ઋણાનુબંધ/૧૧. બા અને બાની કહેવતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧. બા અને બાની કહેવતો


નાતાલની રજાઓમાં હું દેશ ગયેલી. અમારા અંધેરીના ઘેર જવાનું થયું. જે કે હવે એ ઘર રહ્યું નથી. ઘર ભંગાઈને હવે દીવાસળીના બાકસની થપ્પી જેવા ફ્લૅટવાળું મકાન બંધાયું છે. ફ્લૅટમાં અંદર જાઓ તો નાના નાના ઓરડા અને માથું ભટકાય એટલી નીચી છત. ત્યાં હવે નથી મોટાં બારી અને બારણાં જ્યાંથી તડકો અને પવન સંતાકૂકડી રમતા. ત્યાં હવે કરતા. ત્યાં હવે નથી કોઈ જગ્યા હીંચકાની કે ઉપલા માળની વિશાળ બાલ્કનીની.

એે બાલ્કનીમાં જ્યાં ઊભાં ઊભાં અમે શેરીમાંથી વહી જતી આખી દુનિયાને જોતા. હું તો દરરોજ ત્યાં ઊભી રહેતી. કોઈની જાન નીકળી હોય, ‘મુંબઈ આમચી’નું સરઘસ નીકળ્યું હોય, ઈદના દિવસોમાં મુસલમાનોનું તાબૂત નીકળ્યું હોય, શ્રીરામ શ્રીરામ બોલતા ડાઘુઓ કોઈ મરણ પામેલાને અંધેરીના સ્મશાને લઈ જતા હોય, કે બાજુની ઝૂંપડપટ્ટીનાં છોકરાંઓ ગિલ્લીદંડા રમતા હોય — આ બધું જોતાં થાકતી નહીં. બા કહેતાં: ત્યાં શું ઊભી છે આખો દિવસ? કામ નથી બીજું તારે?

શરદપૂનમને દિવસે કૉલેજના મિત્રો અમારે ઘરે આવતા. વરસોવા દરિયાકિનારે ફરવા જતાં. આવીને આખી રાત ગપ્પાં મારતાં. ક્યાં? એ બાલ્કનીમાં જ તો. બા અને બાપાજીએ ત્યાં હીંચકો બંધાવેલો. એમની સવાર-બપોરની ચા તો ત્યાં જ ઝૂલતાં ઝૂલતાં પીતાં. ત્યાં જ બેસીને બા અને બાપાજી અલકમલકની વાતો કરતાં. મને થતું કેવો મનમેળાપ છે એમનો. હું કહેતી હુંય મારા પતિ સાથે આમ જ હીંચકે ઝૂલીશ અને વાતોના હિલોળાં લઈશ.

એ જૂના ઘરને ખૂણે ખૂણે બાની હસ્તી એવી હતી કે બા ગયા પછી પણ જ્યારે જ્યારે હું ત્યાં જતી ત્યારે ત્યારે જાણે કે તેમને મળ્યા જેટલો આનંદ થતો. એકેએક જગ્યાએ બાની વિશિષ્ટ સ્મૃતિ અંકાયેલી હતી. જ્યારે રિસાતી ત્યારે બા મને મનાવતાં અને પછી કંઈ ને કંઈ મનભાવતું ખવડાવતાં. કોઈ બાબતનો ઠપકો આપવાનો હોય ત્યારે જોતાં કે કોઈ આજુબાજુ તો નથી ને.

બાપાજીને કોઈ મળવા આવતું ત્યારે તેમને દીવાનખાનામાં બેસાડીને, ઘરમાં નોકરચાકર હોવા છતાં, ચાનાસ્તો પોતે જ લઈ આવતાં. આવી આવી અનેક સ્મૃતિઓ મારા મનમાં જડાઈ ગઈ છે.

બાને પિયરમાં ઓછાં સગાં પણ સાસરું વસ્તારી. અમારું કુટુંબ ખાસ્સું મોટું. અમે પાંચ ભાઈઓ અને ચાર બહેનો. ભાઈઓને બાએ પરણાવ્યા. દરેક નવી વહુને બા હીંચકે બેસાડે. એમને ચાનાસ્તો કરાવે અને પછી અમારા મોદી કુટુંબની ખાસિયતોની વાતો કરે. નવવધૂના વરને શું ગમે, બાપાજી ક્યારે ગુસ્સે થાય, અમે દિવાળી અને બેસતું વરસ કેમ ઊજવીએ, એવું બધું કંઈ ને કંઈ એ નવોઢાને સમજાવે. આ બધું જોઈને થતું કે ભાગ્યશાળી વહુને જ આવી સાસુ મળે. આમ મોટા કુટુંબકબીલામાં બાની આખી જિંદગી, અને એમનું આખું વ્યક્તિત્વ જાણે કે ધરબાઈ ગયાં. અમને ઉછેરવામાં, અમારા બધાંની સંભાળ લેવામાં બા જાણે ક્યાંય ખોવાઈ ગયાં. બા ઝાઝું નહીં પણ પાંચ ચોપડી ભણેલાં. લખતાં-વાંચતાં સારું આવડે. કવિતાનો શોખ. યાદશક્તિ ઘણી. નરસિંહ, મીરાં, કલાપી, મેઘાણી વગેરેની ઘણી કવિતાઓ કંઠસ્થ. એક વાર જોયેલો ચહેરો ભૂલે નહીં કે એક વાર સાંભળેલું નામ આડુંઅવળું થાય નહીં. જ્ૂના ઘરમાં ફરી આવતાં સૌથી વધુ જો મને યાદ આવતું હોય તો બા અને બાની કહેવતો. લાંબા સાસરવાસમાં બાને ઘણા કડવામીઠા અનુભવો થયા જ હશે. એ ઉપરાંત પાંચ પાંચ વહુઓ ઘરમાં એટલે કોઈનાં ને કોઈનાં મન ઊંચાંનીચાં થાય જ. એ બધો, જિંદગી આખીનો, અનુભવ બાએ એમની કહેવતોમાં નિચોવ્યો હતો. બા એટલે કે જાણે કહેવતોનો જીવતોજાગતો ભંડાર. એકેએક પ્રસંગ માટે એમની પાસે કહેવતો હોય જ.

આજે એ કહેવતો યાદ કરું છું ત્યારે થાય છે કે આ બધી કહેવતો એમને કોણે કહી હશે? બા આમ તો ચુસ્ત વૈષ્ણવ. પણ એમની કહેવતોમાં મૂતર, ગાંડ, ખાસડા, લીંડાં વગરે શબ્દો માટે કોઈ છોછ નહોતી. અથવા, કાલો થઈ કાંચળીમાં હાથ ઘાલે, વેશ્યા કોઈની વહુ નહીં, વેશ્યાને અઘરણી નહીં, કે સદા સુહાગણ તે વેશ્યા… વગેરે કહેવતો ટાંકવાનો એમને કોઈ સંકોચ નહોતો.

બાનો સ્વભાવ રાંક. બધાંથી ગભરાય. દીકરા-વહુઓથી પણ. કુટુંબના કંકાસમાંથી કેમ બચવું તે જાણે કે બા માટે સદાયની સમસ્યા હતી. બધું સંભાળી સંભાળીને કરવું, બધાંથી ચેતતા રહેવું એવી એમની મનોદશા ઘણી કહેવતોમાં છતી થતી. જેમ કે ચેતતા નર સદા સુખી, બેસીએ જોઈ તો ઊઠાડે નહીં કોઈ, ભોંય બેઠા એટલે પડવાનો ભય ટળ્યો, બાંધી મુઠ્ઠી લાખની, ઊઘાડી વા ખાય, નીચી બોરડીને સૌ કોઈ ઝૂડે, અથવા જ્યાં રંધાય ત્યાં ગંધાય કે ગરીબ બોલે ત્યારે ટપલાં પડે ને મોટાં બોલે ત્યારે તાળીઓ.

બાની આ કહેવતો આજે જ્યારે યાદ કરું છું ત્યારે થાય છે કે એમની કોઠાસૂઝ કેવી ઊંડી અને એમનું નિરીક્ષણ કેવું તીક્ષ્ણ! આવડું મોટું ભર્યુંભાદર્યું — કોઈ સંસ્થા જેવું — ઘર એમણે સડસઠ વરસ કુશળતાથી ચલાવ્યું. થાય છે કે આ બાઈ જો કંઈ મોટું ભણી હોત તો! એમ.બી.એ. જેવી કોઈ ડિગ્રી એમણે મેળવી હોત તો! બાને આજે યાદ કરતાં વિચાર આવે છે કે આપણા સમાજમાં આવી કેટકેટલીય શક્તિશાળી સ્રીઓ એમના કુટુંબકબીલા અને ઘરવખરીમાં જ બસ સમાઈ ગઈ હશે!

અને બાની કહેવતો યાદી રૂપેઃ

એવું તે શું રળીએ કે દીવો મેલીને દળીએ? / આંગળી સૂજીને કંઈ થાંભલો ન થાય / ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો / કઢી કઢી ખાય ને વડીનો શોક પાળે / કપાળનું ટીલું કપાળે થાય, ગાંડે ન થાય / કારેલાનો વેલો લીમડે ચડ્યો / કાલો થઈ કાંચળીમાં હાથ ઘાલે / કોઈને મૂતરે દીવો ન બળે / કોયલાની દલાલીમાં હાથ કાળા જ થાય / ખાવાના સાંસા ત્યારે પરોણાના વાસા / ગરીબ બોલે ત્યારે ટપલાં પડે ને મોટાં બોલે ત્યારે તાળીઓ / ગમે એની ગાંડ ગમે ને ન ગમે એનું મોઢું ન ગમે / ગધેડાને લીંડે પાપડ થાય તો અડદનો કોઈ ભાવ ન પૂછે / ગાંડ ધોઈને કઢી કરે / ગાંડ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે / ઘઉંની કણક જેમ કેળવીએ તેમ કેળવાય / ચૂંટિયા ખણે વેર ન વળે / ચોરણો સિવડાવે તે મૂતરવાનો માર્ગ રાખે / જ્યાં રંધાય ત્યાં ગંધાય / જીભ સો મણ ઘી ખાય તોપણ ચીકણી ન થાય / ઢેફું પાણીથીય પલળે ને મૂતરથીય પલળે / થૂંકે સાંધા કરીએ તે કેટલું ચાલે? / દમડી માટે દમણ જાય / દીકરો હોય તો વહુ આવે ને રૂપિયો હોય તો વ્યાજ આવે / દાતારી દાન કરે ને ભંડારી પેટ કૂટે / દાતણ કરતાં ડોકું હલાવ્યું તો કહે મને માનીતી ગણી / નહાતાં મૂતરે તેને શી રીતે પકડાય? / નીચી બોરડીને સૌ કોઈ ઝૂડે / પગે સૂઈએ કે માથે, કમ્મર તો વચમાં જ / પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં / પરણાવતાં સાસુ હરખાયાં, પછી સાસુ હડકાયાં / પાડોશણ છડે ભાત ને ફોલ્લો પડે મારે હાથ / પાદવાની પહોંચ નથી ને તોપખાને નામ નોંધાવે / પાણી પીને મૂતર જોખે / બેઠા ત્યાં બપોર ને સૂતાં ત્યાં સવાર / બેસીએ જોઈ તો ઉઠાડે નહીં કોઈ / બોર આપીને કલ્લી કાઢી લે / ભાંડે તે ભંડાય, નિંદે તે નિંદાય / ભોંય બેઠા એટલે પડવાનો ભય ટળ્યો / મન જાણે પાપ ને મા જાણે બાપ / મા પૂછે આવ્યો ને બૈરી પૂછે લાવ્યો? / મારે મિયાં ને ફૂલે પીંજારા / મારવા કરતાં પદાવવું સારું / મોળું દહીં દાંત પાડે / માંદાની સુવાવડ, હજાર ચીજ જોઈએ / વપરાતી કૂંચી હંમેશાં ઊજળી / વાઢી આંગળી પર મૂતરે નહીં / વેશ્યા કોઈની વહુ નહીં / વેશ્યાને અઘરણી નહીં / વિષ્ટાનો કીડો કમળમાં મરે / લૂંટાયા તો લૂંટાયા પણ ચોર તો દીઠા / લેતાં લાજી ને આપતાં ગાજી / શેરડીનો સાંઠો છેક સુધી ગળ્યો ન હોય / શિકાર કરવો હોય ત્યારે સિંહ પણ નમે / સદા સુહાગણ તે વેશ્યા / સમ ખાય તે સદા જુઠ્ઠો / સારા જાણી નોતર્યા ને ભાણે બેસીને મૂતર્યા / સુંવાળી શેઠાણીના પાદતાં પ્રાણ જાય.