ઋણાનુબંધ/૩. વિદેશમાં સર્જન અને પ્રકાશનની સમસ્યા
વિદેશમાં વસતા ગુજરાતી સર્જકોના કયા પ્રશ્નો છે? એમણે વતન, ગુજરાત અને દેશ છોડ્યાં એ એમની લેખકપ્રવૃત્તિને હિતવર્ધક થયું કે હાનિકારક? અને એ કઈ રીતે? વિદેશમાં વસતા ગુજરાતી લેખકની સર્જન અને પ્રકાશનની કોઈ સમસ્યા ખરી? કે પછી મોટા ભાગનું દુઃખ પેટ ચોળીને ઊભું કરેલું છે? આ બધું વિચારવાનો અહીં આશય છે.
હું આટલા મુદ્દા રજૂ કરવા માગું છું:
(૧) પરદેશમાં ગુજરાતી ભાષાનો જીવંત સંપર્ક નથી.
(૨) પરદેશમાં સમસંવેદન ઓછું છે.
(૩) સ્થાનિક એટલે બ્રિટિશ અને અમેરિકન પ્રજાને ગુજરાતી સર્જકનું મહત્ત્વ નથી.
(૪) પરદેશમાં ગુજરાતીઓની સારી એવી વસ્તી હોવા છતાં કશું નોંધપાત્ર સાહિત્ય હજી મળ્યું નથી.
(૫) પરદેશના ગુજરાતીઓ પાસે exile literatureની આશા ન રાખવી જોઈએ.
(૬) પરદેશમાં સંવેદનશીલ વાચકો બહુ ઓછા છે.
(૭) ગુજરાતી સર્જક અને વાચક પાસે બહુધા ઉચ્ચ કક્ષાનાં ધોરણો નથી.
(૮) સર્જક માટે સ્થળ મહત્ત્વનું ન હોવું જોઈએ. રશિયાના મહાન સર્જકોએ આપેલો ફાળો રશિયાની બહાર રહીને આપ્યો હતો.
હવે, આ મુદ્દાઓ વિગતવાર તપાસીએ:
(૧) પ્રથમ વાત તો એ કે જે ગુજરાતી લેખક છે, કવિ છે, સર્જક છે એ ગુજરાત એટલે ગુજરાતી પ્રજા વચ્ચે રોજબરોજ જીવતો નથી. એટલે કે જે પ્રજા માટે એ લખી રહ્યો છે ને જે વાચકો માટે સર્જન કરી રહ્યો છે તેના જીવંત સ્પર્શથી દૂર છે. દેશની જેમ અહીં ઘરની બહાર પગ મૂકીએ એટલે શેરીની ધૂળથી આપણા પગ ખરડાતા નથી (પરદેશની આસ્ફાલ્ટની શેરીઓમાં પગલાં ક્યાં પડે છે?) બાળકોની કાલીઘેલી ગુજરાતી ભાષા સંભળાતી નથી, રસોડાની વાતચીતનો રણકાર કાને પડતો નથી, સુરતીઓના હકાર સંભળાતા નથી, સામાન્ય લોકોના એકબીજા સાથેના ઝઘડાઓનો/મેણાંટોણાંઓનો અવાજ સંભળાતો નથી, ભદ્રંભદ્રી ગુજરાતી શબ્દો સંભળાતા નથી — આ જીવંત સ્પર્શનો પરદેશમાં અભાવ છે. આ કારણે, પ્રજામાં, પ્રજાની અભિવ્યક્તિમાં, ભાષામાં, બોલીમાં, જે કાંઈ ફેરફાર થઈ રહ્યા છે તેનાથી આપણે વેગળા છીએ. આપણે ગમે તેટલી વાર દેશ જઈ આવીએ અથવા તો પરદેશમાં જ્યાં રહીએ છીએ ત્યાં, ગમે તેટલાં ગુજરાતી સંમેલનો યોજીએ તોપણ એ બધાંયથી રોજબરોજનો ચેતનવંતો, જીવતોજાગતો, પ્રજા અને એની ભાષાનો સંપર્ક આપણને મળવાનો જ નથી.
(૨) જેમ જીવંત સ્પર્શ મળતો નથી, તેમ સર્જક મિત્રોની હૂંફ પણ અહીં મળતી નથી. લેખકોની-સર્જકોની એક જુદી જ બિરાદરી હોય છે. વીક એન્ડમાં મુંબઈ, અમદાવાદ કે વડોદરાના કૉફીહાઉસમાં ભેગાં મળી એકબીજાંને નવી કવિતા સંભળાવવી કે નવી કોઈ નવલકથાની વાત કરવી, સાહિત્યસંમેલન કે કાવ્યવાચનના કાર્યક્રમમાં જવું અથવા તો ત્યાં પોતાની નવી કૃતિની વાત કરવી, ભાવનગર કે અમરેલી જેવા કોઈ શહેરના બજારમાં ખરીદી કરવા નીકળ્યા હોઈએ અને કોઈ અજાણી વ્યક્તિ આવીને હળવેથી ખભો થાબડે અને કહે કે ‘ગઈ કાલે છાપામાં તમારી કવિતા વાંચી એ બહુ ગમી, જાણે કે તમે મારી જ વાત કરતા હતા’ — સર્જક વાચક વચ્ચેનો જે આ નાતો છે તે આપણને લંડન, ન્યૂયૉર્ક, ફિલાડેલ્ફિયામાં ક્યાં મળવાનો છે? સર્જન, લેખન, વિવેચન વગેરે અઘરાં કામ છે — સાહસનાં કામ છે. પાસાં નાંખ્યાં છે ને સવળાં પડશે કે અવળાં તેની ખબર પડતી નથી એટલે સર્જકો એકબીજા પાસેથી હૂંફ મેળવે છે. એકબીજાને ઘેર જઈ પૂછે છે — શું લખો છો હમણાં? આ મૈત્રી, આ બિરાદરી, આ એકબીજાને ટેકો આપવાની જરૂરિયાત અનિવાર્ય છે. આ વાતના સમર્થનમાં બેત્રણ દાખલા યાદ આવે છે. આપણા જાણીતા કવિઓ હરિશ્ચંદ્ર ભટ્ટ અને ઉમાશંકર જોશીની મૈત્રી, નિરંજન ભગત અને બ. ક. ઠાકોરની મૈત્રી આવી હતી. અહીં આવતા પહેલાં જાણીતી અમેરિકન કવયિત્રી મેક્સીન ક્યુમીનનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો. એમાં એણે પણ આ વાત કરી કે એ Sylvia Plath અને Anne Sexton અને બીજા કવિમિત્રો અઠવાડિયે એક વાર મળતા અને ખૂબ ચર્ચા કરતા. વર્ષને અંતે દરેકે એક પુસ્તક પ્રગટ કર્યું. અમેરિકામાં — ફિલાડેલ્ફિયામાં હું અડધી રાતે કોને ત્યાં જઈને દરવાજો ખખડાવું અને મારા મનની વાત રજૂ કરું? આ આજની વાત જુઓને કે મારા વિચારો રજૂ કરવા આવડો મોટો ઍટલાન્ટિક મહાસાગર ઓળંગીને લંડન સુધી આવી છું. અમદાવાદમાં પંદર માઈલના રેડિયસમાં આપણને પાંચસો લેખકો મળે. તો બીજી આ વાત — સમસંવેદન અહીં સહજ નથી, ત્યાં છે.
(૩) ત્રીજી વાત એ છે કે આપણી આજુબાજુ જે પ્રજા વસે છે, જે સમાજના આપણે સભ્ય છીએ તે આપણને એક લેખક, સર્જક કે કવિ તરીકે ઓળખતા નથી. અહીં તો આપણે છીએ કોઈ કુશળ ડૉક્ટર કે હોશિયાર એન્જિનિયર કે કસબી કારીગર કે કાબેલ એકાઉન્ટન્ટ કે ફાર્મસીસ્ટ. જ્યારે બહાર લટાર મારવા નીકળીએ છીએ ત્યારે કોઈ કહેતું નથી કે આ અમારા કવિ છે. સભાસમારંભોમાં કોઈ આપણને કવિ તરીકે લાડ લડાવતું નથી. અહીં તો આપણે રોટલો રળવા આવ્યા છીએ. કામ કરવા આવ્યા છીએ, કારકિર્દી બનાવવા કે પૈસો ભેગો કરવા આવ્યા છીએ એટલે આપણી ઉપસ્થિતિ કે આપણું અસ્તિત્વ — ડૉક્ટર, એન્જિનિયર, એકાઉન્ટન્ટ કે ફાર્મસિસ્ટ તરીકેનું છે. લેખકો, કવિઓ, સર્જકો — જે પોતાને સહજ special માને છે તે વિશિષ્ટતા અહીં જતી રહી છે. અહીં આપણે તો બની જઈએ છીએ એક પરદેશી, એક ethnic. સ્થાનિક પ્રજા માટે આપણે ક્યાં તો મોટો problem છીએ અથવા તો એમને ખબર પડતી નથી કે આપણે બધાં અહીં જે આવી પડ્યાં છીએ એમનું શું કરવું? મારામાં અને સાડી પહેરેલી બીજી સ્ત્રીઓમાં એમની દૃષ્ટિએ કોઈ ફેર છે જ નહીં. આવો ભેદભાવ હોવો જોઈએ એમ હું નથી કહેતી પણ સ્થાનિક પ્રજા માટે એવો કોઈ ફેર નથી તો સર્જક કે કવિની વિશિષ્ટતાની શી વાત કરવી?
(૪) ઘણા સાહિત્યપ્રેમીઓ એમ માને છે કે પરદેશમાં વસતા ગુજરાતી સર્જકો પાસેથી સાહિત્યની નવી દિશા, સાહિત્યના નવા વળાંક, નવા પ્રવાહ મળશે. આ બાબતમાં હું શંકા ધરાવું છું. વર્ષોથી બહાર વસતા ગુજરાતીઓમાંથી કવિતા સિવાય હજી તો કશું મહત્ત્વનું નવું સાંપડ્યું નથી. હું માનું છું કે છથી સાત મિલિયન ભારતીયો વિદેશમાં વસતા હશે તેમાંથી અડધા જેટલા ગુજરાતીઓ હશે. આપણે ગુજરાતીઓએ સૈકાઓથી પરદેશ ખેડાણ કર્યું છે અને આફ્રિકા, અગ્નિ એશિયા, ઇંગ્લૅન્ડ, અમેરિકા સુધી પહોંચીને ત્યાં વસ્યા છીએ. આપણે ઉદ્યમી અને ખંતીલી પ્રજા છીએ. દેશમાં પણ ગુજરાતની બહાર જઈને વસ્યા છીએ. ખાસ કરીને બંગાળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં — આપણને લાખોની સંખ્યામાં ગુજરાતીઓ મળશે. મૂળમાં પરદેશગમન અને પરદેશનિવાસ આપણે માટે નવી નવાઈની વાત નથી. બહાર જઈને વસનારાઓ ઘણા સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ છે. આવા પરદેશખેડાણ અને વસવાટના ઇતિહાસ પછી પણ આપણને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત’ એથી વધુ નોંધપાત્ર, સાહિત્યમાં કશું મળ્યું નથી. આપણા અગત્યના ત્રણ સાહિત્યકારો શિવકુમાર જોશી, ચંદ્રકાન્ત બક્ષી અને મધુ રાય કલકત્તામાં જઈ વસેલા છતાં એમના બંગાળવાસ દરમિયાન બંગાળના જીવનની કોઈ એક મહત્ત્વની કૃતિ તેમની પાસેથી મળી નથી. આનું શું કારણ હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે.
(૫) છેલ્લા થોડા સમયથી એવો પણ મત પ્રવર્તે છે કે પરદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી exile literature ચોક્કસ મળશે. આ મત સાથે હું સંમત નથી. દા.ત., રશિયાના લેખકો જ્યારે સામ્યવાદી સરકારના ત્રાસમાંથી છૂટવા પશ્ચિમમાં ભાગી આવે અથવા તો સરકાર જ એમની હકાલપટ્ટી કરે ત્યારે એ સાહિત્યકારો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં સ્વદેશ માટે ઝૂરે છે. એમના એ દેશપ્રેમ અને દેશવિરહમાંથી exile literature — ઘરઝુરાપાનું સાહિત્ય રચાય છે. આના મૂળમાં હું તીવ્ર દેશપ્રેમ જોઉં છું. દાયકાઓના આપણા વિદેશ-વસવાટ પછી પણ આપણને ઘરઝુરાપાનું સાહિત્ય મળ્યું નથી એનું મુખ્ય કારણ એ છે કે આપણે સ્વેચ્છાએ દેશ છોડ્યો છે અને આપણને પરદેશની સુખસગવડભરી જિંદગી સદી ગઈ છે. આપણે દેશમાં પાછું જવું નથી. આપણે ભલે દેશભક્તિની વાતો કરીએ અથવા દૂર બેઠા દેશનાં ગુણગાન ગાઈએ પણ ત્યાં જઈને ત્યાંની રોજબરોજની હાડમારીભર્યું જીવન જીવવું નથી. દેશઝુરાપાનું સાહિત્ય તો રચાય જો આપણે દેશપ્રેમથી અને તીવ્ર દેશવિરહથી તડપતા હોઈએ. રશિયન સાહિત્યકાર સોલ્ઝનીત્સન દેશપ્રેમ ખાતર પાછા ફર્યા એમ આપણે દેશમાં પાછું જવું નથી. એટલે હું ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પાસેથી દેશઝુરાપાનું કશું નોંધપાત્ર સાહિત્ય મળે એવી શક્યતા જોતી નથી.
(૬) હવે મૂળ પ્રશ્ન છે ગુજરાતી પ્રજાનો — દેશ તેમજ પરદેશમાં. મારું નિરાશાજનક મંતવ્ય એવું છે કે આપણે ગુજરાતીઓને મુખ્યત્વે સાહિત્યપ્રેમ નથી જ નથી. (આ બાબતમાં અહીં ઉપસ્થિત સૌ અપવાદ છે. આપણને જો સાહિત્યપ્રેમ ન હોય તો આટલી મોટી સંખ્યામાં હાજરી હોય ખરી?) આપણી પ્રજા ભણેલીગણેલી અને સંપન્ન છે, વ્યવહારુ છે, પણ મુખ્યત્વે વાણિજ્યપ્રેમી પ્રજા છે. આપણે ભણતરનો ઉપયોગ પણ મુખ્યત્વે પૈસા કેમ કમાવાય એ માટે કરીએ છીએ. એટલે જ તો આપણાં સંતાનો, મેડિસિન, ફાર્મસી, બિઝનેસ, એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ વગેરે પ્રોફેશનલ ક્ષેત્રોમાં ભણે એમ ઇચ્છીએ છીએ. નહીં કે તેઓ સાહિત્ય કે humanities ભણીને વિદ્વાન થાય, કોઈ યુનિવર્સિટીમાં શિક્ષક થાય કારણ શિક્ષક માટે તો ‘પંતુજી’ જેવો તિરસ્કાર શબ્દ હજી આપણે ત્યાં વારંવાર વપરાય છે (ભિખુભાઈ પારેખ જેવા સંપન્ન વિચારક અને શિક્ષક તો અપવાદ છે). જે ગુજરાતીઓ ભણતા નથી, એ કશોક ધંધો કરવાનો જ વિચાર કરે છે અને આપણી વાણિજ્યકુશળતા એવી તો તેજ છે કે આજે ઇંગ્લૅન્ડ-અમેરિકાના અનેક નાનામોટા ધંધાઓ, આપણી આટલી ઓછી વસ્તી હોવા છતાં આપણે કબજે કર્યાં છે. પણ આપણે જેટલા વાણિજ્યકુશળ છીએ, તેટલા સાહિત્યાભિમુખ નથી. છાપાંઓ સિવાય ભાગ્યે જ કશું સાહિત્યનું વાંચતા હોઈએ છીએ (અહીં જે વાતો થાય છે તેમાં તમે અપવાદરૂપ છો). આપણી પ્રજાને આ બધી બાબતની કશી પડી નથી. એટલે જ તો ગુજરાતી ઘરોમાં ભાગ્યે જ આપણને સાહિત્યનાં પુસ્તકોની લાઇબ્રેરી મળે, પણ એ જ ઘરોમાં આપણને ટીવી, વીસીઆર, અને અનેક વીડીઓ કૅસેટ જરૂર મળશે. ગુજરાતી લેખકને જો કોઈ મુશ્કેલી હોય તો આ છે. એની પાસે સંવેદનશીલ વાચક નથી, પરંતુ આ પ્રશ્ન માત્ર વિદેશ વસતા ગુજરાતી લેખકોનો જ નહીં, પણ બધા જ ગુજરાતી લેખકોનો છે.
(૭) આ કરુણ પરિસ્થિતિની જવાબદારી જેટલી લેખકની છે તેટલી વાચકની પણ છે. જે પ્રજાનો વાચક નબળો છે, બેજવાબદાર છે તે પ્રજાનો લેખક પણ એવો જ હોય એવું મારું માનવું છે. આપણા લેખકનો મુખ્ય પ્રશ્ન એ છે કે એની પાસે સાહિત્યનાં ઉચ્ચ ધોરણો જ નથી. વિચાર કરો કે આપણો લેખક જ્યારે પરદેશ, ખાસ કરીને એ ઇંગ્લૅન્ડ-અમેરિકા જાય છે, ત્યારે એને એકાએક વિશ્વસાહિત્ય — ખાસ કરીને અંગ્રેજી સાહિત્યનો — મહાભંડાર અનાયાસ જ મળી જાય છે. ઉચ્ચ કક્ષાનાં પુસ્તકો, સામયિકો અને અન્ય સામગ્રીઓ એને સહજ જ મળે છે. એની પાસે સાહિત્યની નવી દુનિયા ઊઘડે છે એનો એ લાભ લે છે ખરો? કે પછી દેશની જે જૂની મૂડી લઈને આવ્યો છે એની ઉપર જ એ નભે છે? એમની પાસે વિદેશવાસની અનેક નાનીમોટી મૂંઝવણો છે. એમનાં સંતાનોના સંસ્કાર, એ સંતાનોનું ભવિષ્ય, પોતાની વૃદ્ધાવસ્થાની પરિસ્થિતિની ચિંતા એવા ઘણા પ્રશ્નો એમને નિત્ય મૂંઝવ્યા કરે છે. હંમેશ માટે દેશમાં પાછા ફરવાની અનિચ્છા અને વિદેશમાં સ્થાયી થઈ રહેવાના સામાજિક પ્રશ્નોમાંથી કોઈક સમર્થ સર્જકની કલમે કોઈ મોટી નવલકથા મળશે ખરી?
વિદેશમાં આપણા ગુજરાતી સાહિત્ય ઉપર નજર નાખીએ તો થાય કે આપણી પ્રજાની માફક, આપણો લેખક પણ કશું વાંચતો નથી. એણે વિશ્વસાહિત્ય તો શું પણ ભારતીય કે ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગ્રંથોનો કોઈ અભ્યાસ નથી કર્યો. આ કારણે સારી કવિતા, સારી વાર્તા વગેરે શું છે અને કોને કવિતા કહેવાય કોને જોડકણાં કહેવાય એની પણ એને ખબર નથી. એટલે એને જે ફાવ્યું એવું એ લખી નાખે છે અને દેશમાં છપાવવા મોકલી આપે છે. દેશમાં વિચિત્ર દશા એ થઈ છે કે વિદેશી કવરમાં ઇંગ્લૅન્ડ કે અમેરિકાથી જે કાંઈ આવે તે ઝાઝી કોઈ ચકાસણી વિના જેવું આવ્યું તેવું છપાઈ જાય છે. વિદેશમાં વસતા સર્જકોને જો કોઈ પ્રકાશનની સમસ્યા હોય તો એ છે કે એ જે કંઈ લખે છે તેવું ને તેવું છપાઈ જાય છે. એક જમાનામાં રામનારાયણ પાઠક, બચુભાઈ રાવત કે ઉમાશંકર જોશી જેવા તંત્રીઓ સાહિત્યનાં ઉચ્ચ ધોરણો જાળવીને પ્રથમ કક્ષાનાં સામયિકો કાઢતા અને એક મહાન શિક્ષણનું કામ કરતા. આજે એવું ધોરણબદ્ધ પ્રકાશન થતું નથી. વર્ષોથી સ્થાપિત થયેલા પ્રકાશકો પાસે પણ કોઈ સંપાદકો-ચિકિત્સકો હોતા નથી. પ્રતિષ્ઠિત એટલે કે વધુ લખતા લેખકોનાં પુસ્તકો એમ ને એમ છપાઈ જાય છે. જ્યારે કોઈ નવો લેખક ખાસ કરીને વિદેશમાં રહેતો હોય તેવો, જે પૈસા આપવા તૈયાર હોત તો, તેનું પણ પુસ્તક છપાઈ જાય છે. પરદેશમાં લખાતું આવું જેવું-તેવું એટલું બધું છપાય છે કે કોઈ સન્નિષ્ઠ કામ કરતું હોય છે તેનું સૂકા ભેગું લીલું બળે તેમ એનું પણ બધું કામ ધોવાઈ જાય છે.
(૮) હવે આપણે એક ઉત્તમ સર્જકની વાત કરીએ. કૃષ્ણલાલ શ્રીધરાણી. વર્ષોના વિદેશવાસ પછી દેશમાં પાછા ગયેલા આપણા એક ઉત્તમ કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ જ્યારે ફરી વાર પાછી પોતાની કલમ ઉપાડી અને એમની સાથે જ જેમણે ત્રીશીમાં સાહિત્યમાં પા પા પગલી માંડેલી તે ઉમાશંકર જોશીને હરણફાળ ભરતા જોયા ત્યારે એમનાથી ચીસ પડાઈ ગઈ. ‘ઉખડેલા નહીં આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.’ ઉમાશંકર સાથે જેમની પ્રતિભા સમકક્ષી ગણાતી તે શ્રીધરાણીને વળી પાછી પા પા પગલી ભરવાની હતી, પણ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. સર્જક પાસે જો સર્જનશક્તિ હોય તો સ્થળ શા માટે પ્રશ્ન થઈ પડે? અગત્યની વાત છે સર્જનશક્તિ, શિસ્ત અને મહત્ત્વાકાંક્ષાની. નવો દેશ. નવી પ્રજા, નવી દુનિયા સર્જકને નવી તક આપે છે, નવી દિશાઓ ઉઘાડી આપે છે અને જેને સર્જન કરવું છે તેને માટે નવો મસાલો, નવી વસ્તુ આપે છે. શ્રીધરાણીએ એ નવી દુનિયાનો લાભ કેમ નહીં લીધો હોય? આ પ્રશ્ન મને હંમેશ મૂંઝવતો રહ્યો છે.
સ્થળ, સમય, સંજોગો વગેરેનાં બંધનો, મર્યાદાઓ બધાંને બધે જ સમયે નડતાં હોય છે. પણ જે સર્જક છે તેની પ્રથમ ફરજ સર્જન કરવાની છે. લેખક લખે છે. બહાનાં શોધતો નથી. એમિલી ડિકિનસનનો દાખલો વિચારવા જેવો છે. એની હજારો કવિતાઓમાંથી માત્ર સાત જ કવિતા એના જીવતાજીવત પ્રકાશિત થયેલી. એણે કદી પ્રકાશનની સમસ્યાને વશ થઈને સર્જન બંધ નહોતું કર્યું. ચેખોવે પોતાની વાર્તાઓ સાઇબીરિયન લેબરકૅમ્પમાં તબીબી સેવાઓ આપતાં આપતાં જે કાંઈ થોડોઘણો સમય મળે, એમાં લખેલી. સોલ્ઝનીત્સને પોતાની નવલકથાઓ વરમોંટના એકાંતમાં બેસીને એક જ ધૂને લખી. આ અને બીજા અનેક દાખલાઓ આપવાનો આશય એટલો જ છે કે જેને સર્જન કરવું છે તે કરવાના જ છે. મારી દૃષ્ટિએ વિદેશમાં વસતા ગુજરાતી લેખકને જે કાંઈ મુશ્કેલીઓ છે તે પ્રમાણમાં મોટી નથી. ઊલટાનું, વિદેશવાસને કારણે જ એને અનેક સગવડો, સાધનસામગ્રી મળે છે તેનો તે જો ઉપયોગ કરે તો તેની સર્જન શ ક્તિને બેવ ડો વેગ મળે. એટલે મારે મન વિદેશવાસ એ ગુજરાતી સર્જકો માટે blessing in disguise જ છે. કોઈ ફરિયાદ કર્યા વિના એણે પલાંઠી વાળીને પોતાનું કામ કરવાની જરૂર છે. જો એના સર્જનમાં સત્ત્વ હશે તો પ્રકાશકો સામેથી આવશે.
તમને કદાચ આ બધી વાત નિરાશાજનક લાગશે. તમને કદાચ થતું હશે આ તે કેવી વાત? સાહિત્યનું જે કામ ગ્રેટ બ્રિટન અને નૉર્થ અમેરિકામાં થઈ રહ્યું છે, એ બધું તો પછી નકામું? અને અહીં આટલાં બધાં સન્નિષ્ઠ સાહિત્યપ્રેમીઓ ભેગાં થયાં છે તેમની ગુજરાતી ભાષા અને સાહિત્યને જાળવી રાખવાની પ્રવૃત્તિઓ શું સાવ નિષ્ફળ જવાની છે? તમારી આવી શંકાને હું સમજી શકું છું. તમારા સૌના સાહિત્યપ્રેમ અને ગુજરાતી ભાષા સાચવવાના અગાધ ઉત્સાહથી હું પરિચિત છું. તમે જે કામ કરી રહ્યા છો તે મારી દૃષ્ટિએ પ્રશંસનીય છે. એ કામમાંથી કશુંક શુભ ઊપજવાનું જ છે એની મને ખાતરી છે. એટલા માટે તો હું દોડીને અહીં આવી છું, પરંતુ વર્તમાન ગુજરાતી ભાષા અને સાહિત્યની પરિસ્થિતિ — ખાસ કરીને દેશમાં અને પરદેશમાં કેવી છે તે વિશે ઊપજતા મારા અભિપ્રાયો પ્રામાણિકપણે તમારી આગળ રજૂ કરું તે મને યોગ્ય લાગે છે. તેથી જ તો આ વાત મેં તમારી આગળ મોકળા મને કહી છે. ઉમાશંકર જોશીએ કહ્યું છે કે યથાર્થ જ સુપથ્ય. જે વર્તમાન પરિસ્થિતિ છે એને સમજીએ ત્યાર પછી જ એમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તે કરી શકાય. આશા છે કે મારા આ નિવેદન પછી આપણે એકબીજા સાથે આપણી ગરવી ભાષા અને સાહિત્યના ભવિષ્ય વિશે વિચારોની આપ-લે કરીએ.
- ૧૯૯૮માં લંડનની ગુજરાતી લિટરરી અકાદમી સમક્ષ આપેલું પ્રવચન.