ઋણાનુબંધ/કવિ, વાર્તાકાર, નિબંધકાર પન્ના નાયક
પન્ના છેલ્લાં કેટલાંય વર્ષોથી ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં કવિતાને ક્ષેત્રે એણે જે સાધના કરી છે એનાં ઉત્તમ ફળ આપણને અનેક કાવ્યસંગ્રહો દ્વારા તેમજ ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ જેવા સમગ્ર કવિતાસંચય દ્વારા સાંપડ્યાં છે. પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જે કંઈ લખે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે.
પન્નાની કવિતા જુદી જુદી ઝાંય લઈને આવે છે. એમાં વિષય-વૈવિધ્ય અને સ્વરૂપવૈવિધ્ય છે. શરૂઆતના કાવ્યસંગ્રહોમાં વતન-ઝુરાપાની વાત તારસ્વરે થતી હતી એ લગભગ પછીના સંગ્રહોમાં ઓગળી ગઈ છે. એક જમાનામાં કવયિત્રી ભૂરા વિષાદની કવિતા લખતાં હતાં એ અભિગમ બદલાયો અને ‘ચેરી બ્લોસમ્સ’માં ‘બારાખડીની અંદર — બારાખડીની બહાર’ એ કવયિત્રીના અજંપાને મીરાંના સંદર્ભમાં વિશિષ્ટ રીતે પ્રગટ કરે છે.
પન્ના જુદા જુદા કાવ્યસ્વરૂપોમાં કામ કરે છે. ‘રંગઝરૂખે’ પન્નાનાં અગિયાર દીર્ઘકાવ્યોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં દૃશ્ય-અદૃશ્યની રંગીન-સંગીન લીલાનું દર્શન થાય છે. કવયિત્રીની કલમે અચાનક વળાંક લઈને આપણને દીર્ઘકાવ્યો આપ્યાં છે. ઉમાશંકર જોશી કહેતા કે કોઈ કવિ દીર્ઘકાવ્ય લખે ત્યારે એની કલમ કેટલો ઊંડો શ્વાસ લે છે એનો ખ્યાલ આવે. આ કવયિત્રી પાસે કવિને માટે અનિવાર્ય એવી ધ્વનિ-ચિત્રણાની સૂઝ પણ છે અને આમ એની કલમ ક્યારેક પીંછી થઈને કાવ્યમાં મેઘધનુષ અવતારે છે. આ રીતે ‘રંગઝરૂખે’ શીર્ષક પણ કાવ્યની જેમ સાર્થક લાગે છે. વિષાદથી પ્રસાદ તરફ જતી એમની કવિતા એક જુદું જ પરિમાણ સાધે છે.
દીર્ઘકાવ્યસ્વરૂપ અજમાવ્યા પછી કવયિત્રી ‘અત્તર અક્ષર’ હાઇકુસંગ્રહમાં સત્તર અક્ષરની અનુભૂતિનું અત્તર છાંટે છે. ઉનાળાનું એક અદ્ભુત ચિત્ર કવયિત્રીએ આપણી નજર સમક્ષ મૂક્યું છે. કોઈ પણ ટીકા ટિપ્પણ વિના આ શબ્દચિત્ર માત્ર અનુભવવાનું છે અને ઉકળાટ કેટલો તીવ્ર હશે એની કલ્પના કરવાની પણ જરૂર ન રહે એવી ઉત્કૃષ્ટતા સાથે કવયિત્રીએ વાત મૂકી છે:
બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર
પન્નાનાં હાઈકુમાં વૈપુલ્યની સાથે વૈવિધ્ય છે. પણ માત્ર આ બે જ નથી, વૈપુલ્ય અને વૈવિધ્યની વચ્ચે લાઘવયુક્ત સંવેદન છે જે ઝાઝે ભાગે કલ્પન દ્વારા વ્યક્ત થયેલું છે. રૂમાલ જેવો ચોળાઈ ગયેલો પ્રેમ, બાહુપાશથી સરકી જતી રાત કે સરકી જતી પ્રિય વ્યક્તિ, ગમે એટલી ધૂળ ઊડતી હોય છતાં પણ પોતાની સ્વચ્છતાને અને સૌન્દર્યને સાચવતાં પુષ્પો, હાથના મેળાપમાં ઉપસતો મહેંદીનો રંગ, પવનના થથરતા હોઠ, પ્રિયજનના વરસવાથી લીલોછમ થતો સમય, છાતીની નીચે ઉન્નત થતાં સ્તન, સૂતાં પંખીને જગાડતો સૂર્ય, વર્ષોથી આંખમાં ચચરતું રણ, રેતીના સ્તંભ જેવી આત્મીયતા, સુકાતી તુલસીમાં બાનાં પગલાંની શોધ, સ્ટેશન પર શ્વાસ લેવા રોકાતી ટ્રેન, ખાલી પથારીમાં તલાશનાં વલખાં, ઘાસના મંડપમાં પતંગિયાનું નર્તન, નખમાં ભરાયેલું ઝાકળબિન્દુ, ફૂલની નૌકા ને પતંગિયાનાં હલેસાં કે ફૂલનું ઓશીકું કરીને ડાળી પર સૂતેલો તડકો …આવું તો કંઈ કેટલુંય કાવ્યમય આ હાઈકુસંગ્રહમાં છે. આ હાઈકુ એની ચિત્રાત્મકતાને કારણે, એના કલ્પનને કારણે સ્પર્શી જાય એવાં છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં સ્નેહરશ્મિની પડખે જો કોઈનાં પણ હાઈકુ દમામથી બેસી શકે એવાં હોય તો તે પન્ના નાયકનાં છે.
સામાન્ય છાપ એવી ઉપસી છે કે પન્ના કેવળ ગદ્યમાં લખે છે.. જો કે ‘આવનજાવન’ ગીતસંગ્રહ દ્વારા પન્નાએ ગીતના સ્વરૂપમાં પણ કૈંક અંશે ગજું કાઢ્યું છે. ગીત પન્નાની સૃષ્ટિનો નવો અને તાજો વળાંક છે. પન્નાનાં ગીતમાં આપણી પરંપરાના અણસારા-ભણકારા પણ છે અને આ બધાંની વચ્ચે ફૂટતો એનો પોતીકો અવાજ પણ છે. કાવ્યને તો કાવ્યની રીતેજ મૂલવવું જોઈએ. સ્ત્રી કે પુરુષે લખ્યું છે એવા ભેદ મિટાવીને. છતાંયે કેટલાંક ગીતમાં નારીની સંવેદનાની જે વાસ્તવિકતા કલાત્મક રીતે પ્રગટી છે એ કદાચ આપણાં કાવ્યસાહિત્યમાં જુદી તરી આવે એવી છે.
પન્નાએ એકથી વધુ નિમિત્તે પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરી છે. અમેરિકન કવયિત્રી એન સેક્સટનને સાંભળ્યા પછી કવિતા લખવાની એના જીવનમાં જે ચમત્કારી ઘટના બની એના વિશેનો અણસારો આપણને મળતો રહ્યો છે. એણે ક્યાંય કોઈ આંધળું અનુકરણ કર્યું નથી. પણ સામાન્ય રીતે ભારતીય નારીને આ લખાય અને આ ન લખાય એનું વલણ કે વળગણ હોય — એ બધાથી મુક્ત થઈને પન્ના પોતાને સ્વ-તંત્રપણે જે લાગે છે તે લખે છે.
પન્ના લોકપ્રિય કવયિત્રી છે. આ લોકપ્રિયતાનાં અનેક કારણો હોઈ શકે. એક તો સ્ત્રી છે, અમેરિકામાં વસે છે, છોછ અને સંકોચ વિના લખે છે. લોકપ્રિય કવયિત્રી છે એનો અર્થ એવો નહીં કે એ વિદ્વાનોમાં પ્રિય નથી. સહૃદય વાચકને સંતોષ આપે અને અભ્યાસીને પરિતોષ આપે એવી એની કવિતા છે. હું માનું છું કે પન્નાનો અવાજ ગુજરાતી કવિતાસાહિત્યમાં જુદો તરી આવ્યા વિના નહીં રહે.
સામાન્ય રીતે અમેરિકામાં વસતાં ભારતીયોને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ આ અનુભવને અંતે કેટલાક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ભારતીયો અમુક જ જૂથમાં ફરતાં હોવાથી અમેરિકન સંસ્કૃતિથી વાકેફ નથી. પન્ના હંમેશા ભારત અને અમેરિકાના ક્રોસ રોડ પર રહીને સ્વસ્થતાથી અને તટસ્થતાથી કવિતા અને વાર્તા લખી શકે છે. જેમાં બન્ને સંસ્કૃતિના ધબકારા વરતાય છે.
મોટા ભાગે આપણે ત્યાં કવિ વાર્તા લખે એટલે આ તો કવિની વાર્તા છે એમ કહીને સાવકે હાથે સ્વીકારવામાં આવે છે. પન્નાનું ‘વાર્તાવિશ્વ’ નિરાળું છે.પચાસ વટાવી ગયેલા ત્યાં રહેતા પુરુષો અને પચાસ વટાવ્યા પછી અમેરિકા આવતા પુરુષોને કયા કયા પ્રકારના વસવસા હોય છે એની ઝલક એમાં મળે છે. તો સાથેસાથે એકલી કે એકલવાયી એવી કોઈ પણ સ્ત્રી હોય એને સમાજ પોતાને ત્રાજવે કઈ રીતે તોલે છે એનો પણ અહીં નિર્દેશ મળી રહે છે. આ બધા તો ચીંધીને બતાવેલા વાર્તાના વિષયો છે પણ પન્ના બધી જ રીતે — વિષય, આશય, અને અભિવ્યક્તિમાં જુદી પડે છે. મને શ્રદ્ધા છે કે ગુજરાતી વાર્તાવિશ્વમાં પન્નાની વાર્તાનું વ્યક્તિત્વ આપોઆપ નિરાળું થઈને ઉપસી આવશે.
આ સંગ્રહમાં પન્નાના નિબંધો પણ છે અને એની સર્જનપ્રક્રિયાની વાત છે. વ્યક્તિચિત્રોમાં એની કલમ વિશેષ ખૂલે છે. સર્જનપ્રક્રિયામાં પોતાને જે કહેવાનું છે તે સચ્ચાઈપૂર્વક અને નિખાલસતાથી લખે છે. એન સેક્સટનથી માંડીને કોઈ કવિની ક્યાંય અસર ઝીલાઈ હોય એની પ્રામાણિકપણે વાત કહે છે અને આ અસરને ખંખેરીને પોતાનું પોત કઈ રીતે પ્રગટ થતું રહ્યું છે એની ઝલક ઝાંખીનો હળવે હાથે નકશો પણ આપે છે.
આમ સમગ્ર રીતે જોવા જઈએ તો પન્ના નાયક પરદેશમાં વસતી પ્રથમ સર્જક છે, જેણે ગુજરાતી ભાષામાં કવિતા લખવાનો પ્રારંભ કર્યો. આ કથનમાં ઇતિહાસ પણ છે અને સત્ય પણ છે.
— સુરેશ દલાલ