ઋણાનુબંધ/૫. ઉખેડેલા આંબાની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. ઉખેડેલા આંબાની કવિતા


આજે જ્યારે હું મારી લેખનપ્રવૃત્તિ અને પ્રકાશનો ઉપર નજર કરું છું ત્યારે બે વાતનું મને સહજ જ આશ્ચર્ય થાય છે. એક તો એ કે અત્યાર સુધીમાં મેં એક વાર્તાસંગ્રહ, દસ કવિતાસંગ્રહો અને ઘણાબધા લેખો ગુજરાતીમાં પ્રગટ કર્યા. ગયા વર્ષે એક કાવ્યસંગ્રહ અંગ્રેજીમાં પણ થયો. આ બધું જોઉં છું ત્યારે પહેલું આશ્ચર્ય તો એ થાય છે કે શું મેં જ આ બધું લખ્યું છે? આ બધું ક્યારે લખાયું?

બીજું આશ્ચર્ય એ છે કે આ બધું કામ મેં અહીં અમેરિકામાં આવીને જ કેમ કર્યું? દેશમાં હતી ત્યારે મેં કશું જ કેમ લખ્યું નહીં? જોકે આમ તો મુંબઈમાં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે ભણી. શ્રી મનસુખલાલ ઝવેરી જેવા પ્રાધ્યાપકનો પણ મને લાભ મળ્યો. છંદોના ચહેરાઓ પણ કંઈ અજાણ્યા નહોતા. મનસુખભાઈને કારણે કવિતાને માણવાનો ભરપૂર આનંદ મળેલો. સજ્જતા હતી અને તીવ્ર ઇચ્છા હોવા છતાં દેશમાં કવિતાનો ‘ક’ ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો. કૉલેજમાં હતી ત્યારે ખબર નહીં કેમ પણ કવિતાએે જીવમાં મૂંગો મૂંગો માળો બાંધેલો. એ કવિતાને અમેરિકામાં એવી તો પાંખો મળી કે એણે મારા દૂર ને નજીકના આકાશમાં જે ઊડવાનું શરૂ કર્યું તે પચાસ વરસો પછી આજે પણ ચાલુ છે. એવું તો શું હતું કે દેશમાં જે જીભ મૂંગી હતી તે અમેરિકામાં બોલકી બની ગઈ? હું તો એની એ જ છું.

આ બાબતનો મેં ઘણો વિચાર કર્યો છે. પચાસના જે ગાળામાં હું કૉલેજમાં ગઈ તે ગુજરાતી કવિતાનો, કહો કે ગુજરાતી સાહિત્યનો એક સોનેરી યુગ હતો. વયોવૃદ્ધ બળવંતરાય ઠાકોર પણ હજી જીવતા હતાં. રામનારાયણ પાઠક પણ પ્રવૃત્ત હતા. સુન્દરમ્, ઉમાશંકર એક પછી એક કાવ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહો આપ્યે જતા હતા. દર્શકની શકવર્તી નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ તાજેતરમાં જ પ્રસિદ્ધ થઈ હતી. રાજેન્દ્ર શાહના કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ની અને નિરંજન ભગતના ‘છંદોલય’ની બોલબાલા હતી. સુરેશ જોષીએ ગુજરાતી કવિતાના રસાસ્વાદ કરાવતી એક અદ્ભુત શ્રેણી ‘વિશ્વમાનવ’ માસિકમાં શરૂ કરેલી. નવીન અગ્રસરોમાં સુરેશ દલાલ અને હરીન્દ્ર દવે મુંબઈમાં થનગની રહ્યા હતા. એ ઉપરાંત કેટલા બધા કવિઓ કવિતાઓ લખતા!

લોકો કવિતા વાંચતા અને એ બાબતની ચર્ચાઓ પણ કરતા. મને બરાબર યાદ છે કે એ જ વર્ષોમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સુન્દરમ્‌ના એક કાવ્યસંગ્રહ ‘યાત્રા’નું વિવેચન કરતાં કહેલું કે વર્તમાન કવિઓમાં શ્રદ્ધાનો અભાવ છે. અને પછી ઉમેર્યું કે એમાં માત્ર સુન્દરમ જ એક સુખદ અપવાદ છે. એ અવલોકન ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં જરૂર છાપ્યું, પરંતુ એમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની કવિની અશ્રદ્ધા વિશેની વાતનો સ્પષ્ટ વિરોધ કરતો લાંબો લેખ પણ લખ્યો. ગુજરાતી સાહિત્યજગતમાં આ બાબતમાં ઊહાપોહ થઈ ગયો. કહેવાનો આશય એટલો જ કે એ સમયે આવી રસિક કાવ્યચર્ચાઓ થતી. પણ આ ચર્ચાઓ જાણે કે પુરુષો માટે જ મર્યાદિત હતી એવું લાગતું. એ જમાનામાં પુરુષકવિઓનો જાણે કે રાફડો ફાટ્યો હતો, જ્યારે સ્ત્રીકવિઓ આંગળીના વેઢે ગણાય તેટલી પણ જોવા નહોતી મળતી. અરે, સ્ત્રીઓની લાગણીઓને વ્યક્ત કરતી કવિતાઓ પણ મોટે ભાગે પુરુષો લખતા!

જેવું પુરુષપ્રાધાન્ય કવિતામાં હતું તેવું જ સાહિત્યનાં અન્ય ક્ષેત્રોમાં. એ સમય સુધીના ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખોની યાદી જોઈએ તો એમાં ભાગ્યે જ કોઈ સ્ત્રી-સાહિત્યકાર મળે. ૧૯૦૫થી શરૂ થયેલી પરિષદના અત્યાર સુધી ૫૧ પ્રમુખો થયા. તેમાં ૪૫ પુરુષ-સાહિત્યકારો છે. કનૈયાલાલ મુનશી તો વળી ત્રણ ત્રણ વાર (૧૯૩૭, ૧૯૪૩, ૧૯૫૫) પ્રમુખ રહી ચૂક્યા છે. લગભગ એકસો ને પંદર વરસના પરિષદના એ ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ જ સ્ત્રી સાહિત્યકારોને પ્રમુખપદ મળેલું. એ યાદીમાંથી અપવાદરૂપ વિદ્યાગૌરી નીલકંઠને (૧૯૪૩) બાદ કરો તો ધીરુબહેન પટેલનો નંબર પરિષદની સ્થાપના કર્યા પછી લગભગ સો વર્ષે ઠેઠ ૨૦૦૩માં લાગ્યો. વર્ષાબહેન અડાલજા (૨૦૧૨)ને બીજાં નવ વર્ષ રાહ જોવી પડી. એવી જ રીતે ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું બહુમાન રણજિતરામ સુવર્ણચંદ્રક ૨૦૧૨ સુધીમાં ૮૨ સાહિત્યકારોને અપાયું છે. ૧૯૨૮માં શરૂ થયેલ આ ચંદ્રક સ્ત્રી-સાહિત્યકાર હીરાબહેન પાઠકને તો ઠેઠ ૧૯૭૪માં મળ્યો. બીજાં બે સ્ત્રી-સાહિત્યકારો ધીરુબહેન પટેલ (૧૯૮૦) અને વર્ષા અડાલજા (૨૦૦૫)ને એ ચંદ્રક મળતાં વરસો વીતી ગયાં.

કોઈ એમ જરૂર કહી શકે કે સાહિત્યનું આવું બહુમાન તો વ્યક્તિ અને તેના સર્જનની ગુણવત્તા ઉપર અપાય છે. એમાં કોઈ જેન્ડર, જાતિ કે વર્ણનો વિચાર ન કરાય. પણ જો સ્ત્રીઓને ઘર કે સમાજમાં સાહિત્યસર્જન કરવાનું કોઈ પ્રોત્સાહન ક્યારેય ન મળતું હોય તો એ કેવી રીતે એ કવિતાનો ‘ક’ ઘૂંટવાની છે? અને જો મોટે ભાગે સ્ત્રીલેખન થતું જ ન હોય, તો પછી ચંદ્રકયોગ્ય શું ગણવું? વધુમાં જે કોઈ ગણીગાંઠી બહેનોએ સાહિત્યસર્જનનું સાહસ ખેડ્યું હતું તેમની ગુણવત્તા નક્કી કરવાવાળા વિવેચકો કોણ હતા? એ બધા પુરુષો જ હતા ને? જે પુરુષ-વિવેચકોએ મારા સર્જનનું વિવેચન કર્યું છે તેની વાત કરું તો કેટલાક વિવેચકો ઉપર મને જરૂર શંકા ઊપજે છે. એમના વિવેચનમાં સાચું કેટલું? કોઈ કોઈમાં મને સાહિત્ય કરતાં બીજા આશયની ગંધ આવે છે. બીજી સ્ત્રીકવિઓ સાથે વાત કરતા તેમનો પણ અનુભવ આવો છે એમ જાણવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે વર્તમાન ગુજરાતી સાહિત્યનાં દોઢસોથીય વધુ વર્ષના ઇતિહાસમાં સમ ખાવા પૂરતી આપણને એક પણ બહુમાન્ય સ્ત્રીવિવેચક મળી નથી. આમાં શરીફા વીજળીવાળા એક જ અપવાદ છે. અને તેમને પણ ઠેઠ ૨૦૧૮માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો.

સ્ત્રીઓની આ સાહિત્યિક અવગણના આકસ્મિક નથી. એમાં હું આપણા બૃહદ દંભી સમાજનું પ્રતિબિંબ જોઉં છું. એક બાજુ આપણે ત્યાં સ્ત્રીઓનું શાસ્ત્રોમાં બહુમાન થાય છે. કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવો રમે છે! શક્તિ, સરસ્વતી, લક્ષ્મી, એવાં એવાં વિશેષણોથી એમને નવાજવામાં આવે છે, પણ વાસ્તવિકતા સાવ જુદી છે. ખુદ રાજધાની દિલ્હી જેવાં મોટાં મોટાં શહેરોમાં ગૅંગ રેપ થાય એ કંઈ હવે નવી નવાઈની વાત નથી. ગામડાંઓમાં નવવધૂઓને જીવતેજીવ બાળી નાખવી એ પણ હવે બહુ મોટા આશ્ચર્યની વાત નથી. મારા જમાનામાં પૈસાપાત્ર કુટુંબોની દીકરીઓ કૉલેજમાં કંઈ કોઈ કરિયર કરવા માટે નહોતી જતી. મૅરેજ મારકેટમાં એમના ભાવ વધે એ માટે માબાપ એમને કૉલેજમાં દાખલ કરતાં. અને તેમનો અભ્યાસ મુખ્યત્વે આર્ટ્સ કૉલેજમાં જ થતો. આમ હું પણ કૉલેજમાં દાખલ થઈ. પણ મારા અભ્યાસનો મુખ્ય વિષય હતો: ગુજરાતી સાહિત્ય!

આજે આ બધી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે, ખાસ કરીને મોટાં શહેરોમાં અને તે પણ ઉચ્ચ અને ઉચ્ચમધ્યમ વર્ગોમાં. કૉલેજમાં આર્ટ્સ ઉપરાંત અન્ય વિષયોમાં — સાયન્સ, મેડિસિન, એન્જિનિયરિંગ અને અન્ય ટેક્નિકલ વિષયોમાં હું બહેનોને અભ્યાસ કરતી જોઉં છું. ઘણી બહેનોને હું કવિતા લખતી જોઉં છું. એમનાં કવિમિલનો — જૂઈ મેળો — વારંવાર થાય છે. મારા જમાનાની બહેનોને આ જોઈ આશ્ચર્ય અને આનંદ થાય છે. જોકે ગુજરાતનાં ગામડાંઓ અને નાનાં શહેરોમાં પરિસ્થિતિ બહુ બદલાઈ હોય એવું દેખાતું નથી.

મારા જમાનાના ગુજરાતમાં સ્ત્રીઓને સતત રૂંધતા આવા વાતાવરણમાં બહેનો કશું સાહિત્યસર્જન નથી કરી શકી એ સમજી શકાય છે. પણ જેવી હું દેશના પીંજરામાંથી છૂટી કે તરત જ મેં કવિતા લખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પણ હું કશુંક જુદું જ કાવ્યવસ્તુ લઈ આવી. એ કેમ બન્યું? અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી એન સેક્સટનને મળવા-સાંભળવા-વાંચવાનો લહાવો મળ્યો. એનાં કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. એનાં કાવ્યોની નિખાલસતા અને પારદર્શકતા મને વીંધી ગઈ. જાણે કે મારા ખોવાઈ ગયેલા અસ્તિત્વનો ક્યાંક એમાં તાળો મળતો હોય. એક સ્ત્રી પોતા વિશે કોઈ પણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો મને ખ્યાલ આવ્યો. એનાં કાવ્યોમાં ગર્ભાશયની વાતો, માસ્ટરબેશન અને મેન્સ્ટ્રુએશનની વાતો એ છોછ વિના કરી શકે છે — દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવા વિષયોની વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્ત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કાયરતા છે.

પચાસથીયે વધુ વરસના મારા અમેરિકન વસવાટ દરમિયાન હું સતત જુદા જુદા વિષયો ઉપર કવિતા અને વાર્તાઓ લખતી રહી છું. ઝાઝે ભાગે અછાંદસ, તો ક્યારેક સૉનેટો પણ લખ્યાં છે. છંદોબદ્ધ સૉનેટની સાથે ગદ્ય સૉનેટ કે મરાઠીમાં જેને ‘સુનીત’ કહેવાય એવા પ્રયોગો કર્યા છે. વચ્ચે એક એવો તબક્કો આવ્યો કે પંક્તિઓ ગીતનો લય લઈને આવતી રહી અને આમ ગીતોપણ લખાયાં જેનો અલાયદો સંગ્રહ ‘આવનજાવન’ પણ પ્રગટ થયો. કવિતા લખતાં લખતાં એક નવી દિશા પણ મળી. કેટલાક વિષયોની વાત અને અભિવ્યક્તિ માટે કવિતાની કેડી નાની પડી એટલે વાર્તા તરફ વળી અને ‘ફ્લેમિન્ગો’ વાર્તાસંગ્રહ થયો.

‘રંગઝરૂખે’ કાવ્યસંગ્રહમાં દીર્ઘ અગિયાર કાવ્યો છે. એમાં વેદનાથી પ્રારંભ થયેલી કવિતા કોઈ વિસ્મયના વિશ્વમાં મને લઈ જાય છે. જીવન પ્રત્યેનો જે અભિગમ છે તે પણ એમાં પ્રગટ થયો છે. અગિયારે અગિયાર કાવ્યોમાં મૂળ વાત તો ચૈતન્યના પ્રવાહની છે. એની ધીમી પણ મક્કમ ગતિ. બધી જ અપેક્ષાઓ ખંખેરાઈ ગયા પછી મન કઈ રીતે જાતને અને જગતને લગભગ સાક્ષીભાવે જુએ છે એનો કદાચ નકશો મળે.

અછાંદસ કાવ્યોથી શરૂ કરી એ સ્વરૂપમાં ટકી રહેનાર અને આવાં દીર્ઘકાવ્યો પછી હું હાઈકુના જાપાનીઝ સ્વરૂપ પ્રત્યે શી રીતે આકર્ષાઈ એ પ્રશ્ન મને જરૂર થાય છે. જાગ્રત સર્જક નવા નવા સ્વરૂપ અપનાવતો રહે છે. હું બહુ જ સભાન હતી કે આ સ્વરૂપ દેખાય છે એટલું સરળ નથી. લોભામણું છે. લપસણું છે. એય ખબર કે એ શબ્દરમત નથી અને નથી પાંચ, સાત, અને પાંચ અક્ષરોનું જોડકણું. હાઇકુમાં સઘનતા, ઊંડાણ, અને ચિત્રાત્મકતા લાવવાં એ મારે માટે પડકાર હતો. વાચકોને સહેલું પડે માટે વિવેચકો કોઈક ને કોઈક ઓળખચિઠ્ઠી કવિને કે કવિતાને લગાડે. વિવેચકોએ મારી કવિતા એ confessional poetryનો પ્રકાર છે એવું પણ કહ્યું છે. એમાં નારીસંવેદના અને નારીસ્વાતંત્ર્યને મેં વાચા આપી છે એમ પણ કહેવાયું છે. જેમ એક રંગની ઝાંય હોય તેમ આ બધાં તારણોની પણ વિવિધ ઝાંય હશે એમ માનું છું.

હું ગુજરાતીમાં લખું છું પણ અમેરિકામાં રહેતી લખતી ગુજરાતી કવયિત્રી છું. મારા જેવા વિદેશી ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષા અમારી ઓળખાણ છે. પણ વિચિત્રતા તો એ છે કે અહીંનો ગુજરાતી સર્જક ગુજરાતી પ્રજા વચ્ચે રોજ-બ-રોજ જીવતો નથી, એટલે કે જે પ્રજા માટે એ લખે છે ને જે વાચકો માટે સર્જન કરી રહ્યો છે તેના જીવંત સ્પર્શથી એ દૂર છે. દેશની જેમ અહીં ઘરની બહાર પગ મૂકીએ એટલે શેરીની ધૂળથી અમારા પગ ખરડાતા નથી, બાળકોની કાલીઘેલી ભાષા સંભળાતી નથી, રસોડાની વાતચીતનો રણકાર કાને પડતો નથી, સુરતીઓના હકાર સંભળાતા નથી, સામાન્ય લોકોના એકબીજા સાથેના ઝઘડાઓનો—મેણાંટોણાંનો અવાજ સંભળાતો નથી.

આ જીવંત સ્પર્શનો અહીં પરદેશમાં અભાવ છે. આ કારણે પ્રજામાં, પ્રજાની અભિવ્યક્તિમાં, ભાષામાં, બોલીમાં, જે કાંઈ ફેરફાર થઈ રહ્યા છે તેનાથી અમે વેગળા છીએ. અમે ગમે તેટલી વાર દેશ જઈ આવીએ અથવા તો પરદેશમાં જ્યાં રહીએ છીએ ત્યાં ગમે તેટલાં ગુજરાતી સંમેલનો યોજીએ તોપણ એ બધાથીય રોજબરોજનો, જીવતોજાગતો, પ્રજા અને એની ભાષાનો સંપર્ક અમને મળવાનો જ નથી. આ હકીકત છે. અમેરિકામાં રહીને ગુજરાતીમાં લખવું એ સામે પૂરે તરવા જેવું છે. અમેરિકાના લાંબા વસવાટ પછી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી દેશમાં પાછા ગયા ત્યારે તેમણે તેમની કાવ્યપ્રવૃત્તિ ફરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમને ધારી હતી તેટલી સફળતા મળી નહીં. એમની સાથે જ દેશમાં ઊછરેલા કવિ સહોદરો ઉમાશંકર જોશી અને સુન્દરમ તો સાહિત્યના એક પછી એક ઊંચાં ઊંચાં શિખરો સર કર્યે જતા હતા ત્યારે પોતે કવિતા ઉપરનું પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું હતું તેમ એમને થયું. એમનાથી એકાએક ચીસ પડાઈ ગઈ: ઉખેડેલા આંબા નહીં ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે. આમ અમે દેશથી દસ હજાર માઈલ દૂર બેસીને ભલે કવિતા લખીએ, પણ એ કવિતા આખરે તો ઉખેડેલા આંબાની કવિતા છે.