ઉવેખાયેલી વાર્તાઓ/પરબત ચાગેલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પરબત ચાગેલો

ગામેતીના જુવાન દીકરાને સીમમાં સરપ કરડ્યો અને ગાડામાં ઘાલીને એને વાછડા ડાડાના થાનકે લઈ જતાં રસ્તામાં જ મરી ગયો, ત્યારે ગામ આખામાં કાળો કકળાટ ફેલાઈ ગયેલો. સાંજે વાળુપાણીથી પરવારીને અમે ઓસરીમાં બેઠા હતા ત્યારે નાનાકાકા, મોટાકાકા, બાપુજી, ફઈબા અને દાદાજી સુદ્ધાં - સૌની વાતચીતોનો વિષય એક જ હતો: સર્પદંશ અને મૃત્યુ. કેવા કેવા સરપ થાય છે, કેવી રીતે કરડે, ઝેર કેમ ઊતરે વગેરે પ્રશ્નોથી માંડીને માનતાઓ, ભૂવા-જતિ, જંતરમંતર, નજરબંધી અને જાદુગરી સુધીના પ્રશ્નો ચર્ચાઈ ગયા. દાદાજી પાસે, એમની લાંબી અવસ્થાને કારણે આ જાતના બનાવોની સ્મૃતિઓ બહોળા પ્રમાણમાં સંઘરાઈ રહી હતી. એમણે પોતાના સાંભરણના આવા સંખ્યાબંધ પ્રસંગો ટાંકી બતાવ્યા. સાચી બનેલી, સાંભળેલી કે કિંવદન્તી જેવી અલકમલકની અનેક વાતો એમણે કહી અને અમે રસપૂર્વક સાંભળી. ‘પણ મૂળું ખવાસને કરડ્યો એવો સરપ તો બાપના વેરીનેય ન કરડજો.’ હિંડોળા પર હીંચકતાં હીંચકતાં દાદાજીએ સર્પદંશથી નીપજેલા એક ખેડુના મૃત્યુની વાત પૂરી કરી કે તુરત એના અનુસંધાનમાં એમણે ઉપરનું વાક્ય ઉચ્ચાર્યું અને અમારું કુતૂહલ વધારી મૂક્યું. તુરત અમારી પૂછગાછ શરૂ થઈ ગઈ અને ઉત્તરમાં દાદાજીએ પોતાની સાંભરણની વાત કહી સંભળાવી: ‘એક વાર દરબારગઢમાં ગોદડવાળા દરબાર ડાયરો ભરીને બેઠા’તા. ગોદડવાળાનો ખાસદાર મૂળું ખવાસ સૌને ઠૂંગાપાણી પીરસતો’તો. ખોબે ને ખોબે કસૂંબા ઊડતા’તા. ‘એવે ટાણે એક વાદી સરપનો કરંડિયો લઈને આવી પૂગ્યો. મોટા જીવને રમાડવામાં આ વાદી આખા પંથકમાં પંકાય. માથે ભગવો ફેંટો, મોઢે લાંબી દાઢી, હાથમાં દાણિયા જડેલી મોરલી ને ખભે ટિંગાતી ફાંટમાં સરપનો કરંડિયો. મોટા મોટા મણિધરને મોરલી ઉપર રમાડે એવો હુશિયાર વાદી. એણે તો ડેલીમાં ઊભીને કીધું કે બાપુનો ને ડાયરાનો હુકમ હોય તો પીંગળા નાગને બે ઘડી રમાડી દેખાડું. બાપુને કસૂંબાનો અમલ ચડવા મંડ્યો હતો એટલે આનંદમાં આવીને વાદીને રજા આપી કે થાવા દે બે ઘડી.’ વાદીએ તો ઊભડક બેસીને કરંડિયાનું ઢાંકણું ઉઘાડ્યું. ઉઘાડ્યા ભેગો એમાંથી કાંડા જેવો જાડો ને આખો કરંડિયો રોકીને સૂતેલો પીંગળો નાગ ફૂં... કરતોકને બેઠો થયો. જોઈને ઘડીક તો ડાયરો પણ થડકી ગયો. પણ વાદીએ નાગની ફેણ ઉપર આછી થપાટ મારીને એને સરખો કર્યો. ‘નાગે તો મોટી થાળી જેવડી ફેણ ચડાવીને ડાયરાનાં માણસનાં મોઢાં જોવા માડ્યાં. વાદીએ કીધું: હજી નવો જ કરંડિયે ઘાલ્યો છે એટલે એને કાંધ નથી પડ્યું. કોકે પૂછ્યું, ‘ક્યાંથી પકડ્યો?’ વાદીએ કીધું કે મસાણિયે રાફડેથી. ‘નાગનો દેખાવ પણ એવો કે જોઈને ભલભલાની ફેં ફાટી જાય. ફેણ ફૂલે તંયે તાવડીએ નાખેલ મઢા રોટલા જેવડી મોટી લાગે, ફેણ વચાળે એક તિલક ને મોઢાને બેય પડખે ધોળી ધોળી મૂછ. કાકીડો ડાબે-જમણે ડોકું હલાવ્યા જ કરે એમ આ નાગ પણ પોતાની ફેણ ડાયરા આખા ઉપર ફેરવ્યા કરે.’ ‘નાગને ફેણ ફેરવતો જોઈને મૂળુ ખવાસ મૂંઝાણો. ડાયરા આખાની નજર તો મદારીની મોરલી અને નાગની ડોલતી ફેણ ઉપર હતી; પણ મૂળુની નજર નાગની આંખ ઉપર હતી.’ ‘બાપુ, હું જરાક બહાર જઈ આવું?’ મૂળુએ દરબારના કાનમાં કીધું. દરબાર ખીજાણા. બોલ્યા: ‘ગોલકીના, અટાણે બહાર જઈને કઈ હૂંડી વટાવવી છે તારે? બેઠો રહે ને, ગુંદર ચોપડીને!’ મૂળુ મૂંઝાતો મૂંઝાતો બેઠો રિયો પણ એનો જીવ ચપટીમાં હતો. પણ બાપુ રજા ન આપે ત્યાં લગણ ડેલી બહાર કેમ જવાય? ‘વાદીએ ભાર્યે સરસ રમત્ય જમાવી. ગલોફાં ફુલાવી ફુલાવીને મોરલી વગાડતો હતો ને પીંગળાને ડોલાવતો હતો, આખો ડાયરો આ જોવામાં મશગૂલ હતો. ફક્ત મૂળુ માટી મનમાં ને મનમાં ધ્રૂજતો હતો. ધ્રૂજ ન ખમાણી તંયે એણે ફરી વાર બાપુની રજા માગી: ‘મને ઘડીક બારો નીકળવા દિયો ને! અબ ઘડી પાછો આવતો રહીશ.’ પણ ગોદડવાળા એમ માને ખરા? બોલ્યા: ‘રાંડ ગોલકીના. બાર કયા તારા બાપનો ડાબલો દાડ્યો છે તે લેવા જાવું છે? ગુંદર ચોપડીને ચોંટ્યો રે નીકર ખાઈ બેસીશ મારા હાથની.’ ‘બાપુનું વેણ ઉથાપવાનું તો ખવાસનું ગજું ક્યાંથી હોય? પણ બેસવાનુંય એનું ગજું નહોતું. નાગની આંખ મારા ઉપર જ નોંધાણી છે એમ લાગતાં મૂળુના મનમાં સિયાવિયા થાવા મંડી. માટી ખરેખર મૂંઝાણો હતો. હવે તો કેમે કરીને મન હાથ ન રિયું એટલે લાજશરમ રાખ્યા વિના એણે તો સાચી બીક બાપુને કહી સાંભળાવી કે આ નાગની ટાંપ મારા ઉપર છે એટલે હું બીઉં છઉં. મને ઝટ ઉંબરો વળોટવા દિયો.’ ‘હવે બાપુ બરાબરના ખીજાણા: ‘રાંડ ગાલાવેલીના, તું એકલો કાંઈ ટીલું લઈને આવ્યો છો તી અમને સંધાયને મેલીને તને એકલાને જ તારો બાપ કરડવા આવશે? આવો બાઈ-માલી જેવો ફોશી ક્યાંથી પાક્યો?’ ‘મૂળુની વાત સાંભળી ડાયરામાંથી સૌએ બાપુ ભેગી ઠેકડી કરી. વાદીએ પણ કીધું કે એમ કરંડિયે નાખેલો જીવ કોઈને કરડતો હશે ખરો? ને એમાંય પાછો મારી મૂઠ ખાધેલો જીવ! એનું ગજુ નથી કરંડિયાની બહાર નીકળવાનું.’ ‘ઠેકડી પૂરી થયા પછી સૌએ મૂળુને ધરપત આપી કે આટલા બધા માણસની વચ્ચે બીવા જેવું હોય નહીં. વાદીએ પણ કીધું કે ‘કાંઈ થાય તો એની જોખમદારી મારે માથે. ઝપટ ભેગું ઝેર ઊતરી જાય એવી કરામતું મારી પાસે છે.’ ‘ઊભા થઈને બીકના માર્યા હાલવા માંડેલ મૂળુને સહુએ લોંઠાએ પાછો બેસાડ્યો ને વાદીએ ફરીથી રમત જમાવી. મૂળુ ખવાસ પણ મન કાઠું કરીને લાજશરમે બેઠો. હજીય નાગની નજર તો મારા ઉપર જ છે એમ લાગતાં બિચારાના પેટમાં તો શારડી ફરતી હતી, પણ હવે વધુ બોલીને બાપુને મોઢેથી મણમણની ગાળ ખાવા કરતાં બેઠા રહેવાનું જ એને ઠીક લાગ્યું.’ ‘વાદીએ પણ આજ દરબારને રાજી કરીને નામ લેવાની લાલચે નાગને બહુ રમાડ્યો. પોતે લુવારની ધમણ જેટલો હાંફી રિયો ત્યાં લગણ મોરલીના સૂર ચડાવ્યે રાખ્યા. ને જાણ્યું કે ડાયરો રાજી થઈગયો છે, પછી સૂર ઉતાર્યા. મોરલી ધીમે ધીમે ઉતારી ને નાગે સૂપડા જેવી ફેણ સંકેલી તંયે જ મૂળુનો જીવ જરાક હેઠો બેઠો.’ ‘ગોદડવાળાએ મૂળુને સંભળાવી: ‘એલા મૂળિયા, તું તો પાવૈયાને પેટે જલમ્યો લાગ છ. ઈ વન્યા મરી જાવાનાં મોળાં ઓસાણ આવત નઈ તને. મેં તો કીધું તું કે કોઈ તારો કાકો તને કરડવાનો નથી. ઠાલો થથરીને મરી ગયો! ને ડાયરાનુંય નાક કપાવ્યું.’ ‘મૂળુ મનમાં શરમાઈ રહ્યો. હજી એના પેટમાંથી બીકનો ફડકો શમ્યો નહોતો. મોરલી બાજુ પર મૂકતાં મદારીએ પણ મૂળુની મશ્કરી કરી લીધી. પછી કરંડિયા ઉપર ઢાંકવાનું ઢાંકણું ઉપાડ્યું. પણ આજે મૂળુનો કાળ માથે ભમતો હશે એ મિથ્યા કેમ થાય? કરંડિયા ઉપર હજી તો ઢાંકણું ઢંકાય છે ત્યાં જ ગોફણમાંથી કાંકરો વછૂટે એમ ઝપટ કરતુંકને કરંડિયામાંથી નાગનું ભોડું મૂળુ કોર વછૂટ્યું ને પગ ઉપર ડંખ દઈને પાછું કરંડિયામાં આવતું રિયું. બિચારા મૂળુની બીક સાચી પડી. ‘ડાયરામાં હાહાકાર થઈ ગયો. દરબારનો તો મિજાજ હાથથી ગયો. મદારીને કીધું કે તારું માથું વાઢીશ. ઝેર ઉતાર્ય, ને મૂળુને સાજો કર્ય; નીકર ડેલીમાંથી જીવતો નહીં જાવા દઉં.’ ‘મદારી પણ ભાર્યે ઉસ્તાદ હતો. આવડી આવરદામાં તો એણે આવાં કંઈક જનાવરને રમાડી નાખ્યાં હતાં. ઘણાંયનાં ઝેર ઉતારી જાણ્યાં હતાં. એણે દરબારને હિંમત આપી કે, ‘ગભરાશો મા. મારું માથું તમારા હાથમાં મેલું છું. હમણાં ઝપટ ભેગું ઝેર ઉતારી દઉં છું. ન ઊતરે તો તમારી તલવાર ને મારું માથું.’ ‘સરપ કરડ્યો ઈ ભેગા જ મૂળુની આંખના મોતિયા ભરી ગયા. પીંગળા નાગનું ઝેર ચડતાં વાર ન લાગી. કહે છે કે કાળો નાગ સારો પણ પીંગળો ભૂંડો. એનું ઝેર માણસનું તાળવું તરત ફાડી નાખે. મૂળુને પણ રગેરગમાં ઝેર પૂગી ગયું. ઠીકાઠીકનું ઘેન ચડ્યું ને આંખનાં પોપચાં ભીડાઈ ગયાં.’ ‘પણ વાદી એમ ગભરાય એવો નહોતો. સૌ ઘાંઘાં થઈ ગયા તો પણ વાદી તો વગર ચિન્તાએ બેઠો રહ્યો, એના મનમાં ધરપત હતી કે અબઘડીએ ઝેર ઉતારી નાખીશ.’ ‘ભાઈ, વાદીએ તો સરપને શરમાં બોલાવ્યો. ડાયરો તો જોઈ જ રિયો. મૂળુ ખવાસને મોઢેથી એણે સરપને બોલતો કર્યો પૂછ્યું: ‘એલા ઊતરી જા છ કે નહીં?’ સરપે કીધું: ‘નહીં ઊતરું.’ આમ હા-ના, હા-ના, ઘડીક વાર હાલી. પછી વાદીએ પૂછ્યું: ‘એલા તું છો કોણ?’ સરપ બોલ્યા: ‘હું પરબત ચાગેલો.’ ‘સાંભળીને ડાયરો ચમક્યો. ગોદડવાળા દરબાર પણ ડઘાઈ ગયા. આ શું? આ સરપ બોલે છે કે કોઈ માણસ? વાદીને જરાક નવાઈ લાગી. એણે પાકું કરવા ફરીથી પૂછ્યું ને ફરીથી પણ પરબત ચાગેલાનું નામ સંભળાણું.’ ‘બાપુએ ડાયરાને પૂછ્યું કે આ વળી કોણ? ડાયરામાં ગલઢા-બુઢ્ઢા બેઠા હતા એમણે યાદ કરીને કીધું કે પરબત ચાગેલો કરીને એક કણબી કંસારાવાડમાં રે’તો ખરો. પણ ઈ તો મરી ગયો. એના મરી ગયાનેય ઘણાં વરસ થઈ ગયાં. આ વાત સાંભળીને વાદીએ ફરી સરપને કીધું: ‘એલા તું તો કેદુનો મરી ગયો છો -’ સરપે જવાબ આપ્યો કે, ‘હું, મર્યો ભલે પણ કમોતે મર્યો છું. મરીને સરપ થયો છું.’ વાદીએ પૂછ્યું: ‘પણ આ મૂળુ ખવાસને શું કામ કરડ્યો?’ સરપે તરત જ કીધું કે, ‘એને કરડવા સારુ જ મેં સરપનું ખોળિયું લીધું છે.’ ‘ડાયરો તો ડઘાઈ ગયો, આ વળી ક્યાનું કૌતક? જાણકાર હતા એમણે યાદ કર્યું કે પરબત ચાગેલો એના ખેતરની વાવ્યમાં ખાબકીને મરી ગ્યો તો ખરો. પણ કેમ કરતાં વાવ્યમાં ખાબક્યો એની કોઈને ખબર નો’તી પડી. ‘પછી તો વાદીને ને સરપ વચ્ચે લાંબી વાતચીત હાલી. એમાંથી સંધીય વાતની સાચી ખબર પડી. એક વાર પરબત વાડીએથી અસૂરો ઘેરે આવ્યો તંયે પોતાની ધણીઆણીને ને મૂળું ખવાસને ઘરમાં એકલાં ભાળ્યાં. પરબતે મૂળુ હારે કજિયો કર્યો. પણ દરબારના ખવાસને કેમ કરીને પુગાય? કણબીની જાત્ય પારેવડા જેવી રાંકડી. પરબત તો બચાડો રોઈને ખૂણે બેઠો રિયો ને નિરાંતે દરબાર પાસે જઇને રાવ કરવાનું નક્કી કર્યું, પણ મૂળું ખવાસ ભારે શેતાન નીકળ્યો. બાપુ પાસે રાવ આવે તો તો પોતાનો રોટલો રઝળે એમ સમજીને એણે વહેલી પરોઢમાં જ પરબતની વાડીએ જઈને કોહ હાંકતા પરબતને વાવ્યમાં ફેંકી દીધો. ઈ કમોતે મરેલા કણબીએ જ આ પીંગળિયા નાગને ખોળિયે જલમ લીધો ને પોતાના વેરીને ડંખ દીધો.’ ‘ડાયરો તો ફાટી આંખ્યે મૂળુ ખવાસ સામે જોઈ રિયો. ગોદડવાળા બાપુ પણ ભોંઠા પડી ગયા. મદારી જેવા મદારીની મતિ મૂંઝાઈ ગઈ. હવે તો મૂળુ ખવાસ મર્યો જ જાણો. પણ મદારીને તો આમાં પોતાની આબરૂ જાતી લાગી. પોતાના વૈદાનું પાણી ઊતરતું લાગ્યું. એટલે એણે છેલ્લો કીમિયો અજમાવ્યો. પોતાના માથાબંધણાના ભગવામાંથી એક લાંબો લીરો ફાડીને મંતર્યો. પછી એણે સરપને છેલ્લી વારની ચેતવણી આપી: ‘ભલો થઈને હજી ઊતરી જા તો જીવતો રહીશ. નીકર આ ચીંથરું ચીરી નાખીશ, ઈ ભેગો તુંય ચિરાઈ જાઈશ.’ સરપે તો ચોખ્ખું સંભળાવી દીધું: ‘ભલે હું મરી જાઉં, પણ મરતો મરતોય મારા વેરી મૂળિયાને તો મારતો જ જઈશ.’ ‘ડાયરો તો હેબત ખાઈ ગયો, કોઈને કાંઈ બોલવાના હોશ ન રિયા. હવે શું થાય છે એની જ ચિંતામાં સૌ પડી ગયા. મદારીએ ફરીફરીને સરપને વિનવણી કરી જોઈ કે ભલો થઈને ઊતરી જા પણ પીંગળો તો વેર લેવા જ મૂળુ ખવાસને આભડ્યો’તો એટલે ઊતરે ક્યાંથી? અન્તે મદારીએ કાઠી છાતી કરીને ચીંથરું ઊતરડીને બે લીરા કરી નાખ્યા. કરંડિયામાં નાગના પણ એવા જ લીરા થઈ ગયા. ‘મૂળુ ખવાસનું તો ડિલ આખું લીલું કાચ પડી ગયું હતું. એના તાળવા લગી ઝેર પહોંચી ગયું હતું. એને પણ મરતાં બહુ વાર ન લાગી. આમ, પરબત ચાગેલો, પીંગળિયો નાગ થઈને મૂળુ ખવાસને ડંખ્યો. મદારીને હાથે પંડ્યે તો મર્યો, પણ પોતાના વેરીને મારતો ગયો.’ દાદાજીએ વાત પૂરી કરી.