેવળ સાદા સરળ વિધાન તરીકે જ સ્વીકારી લેતાં આપણને રોકે છે. જે તે સાહિત્યકારને સમજવાનો – પામવાનો પ્રયત્ન તત્ત્વત: તો જે વૈશ્વિક – માનવીય ઘટનાઓ-પ્રવાહો-વલણો સર્જનપ્રક્રિયાને પ્રેરે છે, સર્જનના કીમિયાને સફળ કરે છે અથવા સર્જકતાને અનુભવ-વ્યવહારમાં મૂર્ત રૂપે સિદ્ધ કરે છે તેનાં ગતિદિશા ને બલાબલનો તાગ મેળવવામાં સહાયભૂત થાય છે. તેથી સાહિત્યકારનો તેના સંસ્કારવારસાના સંદર્ભમાં વિચાર કરવો આવશ્યક જ નહિ, અ-નિવાર્ય બની રહે છે. વળી સાહિત્યનાં સર્જન અને વિવેચનમાં પરંપરા અને પ્રયોગનું બળ સ્પષ્ટ રીતે જોવા મળે છે. પરંપરાની અનુપસ્થિતિમાં પ્રયોગનું ‘પ્રયોગ’રૂપે ભાન થવું અસંભવિત છે, બીજી બાજુ પ્રયોગ વિના પરંપરાના પ્રભાવબળનો તાગ પામવો મુશ્કેલ બને છે. આમેય પરંપરા મૂળભૂત રીતે તો પ્રયોગોના સાતત્ય પર નિર્ભર હોય છે. તેથી જેઓ દેશકાળના સંદર્ભમાં સાહિત્યના સર્જન અને વિવેચનની પ્રક્રિયાને સાંગોપાંગ પામી લેવા ઇચ્છે છે તેમણે પરંપરા અને પ્રયોગ બંનેને ખ્યાલમાં રાખવાં રહ્યાં. સાહિત્યના સર્જક યા વિવેચકને એનો દેશ-કાળ યા પરિસ્થિતિથી ભિન્ન કરીને જોઈ શકાય નહિ. કોઈ પણ સાહિત્યસર્જકે યા વિવેચકે જે કંઈ કર્યું હોય છે તે એના દેશકાળ યા પરિસ્થિતિમાં કરવું શક્ય હોય છે માટે કર્યું હોય છે. કેટલાક તો, આમેય, વ્યક્તિમાત્રને પરિસ્થિતિના એક વિશિષ્ટ પિંડ રૂપે – ‘સંજોગોના પૂતળા’ રૂપે જોતા હોય છે. તેથી કોઈ પણ સર્જક યા વિવેચકની બરોબર નાડ પારખવી હોય તો એના ઇતિહાસ-ભૂગોળની કેટલીક માહિતી ખ્યાલમાં રાખવી અનિવાર્ય થઈ પડે છે.

વ્યક્તિમાત્રમાં કેટલુંક એવું હોય છે, જેના પર વ્યક્તિની પોતાની સત્તા રહે છે; કેટલુંક એવું પણ એનામાં હોય છે જે એની સત્તાની – ઇચ્છાની બહાર હોય છે. સાહિત્યસર્જક યા વિવેચકનો પોતાનો પોતાને સર્જવામાં ફાળો મહત્ત્વનો હોય છે એમ એના જમાનાનો – એના દેશકાળ યા પરિસ્થિતિનો પણ એને સર્જવામાં ફાળો મહત્ત્વનો હોય છે. દલપતરામે આબુ જોયો અને ઉમાશંકરે જોયો. દલપતરામ ‘દીઠો આજ આબુ ગિરિરાજ એવો’ કહી આંખે દેખ્યું ચિત્ર આપીને વિરમ્યા. ઉમાશંકરે શરદપૂર્ણિમાએ નખી સરોવરનું દર્શન કર્યું. એ દર્શન એમના પૂરતું ‘સૌન્દર્યની દીક્ષા’ બની રહ્યું. એમણે અંત:શ્રુતિપટ પર આ મંત્ર ઝીલ્યો :

‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’
(નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૧૦)


દલપતરામે આબુનું વર્ણન કર્યું તે એમના જમાનામાં તો કવિતામાં એક નવપ્રસ્થાનરૂપ ને તેથી આવકાર્ય હતું, આ જમાનામાં તો કદાચ તેનું ઐતિહાસિક મૂલ્ય જ બચે. એવી જ રીતે વિવેચનક્ષેત્રે પણ સમયસાપેક્ષ મૂલ્યો-ધોરણોનું મહત્ત્વ હોય છે. એક જમાનાના ‘કવીશ્વર’ દલપતરામ આપણા એક વિવેચક વિજયરાય વૈદ્યની દૃષ્ટિએ કેવળ ‘સમર્થ ઉપકવિ’ જ રહ્યા, અને એમની આ દૃષ્ટિમાં એમના જમાનાની વિવેચના હતી એ તો સ્પષ્ટ છે. આમ સાહિત્યના સર્જન-વિવેચન ક્ષેત્રે દેશકાળનો સંસ્કારપરંપરાનો ખ્યાલ રાખવો અનિવાર્ય થઈ પડે છે. એ ખ્યાલ વિના સાહિત્યસર્જન યા સાહિત્યવિવેચનનો ખરો તાગ મેળવી શકાય નહિ. ઉમાશંકર ગાંધીયુગનું ફરજંદ છે. તેથી ઉમાશંકરની સર્જકતા ગાંધીયુગના સંદર્ભમાં જોવા-મૂલવવાની રહે. આ ગાંધીયુગ પણ બ. ક. ઠાકોર નિર્દિષ્ટ સંક્રાન્તિયુગનો જ એક તબક્કો બની રહે છે. આ સંક્રાન્તિયુગ અંગે વાત કરતાં ઇતિહાસજ્ઞ – સાહિત્યજ્ઞ બ. ક. ઠાકોર લખે છે :

“કવિ દલપતરામે ‘બાપાની પીંપર’ એ કવિતા લખી ત્યારથી આજ લગીનાં છન્નુસત્તાણુ વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલા આપણા અર્વાચીન સાહિત્ય વાઙ્મયનો હું તો એક જ યુગ ગણું છું અને તેને સંક્રાન્તિયુગનું જ નામ આપવું પસંદ કરું છું : વળી ચાલતો વિક્રમ શતક પૂરો થતાં એ યુગ પૂરો થવાનો એમ પણ માનું છું.”

(નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૧૪, પૃ. ૮)
સુન્દરમે પણ દલપતરામની આ “નવી શૈલીની પ્રથમ ઉપલબ્ધ કૃતિ ‘બાપાની પીંપર’ ૧૮૪૫થી અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રથમ સ્તબક પ્રારંભાયાનો નિર્દેશ કર્યો છે.[1] બ. ક. ઠાકોર [2] જેનો ‘નવીન’ તરીકે નિર્દેશ કરે છે; રા. વિ. પાઠક,[3] સુન્દરમ્ અને મનસુખલાલ ઝવેરી [4] જેનો ‘અર્વાચીન’ તરીકે નિર્દેશ કરે છે, જયંત પાઠક [5] જેનો ‘આધુનિક’ તરીકે અને ઉમાશંકર પોતે જેનો ‘અદ્યતન’[6] તરીકે નિર્દેશ કરે છે તે ગાંધીયુગની કવિતા – સુન્દરમ્-ઉમાશંકર આદિની કવિતા બ. ક. ઠાકોરની ઐતિહાસિક દૃષ્ટિ સ્વીકારીને કહીએ તો સંક્રાંતિકાલીન કવિતા જ છે. દલપત-નર્મદથી માંડીને આજ દિન સુધીની કવિતાને સંક્રાંતિકાલીન કવિતા કહેવામાં વાંધો હોઈ ન શકે. ઉમાશંકર આદિની આ સંક્રાંતિકાલીન કવિતા ‘ગાંધીયુગીન’ મટી જતી નથી એ તો દેખીતું છે. ઉમાશંકર મુખ્યત્વે કવિ હોઈ, એમની કવિતાસૃષ્ટિના સંદર્ભમાં જે વિચાર થયો છે તે એમની સમગ્ર સર્જકતાના સંદર્ભે પણ ઉપયોગી છે. ઉમાશંકરની કવિતા – એમનું સાહિત્યસર્જન, એમનું સાહિત્યવિવેચન પણ સંક્રાન્તિકાળનું; તો એને જોવા-સમજવા માટે સંક્રાન્તિકાળની સંસ્કારભૂમિકાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઉપયોગ કરવો રહ્યો.

જેમ બંગાળી, મરાઠી, હિન્દી, તમિળ, મળયાળમ આદિ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં તેમ ગુજરાતીમાં પણ અર્વાચીન સાહિત્યનો યુગ અંગ્રેજોના સંપર્કથી શરૂ થયો. બ. ક. ઠાકોર અંગ્રેજોના સંપર્કે જે યુગ આપણે ત્યાં શરૂ થયો તેનાં સાંસ્કૃતિક વલણો તપાસી તેને ‘સંક્રાન્તિયુગ’ (Age of Transition) અને ‘પુનર્જીવનયુગ’ (Age of Renascence or New Birth) જેવાં સૌથી ઓછાં પક્ષિલ અને સૌથી વ્યાપક નામોથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે.[7] ‘પ્રયોગયુગ’, ‘ઉદ્ધતિયુગ’, ‘બંડયુગ’, ‘ધ્વંસયુગ’, ‘ઉચ્છેદયુગ’ જેવાં નામો તેઓ નાપસંદ કરે છે. આ સંક્રાંતિ પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કૃતિઓના સંઘટને જન્મેલી છે અને એ સંઘટનને પરિણામે જે ઊથલપાથલો સ્થૂલ-સૂક્ષ્મ રૂપની થઈ તેમાંથી આપણું ગુજરાતી સાહિત્ય બાકાત રહી શક્યું નથી. ‘સુધારાયુગનું સાહિત્ય’, ‘સંરક્ષક પક્ષના લેખકો અને ઉચ્છેદક પક્ષના લેખકો’, ‘સંગમયુગના દ્રષ્ટા’[8], ‘મધુદર્શી સમન્વયકાર આનંદશંકર’૯ ઇત્યાદિ સાહિત્યગત ઉક્તિપ્રયોગોની ભૂમિકા સંક્રાન્તિની જ રહી છે એ સ્પષ્ટ છે. દલપત-નર્મદથી, યથાતથ રીતે કહીએ તો અંગ્રેજોના સંપર્ક પછી જે સંક્રાન્તિની પ્રક્રિયા શરૂ થઈ તેનું સાતત્ય સાક્ષરયુગ, ગાંધીયુગમાં જ નહિ, સ્વાતંત્ર્યોત્તર યુગમાં પણ જોઈ શકાય એવી સ્થિતિમાં આપણે છીએ. ‘નર્મદજન્મસમયનો જમાનો એટલે જડતા, અજ્ઞાન, વહેમ અંધશ્રદ્ધા ને ભીરુતાનો જમાનો.’[9] એ જમાનાનાં કેટલાંક માર્મિક ચિત્રો વિનાયક નંદશંકરે ‘નંદશંકર જીવનચિત્ર’(પૃ. ૨૮-૨૯)માં આપેલાં છે. હીરાલાલ પારેખે ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન–૧’માં આ સમયની કેટલીક દસ્તાવેજી માહિતી આપી છે. રાજકીય ઊથલપાથલો, ટંટાફિસાદો ને પ્રજાકીય બિનસલામતીના પ્રશ્નો ઓછા નહોતા.[10] ‘ભરૂચ શહેરનો ઇતિહાસ’(પૃ. ૪૫૮)માંથી હીરાલાલ પારેખે જે ઘટના ટાંકી છે તે આ સમયની રાજકીય પરિસ્થિતિનું સચોટ રીતે સૂચન કરે છે. સન્ ૧૭૭૯માં વડગામ આગળ થયેલી સંધિ મુજબ ભરૂચ શહેર પાછું સિંધિયાને સોંપવાનો કરાર થયો ત્યારે “......ભરૂચી પ્રજા ઘણી દિલગીર થઈ. ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી કે અંગ્રેજી અમલ અમારા ઉપર હંમેશાં રહો. રાજ્ય અંગ્રેજોનું કાયમ રહે માટે યજ્ઞો, હોમ, બલિદાન વગેરે શરૂ થયાં. કેટલાક લોકોએ અમુક અમુક બાધાઓ પણ લીધી. આ વાતમાં ઢીલ થઈ એટલે પ્રજાએ જાણ્યું કે ઈશ્વરે સામું જોયું, તેથી લોકો ખુશી થયા.”[11] આવું વલણ અપનાવનારી પ્રજા દેશી શાસકોથી કેટલી ત્રાસી હશે એની તો કલ્પના જ કરવાની રહી. તે જમાનાના સંસ્કારક્ષેત્રના અગ્રણીઓ દલપતરામ, નર્મદ, મહીપતરામ વગેરેએ અંગ્રેજી શાસનને આવકાર્યું તેમાં એમની સ્વદેશ પ્રત્યેની બેવફાઈ નહિ પણ દાઝ જ કારણભૂત હતી ! ‘ઝેર ગયાં ને વેર ગયાં’નો આનંદ વ્યક્ત કરી વિક્ટોરિયાના રાજ્ય-અમલને ઈશ્વરનો ઉપકાર ગણી, સ્વીકારી ‘હરખ હવે તું હિન્દુસ્તાન’[12] એમ હિન્દુસ્તાન આખાને હરખાવાનું કહેવાનું થયું એમાં કેવળ દલપતરામનો જ નહિ, એમના સમગ્ર જમાનાનો અવાજ હતો. નર્મદે પણ વિક્ટોરિયાના રાજ્યઅમલને વધાવ્યો જ હતો.[13] અરે ! છેક ન્હાનાલાલ સુધી આ વલણ દેખાતું રહ્યું છે. ન્હાનાલાલે લખેલ ‘રાજયુવરાજને સત્કાર’[14]માં આમ તો આર્ય રાજભાવના અને આર્યસંસ્કૃતિની ફોરમ હતી, છતાં તે હતું તો અંગ્રેજ શહેનશાહની બિરદાવલિરૂપ કાવ્ય. દલપત-નર્મદથી માંડી, ગોવર્ધનરામ ઇત્યાદિ સાક્ષરો – અરે છેક ગાંધીજી સુધી અંગ્રેજોનો ભારત સાથેનો સંબંધ એક યા બીજા કારણે અનેક મહાનુભાવોને આવકાર્ય લાગ્યો હતો. અંગ્રેજોનો સંપર્ક ગાંધીયુગને લાગ્યો તેટલો વાંધાજનક દલપત-નર્મદયુગને, પંડિતયુગને કે ગાંધીયુગ પ્રવર્તનાર ગાંધીજીને પણ એક તબક્કે લાગ્યો નહોતો ![15] ‘સંગમયુગના દ્રષ્ટા’ સરસ્વતીચંદ્રકારને અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ હતો.[16] બીજી બાજુ એ પણ હકીકત છે કે છેક ૧૮૪૪માં દાદોબા અને દુર્ગારામને અંગ્રેજી અમલથી પૈસેટકે દેશની ખરાબી થયાનું ભાન હતું. મહેતાજીએ તો જણાવેલું કે ‘કેટલાએક કામમાં અંગ્રેજીનું રાજ્ય સારું છે. પણ એ રાજા પરદેશનો છે, માટે એને જેટલી પ્રીતિ પોતાના દેશના લોકો પર છે તેટલી આ દેશના લોકો ઉપર નથી, માટે ઇહાંની પ્રજા દુ:ખી છે.’ આગળ ચાલતાં તેઓ જણાવે છે કે ‘એ જે થયું છે તે હિન્દુ લોકોના નિર્બળપણાથી તથા વિદ્યારહિતપણાથી થયું છે... માટે હવે તો એ જ ઉપાય છે કે વિદ્યાકલામાં જાણીતા થવું. નીતિમાન થઈને સરકાર પાસે પોતાનો ખરો હક માગવો.’ (‘દુર્ગારામચરિત’, પૃ. ૧૦૬–૧૦૭–૧૦૮)[17] દલપત-નર્મદયુગે, સાક્ષરયુગે વિદ્યાકલા પરત્વે, ધર્મનીતિ પરત્વે ઠીક ઊહાપોહ કર્યો અને ગાંધીયુગે એ ઊહાપોહને ખરા હકની લડતમાં ઢાળ્યો. જેમણે અંગ્રેજ સરકારનું સ્વાગત કર્યું તે દલપતરામ, નર્મદ વગેરેએ અંગ્રેજ સરકારની ટીકા પણ પ્રસંગોપાત્ત, કરી જ હતી. ‘ફાર્બસવિલાસ’માં દલપતરામે કંઈક કડકાઈથી કહેલું :

“કહે દલપત દીનાનાથ તેં આ દેશમાંથી,
આંધળો અમલ કાઢ્યો તથાપિ અંધેર છે.”
(દલપતકાવ્ય–૨, ૧૮૯૭, પૃ. ૯૫)


મીઠા અંગેના દંગલ પછી દુર્ગારામ મહેતાજી ૧-૯-૧૮૪૪ની માનવધર્મસભાની બેઠકમાં જે બોલ્યા તે એટલું તો કડક હતું કે મહીપતરામે લખ્યું કે “આ ભાષણ [18] ઈ.સ. ૧૮૪૪ને બદલે ઈ.સ. ૧૮૭૮માં (એપ્રિલના દંગલ વખત) કર્યું હોત તો તેમને તેમના જીવતરનો બાકીનો ભાગ કાળે પાણીએ ચડી આંદામાન બેટમાં કાઢવો પડત...!” (આદ્ય સુધારક મહેતાજી દુર્ગારામ, ૧૯૭૦, પૃ. ૨૬)

આમ દલપત-નર્મદથી માંડીને ગાંધીયુગપર્યંત બૌદ્ધિકોમાં અંગ્રેજ સત્તાના સંપર્ક વિશે મિશ્ર વલણ રહ્યું છે. દુર્ગારામ મહેતાજી કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવાને અંગ્રેજ સત્તાથી થનાર હાનિની વાત બહુ ઊંડી રીતે સ્પર્શી ગયાનાં એંધાણ જરૂર મળે છે. મણિલાલે ‘પાશ્ચાત્ય બલના આર્યબલ સાથેના સંઘટ્ટ’ના સંદર્ભમાં વાત કરતાં, એમના અત્યંત મહત્ત્વના લેખ ‘પૂર્વ અને પશ્ચિમ’માં જણાવ્યું છે કે પાશ્ચાત્ય રાજકીય સંપર્કે ‘સુખશાન્તિ અને નિર્ભયતા એ બે વાત આપણને મળી છે;[19] પણ પછી ઉમેરે છે : “પણ ખરેખર તેની કિંમત આપણે કોઈ મહામૂઢ ગામડિયો બજારમાં જઈને એકાદ હલકા હીરાને માટે આપી આવે તે કરતાં પણ અધિક પ્રમાણથી આપી છે. સતી, દૂધ-પીતી ઇત્યાદિ વાતો દૂર થઈ તે માટે પરમ ઉપકાર માનવા જેવું છે ખરું, પરંતુ અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી.” [20] અંગ્રેજોના સંપર્કે જે નવા નવા સુધારાઓ આવ્યા, સુખસગવડનાં સાધનો આવ્યાં, વિદ્યાકળાનાં નવાં ક્ષેત્રો ખૂલ્યાં અને કાયદો તથા વ્યવસ્થાએ પ્રેરેલી શાંતિ-સલામતી આવ્યાં તેનો અનુભવ દેશી જનો માટે તો અભૂતપૂર્વ જ હતો. દલપતરામે તો એમની ઠાવકાઈમાં વિસ્મય વધવા દઈને ગાયું :

“દીસે આ દુનિયા નવી, નવું નવું સૌ ઠામ,
કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ.
અરે આજ આંહીં મને કોણ લાવ્યું ?
નવું વિશ્વ શું ઈશ્વરે આ વસાવ્યું ?
ગયું ક્યાં હતું જેહ જૂની પ્રજાળું ?
અહો ! સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.”
(દલપતકાવ્ય–૨, પૃ. ૨૬૫)


આ દર્શન મહદંશે સપાટી પરનું છે. ને ખાસ વાત તો એ કે એ દર્શન કેવળ દલપતરામનું એકલાનું નથી, એ જમાનાનું છે. ‘બુદ્ધિપ્રકાશ’ અંકમાં મુખપૃષ્ઠ પર આગગાડી સાથે જે પદ્ય આવતું તેમાં ‘સુધારાથી થઈ આ જુઓ આગગાડી’ (વીર નર્મદ, ૧૯૪૬, પૃ. ૧૪) એમ નિર્દેશ હતો. એ આગગાડીને મહીસાગર પરથી ચાલી જતી જોઈને ‘ઇંજન કહું, કે હનુમાનની મા અંજની’ એવી ઉત્પ્રેક્ષા કરી હતી. પણ એ આગગાડીએ પ્રજાજીવનમાં કેવી કેવી અસરો પેદા કરી છે તેની ચિંતા હજુ કાવ્યમાં અભિવ્યક્તિ પામી શકી નહોતી. ‘૧૩–૭ની લોકલ (‘વસુધા’, ૧૯૬૪, પૃ. ૯૯)નો એ જમાનો નહોતો. આપણા પ્રજાજીવનને અર્થ, કેળવણી, રાજ્ય આદિ વિવિધ પાસાંથી જોનાર અંબાલાલ સાકરલાલ દેસાઈ જેવા મૌલિક વિચારકો હજુ હવે આવવાના હતા. અંગ્રેજોના સંપર્ક અંગેના સાવચેતીના સૂર નીકળતા હતા, પણ શરૂઆતમાં યાહોમ કરીને પડનારાઓના હાકોટામાં, ડાંડિયાની બાંગોમાં૨૨, સુધારકો-નાં બ્યૂગલોમાં એ સંભળાય એમ નહોતા; પરંતુ જેમ જેમ વિદ્યાજ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ૨૩, મંડળીઓમાં મળી ને વધુ ને વધુ વિચારવાનું બની આવ્યું [21], જુદાં જુદાં ધાર્મિક અને સામાજિક આંદોલનો થતાં ગયાં૨૫ તેમ તેમ અંગ્રેજોના સંપર્કથી થઈ રહેલી સાચી હાનિનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું.[22] રાજા રામમોહનરાય જેવા દેશહિતેચ્છુ વિશ્વમાનવે શુભ નિષ્ઠાથી, આદર્શપરાયણતાથી જે અંગ્રેજી કેળવણીનો પક્ષ કર્યો૨૭ એ કેળવણીએ હિન્દને પારાવાર નુકસાન કર્યું.૨૮ એ વાત અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ‘ભાષણો અને લેખો’ (સંપાદક : વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર)માં આવે છે. એ વાત હવે અનેક કેળવણી ચિંતકો – સામાજિક ચિંતકો સ્વીકારતા થયા છે. એ વાત સાચી છે કે નવલરામ જેવા વિચારકોએ ‘સુધારાની જીવનશક્તિ’ તરીકે, ‘આપણા પ્રાચીન યશસ્વી પણ હાલ છેક નિર્ભાગી ભરતખંડને પુનર્જીવન આપનાર ઈશ્વરસર્જિત શક્તિ’ તરીકે અંગ્રેજી કેળવણીને જોઈ છે. અને તે કેળવણી ‘જગતનું સામાન્ય જ્ઞાન’, ‘બુદ્ધિવાદ’ (Rationalism), ‘જનસામાન્યભાવ’ (Equality of men) ‘સ્વાતંત્ર્યભાવ’, ‘રાગવૃત્તિ’ અને ‘ઉદ્યોગપ્રીતિ’ – આ છ બાબતમાં ઉપકારક થયાનું જણાવે છે. [23] આમ છતાં જે ઊંડી-સૂક્ષ્મ હાનિ એથી થઈ છે તેની સ્પષ્ટ પ્રતીતિ બુલંદ રૂપે ગાંધીવિચારે કરાવી આપી.

અંગ્રેજોનો સંપર્ક આપણી નસોમાં તેઓ જે કંઈ ઉતારી શક્યા તેને કારણે મહત્ત્વનો છે. એમ તો પોર્ટુગીઝો, વલન્દા, ફ્રેન્ચો વગેરે પણ આવેલા, પરંતુ અંગ્રેજો આપણા હિતરક્ષકોનો પાઠ ભજવતાં, આપણા હાકેમ થઈને રહ્યા. એમણે પોતાનાં આર્થિક અને અન્ય હિતોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જે સામ્રાજ્યવાદી શાસનજાળ પાથરી એમાં ઇચ્છા કે અનિચ્છાએ આપણે સીધી રીતે સંડોવાવાનું થયું. આપણી આંખો રામાયણ અને મહાભારતની, પુરાણો ને પુરાણાં ધર્મશાસ્ત્રોની રૂઢિ-આવૃત દુનિયામાં ફરતી હતી, સાંકડી શેરી કે ચાચર ચોકથી બહુ વેગળે જવાનું તેમનાથી બન્યું નહોતું. આનંદશંકર ધ્રુવ કહે છે તેમ, “તે સમયનું (મધ્યકાલીન) પ્રજાજીવન સાંકડું હતું... આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું : એની અવલોકનશક્તિ લુપ્ત થતી ગઈ હતી, એનો સંસારનો સ્વાદ મરી ગયો હતો, ગૃહ રાજ્ય આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કંઈક સચેત રહ્યો હતો : અને તે ધર્મ. જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું.” (કાવ્યતત્ત્વવિચાર, ૧૯૩૯, પૃ. ૨૮૫) અંગ્રેજોના સંપર્કે આ પરિસ્થિતિમાં પલટો આણ્યો. તેમણે આપણી અર્થવ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા ને કેળવણીવ્યવસ્થા – આ સૌ મૂળમાંથી હચમચાવ્યાં. અર્થવ્યવસ્થામાં કેન્દ્રીકરણના બળે અને વલણે જોર પકડવા માંડ્યું, શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. શોષિત અને શોષણખોરની નવી શ્રેણિઓ ઊભી થઈ. સમાજની આર્થિક રીતે ઝડપથી બેહાલી થવા માંડી.[24] કાકાસાહેબે તેથી માર્મિક રીતે કહેલું કે હિન્દમાતા પારકાં પાણી ભરતી થઈ છે. [25] વળી બીજી બાજુ સમાજક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં બળોનો પ્રભાવ વધ્યો. જ્ઞાતિબંધનમાં, અલબત, અત્યંત ધીમે, પણ શૈથિલ્ય આવતું ગયું. સંયુક્ત કુટુંબવ્યવસ્થા ક્રમશ: ક્ષીણ થતી ચાલી. પાશ્ચાત્ય સંસ્કૃતિસંપર્કે આપણે મોહાયા, ડઘાયા, લઘુતાગ્રંથિમાં સપડાયા અને કંઈક નવું કરી નાખવા અધીરા થયા. એમ કરતાં ‘દારૂડિયા સુધારા’૩૨ સુધી ચઢી ગયા. નર્મદ જેવા, કેવળ વાક્શૂર નહિ પણ આચારશૂર એવા સુધારકોએ સુધારાના આવેશ સાથે સુધારા માટેની સમજ પણ બતાવી હતી. સ્ત્રીકેળવણીની વાત કરતાં નર્મદે કહેલું : “ ‘માણસ’ શબ્દમાં પુરુષ અને સ્ત્રી બંને છે. બંને આકાર, સ્વભાવ, લાગણી ને સમજણમાં ઘણાંખરાં સરખાં છે.” (‘સ્ત્રીકેળવણી’ નામનો નિબંધ, ‘નર્મગદ્ય’, ૧૮૮૮, પૃ. ૧૦૯) નર્મદની આ વાત મ. ન. દ્વિવેદી જેવા આમ તો ‘સંરક્ષકવાદી’ ગણાઈ ગયેલા૩૩ સંસ્કૃતિચિંતકે બુલંદ રીતે સૌને સંભળાવી. કન્યાને દૂધ પીતી કરવાનો અને સતીનો રિવાજ, વિધવા પુનર્લગ્નનો અને કન્યાકેળવણીનો પ્રશ્ન, કન્યાવિક્રય ને વરવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન, બહુપત્નીત્વનો અને વર્ણાંતર-લગ્નનો પ્રશ્ન – આવા અનેક સામાજિક રિવાજો ને પ્રશ્નોમાં એક યા બીજી રીતે કન્યા કે સ્ત્રી સંડોવાયેલી હતી. આ દિશામાં જે ઊહાપોહ થયો, જે કંઈ સુધારાનાં પગલાં લેવાયાં તે ઇષ્ટ હતાં એમાં શંકા નથી. એ બાબતમાં રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી વિશ્વમાનવતાવાદી વિભૂતિઓની સહાય તો હતી જ, તદુપરાંત અનેક નાનામોટા સુધારકોની૩૪ પણ એમાં એક યા બીજી રીતની સહાય હતી. વળી અંગ્રેજોની સ્ત્રીઓ પ્રત્યેની સન્માનવૃત્તિ – જે એમની અંગ્રેજિયતના એક ભાગરૂપ પણ ગણાય – પણ એમાં સહાયભૂત ખરી જ. વળી કેટલીક સામાજિક સંસ્થાઓએ (દા. ત., અમદાવાદનો સંસારસુધારા સમાજ, બંધુસમાજ, વનિતાવિશ્રામ, મુંબઈનાં ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ, ભગિની સમાજ, વનિતાવિશ્રામ અને સેવાસદન વગેરે)૩૫ પણ સ્ત્રીઓના અભ્યુદય માટે કેટલાંક રચનાત્મક પગલાં ભર્યાં. આમ એક બાજુ આર્થિક ક્ષેત્રે કેન્દ્રીકરણનાં તો સામાજિક ક્ષેત્રે વિકેન્દ્રીકરણનાં પરિબળો સક્રિય થતાં એક તણાવ (‘ટેન્શન’)ની વિચિત્ર પરિસ્થિતિ જન્મી.૩૬ એ તણાવમાં ધાર્મિક આંદોલનોએ પણ એક યા બીજી રીતે ઉમેરો કર્યો. (દા. ત., બ્રાહ્મો સમાજની પરિપાટીએ સ્થપાયેલ પ્રાર્થનાસમાજ, અમદાવાદની ધર્મસભા વગેરેએ.) આર્યસંસ્કૃતિની વહારે ધાનારી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની અને થિયૉસૉફીની પ્રવૃત્તિઓની, શ્રીમન્નનથુરામ શર્માની અને ઉપેન્દ્રાચાર્યના શ્રેયસ્સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિ-ઓની પણ કેટલીક અસર થઈ. જોકે આ ધાર્મિક પ્રવૃત્તિઓની અસર અમુક નાના વર્તુળો પૂરતી – નાનકડા ભદ્ર સમાજ પૂરતી મર્યાદિત રહ્યાનું જોવા મળે છે. વ્યાપક જનસમાજની રૂઢિપ્રાપ્ત ધર્મભાવનામાં તે ખાસ પરિવર્તન લાવી શકી નહોતી. [26] સંક્રાન્તિકાળની પરિસ્થિતિમાં ધર્મ અને સમાજનો ગતાનુગતિક મેળ જોખમાયો ને તેમાં રાજ્યવ્યવસ્થા લગભગ અલિપ્ત જેવી રહી, પોતાની પ્રજાના ભોગે પોતાનાં હિતોની માત્ર સાવધ રખેવાળ રહી. આવી પરિસ્થિતિમાં આપણા સંસ્કારજીવનમાં અનેક અનુકૂળ-પ્રતિકૂળ આઘાત-પ્રત્યાઘાતો જન્મ્યા અને એથી સંક્રાન્તિનું એક સંકુલ ગતિચક્ર આરંભાયું. આ ચક્રમંથનને પરિણામે શું પ્રાપ્ત થશે એ કહેવાની સ્થિતિમાં હજુ આજે પણ આપણે છીએ ખરા ? – પ્રશ્ન છે ! સંક્રાન્તિકાળની જીવનપરિસ્થિતિએ પરિવર્તનનું જે ચક્ર ગતિમાન કર્યું તેમાં અંધ અનુકરણથી માંડીને આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ, આત્મનિર્ભર્ત્સના, આત્મવિશ્વાસ વગેરેનાં વલણો પ્રસંગોપાત્ત, પ્રગટ થતાં ગયાં. </ref> જુઓ ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨)માં “પંડિતયુગ” – એ પ્રકરણ. વિ. મ. ભટ્ટ લખે છે : “સુધારકયુગમાં આપણી પ્રજા પાશ્ચાત્ય સાહિત્ય સાથે પહેલવહેલી સંપર્કમાં આવી અને તેને પરિણામે એ સૈકાઓની ઘોર નિદ્રામાંથી જાગી આંખો ચોળી ‘બહાવરું બહાવરું’ જોવા લાગી. આ એની પહેલી જાગૃતિ. પણ એ જાગૃતિ એકાંગી અને અધૂરી હતી, કેમ કે એમાં પૂરી સ્વસ્થતા હજુ નહોતી આવી અને નવીન જાગૃતિને લીધે ચડેલું ઘેન હજી પૂરું નહોતું ઊતર્યું. એ ઘેન પૂરેપૂરું ઉતાર્યું તે આ સંસ્કૃત સાહિત્ય અને એ સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલી પ્રાચીન સંસ્કૃતિના પરિચયે. બીજી રીતે કહીએ તો સુધારકયુગ એ આપણા અર્વાચીન સાહિત્યનો બાલ્યકાળ હતો. એમાં આપણે પશ્ચિમની સઘળી નીતિરીતિ તરફ બાલકના જેવા અહોભાવથી જોતા અને એમના આભારવિચારનું બાલકના જેટલા મુગ્ધભાવથી અનુકરણ કરવા પ્રયત્ન કરતા.” </ref> નર્મદના ‘હિન્દુઓની પડતી’ કાવ્યમાં એક રીતે જોઈએ તો એના જમાનાનું આત્મનિરીક્ષણ જ છે. આ સાંસ્કૃતિક સંઘટ્ટને સર્જેલી દોલાયમાન પરિસ્થિતિમાંથી કોઈ સલામત ભૂમિકાએ સ્થિર થવાની મથામણ પણ સમાજના ધુરીણો કરતા રહેલા. આના ફળરૂપે ઉચ્છેદક અને સંરક્ષક વલણોના સંઘર્ષને ટાળવા મથતું – બંને બળો વચ્ચે સંતુલા ને સંવાદ સ્થાપવા મથતું ત્રીજું સમન્વયકારી મધ્યમમાર્ગી પરિબળ ઉદય પામે છે. એ પરિબળ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’માં સ્પષ્ટ રીતે મહિમા પામ્યું છે. આનંદશંકર પણ એ જ વલણના સમર્થક અને માર્ગદર્શક રહ્યા જણાય છે. દલપત-નર્મદનાં ચોપાનિયાં – એનું વાર્તાનિબંધાદિ [27] વાઙ્મય જોતાં, મંડળી-ઓનાં નામ જોતાં એ જમાનાની લાક્ષણિકતાઓ – તેની આવશ્યકતાઓ વગેરે પર પ્રકાશ પડે છે. દલપત-નર્મદના જમાનામાં એક પ્રકારની સંક્ષુબ્ધતા જોવા મળે છે. લોકોમાં જ્ઞાનજિજ્ઞાસા, સાહસિકતા, ઉત્સાહ ને આવેશ વિશેષ જોવા મળે છે. ખંડનલક્ષી વલણો કંઈક જોરમાં છે. સુધારાની વાત કરનારા મોટા ભાગના ઉચ્છેદક પક્ષના હતા એ ઘટના સૂચક છે. સામાજિક વિષમતા આર્થિક વિષમતાને મુકાબલે વધુ ઝડપથી સર્જક-સુધારકોનું ધ્યાન ખેંચી શકી છે. આર્થિક વિષમતામાં નજરે ચઢે એવાં ભેંકાર પરિણામો તો નવી અંધનીતિને કારણે હજુ હવે આવવાનાં હતાં. જે મૂલ્યસંઘર્ષ વિભિન્ન સંસ્કૃતિઓના સંઘટ્ટને આરંભાયો તેમાંથી સંવાદલક્ષી અભિગમ પર આવવાનું ગાંધીયુગમાં વધુ પ્રભાવક રીતે બનવાનું હતું. પશ્ચિમની સંસ્કૃતિનાં કેટલાંક સ્વતંત્રતા, સમાનતા, ઉદ્યોગપરાયણતા, બુદ્ધિનિષ્ઠા [28] વગેરેને લગતાં મૂલ્યો પ્રથમ વિચારજગતમાં સ્થિર થયાં અને પછી ધીમે ધીમે તે આચારજગતમાં ઊતરતાં થયાં. આ રીતની પ્રક્રિયાનું કારણ આપણી ધર્મલક્ષી દૃઢમૂલ, રૂઢિબદ્ધ સમાજવ્યવસ્થા હતું. દલપત–નર્મદયુગમાં તેમ પછીના ગાંધીયુગમાં પણ સાહિત્યક્ષેત્રે જેટલા પ્રમાણમાં વ્યક્તિ-સમષ્ટિને લગતા પ્રાગતિક નિર્દેશો મળે છે તેટલા પ્રમાણમાં સમાજ વાસ્તવિક રીતે આગળ ગયો નથી. સરસ્વતીચંદ્ર કલ્યાણગ્રામ લઈને સાહિત્યમાં અવતર્યો પણ સમાજમાં એનું અવતરણ બાકી રહ્યું છે. દલપત-નર્મદથી ગાંધીજી સુધીનાં સંક્રાંતિકાળનાં જે વિધેયાત્મક ભારતીય સંસ્કારમૂલ્યો તે ગાંધીજી જેવી વિરલ વિભૂતિની કાર્યપ્રવૃત્તિ દ્વારા સર્વોદય સમાજની રચનામાં – સેવાગ્રામના નિર્માણમાં સંચારિત થયાં.[29] એનાં સારાં પરિણામો વિશે આશા જરૂર સેવી શકાય, પણ બૌદ્ધિક–વાસ્તવિક ભૂમિકાએ હાલને તબક્કે કશુંયે કહેવું કદાચ કવેળાનું લાગે. રમણલાલ દેસાઈની નવલકથાઓમાં ગાંધીજીના આદર્શોને કલ્પનાશક્તિ દ્વારા મૂર્ત કરવાનો પ્રયત્ન થયો છે, પરંતુ એ પ્રયત્ન – ‘ગાંધીની ગુજરાત કપરી જીરવવી’ (ઉમાશંકર) – એ વાતને યથાર્થ રૂપે ઉપસાવી શક્યો નથી. ગાંધીજીના આદર્શોની એ જાણે અતિસરલીકૃત સાહિત્યિક આવૃત્તિ છે. દલપત-નર્મદના યુગને ‘ગ્રામલક્ષ્મી’નું સુરેખ રમણીય સ્વપ્ન નહોતું, ‘વિશ્વશાંતિ’નો બુલંદ નારો એની પાસે નહોતો, એની પાસે વિશ્વયુદ્ધ નહિ પણ ‘સાસુવહુની લડાઈ’ (મહીપતરામ) હતી – ઘર ઘરના સુધારાનો પ્રશ્ન એમની પાસે હતો. દલપત-નર્મદ યુગનો પ્રધાન સૂર ‘સુધારો’ હતો અને ગાંધીજીના એકાદશ વ્રતના સંદર્ભમાં જોઈએ તો ગાંધીયુગનો પણ પ્રધાન સૂર ‘સુધારો’ જ રહ્યો છે, અલબત્ત, એ સુધારાએ ‘સત્યાગ્રહ’માં પરિણતિ સિદ્ધ કરી જણાય છે. દલપત-નર્મદનો યુગ ‘સત્યપ્રકાશ’નો યુગ છે, ગાંધીયુગ ‘સત્યાગ્રહ’નો યુગ છે. સત્યની આરાધના આ સંક્રાંતિ-કાળ દરમ્યાન એક યા બીજી રીતે ચાલી છે. માનવધર્મની દુર્ગારામ મહેતાજીની વાત માનવતાવાદના આધુનિક રૂપમાં કાર્યાન્વિત થયેલી જોવા મળે છે. ગૌણ-પ્રધાનવિવેકે વાત કરીએ તો દલપતનર્મદ યુગમાં ખંડનાત્મક બળોએ જોર પકડ્યું, પંડિતયુગે સંરક્ષણાત્મક બળો દ્વારા ખંડનાત્મક બળો સામે મોરચો માંડ્યો અને ગાંધીયુગે સમન્વય-સમતુલાની પ્રક્રિયા દ્વારા ખંડન-મંડનનાં બળોમાંથી જ વિકાસ માટેની અનુકૂળ સ્થિર ભૂમિકા પ્રાપ્ત કરવાની દિશામાં દીર્ઘદૃષ્ટિભર્યો પુરુષાર્થ આદર્યો. એ પુરુષાર્થમાં સમાજનો બૌદ્ધિક વર્ગ – ભદ્રવર્ગ કોઈ ને કોઈ રીતે સંડોવાયો અને તેનો પ્રભાવ સમાજની બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતો ગયો. દલપત-નર્મદનો સમય પદ્યપ્રધાન મધ્યકાલીન સાહિત્યયુગ પછી તુરતનો હતો. પદ્ય તો પરંપરાગત રીતે સ્થિરપદ – પ્રતિષ્ઠિત હતું જ. હવે ગદ્યની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવ્યો. દલપતરામ ‘હુન્નરખાનની ચઢાઈ’ વિશે પદ્યમાં વ્યાખ્યાન આપતા હોય, ‘ભરૂચ જિલ્લાના કેળવણી ખાતાના ઇતિહાસ’ (મહેતાજી ગણપતરામ રાજારામ કૃત, ૧૮૭૮)નું નવલરામ ઊલટભેર વિવેચન કરતા હોય૪૩ એ ઘટનાઓ અર્વાચીન સાહિત્યયુગમાં – દલપત-નર્મદના સુધારાના જમાનામાં જ બની છે. સાથે સાથે એ પણ યાદ રાખવું ઘટે કે વ્રજશૈલી ને ચારણી શૈલી સાથે મીઠો સંબંધ ધરાવતા શીઘ્રકવિ દલપતરામ ગદ્યમાં પણ પ્રસંગોપાત્ત, લખે છે. એક સામાન્ય શાળાના મહેતાજી દુર્ગારામ પોતાની રોજનીશીમાં ગદ્યનો વિનિયોગ કરે છે. નર્મદ પણ ગદ્યલેખન વિશે – ગુજરાતી ભાષા વિષે ભારે સભાન છે. ભાષા (ગદ્યપદ્ય ઉભયમાં) સારી રીતે ખેડાયેલી ન હોય તેને તે ગદ્ય કહેવા તૈયાર નથી. ભાષાવિદ્યાને જન્મ આપ્યાનું પ્રથમ માન જેરવીસને છે એમ કહીને સને ૧૮૨૮ના વરસને ગુજરાતી ભાષાવિદ્યાનો શક કહેવો જોઈએ એમ તે કહે છે, કેમ કે તે વરસથી ગદ્યમાં લખવાનું શરૂ થયું હતું. [30] વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસાદિ અનેક નવા વિષયો અંગ્રેજી કેળવણીના કાર્યક્રમ હેઠળ શીખવાતા ગયા તે સાથે ગુજરાતી ભાષાના – ગુજરાતી ગદ્યના વિકાસ માટેનો અવકાશ વધુ ને વધુ ખૂલતો ગયો. મુદ્રણયંત્રોના પ્રવેશે, વર્તમાનપત્રો અને ચોપાનિયાં વગેરેના પ્રકાશને, મંડળીઓમાં વ્યાખ્યાનો – ચર્ચાઓ વગેરે કરવાની પ્રવૃત્તિએ ગદ્યવિકાસને સારી મદદ કરી. વળી અંગ્રેજી ભાષા-સાહિત્ય તો નજર સમક્ષ હતું જ. એક બીજી બાબત પણ ગદ્યસાહિત્યના વિકાસને ઉપકારક બની લાગે છે અને તે સાહિત્યની વિકસેલી સૂઝ. સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય કાવ્યમાં સ્વીકારાયેલું પણ કાલક્રમે મધ્યકાલીન સમય સુધી આવતાં પદ્યનું વર્ચસ એકંદરે વધ્યું હોય એમ જણાય છે. પદ્ય જોડવું એમાં કવિકર્મની કુશળતા ગણાવા માંડી ને આમજનતા તે તરફ આદરથી જોતી થઈ.૪૪-૧ કાલક્રમે પદ્ય સાક્ષરતાનું – કવિપણા કે લેખકપણાનું માધ્યમ બની રહ્યું. ગમે તે વિષય, પછી રા. વિ. પાઠક કહે છે તેમ, હઠયોગનાં આસનોનાં વર્ણનનો હોય, પદ્યમાં આવી શકતો હતો.૪૫ પરંતુ ક્રમશ: અર્વાચીન જગત સાથેનો – બાહ્ય જગત સાથેનો સંપર્ક-સંબંધ જેમ જેમ વધતો ગયો તેમ તેમ ગદ્યનો અનેક વિષયોમાં પ્રવેશ થતો ગયો. અમુક વિષયો માટે તો ગદ્ય જ ઉચિત લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ, શરૂઆતમાં ક્રમશ: ધીમે ને પછી ઝડપથી થતું ગયું. જે જ્ઞાનવિજ્ઞાનના વિષયો સાથે ગદ્ય ખેડાતું ચાલ્યું તે વિષયોના પ્રચાર સાથે ગદ્યનો વિકાસ વેગથી ને વ્યાપકપણે ચાલ્યો. એ ગદ્ય કેવળ માહિતીજ્ઞાનનું જ નહિ, સર્જકતાનું સફળ માધ્યમ બની રહ્યું. દલપત-નર્મદના સાહિત્યમાં વસ્તુતત્ત્વ પરત્વે વધારે ઝોક વરતાય છે. ‘કેવું છે ?’ એ કરતાં ‘શું છે ?’ એનો ઉત્તર શોધવા તરફ એ જમાનાને કંઈક વિશેષ રસ છે. શબ્દ (sound) કરતાં અર્થ(meaning)નું મહત્ત્વ વાસ્તવમાં વધારે અંકાયેલું જોવા મળે. સુધારા ને નીતિબોધ માટે, છાપાળવી ઘટનાઓ ને વિગતો માટે જે રીતે ‘કવિતા’નો સાધનરૂપે ઉપયોગ થયો એ આ બાબતમાં સૂચક છે. કવિનું વલણ વસ્તુપરસ્ત કંઈક વધારે પણ લાગે. વિષયવસ્તુની પસંદગી અને નિરૂપણપદ્ધતિમાં વસ્તુનિષ્ઠ સ્થૂલતા તુરત ઊપસી આવે છે. વિષયવસ્તુના આંતર કરતાં બાહ્ય અર્થ-રૂપ તરફ કવિનું અવધાન વિશેષ વરતાય છે. વિવેચને પણ તેથી ક્યારેક ભૂલથાપ ખાધી છે. આ સમયની કવિતામાં – આ સમયના સાહિત્યમાં દર્શનની અપેક્ષાએ, અગાઉ નિર્દેશ્યું તેમ, ચિત્રણ વધારે જોવા મળે છે. શબ્દ-ચમત્કૃતિ કે અર્થચમત્કૃતિચિત્રથી કવિતા આગળ વધતી નથી. ચમત્કૃતિ પણ ‘ચાતુરી’થી વધારે કદાચ ન લાગે. આવી પરિસ્થિતિમાં કવિતામાં ઊંડાઈ કરતાં વ્યાપકતા, સૂક્ષ્મતા કરતાં સ્થૂલતા, અંતર્મુખતા કરતાં બહિર્મુખતા પર વધારે ઝોક રહ્યાનું વરતાય એ સ્વાભાવિક છે. કવિઓ વિષયવસ્તુના બાહ્ય સ્વરૂપે વધુ ખેંચાયા ને અંજાયા, તેમનો રસ મૂલ્યાંકનને મુકાબલે અવલોકનમાં વધારે પ્રગટ થયો, તેથી તો અવારનવાર કવિતા વર્ણ્ય વિષયની સ્થૂળ રૂપરેખાની બહાર નીકળી શકી નથી, કવિતા અવારનવાર માહિતી બોધનું પદ્યાત્મક ટીપણું બની જાય છે. સૂક્ષ્મ કાવ્ય-વિવેકનો અભાવ જેમ ભાવક-પક્ષે તેમ મહદંશે સર્જક-પક્ષે પણ જોવા મળે છે. [31] કવિતામાં શબ્દવિવેકને બદલે શબ્દકૌશલની બોલબાલા વધુ લાગે છે. તેથી તો “સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક.” [32]

— એ અભિપ્રાયે દલપતરામ ‘કવીશ્વર’ ગણાયા. નર્મદની કવિતામાં જોસ્સાની વાતને તે સમયના બૌદ્ધિક સાહિત્યિક વર્ગનું સમર્થન હતું, પણ વ્યાપક આદર તો જનમનરંજન કરતી બોધક કવિતાનો હતો. દલપતરામે પોતાની કવિતાવિભાવના સ્પષ્ટ કરતાં લખેલું :

કવિતા કહીએ કલ્પના, જનમનરંજન જાણ,
સરસ સરસ રસ શબ્દમાં, અર્થની રચના આણ.
શબ્દની રચના સરસ તે અધિક અધિક અનુપ્રાસ;
ઉપમા આદિક અર્થના અલંકાર આભાસ.
કોમળ લાગે કાનને મન ઊપજે મીઠાશ,
જુક્તિ સરસ જો જાણીએ કવિમાં નહિ કચાશ.


— આ જનમનરંજન તે કયા જનનું એ મહત્ત્વનો પ્રશ્ન છે. એ જમાનામાં કવિ જનતાની વધારે નજીક હતો. અંગ્રેજી કેળવણીથી એક નવો ‘બ્રાહ્મણિયો’ વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તેનું આમ જનતા(mass)થી અંતર વધતું ચાલ્યું. આ આપણા સાંસ્કૃતિક – સાહિત્યિક ઇતિહાસની એક કમનસીબ ઘટના લેખાવી જોઈએ.[33] આ અંતર – આ ભેદ મિટાવવાનું કાર્ય જે આગ્રહપૂર્વક સમાજના મોભીઓથી થવું જોઈતું હતું તે કમનસીબે ન થયું. સમાજના ભણેલા અને નહિ-ભણેલા વચ્ચે, બુદ્ધિજીવી અને શ્રમજીવી વચ્ચે, સાહિત્યકાર અને આમજનતા વચ્ચે આત્મઘાતક સાંસ્કૃતિક વિષમતા જોવા મળી. એ વિષમતા સામે ગાંધીજી જેવા વિચક્ષણ લોકનેતાએ જે બળાપો કાઢ્યો તેનો ઘટિતાર્થ, તેનો મર્મ સમજવામાં આપણો સંસ્કારી બુદ્ધિજીવી વર્ગ કેટલીક રીતે નિષ્ફળ ગયો.[34] દલપત-નર્મદ યુગનો કવિ ને વિવેચક એક અર્થમાં એકાંતપ્રિય નહોતો, તે ‘જનતાનું મુખ’ મટી ગયો નહોતો. એણે જનતા વચ્ચે રહી કવિતા લખી ને સંભળાવી અને જનતાને માટે થઈને કવિતાને મૂલવી પણ.

(દા. ત., નવલરામ.) કવિ પર – કવિતા પર જનતાનું કંઈક પ્રભુત્વ વરતાતું હતું, પરંતુ આપણી કેન્દ્રગામી અર્થવ્યવસ્થાએ, સામ્રાજ્યહિતલક્ષી રાજ્યવ્યવસ્થાએ, કેળવણીની સ્વાર્થ-પરાયણ નીતિરીતિએ ઝડપથી આમજનતાને સાહિત્યના પ્રદેશમાંથી કલાનિષ્ઠા અને ‘બ્રાહ્મણ’ત્વની અસ્મિતાના મિષે બહિષ્કૃત કરી. આ બહિષ્કારની પ્રક્રિયા સંપ્રજ્ઞાતપણે ચાલી એમ કદાચ આપણે ન કહીએ, પણ એ પ્રક્રિયા ચાલી છે એમાં શંકા નથી. આને પરિણામે કેળવાયેલા વર્ગની સંસ્કારપ્રવૃત્તિઓ સમાનતાની પોષક થવાને બદલે વિષમતાની દ્યોતક અને અવારનવાર પોષક કે સમર્થક બનતી ચાલી. આ સંદર્ભમાં કેળવણીના માધ્યમ તરીકે માતૃભાષાનો પ્રશ્ન જોઈશું તો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. આમજનતા અને સાહિત્યકાર વચ્ચેનું અંતર વાંધાજનક રીતે દૃષ્ટિગોચર થયું સાક્ષરયુગમાં. [35] એ અંતર ઘટાડવાનો પ્રયત્ન ગાંધીપ્રભાવિત કેટલાક સાહિત્યકારોએ કર્યો પણ ખરો, પણ એમાં મેઘાણી જેવા જૂજ અપવાદો બાદ કરતાં ઝાઝી સફળતા મળી જણાતી નથી. આ ભદ્રવર્ગ અને આમવર્ગના ભેદે આપણા સાહિત્યના અંતરંગ અને બહિરંગ પર દૂરગામી અસરો કરી છે એટલું નક્કી. આપણી (રણજિતરામ વગેરેએ તીવ્રપણે વાંછેલી) ભાષાકીય અસ્મિતા – રાષ્ટ્રીય અસ્મિતાના અબાધિત વિકાસમાં આ ભેદ વચ્ચે નડતો જ રહ્યો છે. મધ્યકાલીન સાહિત્યપરંપરાની પડછે દલપત-નર્મદયુગીન સાહિત્યપ્રવાહ અવલોકતાં એ પ્રવાહનું સાહિત્યસર્જનનાં વ્યષ્ટિનિષ્ઠ અને સમષ્ટિનિષ્ઠ મૂલ્યોના અભ્યાસ-સંદર્ભમાં જે મહત્ત્વ છે તે તુરત પ્રતીત થાય છે. એક રીતે જોઈએ તો દલપત-નર્મદ-નવલરામની કવિતા — એમનું સાહિત્ય ‘પંડિતયુગ’ની જ નહિ ગાંધીયુગની પણ અનિવાર્ય – અવિશ્લેષ્ય ભૂમિકા છે એ સ્પષ્ટ થાય છે. કેટલીક રીતે દલપત-નર્મદ યુગનાં વલણો ગાંધીયુગનાં વલણોની સમાંતરે લાગે છતાં બંને એકરૂપ તો નથી જ, દેશકાળગત, તત્કાલીન જીવનસંદર્ભને અનુલક્ષીને તે વિશિષ્ટ રૂપનાં છે. [36] દલપત-નર્મદયુગે અર્વાચીન સાહિત્યના ઉદ્ભવ-વિકાસને માટે કેટલીક રીતે પાયાનું તો કેટલુંક આકર્ષક કામ પણ કર્યું છે ! હાસ્યાસ્પદ થવાનું જોખમ વહોરીને પણ એ સમયના કવિઓએ પોતાનો યુગધર્મ અદા કર્યો છે. એમ ન હોત તો શેરસટ્ટાની વાત કાવ્યનો – ગરબીનો વિષય કેમ બનત ? હુન્નરખાનની કલ્પના કેમ જન્મત ? વહેમજવન ક્યાંથી આવત ? ફૅશનબાઈ ક્યાંથી અવતરત ? દલપત-નર્મદના જમાનાએ પદ્યની પાસે ગદ્યે જે કરવું ઘટતું હતું તે કામ કરાવ્યું છે તો પદ્યની સામે ગદ્યને પગભર કરવાનું કામ પણ કર્યું છે. દલપત-નર્મદની કવિતામાં સ્થૂળ જગત એના તોતિંગ રૂપે પ્રવેશ પામ્યું છે. આ જગતનું દર્શન, અલબત્ત, સપાટી પરનું છે, છતાં રસપ્રદ છે. એ જગત અનેક સ્થૂળ પદાર્થોથી ભરચક છે. વ્યવહાર-જગતના પદાર્થો કાવ્યજગતમાં કંઈક અવિકૃત રૂપે જાણે રહ્યા છે, તેમનું કાવ્યપદાર્થમાં રૂપાંતર સિદ્ધ થયું નથી. કેમ જાણે કવિનું લક્ષ્ય સ્થૂલ વ્યવહારજગતનું કાવ્યમાં રૂપાંતર સિદ્ધ કરવાને બદલે કેવળ પ્રતિબિંબ આપવાનું ન હોય ! કવિની આંખ સ્થૂલ વ્યવહાર-જગતના પદાર્થો પર ચંચલતાથી ફરે છે, એ પદાર્થોને ઉત્સાહ-વિસ્મય-મૌગ્ધ્ય-પ્રગલ્ભતાથી કાવ્યમાં ખેંચી લાવે છે; પરંતુ એ પદાર્થોનો કાવ્યાર્થના લાભમાં પ્રતીકાત્મક રીતે – ભાવાત્મક રીતે વિનિયોગ કરવાનું કવિને ઝાઝું ફાવ્યું નથી. દલપત-નર્મદયુગનો કવિ ‘કવિ’ તરીકે સભાન છે. મધ્યકાલીન કવિમાં જે ધાર્મિક વળગણો હતાં તેનું પ્રમાણ હવે ઘટ્યું છે. જોકે નૈતિક વળગણો જરૂર છે, પરંતુ એ વળગણો સાથે કવિતા દ્વારા લોકમનોરંજન જેવું કંઈક કરવાનો ખ્યાલ પણ કવિના ચિત્તમાં બળવાન છે. તેથી કવિતાનો એક કલારૂપે સ્વતંત્ર રીતે વિકાસ થાય એવી શક્યતાઓ વધુ ને વધુ છતી થાય છે અને તેનો લાભ થોડા સમયમાં ગોવર્ધનરામ, કાન્ત, કલાપી આદિ સર્જકોને મળ્યો જણાય છે. અર્વાચીન યુગની હવામાં આત્મા-પરમાત્મા વિશેના પરંપરાગત ખ્યાલો, ઇહલોક ને પરલોક-વિષયક રૂઢ માન્યતાઓ, પુનર્જન્મ, કર્મફલ ઇત્યાદિના ગતાનુગતિક વિચારો — આ બધું પ્રત્યક્ષ વાસ્તવાનુભવના પડછે કંઈક દબાઈ ગયું. આત્માનું સ્થાન ‘હું’એ લીધું. ‘હું’ની સાથે ‘હું’નો ઐહિક અનુભવસંદર્ભ સાહિત્યમાં પ્રસ્તુત થયો. નર્મદ ‘મારી હકીકત’ આપે છે તેમાં ‘હકીકત’ જેટલું જ ‘મારી’ વિશેષણ મહત્ત્વનું છે. એવી જ રીતે નારાયણ હેમચંદ્ર ‘હું પોતે’ આપે છે તેમાંય ‘હું’ ‘પોતે’થી ઘૂંટાઈને પ્રગટ થયેલો દેખાય છે. પરલક્ષી કવિતામાં રાચનાર દલપતરામે કવિતાની પંક્તિમાંથી નીકળી જવા વિશે કંઈ વિચાર્યું જણાતું નથી. નર્મદે તો સ્પષ્ટ રીતે ‘હું’ના અનુભવો, ‘હું’નું ચિંતન કવિતામાં રજૂ કર્યું. તેની કવિતાની આત્મલક્ષિતા વસ્તુત: ‘હું-લક્ષિતા’ – ‘અહંલક્ષિતા’ છે. [37] એક બાજુ કવિતામાં અહંલક્ષિતાનું તત્ત્વ પ્રગટ રૂપમાં સ્વીકારાયું, ને તે સાથે પાશ્ચાત્ય ભૌતિક સંસ્કૃતિના પ્રભાવે કાવ્યમાં પણ આધ્યાત્મિકની જોડાજોડ ભૌતિક વલણો તરફનો ઝોક પણ વધ્યો. અનેક પ્રકારની ભૌતિક સાધનસંપત્તિથી સભર જગત કાવ્યમાં પરલક્ષિતા માટેનું સંગીન ઉપાદાન બની રહ્યું. આ ભૌતિક સાધનસંપન્ન સંસ્કૃતિના નિર્માણમાં મનુષ્યની શક્તિનો ફાળો અગત્યનો હતો જ અને તે અંગેની સંપ્રજ્ઞતાએ ‘હું’ને – ‘હું’ના અવાજને કાવ્યમાં અવકાશ કરી આપ્યો. યંત્ર-વિજ્ઞાનના વિકાસે મનુષ્યનું જે શક્તિરૂપ પ્રગટ થયું તેણે ઈશ્વર વિષેના પરંપરાગત ખ્યાલને આઘાત પહોંચાડ્યો, અલબત્ત, એ આઘાતની અસરો ગાંધીયુગથી સાહિત્યમાં વધુ પ્રગટ રૂપે – વધુ ઉત્કટ રૂપે દેખા દેવાની હતી. કોયા ભગતોને, સૂર્યને શિક્ષા કરનારાઓને આવવાની હજુ વાર હતી. દલપત-નર્મદયુગીન સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી તાજું જ અલગ પડતું જતું હોઈ તેમાં મધ્યકાલીન પરંપરાનો કેટલોક રંગ – પાસ રહે એ સ્વાભાવિક હતું. કવિતા-સાહિત્યમાં ધર્મનું સ્થાન વ્યવહારે લીધું, એ સાથે ઈશ્વરને બદલે મનુષ્ય કવિતા-સાહિત્યના કેન્દ્રમાં આવી ગયો, પરંતુ મનુષ્ય ઈશ્વરને પદભ્રષ્ટ કરવા સુધી ગયો નહોતો; “આસપાસ આકાશમાં છે વિશ્વપતિનો વાસ.” (– દલપતરામ) એ ઈશ્વર-સંસ્કાર-પ્રતીતિમાંથી મુક્ત થવું ભારતીય સંસ્કારના વારસદાર માટે આમેય સહેલું તો નથી જ. દલપતરામ, નર્મદાશંકર આદિ પરંપરાપ્રાપ્ત સામાજિક અને ધાર્મિક ખ્યાલોથી મુક્ત થઈ મૌલિક રીતે ધર્મનું પરીક્ષણ કરે એટલી સમર્થ ઊંડી બૌદ્ધિક ક્ષમતા, વૃત્તિ યા ધીરજ ધરાવતા નહોતા. આમેય એ યુગ જ ચંચળતાનો હતો૫૩, ધર્મનું જે ઊંડું સર્વગ્રાહી પરીક્ષણ-સમીક્ષણ થયું તે તો સાક્ષરયુગમાં. મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર, રમણભાઈ, નર્મદાશંકર મહેતા વગેરેનું આ દિશામાંનું કાર્ય સર્વવિદિત છે. આમ છતાં દલપત-નર્મદયુગ કેટલીક નૂતન વિચારસરણી વ્યક્ત કરતાં ચોપાનિયાં ને નિબંધોનો યુગ રહ્યો છે. આ નૂતન વિચારસરણી કવિ-સુધારકોના તીવ્ર મનોમંથનના પરિપાકરૂપ જેટલા પ્રમાણમાં હતી એટલા પ્રમાણમાં તે ચિરસ્થાયી થઈ. નર્મદના ‘ધર્મવિચાર’ને આ સંદર્ભમાં મૂલવવો પડે. દલપત-નર્મદયુગની કવિતામાં ચિંતન પહેલી વાર વિષય તરીકે નિરૂપણ પામ્યું, પરંતુ એ ચિંતન સાક્ષરયુગીન ચિંતન જેવું પ્રભાવક નહોતું. એ યુગના સાહિત્યમાં અંતર્મુખતા કરતાં બહિર્મુખતાનું વલણ વધારે જોરદાર લાગે છે. એથી ઊલટું, સાક્ષરયુગમાં બહિર્મુખતા કરતાં અંતર્મુખતા કવિના સર્જનકૃતિ-વિષયક અભિગમમાં વધારે જોરદાર લાગે છે. ગાંધીયુગમાં સાહિત્યક્ષેત્રે અંતર્મુખ અને બહિર્મુખ વલણોને સંતુલિત રૂપમાં જોવા-સ્વીકારવાનો પ્રયત્ન વધુ દેખાય છે. આમેય એ યુગમાં અંતર્મુખ અને બહિર્મુખ વલણોની સાહિત્યાદિ કલાક્ષેત્રે તેમ જ જીવનક્ષેત્રે એકબીજાને સંતુલિત કરવાની કે એકબીજાથી સંતુલિત થવાની પ્રવૃત્તિ વ્યક્ત રૂપે જોવાય – અનુભવાય છે. વળી અંગ્રેજોનું શાસન સ્થિર થવા સાથે અંગ્રેજી કેળવણી દ્વારા એક શાંત સાંસ્કૃતિક આક્રમણ મંડાયું. એ આક્રમણથી જેમ અનિષ્ટ તેમ કેટલાંક ઇષ્ટ વલણો પણ પેદા થયાં. એ કેળવણીએ જ્ઞાનવિજ્ઞાનની અનેક શાખાઓ પ્રત્યે આપણને સજાગ કર્યા. અંગ્રેજી કેળવણી સાથે, યુનિવર્સિટી શરૂ થતાં, સંસ્કૃત અને ફારસીનું શિક્ષણ પણ ઉમેરાતાં, સાહિત્યસર્જન અને વિવેચન પ્રત્યેનો અભિગમ વધુ સમજવાળો, વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ બન્યો.૫૪ જહાંગીર એરચ સંજાણાએ ‘આધુનિક ગુજરાતી સાહિત્ય’ના સંદર્ભમાં આ અસરની તપાસ કરી છે અને તેમણે નરસિંહરાવની “સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રમાં અંગ્રેજી સાહિત્યરૂપી ખાતર નાંખવાથી આધુનિક ગુજરાતી સાહિત્યનો છોડ ઊગી નીકળ્યા”ની વાતનો સદલીલ પ્રતિકાર પણ કર્યો છે.૫૫ વિશ્વનાથે ‘પંડિતયુગ’ની [38] સમીક્ષા કરતાં આ યુનિવર્સિટીઓ(અંગ્રેજી કેળવણીની ઉચ્ચ સંસ્થાઓ)–પ્રેરિત સંસ્કૃત જાગૃતિએ જે મહત્ત્વનું કામ કર્યું તેનો ઠીક ચિતાર આપ્યો છે. તેઓ લખે છે :

“આ પંડિતયુગ તે આપણી પ્રજાનો પુન:પ્રબોધકાળ હતો... આ પંડિતયુગમાં આપણે પશ્ચિમની સાથે પૂર્વના સાહિત્યના પણ સંપર્કમાં આવ્યા અને એની પ્રાચીન સંસ્કૃતિનું રહસ્ય સમજવાની પણ આપણને તક મળી, એટલે આપણે છેક બાલક મટીને યુવાવસ્થામાં પ્રવેશ કર્યો અને આગલા યુગમાં ‘પરપ્રત્યયનેયબુદ્ધિ’ જેવી આપણી સ્થિતિ હતી તેને સ્થાને પૂર્વ અને પશ્ચિમ ઉભયની પરીક્ષા કરી એમાંથી જે યોગ્ય હોય તેનો સ્વીકાર કરવા જેટલું સ્વાતંત્ર્ય આપણામાં આવ્યું.”

(પૂજા અને પરીક્ષા, પૃ. ૧૩૯–૧૪૦)
શાસક અંગ્રેજોની ગુરુતા-ગ્રંથિએ જ આંતરિક રીતે તેજસ્વી, પણ પરિસ્થિતિવશાત્, દીનહીન જનતામાં સ્વમાનની જે ભાવના સુષુપ્ત હતી તેને સંકોરી સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની દિશામાં તેને પ્રેરી. એ પ્રયત્નોને કૉંગ્રેસની સ્થાપના, બંગભંગની ચળવળ જેવી ઘટનાઓએ પ્રેરણા, બળ અને માર્ગદર્શન પ્રેર્યાં. સ્વામી રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ વગેરેએ ભારતીય સંસ્કારોના નવોત્થાનમાં, ભારતીય અસ્મિતાના ભાનમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય કરી જ હતી. પરિણામે રાજકીય કક્ષાથી માંડી આધ્યાત્મિક કક્ષા સુધીના સ્વાતંત્ર્યની આવશ્યકતા – અનિવાર્યતા યંત્ર-વિજ્ઞાનના ઉત્તરોત્તર વિકાસ-આક્રમણકાળે નૂતન સાંસ્કૃતિક સંદર્ભમાં – વાસ્તવિક યુગસંદર્ભમાં પ્રબળ રીતે પ્રતીત થઈ. વિભિન્ન સંસ્કૃતિઓના સંઘટ્ટનથી આપણી મૂલ્યપરંપરામાં જે વિક્ષોભ પેદા થયો તેથી હવે નવેસરથી પરંપરાપ્રાપ્ત મૂલ્યો જોવા-ચકાસવાનો ઉપક્રમ યોજાયો. વર્તમાન યુગસંદર્ભમાં આપણાં જીવનમૂલ્યોનાં સંશોધન, વિશોધન અને પ્રતિષ્ઠાપન કરવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો. આ પ્રક્રિયામાં આપણે ત્યાં જીવનધર્મી સંસ્કૃતિચિંતક – ધર્મચિંતક સાહિત્ય-સર્જકો – સાક્ષરો અગ્રેસર થયા. ‘સરસ્વતીચંદ્ર’ ને ‘આપણો ધર્મ’ જેવા ગ્રંથો આ સાક્ષરયુગની સારસ્વત સિદ્ધિરૂપ બની રહ્યા. સાક્ષરયુગમાં જ ચિંતન-મનનના પરિપાકરૂપે સાંસ્કૃતિક સમન્વયની દિશામાં સમાજ અને ધર્મસુધારણાના પ્રયત્નો ચાલ્યા. જે ટકાવવા જેવું હતું તેને સમુદ્ધારી, નૂતનને વિચારવિવેકપૂર્વક સ્વીકારી લેવાના વલણનો સાહિત્યકારો અને સમાજ-ચિંતકોએ આદર કર્યો. સાક્ષરયુગ વિચારના ગૌરવનો યુગ હતો. જીવનના સર્વગ્રાહી દર્શન-પરિચયને પોષણ અને અનુમોદન મળતાં રહ્યાં. સાહિત્યમાં મનોરંજનને મુકાબલે મનોમંથન મહત્ત્વનું થતું ગયું. આ યુગમાં સર્જાતું સાહિત્ય ભદ્રવર્ગનું સાહિત્ય – class-literature બનતું રહ્યું. સર્જન અને ચિંતન, જીવન અને કલા, સાહિત્ય અને નીતિ-ધર્મ — આવી આવી અનેક સંબંધ-સમસ્યાઓની ચર્ચા અને તેના ઉકેલ-ખુલાસા વિશેની ચિંતા આ કાળના સાહિત્યજગતની એક લાક્ષણિકતા બની રહી. કાવ્ય-સાહિત્યમાં વ્યાપકતાને મુકાબલે ઊંડાણ વધુ પ્રતીત થવા લાગ્યું. જીવનના કેટલાક ગંભીર વિષયો તરફનો કવિઓનો જવાબદારીના ભારવાળો અભિગમ ખાસ ધ્યાન ખેંચે છે. મણિલાલ કે આનંદશંકર, ગોવર્ધનરામ કે ન્હાનાલાલ, નરસિંહરાવ કે રમણભાઈ, કેશવ હર્ષદ ધ્રુવ કે નર્મદાશંકર મહેતા — આ બધા સાક્ષરોનું સર્જન-વિવેચન આ સંદર્ભમાં જોવા જેવું છે. આ સમયની કવિતાનું વિશ્વ પણ મનુષ્ય, પ્રકૃતિ અને પરમતત્ત્વ – આ ત્રણ બિન્દુઓથી સીમિત થાય છે. અલબત્ત, આ મહાવિષયો જીવન-મૃત્યુના ગહન-વ્યાપક સંદર્ભોને આવરી લેનારા હતા એ સ્પષ્ટ છે. એક તરફ દલપત-નર્મદયુગ અને સાક્ષરયુગ વચ્ચે નરસિંહરાવ તો બીજી તરફ બ. ક. ઠાકોર સાક્ષરયુગ અને ગાંધીયુગ વચ્ચે કડીરૂપ લાગે છે. આ બ. ક. ઠાકોરને રા. વિ. પાઠકે ઉચિત રીતે ‘એક સંકોચભેદક બળ’ તરીકે વર્ણવ્યા છે. [39] આ સાક્ષરયુગ દરમ્યાન સાહિત્યકલાક્ષેત્રે, સાહિત્યવિવેચનક્ષેત્રે પણ સંગીન સાધના જોવા મળે છે. પ્રાસંગિકતાને સ્થાને સનાતનતા અથવા સર્વકાલીનતાનું આકર્ષણ વધારે છે.[40] સર્વગ્રાહિતા અને તલસ્પર્શિતા લખાણમાં આરાધ્ય રહ્યાં છે. કલાતત્ત્વ અને જીવનતત્ત્વની સ્થિર બુદ્ધિએ, સ્વસ્થ ચિત્તે આલોચના થાય એવી અપેક્ષા બળવત્તર બને છે. તેને પરિણામે સાહિત્ય-વિવેચનની પ્રવૃત્તિ પણ વધુ ઊંડી, વ્યાપક અને સંગીન બનતી જાય છે. સાહિત્યસર્જનના વિકાસ સાથે વિવેચનનો પણ વિકાસ નોંધપાત્ર રીતે થતો રહે છે. દલપત-નર્મદયુગના ઉત્સાહમાં તપ ભળે છે, જીવનના ઉલ્લાસ સાથે ‘સંસ્કારી સંયમ’નો [41] પ્રભાવ વધે છે. નવું કરવાની વૃત્તિ સાથે સ્વસ્થ દૃષ્ટિનું અનુસંધાન થાય છે. સર્જકોનો તત્કાલીનતામાં રસ જાણે ઘટી ગયો હોય એવું લાગે છે. વસ્તુત: તો સર્જકોનો વાસ્તવને આવરી લેતા બૃહદ્ ભાવનાજગતનો રસ વધ્યો છે. સાહિત્ય-કલાનો જીવન માટેનો પક્ષપાત ઉઘાડો જોવા મળે છે ને તે સાથે સાહિત્ય-કલાની પ્રતિષ્ઠારક્ષણ માટેની સાવધાની પણ જોવા મળે છે ખરી. કલાને ખાતર કલાની વાત કહેનાર મુનશી હોય કે કલાને ખાતર જીવનની વાત કરનાર ગોવર્ધનરામ, ન્હાનાલાલ ઇત્યાદિ હોય — સૌ સાહિત્યકલાના જીવન પરત્વેના દાયિત્વને ગંભીર રીતે સ્વીકારે છે, અને એની ગૌરવપ્રતિષ્ઠાનો આદર પણ કરે છે. આનંદશંકરે ‘કાવ્યતત્ત્વવિચાર’માં આ મુદ્દાને અવારનવાર અનેક રીતે સાહિત્યચર્ચા દરમ્યાન સમર્થન આપ્યું છે. એમ તો મુનશી પણ સરસતા ને સચોટતા સાથે ભાવનાની અપૂર્વતાની વાત લાવે જ છે.[42] સાક્ષરયુગીન સાહિત્યકલામાં વાસ્તવને મુકાબલે ચિંતન-ભાવનાનું પ્રાબલ્ય વિશેષ વરતાય છે; કેમ કે, સર્જકોમાં પણ ગોવર્ધનરામ, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર જેવા કોઈ ને કોઈ ભાવનાથી પ્રતિબદ્ધ (‘કમિટેડ’) હતા. કોઈક રીતની પ્રતિબદ્ધતા (commitment) – એ આ સમયના સાહિત્યનું એક મહત્ત્વનું લક્ષણ બની રહે છે. આ ગાળાના સાહિત્યમાં ઉન્નત અને ભવ્યનું, રમ્ય સાથે જ ઊર્જિતનું આકર્ષણ વધેલું જોવા મળે છે. આ સમયમાં ‘આરોહણ’ની વાત પ્રસ્તુત છે. આપણી સર્જનકૃતિઓ સાથે જગત્કાદંબરીઓની ચર્ચાઓને સાંકળવાનો રસ વિશેષ છે. કલ્પના, ઊર્મિ અને વિચારના સમન્વયના સભાન પ્રયત્નો ચાલે છે. કોઈ કલાપી અંગત ઊર્મિને બૃહદ વિશ્વના સંદર્ભમાં ફેલાવવામાં ભલે થોડો, પણ સફળ થાય છે. કોઈ ઠાકોર વિચારપ્રધાન કવિતાનો ઝંડો લહેરાવે છે. કોઈ ન્હાનાલાલ વિરાટને હિંડોળે કલ્પનાને ચગાવતાં ગગનવિહાર આદરે છે. કોઈ કાન્ત કલ્પના-વિચાર ને ઊર્મિના સમન્વય દ્વારા અનુભૂતિનું સૌષ્ઠવપૂર્ણ રૂપ આકારવા મથે છે. આ સમયના સર્જકો – સાહિત્યવિવેચકો – ચિંતકો જીવનનાં મૂળભૂત સત્યોનો વિચાર કરે છે અને સ્વાનુભવે તેમની ખોજ આરંભે છે. આવા સર્જકોમાં કલાપી ને કાન્ત તુરત યાદ આવે છે. કલાપી ને કાન્તની કવિતામાં અપૂર્વતાની જે પ્રતીતિ છે તેમાં તેમની સાચી આંતરખોજ જ મુખ્યત્વે કારણભૂત લાગે છે. વૈચારિક વલણોના પ્રભાવને કારણે સાક્ષરયુગીન સાહિત્યમાં અર્થપ્રાધાન્ય – અર્થલક્ષિતા-અર્થઘનતા-અર્થભાર વધતાં જોવા મળે છે. શબ્દ પ્રત્યેની સભાનતાનું પણ તે એક કારણ બની રહે છે. આ વૈચારિક સભાનતાને કારણે ભાષાશૈલીમાં, નિરૂપણપદ્ધતિમાં અને નિરૂપ્ય વિષય પ્રત્યેના દૃષ્ટિકોણમાં કૃતકતાનો ભય – આડંબરનો ભય ઊભો થાય છે; સાહિત્યની આકૃતિ ગાણિતિક યા જડ બની જવાની દહેશત પણ રહે છે, સાહિત્યની સ્વાયત્તતા જોખમાતી દેખાય છે, સાહિત્ય શૈલીવેડા યા વાગાડંબરનો ભોગ બનતું વરતાય છે. આમ છતાં એકંદરે આ વલણે ભાષાને સારી રીતે પલોટી ભવિષ્યની કોઈ મહાકૂચ માટે તેને તૈયાર કરી છે, અનેક નવી શક્યતાઓના માર્ગ ખોલ્યા છે અને સાહિત્યના ગૌરવને એકંદરે ઊંચું આણ્યું છે. એ વાત ખરી છે કે જીવન પ્રત્યેના અભિગ્રહે, નીતિ-સંયમના પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ આક્રમણે કવિતાની રમતિયાળ ગતિને જાણે કુંઠિત કરી દીધી છે, પરંતુ આ ઘટના તત્કાલીન પરિબળોની મર્યાદાને કારણે થઈ છે, એમાં સાહિત્યકારનો ફાળો હોય તોપણ ક્ષંતવ્ય છે, કેમ કે એનો આશય સાહિત્યની અવમાનનાનો નહિ પણ આદરનો – કદાચ અત્યાદરનો હોવાનો સંભવ છે ! આ સમયના સાહિત્યમાં કેટલાક પુણ્ય અપવાદો બાદ કરતાં કવિતા-સાહિત્યમાં ઝરણા કરતાં નહેરની ચાલ વધારે વરતાય છે. કવિના મનોજગતમાં તેમ કાવ્યજગતમાં ભદ્રિકતાના કેટલાક ખ્યાલોનો પ્રવેશ થયો ને પરિણામે તેનું જીવનદર્શન – સાહિત્યદર્શન અમુકતમુક મર્યાદાઓથી સીમિત થયું. જીવનધર્મ અને કવિધર્મની સંપ્રજ્ઞતાએ સાહિત્યની સ્વાભાવિક લીલાગતિમાં સૂક્ષમાતિસૂક્ષ્મ વિક્ષેપો – ક્ષોભ પેદા કર્યા ને તેથી કોક રીતની ભારેખમતા કવિના શબ્દમાં વરતાવા લાગી. કવિતાનું – સાહિત્યનું ગૌરવ આ સમયગાળામાં વધ્યું, પરંતુ તેને સ્વાધીનતા-સ્વાયત્તતા ન સાંપડી. કવિતાએ કલાશિષ્ટ થવાનો – રહેવાનો પ્રયત્ન કર્યો પણ કલાશૈષ્ટ્ય સાથે જેટલા પ્રમાણમાં ને જેવું કલાવૈશિષ્ટ્ય સિદ્ધ થવું જોઈતું હતું તે ન થયું. એ તો કેટલીક રીતે – કેટલેક અંશે, આ પછીના સમયમાં વધારે બનવાનું હતું !

૦૦૦

ગાંધીયુગનો સમય એટલે વીસમી સદીનો પૂર્વાર્ધ. આ સમયનો ઇતિહાસ અનેક રીતે રોમાંચક છે. દેશ અને દુનિયામાં જે બનાવો બન્યા છે તે સમગ્ર માનવજાતની દૃષ્ટિએ ખૂબ અગત્યના છે એમાં શંકા નથી. એક બાજુ યંત્રવિજ્ઞાનની મર્યાદાને અને ભોગપ્રધાન સંસ્કૃતિની મર્યાદાને સ્પષ્ટ કરતા યુદ્ધાદિના બનાવો અને બીજી બાજુ અહિંસાની – માનવ્યની શક્તિના સનાતન વિજયનાં એંધાણ આપનારી વિશ્વની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પ્રેરક અને સમર્થક ગાંધીજી જેવી વિભૂતિઓ દ્વારા ચાલેલી સત્યાગ્રહની ચળવળો૬૧ – આ ઉભયવિધ પરિબળોની ગતિવિધિ જોવા-માપવાનો આ સમય હતો. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં વિદેશી સત્તાએ હિન્દી પ્રજાને ગુલામ કરી, પરંતુ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રમાણમાં ખૂબ ઓછા ગાળામાં શરૂ થયેલી જોવા મળે છે. પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય સંસ્કૃતિના સંઘટ્ટનને પરિણામે સંક્રાંતિનાં જે પરિબળો ઉદ્ભવ્યાં તે શરૂઆતમાં સમાજ અને ધર્મમાં અને તે પછી રાજકારણમાં વ્યાપે છે. ગાંધીજી આમ તો સાક્ષરયુગનું ફરજંદ, એમનો જમાનો સાક્ષરયુગનો વિરોધી રહ્યો નથી; ઊલટું એ યુગના સાતત્યરૂપ — નૂતન આવિષ્કારરૂપ રહ્યો છે. આમ છતાં ગાંધીયુગનું સાક્ષરયુગથી વૈશિષ્ટ્ય સ્પષ્ટ છે. તેથી તો કાકાસાહેબ ગાંધીજીનો જમાનો સાક્ષરયુગથી ઘેરાયેલો હોવાનું માનવા સાથે, એ જમાનો ગાંધીજી દ્વારા કરાયેલા શાંત પરિવર્તનના પરિપાકરૂપ હોવાનું કહે છે.[43]ગાંધીજીની નેતાગીરી હેઠળ સાંસ્કૃતિક સમન્વયનું, [44] માનવીય ગૌરવની પ્રતિષ્ઠાનું કાર્ય ચાલ્યું, અને તે પણ એની પૂર્વેના જમાનાના કરતાં વધારે વિશોધિત અને વિકસિત રૂપમાં. વીસમી સદીમાં એક બાજુ રાષ્ટ્રીય ભૂમિકા તેમ બીજી બાજુ આંતરરાષ્ટ્રીય ભૂમિકા પર એવાં પરિબળો જન્મ્યાં કે જેના સ્વાભાવિક પરિણામરૂપ, આવિષ્કારરૂપ ગાંધીજીના કાર્યને અવલોકી શકાય. ગાંધીજીનો સમય આ સૌ પરિબળોની સર્વોત્તમ સિદ્ધિનો સમય બની રહે છે.[45] વિશ્વયુદ્ધ સામે વિશ્વશાંતિ, શાહીવાદ સામે લોકશાહી, મૂડીવાદ સામે સમાજવાદ ને સામ્યવાદનાં બળો તોલાય છે. ગાંધીજીનું સત્યાગ્રહી તરીકેનું કાર્ય આ વિશિષ્ટ પરિસ્થિતિમાં નવો અર્થસંદર્ભ, નવો અર્થવિસ્તાર સાધે છે. ગાંધીજીની કાર્યપદ્ધતિ ‘સ્વદેશી’ હતી, પરંતુ એ દ્વારા એમનું લક્ષ્ય મનુષ્યને વૈશ્વિક સંદર્ભમાંથી પોતાની જ મર્યાદાઓને કારણે ગૌરવભ્રષ્ટ થતો બચાવી, સમુત્ક્રાંતિ તરફ પ્રેરવાનું હતું. ગાંધીજીનો સત્યાગ્રહ ભારતની મુક્તિનું જ નહિ, મનુષ્યસમસ્તની આધ્યાત્મિક મુક્તિનું – વિશ્વશાંતિનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે હતો. એ સત્યાગ્રહનો આરંભ વિદેશની ધરતી પર, સૌ કાળા બંધુઓને ન્યાય અપાવવા ગોરી સત્તા સામે કર્યો, એનો વ્યાપક પ્રયોગ પછી હિન્દના વિશાળ સેવાક્ષેત્રમાં શક્ય બન્યો. આ સત્યાગ્રહ કેવળ અસતનો નાશ કરનારી જ નહિ, સતનો વિકાસ કરનારી શક્તિ છે. એ શક્તિના પ્રયોગે નિર્માણનું પણ કામ કર્યું. ગાંધીજીએ સાક્ષરયુગના સત્યવિચારને સત્યાગ્રહ દ્વારા આચાર ભૂમિકાએ સ્થાપી, ભારતને એની નબળાઈ-ઓમાંથી છોડાવી સાચા અર્થમાં મુક્ત ને આબાદ બનાવવાનો પુરુષાર્થ આદર્યો. એ પુરુષાર્થ ૧૯૧૫માં સત્યાગ્રહ આશ્રમની સ્થાપનામાં, ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં, બિહારના નીલવરો અને અમદાવાદના મિલમજૂરોના પક્ષે રહીને ઉપાડેલી સત્યાગ્રહચળવળો વગેરે દ્વારા મૂર્ત થતો જણાય છે. ગાંધીજીએ તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી, સત્યાગ્રહને અનુષંગે અનેક રચનાત્મક પ્રયોગો કરેલા. એ પ્રયોગો કરતાં જે જીવનદૃષ્ટિ એમને લાધી હતી તે હિન્દની ૧૯૧૫ના સમયની રેઢિયાળ સ્થિતિને બરદાસ્ત ન કરી શકી. તેમનામાં રહેલી સત્યાગ્રહવૃત્તિ તેમને હિન્દ જેવા વિશાળ સેવાક્ષેત્રથી દૂર ન જ રાખી શકે એ સ્પષ્ટ છે. તેમણે દરિદ્રમાં નારાયણનું દર્શન કર્યું.[46] આ દર્શનમાં એક ઊંડી ધાર્મિક – સામાજિક ક્રાંતિ નિહિત હતી. તેમણે એક બાજુ સક્રિય રીતે સત્યાગ્રહમાં ઝંપલાવ્યું, બીજી બાજુ ૧૯૧૯માં ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’નું તંત્રીપદ લઈ વૈચારિક ભૂમિકાએ પણ સત્યલક્ષી આંદોલન શરૂ કર્યું, અને સત્યાગ્રહ આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ દ્વારા આ સત્યાગ્રહના વિચાર-આચારનાં તાલીમકેન્દ્રો – પ્રયોગકેન્દ્રો પણ શરૂ કરી દીધાં. આ બધાંને પરિણામે આખા દેશમાં સ્વતંત્રતા માટેનો નવો પવન ફૂંકાવા લાગ્યો. તેમાં વળી રૉલેટ એક્ટનું બિલ, જલિયાંવાલા બાગનો હત્યાકાંડ વગેરેએ પરોક્ષ રીતે – નકારાત્મક રીતે આ આંદોલનને સહાય જ કરી ! આખા દેશમાં રાષ્ટ્રીય અસ્મિતા, માનવીય ગૌરવની સભાનતા વરતાવા લાગી. ફ્રેન્ચ વિપ્લવ-દીધાં સ્વતંત્રતા, બંધુતા ને સમાનતાનાં સૂત્રો નવા જ રૂપમાં, વધુ સૂક્ષ્મ રીતે – અસરકારક રીતે જીવનમાં સ્થિર કરવાના પ્રયોગો આરંભાયા.[47] આમ ૯-૧-૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહી તરીકે મુંબઈ બંદરે ઊતરેલા ગાંધીજીએ જોતજોતાંમાં ભારતીય જનતાનું હૃદય જીતી લીધું, ૧૯૧૫થી ૧૯૨૦ સુધીમાં તો ગાંધીજીએ હિન્દની એક મહાન સંસ્થા દ્વારા લોકનેતૃત્વનો અધિકાર મેળવી લીધો અને ગાંધીજીએ લોકોમાંના જ એક બની એમને સ્વરાજ્યને પંથે દોરવાનું પ્રાપ્ત કર્તવ્ય પૂરી નિષ્ઠાથી અને જવાબદારીથી અદા કર્યું. ગાંધીજી ૧૯૧૫થી ૧૯૨૦ સુધીમાં હિન્દના જાહેર જીવનમાં સારી રીતે સ્થિર થયા. ગાંધીજીના હિંદમાંના આગમન સાથે ૧૯૧૫થી ગાંધીયુગનો પ્રારંભ થયો એમ કહી શકાય.[48] જે વિચારવલણોએ ગાંધીયુગના ઘડતરમાં ભાગ ભજવ્યો તેમાંનાં ઘણાંખરાંનો પ્રારંભ દક્ષિણ આફ્રિકાના ‘ઇન્ડિયન ઓપીનિયન’થી શરૂ થઈ ચૂક્યો હતો. ‘હિન્દ સ્વરાજ્ય’ જેવું ગાંધીક્રાંતિ – સ્વરાજ્યક્રાંતિની વિચારપોથી ને આચાર-સંહિતારૂપ અત્યંત અગત્યનું પુસ્તક આ જ પત્રમાં ૧૯૧૦માં બહાર પાડ્યું હતું. એ પુસ્તકનો ખરો પ્રભાવ તો એના રચયિતાના હિન્દમાં આગમન બાદ શરૂ થયો. ગાંધીજી હિન્દમાં આવ્યા ત્યારે અહીંના સામાજિક તેમજ રાજકીય વાતાવરણમાં નવાં વલણોનો સંચાર તો હતો જ. બંગભંગની ચળવળે બૌદ્ધિક વર્ગમાં સારો એવો વૈચારિક સંક્ષોભ પણ પેદા કર્યો હતો. આમ છતાં ભારતની જનતાને સાચા અર્થમાં મુક્ત કરી શકે એવા એક મહાન આંદોલનને યોગ્ય નેતૃત્વ તો ગાંધીજી દ્વારા જ મળી શક્યું એ હકીકત છે. ૧૯૧૫થી ૧૯૨૦ સુધીમાં એવું કેટલુંક થયું કે જેને કારણે આ સમયગાળાને ‘ગાંધીયુગ’ના પ્રારંભની ભૂમિકા તરીકે લઈ શકાય. ઉમાશંકરે ‘જીવનના કલાધર’ એવા ગાંધીજીને બિરદાવતું કાવ્ય ‘વિશ્વશાંતિ’ લખ્યું ત્યારે તો ‘ગાંધીયુગ’ની કેટલીક ઉત્તમ સિદ્ધિઓનો, ગાંધીમાર્ગની કેટલીક મોટી ખૂબીઓનો ખ્યાલ પ્રાજ્ઞજનોને તો આવી ગયો હતો. વળી ગાંધીમાર્ગ આજનો જ નહિ આવતી કાલનો પણ માર્ગ હોવાની પ્રતીતિ કેટલાક વિચાર-પુરુષોને થઈ હતી જ.[49] આવા માર્ગમાં ક્રાંતદર્શનની અભીપ્સા સેવતા કલાકારો – સાહિત્યકારોને તો રસ પડે એ સ્વાભાવિક હતું. બ. ક. ઠાકોરે ગોવર્ધનયુગ અને ગાંધીયુગને સંક્રાંતિયુગના પેટામાં, કેટલીક રીતે સાથે ચાલતા યુગો કહ્યા છે.[50] એમનું આ કથન મહત્ત્વનું છે. એક મહાન સંક્રાંતિના ઘટક અંશરૂપે ગોવર્ધનયુગ અને ગાંધીયુગનું કામ ચાલ્યું છે. એ ગાંધીયુગ ગાંધીજીના અવસાન સાથે અવસાન પામ્યો છે કે હવે જ એના સાચા સંપૂર્ણ સ્વરૂપમાં ઉદય પામવાનો છે તેની ચર્ચા આપણે ત્યાં થઈ છે, પણ એ અંગે કોઈ ચોક્કસ નિર્ણય પર આવવું હાલ મુશ્કેલ છે, એ સમય હજુ આવ્યો નથી. [51] ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે કામ કર્યું હતું તેનો પ્રભાવ હિંદમાં પડ્યો હતો જ, પરંતુ નવા યુગના ઘડતર માટેનું અનિવાર્ય સંગઠન એમના અસહકાર, ઉપવાસ આદિ સત્યાગ્રહના કાર્યક્રમો દ્વારા જન્મ્યું. દક્ષિણ આફ્રિકાના હિન્દીઓ દ્વારા હિન્દનો બૃહત્પરિચય તેમને થતો રહ્યો હતો જ, પરંતુ તે પરિચય વધુ ઊંડો, સૂક્ષ્મ અને ચિંતનપ્રેરક અહીં બનતો ગયો. સ્વાતંત્ર્ય પછી જે ટૂંકો સમય તેઓ જીવ્યા એમાં એમનો આ દેશ અંગેનો પરિચય નવસંસ્કરણની આવશ્યકતા પ્રગટ કરતો જણાય છે. આમ છતાં ભારતના આત્માને ગાંધીજીએ પ્રગાઢપણે પિછાણ્યો હતો.[52] તેથી જ શ્રી સરોજિની નાયડુએ તેમને ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ આપ્યું. ઇતિહાસવિદ શ્રી જવાહરલાલે ગાંધીજીને અંજલિ અર્પતાં કહેલું કે “તેઓ ભૂતકાલીન ભારતના કદાચ સૌથી મહાન પ્રતીક હતા, અને હું એમ પણ કહું કે ભવિષ્યના પણ, જે આપણી પાસે હોઈ શકે.”[53] દૈન્ય, પલાયન અને નિરાશા સામે ઝૂઝવાનું મહાન સંકલ્પબળ એમના જીવનમાં જોઈ શકાય છે. સત્યરૂપ પરમેશ્વરને ઓળખવાના એકમાત્ર પ્રયોગક્ષેત્રરૂપે તેમણે જગતને જોયું છે અને તેથી જ પ્રયોગવીરનાં ઉત્સાહ, ખંત અને સાહસથી તેઓ જીવ્યા છે. એમનું જીવન એમની વાણી હતું. (‘આમાર જીબન-ઇ આમાર બાની.’) એમના જીવન અને વાણીનો પ્રત્યક્ષ તેમ પરોક્ષ – ઉભય રીતે ગુજરાતી વાઙ્મય પર સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. ગુજરાતી વાઙ્મયમાં ગાંધીવાઙ્મયનો એક વિભાગ ઉમેરાયો. આ વાઙ્મયમાં ગાંધીજીએ પોતે લખેલું, ગાંધીજી વિશે લખાયેલું અને ગાંધીજીની ભાવનાઓની અસર તળે લખાયેલું – એમ ત્રિવિધ સાહિત્યનો સમાવેશ થાય છે. ગાંધીજીને મન સ્વરાજ્યસિદ્ધિ સત્યસિદ્ધિના એક ભાગરૂપ હતી. એ સાધ્ય માટેનાં જે અનેક સાધનો તેમાં ભાષા પણ એક સાધન હતી, અને તેમાં પણ શુદ્ધિનો આગ્રહ રહે એ દેખીતું છે. શુદ્ધ જીવન અને વિચારને માટેની ભાષા પણ ‘શુદ્ધ’ જ હોય. ગાંધીજીએ ભાષા અને ભાવ વચ્ચેના અંતરને ઘટાડવાનો ભારે પુરુષાર્થ કર્યો છે – સત્યવાણીની ઉપાસનારૂપે તેમણે પોતાના શબ્દને સમૃદ્ધ જીવન-સંદર્ભથી ગૌરવાન્વિત કર્યો, ‘મંગલ શબ્દ’નો મહિમા થયો. ગાંધીયુગમાં શબ્દને જાહેર સેવાની ઠીક ઠીક જવાબદારી અદા કરવી પડી છે અને એથી શબ્દ હીણો થયો નથી, પણ કસાઈને બળવાન બન્યો છે. શબ્દે વિલાસને બદલે સંયમનો પક્ષ કર્યો – અને ગાંધીજીની છાયામાં આ ઘટના વિશેષ ધ્યાનાકર્ષક બની રહી. જીવનને ખાતર કલાનો મહિમા આમ તો આપણા પરંપરાગત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ગાંધીજીપૂર્વે પણ થતો જ રહ્યો છે. સાક્ષરયુગનાં આનંદશંકરાદિનાં કલાની જીવનલક્ષિતા અંગેનાં મંતવ્યો ગાંધીજીને પ્રતિકૂળ નથી. ગાંધીજીએ તો કહ્યું જ છે : “આપણામાં જે સારી ભાવના સૂતેલી છે તેને જાગ્રત કરવાની જે શક્તિ ધરાવે તે કવિ છે.” ગાંધીજીએ કલાને ઉતારી પાડવાનો નહિ, કલાને જીવનમાં ઉચિત સ્થાને પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કર્યો. એમની કલાભક્તિ જીવનભક્તિના એક અંશરૂપ હતી. આ કાળના વિવેચનમાં પણ આ ગાંધીસંમત અભિગમ સ્પષ્ટ રૂપમાં જોઈ શકાશે. ઉમાશંકર ભારપૂર્વક કહે છે કે “કાવ્ય કે કોઈ પણ કલા મનુષ્યના જીવનથી અલિપ્ત રહીને સંભવી શકતી નથી.” (સમસંવેદન, ૧૯૬૫, પૃ. ૧૯) આમ આ સમયમાં પણ સુધારાયુગ અને સાક્ષરયુગમાં હતું તેમ, સાહિત્યનું મૂલ્ય એની સામાજિક–સાંસ્કૃતિક ઉપયોગિતાથી વધારે અંકાતું થયું છે. આમ છતાં સુન્દરમ્ કહે છે તેમ, “૧૯૨૨થી નવીન રીતે જીવન તરફ અભિમુખ થવા લાગેલી, અનેક વિષયોને વિવિધ શૈલીઓ અને ભાષાભંગીઓથી આલેખતી, લોકબાનીથી માંડી શિષ્ટ સંસ્કૃત શૈલી સુધીના બધા વાણીપ્રકારોને પ્રયોજતી, ઊંડી આદર્શપરાયણતા, ગહન ગંભીરતા અને છતાં બાલસહજ સરલતા ધારણ કરતી, જીવનની વાસ્તવિકતા અને સૂક્ષ્મ રહસ્યમયતા બંનેને બાથમાં લેવા મથતી નવીન કવિતાએ આ દસેક વરસમાં પ્રશસ્ય એવા વિવિધ આવિર્ભાવો સાધ્યા હતા...” (અર્વાચીન કવિતા, ૧૯૫૩, પૃ. ૪૬૮) કવિતા ઉપરાંત અન્ય સાહિત્યપ્રકારોમાં કેટલુંક નૂતન – આકર્ષક આ સમયગાળામાં પ્રગટ થયું. સાક્ષરયુગમાં નિબંધ ને કવિતા, વિવેચન અને સંશોધનનો સારો પ્રભાવ હતો, ગાંધીયુગમાં નિબંધ, કવિતા, વિવેચન અને સંશોધન સાથે નવલકથા, નવલિકા, એકાંકી વગેરેમાં કેટલીક નૂતન સિદ્ધિઓ જોવા મળી. પત્રસાહિત્ય, ડાયરીસાહિત્ય, ચરિત્રસાહિત્ય વગેરેનું ખેડાણ ખાસ ઉલ્લેખનીય છે. વળી નિબંધસાહિત્યમાં પણ માનવવિદ્યાઓના અભ્યાસે નૂતન પરિમાણો પ્રવેશી શક્યાં ને તેથી ભાષાસાહિત્યનું ક્ષેત્ર નવી રોનક, નવો મિજાજ દાખવતું થયું. નવા વિષયો ને નવાં સ્વરૂપો, નવી શૈલીઓ અને નવા આદર્શોને લઈને સાહિત્યનું ક્ષેત્ર વધુ મોકળું, વધુ વૈવિધ્યભર્યું, વધુ રંગીન અને આકર્ષક બની રહ્યું. ગાંધીજીના જીવનકાર્યે, એમનાં વિચારવાણીએ સાહિત્ય પર અનેક રીતે અસર કરી છે. [54] ગાંધીજી ‘મંગળ પ્રભાત’ના સ્વપ્નદ્રષ્ટા હતા. એ સ્વપ્નની સિદ્ધિ અર્થે એકાદશ વ્રતનો કઠિન છતાં સચોટ અને સુસંક્ષિપ્ત માર્ગ ચીંધ્યો. એ માર્ગ જીવનસાક્ષાત્કારનો – આત્મસાક્ષાત્કારનો માર્ગ થઈ શકે એવી એમાં ગુંજાશ રહેલી જ છે. એ માર્ગ માનવતાનો – મનુષ્ય માટે મનુષ્ય રહેવાનો – બનવાનો માર્ગ છે. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું [55]..... કહેનાર કે ‘વ્યક્તિ’ મટીને ‘વિશ્વમાનવી’[56] થવાની અભીપ્સા રાખનારને એ માર્ગ જીવનસાધનામાં અને તદનુષંગે સાહિત્ય-સાધનામાં અનુકૂળ થઈ જાય એ સ્વાભાવિક છે. આ ગાંધીમાર્ગ કેટલાકે સમજપૂર્વક, કેટલાકે આંતરિક અનિવાર્યતાથી સ્વીકાર્યો, તો કેટલાકે ક્ષણિક આવેશમાં આવી જઈને કે દેખાદેખીથી એ સ્વીકાર્યો. આને પરિણામે સાહિત્યક્ષેત્રે ‘સમાજલક્ષી’ લેબલને પાત્ર એવું થોકબંધ સાહિત્ય સર્જાતું ગયું. ગાંધીજીના પ્રભાવ તળે આવવા છતાં કલાની અદબ એકંદરે જાળવી શકે એવા સુન્દરમ્, ઉમાશંકર, કૃષ્ણલાલ શ્રીધરાણી, રા. વિ. પાઠક જેવા સર્જકો-વિવેચકો તો ઓછા જ રહ્યા. રમણલાલ દેસાઈ જેવા નવલકથાકારોએ ગાંધીજીની આદર્શસૃષ્ટિને શબ્દોમાં ઉતારી; ગાંધીજી સાહિત્યના વિષય તરીકે, નવલકથા, કવિતા આદિમાં પાત્ર તરીકે નિરૂપાયા, જે દીનદલિત વર્ગના – ગ્રામીણ વર્ગના સમુદ્ધારની ગાંધીજી વાત કરતા હતા તેને સાહિત્યમાં ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું. સાહિત્યનું વસ્તુફલક વિસ્તૃત થયું. સ્થૂલ રીતે વસ્તુ, ભાવના આદિનું વૈવિધ્ય પણ વરતાયું. શબ્દને વિહરવાનો અવકાશ વધ્યો અને છતાં ગાંધીયુગને પ્રત્યક્ષ કરે, ગાંધીચરિત્રને રસપૂર્ણ રીતે સાકાર કરે એવું મહાકાવ્યની કોટિનું કશુંયે લખાયેલું ન મળ્યું ! કારણ સ્પષ્ટ હતું : રવીન્દ્રનાથ જેવો સૌન્દર્યસત્યનો વિવેક કરનાર પ્રખર પ્રતિભાવંત કવિકંઠ નહોતો. ઉમાશંકર લખે છે :

“ગાંધીજીની પ્રથમ ઉપરછલ્લી અસર થઈ, ‘હાલો ગામડે જયીં’ ગામડાનાં ખુશનુમા આસમાની રંગબેરંગી ચિત્રણો થવા માંડ્યાં, પદ્ય કરતાં ગદ્યમાં વિશેષ તો. બીજી એની અસર થઈ પોચટ માનવતાવાદ (હ્યુમેનિઝમ)ની. તેના નિદર્શનરૂપ કાવ્યોદ્ગારો અમારામાંના કેટલાકમાંથી મળી રહે છે.”

(‘સમસંવેદન’, ૧૯૬૫, પૃ. ૨૮) ગાંધીજીએ દરિદ્રનારાયણની ઉપાસનાનો યુગધર્મ ચીંધ્યો, એમના રાજકીય આંદોલન પાછળ પણ સર્વોદયની ભાવના જ હતી. જીવનસૌન્દર્યના ઉપાસક કલાકારો એમની શિવલક્ષી પ્રવૃત્તિ તરફ આકર્ષાયા, યથાર્થદર્શન અને ભાવનાદર્શન વચ્ચે મેળ મેળવવામાં પડ્યા અને પરિણામે એમના કલાતપમાં જાણ્યેઅજાણ્યે ક્યાંક તપોભંગ થતો કે વિક્ષેપ પડતો. અસુંદરને ચાહવાનો ને તુચ્છને પણ આદર આપવાનો ધર્મ કવિ સભાનપણે અદા કરવા બેઠો૭૬ અને તેના ફલસ્વરૂપે કવિતા ભાવનાનાં સૂત્રો ઉચ્ચારતી કોઈ સેવિકા જેવી બની ગઈ. સાહિત્યમાં પ્રચારકો ઘૂસી ગયા અને અનેક કવિઓ – કેટલેક અંશે મેઘાણી જેવા પણ –એનો ભોગ બન્યા. અસુંદરતામાં સુંદરતા શોધવાનો તથા તુચ્છમાં પણ મહિમા જોવાનો ઉપક્રમ કૃતકતા-નાં વલણોને સાહિત્યમાં સ્થાન આપી બેઠો. આથી આ યુગના સાહિત્યમાં વાસ્તવ અને ભાવનાનું, તેમ સ્વાભાવિકતા અને કૃતકતાનું વિચિત્ર મિલન જોવા મળે છે. આવું અન્ય યુગોમાં પણ બને છે; પરંતુ આ યુગની વિશિષ્ટ પરિસ્થિતિમાં એ જે રીતે બન્યું તે મહત્ત્વનું છે. આ યુગમાં સાહિત્યકારોની નજર જાજરૂની માખીથી ધૂમકેતુ.[57] સુધી ફરી વળતી જોવા મળે છે. વિજયરાયની રીતે “વાતચીતની ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે નર્મદયુગે મુખ્યત્વે ફરતું જોયું; ગોવર્ધનયુગે ફરતું તેમ ઊંચું ને પાછું જોયું; મોહનયુગે સૌથી વધારે ફરતું જોયું, સીધું પણ જોયું, પાછું તો આ બંને નજરોને સંસ્કારવા જ જોયું અને ઊંચું જોયું, ને આ ત્રણેના અવિરોધે જોવાય તેટલું જ જોયું. અર્વાચીન સાહિત્યના આ યુગો વચ્ચેની આ ભેદરેખા કંઈક શિથિલપણે દોરાયેલી સમજાવી જોઈએ એ તો દેખીતું છે.” (‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’, ૧૯૪૯, પૃ. ૩૧૫.) આ ગાળાના સાહિત્યમાં અંતર્મુખ અને બહિર્મુખ – ઉભયવિધ બળો સારી પેઠે જોરમાં છે. જોકે ક્યારેક બહિર્મુખતાનું વલણ વિશેષ હોય એવી લાગણી થાય છે ખરી. આ ગાળાની કવિતામાં પણ આત્મલક્ષી અને પરલક્ષી વલણો પરસ્પર જાણે સ્પર્ધા કરતાં વરતાય છે. આત્મલક્ષી વલણમાં પરલક્ષિતાનો પર્યાય રચવા માટેનાં તત્ત્વો ઠીક ઠીક હાજર હોય છે, તો પરલક્ષી વલણમાં આત્મલક્ષી ગતિવિધિ જોવાનું મુશ્કેલ નથી. કવિ સામાજિક અભિજ્ઞતાથી પ્રેરાઈને ચાલે છે અને તેથી તેની ચાલમાં કોઈ દ્વિધા વ્યક્તિ અને સમાજ, સૌન્દર્ય અને સત્ય, શ્રેય અને પ્રેય – આવાં આવાં દ્વંદ્વો વચ્ચેની એના મનની દોલાયમાન સ્થિતિની સૂચક લાગે છે. વર્તમાનનું પ્રબળ આક્રમણ એની કલમને મુક્ત રીતે વિહરતાં અવારનવાર ક્ષુબ્ધ કરે છે. કોઈ સૂક્ષ્મ વિક્ષોભ એની કલાસાધનાને કલાસમાધિ સુધી પહોંચવા દેતો નથી.

આ યુગના, ખાસ કરીને કવિઓમાં, તુચ્છ તેમ જ ભવ્ય વિષયો તરફનું આકર્ષણ જોવા મળે છે. વિશ્વશાંતિ, મનુજપ્રણય જેવા મસમોટા વિષયો તરફ કવિ ખેંચાય છે. ગોવર્ધનરામ, ન્હાનાલાલ જેવા સર્જકોને પણ સંસ્કૃતિના મહાન વિષયવસ્તુ તરફ આકર્ષણ હતું, પરંતુ આ યુગમાં એ આકર્ષણનું સીધું પ્રેરક તત્ત્વ તે ગાંધીજીની માનવતાલક્ષી વિચારધારા હોય એમ લાગે છે. “નિશાનચૂક માફ થાય, ન કદીય નીચૂં નિશાન્.” (‘પંચોતેરમે, ૧૯૪૬, પૃ. ૪) એ બ. ક. ઠા.ના સમયનો – સાક્ષર-યુગનો ધ્યેયમંત્ર હતો, એ ઊંચું નિશાન ગાંધીયુગમાં પણ રહ્યું છે જ. જો એમ ન હોત તો સુન્દરમ્ પૃથ્વીમૈયાને આવી પ્રાર્થના કરત ?

“અહો પૃથ્વીમૈયા ! તમ ચરણ સંગીત ગમતું
મહા જે સ્રષ્ટાના અગમ ગિરિથી તે ગમ તમે
અમારાં વાળી દ્યો તૃષિત મુખનેત્રો, ભરી દિયો
દિગન્તી વિદ્યુતને અમ બટુક યાત્રાળુચરણે.”
(‘અહો પૃથ્વીમૈયા’, વસુધા, ૧૯૬૪, પૃ. ૧)


ઉમાશંકરે પણ વ્યક્તિ મટીને વિશ્વમાનવી બનવાની જે અભીપ્સા પ્રગટ કરી છે તેમાં ઊંચું નિશાન જ છે. આ ઊંચું નિશાન એમને કવિતાપથથી ભ્રષ્ટ કરનારું નહિ, પણ એ પથે દૃઢ કરનારું છે. સુન્દરમે પોતાની ભોળી શિશુક કવિતાનું ધ્રુવપદ મેળવવાનો પુરુષાર્થ કર્યો છે એ જાણીતી વાત છે.૭૮ ઉમાશંકરે પણ ઉરઝરણ આપમેળે ગાય એવી સ્થિતિ સર્જવા સૌન્દર્યપાન કરવાની હિમાયત કરી છે.૭૯ આ સમયના કવિઓ ઉન્નત ભાવનાઓ અને સર્જકતાનો ઠીક ઠીક ઉત્સાહ દાખવતા રહ્યા છે. મહાન વિષયોને ઊંડળમાં લેવાનો એમનો ઉત્સાહ ભારે છે; પરંતુ એમની એમ કરવાની શક્તિ પર્યાપ્ત હોવા વિશે શંકા છે. આ સમયના કવિઓમાં કશુંક ઉન્નત કરી નાખવાનો જેટલો ઉત્સાહ છે એટલા પ્રમાણમાં એમનો અનુભવ નથી. ગાંધીજીના મુખમાં સત્યની વાત જેવી અસરકારક લાગે તેવી સૌના મુખમાં ન જ લાગે. મોટા ભાગના ગાંધીયુગના લેખકો ગાંધીપ્રશસ્તિ કે ગાંધીપૂજાથી આગળ જતા નથી. આ ગાળાના સાહિત્યમાં સત્યની સ્તુતિ છે, પરંતુ સત્યદર્શનની અનુભૂતિ પ્રગટ કરતી સાહિત્યકૃતિઓ ઝાઝી નથી. સત્યદેવની પૂજા છે, એનો સાક્ષાત્કાર વિરલ છે. આ દૃષ્ટિએ વિચારીએ તો આપણા સર્જકોએ તેમના કીમતી શબ્દને ગાંધીજીની પૂજામાં – વ્યક્તિપૂજામાં કે ગાંધીજીની વાતોના રૂઢ રીતે પડઘા જ માત્ર પાડવામાં વિશેષ રોકી રાખ્યો છે. ગાંધીયુગ ન તો ‘સરસ્વતીચંદ્ર’ના બરની કે ન તો ‘ગોરા’ના બરની કોઈ કૃતિ આપી શક્યો. કાકાસાહેબ, સુન્દરમ્, ઉમાશંકર વગેરે દ્વારા નિબંધ-કાવ્ય-વાર્તાદિનું કેટલુંક લલિતસાહિત્ય મળ્યું. બાકી નામ દેવા પૂરતો એક જ યુગલક્ષી ગ્રંથ મળ્યો અને તે ‘સત્યના પ્રયોગો’ અથવા આત્મકથા.’ [58] જોકે કલાદૃષ્ટિએ એની પણ કેટલીક મર્યાદાઓ છે. આ ગાળાના મોટા ભાગના સાહિત્યકારોના અવાજમાં ગાંધીજીના અવાજનો આછો-ઘેરો પડઘો સંભળાયા કરે છે, અથવા ગાંધીના અવાજની આગળ એમનો અવાજ ઝાઝો પ્રભાવક લાગતો નથી.

આમ છતાં ગાંધીયુગે પંડિતયુગની કલાસાધનાને થોડાંક કદમ આગળ વધારી છે એ સ્પષ્ટ છે. ગુજરાતી ગદ્યના ઘડતરમાં; નિબંધ, પત્ર, જીવનચરિત્ર, આત્મચરિત્ર, ડાયરી વગેરે સાહિત્યપ્રકારોમાં; ટૂંકી વાર્તા, નાટક અને કવિતામાં કેટલાંક નવાં સોપાનો સર થયાં છે. ગાંધીજીનો પ્રભાવ વ્યક્તિવાદી વલણ પર કેટલીક રીતે અંકુશરૂપ બની રહ્યો હતો, તેમ છતાં તે વ્યક્તિસ્વાતંત્ર્યને ડામનાર બન્યો નથી. ‘ખોલકી’ના લેખક સુન્દરમ્ અથવા ‘સમૂળી ક્રાન્તિ’ના લેખક કિશોરલાલ મશરૂવાળા એનાં સુંદર ઉદાહરણો છે. ૧૯૨૦થી ૧૯૫૦ના ગાળા દરમ્યાન જે કંઈ બન્યું તેમાં કેવળ ગાંધીજીને જ કારણભૂત ગણવા ઉચિત ન પણ લાગે. શૈલીમાં સાદાઈ માટે ગાંધીજીના સાદાઈના વ્રતને કે એમની લોકાભિમુખ વૃત્તિને કારણભૂત લેખવામાં જોખમો છે, છતાં એમ જરૂર કહી શકાય કે એમની સાદાઈની વૃત્તિથી કવિઓ પ્રભાવિત થયા હોય કે નહિ, કોઈએ એમની સાદાઈનો વિરોધ કર્યો નથી. જે સમયબળે એ કવિઓને આમ કરવા પ્રેર્યા તે સમયબળને તે જ સમયના પ્ર-મુખ અને તે સાથે જ તેના ઘડનાર ‘ગાંધી’ના નામ-પ્રતીકથી વર્ણવવું અનુકૂળ પડે. સ્વાતંત્ર્યોત્તર કવિતામાં જે બંડખોર વલણો પ્રગટ થાય છે, જાતીયતાના જે સંદર્ભો રજૂ થાય છે તેમાં ગાંધીયુગની અપેક્ષાઓનું ચિત્ર નથી; પરંતુ એ અપેક્ષાઓ ન સંતોષાયાથી પડેલા પ્રત્યાઘાતોનું કંઈક ઘેરું અને ઉતાવળું આલેખન છે. સંક્રાન્તિની જે પ્રક્રિયા દલપત-નર્મદથી ચાલી તેનો જ એક નૂતન તબક્કો સ્વાતંત્ર્ય પછી આરંભાય છે. ગાંધીયુગીન સાહિત્યમાં સત્યતા, ધાર્મિકતા, ન્યાયવૃત્તિ વગેરેને રૂંધનારાં પરિબળોને તોડવા ઘણ ઉઠાવવાની વાત હતી૮૧ તોપોને ગાળી ‘સુઈ-મોચીના સંચ’ અને ‘રેંટુડાની આરો’ બનાવવાની વાત હતી૮૨; એમની સામે અસ્તિત્વની નિરર્થકતાનો પ્રશ્ન નહોતો, અસ્તિત્વને સાર્થક કેમ કરવું એ પ્રશ્ન હતો. [59] કેટલાક કવિઓની (જેમ કે, ‘આત્માનાં ખંડેર’ લખનાર ઉમાશંકર, ‘ધ્રુવપદ’ના ખોજનાર સુન્દરમ્, ‘કોડિયાં’ પેટાવનાર શ્રીધરાણી વગેરે.) આંતરખોજ આ પ્રશ્નને અનુષંગે ચાલે પણ છે. વિષમ પરિસ્થિતિ વચ્ચેય સત્યના જયની શ્રદ્ધાથી ઊજળો આશાવાદ આ ગાળાના કવિઓ–લેખકોને પ્રોત્સાહક – આકર્ષક લાગતો હતો. સ્વાતંત્રતા અને આબાદી એમના સ્વપ્નમાં એકરૂપ થઈ ગયાં હતાં અને ગાંધીજીએ પણ કેવળ રાજકીય સ્વતંત્રતાનું જ નહિ, સર્વોદયનું – મંગળ પ્રભાતનું ચિત્ર એમની સામે ધર્યું હતું. એ સ્વપ્નના કેફમાં સ્વપ્નદ્રષ્ટા મુનશી, વિશ્વશાંતિના ગાયક ઉમાશંકર, ગ્રામલક્ષ્મીના ઉપાસક ર. વ. દેસાઈ જેવા કેટલાય ચકચૂર બન્યા, પરંતુ આ કેફની મસ્તી ઝાઝી ટકી નથી. વિશ્વશાંતિના ગાયક, સંવાદિતાના સાધક સ્વાતંત્ર્યોત્તર સમયમાં ‘છિન્નભિન્ન છું’[60] ની વાત કહ્યા વિના રહી શક્યા નહિ. સંવાદિતામાં શ્રદ્ધા છતાં અસંવાદિતાનાં રૂપ કવિ સમક્ષ પ્રગટ્યા કરે તો કવિ શું કરે ? ગાંધીજી કળા પ્રત્યે ઉપયોગિતાવાદની દૃષ્ટિથી જોતા હતા. પ્લેટોને આદર્શ-નગર રાજ્યમાંથી કવિઓને કાઢી મૂકવાનું ઉચિત લાગ્યું. ગાંધીજીના આદર્શનગરમાં – રામરાજ્યમાં કવિઓનું સમુચિત સ્થાન ખરું જ. ગાંધીજીએ દિલીપકુમાર રોયની સાથેની વાતચીતમાં કલાની સ્વીકૃતિ અને ઉપયોગિતાનો નિર્દેશ કર્યો જ હતો.[61] ગાંધીજીએ કલાનો ઉપયોગિતાવાદની દૃષ્ટિએ વિચાર કરતાં પોતાની મર્યાદા નમ્રતાથી આગળ ધરી હતી. તેમણે સાહિત્યની ગરજ હતી જ, પરંતુ જે સાહિત્ય સેગાંવના લોકો ન વાંચી શકે એની એમને ઓછી ગરજ હતી. એમની તત્કાલીન સમસ્યા આમસમુદાયનું કલ્યાણ કઈ રીતે ઝડપથી થઈ શકે તે અંગેની હતી. એથી જ તેમને સાહિત્યનો અને તેની ભાષાનો વિચાર લોકાભિમુખવૃત્તિથી કર્યો. ગાંધીજીએ હરગોવિંદદાસ કાંટાવાળાની જેમ સાદી-સરળ ભાષાની હિમાયત કરી – વસ્તુત: લોકભોગ્ય ભાષાની હિમાયત કરી. તેથી સરવાળે ગુજરાતી ગદ્યને લાભ જ થયો છે.[62] વાગાડંબરને સ્થાને વાક્સંયમ આવ્યો. ભાષાની અભિવ્યક્તિક્ષમતા ખીલી ને તેમાં લોકબોલીઓનો પણ ઠીક લાભ મળ્યો. ભાષામાં વિશદતા ને સચોટતા આવ્યાં. આલંકારિક નહિ, પણ સરલ ને લક્ષ્યવેધક ભાષા સુંદર લેખાવા લાગી. વળી ગાંધીજીએ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની દૃઢ હિમાયત કરી. તેમણે “નવજીવન”, ગૂજરાત વિદ્યાપીઠ વગેરે દ્વારા, ગુજરાતીમાં અનેકદેશીય પ્રકાશનો દ્વારા ગુજરાતી ભાષાને પલોટાવાનો – બળવાન થવાનો સારો અવકાશ આપ્યો. ગાંધીજી ગુજરાતનાં સંસ્કાર-સંસ્કૃતિ પ્રત્યેની આપણી આદરની લાગણીને પોષવામાં પણ નિમિત્ત બન્યા, જોકે પ્રદેશાભિમાન માનવપ્રેમને રૂંધે એ એમને કોઈ રીતે ઇષ્ટ નહોતું. ગુજરાતપ્રેમ અને વિશ્વપ્રેમનાં ગાણાં સાથે સાથે ચાલ્યાં. વર્તમાનનું દુર્નિર્વાર આક્રમણ છતાં ભૂતકાળની ભવ્ય પરંપરાનો સાર્થક ઉપયોગ કરવાની વૃત્તિને પણ ઠીક ઠીક પોષણ મળ્યું. આંતરપ્રાંતીય વાગ્વ્યવહારને ઉત્તેજન મળ્યું ને તેથી અનુવાદપ્રવૃત્તિને પણ વેગ મળ્યો. ગાંધી-શાળાએ બીજી ભાષાઓના સત્ત્વપૂર્ણ સાહિત્યને ગુજરાતીમાં ઉતારવાનો પુરુષાર્થ આદર્યો. એમાં મહાદેવભાઈ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાળા, મગનભાઈ વગેરેનાં નામો સહેલાઈથી દઈ શકાય. ગાંધીજીનો પોતાનો ફાળો પણ આમાં ઓછો નહોતો. ગાંધી-શાળાએ ગુજરાતી ગદ્યના ઘડતરમાં – સાહિત્યના ગંભીર (ખાસ કરીને લલિતેતર) વિષયોના ખેડાણમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. ગાંધીજીની પત્રકાર તરીકેની સેવાઓ પણ ગુજરાતી ભાષાને ઉપકારક જ થઈ છે. તેમના આધિપત્ય હેઠળ ચાલતાં પત્રોએ લોકમાનસને ઘડવામાં અગત્યનો ભાગ ભજવ્યો જ હતો. [63] વળી ગૂજરાત વિદ્યાપીઠ ને નવજીવન પ્રકાશન મંદિર જેવી સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રીય કેળવણી અંગેનાં અન્ય મંડળો, સંસ્થાઓ વગેરે દ્વારા તેમણે કેળવણી માટેની મૂલ્યવાન પાઠ્યસામગ્રી, વાચનસામગ્રી, ભાષા-સાહિત્યસામગ્રી વધારવાને પણ પ્રોત્સાહન આપ્યું. કોશપ્રવૃત્તિ, સંપાદનપ્રવૃત્તિ આદિ વિદ્યા-કેળવણીને ઉપકારક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. વિદ્યા-વિચારનાં નવાં નવાં ક્ષેત્રો ઊઘડતાં ભાષાનો બહુમુખી વિકાસ શક્ય બન્યો. આમ ગાંધીજીની રાષ્ટ્રીય કેળવણીની પ્રવૃત્તિની ભાષાસાહિત્ય પર દૂરગામી ને ઊંડી અસર થઈ છે. ૧૯૦૫થી ૧૯૫૦ સુધીના સમયમાં પણ અનેક ઉત્તેજનકારી ઘટનાઓ ભારત અને ભારત બહાર બની છે. શ્રી અરવિંદ; લાલ, બાલ અને પાલની રાજકીય પ્રવૃત્તિઓ, સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, ડૉ. એની બેસન્ટ દ્વારા હોમરૂલ લીગની સ્થાપના, પ્રથમ વિશ્વયુદ્ધની ૧૯૧૮માં પૂર્ણાહુતિ, બૉલ્શેવિક ક્રાંતિ ને સામ્યવાદની સ્થાપના, ૧૯૧૯નો જલિયાંવાલા બાગનો હત્યાકાંડ, ૧૯૨૦નું અસહકારનું આંદોલન, બોરસદ – બારડોલીના સત્યાગ્રહો, ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૩૭માં કૉંગ્રેસનું કેટલાક પ્રાંતોમાં સત્તા પર આવવું, બીજા વિશ્વયુદ્ધની અણુવિસ્ફોટાદિ ઘટનાઓ અને તેનાં અકારાં પરિણામ, ‘ક્વિટ ઇંડિયા’ના આદેશ સાથે સ્વતંત્રતાની આખરી લડત, ૧૯૪૭માં સ્વરાજ્યપ્રાપ્તિ અને ૧૯૪૮માં ગાંધીજીનું ખૂન – આ બધા બનાવોએ લોકોને સતત ઉત્તેજનામાં રાખ્યા છે. પ્રજાની ચેતના અનેક આઘાતપ્રત્યાઘાતો સહેતી કોઈ અપૂર્વ ઘાટ ધારણ કરવા મથી રહી છે. એ ઘાટ કેવો હશે તે તો કોણ કહી શકે ? સાહિત્ય પણ પ્રજાકીય ચેતનાનો જ આવિષ્કાર છે. તેના વિશે પણ ભાવિ ભાખવું મુશ્કેલ તો છે જ.


  1. અર્વાચીન કવિતા, ૧૯૫૩, પૃ. ૨.
  2. નવીન કવિતા વિષે વ્યાખ્યાનો.
  3. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો
  4. થોડા વિવેચનલેખો
  5. આધુનિક કવિતા-પ્રવાહ
  6. જુઓ ઉમાશંકર જોશી, ‘શૈલી અને સ્વરૂપ’, ૧૯૬૦, પૃ. ૨૧૨–૩. તેઓ લખે છે : “અદ્યતન એટલે છેક આજનું. અદ્યતન કવિતા – અર્વાચીન કવિતાનો દલપત-નર્મદથી ઉદય ગણાય છે. નવીન કવિતા તે ગોળગોળ રીતે કહીએ તો વીસમી સદીમાં જન્મેલા કવિઓની રચના. જોકે ઈ.સ. ૧૯૦૦ પહેલાંના પણ શ્રી દેશળજી પરમાર, શ્રી ‘મૂસિકાર’, શ્રી હરિહર ભટ્ટ, શ્રી ‘શેષ’ જેવા કવિઓની નવીનોમાં જ ગણના કરવી જોઈશે. ઉમાશંકર ‘અદ્યતન’નો અર્થ વિશાળ કરી દલપત-નર્મદથી માંડીને તે બ. ક. ઠાકોર-નિર્દિષ્ટ ‘નવીન’ કવિતાને પણ તે લાગુ પાડે છે.
  7. બ. ક. ઠાકોર, ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’, ૧૯૬૪, પૃ. ૮.
  8. વિજયરાય વૈદ્ય, ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા’, ૧૯૭૩, પૃ. ૯.
  9. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ‘વિવેચના’, બીજી આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૧૩૧.
  10. વધુ માટે જુઓ ‘વડોદરાના રાજ્યકર્તા ’ (અનુ. ઈશ્વરદાસ ઇચ્છા રામ મશરૂવાળા).
  11. હીરાલાલ પારેખ, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન–૧’, ૧૯૩૫, પૃ. ૧૦.
  12. ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા, ૧૯૭૪, પૃ. ૨૮.
  13. જુઓ ‘નર્મકવિતા’, ગ્રંથ–૧, પૃ. ૮૯૫ પરનું કાવ્ય “દેશમેં આનંદ ભયો, જે જે વિક્ટોરિયા”.
  14. કેટલાંક કાવ્યો–૨, ૧૯૪૭, પૃ. ૬૭.
  15. જુઓ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’માં “રાજનિષ્ઠા અને શુશ્રૂષા” પ્રકરણનો આરંભનો ભાગ, પૃ. ૧૫૮.
  16. જુઓ ‘સરસ્વતીચંદ્ર’ ભાગ–૩ અને ભાગ–૪, ‘સરસ્વતીચંદ્ર : ભાગ–૪’(૧૯૬૦)માં ૩૫મા પ્રકરણમાં પરશુરામ પાંચાલીને જે કહે છે તેમાંનો થોડોક અંશ જુઓ : પરશુરામ કહે છે : “પાંચાલી !.... તારી આસપાસના મહાસાગરનાં મોજાંની પેઠે તારી આસપાસ કપિલોક ઊછળી રહ્યા છે. તે તારા દેશનાં હવાપાણીને સુધારશે, અન્ય દેશોમાં જવાનાં તારા પુત્રોને સાધન આપશે, અને રત્નાકર તારો રત્નાકર જ થશે.” (પૃ. ૭૧૮)
  17. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, ૧૯૫૦, પૃ. ૬.
  18. આ ભાષણમાં આ વાત હતી : “અરજી કરવી ઘટારત ખરી, પણ ક્યારે કે જ્યારે રાજા હોય ને પ્રજાનો વિચાર લઈને કંઈક કરે ત્યારે – પણ જો તેમ ન કરે ને પ્રજા ઉપર જુલ્મ કરે, તો પ્રજાએ રાજા સાથે લડીને રાજાને શિક્ષા કરવી, ને રાજ્ય બીજા રાજ્યને સોંપવું. ને જે એવા કામમાં મદદ કરે તો તે સારા માણસનું લક્ષણ છે, ને એવા કામમાં પ્રજા મધ્યેના માણસોને મરવાને કંઈ ચિંતા નહીં. કેમ કે જુલમગાર રાજાઓથી પ્રજાનું રક્ષણ થાય તેમાં મોટો પરોપકાર છે. સાંભળો, રાજાનું રાજ્ય પ્રજાના કલ્યાણને અર્થે છે. પ્રજા ઉપર સમભાવ રાખવાને અર્થે છે; પણ તેમ ન કરે ને ઊલટી પ્રજાને પીડા કરે, દરિદ્રી કરે, એક દેશની પ્રજા ઉપર કૃપા રાખીને તેને ધનવાન થવાનો ઉદ્યોગ કરે, ને બીજા દેશની પ્રજાને નિર્ધન કરવાને ઇચ્છે, તો તેવા રાજાના સામું લડીને ધર્મબુદ્ધિના ચાલનારાં રાજાને રાજ્ય સોંપવું જોઈએ. અમારું બોલવું કેવળ અંગ્રેજોને જ વાસ્તે નથી. પૃથ્વી પરના સર્વ રાજાઓને વાસ્તે છે... રાજા પોતે જ પ્રજાને દુ:ખી કરવા ઇચ્છે તો પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી.” (આદ્યસુધારક મહેતાજી દુર્ગારામ, ૧૯૭૦, પૃ. ૨૫–૨૬)
  19. જોકે આ ‘સુખશાન્તિ’ અને ‘નિર્ભયતા’ની વ્યાખ્યા કરવાની રહે ! આ સંદર્ભમાં રવીન્દ્રનાથકૃત ‘પૂર્વ અને પશ્ચિમ’ લેખમાળા પણ જોવી ઘટે.
  20. સુદર્શન ગ્રંથાવલિ ૧૯૦૯, પૃ. ૪૮૨. – આ અવતરણમાં “અન્યથા પણ એવા રિવાજો બંધ ન જ પડત એમ અમારું માનવું નથી” – એ શબ્દોને સુજ્ઞજનો મહત્ત્વના ગણશે જ.
  21. મુંબઈમાં ગુજરાતીઓની બુદ્ધિવર્ધક સભા, પછી જ્ઞાનેચ્છુ હિન્દુસભા, પારસીઓની જ્ઞાનપ્રચારક સભા, સત્યશોધક સભા, દક્ષિણીઓની પરમહંસ સભા, દુર્ગારામ મહેતાજીની માનવધર્મસભા (૧૮૪૪), રાજકોટમાં વિદ્યાગુણપ્રકાશક સભા, જૂનાગઢમાં બાળજ્ઞાનોદય સભા, પોરબંદરમાં સુબોધ પ્રકાશક ડિબેટિંગ સોસાયટી, જામનગરમાં મનોરંજક સભા, અમદાવાદમાં બાળલગ્નનિષેધક મંડળી, પુનર્લગ્ન ઍસોસિયેશન વગેરે.
  22. ઈ. એ. રોસ લખે છે : “જેમ કોઈ ચીજને કાટ ચડવાથી તે ચીજ ઉપર જે અસર થાય, તેવી અસર વિદેશી શાસનને પરિણામે ભારતવાસીઓના ઉચ્ચતર જીવન પર થઈ છે.” (પંડિત સુંદરલાલકૃત ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય–૧’માંથી ઉદ્ધૃત, પૃ. ૧૪૫)
  23. જુઓ ‘નવલગ્રંથાવલિ’, ૧૯૩૭, પૃ. ૪૬૯–૪૭૫).
  24. વધુ માટે જુઓ ‘હિન્દ કેમ પાયમાલ થયું ?’ (સં. નરહરિ પરીખ) અને ‘બ્રિટિશ હિન્દુસ્તાનનો આર્થિક ઇતિહાસ’ (રમેશચંદ્ર દત્તના અંગ્રેજી પુસ્તક પરથી લખનાર ઉત્તમલાલ ત્રિવેદી).
  25. હિન્દ પાયમાલ કેમ થયું ?, પૃ. ૧૨૨.
  26. ‘મહારાજ લાયબલ કેસ’ જેવી ઘટનાઓ પણ અત્રે યાદ કરવી જોઈએ. એ ઘટના રૂઢિગ્રસ્ત ધર્મ સામેના બંધારણીય નૈતિક વિદ્રોહ તરીકે ખૂબ મહત્ત્વની છે. ધર્મસંસ્થા પાસેથી નીતિની અપેક્ષા, સત્ય માટેનો ભારે પક્ષપાત એમાં વ્યંજિત થાય છે. ધર્મ એટલે નીતિ અને નીતિ એટલે ધર્મ એ ગાંધીયુગીન સમીકરણ તરફના પ્રસ્થાનના આરંભકાળે બનેલી આ ઘટના ખૂબ મહત્ત્વની લેખાય. ભોળાનાથ, રમણભાઈ, નરસિંહરાવ વગેરે તો બીજી બાજુ મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર વગેરેએ ધર્મ અને નીતિના સમીકરણસંબંધને સિદ્ધ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ન્હાનાલાલે તો એની બુલંદ સૂત્રાવલિ રચી આપી.
  27. ‘ભૂતનિબંધ’ (૧૮૫૦), ‘ડાકણ વિષે નિબંધ (૧૮૫૬), ‘બાળવિવાહ નિબંધ’, ‘પુનર્વિવાહ નિબંધ’ (૧૮૫૭), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૨), ‘જમણવાર વિષે નિબંધ’ (૧૮૭૨), ‘કજોડા દુખદર્શક નાટક’ (૧૮૭૨), ‘વૈધવ્યચિત્ર’ (૧૮૫૯), ‘છોકરાઓને ઘરેણું પહેરાવે છે તે વિષે’ (૧૮૫૬), ‘કેફ’ (૧૮૫૫), ‘રોવાકૂટવાની ઘેલાઈ’ (૧૮૫૦) વગેરે આવા પ્રકારના લખાણમાં ચર્ચ્યમાન વસ્તુની મર્યાદાઓ જણાવી – ખંડન કરી નવી વસ્તુઓ સ્વીકારવાનો અનુરોધ છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ (૧૮૫૧), ‘દેશાભિમાન’ (૧૮૫૬), ‘સંપ વિષે’ (૧૮૫૯), ‘સંપલક્ષ્મી સંવાદ’ (૧૮૫૧), ‘સ્ત્રીકેળવણી’ (૧૮૫૧), ‘દેશાટન’ (૧૮૫૩), ‘હુન્નરખાનની ચઢાઈ’ (૧૮૫૧) વગેરેમાં રચનાત્મક રીતે નવાં વલણો માટેનો પ્રચાર છે. ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા’, ‘વિલાયતી વિલાસમાં ફૅશનબાઈ ખલાસ’, ‘નવો જમાનો અમૃત કે ઝેર ?’, ‘એમ.એ. બના કે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી ?’ વગેરે સાહિત્યમાં સુધારા સામેનો ભય પણ વ્યક્ત થયો છે. વધુ માટે જુઓ ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ અને ‘સમાજસુધારાનું રેખાદર્શન’.
  28. નંદશંકર કહે છે : “બુદ્ધિવાદ એ જ હમારો ‘ઉઘડતલ’ (Open Sesame) રૂપી મંત્ર હતો.”(નંદશંકર જીવનચિત્ર, ૧૯૧૬, પૃ. ૮૪)
  29. જુઓ ‘કલ્યાણગ્રામથી સેવાગ્રામ’ લેખ, ‘સંસ્કૃતિ’, મે, ૧૯૭૩, પૃ. ૧૮૨–૧૮૬.
  30. જૂનું નર્મગદ્ય, પુસ્તક ૧લું, ૧૯૧૨, પૃ. ૩૪૬–૩૪૭.
  31. ૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૭–૮. ૨. ‘અર્વાચીન કવિતા’(૧૯૫૩)માં પણ સુન્દરમ્ કહે છે : ‘આ વ્યાપારમાં (કવિતાના) લેખક કે ભાવક બેમાંથી એકે તરફથી કાવ્યકળાની ઊંચી અભિજ્ઞતા બહુ દેખાડાતી નથી, છતાં તે બંનેની અભિમુખતા સાચી લાગે છે.” (પૃ. ૩)
  32. મદનમોહના, ૧૯૭૨, સં. અનંતરાય રાવળ, પૃ. ૧૭૧.
  33. નગીનદાસે ‘રોજિંદા જીવનનું વ્યાકરણ’ નામના લેખમાં ડૉ. મૉટેને ગાંધીજીએ જે જવાબ આપેલો તેની નોંધ છે. મૉટેએ પ્રશ્ન કરેલો : “તમારા કાર્યમાં તમને મોટામાં મોટી મુશ્કેલી કઈ નડી ?” ગાંધીજીએ જવાબ આપ્યો : “ભણેલાઓની નઠોરતા.” (‘બુદ્ધિપ્રકાશ’, ઑક્ટોબર, પૃ. ૩૫૩)
  34. ગાંધીજીએ બારમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી બોલતાં કેટલીક માર્મિક વાતો કરેલી. તેમણે કહેલું : “....મારી પાસેના કૂવા ઉપર કોસ ચલાવનાર કોસિયો કેવી ભાષા વાપરે છે એની એને ખબર નથી. એ ગાળ બોલે છે એનું એને ભાન નથી. તેને હું શું કહું ? કવિ હોય તે એની પાસે જાય. મુનશી તો નવલકથાકાર રહ્યા, એ તો જઈ ન શકે. અદ્ભુત કળાકાર હોય તો એની પાસે જઈને એને સમજાવી શકે. બે શબ્દ અહીં ટિકાડ્યા, બે શબ્દ ત્યાં ટિકાડ્યા અને એવું કહે કે પેલો ઝીલી શકે એવું હોય..... આપણે સાહિત્ય કોને માટે રચીશું ? કસ્તૂરભાઈ ઍન્ડ કંપની માટે, કે અંબાલાલભાઈ કે સર ચિનુભાઈ માટે ? એમની પાસે તો પૈસા છે, એટલે ગમેતેટલા સાહિત્યકારો રાખી શકે છે, ગમે તેટલાં પુસ્તકાલયો વસાવી શકે છે. પણ પેલા કોસિયાનું શું ?... હૈયું કઠણ કરું છું પણ એ સેંગાંવ – ત્યાંનાં હાડપિંજરો જોઉં છું ત્યારે મને તમારું સાહિત્ય રેઢિયાળ લાગે છે. આનંદશંકરભાઈ પાસે મેં સો પુસ્તકો માગ્યાં. એમણે મહેનત કરીને મને મોકલ્યાં. પણ એ પુસ્તકોને હું શું કરું ? ત્યાં શી રીતે લઈ જઉં ?” (ગુજરાતી સાહિત્ય સંમેલન–૧૨મું – અહેવાલ, પૃ ૨૫, ૨૮) ગાંધીજીની આ વાતનો પ્રતિકાર કરતાં ગાંધીજી વગેરેની ભાષા જ લોકગમ્ય કેટલી એ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો, પરંતુ એથી કંઈ ગાંધીજીની વાત તૂટી જતી નથી એ તો સ્પષ્ટ છે.
  35. ``आपरितोषाद्‌विदुषां साधु न मन्ये मे प्रयोगविज्ञानम् – તે આ યુગનો આદર્શ ખરો, પણ આ આદર્શની ઉપાસનામાં એક મુખ્ય ત્રુટિ રહી ગઈ. આ ત્રુટિને લીધે લોકોની સાથે વિદ્વાનોના પણ પરિતોષની સાધનાને બદલે લોકો તરફ ઉપેક્ષા થઈ અને વિદ્વાનોનું જ સમારાધન થયું.” – મનસુખલાલ ઝવેરી (‘થોડા વિવેચનલેખો’, ૧૯૫૯, પૃ. ૨૫૭)
  36. રા. વિ. પાઠક લખે છે : “...આ બધાને પરિણામે સ્થૂલ દૃષ્ટિએ એમ કહી શકાય કે કાવ્યસંબંધી મતમતાંતરનું એક ચક્ર પૂરું કરીને આપણે દલપત-નર્મદના સમય ઉપર પાછા આવ્યા છીએ. દલપત-નર્મદના વખતમાં મનાતું કે ગમે તે વિષય ઉપર કાવ્ય થઈ શકે, ગમે તે વક્તવ્ય કાવ્યમાં મૂકી શકાય. અને અત્યારે પણ એ જ સ્થિતિએ આપણે લગભગ છીએ. ઇતિહાસનું પુનરાવર્તન થાય છે કે શું ? પણ ઇતિહાસનું પુનરાવર્તન કદી થતું નથી. માનવગતિ કદાચ ગોળ લાગે ખરી, પણ તે ડુંગર ફરતા ગોળ રસ્તા જેવી છે. તે ગોળ છે પણ ઊર્ધ્વગામી છે. આ જમાનાના સ્વરૂપના વિચારો ભલે દલપત-નર્મદના પ્રારંભ જેવા લાગે, પણ એ પ્રારંભ પછી તો દલપત-નર્મદ બંને કાવ્યની ઝડીઓ વરસ્યા, ક્લાન્ત અને કલાપીએ પોતાનાં દિલદર્દ ગાયાં, નરસિંહરાવ કાન્ત અને બલવન્તરાયે અનેક નવા ફૂલછોડો ઉછેરી બતાવ્યા, પ્રેમભક્તિએ વસંતવૈતાલિક કોકિલો ટહુકાવી મૂક્યા, હરિ હર્ષદ ધ્રુવ અને ખબરદારે વીરરસની હોરી-લાવણી ગાયાં, અને દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ, આચાર્ય શ્રી આનંદશંકરભાઈએ, શ્રી નરસિંહરાવભાઈએ, અને પ્રો. બલવન્તરાય ઠાકોરે અનેક દૃષ્ટિએ વિવેચના કરીને આપણી સાહિત્યભૂમિને ખેડીને સમૃદ્ધ કરી મૂકી છે. આટલું થયા પછી, તે પહેલાંની ઐતિહાસિક સ્થિતિ પાછી આવે તે અશક્ય છે. નવા જમાનાને આ બધાનો વારસો મળ્યો છે અને એ સઘળા વારસા સાથે નવા કવિતાલેખકો કાવ્યક્ષેત્રમાં અનેક નવા પ્રયોગો અત્યારે કરે છે, અને આ આપણો કાવ્યપ્રવાહ, તેનાં જુદાં જુદાં વહેણોનાં લક્ષણો જોવાં એ એક ઘણો જ બોધક અને રસદાયક અભ્યાસ છે.” (અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૨૫–૨૬)
  37. Subjective poetry માટે પણ “અહંલક્ષી કવિતા” પર્યાય કદાચ વધુ યોગ્ય છે. ‘સ્વાનુભવરસિક કવિતા’ પર્યાય પણ સારો છે. રામપ્રસાદ બક્ષીએ તાજેતરમાં પ્રગટ થયેલા ‘– અને સાહિત્ય’ ગ્રંથમાં Subjective poetry માટે ‘સ્વસંવેદનાત્મક કવિતા’ એવો પર્યાય યોજ્યો છે, જે પણ આવકાર્ય છે.
  38. આ ‘પંડિતયુગ’ શબ્દના ઔચિત્યની આપણે ત્યાં ચર્ચા થઈ છે. શ્રી ધીરુભાઈ ઠાકર ‘પંડિતયુગ’ને બદલે ‘સાક્ષર પેઢી’ જેવા શબ્દપ્રયોગના પક્ષપાતી છે, કેમ કે, ‘યુગ’ શબ્દ સમયના બૃહદ વ્યાપને અનુલક્ષતો શબ્દ છે. ઉમાશંકર ‘પંડિતયુગ’ એ નામકરણના વિરોધી છે. એમનો વિરોધ સમજી શકાય એમ છે. ‘પંડિતયુગ’ શબ્દથી પંડિતો કેવળ ‘પંડિતયુગ’માં હતા એવો ભ્રમ પેદા ન થવો જોઈએ. વળી ‘પંડિતયુગ’ શબ્દથી એ જમાનાની જે બધી વિલક્ષણતાઓ છે તેમનું સમુચિત વર્ણન થતું નથી. જોકે ‘પંડિતયુગ’ શબ્દ હવે એટલો રૂઢ છે કે રૂઢિબળના જોરે હવે એ શબ્દ વપરાતો રહે તો તેથી ઇષ્ટ અર્થબોધમાં હવે કોઈ મુશ્કેલી આવે એવું લાગતું નથી. વિદ્યાપીઠ-વાસરી “ ’૩૧માં ડોકિયું” શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે; અને પત્રો પ્રકાશિત થવામાં છે. – ચં૰
  39. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, ૧૯૬૨, પૃ. ૧૭.
  40. નરસિંહરાવ કહે છે : “કવિતાના ચિરસ્થાયી વિષયો – માનવહૃદયનાં અને સૃષ્ટિનાં ઊંડાણો અને સંચલનો – તે તો કવિત્વનાં સનાતન તત્ત્વો જોડે નિરંતર જોડાયેલાં હોઈ એ વિષયની કવિતા સર્વકાલીન થવાને પાત્ર ગણાશે.” (‘કુસુમમાલા’ની ચોથી આવૃત્તિની પ્રસ્તાવના, ‘કુસુમમાલા’, ૧૯૫૩, પૃ. ૭)
  41. આનંદશંકર ધ્રુવ, જુઓ ‘કાવ્યતત્ત્વવિચાર’, ૧૯૩૯, પૃ. ૧૯–૩૬.
  42. ‘થોડાંક રસદર્શનો : સાહિત્ય અને ભક્તિનાં’ (૧૯૩૩)માં ‘સાહિત્યનું સ્વરૂપ’ એ ખંડ જુઓ, પૃ. ૧૧–૨૩.
  43. ગુજરાતમાં ગાંધીયુગ, ૧૯૬૮, પૃ. ૬૮ અને ૭૨. કાકાસાહેબ લખે છે : “ગાંધીજીએ આમ શાંત રીતે એક આખો જમાનો બદલી નાખ્યો અને જાણે કોઈને એની ખબર ન પડી.” (પૃ. ૬૮)
  44. ‘અર્વાચીન કવિતા’ (૧૯૫૩)માં સુન્દરમ્ લખે છે : “નવીન યુગને પણ પ્રેમ, સૌન્દર્ય, શાંતિ, સર્વજનહિત વગેરે જોઈતાં હતાં; પણ તેની માગણીઓ વધારે ગંભીર, વાસ્તવિકતા ઉપર અને સાથે સાથે નિરામય વિશુદ્ધ સત્ય ઉપર પ્રતિષ્ઠિત હતી. અને તેથી તેણે જીવનના વિસંવાદોનો, સંઘર્ષોનો સમન્વય સાધવાને પોતાની જ રીતે નવા પ્રયત્નો શરૂ કર્યા.” (પૃ. ૪૭૬)
  45. “ગાંધીયુગમાં ગાંધીજીની અને દેશના બધા જ પ્રાંતના અનેક દેશસેવકોની તપસ્યાની પરિણતિ દેખાઈ આવે છે. લોકમાન્ય તિલક, રાનડે, ગોખલે, ભાંડારકર, રવીન્દ્રનાથ, અરવિંદ ઘોષ, સ્વામી વિવેકાનંદ, લાલા લજપતરાય, હરદયાળ, મિસિસ બેસંટ, સર રાધાકૃષ્ણન, આનંદકુમાર સ્વામી, ભગિની નિવેદિતા ઇત્યાદિ અનેક સમાજસેવકોએ જે ચિંતન અને પરાક્રમ કેળવ્યાં તેનો પરિપાક તે ગાંધીયુગ છે; ગાંધીજીને હું એકાકી ભારતસેવક ગણતો નથી. એમની પ્રતિભા રાષ્ટ્રની આ જુદી જુદી શક્તિઓનો સમન્વય કરી શકી અને એને લોકજાગૃતિ, ધર્મસંસ્કરણ અને સ્વરાજ્યપ્રાપ્તિની દિશાએ એકાગ્ર કરી શકી એ જ એમની વિશેષતા. ગાંધીયુગના પાયામાં અનેક વસ્તુઓ સાથે સાક્ષરોની સાહિત્યસેવાઓને પણ સ્થાન છે જ. ગાંધીયુગનો મહિમા એ કંઈ એકલા ગાંધીજીનો મહિમા નથી. એ તો ભારતવર્ષના ભાગ્યોદયનો મહિમા છે. ગાંધીજીનું નામ તો સંજ્ઞારૂપે અને અન્વર્થક છે.” – કાકાસાહેબ (જીવનભારતી, ૧૯૩૭, પૃ. ૨૮) એમના વિશેની કેટલીક આત્મકથનાત્મક સામગ્રી સદ્ભાગ્યે, ‘થોડુંક અંગત’ (૧૯૯૯) મથાળે ડૉ. સ્વાતિ જોશી દ્વારા એક ગ્રંથરૂપે સંપાદિત થઈ છે.
  46. ‘તમે પતિતમાં, દરિદ્રજનમાં દીઠા દેવને !’ – ઉમાશંકર (વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૬)
  47. આ પ્રયોગોએ જ ઉમાશંકરને ‘અમારા સ્વાતંત્ર્યે પ્રગટ જનબંધુત્વ સમતા !’ કહેવા પ્રેર્યા. (વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૫)
  48. “હું માનું છું કે ગાંધીયુગની વૈચારિક પૃષ્ઠભૂમિકાથી પ્રારંભ કરવો હોય તો મારે સુરત કૉન્ગ્રેસથી જ પ્રારંભ કરવો જોઈએ...... અને અન્યાયની સામે થવાની સત્યાગ્રહની નવી અનન્ય સાધના લઈને તેઓ ૧૯૧૫માં ભારત આવ્યા ત્યારથી ગાંધીયુગનો પૂરો પ્રારંભ ગણાય. જોકે ખરું જોતાં ગાંધીયુગનો દૃશ્ય પ્રારંભ ૧૯૨૦થી ગણવો જોઈએ. કેમ કે તે વખતે જ રાજદ્વારી, ધાર્મિક, સામાજિક, સાહિત્યિક, વ્યાપક રીતે કેળવણી વિષયક અને આર્થિક બધાં જ ક્ષેત્રોમાં ગાંધીજીની અસર શરૂ થયેલી.” – કાકાસાહેબ (ગુજરાતમાં ગાંધીયુગ, ૧૯૬૮, પૃ. ૭) કાકાસાહેબ ૧૯૧૦થી ૧૯૨૦નો ગાળો ગાંધીવિચારની ભૂમિકારૂપે સ્વીકારે છે. સુન્દરમ્ અર્વાચીન કવિતાના ત્રીજા સ્તબકનો – ગાંધીયુગીન કવિતાનો પ્રારંભ ૧૯૩૧થી લેખે છે. જે પરિબળોએ સાહિત્યાદિ ક્ષેત્રો પર પ્રભાવ પાથર્યો તેનો ઉદ્ભવ – વિકાસ ધ્યાનમાં લેતાં ૧૯૧૫થી ગાંધીયુગનો આરંભ ગણવામાં વાંધો આવતો નથી. બળવંતરાય ૧૯૨૦ને ગાંધીયુગના પ્રારંભબિન્દુ તરીકે સ્વીકારે છે. આમ ૧૯૧૦થી ૧૯૩૦ સુધીના બે દાયકા વચ્ચે ગાંધીયુગનું પ્રારંભબિંદુ નિશ્ચિત કરવાનો પ્રયત્ન થયો છે.
  49. “He entered the very stuff of our minds and spirits and changed them and moulded them. The Gandhi generation will pass away, but the stuff will remain and will affect each succeeding generation, for it has become a part of India’s spirit.” – Jawaharlal Nehru (Harijan, February ૧૫, ૧૯૪૮).
  50. “..... શારદાપીઠપ્રેરિત સાક્ષરયુગ વા ગોવર્ધનયુગ અને વિદ્યાપીઠપ્રેરિત સાક્ષરયુગ વા ગાંધીયુગ સાથે સાથે અત્યારે વહી રહ્યા છે, એ મ્હારું અધીન મત હું બનતી સ્પષ્ટતાએ જાહેર કરું છું.” – બ. ક. ઠાકોર (નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પૃ. ૧૨)
  51. ગાંધીજી જીવ્યા એ સમય દરમ્યાન જ ‘ગાંધીયુગ’ એવો ‘ગાંધીયુગ’નો અર્થ થતો નથી. જે મૂલ્યોની ગાંધીજીએ પ્રતિષ્ઠા કરી એ મૂલ્યોનો યુગ તે જ ગાંધીયુગ. તેથી જ કાકાસાહેબ લખે છે : “યંત્રો આવવાથી ગાંધીપણું મટવાનું નથી. જો શોષણ ટકે અને સંસ્કૃતિ ક્ષીણ થાય તો જ સર્વોદય લજવાશે. સત્ય, સંયમ, અહિંસા, સમન્વય, સહયોગ, શાંતિ અને સર્વોદય એ જ હશે ગાંધીયુગની ખાસિયત અને ખુશબો.” – કાકાસાહેબ (ગુજરાતમાં ગાંધીયુગ, પૃ. ૧૦૯)
  52. જેમ ગાંધીજીએ તેમ રવીન્દ્રનાથ ને શ્રીઅરવિંદે પણ ભારતીય સંસ્કૃતિના આત્માને પ્રગાઢપણે પિછાણ્યો હતો. આ યાદીમાં અનેક બીજાં નામ પણ ઉમેરી શકાય. ભારતીય સંસ્કૃતિના આત્માને પિછાણી, વિશ્વને તેનું સચોટ ને સરળ રીતે અભિજ્ઞાન કરાવનારાઓમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ને શ્રીઅરવિંદને ખાસ ગણવા પડે. ગાંધીજીએ વ્યવહારજીવનને માર્ગે, રવીન્દ્રનાથે કલાજીવનને માર્ગે, ને શ્રીઅરવિંદે અધ્યાત્મજીવનને માર્ગે આ મહાન અને રમણીય અભિજ્ઞાનવિધિનો ઉપક્રમ યોજી આપ્યો. ત્રણેયને કલા, અધ્યાત્મ ને વ્યવહારજીવન સાથે સૂક્ષ્મ સબળ સંબંધ હતો તે સુજ્ઞોને જણાવવાની ભાગ્યે જ જરૂર પડે.
  53. `Nehru on Gandhi', P. ૧૩૨.
  54. ``he has been what one may call a writers' writer. While he produced no creative work of his own, he inspired creativity on a scale surpassed by none. Some part of the best writing everywhere in India bears his counter-signature. There are certain substances known as catalytic agents; their mere presence helps the process of chemical fusion of other subatsnces in the crucible and something new is produced. Gandhi, no oreative artist (he lived in an aura of creative thought, but that was a different matter), brought about this catalysis in Indian literature, which gained in depth and dimension by his advent. – Bhavani Bhattacharya (Gandhi, the Writer, ૧૯૬૯, P. ૨૨૪)
  55. સુન્દરમ્ (કાવ્યમંગલા, ૧૯૬૪, પૃ. ૮૫).
  56. ઉમાશંકર (ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૪૩).
  57. ન્હાનાલાલનું ‘ઇન્દુકુમાર ભાગ–૧’(૧૯૪૩)માંનું “ધૂમકેતુનું ગીત” (પૃ. ૮૨-૩) અને સુન્દરમનું “ધૂમકેતુ” (કાવ્યમંગલા, ૧૯૬૪, પૃ. ૧૦૪) કાવ્ય સરખાવતાં બંને કવિઓના યુગભેદની લાક્ષણિકતાઓ તુરત જ દૃષ્ટિગોચર થશે. વસ્તુ પ્રત્યેનો અભિગમ, વસ્તુ રજૂ કરવાની રીતિ, વસ્તુ દ્વારા થતી ઉભય કવિઓની આશય-સિદ્ધિ સરખાવી જોવાથી – આ બંને કવિઓની – એ દ્વારા બે જમાનાઓની કવિતાની વિલક્ષણતાઓ સ્પષ્ટ રીતે નજર સમક્ષ તરી આવે છે.
  58. આનંદશંકર એક સ્થળે “ગાંધીજીની આત્મકથાના યુગમાં યુવકવર્ગ સત્ય – કડવાં અને દુ:ખદ સત્ય પણ – ડાહ્યાં અસત્ય કરતાં વધારે પસંદ કરે એમાં નવાઈ નથી.” એમ લખે છે. અહીં “ગાંધીજીની આત્મકથાના યુગમાં” શબ્દો ખાસ નોંધવા જેવા ગણાય. (સાહિત્યવિચાર, ૧૯૪૭, પૃ. ૫૧૦)
  59. જુઓ સુન્દરમ્કૃત ‘કાવ્યમંગલા’ (૧૯૬૪)માં “એકાંશ દે” (પૃ. ૧), “માનવી માનવ” (પૃ. ૮૫), “ધ્રુવપદ ક્યહીં ?” (પૃ. ૧૧૭) વગેરે કાવ્યો.
  60. જુઓ ‘અભિજ્ઞા’ ૧૯૬૭, પૃ. ૧૧-૧૪.
  61. જુઓ ‘તીર્થસલિલ’ ૧૯૪૬, પૃ. ૪૯-૮૬.
  62. મુનશી કહે છે : ``Mahatma Gandhi has given to Gujarati prose a new sense of power. (Gujarat and Its Literature, ૧૯૩૫, P. ૩૧૨)
  63. ૮૭. ‘વૃત્તવિવેચનમાં ગાંધીશૈલીએ સર્વતોમુખી ક્રાંતિ જગાડી.’ – રામચંદ્ર શુક્લ (ગુજરાતી સાહિત્ય – એનું મનન અને વિવેચન, પૃ. ૭૮)