ઋણાનુબંધ/ક્ષણ આ નાજુક નમણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ક્ષણ આ નાજુક નમણી


ક્ષણ આ નાજુક નમણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી

લજામણીનો છોડ એને સ્પર્શો તો બિડાય
ક્ષણ ક્ષણના આ શૂન્ય શિખર પર અણદીઠું કો’ ગાય
ક્ષણ તો અલ્લડ સાવ કુંવારી: નથી કોઈને પરણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી
ક્ષણ આ નાજુક નમણી

ફૂલ પર ઝાકળબિંદુ: એની જેમ ઝલકમાં સરે
અહોભાવનું બિંદુ એ તો નિજમાં જઈને ઠરે
ક્ષણની આંખે સાથે સાથે આભ અને ધરણી
દર્પણ સામે ઊભી: જાણે કોઈ રૂપાળી રમણી