ઋણાનુબંધ/૧. મારો અને કવિતાનો સંબંધ
કૉલેજમાં હતી ત્યારે ખબર નહીં કેમ પણ કવિતા લખવાની ઝંખનાએ જીવમાં મૂંગો મૂંગો માળો બાંધેલો. શા માટે કવિતા જ લખવાની ઝંખના થઈ? આ પ્રશ્નને આધારે હું પાછળ વળીને મારા જીવનને જોવાનો પ્રયત્ન કરું છું. આ ઘરના વાતાવરણમાં જ કવિતાના સંસ્કાર ભર્યા પડ્યા હતા. ઘોડિયામાં હતી ત્યારથી મારી માને કંઠે પુષ્ટિ સંપ્રદાયનાં અનેક પદો, ભજનો સાંભળતી આવી છું. આમ પરંપરાનો અવાજ અને માનો કંઠ અને એ દ્વારા શબ્દનું સાન્નિધ્ય અને શબ્દ દ્વારા મળતું આશ્વાસન નાનપણથી મારા અસ્તિત્વની આસપાસ રહ્યું છે અને છતાં જીવનની મને મોટામાં મોટી dramatic irony લાગતી હોય તો તે એ છે કે જેણે નાનપણથી લયબદ્ધ અને છંદોબદ્ધ કૃતિઓ સાંભળી હતી એ હું સીધી અછાંદસ તરફ પ્રારંભમાં કેમ વળી? કેટલીક વાતોના બૌદ્ધિક કે હાર્દિક ખુલાસા આપી શકાતા નથી અને જો બહુ ખણીખોતરીને આપવા જઈએ તોપણ મનમાં એક ભય રહે કે આ ખુલાસાઓમાં બુદ્ધિનો પ્રપંચ તો નહીં રહ્યો હોય ને?
આમ તો મુંબઈમાં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ભણી. શ્રી મનસુખભાઈ ઝવેરી જેવા પ્રાધ્યાપકનો લાભ મળ્યો. છંદોના ચહેરાઓ પણ કંઈ અજાણ્યા નહોતા. કવિતાને માણવાનો મનસુખભાઈને કારણે ભરપૂર આનંદ પણ મળેલો. કહેવી હોય તો આટલી સજ્જતા હતી અને છતાંય ભારતમાં હતી ત્યારે તીવ્ર ઇચ્છા હોવા છતાં કવિતાનો ક ત્યાં ને ત્યારે ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો.
૧૯૬૦માં ફિલાડેલ્ફિયા આવી. નવું જીવન અને નવો દેશ. આંખમાં જ નહીં, આખ્ખેઆખ્ખા અસ્તિત્વમાં રોમાંચ હતો. પણ જીવનમાં બધે જ થાય છે એમ રોમાંચનું આયુષ્ય બહુ નથી હોતું, ત્યાં અનેક માણસોથી વીંટળાયેલી હું એકાએક એકલી થઈ ગઈ હોઉં એવું મને રહી રહીને લાગ્યા કર્યું. પેલું પરિચિત ઘર નહીં, મનમેળ માણસોનો મેળો નહીં. કેવળ ઘર અને નોકરી અને શૂન્યતાનો અનુભવ કરાવે એવો ખાલી ખાલી પોકળ સમય. આ એકલતા અને શૂન્યતાના અનુભવમાંથી મને ઉગારવા માટે જ જાણે કવિતા પ્રગટી ન હોય! તમને સાચું કહું? કવિતા ન હોત ને તો હું સાવ એકલી એકલી થઈ જાત.
મારી કવિતા ભલે ભીતરના ધખતા બપોરની કે વિષાદને લઈ આવતી તેજછાયાના મિશ્રણ જેવી સાંજની કે રાતના કણસતા અંધકારમાં નહીં ઓગળેલી દીવાલની હોય છતાં પણ મારી મોટા ભાગની કવિતા વહેલી સવારે જ ઊઘડી છે પણ પ્રમાણમાં મોડી કહી શકાય એવી ઉંમરે.
‘પ્રવેશ’માં છપાયેલું બીજું કાવ્ય ‘સ્નૅપશૉટ’—
આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય?
એ મારું પ્રથમ કાવ્ય છે. ક્ષણના આનંદને શાશ્વતીમાં મઢી લેવાની એમાં વાત છે. એની પહેલી જ પંક્તિ ખૂબ સૂચક છે. આજે ખુશ છું. એનો અર્થ એવો કે ગઈ — કાલે નહોતી. આ ખુશી કદાચ મને પહેલી વાર શબ્દ ફૂટ્યો હોય એની પણ હોય. આ કાવ્યમાં સ્નૅપશૉટ લઈને સૂવાના ઓરડામાં ટાંગવાની જે વાત આવે છે એમાં કાવ્ય મારા જીવનની કોઈ વ્યથા પણ ડોકાઈ હોય તો હોય. આમ અકસ્માતે જ છ પંક્તિનું કાવ્ય મારી કાવ્યસૃષ્ટિના વિષયને અને અભિવ્યક્તિને પ્રગટ કરતું જાણે કે bifocal કાવ્ય થઈ ગયું.
ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફિયામાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં, પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં, અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne Sextonનો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (૧૯૬૭) મારી આંખે વસી ગયો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા beingનો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruationની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે — દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.
આજે જ્યારે આ લખું છું ત્યારે Anne Sextonનો મને વશ અને વિવશ કરી ગયેલો કાવ્યસંગ્રહ જોઉં છું તો એમાં પાને પાને કેટલીય પંક્તિઓ મેં લાલ શાહીથી નોંધ કરી છે. એના હાંસિયામાં કેટલાંય ટીકાટિપ્પણો લખ્યાં છે. એ સમયના જમાનામાં મને ખૂબ સ્પર્શી ગયેલું કાવ્ય આખું ને આખું ઉતારું છું. આ કાવ્યનો મારી ચેતના સાથે તે વખતે કોઈક સંબંધ બંધાયો હતો.
THAT DAY
This is the desk I sit at
and this is the desk where I love you too much
and this is the typewriter that sits before me
where yesterday only your body sat before me
with its shoulders gathered in like a Greek chorus,
with its tongue like a king making up rules as he goes,
with its tongue quite openly like a cat lapping milk,
with its tongue — both of us coiled in its slippery life.
That was yesterday, that day.
That was the day of your tongue,
your tongue that came from your lips,
two openers, half animals, half birds
caught in the doorway of your heart.
That was the day I followed the king’s rules,
passing by your red veins and your blue veins,
my hands down the backbone, down quick like a firepole,
hands between legs where you display your inner knowledge,
where diamond mines are buried and come forth to bury,
come forth more sudden than some reconstructed city.
It is complete within seconds, that monument.
The blood runs underground yet brings forth a tower.
A multitude should gather for such an edifice.
For a miracle one stands in line and throws confetti.
Surely The Press is here looking for headlines.
Surely someone should carry a banner on the sidewalk.
If a bridge is constructed doesn’t the mayor cut a ribbon?
If a phenomenon arrives shouldn’t the Magi come bearing gifts?
Yesterday was the day I bore gifts for your gift
and came from the valley to meet you on the pavement.
That was yesterday, that day.
That was the day of your face,
your face after love, close to the pillow, a lullaby.
Half asleep beside me letting the old fashioned rocker stop,
our breath became one, became a child-breath together,
while my fingers drew little o’s on your shut eyes,
while my fingers drew little smiles on your mouth,
while I drew I LOVE YOU on your chest and its drummer
and whispered, ‘Wake up!’ and you mumbled in your sleep,
“Sh. We’re driving to Cape Cod. We’re heading for the Bourne
Bridge. We’re circling the Bourne Circle.” Bourne!
Then I knew you in your dream and prayed of our time
that I would be pierced and you would take root in me
and that I might bring forth your born, might bear
the you or the ghost of you in my little household.
Yesterday I did not want to be borrowed
but this is the typewriter that sits before me
and love is where yesterday is at.
‘દીવાનખાનામાં’ લખ્યું ત્યારે મને કાવ્ય લખવાનો પહેલી વાર કંઈક સંતોષ થયો. આ સંતોષને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો વિવેચકોએ. આ કાવ્ય અનેકને ગમ્યું’તું. એના પત્રો પણ મળ્યા’તા અને કેટલાક ભાવકોએ એનો આસ્વાદ પણ કરાવ્યો હતો. વળી, સંપાદનોમાં પણ એને સ્થાન મળ્યું ત્યારે મને થયું કે લખાયા પછી મને જે સંતોષની લાગણી થઈ હતી તે આત્મરતિને કારણે જ હું ઝૂમી ઊઠી હોઉં એવું નહોતું. કવિતા લખાયા પછી બહારનો કોઈક સધ્ધર આધાર મળે છે ત્યારે ચાલો આ ક્યાંક તો સાચી રીતે પહોંચ્યું એનો આનંદ થાય છે. આ કાવ્ય લખાયા પછી ‘કવિતા’માં પહેલી વાર પ્રગટ થયું હતું — મારી છબી સાથે જ. કેમ જાણે કાવ્ય અને એમાંથી પ્રગટતી મારી છબી એકમેકના પર્યાય ન હોય!
હું મારી કવિતાને લખાયા પછી કે ગ્રંથસ્થ થયા પછી પણ ક્યારેક ક્યારેક વાંચતી હોઉં છું. કોઈક વાર મને થાય છે અમુક કાવ્યસંગ્રહમાં ન મૂક્યું હોત તો સારું થાત. તો કોઈક વાર એમ થાય છે કે સંગ્રહ કરતી વખતે કેટલાંક ટાળેલાં કાવ્યોમાંથી કવિતાના જીવવાળી કેટલીક રચના સમાવી લીધી હોત તો સારું થતે. ક્યારેક એવું પણ થાય છે કે અમુક શબ્દને બદલે બીજો શબ્દ વાપર્યો હોત તો? અને એટલે જ જ્યારે ‘પ્રવેશ’ની બીજી આવૃત્તિ થાય ત્યારે કાવ્યોમાં મેં સુધારાવધારા કર્યા છે એને આમેજ કરીને જ જંપીશ.
કવિએ પોતે પોતાની કવિતા વિશે ઝાઝું કહેવાનું ન હોય. હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે. ભારત માટે સોરવાતી હોઉં છું છતાંય મને કોઈક વાર બીક લાગે છે કે ભારત જઈશ તો કવિતા છટકી તો નહીં જાય ને! આ તો મારો એક સ્થાયી કે અસ્થાયી ભાવ હોઈ શકે. પણ કવિતાને ભોગે હું કશું કરવા નથી માગતી. મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઈ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમ ધામ છે. આશ્વાસનનો શબ્દ જેટલો મને કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો. છતાં આશ્વાસન મેળવવા માટે જ કવિતા લખું છું એવું પણ સાવ નથી. આશ્વાસન માટે હું કવિતાનો ઉપયોગ નથી કરતી કે મારી કવિતા પણ એ નિમિત્તે દુરુપયોગ નથી કરતી. મારો અને કવિતાનો સંબંધ દુનિયાદારીના ગણિતથી જુદો છે.