ઉવેખાયેલી વાર્તાઓ/મોંઘી કોળણની કથની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોંઘી કોળણની કથની

ઘણા દિવસો પછી હું રેણુકાબહેનને મળવા જઈ શક્યો. આમ તો હું અને રેણુકાબહેન છેક પ્રાથમિક શાળાથી સહાધ્યાયી હતાં, પણ કૉલેજ છોડ્યા પછી રેણુકાબહેને સાહિત્યક્ષેત્રમાં ઝુકાવ્યું અને લબ્ધપ્રતિષ્ઠ વાર્તાકાર થયાં અને હું માનસશાસ્ત્રના અભ્યાસમાં એવો તો અટવાઈ ગયો કે સાહિત્યક્ષેત્રનો સંપર્ક સમૂળગો ગુમાવી બેઠો. ત્યાર પછી મારે ને રેણુકાબહેનને મળવાનું બહુ ઓછું થઈ ગયું. દરમિયાનમાં તેમણે તો સંખ્યાબંધ વાર્તાસંગ્રહો અને નવલકથાઓનું સર્જન કરી નાખ્યું હતું. પહેલો જ પ્રશ્ન મેં પૂછ્યો: ‘હમણાં શાની વાર્તા લખો છો, રેણુકાબહેન?’ ‘હમણાં હું એક નવલિકા પર કામ કરી રહી છું. તું ઠીક આજે તાકડે જ આવી ચડ્યો. મારે એ કથાના વસ્તુ અંગે તારી સાથે થોડી ચર્ચા કરવાની હતી. તારો અભિપ્રાય મારે જાણવો છે. મને એ ઉપયોગી થશે.’ ‘વાર્તા અને નવલકથાની બાબતમાં હું શું સમજું? મારા ક્ષેત્રની બહારનો એ વિષય છે.’ મેં કહ્યું. ‘હું તો સવારથી સાંજ સુધી મારા ‘કિલનિક’માં દટાઈ પડ્યો છું. દર્દીઓના માનસિક રોગો અને બીમારીઓ સિવાય બીજું કાંઈ ન જાણું. લાંબી વાર્તા અને નવલકથા વચ્ચેનો તાત્ત્વિક ફરક પણ તમે તે દિવસે સમજાવ્યો ત્યારે જ હું જાણી શક્યો. સાહિત્યનું મારું જ્ઞાન ઊઠાં સુધીનુંય ન કહેવાય.’ ‘ના, પણ આ વાર્તાનું મંડાણ જ આખું એક પાત્રના મનોવિશ્લેષણ ઉપર થયું છે.’ રેણુકાબહેન બોલ્યાં. ‘એક આ ‘મનોવિશ્લેષણ’ શબ્દે હમણાં હમણાં ભારે ઉપાડો લીધો છે. કોઈ લેખકની વાર્તામાં હિંગનોય હડાકો ન હોય અને માત્ર હવામાં જ બાચકા ભર્યા હોય ત્યારે એના વસ્તુદારિદ્ર્યને જ બિરદાવવા માટે મનોવિશ્લેષણ શબ્દ સારી સેવા આપે છે.’ રેણુકાબહેન જરા ગુસ્સે થયાં. બોલ્યાં: ‘એટલે તું એમ કહેવા માગે છે કે મનોવિશ્લેષણનો ઇજારો તમે ‘મેન્ટલ કિલનિક’ વાળાઓએ જ સુવાંગ રાખ્યો છે અને વાર્તાકારોને તો -’ ‘ના, ના, ના, એમ મેં ક્યારે કીધું? હું તો એમ કહું છું કે મનોવિજ્ઞાનનો કક્કો-બારાખડીય ઘૂંટ્યા વિના કે મનોવિશ્લેષણની સાચી જોડણી પણ શીખ્યા વિના તમારા વાર્તાકારો મનોવિશ્લેષણ કરવા હાલી નીકળ્યા છે. આ વહરું લેભાગુપણું જોઈને એમનું પોતાનું જ મનોવિશ્લેષણ કરવાનું મને ઘણી વાર મન થઈ આવે છે.’ ‘આ તારી નાનપણની વાયડાઈ હજી નથી ગઈ. તારે મન તો કોઈ વસ્તુ સારી જ નથી.’ રેણુકાબહેન ચિડાયાં. ‘સારાનરસાની વાત નથી. હું તો ગુજરાતના ગાંડપણ ઉપર હસું છું. ગુજરાત પાસે મૂલ્યાંકનના કોઈ ગજ-માપ જ નથી! નર્યું ગાડરિયું માનસ જ છે! એકાદબે હાલીમવાલીએ મનોવિશ્લેષણનો વાંસો થાબડ્યો એટલે બસ, તૂત ચાલ્યું. નૂરભાઈ, જમાલભાઈ, સૌ પોતાની પિપૂડી એ નાદમાં વગાડવાના...’ ‘એટલે તું એમ કહેવા માગે છે કે મનોવિશ્લેષણની વાર્તાઓ લખાવી ન જોઈએ?’ રેણુકાબહેને બીજો પ્રશ્ન કર્યો. ‘એમ તો કોઈ ચક્રમ પણ નહીં કહે. મારા કહેવાનો આશય તો એટલો જ છે કે તમારાં પાત્રોનાં મનોવિશ્લેષણ કરતાં પહેલાં કોઈ વાર સાચાં - જીવતાંજાગતાં - માણસોનાં મનોગત જાણ્યાં છે? ખાલી મનના બુટ્ટાઓની કલ્પનાની હવા ફૂંકી ફૂંકીને ફુગ્ગાઓ બનાવો છો. એને અને જીવતીજાગતી ધબકતી દુનિયાને શો સંબંધ છે એ જાણવાનો પ્રયત્ન કદી કર્યો છે? કે પછી બધાં પોથી માયલાં જ રીંગણાં?’ ‘પણ એટલા માટે જ તો આ વાર્તા માટે હું તારો અભિપ્રાય જાણવા માગું છું.’ રેણુકાબહેનના અવાજમાં હવે નરમાશ આવી. • રેણુકાબહેનના પતિ અનિલકુમાર પણ એક અચ્છા આદમી હતા. તેઓ બન્ને પરણ્યાં એ પહેલાં તો અનિલકુમારનો મને બહુ પરિચય નહોતો, પણ થોડાં વર્ષથી હું રેણુકાબહેન દ્વારા અનિલકુમારને પણ સારી પેઠે ઓળખતો થયો હતો. મનોવિશ્લેષણ વિશેની અમારી ચર્ચા સાંભળીને એમને પણ રેણુકાબહેનની વાર્તાનું વસ્તુ જાણવાનું મન થયું. ‘પેલી મોંઘી કોળણના જીવનમાંથી મેં આ વાર્તાનું વસ્તુ ઉપાડ્યું છે.’ રેણુકાબહેન બોલ્યાં. અને પછી થોડી વારે તેમના પતિને ઉદ્દેશીને ઉમેર્યું: ‘અનિલ, તું મોંઘીને ઓળખે છે, ખરું?’ આ પ્રશ્ન પૂછતી વખતે રેણુકાબહેન જાણે કે અનિલકુમારને આરોપી ઠરાવતાં હોય એવી એમના ચહેરા ઉપર રેખાઓ હતી. ‘હા, પેલી મોંઘી! એના બધા જ પતિઓને મારી નાખતી એ જ ને?’ અનિલકુમારે પૂછ્યું. ‘હા, એ જ મોંઘી.’ રેણુકાબહેને કહ્યું, ‘પણ એ પોતાના ધણીઓને હાથે કરીને મારી ન નાખતી, પણ તેઓ એમની મેળે જ મરી જતા.’ ‘એના કેટલા પતિઓ મરી ગયા?’ મેં પૂછ્યું. ‘ચાર.’ ‘ચાર પતિદેવો મરી ગયા? આ તો ખરેખર કોઈ સુંદર નવલકથાનું વસ્તુ બની શકે.’ ‘અરે! અદ્ભુત નવલકથા બનશે.’ ‘મોંઘી કોળણ આમ તો બહુ મઝાની સ્ત્રી ગણાય.’ રેણુકાબહેને કહ્યું. ‘માત્ર બિચારી હીણા ભાગ્યની જ.’ અનિલકુમારે દયા ખાધી. ‘ના, ના, મોંઘી ખરેખર મઝાની સ્ત્રી છે. ઘરરખ્ખુ ગૃહિણી બનીને માતા બનવાના બધા જ ગુણો મોંઘીમાં છે.’ રેણુકાબહેને મોંઘીનો મુકદ્દમો મજબૂત કરવા માંડ્યો. ‘તે શું એને બાળકો પણ નથી?’ મેં પૂછ્યું. ‘ના, એને બાળકો ન થઈ શક્યાં.’ મેં કહ્યું: ‘બાળકો ન થવા માટે ઘણી વખત પતિ જ જવાબદાર હોય છે. પતિમાં જ કાંઈક ખોડ -’ ‘હા, એ વાત તારી સાચી, પણ ચારેય પતિઓમાં ખોડ હશે એમ શા માટે માનો છે?’ અનિલકુમારે કહ્યું. ‘એ ગમે તેમ હોય,’ મેં કહ્યું: ‘તમે તમારે વાત આગળ ચલાવો.’ ‘હવે મોંઘી ફરી પાછી પરણી છે. આ તેનો પાંચમી વખતનો ઘરસંસાર છે. એનો પાંચમો ઘરસંસાર એને કેવોક લાગતો હશે એને વિચારે હું ચડી ગઈ, અને એમાંથી જ આ કથાનું વસ્તુ સૂઝયું.’ ‘એની ઉંમર કેટલી છે?’ મેં પૂછ્યું. ‘આશરે ચાળીસ. એ પહેલી વાર પરણી ત્યારે તો એની ઉંમર બહુ નાની હતી. ત્યારે તો એ ભાગ્યે જ પંદર વરસની હશે.’ મને આ કિસ્સો જરા કઢંગો લાગ્યો. પૂછ્યું: ‘દરેક પતિને ભાગે કેટકેટલાં વરસ આવ્યાં હશે?’ રેણુકાબહેનની આંખો મારા ઉપર કતરાતી હતી છતાં હું ઝડપભેર બોલ્યે ગયો: ‘આ આખીય એક માનસશાસ્ત્રીય વાર્તા છે. માણસના માનવામાં ન આવી શકે એવી આ વાર્તા છે. હવે જો દરેક પતિને ભાગે આવેલાં વર્ષોની સંખ્યા સરખી જ હોય -’ ‘અને એ સરખી જ છે!’ ‘તો તો આ વાર્તા જરાય સાચી માની નહીં શકાય. એક પતિ મરી ગયા પછી બીજા સાથે પરણતાં પહેલાં વચગાળે કેટલો સમય પસાર થયો હશે?’ ‘બહુ ઝાઝો સમય પસાર થતો જ નહીં.’ અનિલકુમારે કહ્યું, ‘એ તો નવા ધણીની તલાશમાં જ રહેતી.’ ‘એ વાત સાથે મારે નિસબત નથી.’ રેણુકાબહેને કહ્યું: ‘અત્યારે એને શું થતું હશે - એના પાંચમાં પતિ પ્રત્યે એનું વલણ કેવું હશે, એમાં જ મને રસ છે. આ વાર્તાનું હાર્દ આ છે. આ વાર્તા પાંચમા પતિથી શરૂ થાય છે. પાંચમા લગ્નમાં હવે શું બને છે એ જ આ કથાનો કેન્દ્રવર્તી મુદ્દો છે.’ મેં કહ્યું: ‘પણ મોંઘીનો પાંચમો પતિ મોંઘી માટે શું ધારે છે, મોંઘી પ્રત્યે એનું વલણ કેવું છે, એ જાણવા હું ઇંતેજાર છું.’ ‘હા, એ તમારી વાત સાચી છે. આ કથાને મોંઘીની કથાને બદલે મોંઘીના વરની કથા પણ બનાવી શકાય.’ રેણુકાબહેને પણ કબૂલ કર્યું. ‘એના પતિની ઉંમર કેટલી છે?’ ‘એ પણ ચાળીસેકની આસપાસ છે.’ ‘ત્યારે તો આજકાલ આપણી સુધરેલી છોકરીઓ પોતાનાથી નાની ઉંમરના પતિદેવો ગોતે છે, એના જેવું તો મોંઘીએ નથી કર્યું ને?’ મેં પૂછ્યું. ‘ના, એમ છતાં એનો એક પતિ એનાથી નાની ઉંમરનો હતો ખરો. પણ એમાં મોંઘીનો કશો વાંક નહોતો.’ રેણુકાબહેને સ્ફોટ કર્યો. ‘આ પાંચમો ધણી કાંઈ હોશિયાર છે ખરો?’ મેં પૂછ્યું. ‘એ, આ અનિલ જેવો જ છે.’ રેણુકાબહેને પોતાના પતિ તરફ આંખ ફેરવીને કહ્યું. મેં રેણુકાબહેનને કહ્યું: ‘તમે મને મોંઘી વિશે વધારે માહિતી આપો. એ બહુ રૂપાળી હોવી જોઈએ.’ ‘દેખાવડી તો કહી શકાય. જેને માટે આખો મનખાદેહ તલસે છે, એવી એ પ્રેમાળ, વત્સલ માતા છે; ડિલમાં જરા કદાવર છે, છતાં કદરૂપી નથી લાગતી. તંદુરસ્તી ઘણી જ સારી છે, ને વાન પણ ઊજળો કહી શકાય.’ ‘હોશિયાર કેવીક?’ ‘ઠીક ઠીક કહી શકાય.’ મેં હળવેકથી પૂછ્યું: ‘એણે એના ચારેય ધણીઓને ઝેર આપીને નથી મારી નાખ્યા એમ ખાતરીપૂર્વક કહી શકશો?’ રેણુકાબહેનની કાળીભમ્મર આંખો ચમકી ઊઠી: ‘એણે પોતાના પતિઓને ઝેર નથી જ આપ્યું. ઓછામાં ઓછું, મારી વાર્તામાં તો એ નથી જ આપતી.’ મેં અનિલકુમાર તરફ ફરીને પૂછ્યું: ‘તમે આ મોંઘીને કેવીક ઓળખો છો?’ ‘મેં એને ઘણી વાર જોઈ છે.’ ‘તમે માનો છો કે એ પોતાના પતિઓને ઝેર આપી શકે?’ ‘નહીં, નહીં!’ અનિલકુમાર બરાડી ઊઠ્યા: ‘ઝેરબેરની વાત તદ્દન વાહિયાત.’ ‘બહુ સારું,’ મેં કહ્યું, ‘મને ચાનો એક વધારે કપ આપી દો એટલે હું આગળ વધું.’ • અમે કડક, ઉકાળેલી ચાના બબ્બે પ્યાલા ઢીંચી લીધા. અનિલકુમારે તો એમની આદત પ્રમાણે બીઅરના બાટલામાંથી પણ થોડુંક ઓછું કર્યું. એની અસર એમની આંખમાં ચોખ્ખી વરતાવા લાગી. આ મોંઘીનું ચિત્ર હવે મારી આંખ સમક્ષ ખડું થયું હતું. એ મને સર્વસાધારણ, પ્રેમાળ ને ઘરરખ્ખુ સ્ત્રી લાગતી હતી. એના આગલા ચાર પતિઓ પણ સર્વસામાન્ય આદમીઓ લાગ્યા. એમાંનો એક તો મોટર-ખટારાના અકસ્માતમાં મરી ગયો હતો. એકને, કહે છે કે, ઘાસણી થઈ હતી. ત્રીજો એક કૉલેરામાં ચાલ્યો ગયો હતો. મોંઘીનો ચોથો ધણી શી રીતે ગુજરી ગયો હતો એ હજી રેણુકાબહેનના જાણવામાં નથી આવ્યું, પણ કોઈ સામાન્ય રોગમાં ગુજરી ગયો હશે એમ માની શકાય. મેં કુતૂહલપૂર્વક પૂછ્યું: ‘મોંઘીથી નાની ઉંમરનો જે એક પતિ હતો, એને વિશે કાંઈ વધારે કહી શકશો?’ ‘એનું ખૂન થયું હતું.’ અનિલકુમારે કહ્યું, ‘એણે ખૂબ ઢીંચ્યો હતો ત્યારે એનું ખૂન થયું હતું.’ ‘ખૂન થતી વખતે મોંઘી હાજર હતી?’ મેં પૂછ્યું. ‘ના.’ ‘વારુ, તો પછી હું માની લઉં છું કે મોંઘીએ તો એના એક પણ ધણીને હાથે કરીને માર્યો નથી. આ વાર્તામાં તમે મોંઘીના આગલા ચાર પતિઓ સાથેનું જીવન ચીતરવાનાં છો?’ ‘એમનાં તો આછાંપાતળાં રેખાચિત્રો જ આવી શકશે.’ રેણુકાબહેને કહ્યું, ‘એમની બહુ અગત્ય પણ નથી. બહુ ઝાઝી વિગતોને અવકાશ નથી.’ ‘તમારે મન ભલે એ ચાર પતિઓની બહુ અગત્ય ન હોય, પણ મોંઘીના જીવનમાં તો ચાર ચાર ધણીઓ એટલે કાંઈ જેવીતેવી વાત ન કહેવાય. એ ચારમાં કયા ધણી સાથે મોંઘીને વધારે બનતું? અને એ શા કારણથી?’ ‘એને તો સૌ સાથે સારું બનતું.’ અનિલકુમારે કહ્યું, ‘મોંઘીનો સ્વભાવ જ એવો છે કે એને સૌ સાથે બને!’ રેણુકાબહેને અધીરાઈથી વચ્ચે કહ્યું: ‘પણ આ વાર્તા તો પાંચમા લગ્ન અંગેની જ છે.’ ‘હા સ્તો!’ અનિલકુમારે એમની કાચની પ્લાલીને ટેબર ઉપર ઠબકારતાં કહ્યું, ‘આ સાલ્લા, પાંચમાનું હવે શું થશે? એ પણ મરશે કે શું?’ ‘આ પાંચમો પણ મરી જશે?’ રેણુકાબહેને ગભરાઈ જઈને પૂછ્યું, ‘એ મરી જાય એ મોંઘી ઇચ્છશે ખરી?’ ‘ના, હમણાં તુરત તો એમ નહીં ઇચ્છે. હજી પાંચછ વર્ષ પછી.’ ‘પણ પાંચછ વર્ષ વીતી જાય પછી મોંઘીની લાગણીઓ કઈ જાતની હશે? એને ભય નહીં લાગે કે હું ફરી પાછી પાંચમી વાર રંડાઈશ?’ અનિલકુમારે વચ્ચે કંટાળીને કહ્યું: ‘રેણુકા આ વાર્તાલેખનનો ભારે ખરાબ ધંધો લઈને બેઠી છે. માણસો પોતાની મેળે પરણે અને રાંડે એથી એને સંતોષ નથી થતો. મરવું કે ન મરવું એ પણ એક કોયડો થઈ પડ્યો છે.’ મેં કહ્યું: ‘મને તો મોંઘીના આ પાંચમા પતિની બહુ દયા આવે છે. એનું નામ શું ભલા?’ ‘છીતો.’ અનિલકુમારે કહ્યું. ‘માની લો, રેણુકાબહેન! કે તમે આ છીતાને નેવું વરસ લગી જિવાડો; તો તમારી વાર્તા કાંઈ બગડી જશે?’ ‘ના, પણ મારે તો હવે એક લાંબી નવલકથા જ રચવી છે. કદાચ એક ભાગમાં એ પૂરી ન પણ થઈ શકે. ‘સરસ્વતીચંદ્ર’ જેવું મહાપુરાણ જ બનાવવું છે.’ ‘જયલાલ!તું હજી રેણુકાને ઓળખતો નથી.’ અનિલકુમારે મારી હડપચી આમતેમ હલબલાવીને કહ્યું, ‘સરસ્વતીચંદ્ર જેવી નવલકથા રચવા માટે એ છીતાને મારી નાખતાં પણ જરાય વિચાર કરે એવી નથી!’ રેણુકાબહેન ધ્રૂજી ઊઠ્યાં. અનિલકુમારને મન એની કોડીનીય કિંમત નહોતી. ‘જયલાલ! તેં નાનપણમાં મનોવિશ્લેષણના ઘણા પ્રયોગો કર્યા હતા. હવે તારા ‘મેન્ટલ કિલનિક’માં પણ તને માનસશાસ્ત્રનો પ્રત્યક્ષ અભ્યાસ સારો થતો હશે. આ મોંઘીની વાર્તા તું પોતે લખે તો કેવી રીતે લખે?’ રેણુકાબહેને મને પૂછ્યું. ‘હું ગંભીરતાથી જ કહું ને?’ ‘હા, જો તું ગંભીર થઈ શકતો હોય તો.’ આટલું કહેતી વખતે રેણુકાબહેનની કાળીબોઝ આંખોમાં ઘેરો વિષાદ દેખાતો હતો: ‘પતિઓની સામુદાયિક કતલથી તારો અહમ્ ન ઘવાય એ જોજે. આવું જોરદાર કથાવસ્તુ કોઈ રશિયન કે ફ્રેન્ચ કલાસ્વામીના હાથમાં આવ્યું હોય તો -’ ‘વારું.’ મેં કહ્યું, ‘આ મોંઘી એક તંદુરસ્ત, દેખાવડી, પુત્રવત્સલ છતાં બાળકો વગરની નિ:સંતાન સ્ત્રી છે. એના લગ્નજીવન દરમિયાન એને બીજા કોઈ સાથે સંબંધ હતો?’ ‘હું એ કલ્પી શકું છું ખરી.’ રેણુકાબહેને કહ્યું. ‘માનસશાસ્ત્રમાં આવી ગ્રંથિઓ અને ‘કોમ્પ્લેકસીઝ’ આવે છે. હું આવી સ્ત્રીઓને ઓળખું છું પણ ખરો. તેઓ પોતે જ ગુનાહીત હોય છે એમ નહીં, પણ એમની વણપોષાયેલી રહેલી માતૃત્વની લાગણીઓ એમને ગુના તરફ ધકેલે છે. જો મોંઘીનું વર્તન નાનપણથી જ આ પ્રકારનું હોય તો તો એના આટલા બધા પતિઓ મરી ગયા પછી એ સ્વભાવ વધારે પ્રમાણમાં...’ ‘ના, એનું પરિણામ ઊલટું પણ આવી શકે.’ રેણુકાબહેને કહ્યું. ‘તમારા જેવી સ્ત્રીના કિસ્સામાં કદાચ એમ બને.’ મેં કહ્યું. આ ટીકા મેં સાવ નિખાલસ ભાવે કરી હતી, પણ હું જોઈ શક્યો કે રેણુકાબહેનનો શ્વાસ અધ્ધર થઈ ગયો. અનિલકુમાર બારી પાસે જઈને શેરીમાંના ભિખારીઓ તરફ જોઈ રહ્યા હતા. ‘આ વાર્તામાં તમે મોંઘીના પાંચમા પતિ પ્રત્યેનું વલણ ચીતરવા માગો છો. મોંઘી એના છેલ્લા ધણી છીતા પ્રત્યે એટલો બધો પ્રેમ બતાવે છે કે છીતો એ પ્રેમથી જ મરી જાય?’ મેં પૂછ્યું. ‘શા માટે?’ ‘બીજું એ કરી પણ શું શકે?’ ‘મને શી ખબર?’ ‘મોંઘી ઇચ્છતી હશે કે છીતો મરી જાય. છીતાના મૃત્યુની એ રાહ જોતી હશે.’ આટલું સાંભળતાં રેણુકાબહેન ડઘાઈ ગયાં. એમણે હાથ ઊંચો કરીને વાળ સમાર્યા. પછી કંપતે સ્વરે બોલ્યાં: ‘જયલાલ! તું આવું આવું ભયંકર શા માટે બોલે છે?’ ‘એમાં હું કાંઈ જ નથી બોલતો. એ તો માનસશાસ્ત્રના નિયમો બોલે છે. એ એના પાંચમા ધણીના મૃત્યુની રાહ જોતી હશે. એના ચાર પતિ ગુજરી જવાથી, એને પોતાના પતિ પ્રત્યે એક જાતનું બેતમાપણું કેળવાયું હોય એ માનસશાસ્ત્રની અજ્ઞાત ક્રિયાપ્રક્રિયાઓમાંની એક છે. આ પછી પાંચમા ધણીનું મૃત્યુ પણ અનિવાર્ય જ છે, એમ એ માનતી થઈ જાય. મૃત્યુ એ એના જીવનમાં એક અત્યંત સામાન્ય ઘટના બની જાય છે. તમને પોતાને શું લાગે છે?’ મેં પૂછ્યું. ‘તું વાત કરે છે એ મને સાંભળવી ગમે છે.’ રેણુકાબહેને કહ્યું, ‘આગળ ચલાવ.’ મેં કહ્યું: ‘એ શક્યતા આપણે સ્વીકારીએ તો જાગ્રત રીતે, સભાનપણે તો મોંઘી એના પતિનું મૃત્યુ ઇચ્છે જ નહીં, પણ અજાગ્રત - અભાન રીતે એ મૃત્યુ યોજી શકે. બધા જ પતિ મરી ગયા એટલે આ પણ મરી જ જવાનો, એમ એને થોડાં વર્ષ પછી લાગવા માંડશે. મોંઘી માટે આ જીવન અત્યંત કરુણ છે, પણ એ હિમ્મતબાજ અને આત્મભોગ આપનાર સ્ત્રી છે. એ કદી કશા પણ અનિષ્ટ સામે ફરિયાદ નહીં કરે. કારુણ્યમાં જ જીવન જીવવાની એને ટેવ પડી ગઈ છે. આ એના જીવનનો મર્મ છે. અને જે ધણી મોંઘીના મૃત્યુ પછી પણ જીવતો રહે એ ધણી સાથે મોંઘીના જીવનનો મેળ મળે જ નહીં!’ સાંભળીને રેણુકાબહેન મૂંગાં થઈ ગયાં. મેં આગળ ચલાવ્યું: ‘હું એક સ્ત્રીને ઓળખું છું; એના બધાં જ બાળકો મરી જતાં. એક પછી એક બધાં જ બાળકો બાળપણમાં જ ચાલ્યાં ગયાં. ચાર કે પાંચ બાળકો આ રીતે ગુજરી ગયાં પછી એ સ્ત્રી એક ભયંકર કારુણ્યમૂર્તિ ગણાવા લાગી. એના પ્રત્યે લોકો એટલી તો દિલસોજી અને અનુકમ્પા બતાવવા લાગ્યા કે એનાં બાળકો ઊછર્યાં હોત તો એને એ દિલસોજી કે અનુકમ્પામાંનું કાંઈ જ ન મળ્યું હોત. વાસ્તવમાં એ એટલી હદે પહોંચી હતી કે હવે પછી આવનારું બાળક પણ મરી જ જશે એમ એને ખાતરી થઈ જવા લાગી - કહો કે એને મનમાં એવું ઊગી આવતું.’ ‘એને છોકરું જન્મે કે તુરત એ બાળકમાં માંદગીનાં ચિહ્નો શોધવા મંડી પડતી. બાળકને નખમાંય રોગ ન હોય તો પણ એ અનેક ભયંકર રોગો કલ્પીને એની સારસંભાળ કરવા લાગી પડતી અને પડોશણો સાથે રસપૂર્વક એ ભયાનક વ્યાધિઓની ચર્ચા કરતી. આ સ્ત્રી ગામ આખાની દયા અને કરુણાનું પાત્ર બની ગઈ. કમભાગ્ય પણ સદ્ભાગ્ય બની શકે છે ને!’ ‘હવે માની લો કે, પાંચ બાળકો આ રીતે મરી ગયાં પછી છઠ્ઠું બાળક જીવતું રહ્યું હોત તો એ માતાને જ્ઞાનતંતુઓનો હુમલો થતાં ગાડી જ થઈ જાત. તો પછી આડોશીપાડોશીઓ એના પ્રત્યે દયા અને અનુકમ્પા દાખવતાં બંધ થઈ જાત અને એનું જીવન કડવું ઝેર થઈ પડત. લાગણીનું દેવાળું કાઢી ચૂક્યા પછી ખોટે છેડેથી ફરી જિંદગી શરૂ કર્યા જેવું એ બાળકની માતા માટે બનત. એકાદબે બાળક જીવતાં રહી મોટાં થવા પામ્યાં હોત તો આ સ્ત્રી ચક્રમ થઈ જાત.’ ‘રેણુકાબહેન! કોઈ આપણી સારસંભાળ લે, આપણા પ્રત્યે દિલસોજી દાખવે, એને માટે આપણે આકાશપાતાળ એક કરીએ છીએ. એ વસ્તુની જ આપણને ભૂખ છે. એ માટે એકાદી આફતને પણ હસતે મોંએ આવકારી લઈએ છીએ. અપંગ માણસનું આ માનસ છે, જે એની જમાતમાં સૌથી બહાદુર અને ચપળ બને છે. ઊર્મિલ, જ્ઞાનતંતુઓની નબળાઈવાળી અથવા હિસ્ટીરિયાના હુમલા જેને આવે છે એ સ્ત્રી એના પતિ તેમ જ ડૉક્ટરોની અત્યંત કાળજીપૂર્વકની શુશ્રૂષા મેળવવાના લોભમાં હિસ્ટીરિયાને પણ હસતે મોંએ વધાવી લ્યે છે. લપસણી ભોંય ઉપરથી લપસીને પડી જવામાં બાળકને મઝા આવે છે, કારણ કે એને ઉપાડીને પાટાપિંડી કરી, ‘મમ મમ’ આપનારાં વેવલાં માબાપો હાજર છે જ, એવી એને ખાતરી હોય છે. પોતાનું ગજું માપ્યા વિના આખી દુનિયા ઉપર વિજય મેળવવા નીકળી પડનાર હિટલરનું માનસ પણ આ પ્રકારનું જ ગણાય. મનુષ્યસ્વભાવની આ એક ભયંકર ખાસિયત છે,પણ વત્તાઓછા પ્રમાણમાં એ આપણા સૌમાં રહેલી છે.’ ‘આ મોંઘીમાં પણ એ વૃત્તિ વત્તેઓછે અંશે હશે. પણ એક કારુણ્યમૂર્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે એ એના ધણીનું મૃત્યુ શી રીતે લાવી શકે? તમે વાર્તાના પ્લૉટને એ રીતે વિચાર્યો છે?’ આખરે મેં રેણુકાબહેનને પ્રશ્ન કર્યો. ‘ના, મેં એ પ્લૉટ જુદી રીતે ગોઠવ્યો છે.’ અનિલકુમાર બારી પાસેથી આ તરફ ફર્યા ત્યારે મેં એમને કહ્યું: ‘અમે વાર્તાની રૂપરેખા નક્કી કરી નાખી છે. મોંઘીનો પાંચમો ધણી મરશે નહીં ત્યાં સુધી એ સુખી નહીં થાય. પણ એ સંસ્કારી બાઈ છે એટલે પોાતના ધણીને ઝેર આપીને કે બીજી કોઈ તરકીબથી મારી નહીં શકે. પોતાના અંતરાત્માને જરાય આંચકો ન લાગે એ રીતે એણે ધણીનું મૃત્યુ ઊભું કરવું જોઈએ. શી રીતે એ કરશે? છીતાને કાંઈ માંદગી છે કે નહીં?’ ‘ના.’ ‘તો તો મુશ્કેલી થશે. અકસ્માત થઈ શકે? આમ તો મોંઘી પોતાના ધણીને સાચવવા માટે બધી જ શુશ્રૂષા કરી છૂટે છે પણ એ શુશ્રૂષા, એનાથી અજાણ રીતે, એને ખતમ કરવા જ થતી હોય છે. છીતાને એ કોઈ મિલમાં મજૂર તરીકે મોકલી શકે, જ્યાં સંચાના પાટામાં આવીને એ પિલાઈ જાય. આવો પ્લૉટ ગોઠવીએ તો કેમ?’ આ દરમિયાન રેણુકાબહેન મૂંગાં મૂંગાં મારી તરફ તાકી રહ્યાં હતાં. મેં કહ્યું: ‘વાર્તામાં આપણે એમ લખીએ કે છીતો લશ્કરમાં ભરતી થયો અને બોમ્બગોળાથી મરી ગયો. આ રીત કેમ લાગે છે?’ ‘આબાદ!’ અનિલકુમાર બોલ્યા, ‘આપણે એને લશ્કરમાં પણ જોખમી સેવાઓમાં લગાડવો પડશે, જેમાંથી એ જીવતો પાછો ફરે જ નહીં. આપણે ગમે તેમ કરીને છીતાને મારવો તો પડશે જ, નહીંતર રેણુકાએ એની આખી વાર્તા નવેસરથી લખવી પડશે.’ રેણુકાબહેન વ્યગ્ર બની ગયાં હતાં, મને કહે: ‘છીતાને તેં શી રીતે મારવાનું સૂચવ્યું?’ ‘હવાઈ જહાજમાં ઊડતો હોય, બોમ્બગોળા ફેંકતો જતો હોય અને વિમાન તૂટી પડે -’ ‘એવું એવું બોલજે મા.’ રેણુકાબહેનની જીભ થોથવાતી હતી, ‘તને ખબર છે, આપણા ‘ઍરફોર્સ’માં અનિલને ‘પાઇલટ’ તરીકે લઈ જવાના હતા?’ ‘ના, મને ખબર જ નથી.’ ‘મેં એને માંડ માંડ જતાં રોક્યો હતો.’ અનિલકુમાર તરફ મેં જોયું તો એ ફરી બારીમાંથી પેલા ભિખારીઓ તરફ જોઈ રહ્યા હતા. રેણુકાબહેનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. બોલ્યાં: ‘મેં માંડ માંડ અનિલને ‘પાઇલટ’ તરીકે જતાં રોક્યો.’ મેં કહ્યું: ‘પાઇલટ થવા કરતાં પ્રોફેસર થવું વધારે સારું...’ ‘પ્રોફેસરી વધારે સારી એટલું જ નહીં, વધારે સલામત પણ ખરી.’ રેણુકાબહેને કહ્યું. મેં કહ્યું: ‘આપણા દેશમાં તો પ્રોફેસર થાય એને પેન્શનર જેટલો જ એશારામ મળે. એને વિદ્યાર્થીઓની ફીમાંથી પગાર તો મળતો જ રહે, ને બદલામાં એ વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયના બીજા બધા જ ધંધા ધમધોકાર ચલાવી શકે. ટૅક્સ્ટ બુકનાં કારખાનાં ખોલીને ઘરમાં ટંકશાળ પાડી શકે.’ ‘એ વાત પણ સાચી.’ ‘એ વાત સાચી, અને મારા સ્વાનુભવની છે,’ મેં કહ્યું, ‘અનિલકુમારે પોતાના વિદ્યાર્થી પાસે લખાવેલું વ્યુત્પત્તિશાસ્ત્ર, જે પોતાને નામે પ્રગટ કર્યું છે એ, મારા નાનાભાઈને ભણવું પડે છે. એ પુસ્તકની આવકમાંથી તો તમે મોટરગાડીમાં મહાલતાં થયાં - ખરું કે નહીં? હવે જો અનિલકુમાર પ્રોફેસરને બદલે ‘પાઇલટ’ થયા હોત તો આવી ટંકશાળ પડત? સંભવ છે કે કદાચ એ કોઈ ઍરોપ્લેનના અકસ્માતમાં જ -’ ‘હું મોંઘીના વરને મારીશ નહીં. ભલે એ જીવતો રહે, નેવું વરસ ભલે જીવે!’ રેણુકાબહેને કહ્યું. ‘પણ તો પછી વાર્તા સાવ મોળીમચ્ચ, ફિક્કી લાગશે. વળી મનોવિશ્લેષણની દૃષ્ટિએ પણ એ ક્ષતિ...’ ‘જહન્નમમાં ગયું તારું મનોવિશ્લેષણ! મોંઘી વિશે વાર્તા લખવાનું જ હું માંડીવાળું છું. મારી વાર્તા ખાતર કોઈકની જિંદગી સાથે રમત રમવાનું પાપ હું નહીં કરું.’ આટલું બોલતાં રેણુકાબહેનની આંખમાંથી દડદડ ધારા ચાલી. મોડી રાતે ઘેર જતી વેળા રસ્તામાં મને સમજાયું કે છેલ્લે છેલ્લે મેં જોયેલી પેલી બે આંસુભરી આંખો રેણુકાબહેનની નહીં પણ કારુણ્યમૂર્તિ મોંઘીની જ હતી.[1]


  1. આ વાર્તાનો કેન્દ્રવર્તી વિચાર વર્ડિસ ફિશરની એક કૃતિ પરથી લીધો છે.