ઋણાનુબંધ/કૂર્માવતાર
Jump to navigation
Jump to search
કૂર્માવતાર
અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે :
—હવે શું?
ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં
અમે બધાં
સિટી વિનાના
સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ
—પણ કેટલાં?
અમે ટેલિવિઝન જોઈએ
—પણ કેટલું? ક્યાં લગી?
સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
—અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય?