ઋણાનુબંધ/આભનો ભૂરો રંગ
Jump to navigation
Jump to search
આભનો ભૂરો રંગ
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.
રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતું કોઈનું હેત,
આજ તો મારી સાવ સુંવાળી: લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.
પવન પોતે વૃક્ષ થઈને
ડોલતો રહે હરિયાળું,
મનમાં હવે ક્યાંય નથી કોઈ
સપનું કાળું કાળું.
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.