ઋણાનુબંધ/ખલનાયક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખલનાયક


ગ્રીનબેલ્ટ, મૅરીલૅન્ડના કોર્ટહાઉસની કોર્ટ ચિક્કાર ભરાઈ ગઈ છે. જજ, વકીલો અને જૂરીના બાર માણસો. ઉપરની બાલ્કનીમાં અનેક લોકો બેઠા છે. એમાં ઓળખીતા-પાળખીતા પણ છે. તમે દબાતે પગલે આરોપીના પીંજરામાં જાવ છો. બેસો છો. ખીસામાંથી રૂમાલ કાઢી પરસેવો લૂછો છો. કોર્ટનો ફૉરમૅન તમારું નામ પૂછે છે:

‘કિશોર બી. પટેલ’ તમે કહો છો.

કોર્ટના ફૉરમૅન બાઇબલ પર હાથ મૂકી શપથ લેવા કહે છે.

‘બાઇબલ કાંઈ ભગવદ્ગીતા નથી એટલે જે કહેવું હોય તો કહેવાય ને? જુઠ્ઠું બોલવાનો વાંધો નહીં ને?’ તમે ઇન્ટરપ્રીટરને પૂછો છો. ઇન્ટરપ્રીટર આ વાત વકીલને કહે છે. વકીલ જજને કહે છે. જજ જૂરીને કહે છે. કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ જાય છે.

એ ગણગણાટ ઍલાર્મની ટ્રિં…ગ ઘંટડી બનીને તમને સફાળા ઉઠાડી દે છે. સવારના સાડા છ વાગ્યા છે. તમે ગ્રીનબેલ્ટની જે. ડબલ્યુ મેરીઆટ હોટેલના ડબલ બેડમાં સૂતા છો. હોટેલરૂમના પૈસા અમેરિકન સરકારી બ્રાન્ચ ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન ચૂકવવાની છે. એણે તમને નવ વાગ્યે મહત્ત્વની જુબાની આપવા કોર્ટમાં બોલાવ્યા છે.

આંખો ખૂલે એવી જ તમને ચાની તલપ લાગે છે એવી આજે પણ લાગી છે. ચા રૂમમાં મંગાવવી કે હોટેલની સામેના મેકડોનલ્ડમાંથી લઈ આવવી એ તમે નક્કી કરી શકતા નથી. તમે ઊઠીને પથારીમાં બેસો છો. ખાટલાની બાજુના ટેબલ પર મૂકેલું ઍલ્યુમિનિયમ ફોઇલમાં લાવેલા એકસો વીસ તમાકુનું પડીકું ખોલો છો. ચપટી તમાકુ ડાબા હાથની હથેળીમાં મૂકો છો. પછી પડીકાની બાજુમાં જ રાખેલી ચૂનાની ડબ્બીમાંથી આંગળી પર ચૂનો લઈ તમાકુમાં ચોળો છો. તમે એને માવો કહો છો. એ માવાને નીચલા હોઠ પાછળ મૂકી દબાવો છો. તમાકુ ખાવાથી તમને પ્રેશર આવે છે. તમે બાથરૂમમાં જઈ કમોડ પર બેસો છો. કરાંજતા કરાંજતા આજુબાજુ નજર નાંખો છો. આટલી ચોખ્ખી બાથરૂમ તમે જોઈ નથી.

કાઉન્ટર પર પાણીના ગ્લાસ છે. વાપર્યા વિનાનો સાબુ છે. ટાવેલ-રેક પર બગલાની પાંખ જેવા બે ટુવાલો ને ઉપર નેપ્કિન વ્યવસ્થિત લટકાવ્યા છે. ડાબી બાજુ નહાવાનું ટબ છે. એના પરનો પ્લાસ્ટિકનો શાવર-કર્ટન ખસેડીને તમે અંદર જુઓ છો. ટબ કોરું છે. શાવર છે. તમે કામ પતાવીને બહાર આવો છો. તમારી ચાની તલપ ગઈ નથી.

તમે લેંઘાઝભ્ભા પર ઓવરકોટ પહેરીને મેરીઆટની સામેના મેકડોનલ્ડમાં ચા લેવા જાવ છો. ચા લો છો. રૂમમાં લાવીને પીવાને બદલે ત્યાં જ બેસીને પીવાનું વિચારો છો. ચા ટેબલ પર મૂકો છો. સામે પબ્લિક ટેલિફોન પરથી પત્ની સવિતાને ફોન કરો છો. રાતે ઊંઘ નથી આવી એમ કહો છો. ફોન મૂકીને ટેબલ પર મૂકેલી પોટલીવાળી ચાની પાતળી પાતળી ચા પીઓ છો. તમને થાય છે કે ઘેર હોત તો સવિતાને ઑર્ડર કર્યો હોત ને પાંચ મિનિટમાં ચા હાજર થઈ હોત.

સવિતા. ઇન્ડિયામાં કૉલેજમાં હતા ત્યારે તમે એને પરણી ગયેલા. તમારે ભણવાનું છે એટલે શહેરમાં હૉસ્ટેલમાં રહેવું પડશે એવું બહાનું કાઢેલું. એને ગામડા- ગામમાં સાસરે રહેવું પડ્યું. ચૂલો ફૂંકીને રસોઈ કરવી પડતી’તી એટલે મોં ચડેલું રહેતું. તમે જેટલી વાર મળતા એટલી વાર કજિયો કરતી. તમે એને કજિતા કહેતા. કચકચ કરતી કરતીય એ તમારા કુટુંબને સાચવતી હતી. તમે બે વરસ કૉલેજમાં ભણ્યા ને બે છોકરાંય થઈ ગયાં. પછી ‘ભણી રિયો તું. કાંઈ લખ્ખણ નથી ભણવાનાં, આવી જાવ ધંધામાં.’ એમ બાપાએ કહ્યું એટલે એમની સાથે તમાકુના ધંધામાં ઝંપલાવ્યું. ધંધો જોરદાર હતો. ખૂબ પૈસા આવતા’તા પણ તમારું ચિત્ત ચોંટતું નહોતું. એટલામાં તમારો સાળો બાલુ અમેરિકા ગયો. સવિતાએ પણ અમેરિકા જવા માટે રોજ જીવ ખાવા માંડ્યો. તમને ખબર હતી તમને કોઈ અમેરિકા બોલાવવાનું નથી. સવિતાએ રસ્તો સુઝાડ્યો. લાખ રૂપિયા કૅશ આપો તો પાસપૉર્ટ ને વિસા બધું મળી જાય. તમે બાપાને વાત કરી. બાપા છંછેડાયા. લાખોની કમાણીને લાત મારી સાળાના વાદે અમેરિકા જવાની તમારી વાતને એમણે ધુતકારી કાઢી. તમે રોજ ત્રાગું કર્યું. છેવટે બાપા માન્યા. સવિતાના બાપને લાખ આપ્યા.

સવિતાએ એના ભાઈ બાલુનો પાસપૉર્ટ અમેરિકાથી મંગાવી લીધો. અમેરિકન સરકારે આપેલો બાલુનો એમાં સાચો વિસા હતો. તમે બાલુનો ફોટો ઉખેડીને તમારો ફોટો ચોંટાડી દીધો. બી. બી. પટેલની જગ્યાએ તમે કે. બી. પટેલ લખી દીધું. તમે અમેરિકા આવી ગયા. ન્યૂયૉર્ક ઍરપૉર્ટ પર ઇમિગ્રેશનવાળાએ તમારી આગળવાળાને પકડ્યો હતો. એની પૂછપરછમાં તમે છટકી શક્યા. ન્યૂયૉર્કથી તમે સીધા તમારા સાળા બાલુને ત્યાં શિકાગો ગયા. બાલુનો ‘સેવન ઇલેવન’નો સ્ટોર હતો. એણે તમને નોકરી આપી. સ્ટોર ચોવીસ કલાક ખુલ્લો રહેતો. તમારે રાતપાળી કરવાની હતી. રાતપાળી કરવા તમે ટેવાયેલા નહોતા. સ્ટોરમાં રાતના એક ધોળી છોકરી આવતી. દર ત્રીજે દિવસે સ્કીમ મિલ્ક લઈ જતી. એની ઉંમર અઠ્ઠાવીસ ત્રીસની હશે. બાંધો સપ્રમાણ હતો. સફેદ ડ્રેસ અને શૂઝ પહેરતી. તમે એને પૂછેલું કે એ નર્સ છે, અને એણે હા પાડેલી. શનિવારે રાતના એ રવિવારનું છાપું લેતી. તમે એને કહેતા કે એ પ્રીટી છે. એને સ્કીમ મિલ્ક પીવાની જરૂર નથી. એણે આઇસક્રીમ ખાવો જોઈએ. જવાબમાં એ હસતી. તમે ક્યારેક એને મફત દૂધ અને છાપું લઈ જવા કહેતા પણ એ પૂરા પૈસા કાઉન્ટર પર મૂકતી. તમને એને અડવાનું મન થતું. કૉફી પીવા જવાનું મન થતું. એક વાર તમે હિંમત કરીને કૉફી પીવા જવાનું પૂછેલું. એણે તમને એની સોનાની વેડિંગ રિંગ બતાવેલી.

એ જાય પછી તમારાથી જગાતું નહોતું. એક વાર સ્ટોરમાં ન્યૂજર્સીવાળા અતુલ પટેલ આવ્યા. એણે તમને કહ્યું કે ન્યૂજર્સી આવી જાવ તો દિવસની જૉબ મળે. તમે ન્યૂજર્સી આવી શૉ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોડાયા. તમને ઇન્ડિયા ખૂબ યાદ આવતું હતું. સવિતા અને છોકરાંઓને મિસ કરતા હતા. છ મહિના પછી તમારા બાપા ગુજરી ગયા. તમને એમ કે વારસામાં બાપાના ધંધાનો મોટો લાડવો મળશે અને અમેરિકા પાછા આવે એ બીજા. ઇન્ડિયા ગયા પછી જોયું કે તમાકુનો ધંધો તમારા કાકાએ હાથમાં લઈ પચાવી પાડ્યો હતો. કેસ થાય એમ હતું નહીં, કારણ વકીલો ને પોલીસ બધા ફોડેલા હતા. વળી, તમારી ગેરહાજરીમાં સવિતાએ તમારા કુંવારા નાના ભાઈ કિરીટ સાથે પ્રેમ-વહેવાર શરૂ કર્યો હતો. એ માટે સવિતાને તમે ખૂબ મારી હતી. એનું માથું ભીંત સાથે અફાળ્યું હતું. આ બધાંમાંથી છૂટવા તમે સવિતા અને છોકરાંઓ સાથે પાછા અમેરિકા આવી શિકાગો રહ્યા હતા. વળી પાછો એ જ ‘સેવન ઇલેવન’. એ જ રાતપાળી. તમે પેલી ધોળી છોકરીની રાહ જોતા પણ એ આવતી નહોતી. એ વખતે શૉ ફાર્માસ્યુટિકલમાં કામ કરતા અતુલ પટેલે તમને ફિલાડેલ્ફિઆ ચાલી જવા સૂચવ્યું હતું. ફિલાડેલ્ફિઆના પરામાં ‘અમેરિન્ડ’ નામની ફાર્માસ્યુટિકલ કંપની શરૂ થતી હતી. તમને જૉબ મળે એમ હતું. ઓવરટાઇમ પણ આપવાના હતા. તમે ગાંસડાંપોટલાં લઈને ફિલાડેલ્ફિઆ પાસે બેન્સેલમમાં પહોંચી ગયા અને ‘અમેરિન્ડ’ કંપનીમાં કામ શરૂ કર્યું.

તમારી ચા પિવાઈ ગઈ છે. તમે પાછા મેરીઆટ હોટેલમાં જાવ છો.

તમારી રૂમમાં જઈ કોર્ટમાં જવાની તૈયારી કરો છો. બૅગમાંથી દાઢીનો સામાન કાઢો છો. દાઢી કરતાં કરતાં તમને કલોવરનો સ્ટોર યાદ આવે છે. સ્ટોરની સિક્યોરિટીવાળાએ શોપલિફ્ટિંગ માટે તમને હેરાન કરેલા. વાતમાં કાંઈ માલ નહોતો. તમે સવિતા સાથે ક્લોવર સ્ટોરમાં ગયેલા. તમને ઈલેક્ટ્રિક શેવર ગમેલું. એકસો ને દસ ડૉલરનું હતું. તમારા મોટાભાઈ કાન્તિભાઈ માટે લેવાની ઇચ્છા થયેલી. તમે શેવર લઈને કૅશ-રજિસ્ટર તરફ જતા હતા ત્યાં જ સવિતાએ કકળાણ કર્યું કે મોટાભાઈ માટે શેવર નથી લેવાનું. લેવું હોય તો નાના ભાઈ કિરીટ માટે લો. કિરીટનું નામ સાંભળીને તમારો પિત્તો ગયેલો. સવિતાને ત્યાં જ ઝૂડી નાંખવાની તમને ઇચ્છા થયેલી. તમે શેવર કપડાંના સેક્શનમાં મૂકી ગુસ્સામાં ને ગુસ્સામાં બહાર નીકળી ગયા. બહાર ઊભેલા સિક્યોરિટીવાળાએ શેવરનું પૂછ્યું. તમારી પાસે તો હતું નહીં. કપડાંનાં સેક્શનમાં નહોતું. ક્યાં જાય? કેસ થયો. તમારે શેવરના એકસો ને દસ ચૂકવવા પડ્યા. સવિતાને કારણે ન શેવર લેવાયું ને ઉપરથી ચાંલ્લો. તમને ઊંડે ઊંડે ખાતરી હતી કે સવિતાએ શેવર એની પર્સમાં સરકાવી દીધું હશે ને નાના ભાઈ કિરીટને મોકલી દીધું હશે.

તમે દાઢી પતાવી શાવર લેવા જાવ છો. તમને થાય છે શું સરસ શાવર છે: ક્યાં અપાર્ટમેન્ટના કટાઈ ગયેલા શાવરમાંથી પડતી દદૂડી ને અહીં નાયગરાના ધોધ જેવો ફુવારો! લાય જેવા પાણીથી નહાવું તમને ગમે છે. દેશમાં તમારી મા બે બાલદી ગરમ પાણી આપતી. નાહીને બહાર નીકળો છો. બગલાની પાંખ જેવા ટુવાલથી ડિલ લૂછો છો. તમને એક ટુવાલ ઘેર લઈ જવાનું મન થાય છે.

બાથરૂમમાંથી બહાર આવી બૅગમાંથી શર્ટ અને પેન્ટ કાઢો છો. શર્ટ ચોળાઈ ગયું છે. ચાલશે. ક્યાં અમેરિકન સરકારે જૉબ ઇન્ટર્વ્યૂ માટે બોલાવ્યા છે. શર્ટ ઉપર બાલુએ આપેલું જર્સી પહેરો છો. વીન્ડબ્રેકર. ભૂલી જવાય એ પહેલાં તમાકુનું પડીકું ને ચૂનાની ડબ્બી ખીસામાં મૂકી દો છો. કાળા શૂઝ પહેરો છો. પોલિશ નથી. એય ચાલશે. મોજાંવાળા પગ શૂઝ પર ઘસો છો. શૂઝ પર થોડું શાઇન આવે છે. તમે કોર્ટમાં જાવ છો. તમને આરોપીના પીંજરામાં બેસવાનું કહેવામાં આવે છે. સરકારી વકીલ તમારી પાસે આવે છે.

‘અંગ્રેજી સમજાય તો ય ગુજરાતીમાં જ જવાબ આપજો. ઇન્ટરપ્રીટર અંગ્રેજીમાં તરજુમો કરશે.’ વકીલ કહે છે.

તમને ઇન્ટરપ્રીટર ગમતો નથી. એ બરાબર સાંભળતો નથી. ક્યારેક બાફે છે. અંગ્રેજી તમને સાવ નથી આવડતું એવું નથી. કોર્ટનો ફૉરમૅન તમને જમણો હાથ ઊંચો કરી શપથ લેવાનું કહે છે. તમે સોગંદપૂર્વક કહો છો કે તમે જે કહેશો એ સત્ય હશે અને સત્ય સિવાય બીજું કશું જ નહીં હોય.

‘તમારું નામ?’ વકીલ પૂછે છે.

‘કિશોર બી. પટેલ.’ તમે કહો છો.

ઇન્ટરપ્રીટર ‘કિસોર’ કહે છે. તમે એને સુધારો છો. ‘શોર’, ‘શોર’, દરિયાકિનારો.

‘બી’ એટલે?

‘ભાઈલાલભાઈ’

‘સ્પેલ કરો.’

‘બી એચ એ આઈ એલ એ એલ બી એચ એ આઈ.’

‘અને હવે તમે તમારા શબ્દોમાં કહો કે ખોટી જુબાની આપો તો શું થશે?’ સરકારી વકીલ પૂછે છે.

‘મને દંડ થશે અને જેલમાં જવું પડશે.’ તમે કહો છો.

‘તમારા વકીલ બહાર ઊભા છે. એમની સાથે વાત કરવાની તમને છૂટ છે. તમે સમજ્યા?’ સરકારી વકીલ કહે છે.

તમે હા પાડો છો.

‘ગયા બુધવારે પણ તમારે જુબાની આપવા આવવાનું હતું. તમે આવ્યા ત્યારે દારૂ પીને આવ્યા હતા એ સાચું?’ વકીલ પૂછે છે.

‘હા, હું વ્હીસ્કીની અડધી બાટલી ગટગટાવી ગયો હતો.’ તમે કહો છો. તમે કબૂલ કરો છો કે તમને દારૂની લત હતી. રોજ પીતા હતા. થોડો વખત બંધ કર્યો હતો અને પાછો શરૂ કર્યો છે.

‘ગયે અઠવાડિયે જુબાની આપવા આવતા પહેલાં કેમ દારૂ પીધો હતો?’ વકીલ પૂછે છે. તમને સમજ નથી પડતી કે શું કહેવું. તમે થોથવાઈને જવાબ આપો છો કે તમને સવિતાની ચિંતા થતી હતી. તમે કહી શકતા નથી કે રસોઈ મોડી કરવા બદલ તમે સવિતાને તમાચો માર્યો હતો. ગાળો ભાંડી હતી. એને બદલે કહો છો કે સવિતાની નોકરી છૂટી ગઈ છે. બિચારીને અંગ્રેજી આવડતું નથી, એટલે બીજી નોકરી નહીં મળે તો શું થશે એની વિમાસણમાં છો. છોકરાંઓનું શું થશે એનો વિચાર પણ તમને પજવે છે. પછી ઉમેરો છો કે ઈન્ડિયામાં તમારા મોટાભાઈના એકના એક દીકરાની બન્ને કીડની ફેઇલ થઈ ગઈ છે. તમારાં ભાભીએ કીડની ડોનેટ કરી છે પણ છોકરો જીવશે કે નહીં એની ચિંતામાં છો. તમે બીજાં કારણો પણ ઉમેરો છો. તમારી મા માંદી છે. તમારા સુપરવાઇઝરે દવામાં ભેળસેળ કરવાનું કહ્યું એ તમારે ગળે ઊતરતું નહોતું. શું કરવું એની મૂંઝવણમાં હતા. આ બધાં કારણનું દુ:ખ ભૂલવા તમે વ્હીસ્કીની અડધી બાટલી ગટગટાવી ગયા હતા.

‘આજે તમે દારૂ પીધો છે?’ વકીલ પૂછે છે.

‘ના, સવારે મેકડોનલ્ડમાં માત્ર પાતળી પાતળી મૂતર જેવી ચા પીધી છે.’ તમે જવાબ આપો છો.

‘મૂતર જેવી’ હું ઇન્ટરપ્રીટ નહીં કરું. અમેરિકન સરકારને એવું ન કહેવાય. ઇન્ટરપ્રીટર તમને કહે છે.

‘ઘરની ઉકાળેલી ચામાં ને મેકડોનલ્ડની ચામાં ફેર નથી?’ તમે ઇન્ટરપ્રીટરને સામું પૂછો છો. પૂછે એનો સીધો જવાબ આપવા ઇન્ટરપ્રીટર તમને કહે છે.

‘તમે કોઈ મૂંઝવણમાં તો નથી ને? મન ગૂંચવાયેલું નથી ને?’ વકીલ પૂછે છે.

‘મને દીવા જેવું ચોખ્ખું દેખાય છે. તમારી સામે બોલવાની ચિંતામાં આખી રાત સૂતો નથી.’ તમે કહો છો.

‘તમે કેટલાં વરસના છો?’

‘પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ… તમને ગમે તે મારી ઉંમર…’ તમે કહો છો. ૧૯૫૯, ૧૯૬૦ કે ૧૯૬૧માંથી કયા વરસમાં તમે જન્મેલા તે તમે કહી શકતા નથી.

‘ઇન્ડિયામાં શું કરતા?’

‘બાપા જોડે ધંધો.’

‘શેનો?’

‘ટમેટાંનો.’

તમે ઇન્ટરપ્રીટરને પાસે બોલાવો છો. એને સમજાવો છો કે ટમેટાંનો ધંધો ચરોતરમાં ન હોય. ટોબેકો, ટોબેકોનો ધંધો. એટલે તમાકુનો. કૅશ ક્રોપ. કરોડોનો ધંધો. પણ તમારા કાકાએ ધંધો પચાવી પાડ્યો એટલે તમે કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા.

હવે આ દવાની કંપનીમાં તમે મિનિમમ વેજમાં કામ કરો છો. સવિતા અને બે છોકરાનું પૂરું કરવાનું છે. નોકરી ન હોય તો જીવી ન શકાય. ને નોકરી ટકાવી રાખવા બૉસ દવામાં ભેળસેળ કરવાનું કહે તો તમારે કરવી પડે અને તમે કરો છો.

‘દવામાં ભેળસેળ કરવી એ ગેરકાયદેસર છે એની તમને ખબર છે ને?’ વકીલ પૂછે છે.

‘હા, કરી છે ભેળસેળ. કોઈ મરી તો નથી ગયું ને!’ તમે બોલી જાવ છો. તમે તરત ઇન્ટરપ્રીટરને કહો છો કે ‘મરી તો નથી ગયું ને!’ બદલે ‘કોઈ માંદું તો નથી પડ્યું ને!’ એમ કહો.

‘તમે મને ખોટું ઇન્ટરપ્રીટ કરવા કહો છો?’ ઇન્ટરપ્રીટર તમને પૂછે છે.

‘તે ગુજરાતી થઈને ગુજરાતીનો પક્ષ લેતા તમને શું પેટમાં દુ:ખે છે? આ મારે કારણે તો સરકાર તમને પૈસા આલે છે.’ તમે ઇન્ટરપ્રીટરને કહો છો.

‘તમારા બન્નેની, શી વાત ચાલે છે?’ વકીલ પૂછે છે.

‘એને પેટમાં દુ:ખે છે.’ ઇન્ટરપ્રીટર કહે છે.

તમે મૂછમાં હસો છો.

‘તમને દવામાં ભેળસેળ કરવાનું કોણે કહેલું?’ વકીલ પૂછે છે.

‘મારી કંપનીના મૅનેજરે.’ તમે કહો છો.

‘એનું નામ?’

‘એમ. જી.’

‘આખું નામ બોલો.’

‘મનોહર ગોડબોલે.’

‘એ તમારી સાથે ગુજરાતીમાં વાત કરતા હતા?’ વકીલ પૂછે છે.

તમે ના પાડો છો. તમે ઇન્ટરપ્રીટરને કહો છો કે એ અમેરિકન વકીલને કહે કે મનોહર ગોડબોલે મરાઠી છે. એને ગુજરાતી આવડતું નથી. મુંબઈમાં હોય તો ભાંડી ઘસતો હોય. કેટલી વાર કહ્યું તોય મિનિનમ વેજથી વધારે પગાર આપતો નથી. ઇન્ટરપ્રીટર તમને કહે છે કે કોર્ટમાં આવી મરાઠી ગુજરાતીની વાત ન થાય અને ‘ભાંડી ઘસવાનો’ અર્થ કોઈ ન સમજે.

‘વળી પાછી તમે શું ગુસપુસ કરો છો?’ વકીલ ઇન્ટરપ્રીટરને પૂછે છે.

ઇન્ટરપ્રીટર અમેરિકન વકીલને સમજાવે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત જુદા પ્રાંત છે અને બન્ને પ્રાંતની ભાષા અલગ છે. બન્ને ભાષાના થોડા શબ્દો મળતા આવે છે એટલું જ. તમને થાય છે કે ઇન્ટરપ્રીટર દોઢડાહ્યો છે.

‘તમે કઈ શિફ્ટમાં કામ કરતા હતા?’ વકીલ પૂછે છે.

તમે કહો છો કે સવારની. સાતથી ચારની. પણ સાંજના ચારથી નવ સુધી ઓવરટાઇમ મળતો એટલે નવ વાગ્યે ઘેર જતા.

‘તમને નવ વાગ્યા સુધી રોકાવાનું કોણે કહેલું?’ વકીલ પૂછે છે.

‘બીજું કોણ? મનોહર જ ને. ત્યારે બીજું કોઈ હાજર ન હોય એટલે મારી પાસે ભેળસેળ કરાવે.’ તમે જવાબ આપો છો. તમને થાય છે મનોહર બરાબર સાણસામાં ફસાયો છે. તમે ‘અમેરિન્ડ’માં સાવ પાવરલેસ હતા પણ કોર્ટમાં પાવરફુલ છો. બાજી તમારા હાથમાં છે. સવિતાના ઑપરેશન વખતે અને તમારાં છોકરાંની માંદગી વખતે રજા નહોતી આપી એ વાત તમારી દાઢમાંથી ગઈ નથી. સહેજ મોડું થતું તો મનોહર તમારો પગાર કાપી લેતો એ તમે ભૂલ્યા નથી. તમને થાય છે ભલે સબડતો જેલમાં. મનોહરની જગ્યાએ કોઈ ગુજરાતી આવશે તો તમને પગારવધારો મળશે. તમે સારા અપાર્ટમેન્ટમાં રહેવા જશો. છોકરાંને સારી સ્કૂલમાં ભણાવશો. છોકરાં સારું ભણશે ને કમાશે તો તમે ઇન્ડિયામાં રિટાયર થશો. પછી તમારા કાકાને બતાવી આપશો કે કિશોર ભાઈલાલભાઈ પટેલ, થયેલા અન્યાયનો બદલો લેશે લેશે ને લેશે.

‘તમે દવાની ભેળસેળ “ગોલમાલ રૂમ”માં કરતા હતા એ સાચી વાત?’ વકીલ પૂછે છે.

‘ “ગોલમાલ રૂમ”ની તો દેશીઓને જ ખબર હતી. આ અમેરિકનને “ગોલમાલ” શબ્દ ક્યાંથી ખબર પડ્યો?’ તમે ઇન્ટરપ્રીટર પૂછો છો.

અમેરિકન વકીલ હસે છે. એ તમને હા કે નામાં જવાબ આપવા કહે છે. તમે હા પાડો છો.

‘મનોહર ગોડબોલે કોર્ટમાં હાજર છે? હાજર હોય તો એને ઓળખી બતાવો.’

તમે મનોહર ગોડબોલે સામે આંગળી ચીંધો છો. તમને તમાકુની તલપ લાગી છે. બાથરૂમ જવાનું બહાનું કાઢો છો. બાથરૂમમાં જઈ તમારો માવો બનાવો છો. નીચલા હોઠ પાછળ દબાવો છો. તમને સારું લાગે છે. દવાની ભેળસેળમાં સંડોવાયેલા બીજાનાં નામ પૂછે તો આપવાં કે નહીં એ તમે વિચારો છો. તમને અમેરિકન સરકાર સાથે ‘ડીલ’ કરવાનું મન થાય છે. સરકાર ખૂબ બધી કૅશ આપે તો કંપનીની બધી પોકળ તમે ફોડી દેવા તૈયાર થાવ. તમારું જેણે બગાડ્યું છે એની સામે વેર લેવામાં કશું અજુગતું નથી એમ તમને લાગે છે. એમાંય તમારા કાકા, તમારો નાનો ભાઈ કિરીટ, અને મનોહર ગોડબોલે. એમને તમારું પાણી બતાવવું જ જોઈએ એમ માનો છો. તમે બંગડીઓ નથી પહેરી અને એ બધાને ખબર પડવી જોઈએ.

બાથરૂમમાંથી બહાર આવી પાછા તમે આરોપીના પીંજરાની ખુરશી પર બેસો છો.

‘આ ભેળસેળમાં બીજું કોઈ હતું?’ વકીલ તમને પૂછે છે.

કૅશની ‘ડીલ’નું કેમ કરવું એ તમને સમજાતું નથી. તમે તમારા વકીલને મળવા માગો છો. સરકારી વકીલ તમને કોર્ટરૂમની બહાર જવા દે છે. તમે તમારા વકીલની સલાહ લો છો. સરકાર કૅશ ન આપી શકે એમ કહે છે અને સાચું બોલવાની સલાહ આપે છે. તમને એ ગમતું નથી. તમે એને કહો છો કે ઇન્ડિયામાં તો શું કહેવું એ વકીલ જ કહી દેતા હોય છે. તમારા વકીલ કહે છે કે આ ઇન્ડિયા નથી. સાચું જ બોલવા માટે ફરીથી કહે છે. ખોટું કે બનાવી કાઢેલું બોલશો તો જેલમાં જવું પડશે એ યાદ કરાવે છે. તમારે જેલમાં જવું નથી. તમારે મનોહર ગોડબોલેને જેલમાં મોકલવો છે. એ બીજી કંપનીમાંથી દવાની ફૉર્મ્યુલા ચોરી લાવેલો એ પણ તમને ખબર છે. મનોહર ગોડબોલેનું તો બરાબર પણ ઇન્દુ, પરેશ અને કમલેશનું શું કરવું એની તમને ખબર પડતી નથી. તમે વકીલને કહો છો કે તમને પેટમાં સખત દુ:ખે છે અને સૂઈ જવું પડશે. વકીલ જજને કહે છે. જજ બીજા દિવસની મુદત આપે છે.

તમે હોટેલ પર જઈને સવિતાને ફોન કરો છો. એના ને છોકરાંઓના ખબર પૂછો છો. સવિતા કહે છે કે એ લોકો મઝામાં છે પણ દેશમાંથી કાગળ આવ્યો છે કે કાકાજીને પક્ષાઘાતનો એટેક આવ્યો છે અને જમણું અંગ ખોટું પડી ગયું છે. તમે રાજી થાવ છો. બદલો લેવામાં ભગવાને પહેલ કરી છે. તમે સવિતાને ઘીનો દીવો કરવાનું કહો છો. પછી તમે ઇન્દુ, પરેશ અને કમલેશને ફોન કરો છો. એ લોકોને મનોહર ગોડબોલેએ નોકરી આપી હતી. અમેરિકામાં ઇન્ડિયને ઇન્ડિયનનું ખરાબ ન બોલવું જોઈએ એમ એમને લાગે છે. તમે કહો છો કે તમે ય ઇન્ડિયન હતા. મનોહરે તમને તો મદદ કરી જ નહોતી. ઊલટાનું આડો ને આડો જ ફાટતો હતો. મનોહરને જેલમાં મોકલવાની તમારી ઇચ્છા પ્રબળ થતી જાય છે.

બીજે દિવસે સરકારી વકીલ તમને ભેળસેળ કરેલી દવાના કાગળોની ઝીરોક્સ કોપી બતાવે છે. એમાં તમારી સહી છે. મનોહરની સામે જોઈને તમે બેધડક કહો છો કે એ સહી તમારી છે અને મનોહરે જ સહી કરવા કહ્યું હતું.

સરકારી વકીલ તમારી જુબાની માટે આભાર માને છે.

‘તમારો મૅનેજર તમને ખોટું કરવા કહેતો હતો તો તમે ના કેમ નહીં પાડી?’ જૂરીનો એક વૃદ્ધ માણસ તમને પૂછે છે.

‘મૅનેજર તો ભણેલોગણેલો માણસ છે. અમેરિકન કાયદાકાનૂનની એને ખબર છે. અમે તો ઝાડની એક ડાળી. ડાળી જોરથી હાલે એથી ઝાડ થોડું ઊખડી પડે?’ તમે કહો છો.

જૂરીના માણસને તમારી ઝાડ ને ડાળીની વાત સમજાતી નથી. તમને થાય છે કે કોઈ કોઈ અમેરિકન ડફોળ હોય છે. ભણેલા પણ ગણેલા નહીં. તમને તમારા બાપા યાદ આવે છે. સાવ ઓછું ભણેલા પણ ધંધામાં એક નંબર. એમનું ડહાપણ પણ વખણાય. ગામના લોકો સલાહ લેવા આવે. ધોતિયું ને સફેદ ઝભ્ભો પહેરીને નીકળે ત્યારે આખું ગામ ભાઈલાલનો રુઆબ જોયા કરે. તમારા બાપાનો ધંધો તમારા હાથમાં પાછો આવે એવાં સપનાં તમે જુઓ છો.

જુબાની આપીને તમે બેન્સેલમ પાછા આવો છો. ચુકાદાની રાહ જુઓ છો. થોડા દિવસમાં તમારા કાકાના છોકરાનો કાગળ આવે છે. ગઈ ગુજરી ભૂલી જવા કહે છે. તમે ધંધો પાછો માગો છો. તમારા કાકાનો છોકરો સહિયારો ધંધો કરવા સૂચવે છે જે તમને મંજૂર નથી.

સવિતાના બાપાનો તાર આવે છે. સવિતાની મા પથારીવશ છે. સવિતાને થાય છે કદાચ મા મરી જશે. એને છેલ્લી વાર મળવા જવાનું મન છે.

‘મને ને છોકરાંને કોણ રાંધી ખવડાવશે?’ તમે પૂછો છો.

‘ખીચડી-શાક તો તમને આવડે છે. અવારનવાર મારી બહેનપણી વસુ ખાવાનું આપી જશે.’ સવિતા તમને કહે છે.

તમે એને પિયર જવા દેતા નથી. તમને બીક છે કે એ કિરીટને મળશે. તમને તો એ પ્રેમ નથી કરતી. એનો પ્રેમ-વહેવાર પાછો શરૂ થશે. સવિતા જવા માટે રોજ રડે છે, કરગરે છે પણ તમે તમારું ધણીપણું છોડતા નથી.

એક સાંજે સવિતા એની બહેનપણી વસુને ત્યાં રસોઈની મદદ કરવા ગઈ છે. તમે પગ લંબાવીને, તમાકુ ખાતાં ખાતાં વી.સી.આર. પર ‘ખલનાયક’ મૂવી જુઓ છો. તમને થાય છે કે ક્યાં માધુરી દીક્ષિત અને ક્યાં સવિતા! તમે માધુરી દીક્ષિત સાથે સેક્સ કરવાની ફૅન્ટસી કરો છો. અમેરિકા આવ્યા પછી સવિતા તમને અડવા દેતી નથી. તમે ધણીપણાનો હક પરાણે અદા કરો છો. સવિતા કહે છે કે એને સેક્સમાં રસ નથી. સ્વાધ્યાયમાં છે. એ ના પાડે ત્યારે રાક્ષસી બની જાવ છો. ઘાંટા પાડો છો. છણકા કરો છો. સવિતાનો વિચાર છોડીને પાછા તમે માધુરીમાં પરોવાતા જાવ છો. ‘ચોલી કે પીછે’નું ગાયન આવે છે. એ ગાયન પૂરું થાય એટલે તમે વી.સી.આર. રિવાઇન્ડ કરો છો. માધુરીને છાતી ઉલાળતી જુઓ છો. ગાયન ફરી સાંભળો છો.

ફોનની ઘંટડી વાગે છે. સવિતા ‘મોહનથાળ’ બનાવવાનું માપ ઘેર ભૂલી ગઈ છે. કહે છે કે સ્ટવ પાસેના કાઉન્ટરના ખાનામાં છે. તમે ખાનું ખોલો છો. ગણેશનો ફોટો ચોંટાડેલો લાકડાનો ડબ્બો ખોલો છો. ‘પચાસ માણસ માટેનો મોહનથાળ’ના કાગળની નીચે પરિચિત અક્ષરોવાળો કાગળ છે. કાગળ તમારા નાના ભાઈ કિરીટનો છે. સવિતા ઉપર લખેલો છે. એ હજી સવિતાને ચાહે છે. છેલ્લી બે લીટીમાં લખ્યું છે કે સિગરેટ પીવાને કારણે અને સતત તમાકુના વાતાવરણમાં રહેવાને કારણે એને ફેફસાનું કૅન્સર થયું છે. વરસેકનો મહેમાન છે, એ પહેલાં સવિતાને મળી લેવાની તીવ્ર ઇચ્છા છે. સવિતા તમને અડવા દેતી નથી ને તમે સવિતાને ખોઈ બેઠા છો એનું કારણ કિરીટ જ હશે એમ તમને લાગે છે. સવિતાને ઇન્ડિયા ન જવા દીધી એ ઠીક જ થયું. વરસમાં કિરીટ જશે પછી આફેડી તમારી પાસે આવશે એની તમને ખાતરી છે. તમે કાગળ પાછો મૂકી દો છો. કશું ન બન્યું હોય એવા અવાજે સવિતાને ફોન કરીને ‘પચાસ માણસ માટેનો મોહનથાળ’નું માપ આપો છો. સવિતા પાછી આવે છે ત્યારે ‘ખલનાયક’ ફિલમનાં વખાણ કરો છો. સવિતાને ઘીના, બે દીવા કરવાનું કહો છો. સવિતા કારણ પૂછે છે. તમે ખંધું હસો છો. ‘અમેરિન્ડ’માં પાવરલેસ હતા પણ અત્યારે પાવરફુલ બનતા જાવ છો. તમને થાય છે કે કૌરવોની સામે યુધિષ્ઠિર જીતી રહ્યો છે.

ચાર મહિના પછી એક સવારે સવિતા નહાવા ગઈ છે ત્યારે તમે બેન્સેલમના છાપામાં હેડલાઇન જુઓ છો. કિશોર ભાઈલાલભાઈ પટેલની મહત્ત્વની જુબાનીના આધારે ‘અમેરિન્ડ’ કંપનીના જનરલ મૅનેજર મનોહર ગોડબોલેને દસ વરસની જેલની સજા થઈ છે અને કંપનીને એકવીસ મિલિયન ડૉલરનો દંડ કરવામાં આવ્યો છે. સવિતા નાહીને બહાર આવે છે ત્યારે તમે એને ઘીના, પાંચ દીવા કરવા કહો છો અને જમવામાં લાપસી બનાવવાની ફરમાઈશ કરો છો.