ઋણાનુબંધ/૫. નટવર ગાંધી
નટવર ગાંધીનો પહેલો પરિચય થયો ૧૯૭૦માં. જાણીતા કવિ સુરેશ દલાલ સાથે અમે વૉશિંગ્ટન ગયેલાં. નટવર ગાંધીએ સુરેશ દલાલના કાવ્યવાચનની સભાનું પ્રમુખપદ સંભાળેલું. એમણે સુરેશ દલાલનો જે પરિચય આપેલો તે સાંભળીને કવિ અને હું છક્ક થઈ ગયેલાં. સુરેશ કહે કે અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્યની આટલી સમજ અને સૂઝ આપણને ભાગ્યે જ જોવા મળે. આ માણસ મળવા જેવો છે. ત્યારથી અમારી મૈત્રીની શરૂઆત થઈ. ગાંધી અને સુરેશ ભલે મળતા હોય બેત્રણ વરસે, પણ જ્યારે મળે ત્યારે જાણે કે દરરોજ મળતા હોય તેમ વાતનો તંતુ તરત પકડાય અને પછી કલાકો સુધી વાતો ચાલે. સુરેશ દલાલ જ્યારે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા ત્યારે નટવર ગાંધી એમને ત્યાં એક અઠવાડિયું રહેવા ગયેલા. એમની સાથે સાહિત્ય, રાજકારણ, ધર્મ, અર્થશાસ્ત્ર એમ અનેક વિષયો પર વાતો કરવાની જે મજા પડેલી તે સુરેશ વારંવાર સંભારે છે. જ્યારે જ્યારે મારે સુરેશને રૂબરૂ મળવાનું થાય કે ફોન પર વાત થાય ત્યારે ગાંધી વિશે અચૂક પૂછે.
નટવર ગાંધીને વૉશિંગ્ટનમાં બધા ગાંધી તરીકે ઓળખે. મેં એમને એક વાર પૂછેલું કે લોકો તમને તમારી અટકથી બોલાવે છે એ વિચિત્ર નથી લાગતું? એમની સહજ રમૂજી રીતે કહે કે એ બહાને લોકો ગાંધીજીને યાદ તો કરે છે. કોણ કહે છે કે આપણે ગાંધીજીને ભૂલી ગયા છીએ? તે ઉપરાંત આપણે ગુજરાતીઓ ભારે કરકસરિયા છીએ. ન ટ વ ર લા લ એમ છ અક્ષરો વાપરવાને બદલે ગાંધીના બે અક્ષરથી કામ પતતું હોય તો બેથી જ પતાવીએ. આ કરકસરની ટેવને કારણે જ આપણે કોઈનાં વખાણ બહુ કરતા નથી.
વૉશિંગ્ટનના લોકો અને મિત્રોમાં ગાંધીની છાપ એક ઓછાબોલા અને મૂજીની છે. મારે માટે આ નવી વાત. કારણ હું જે ગાંધીને ઓળખું છે જે જરાય ગંભીર નથી. સદાય હસતા. અને હસે પણ કેવું! મરક મરક નહીં. ખડખડાટ. આખો ઓરડો ભરાઈ જાય. વિનોદવૃત્તિ તીવ્ર એટલે સામા માણસ સાથે વિનોદ કરી હસાવે. ચિક્કાર હસાવે, સતત હસતા અને હસાવતા રહે. ગમતી કંપની હોય તો જ ગાંધી ખીલે. નહીં તો બેઠા બેઠા લોકોને જોયા કરે અને વિચાર્યા કરે. આવા સમયે એમનું મૌન સામાને મૂંઝવી મારે.
કાઠિયાવાડના સાવરકુંડલામાં એમનો જન્મ અને ત્યાં જ ઉછેર. એમની ભાષામાં હજી કાઠિયાવાડી ભાષાના પડઘા સંભળાય. (‘પોકી ગયો છું’, ‘વઈ નહીં જતી’, ‘રૂમાલ ખીચામાં છે’ વગેરે). ૧૯૫૭માં મૅટ્રિક પછી મુંબઈ નોકરી કરવા ગયા પણ અચાનક કૉલેજમાં જવાની તક મળી. ટ્યૂશન કરી કરી કૉલેજનો ખર્ચ કાઢ્યો. ૧૯૬૧માં બી.કૉમ. થયા પછી ત્રણેક વર્ષ મૂળજી જેઠા માર્કેટમાં ગુમાસ્તા અને મહેતાજીનું કામ કર્યું. માર્કેટની નોકરીમાં રોજબરોજ જે અપમાન સહન કરેલાં તેની વાત હજી પણ કરે છે અને સાંભળનારને કમકમાં આવે છે. નોકરી મુંબઈમાં પણ રહેવાનાં ફાંફાં. ઓરડી લેવા પાઘડીના પૈસા નહીં એટલે જે પેઢીમાં કામ કરતા હતા ત્યાં જ રાતે ભૈયાઓ અને ઘાટીઓ સાથે સૂવાનું. વીશીમાં જમવાનું. પાર્ટટાઇમ એલએલ.બી.નું ભણવાનુંય ચાલુ. પેઢીના જમાઉધારના કામમાં જરાય રસ નહીં એટલે બીજી નોકરીની સતત તપાસ. નવી નોકરીની શોધ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ‘વૉન્ટ ઍડ’ ઝીણવટથી જુએ. દરરોજ સુંદર અક્ષરમાં ઍપ્લિકેશન તૈયાર કરે અને બે માઈલ ચાલીને ટાઇમ્સના બૉક્સમાં નાંખી આવે. એક કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી આપતાં શેઠે કહેલું કે, ‘તારા અક્ષર સારા છે એટલે તને નોકરી આપું છું.’
એ સમયની એમની હાડમારીભર્યા અનુભવો ઉપર તો નવલકથા લખાય એટલી સામગ્રી તેમની પાસે છે. એ વિશે લખવાનું સૂચન કરું તો હસી કાઢે. કહે કે, ‘એવું લખીને બીજાઓ ઉપર ત્રાસ નહીં કરવાનું સરસ્વતીને વચન આપ્યું છે. બધાની અંદર એક નવલકથા લખાય એટલો મસાલો પડ્યો જ હોય છે. એ અંદર જ રહે એમાં મોટી સાહિત્યસેવા છે. એ સમયે મુંબઈમાં મારા જેવા હજારો નવયુવાનો મારાથી પણ ખરાબ દશામાં રખડતા હતા. હું કાંઈ નવી નવાઈનો નહોતો. વિચારવા જેવી વાત તો એ છે કે આપણો દેશ કેટલો બેદરકાર છે કે આવા યૌવનધનને વેડફે છે.’ આ વ્યથાને આબાદ ચીતરતી શૈલીને એક કવિતા ‘પીટી ધ નૅશન’ છે. એનો શ્રી મકરન્દ દવેએ અનુવાદ કરેલો ‘એ દેશની ખાજો દયા.’ મકરન્દભાઈ ફિલાડેલ્ફિયા આવ્યા ત્યારે મુંબઈની વાતે ચડેલા. એ વખતે ગાંધીએ કવિને એ કવિતા યાદ કરાવેલી. પોતાની આટલી જૂની કવિતાને કોઈ કાવ્યરસિક ચાળીસ વરસ પછી આટલી મમતાથી યાદ કરે છે એ જાણીને મકરન્દભાઈ ખુશ ખુશ થઈ ગયેલા.
મુંબઈથી હાડમારીમાંથી છટકવા માટે ઘણાં ફાંફાં મારેલાં. મુંબઈ છોડીને કોઈ નાના ગામમાં જઈને નોકરી કરવાનો વિચાર કરતા હતા પણ ક્યાંય પત્તો નહોતો ખાતો. ત્યાં અચાનક જ એમના કૉલેજકાળના એક મિત્ર અને અચ્છા ફોટોગ્રાફર નવીન જારેચા, જે હાલમાં ન્યૂ જર્સીમાં વસે છે, તેમના સહકારથી ૧૯૬૫માં ગાંધીનું અમેરિકા આવવાનું થયું, અમેરિકા આવવું એ એમના જીવનનો એક અત્યંત અગત્યનો બનાવ હતો. મુંબઈથી છૂટ્યા એ જ મોટી વાત હતી. એ કહે છે, ‘એ મારો મુક્તિદિન હતો. ભાગ્યનું પાંદડું ત્યારથી જ ફર્યું.’
અહીં આવીને એમણે એમ.બી.એ. અને પીએચ.ડી. કર્યાં. આઈ.બી.એમ. અને જોન્સ લાકલીન જેવી કંપનીઓમાં કામ કર્યું. યુનિવર્સિટી ઑફ પીટ્સબર્ગ અને બીજી કૉલેજોમાં એકાઉન્ટિંગના પ્રોફેસર થયા. ફેડરલ ગવર્નમેન્ટની વૉચ ડૉગ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઑફિસ — જીએઓ —માં એક વર્ષ ઍકેડેમિક રિસર્ચ કરવાની તક મળતાં ૧૯૭૬માં વૉશિંગ્ટન આવ્યા. આવ્યા હતા તો એક વર્ષ માટે પણ જીએઓના આગ્રહથી પીટ્સબર્ગ છોડી વૉશિંગ્ટનમાં જ સ્થાયી થયા. એ કહે છે કે, ‘જે કોઈ વૉશિંગ્ટન આવે છે એ બધાને ‘પેટોમિક ફીવર’ નામનો રોગ લાગુ પડે છે. એ બધાના મગજમાં એવું ભૂસું ભરાઈ જાય છે કે પોતે દેશસેવાનું મોટું કામ કરી રહ્યા છે. અને એટલે જ તો અહીં આવ્યા પછી લોકો ભાગ્યે જ વૉશિંગ્ટન છોડે છે. મારું પણ કંઈક એવું જ થયું હશે. એટલે હું અહીં રહી પડ્યો.’
આમ વાત કરીને નટવર ગાંધી ભલે પોતા પર હસે પણ એમણે કરવેરાની બાબતમાં અગત્યનું કામ કર્યું. અમેરિકાની મોટી મોટી કંપનીઓ, ખાસ કરીને વીમા કંપનીઓ અને ડિફેન્સ કંપનીઓ, જે એકાઉન્ટિંગમાં ગોલમાલ કરી પ્રમાણમાં ઓછા કરવેરા ભરતી હતી તેમના ટૅક્સેશનનો અભ્યાસ કર્યો. જીએઓના રિપોર્ટ્સ તૈયાર કર્યા. કૉંગ્રેસમાં જુવાની આપી. આખરે, એ બાબતના ટૅક્સના કાયદાઓ બદલાયા અને સરકારને સાત બિલિયન ડૉલરનો વધુ ટૅક્સ એકઠો થયો. અને નટવર ગાંધી ‘સેવન બિલિયન ડૉલર મૅન’નું બિરુદ પામ્યા. એમના આ કામથી પ્રભાવિત થઈ ન્યૂ જર્સીના ગવર્નર જિમ ફ્લોરિયોએ રાજ્યના બજેટમાં મદદ કરવા બોલાવ્યા. ત્યાં છ મહિના રહી સરકારી કર્મચારીઓના પેન્શન ફંડનો અભ્યાસ કર્યો. એમાં સુધારા કરવાનાં સૂચન કર્યાં. એ સૂચનોનો અમલ થવાથી ન્યૂ જર્સી સ્ટેટને વર્ષે એક બિલિયન ડૉલરનો ફાયદો થયો.
આજથી લગભગ અઢી વર્ષ પહેલાં ગાંધીને વૉશિંગ્ટનના ટૅક્સ કમિશનર થવાનું નિમંત્રણ મળ્યું. અનેક વર્ષોની બેદરકારી અને ગેરવ્યવસ્થાથી આખુંય તંત્ર લથડી ગયું હતું. ટૅક્સની આવક ઘટતી જતી હતી અને ખર્ચા વધતા જ જતા હતા. આમ, દુનિયાના સૌથી સમૃદ્ધ દેશ અમેરિકાની રાજધાની નાદાર બની ગઈ. એનાં બૉન્ડ જન્ક બૉન્ડ કહેવાયાં. ફેડરલ ગવર્નમેન્ટ વૉશિંગ્ટન ઉપર નાણાકીય કાબૂ લાવવા એના મેયર પાસેથી બધી સત્તા ઝૂંટવી લીધી અને કંટ્રોલ બૉર્ડ લાવવામાં આવ્યું.
૧૯૯૭ની શરૂઆતમાં ગાંધીએ વૉશિંગ્ટનના ટૅક્સતંત્રના સુધારાવધારાનું કામ કર્યું. બે વર્ષમાં રાજધાનીની નાણાકીય બાબતમાં રોનક બદલાઈ ગઈ. પહેલે જ વરસે એટલો બધો ટૅક્સ ભેગો થયો કે જ્યાં ડેફિસિટની આગાહી હતી ત્યાં સરપ્લસ થયું. બીજે વરસે એ સરપ્લસ વળી બમણું થયું. અત્યારે ગાંધીના હાથ નીચે ૬૦૦ કર્મચારીઓ કામ કરે છે અને એમને માથે ત્રણ બિલિયન ડૉલરનો ટૅક્સ ભેગો કરવાની જવાબદારી છે. આ કામ જો વ્યવસ્થિત ન થાય અને હજી આવતાં બે વર્ષ બજેટ બરાબર સરભર ન થાય અને ખાધ ઊભી થાય તો કંટ્રોલ બૉર્ડ ચાલુ રહે. અત્યારની આગાહી મુજબ ૨૦૦૧માં કંટ્રોલ બોર્ડ જશે અને વૉશિંગ્ટનમાં ફરીથી હૉમરૂલ આવશે. દેશની રાજધાનીમાં આમ લોકશાહીની પુનઃ સ્થાપના કરવામાં ગાંધીનો ફાળો મોટો ગણાય.
એમની આ બધી સિદ્ધિની બહુ નોંધ લેવાઈ છે. લોકલ અને નૅશનલ ટીવી ઉપર અને વૉંશિંગ્ટન પોસ્ટ જેવા વિશ્વવિખ્યાત છાપામાં એમના ફોટા અને એમને વિશેનાં લખાણ પ્રગટ થયાં છે. ટૅક્સતંત્રમાં જે નોંધપાત્ર સુધારા થયા તેનાં ભારોભાર વખાણ થયાં. વૉશિંગ્ટન ટાઇમ્સમાં એમની સફળતાને બિરદાવતી એક આખી કૉલમ, ‘ગાંધી, એન એકાઉન્ટન્ટસ એકાઉન્ટન્ટ’ લખાઈ. એસોસિયેશન ઑફ ગવર્નમેન્ટ એકાઉન્ટન્ટસનો નૅશનલ અચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યો. આ પહેલાં એમને જીએઓમાં ઘણા એવૉર્ડ્સ મળી ચૂક્યા છે. ખાસ કરીને જીએઓનો સર્વોચ્ચ ઍવૉર્ડ — ડિસ્ટિન્ગવિશ્ડ સર્વિસ ઍવૉર્ડ — એમના ટૅક્સેશનના પ્રદાનને બિરદાવે છે.
પરદેશમાં થયેલી એમની પ્રગતિના સમાચારો દેશમાં પણ પહોંચ્યા છે. પરદેશમાં અને તે પણ સરકારી ક્ષેત્રે નટવર ગાંધીની આ સિદ્ધિઓ કોઈ પણ ભારતીયને, ખાસ કરીને ગુજરાતીને, ગર્વ કરાવે એવી છે. ખ્યાતનામ ગુજરાતીઓને અપાતો વિશ્વગુર્જરી ઍવૉર્ડ એમને ૧૯૯૬માં એનાયત થયો.
ટૅક્સેશન અને ફેડરલ ગવર્નમેન્ટમાંના એમનાં અગત્યનાં કામ, કારકિર્દી અને સિદ્ધિઓની વાત છાપાંઓમાં આવે પણ એ વિશે એ બીજાને વાત ન કરે. કોઈ પૂછે કે ‘તમે શું કરો છો?’ તો હસીને કહે, ‘માણસ વૉશિગ્ટનમાં હોય તો સરકારી નોકરી સિવાય બીજું શું કરે?’ એમની હોશિયારી અને આવડત વિશે પૂછે તો કહે, ‘જુઓ, એટલી બધી બુદ્ધિ અમારામાં હોય તો અમે સરકારી નોકરી થોડી કરવાના હતા?’ પોતે જ પોતાની રમૂજ કરે એ એમની ખાસિયત. એમની ચમકતી ટાલ વિશે તો વાત કરે જ.
એમને પોતાની બુદ્ધિમાં અને વાણીમાં સંપૂર્ણ વિશ્વાસ. પોતે શું છે એમનું એમને સ્પષ્ટ ભાન. એ હંમેશાં કહે કે, ‘વૉશિંગ્ટનમાં ઘણા લોકો પોતાના કામને મહત્ત્વ આપવાને બદલે પોતાની જાતને મહત્ત્વ આપે છે. આવું થાય ત્યારે સમજવું કે એ મુશ્કેલીમાં મુકાવાના છે. મારે એવી મુશ્કેલીમાં નથી મુકાવું. વધુમાં, આવી અગત્યની જવાબદારી આપણને મળે એમાં કેટલાય માણસોનો હાથ અને સાથ હોય છે. સાથે સાથે ગીતામાં જેને ‘દૈવામ્ ચૈવાત્ર પંચમમ્’ કહ્યું છે તે તો ક્યારેય ન ભૂલવું.’ વિશ્વગુર્જરીનો ઍવૉર્ડ લેતી વખતે એમણે કહ્યું હતું કે, ‘ખરું પૂછો તો આપણે બીજાઓના ખભા ઉપર ઊભા રહીને જ મોટું કામ કરીએ છીએ. મહત્ત્વાકાંક્ષા અને પરિશ્રમ જરૂર અગત્યનાં, પણ આપણે ‘સેલ્ફ-મેઇડ’ છીએ એવો ઝાઝો ભ્રમ ન રાખવો.’ આમાં ડોળભરી નમ્રતા નથી, માત્ર હકીકતનો સ્વીકાર છે.
ભલે ગાંધીનો પનારો પડ્યો એકાઉન્ટિંગ સાથે પણ એમનો મૂળ જીવ સાહિત્યનો. અમારી ઓળખાણ અને મૈત્રી જામી તે મૂળ સાહિત્યને નાતે અને ખાસ કરીને કવિતાને નાતે. અમેરિકામાં એ છેલ્લાં ત્રીસ વરસથી સતત વિકાસશીલ રહ્યા છે. અહીં રહીને પણ ગુજરાતીના જૂના-નવા સાહિત્યિક પ્રવાહો વિશે માહિતગાર છે. મીરાંબાઈ અને દયારામનાં પદો સાથે સાથે એમના પ્રિય કવિ હરિશ્ચંદ્ર ભટ્ટની અનેક રચનાઓ એમને કંઠસ્થ છે. કાવ્યપ્રકારમાં સૉનેટ પ્રત્યે અભિરુચિ વિશેષ. કૉલેજકાળથી સંઘેડાઉતાર સૉનેટ લખતા અને લખે છે અને તે પણ પૃથ્વી જેવા અઘરા છંદમાં. ઉમાશંકર જોશીનું ‘પ્રાચીના’, હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘સ્વપ્નપ્રયાણ’ કે જ્યૉર્જ બર્નાર્ડ શૉનું ‘સેઇન્ટ જોન’ એમની પાસેથી સાંભળવાં એ પણ એક લહાવો છે. ‘નોર્થ અમેરિકન લિટરરી ગુજરાતી એકૅડમી’ના એ આદ્યસંસ્થાપકોમાંના એક સ્થાપક છે.
મુંબઈમાં બનતી ફૉર્મ્યુલા હિંદી સિનેમા પ્રત્યે એમને સખત અણગમો પણ સત્યજિત રાયના ‘પાથેર પાંચાલી’, ‘ચારુલતા’ અને ‘શતરંજ કે ખિલાડી’ કે જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘સેઇન્ટ જોન’ અને ‘હાર્ટબ્રેઇક હાઉસ’ કે શેક્સપિયરના ‘કિંગ લિયર’ અને ‘હેમ્લેટ’ એ એકથી વધુ વાર જોઈ શકે છે.
ગાંધી પાસે સાહિત્યરુચિ, વિચારસમૃદ્ધિ, સામાજિક સૂઝ, ભાષા એમ ઘણું ઘણું છે. એક સમર્થ વિવેચક થવાની સજ્જતા છે. છતાં ગુજરાતી સાહિત્યને એમની પાસેથી છૂટાછવાયા થોડા લેખોથી વધુ કાંઈ મળ્યું નથી. સુરેશ દલાલે ‘ઇમેજ પબ્લિકેશન્સ’ શરૂ કર્યું પછી ગાંધી સામેની એની હંમેશની ફરિયાદ છે કે ગાંધી પુસ્તક નથી લખતા. સુરેશનો મારા પર ફોન આવે ત્યારે અને એ ગાંધીને મળે ત્યારે હંમેશ પુસ્તકની માગણી કરે. પણ ગાંધીના ખીસામાંથી નવાનક્કોર રૂમાલ સિવાય બીજું કાંઈ ન નીકળે. ઉમાશંકર જોશી જ્યારે અમેરિકા આવેલા ત્યારે એમણે પણ ગાંધીને ‘લખતા રહેવાની’ સલાહ આપી. પછી એક પત્રમાં લખ્યું કે, ‘ભાઈ, તમને રાઇટર ઑફ ફિલૉસૉફી તરીકે જ હંમેશ જોઉં છું.’
કદાચ એવું હશે કે એમનામાં ઘર કરી ગયેલો પેલો આકરો વિવેચક એમની સર્જકતાને મારી નાખે છે. જે માણસ સાહિત્ય અને વિચારોમાં એડમંડ વિલ્સન (અમેરિકાના આ સદીના મહાન સાહિત્યકાર અને સાંસ્કૃતિક વિભૂતિ) જેવાનો આદર્શ રાખીને બેઠા હોય તેને જેવુંતેવું પોતાનું કે બીજાનું કેમ ચાલે? આથી જ તો વર્તમાન ગુજરાતી સાહિત્ય ઉપરના એમના લેખો… ‘ગુજરાતીમાં મહાન કવિતા કેમ લખાતી નથી?’ ‘વર્તમાન ગુજરાતી કાવ્યવિવેચનની દરિદ્રતા’ વગેરે ઘણાને આકરા લાગે છે. આ ઉચ્ચ આદર્શને કારણે જ એ ઉમાશંકર જોશી કે નિરંજન ભગત જેવા સમર્થ સર્જકો ઉપર પણ આકરા લેખ લખી શકે છે. અથવા તો જ્યૉર્જ કીનન જેવા વિચારક અને મુત્સદ્દી સાથે અમેરિકાના ભવિષ્ય વિશે વિવાદ કરી શકે છે. વધુમાં, વૉલ સ્ટ્રીટ જર્નલ જેવા આંતરરાષ્ટ્રીય છાપામાં દેશની ટીકા કરી શકે છે. સાથે સાથે કર્મભૂમિ અમેરિકા અને જન્મભૂમિ ભારતને વખોડતા એવા અહીં વસતા આપણા ભારતીઓની ટીકા કરતી પરિચયપુસ્તિકા લખી શકે છે.
આ ઉચ્ચ આદર્શ જો એમની એક વિશિષ્ટતા છે તો સાથે સાથે એ એમની એક મર્યાદા પણ છે. જે ત્રાજવે એ બીજાને તોલે છે તે જ ત્રાજવે એ પોતાની જાતને તોલવા તૈયાર છે. એમનામાં વસેલો સર્જક એમના વિવેચકથી ગભરાય છે. આ વાત-ફરિયાદ જ્યારે જ્યારે એમની પાસે કરી છે ત્યારે એમનો એક જ જવાબ હોય છે — નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એક એ વાત પણ સાચી કે એમને જે પ્રકારનું વિવેચનાત્મક અને વિચારપ્રધાન લેખનકામ કરવું છે તે માટે જે સમય ફાળવવો પડે તે એમના અત્યારના વ્યસ્ત જીવનમાં કદાચ શક્ય ન હોય. એ નિવૃત્ત થાય ત્યારે કદાચ શક્ય બને. એમની આજુબાજુના ઘણા મિત્રો નિવૃત્ત થવા માંડ્યા છે. હમણાં એમને પૂછ્યું કે ક્યારે રિટાયર થાવ છો તો કહે છે, ‘હજી તો ઘણું કામ કરવાનું છે. માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ.’ આવતે વરસે એમને સાઠ વર્ષ પૂરાં થશે. એમના જેવા શાણા ને ચકોર માણસને એટલી જ ટકોર કરવાની કે કોઈ અમરપટો લઈને નથી આવ્યું. જે કાંઈ લેખનકામ કરવું છે તે હવે નહીં તો ક્યારે કરશો?
(આ લેખ ૧૯૯૯માં લખ્યો. લેખની છેલ્લી ટકોરને કારણે કે એમની ષષ્ટિપૂર્તિ પછી ગાંધી લખવામાં ખૂબ કાર્યરત રહ્યા છે. ૨૦૦૪માં ‘અમેરિકા અમેરિકા’ નામનો પૃથ્વી છંદમાં લખેલાં સૉનેટનો અપૂર્વ સંગ્રહ ઇમેજ પબ્લિકેશન્સ તરફથી પ્રગટ થયો છે. આ સંગ્રહ સાચા અર્થમાં diaspora literatureનું પ્રતિનિધિત્વ ધરાવે છે.)