ઉવેખાયેલી વાર્તાઓ/પોન્ટ્યાકનું પાછલું પૈડું
પોલીસપટેલ બપોરને ટાણે દરવાજાની દોઢીમાં કાથીનો ખાટલો ઢાળીને જરાક આડે પડખે થયા હતા, ત્યાં જ પછવાડેના વોકળાના ગરનાળામાં ભોં ભોં કરતુંકને ભૂંગળું વાગવા લાગ્યું અને માંડ માંડ આંખ મળી હતી ત્યાં ઝબકીને જાગી જવાયું. ઉઘાડે ડિલે જ ગરનાળા તરફ જઈને જોયું, તો કાદવની પાટમાં એક મોટર ત્રાંસી પડેલી દેખાણી. વધારે નજીક પહોંચતાં નંબરનું લાલરંગી પાટિયું પણ કળાણું. છેક મોટર પાસે પહોંચતાં ખબર પડી કે, રાજ્યના નાયબ દીવાન સાહેબની જ મોટર છે, અને દીવાન સાહેબનું કુટુમ્બ કચ્ચાં-બચ્ચાં સહિત ક્યાંક ગામતરે જઈ રહ્યું છે. શ્રાવણ મહિનાનાં સરવડાંને લીધે ગળનાળાના ખાડાનો કાદવ સુકાતો નહોતો, એટલું જ નહીં પણ એ કાદવમાં ને કાદવમાં દીમાં દસ વખત ગાડાંગડેરાંના ચીલા પડવાથી, બંદરની ખાડીમાં ડ્રેજરના સતત ચાલવાથી ઊંડાણ વધતું જાય એમ, આ કાદવપાટનું ઊંડાણ પણ વધતું ગયું હતું. પણ એ ગાડાંગડેરાંવાળાઓને તો એ કાદવપાટમાંથી પોતાની નૈયા પાર કરવા સારું પ્રભુએ બળદની પીઠ ઉપર સબોડવાનો પરોણો અને આઉમાં ઘોંચવાની આર પૂરી પાડી હતી. અરે, એ બેમાંથી એકેય આયુધ હાજર ન હોય તો પણ બળદનાં પૂછડાં ક્યાં ગામ ગયાં હોય છે? એ આમળીનેય આ કાદવપાટનો ભવસાગર તરી શકાય; પણ ગરીબની ઝૂંપડીમાં જે હોય છે, એ રાજાના મહેલમાં નથી હોતું: એ ‘સાચું સુખ’ના નિબંધમાં લખાતું સુભાષિત દીવાન સાહેબની બાબતમાંય સાચું પડ્યું. જે કાદવપાટને ગામખેડુઓ એક ખોખરા બડીકાની સહાયથી જ વટાવી જતા, એ જ કાદવપાટમાં દીવાન સાહેબની છેલ્લા મોડેલની મોંઘીદાટ પોન્ટ્યાક પણ નાકામિયાબ નીવડી. દીવાન સાહેબ અત્યારે દીવાન સાહેબ મટી ગયા હતા. હૅટ ઉતારીને બાબાને રમવા આપી હતી. ચાઈનાકાર્ડનો કોટ કાઢીને સંકેલી મૂક્યો હતો. ખમીસની બાંયો ચઢાવી લીધી હતી, ડ્રાઇવરની સાથે ખભો અડાડીને પાછલા પૈડાંને ખાડામાંથી ઊંચું લેવા મથી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને પહેલાં તો પોલીસપટેલ ડઘાઈ જ ગયા, પણ પછી તરત ફરજનું ભાન થતાં, દીવાન સાહેબની પડખે ઊભીને પૈડાને ખસેડવા લાગ્યા. દીવાન સાહેબ આ અણચિંતવી આવેલી મદદથી રાહત અનુભવી રહ્યા અને પોલીસપટેલના ગીચ રુવાંટીભર્યા ઉઘાડા ડિલ તરફ અહેસાનમંદ નજરે જોઈ રહ્યા. તરત તેમણે ડ્રાઇવરને ફારગ કર્યો અને સ્ટીઅર ઉપર બેસી, પ્રોપેલર ચાલુ કરવાનું સૂચવ્યું, જેથી પૈડું બહાર ખેંચાઈ આવે. ડ્રાઇવરે સ્વિચ ઓન કરીને, ધમમમ કરતુંક ને પ્રોપેલર ફેરવ્યું, પણ પાછલું પૈડું જરાય પ્રગતિશીલ બનવાને બદલે ખાડામાં જ ચક્કર ચક્કર ફરવા લાગ્યું. પૈડાના આરાએ ઝડપભેર ફરવાથી જે કાદવ કાપ્યો, એ બધો ઊડીને પોલીસપટેલ અને દીવાન સાહેબ ઉપર પડ્યો. પોલીસપટેલ તો કેમ જાણે ગુલાબજળનો છંટકાવ થયો હોય એમ આનંદી રહ્યા. દીવાન સાહેબ તેમના કાદવરંગ્યા પાટલૂન તરફ અમૂંઝણથી જોઈ રહ્યા. ડ્રાઇવરે વધારે જોરપૂર્વક પ્રોપેલર-સ્વિચ દાબી. પૈડું વધારે ઝડપથી ચક્કર ચક્કર આંટા લેવા લાગ્યું. પાટમાંથી વધારે ને વધારે કાદવફુવારા ઊડવા લાગ્યા. દીવાન સાહેબ હતાશ બની ગયા. સારું થયું કે પોલીસપટેલને રસ્તો સૂઝયો, તે ઝટ દેતાકને સામેના ખંડેરમાંથી થોડાંક મોટાં મોટાં રોડાં, ભાંગેલ કપચાં ને નાનામોટા ગાંગડિયા પાણકા વીણીને બધુંય પાછલા પૈડાની ઉન્મુખ ઠાલવ્યું. દીવાન સાહેબ ખુશ થયા અને ડ્રાઇવરને ફરી પ્રોપેલર ચાલુ કરવાની સૂચના આપી. પણ આ વખતે તો, પૈડાંની આગળના ભાગમાં ઠાંસોઠાંસ પૂરણ થવાને લીધે પૈડું ફરી ન શક્યું, એટલું જ નહીં પણ એક દોરા-વા પણ ચસ ન દીધો. દીવાન સાહેબ મૂંઝાણા અને એ મૂંઝવણમાં તેમનાં પત્નીએ વધારો કર્યો: ‘આના કરતાં તો રેલમાં બેસવું સાત થોકે સારું.’ ‘અરે ઈ તો ડગુ ડગુ કરતી હાલે.’ દીવાન સાહેબે કહ્યું. ‘ભલે ને! ધીમે હાલે તો એમાં ક્યાં આપણી પાસેથી ખાવા માગે છે?’ ‘ને ઠેઠ સમી સાંજે પહોંચાડે.’ ‘પણ આ તો અહીંયાં જ રાત પડશે.’ આ ટાઢો ટમકો દીવાન સાહેબથી સાંભળ્યો ન ગયો. પોલીસપટેલને પણ એણે ચાનક ચડાવી. રાજ્યના ઉચ્ચ હોદ્દેદારને રસ્તાની ખરાબીને લીધે આમ અંતરિયાળ રાત રોકાવું પડે, એમાં એમને આ ગામની નાનપ લાગી. આ અધવચના મુકામે બાળકોને અકળાવી મૂક્યાં, એટલે એમણે રોવા માંડ્યું. પોલીસપટેલને એક કામિયાબ નીવડે એવો તુક્કો સૂઝયો. તેમણે દોડતાંકને દરવાજેથી પસાયતાઓને હાક મારીને બોલાવ્યા અને ગામમાંથી કોશ, કોદાળી ને તગારાં મંગાવ્યાં. કોશ, કોદાળી ને તગારાં આવ્યાં, એટલે પસાયતાઓ અને પટેલે મળીને જે સપાટી ઉપર પાછળું પૈડું હતું, એ સપાટી પ્રમાણે આગળનો ભાગ ખોદવા માંડ્યો. જોતજોતામાં મોટર પાસે ગામનાં નાગડાં છોકરાં અને નવરા માણસોનું ખાસ્સું ટોળું જામી ગયું. થોડીક વારમાં જ પોલીસપટેલે પસાયતાઓની મદદથી કાદવપાટને આગળથી ખોદીને ખાડાને બદલે નીક જેવા ધોરિયામાં ફેરવી નાખી. દીવાન સાહેબના મોં ઉપરની તંગ રંખાઓ હવે હળવી થઈ. કચ્ચાંબચ્ચાંને ફરી ગાડીમાં ખડક્યાં ને ડ્રાઇવરે સ્ટીઅર હાથમાં લીધું. પ્રોપેલરના પહેલા જ ઘુઘવાટ ભેગું પાછલું પૈડું બહાર આવ્યું ને ખોદેલી નીકમાં સરરર પાણી કાપતું આગળ વધ્યું. રેવામાના પુલ ઉપર પહેલે જ દિવસે પહેલી પરથમ અગનગાડી ખોટકાઈ પડી અને ભૃગુભૂમિવાસીઓએ નાળિયેર વધેર્યા પછી એ ફરી ચાલવા માંડી, ત્યારે લોકોને જે આનંદ-આશ્ચર્ય થયાં હશે એવાં જ આનંદ-આશ્ચર્ય ખોટવાઈ પડેલી પોન્ટયાકનું પાછલું પૈડું ચાલતું થતાં ગામનાં માણસો અનુભવી રહ્યાં. કાદવમાં સ્નાન કરીને બહાર નીકળેલી પોન્ટયાક ગામના દરવાજા પાસે જઈને ખડી રહી, ત્યારે કૌમુદીમાં અંઘોળ કરી આવેલી ઇંદ્રલોકની અપ્સરા આ ભૂમિમાં ઊતરી હોય એમ ગામલોક અનુભવી રહ્યા. કણબીનાં છોકરાંઓએ ને કેટલાક પટેલિયાઓએ પોન્ટયાકને ઘેરી લીધી. પોલીસપટેલ અને પસાયતાઓ ગર્વભેર ફુલાતા ફુલાતા, કૈંક ઇનામની આશામાં દીવાન સાહેબ પાસે આવ્યા. દીવાન સાહેબ ખુશખુશાલ હતા. પસાયતાઓએ ધાર્યું કે... આ... હમણાં ‘પાટલા’ના ખિસ્સામાં હાથ ઘાલ્યો ને આ પાંચ રૂપિયાની નોટ ફેંકી... ‘તમારું નામ શું?’ સાહેબે પૂછ્યું: ‘નાનભા.’ ‘ને આ ભાઈઓ?-’ ‘આનું નામ રામસંગ, ને આ છે કાસમ.’ પોલીસપટેલે ઉત્સાહથી જવાબ આપ્યો. ‘સારું સારું.’ દીવાન સાહેબે સંતોષપૂર્વક કહ્યું, ‘તમે શો ધંધો કરો છો?’ ‘જી, સા’બ, હું તો ગામનો પોલીસપટેલ છું.’ ‘તમે પોલીસપટેલ છો?’ સાહેબે આશ્ચર્ય બતાવ્યું. ‘જી હા, સા’બ, ઈ તો રોંઢા ટાણે બવ ઘામ થાતા’તો એટલે દરેસ ઉતારીને જરાક લાંબો વાંહો કરવા સૂતો’તો-’ ‘હં, હં,’ કહીને દીવાન સાહેબે જરા આંખો પટપટાવી. પછી ખિસ્સામાંથી કાંઈક બહાર કાઢવા માટે અંદર હાથ નાખ્યો. પસાયતાઓ એ હાથ તરફ લોલુપ આંખે તાકી રહ્યા. સાહેબે એક નોંધપોથી કાઢીને આ ત્રણેય જણાનાં નામ લખી લીધાં અને બોલ્યા, ‘ડ્રાઇવર! જાને દો, બહોત દેર હો ગઈ હૈ.’ અને પસાયતાઓ અને પોલીસપટેલે સાહેબના ખિસ્સા ઉપર માંડેલી ટાંપ પાછી ખેંચી, ત્યારે ત્યાં ગામનાં ખસૂડિયેલ કૂતરાં ને છોકરાં ઊભાં હતાં. એક વેપારીએ કહ્યું: ‘પટેલ, તમારો નસીબો ઊઘડી ગયો સમજજો! દીવાન સાહેબ ત્રુઠમાન થવાના!’ પટેલ અને પસાયતાઓ ધન્યતા અનુભવી રહ્યા. દિવાસ્વપ્નમાં જ પટેલે પૂછ્યું: ‘નામ શું કામ નોંધી ગયા હશે?’ ‘ગરેડ વધારવો હશે.’ પેલા વેપારીએ સમજાવ્યું, ‘જિંદગી આખી તો પટલાઈ કરી, હવે હવાલદાર થાવાનો વારો નહીં આવે? દીવાન સાહેબ ત્રુઠમાન થયા છે! શું નું શું ન કરે? એની સત્તાની જ વાત રહી ને!’ પોલીસપટેલ પોતાના સૂકા-કાદવભર્યા ડિલ ઉપર હવાલદારનો ડ્રેસ અને પટ્ટી કલ્પી રહ્યા. પોલીસપટેલે દીવાન સાહેબની ખરે ટાણે કરેલી સેવાની વાત ગામ આખામાં પહોંચી ગઈ, અને તેમના ગ્રેડ વધવાની વાત પણ સહુએ સત્તાવાર કરવા માંડી. હવે હવાલદારના ડ્રેસ-પટ્ટાની તથા તે અંગેના હુકમની જ રાહ જોવાવા લાગી. અને સાચે જ, એક દિવસ રાજ્યનો ઘોડેસવાર આવીને, એક પીળું પતાકડું આપી ગયો. પોલીસપટેલ હરખાતા એ પતાકડું લઈને હવાલદારીની ભવિષ્ણવાણી ભાખનાર વેપારીને ત્યાં વંચાવવા ગયા. વેપારીએ એ લખાણનો સાર કહી સંભળાવ્યો: ‘ગામ ગાધડકાના પોલીસપટેલનો ફરજ ઉપરથી દૂર થઈને મોટર બહાર કાઢવામાં બે કલાક બગાડવા માટે દંડ રૂપિયા પાંચ, તેમ જ તેમના હાથ નીચેના પસાયતાઓને તેમની ફરજ ઉપરથી મજકૂર મોટરવાળી જગ્યાએ બોલાવી લાવવા બદલ દંડ રૂપિયા પાંચ તથા પસાયતાઓએ તેમની ફરજ ઉપરથી દૂર થઈને -’ ‘બસ, બસ, બસ! બહુ થ્યું! હવે નથી સાંભળવું’ પટેલે વેપારીને આગળ વાંચતો બંધ કરી દીધો.