ઋણાનુબંધ/(અ)મારી મુઠ્ઠી
Jump to navigation
Jump to search
(અ)મારી મુઠ્ઠી
હાથ તો હું લંબાવી શકું
પણ તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
હમણાં જ ખીલેલાં ગુલાબ જેવા.
તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજૂદ દેખાશે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ
તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ…
→