ઋણાનુબંધ/૮. નિરંજન ભગત : જાગ્રત કવિનો સ્વાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૮. નિરંજન ભગત : જાગ્રત કવિનો સ્વાધ્યાય


આપણા એક અગ્રગણ્ય કવિ શ્રી નિરંજન ભગતનાં ગદ્યલખાણો હવે વ્યવસ્થિત રીતે ‘સ્વાધ્યાયલોક’ના શીર્ષક નીચે આઠ ગ્રંથોમાં પ્રગટ થયાં છે.

સાડાચાર દાયકામાં લખાયેલા આ લેખો છૂટાછવાયા છપાયેલા અને અનેક નાની પુસ્તિકાઓ રૂપે પણ પ્રગટ થયેલા. જૂના દટાઈને પડેલા આ લેખો હવે આપણને એક સુંદર, યોજનાબદ્ધ ગ્રંથશ્રેણીમાં મળે છે તે ખરે જ આપણું સદ્ભાગ્ય છે.

ગુજરાતી સાહિત્યની આ ઘણી અગત્યની ઘટના ગણાય. વધુમાં, નિરંજન ભગતના પ્રશંસકો અને અભ્યાસીઓ માટે એક મોટી સુવિધા પણ થઈ ગણાય. શ્રી ચિમનલાલ ત્રિવેદીએ નિરંજનભાઈના અનેક વિષયો પરનાં લખાણો આ પ્રમાણે આઠ ગ્રંથમાં એકત્રિત કર્યાં છે.

(૧) કવિ અને કવિતા

(૨) અંગ્રેજી સાહિત્ય

(૩) યુરોપીય સાહિત્ય

(૪) અમેરિકન અને અન્ય સાહિત્ય

(૫) ગુજરાતી સાહિત્ય, પૂર્વાર્ધ

(૬) ગુજરાતી સાહિત્ય, ઉત્તરાર્ધ

(૭) બલવન્તરાય, ન્હાનાલાલ, સુન્દરમ્, ઉમાશંકર

(૮) અંગત

આ ગ્રંથો વાંચતાં કે એનાં પાનાં ફેરવતાં કે એના ઉપર ઉપરછલ્લી નજર નાખતાં થાય કે આ કવિ હાથ જોડીને બેસી નથી રહ્યા. એ પોતે ભલે એમ કહે કે “હું તો બસ ફરવા આવ્યો છું; હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?” પરંતુ એમણે ઘણાં કામ કર્યાં છે.

આજથી લગભગ સાડાત્રણ દાયકા પહેલાં ઉમાશંકર જોશીના ગદ્યનું આ પ્રમાણે જ સંકલન થયેલું, અને ‘અભિરુચિ’, નનિરીક્ષા’, ‘કવિની સાધના’, નકવિની શ્રદ્ધા’, ‘શ્રી અને સૌરભ’, ‘પ્રતિશબ્દ’ એમ અનેક ગ્રંથોમાં. અને હવે નિરંજન ભગતનાં ગદ્યલખાણોની શ્રેણી પણ એ મુજબ બહાર પડે છે. આ બંને શ્રેણીઓ એક વાત સ્પષ્ટ કરે છે કે જાગ્રત કવિ કેવી કેવી અને કેટકેટલી તૈયારી કરે છે. બંને કવિઓને ઈશ્વરે સર્જકતાની મોટી ભેટ આપી છે. એમણે બરાબર સાચવી અભ્યાસ અને પરિશ્રમ-પરાયણતાની એ ભેટને બેવડી કરીને પાછી આપી છે એ આપણાં સૌનું સદ્ભાગ્ય છે.

ઉમાશંકરે એમનો ‘ધારાવસ્ત્ર’ કાવ્યસંગ્રહ નિરંજન ભગતને અર્પણ કરતાં લખ્યું છે:


ક્યાંય-ક્યાંયથી આવે
ભાષાઓ વટોળતી કવિતા
ખોળતી તમને,
કવિમુખે કંઈક હૃદયોને પહોંચવા

આ વાત કેટલી સાચી છે. ‘સ્વાધ્યાયલોક’ના લેખોને જોતાં લાગે કે આ કવિે બીજા કવિઓની કવિતાને આત્મસાત્ કરીને કેટકેટલાં લાડ લડાવ્યાં છે. કેટકેટલા દૂરના અને નજીકના કવિઓનો એમણે અભ્યાસ કર્યો છે. બંગાળીમાંથી ચિત્રાંગદા, હિબ્રૂ-અંગ્રેજી બાઇબલમાંથી ‘ધ બુક ઑફ જોબ’, સ્પેનિશ-અંગ્રેજીમાંથી ‘સેન્ટ જ્હોન ઑફ ધ ક્રૉસ’નાં કાવ્યો, ફ્રેન્ચમાંથી બોદલેરનાં કાવ્યો વગેરે વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. એમને અન્ય ભાષાનો, અન્ય પ્રજાનો, પેઢીનો કે જૂના-નવા કાળનો કોઈ છોછ નથી.

જ્યાં જ્યાં એમને કવિતા મળી છે, ત્યાં ત્યાં તે ગયા છે. અને એને જાણી છે, માણી છે, મણાવી છે. નિરંજન ભગત માટે કવિતા એ વાડાબંધીનો વિષય નથી પણ જીવનના મર્મને સમજવાનો એક અદ્ભુત કીમિયો છે. એ વસ્તુ આ શ્રેણીના કાવ્યવિવેચક લેખો જોતાં સ્પષ્ટ થાય છે.

લગભગ ચાલીસ વર્ષથી એમણે કવિતા લખવાનું છોડી દીધું છે. સન ૧૯૪૯માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘છંદોલય’ પ્રગટ થયો; ૧૯૫૮માં ‘૩૩ કાવ્યો’ પ્રગટ થયાં. તે પછી તેમણે બહુ ઓછાં કાવ્યો લખ્યાં છે.

ઉમાશંકર-સુન્દરમ્ પછીની જે કવિઓની પેઢી ગુજરાતીમાં આવી તેમાં રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત મુખ્ય ગણાય. એ પેઢીના અનેક કવિઓએ નિરંજનનું કાવ્યસર્જન બંધ થયા પછી પણ ઘણાં વર્ષો સુધી કવિતા લખવાનું ચાલુ રાખ્યું. કેટલાક હજી લખે છે. તો પછી નિરંજન ભગતે લખવાનું કેમ બંધ કર્યું? કદાચ એમને એમ થયું હશે કે એમને જે કહેવાનું છે તે બધું કહેવાઈ ગયું છે. તો એકની એક વાત ફરી ફરીને કહેવાનો શો અર્થ? નિરંજનની કવિતામાં ભાગ્યે જ આપણને પુનરુક્તિ દેખાય. કવિ તરીકેનો આ એક મોટો સંયમ છે. અને એમાં એક કવિ તરીકેની આત્મશ્રદ્ધા પણ છતી થાય છે.

આ બાબતમાં નિરંજન એમના આદર્શ એવા કવિ એલિયટનો દાખલો અનુસરે છે. એલિયટે પણ ભાગ્યે જ પુનરુક્તિ કરી છે. પ્રમાણમાં બહુ ઓછી કવિતા લખી છે. અને છતાં એમણે જે કાંઈ લખ્યું છે તે અમર રહેશે. જ્યાં સુધી ગુજરાતી કવિતા જીવતી છે ત્યાં સુધી નિરંજન ભગતનો છંદોલય જીવતો રહેશે.

અર્વાચીન નગરજીવનની ભીષણતાના ભણકારા પહેલી વાર નિરંજનના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યમાં સંભળાયેલા. કાવ્યશિસ્ત, લય, છંદશુદ્ધિ, બાની અને કસબ — કોઈ પણ દૃષ્ટિએ જોઈએ તો છંદોલય એ ગુજરાતી કવિતાનું મોંઘેરું ઘરેણું છે.

કહેવાય છે કે ગદ્ય કવિઓની કસોટી કરે છે. નિરંજન આ કસોટીમાં સારી રીતે સફળ થયા છે. ઉમાશંકર સિવાય ભાગ્યે જ આપણો કોઈ એવો કવિ છે કે જેણે આટઆટલા વિવિધ વિષયો ઉપર આવું નીવડેલું અને નક્કર ગદ્ય લખ્યું હોય.

નિરંજન ભગતે હમણાં જ સિત્તેર વર્ષ પૂરાં કર્યાં. ગુજરાતી સાહિત્યના અગત્યનાં બધાં જ સન્માનો એમણે પ્રાપ્ત કર્યાં છે. કુમાર ચન્દ્રક, નર્મદ સુવર્ણચન્દ્રક, રણજિતરામ સુવર્ણચન્દ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમીનું મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન, અને આ વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ.

સન ૧૯૫૦થી શરૂ કરીને છેક ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ કૉલેજોમાં એમણે અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કર્યું. ગુજરાતી સાહિત્યકારોમાં બલવન્તરાય ઠાકોરથી માંડીને ઉમાશંકર, ચુનીલાલ મડિયા, હરિશ્ચન્દ્ર ભટ્ટ, રાજેન્દ્ર શાહ વગેરેના ગાઢ પરિચયમાં આવીને સાહિત્યસાધના કરી. એમનો સિત્તેરમો જન્મદિવસ ઊજવવા ભેગા મળેલા મિત્રોને સંબોધીને એમણે કહ્યું—

“મને લાગે છે કે હું સો વરસ જીવીશ.” આપણે એવી શુભેચ્છા પાઠવીએ કે નિરંજન સો નહીં પણ સવાસો વર્ષ જીવે અને આવા બીજા અનેક ‘સ્વાધ્યાયલોક’ આપે.

આ પ્રસંગ એમના વિચારોની છણાવટ કરવાનો નથી. પરંતુ એમની જાગૃતિની અને એમની ચેતનાની નોંધ લેવાનો છે. અને એમના સ્વાધ્યાયને અંજલિ આપવાનો છે.

ઉમાશંકરે એમના માટે લખેલી પંક્તિઓ ટાંકીને વિરમીએ.

નિરંજન ભગતને જન્મદિને
(બર્ટ્રાન્ડ રસલના જન્મદિવસે)
જ્ઞાન, પ્રેમ બંધુતા—
એ સિવાય જિંદગી નરી પંગુતા
અનિદ્ર ચિત્ત, હૃદયમહાર્ણવે વિરાટ
ખ ળ ભ ળા ટ
કર્મની વિદ્યુત-લકીર,
—એ જ એક
આત્મશાંતિ શોધતા પ્રબુધ ધીર.