ઋણાનુબંધ/૩. સ્ત્રી સબળા છે, અબળા નહીં — ગાંધીજીનો સ્ત્રી-વિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. સ્ત્રી સબળા છે, અબળા નહીં — ગાંધીજીનો સ્ત્રી-વિચાર


આ જાન્યુઆરીની ત્રીસમીએ ગાંધીજીની સિત્તેરમી પુણ્યતિથિ છે. ગાંધીજી તો યુગપુરુષ હતા. એમના જીવનનાં અનેક વિધવિધ પાસાં હતાં. એંશી વર્ષની લાંબી જિંદગીમાં એ એટલી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા કે એમની કોઈ એક પ્રવૃત્તિ કે એક પાસું લઈને એમનું મૂલ્ય કરવા પ્રયત્ન કરીએ તો એમને જરૂર અન્યાય કરી બેસીએ. અને છતાં આજે હું એમના સ્ત્રીઓ વિશેના જે વિચારો હતા તે વિષય ઉપર બોલવા ઊભી થઈ છું તે કંઈક સંકોચ સાથે.

કેટલીક ફેમિનિસ્ટ લેખિકાઓનું કહેવું એમ છે કે ગાંધીજી જાહેરમાં ભલે સ્ત્રીસ્વાતંત્ર્યની મોટી મોટી વાતો કરતા હતા, પણ એમના અંગત જીવનમાં ખાસ કરીને કસ્તુરબા પ્રત્યે એમનું વર્તન ક્રૂર હતું. પોતાના આવા અયોગ્ય વર્તનની બાબતમાં ગાંધીજીએ પોતે જ એમની આત્મકથામાં લખ્યું છે : કિશોરવયમાં જ્યારે એમનું લગ્ન થયેલું ત્યારથી જ એમણે કસ્તુરબા ઉપર પોતાનું ધણીપણું બતાવવાનું શરૂ કર્યું હતું. પછી એ ધણીપણું આખી જિંદગી ચાલુ રહ્યું હતું. ગમે ત્યાં હોય, એમની સરમુખત્યારીનો પરચો કસ્તુરબાને થયા જ કરતો, પછી દેશમાં હોય કે દક્ષિણ આફ્રિકામાં, ગાંધીજી તો એના એ જ રુઆબદાર ધણી. આફ્રિકામાંથી પાછા ફર્યા ત્યારે પણ એમણે ઘર કે ઘરની બહાર, આશ્રમ કે આશ્રમની બહાર પોતાનું જ ધાર્યું કર્યું છે અને કરાવ્યું છે.

આ ધણીપણું એકેએક બાબતમાં વ્યક્ત થયું હતું. પછી રસોઈમાં મીઠું નાખવાની વાત હોય, કે છોકરાઓને ભણાવવાની વાત હોય, કે આધુનિક સગવડતાવાળું ભર્યુંભાદર્યું ઘર વિખેરીને આફ્રિકાના જંગલમાં જઈને વસવાની વાત હોય, કે ઘરે આવી પડેલા માંદલા અછૂત પુરુષનાં મળમૂતર ઉપાડવાની વાત હોય, કે પછી કોઈ પણ પ્રકારની પ્રાઇવસી વગર અનેક જુદા જુદા લોકો સાથે આશ્રમમાં રહેવાની વાત હોય — આવી હજાર હજાર વાતોમાં કસ્તુરબાના ગમા- અણગમાને અવગણીને ગાંધીજીએ પોતાનો જ કક્કો સાચો ઠરાવ્યો છે. પત્ની ઉપર આવો જુલમ કરનાર પતિને ક્રૂર જ કહેવો પડેને?

ગાંધીજી મહાપુરુષ હતા, સંત હતા, પણ એમની સાથે રહેવું એ તલવારની ધાર પર ચાલવા જેવી વાત હતી. સહવાસીઓ પાસેની એમની જે અસાધારણ અપેક્ષાઓ હતી — આ કરવું અને આ ન કરવું, આ ખાવું અને આ ન ખાવું, આ પહેરવું અને આ ન પહેરવું, આ બોલવું અને આ ન બોલવું — એવી અનેક બાબતોમાં એમની જે દિવસરાતની કચકચ હતી તે તેમના અંતેવાસીઓએ સહન કરવાની હતી. કસ્તુરબા એનો પહેલા ભોગ બનેલાં અને પછી એમના ચાર દીકરાઓ.

આ બધું ઓછું હોય તેમ ગાંધીજીની ખ્યાતિ અને મહત્તાથી આકર્ષાઈને અનેક ભણેલગણેલ સ્ત્રીઓ દેશવિદેશથી આવીને એમની આજુબાજુ ઘેરાઈ રહેતી. જ્યારે કસ્તુરબા ઘરના રોજબરોજના કામમાં કે બાળઉછેરમાં ગળાડૂબ વ્યસ્ત હોય ત્યારે ગાંધીજી આ સ્ત્રીઓ સાથે દિવસરાત હળતાંમળતાં અને દેશવિદેશના પ્રશ્નોની વિચારણા કરતા. પોતે પોતાના પતિ સાથે આ પ્રકારની વ્યવસાયિક આત્મીયતા કેળવી શકતા નહોતા તે અભણ કસ્તુરબાને બહુ કઠતું, પણ એ એમણે નછૂટકે સ્વીકાર્યું. આખરે એ કાંઈ સરોજિની નાયડુ, રાજકુમારી અમૃતકૌર કે ઍની બિસેન્ટ જેવા વિદુષી થોડા હતા?

વધુમાં ગાંધીજીને સત્યાગ્રહની ચળવળમાં ગમે ત્યારે જેલમાં જવાનું થતું, ત્યારે ઘર ચલાવવાની અને છોકરાઓની સંભાળ લેવાની જવાબદારી તો કસ્તુરબાને માથે જ પડતી. ઠેઠ ૧૯૦૭થી માંડીને આખી જિંદગી સુધી ગાંધીજીએ કુલ સાત વરસ દક્ષિણ આફ્રિકા અને દેશની જુદી જુદી જેલોમાં કાઢ્યાં અને નાનામોટા સત્તર અપવાસ કર્યા, ત્યારે ઘરનું વૈતરું તો કસ્તુરબાને માથે જ હતું ને? છેલ્લી વાર ગાંધીજીને પુણેના આગાખાન પૅલેસમાં કેદ કરવામાં આવ્યા ત્યારે જ કસ્તુરબા એમની સાથે હતાં અને ત્યાં જ ૧૯૪૪માં એમનું મૃત્યુ થયું.

ગાંધીજી આ બધી ચળવળો અને સત્યાગ્રહને કારણે વિશ્વવિખ્યાત થયા. દેશવિદેશમાં જ્યાં જ્યાં એ જતાં ત્યાં એમનો જયજયકાર થતો, પણ કસ્તુરબાનું શું? કોઈએ ક્યાંય એમનો જયજયકાર કર્યો ખરો કે? એક મુસાફરીમાં એમની ગાડી જેવી સ્ટેશન ઉપર આવી કે તુરત જ જનમેદનીએ એમને એક અવાજે વધાવ્યા, “ગાંધીજીનો જય હજો!” તેવામાં એક ઠેકાણેથી બૂમ પડી, “કસ્તુરબાની જય હજો!” કસ્તુરબાએ જોયું તો એમનો મોટો દીકરો હરિલાલ હતો! પોતાના હાથમાંનું સંતરું બતાડીને કહે છે કે, “બા, આ સંતરું તમારા માટે લાવ્યો છું. આ તમારે માટે જ છે. બાપુને માટે નહીં! એમને નહીં આપતાં!” ગાંધીજીએ એના ઉછેર માટે જે અવગણના કરી હતી તે હરિલાલ જિંદગીભર ભૂલી નહોતો શક્યો હતો અને પિતાના વિરોધમાં ઘર છોડીને ભાગી ગયો હતો. પોતાના લાડકા મોટા છોકરાનું માંદલું શરીર, ફાટેલા કપડાં અને લઘરવઘર દશા કસ્તુરબાથી સહેવાય નહીં. કોઈ પણ માથી એ કેમ સહેવાય? હરિલાલ ગાંધીજી સાથે આવે નહીં, અને કસ્તુરબા ગાંધીજીને છોડીને ગાડીમાંથી નીચે ઊતરે નહીં. ગાડી આગળ વધીને હરિલાલ તો “કસ્તુરબાની જય હજો!” કહેતો પ્લૅટફૉર્મ પર પાછળ રહી ગયો! કસ્તુરબા માટે આ એક મોટી આઘાતજનક ઘટના હતી.

પાછલાં વરસોમાં ગાંધીજીએ પોતે જ કબૂલ કરેલું કે પોતાની જય બોલાવાય તે પહેલાં કસ્તુરબાની જ જય બોલાવી જોઈએ. ૧૯૪૭માં એમણે કહેલું કે “હું જે કાંઈ છું તે કસ્તુરબાને લીધે જ છું.” એમણે એમ પણ કહેલું કે “કસ્તુરબા ભલે અભણ હતાં, પણ એ મારા જીવનની સાચી સાથી હતી. મારી એકેએક મુશ્કેલીમાં, કપરા પ્રસંગોમાં, અને હું જ્યારે મરણતોલ માંદગીમાં સપડાયો હતો ત્યારે પણ એ હિમ્મત હાર્યા વિના મારી સાથે ખડા પગે ઊભાં રહ્યાં હતાં. અને આખરે મારા કહેવાથી જેલમાં જવા તૈયાર થયા અને ગયા પણ ખરા. આજે ફરીવાર જો મારે પત્ની પસંદ કરવાની હોય તો હું કસ્તુરબાને જ પસંદ કરું!”

ગાંધીજીના ફેમિનિસ્ટ ટીકાકારો બે વાત ભૂલી જાય છે. એક તો એ કે જે જમાનામાં એ જન્મ્યા અને ઊછર્યા તે જમાનાની દૃષ્ટિએ ગાંધીજી સુધારક ગણી શકાય! એમને કસ્તુરબાની નિરક્ષરતા ખૂબ ખૂંચતી. એમણે કસ્તુરબાને ભણાવવાના બહુ પ્રયત્નો કરેલા. પણ કસ્તુરબા માને તો ને? વધુમાં એક વાત ખ્યાલ રાખવી જોઈએ કે પોતાની બધી વિચિત્રતાઓ ગાંધીજીએ પોતાની જાત પર પહેલા અજમાવી હતી. જે જે આકરી પરીક્ષામાં ગાંધીજી કસ્તુરબાને, એમના દીકરાઓને કે અંતેવાસીઓને મૂકતા તેનો ભોગ તે પોતે પહેલા બનતા. જાતે મર્યા વગર સ્વર્ગે ન જવાય એ વાતનું અક્ષરશઃ પાલન ગાંધીજી કરતા.

બીજી વાત એ કે માત્ર કસ્તુરબાની જ નહીં, પણ સમસ્ત સ્ત્રી જાતિની જે શક્તિ છે, તે ગાંધીજી બરાબર ઓળખતા. એટલે જ તો સદીઓથી ઘરમાં રિબાતી અને સહન કરતી, ભારતીય સ્ત્રીઓને એમણે ઘરમાંથી બહાર કાઢી અને સ્વતંત્રતાની લડાઈમાં લગાડી. એટલું જ નહીં પણ જેલમાં જતી કરી. દારૂઓના પીઠા પર સત્યાગ્રહ કરતાં શિખવાડ્યું. લાઠીમાર ખાતા શીખવાડી. એમની દૃષ્ટિએ સ્ત્રી અબળા નહીં પણ સબળા હતી. સ્ત્રી પુરુષસમોવડી નહીં, પણ એનાથી ચડિયાતી હતી.

સ્ત્રીઓને સારા-નરસાની, નૈતિક-અનૈતિકની, સાચા ખોટાની સહજ સમજ હોય છે એમ ગાંધીજી સ્પષ્ટ માનતા. એમને બરાબર સમજ હતી કે અહિંસક સત્યાગ્રહમાં સ્ત્રીઓની સૂક્ષ્મ શક્તિ જ વધુ સફળ થાય છે. એટલે જ તો દાંડીકૂચ જેવા મહાન મોરચામાં એમણે સ્ત્રીઓને સાથે લીધી. એમને કારણે જ દેશને કમલાદેવી ચટોપાધ્યાય, સરોજિની નાયડુ, રાજકુમારી અમૃતકૌર, હંસા મહેતા, મૃદુલા સારાભાઈ જેવી મહાન સ્ત્રીઓની નેતાગીરી મળી. અને આજે પણ ઈલા ભટ્ટ કહે છે કે ‘સેવા’ જેવી સ્ત્રીકલ્યાણની મહાન સંસ્થાની પ્રેરણા એમને ગાંધીજી પાસેથી જ મળી હતી.

ખરું પૂછો તો ગાંધીજીનું હૃદય સ્ત્રીનું હતું. આશ્રમની ઝીણી ઝીણી વાતોમાં એ ખાસ પરોવાતા. કોણ ક્યારે માંદું પડ્યું, એની સારવાર કેમ કરવી, એને શું ખવડાવવું અને એ કોણ ખવડાવશે — એવી એવી અનેક વાતોમાં ગાંધીજી ઊંડો રસ લેતા. આશ્રમમાં જો કોઈ રક્તપીતિયું આવ્યું હોય તો ખુદ પોતે જ એની સારવાર કરતા. અને જો પોતે આશ્રમમાં હાજર ન હોય તો જ્યાં હોય ત્યાંથી કાગળ લખીને ખબર પૂછ્યા કરે, સૂચનો મોકલ્યા કરે. આવા તો એમના સેંકડો પત્રો આજે પણ જોવા મળે છે. એમની પૌત્રી મનુબહેન જે એમનાં નિત્યનાં અંતેવાસી હતા, તેમના ગાંધીજી વિશેના પુસ્તકનું નામ જ એમની સ્ત્રીસહજ કાળજી લેવાના સ્વભાવને પ્રગટ કરે છે — બાપુ, મારી મા!

આ સભામાં આપ સહુ શુભેચ્છકો જે બેઠા છો એમાં ઘણા ગાંધીજીના ચાહકો કે કદાચ અનુનાયીઓ પણ હશે. અહીં બેઠેલાઓમાંથી ભાગ્યે જ કોઈએ ગાંધીજીને જોયા હશે. ગર્વ સાથે કહેવાની હિંમત કરું છું કે મેં ગાંધીજીને જોયા છે. હું બહુ નાની હતી ત્યારે અમારું ઘર જુહૂના દરિયાકાંઠે હતું. ગાંધીજી જ્યારે મુંબઈ આવ્યા હોય, ત્યારે જુહૂકાંઠે એમની સવારની પ્રાર્થનાસભા ભરાય. મારા બાપાજી મોટા ગાંધીભક્ત. એ કાંઈ ગાંધીજીની પ્રાર્થનાસભા ચૂકે? એક દિવસ વહેલી સવારે મને ઉઠાડી. કહે, ‘ઊઠ, પ્રાર્થનાસભામાં જવાનું છે.’ અમે વહેલાં જઈએ જેથી આગળ બેસવાનું મળે. ગાંધીજી આવે. બરાબર સમયસર! બગલાની પાંખ જેવી ધોળી ખાદીની અર્ધી ધોતી. ખુલ્લી છાતી. ટટ્ટાર બેસવાનું. અને પછી ભજન શરૂ થાય. “વૈષ્ણવ જન તો તેને કહીએ…” આ મારા એક જીવનનો ધન્ય પ્રસંગ હતો.