ઋણાનુબંધ/અંગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અંગત


તું આંખોમાં આંખ પરોવે, દીર્ઘ ચુંબનો કરે, આક્રમણો કરે,
વાઘા ઉતારે, હૂંફથી નવડાવે, ત્વચાની રજાઈ ઓઢાડે, હાસ્યના
ફુવારા ઉડાડે, કાલીઘેલી કવિતા સંભળાવે, કાન પાછળ
વાળને ગોઠવવાની રમત રમે, મારા રેશમી દેહને પંપાળે,
સ્તનમાં છુપાઈ જાય, ક્યારેક વિરહના વિચારથી ‘ચિંતિત’ થાય,
ક્યારેક મિલનની પ્રસન્નતામાં મુખરિત થાય, ક્યારેક
સહજ સ્મિતથી મારાં આંસુ લૂછે, મને મારામાં પ્રેરે,
મારી લાગણીઓને ઉછેરે… આ બધું મને એટલું ગમે છે
એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.