ઋણાનુબંધ/દર બીજી ઑક્ટોબરે મને સપનું આવે છે
‘તમે ગાંધીજીને જોયા હતા?’
હું હા પાડું
અને એ મને બીજો સવાલ કરે:
‘ક્યાં? ક્યારે?’
હું કહું:
નાની હતી ત્યારે
બાપાજી રોજ સાંજે અમને
જુહૂના દરિયાકિનારે આવેલા
અમારા ઘર પાસે થતી
ગાંધીજીની પ્રાર્થનાસભામાં
લઈ જતા.
અમે વહેલાં જઈ આગળ બેસતાં.
ગાંધીજી સમય સાથે સ્પર્ધા કરતા હોય
એમ દોડતા આવતા અને પાછળ પગ રાખીને બેસતા.
હું ટમટમતા તારાઓનું ઝૂમખું જોતી હોઉં
એમ એમને જોયા કરતી.
એમના ચહેરા પર
બુદ્ધની આભા
આંખોમાં
ઈશુની કરુણા.
હમણાં જ મહાવીરને મળીને ન આવ્યા હોય!
અને પછી શરૂ થતું:
‘વૈષ્ણવજન તો તેને કહીએ..’
પછી બાપાજી ગાંધીવાદી બન્યા,
જેલમાં ગયા.
ખાદીનાં કપડાં પહેરે
એ પણ બે જોડી જ.
ભોજન પણ એક કે બે કોળિયા લે.
પછી તો બા બાપાવાદી બન્યાં
અને અમે બાવાદી.
અમારા વૈષ્ણવના ઘરમાં
બધાં જ ગાંધીજન બની ગયાં.
આજે આટલાં વરસો પછી પણ
દર બીજી ઓક્ટોબરે
ગાંધીજી મારા સપનામાં આવે છે
ને મને પૂછે છે:
પ્રાર્થનાસભામાં આવીશને?’
અને
હું ગાવા માંડતી હોઉં છું
‘વૈષ્ણવજન તો તેને કહીએ.’
બીજા દિવસે સવારે
ચા પીતાં
મારા પતિ મને પૂછે છે:
‘તને ખબર છે?
તું ઊંઘમાં વૈષ્ણવજન જેવું કંઈક ગાતી હતી એ?’