ઋતુગીતો/ઋતુ-શોભા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઋતુ-શોભા

અહીં મિત્ર-વિદેહના મરસિયા નથી, તેમ પ્રેમિકોનાં વિરહગીત પણ નથી. આ નમૂનો છે માત્ર ઋતુઓના આનંદ ને લક્ષણો આલેખી રાજસભાનું ચિત્તરંજન કરનારી કવિતાનો. ત્રણેય ઋતુઓને લંબાણથી આલેખી છે. વ્રજભાષા કે બીજી કોઈ પરપ્રાંતીય ભાષાની અસરથી મુક્ત રહેલા એક એકાન્તવાસી ગ્રામ્ય રાવળે રચી હોવાથી એમાં સોરઠની શુદ્ધ ડિંગળી ભાષાનો જ પ્રવાહ ચાલેલો છે. પરંતુ કવિ પોતે આધુનિક તેમજ ગ્રામ્ય જમીનદારોના સહવાસી હોવાને લીધે ડિંગળી ભાષાને સરળ સોરઠી ભાષાની કૂણપ આપી શક્યા છે. અને તળપદ સૌરાષ્ટ્રનાં જ ઋતુ-લક્ષણોનું આ આલેખન છે. કવિ જૂનાં ઋતુકાવ્યોની રૂઢિને વશ થયેલ નથી. એ કવિનું નામ ગીગા ભગત : જાતે રાવળ હતા. આહિરોના વહીવંચા હતા. મહુવા પાસે ડોળિયા ગામના નિવાસી હતા. કાવ્યદેવીનું એટલું ઊંચું વરદાન પામેલા હતા, કે નિરક્ષર છતાં થોકે થોકે આવાં લાક્ષણિક કાવ્ય રચી ગયા છે. એમની રચેલી સેંકડો પંક્તિઓ અનેક ચારણ બારોટોની જીભ પર રમતી સાંભળી છે. કાવ્યની મધુર સરળતાની એ સાચી સાક્ષી છે. શબ્દ-નાદ તો એમની કવિતામાં ભાવને સારી પેઠે અધીનતાપૂર્વક અનુસરી શકે છે. પ્રસિદ્ધિના નિર્લોભી આ કવિનો દેહ પૂરી વૃદ્ધાવસ્થાએ હજુ એકાદ વર્ષ પૂર્વે જ છૂટી ગયો છે.

[ગીત સપાખરું]

ચોમાસું

ચડ્યાં આષાઢી વાદળાં કાળાં દોવળાં અંબરે શોભે,

દશ્યું ઓતરાદી માથે ઊછળ્યાં દરાર;

ઝીંગોર્યા મોરલા સાથે વાહરી મંડાણી ઝડી,

એકધારા મેઘરાજા મંડાણા અપાર. [1]

કાળાં આષાઢી વાદળાં બબ્બે થર બાંધીને આકાશમાં ઉત્તર દિશા ઉપર ઊછળ્યાં. મોરલા ગહેક્યા. વાવાઝોડાં મંડાયાં. મેઘરાજા એકધારે વરસવા લાગ્યા. [1]


વ્રહ્મંડે ત્રૂટિયા ઇન્દ્ર પડતાળા પાણીવાળા,

હાથી સોંઢવાળા કાળા મંડાણા હિલોળ;

નગાંવાળા ધક્યા ગાળા, નદી નાળા ફાડી નાખ્યાં,

અળાં માથે જળાં દળાં ફેલિયા અતોળ. [2]

હદાવાળા ત્રાહે પાળા, સરિતા જોરમાં હાલે,

પાણીવાળા ખળકારા એક ધાર પાઢ;

લોઢરા ઘૂઘવા જાણે ગીતરા ઝકોળા લાગા,

સાગરા મંડપે હાલ્યા જાનરા સમાઢ. [3]

ચોય દશ્યે ચાળ બાંધી મંડાણા ધરાકા શ્યામ,

અવની હરખી થાટ થાટે એક વાર;

રાખસી ઘાટરા લોઢ ગલોટાં મારવા લાગા,

લોટપોટાં થાવા લાગા બધા લારોલાર. [4]

વ્યોમમાંથી પાણીભર્યાં વાદળાં તૂટી પડ્યાં. જાણે લાંબી સૂંઢવાળા કાળા હાથી સૂંઢો હીંડોળવા લાગ્યા. પહાડોની ખીણો પાણીના ધોધથી ધકમક થવા લાગી. નદી-નાળાંને પાણીનાં પૂરે ફાડી નાખ્યાં. પૃથ્વી પર અતુલ જળ-ફોજો ફેલાઈ ગઈ. [2]

પગપાળા ચાલનારા ત્રાસી જાય છે. નદીઓ જોરથી ચાલે છે. પાણીના ખળકા એક ધારે ધસ્યે જાય છે. મોજાના ઘૂઘવાટ લગ્નગીતોના સૂર જેવા લાગે છે. જાણે કોઈ જાનની મેદની સમુદ્રને લગ્નમંડપે ચાલી જાય છે. [3]

ચારેય બાજુ વૃષ્ટિ બાંધીને ધરણીનો ધણી મંડાયો છે. અને સ્થળે સ્થળે પૃથ્વી હરખાઈ રહી છે. રાક્ષસી ઘાટનાં મોજાં ગુલાંટો મારીને સામસામાં અથડાઈ એક પછી એક ભાંગી ભુક્કા થાય છે. [4]

વ્રળકે વીજળી વળી ભળકે ઘટામાં વેગે,

ઝળકે પ્રભાકે જાણી હરિવાળા જાગ;

પૂરિયાં ધનૂષાં મેઘ રાજા વાળાં લીલાં પીળાં,

આભરો માંડવો લાગો શોભાવા અથાગ. [5]

મંડાણા જળાંકા રાજા અળાંપે મ્રજાદ મેલી,

હડૂડવા લાગા મેઘ ધારીને હુલાસ;

પતાળ ત્રોડવા જાણી ધડાકા રોપિયા પાગા

એવા થાવા લાગા મોટા કડાકા આકાશ. [6]

ઘટા રીંછવાળા ધોળા પાડવાળા ટૂંક ઘેર્યા,

ભર્યા જળાંવાળા નવે ખંડા ભરપૂર;

રિયણે લીલાણી ભાળી પશુ પંખી થિયાં રાજી,

નરાં માલધારી મોઢે વધ્યાં ઝાંઝાં નૂર. [7]

ઘનઘટામાં વેગથી વીજળી ચમકે છે. જાણે હરિને ઘેર જાગ તેડ્યા હોય એવી પ્રભા આકાશે ઝળકે છે. મેઘરાજાના ધનુષ્યમાં લીલા પીળા રંગો પુરાયા છે. આભનો માંડવો અત્યંત શોભવા લાગ્યો છે. [5]

જળનો રાજા મરજાદ મૂકીને પૃથ્વી પર મંડાયો છે. મેઘ ઉલ્લાસમાં આવીને હ ડૂ ડૂ ડૂ ગર્જના કરે છે. અને કેમ જાણે પાતાળ ફોડી નાખવા પોતે પગ પછાડતો હોય તેમ આકાશે મોટા કડાકા થવા લાગ્યા છે. [6]

ધોળી વાદળીઓની ઘટાઓએ પહાડોનાં શિખર ઘેરી લીધાં. નવે ખંડને જળભરપૂર કરી મૂક્યાં. પૃથ્વી લીલૂડી બનેલી નિહાળીને પશુપક્ષી રાજી થયાં. માલધારીઓ (પશુધારીઓ)ને મુખે નૂર વધ્યાં. [7]

કિયાંથી વાદળાં મળ્યાં, વીજળી વ્રળકી કિયાંથી,

કિયાંથી ગ્રજ્જના વાગી આપરે કરાર;

ભાળી વ્રષા રતુમાંહીં એની કળા નેણાં ભરી,

એવી લીલા હરિ તણી ઘણી છે અપાર. [8]

શિયાળો

જદૂનાથરા લગન આગે મોલાતું હીંડળી જાણે,

નોરતારી રમે નારી ગરબારી નાચ;

માતરા પૂજારી ટેક ધારી કે દશેરા માથે,

હેદળાં પલોટે ભારી હૈયામાં હુલાસ. [9]

ભૂખ ભાંગી રાંકવાળી, થિયા રાજી મોલ ભાળી,

દિવાળી પ્રભાળી ભાળી દિવાળી દેખાય,

કમ્પિયા કાહરા, ચત્રદશીવાળી રાત કાળી,

ભોગ દેવી દાણાવારા કપાળી ભરાય. [10]

આ વાદળાં ક્યાંથી મળ્યાં? આ વીજળી ક્યાંથી ચમકી? આ ગર્જના ક્યાંથી? નયનો ભરી ભરીને વર્ષા ઋતુમાં મેં પ્રભુની કળા નિહાળી. પ્રભુની લીલા એવી અપાર છે. [8]

યદુનાથ કૃષ્ણનાં લગ્ન પૂર્વે કેમ જાણે મહેલાતો હીંડોળતી હોય, તેમ નવરાત્રિમાં નારીઓ ગરબા મેલીને નૃત્ય રમે છે. દેવીઓના ટેકધારી પૂજારીઓ દશેરા ઉલ્લાસથી ઘોડાં પલોટે છે. [9]

રંક લોકોની ભૂખ ભાંગી, અનાજનો પાક દેખીને સૌ રાજી થયા. દીવાઓની પ્રભાથી દિવાળી સોહે છે. ચતુર્દશીની કાળી રાત દેખીને કાયરો કમ્પી ઊઠ્યા છે. તે રાત્રિએ દેવીઓ અને દાનવોને કાપાલિક લોકો બલિદાન ધરે છે. (આસો માસ.) [10]

અનોધાં પ્રીસાણાં થાય આગળે હરિને ઓપે,

ભલા પકવાન મંદ્ર બન્યા ભાત ભાત;

મોટ છોટ મેદનીરા હિલોળા આગળે મળે,

અન્નકોટ ધરાણા પ્રભુને અણી ભાત. [11]

ચમકારા ટાઢવાળા હેમાળા ભણીથી ચાલ્યા,

હડવડ્યાં પશુપંખી માનવે હેથાટ;

દડ્યા હીમ, નીર જામ્યા, જઠરા પ્રગટી દોઢી,

આયા શિયાળારા દિન નિયાળા અથાટ. [12]

ઝાકળાંને જેરે ચણા તલ કે પાકિયા ઝાઝા,

તૂટ્યાં ઝાડવાળાં પાન દેખતાં તમામ;

વીજાથળે ભદ્ર જાતી ઓથલી ડુંગરાવાળી,

કોપ કાળી ટાઢવાળા ફાટી ગિયા કામ. [13]

અનેક જાતનાં પિરસણાં હરિની મૂર્તિ સન્મુખ થાય છે, મંદિરોમાં ભાતભાતની સરસ મીઠાઈઓ બને છે. નાનીમોટી મેદિનીઓ આનંદ કરે છે. એ રીતે પ્રભુને અન્નકૂટ ધરાય છે. (કાર્તિક) [11]

ટાઢના ચમકારા હિમાલય તરફથી ચાલ્યા આવે છે. પશુપક્ષી અને માનવીઓ કમ્પી ઊઠે છે. હિમ પડે છે. પાણી જામી જાય છે. જઠરાગ્નિ દોઢગણો દીપ્ત થાય છે. એવા શિયાળાના દિવસ આવ્યા. [12]

ઝાકળ ઝરવાથી ચણા ને તલ સારી પેઠે પાક્યા. જોતજોતામાં ઝાડ પરનાં તમામ પાંદડાં તૂટી ગયાં… અત્યંત આકરી ઠંડી ફાટી નીકળી. [13]

ગોધમાં પકાવા, ઝાડ નમાવા, ડુંગરા ગાળા

જમાવા પાણિયાં હાલ્યા હીમરા ઝકોળ;

સમાવા ભાદુકા તાપ નમાવા સાગરાં મોજાં

હેમંત રતરા દાવા લાગિયા હિલોળ. [14]

લાજધારી પ્રભુવાળા વીપ્ર જમાડવા લાગા

પમાડવા લાગા સુખ દખણા પ્રમાણ;

તિલ દાન દેવા લાગા પોસ માસ આયા ત્રઠે,

ખીસરારે દને મચ્યા ભોજને ખીસાણ. [15]

ઝપાટા ઢોલરા બાગા, દિન લગનારા ઝાઝા,

સુખ તે દી રાંક રાજા સરવે સુહાત;

તાજા રતુ ગ્રીષમારા ગાજા વાજા તડકાળા

ઉનાળારા દન આગે તાપવાળા આત. [16]

ઘઉં પકાવવા માટે, ઝાડવાંને નમાવવા માટે અને ડુંગરાની ખીણોમાં પાણીના ઝરાને થિજાવી દેવા માટે ઠંડી પડવા લાગી. ભાદરવાનો તાપ શમાવવા માટે, અને સાગરનાં મોજાંને શાંત પાડવા માટે હેમંત ઋતુનો દાવો હાલવા લાગ્યો. [14]

પ્રભુ પરાયણ લોકો વિપ્રોને જમાડવા લાગ્યા. દક્ષિણા પણ આપવા લાગ્યા. પોષ માસ આવ્યો એટલે ખીસરને દિવસે તલનું દાન પણ દેવા લાગ્યા. ઘીથી લચપચતાં ભોજન મચ્યાં. [15]

માહ માસમાં ઢોલ ધડૂસ્યા. લગ્નના દિવસ આવ્યા. રંકરાય સર્વેને એ દિવસોમાં સુખ લાગે છે. પછી તો ગ્રીષ્મ ઋતુના તાજા તાપ રૂપી વાજાં વાગી ઊઠ્યાં. જગતને જાણ થઈ કે હવે આગળ તાપના દિવસો આવે છે. [16]

ઉનાળો

ડાળ્યું હિલોળી વનડાંવાળી, વીતોળી વાવલાં દિસે,

ગીતોળી ઉડાડ્યાં પત્તાં આવિયા ગ્રીષમ;

રજુંવાળી ધૂંધળારી દશ્યું ઢાળી ચડી રોગી

ગોમ વોમ તપ્યા ભાણ ઓતરાદી ગ્રમ. [17]

મૃગજાળા વાળા લોઢ ઊછળ્યા પ્રથમી માથે,

નીરઝારા સૂકા, પાન ત્રોવરારા નાશ;

સ્રોવરારા ખાલી આરા દોરા દોરા જેમ સૂકા

નશાં જીવ દાદરારા પામિયા નિરાશ. [18]

સારા સારા પંખિયારા ત્રોવરારા ગોતે છાંયા;

ભંખરારા તાપે જોગી ધૂણીઆરા ભાવ;

શંકરારા ઠારોઠાર જળાધારા માથે ચડે;

ઉનાળારા આયા દિન આકરા અથાવ. [19]

વનની ડાળીઓ હિંચોળા ખાવા લાગી. વાયરાના ઝપાટા લાગ્યા. પાંદડાંને ઉડાડ્યાં. એવી ગ્રીષ્મ આવી. દિશાઓ ઉપર ધૂંધળી ધૂળની આંધી ચડવા લાગી. ઉત્તરાદી દિશાના ભાનુ પૃથ્વી ને આકાશ બન્ને પર તપી ઊઠ્યા. [17]

પૃથ્વી પર મૃગજળનાં મોજાં ઊછળ્યાં. પાણીના ઝરા સુકાયા. તરુવરોનાં પાંદડાં નાશ પામ્યાં. સરોવરના આરા સૂના થયા. એનાં નીર દોરાવા દોરાવા ઘટીને ક્રમે ક્રમે સુકાઈ ગયા. દેડકાના જીવ સાચે આખરે નિરાશ થયા. [18]

સારાં સારાં પક્ષીઓ તરુવરોની છાયા ગોતે છે. ઠેકાણે ઠેકાણે શંકરને જળાધારી ચડે છે. એવા ઉનાળાના દિવસો આવ્યા. [19]

વનફળાં પકાવા તપાવા પીઠ ભોમ વાળા,

ભાણ તપ્યા, નદી નાળાં તડક્યા ભવન;

અકળાણા જીવ કેતા પશુપંખીવાળા એમાં,

પાણી વિના શેષ તેમાં ભ્રખિયા પવન. [20]

તડક્યા ઉનાળાવાળા કોપ કાળ જેમ તપ્યા,

માઠરાને લાગી ઝાળાં, ઉછાળ્યાં મુકામ;

ભાલાળા ડેડાણવાળા રંગભીના રહે ભૂપ

ધરા માથે બણ્યા સારા એહલોકી ધામ. [21]

ઉનાળારે ટાણે જાણે અંતરે મચાવે એલી,

રંગરેલી સભા બણે ગામરા રસાળ;

જશવાળા શરૂ પંખા મોજરા હિલોળા જાણે.

મદભરી મજા માણે રાજા જેતમાલ. [22]

વનફળોને પકવવા અને ભૂમિની પીઠ તપાવવા ભાનુ તપ્યા. નદી-નાળાંની ધરતી તરડાઈ ગઈ. એમાં કેટલાંયે પશુપક્ષી અકળાઈ ગયાં. અને સર્પો પાણીને અભાવે પવનનો ભક્ષ કરવા લાગ્યા. [20]

ઉનાળાના તડકા કાળા કોપ જેવા તપ્યા. કંજૂસ માણસોને એની એવી ઝાળ લાગી કે મહેમાનને ટાળવા માટે પોતે મુકામ ઉપાડી અન્યત્ર ચાલ્યા ગયા. પરંતુ એમાં પણ ડેડાણ ગામના શૂરવીર કોટીલા રાજા તો રંગભીના દિલાવર જ રહ્યા. એનાં નામ તો ધરતી પર સારાં જ રહ્યાં. [21]

ઉનાળાને સમયે જાણે અત્તરની એલી મચી હોય એવી રંગરાગભરી સભા ગામમાં આ કોટીલાઓના ઘેર ભરાય છે. પંખાઓ ચાલુ રહે છે. મોજમજાની લહેરો છૂટે છે. એવી મદભર મજા જૈતમાલ કોટીલો માણે છે. [22]

બણે જોધા અડાબીડ, નસીબાળા દોહી બાજુ

હોય કડાજૂડ કાજુ કચેરી હુલાસ;

ચાલે ઝારા જળધારા, જસરા ફુવારા છૂટે;

બે’કે નીર ગુલાબરા ફૂલસરા બાશ. [23]

કવતારા ગૂંથી હારા સારા સારા આવે કવિ,

શુભકારા કોટીલારા પામે તરાં સોય;

નરાં કવેસરાં જાચે એક વાર ચાંપાનંદા,

હેતવાંરે ઘરે કે દી ઉનાળા ન હોય. [24]

એ રાજાની બન્ને બાજુએ ભાગ્યવંત યોદ્ધાઓની ઠઠ્ઠ જામે છે. એવી સુંદર કચેરીમાં હુલાસ મચે છે, જળધારાઓ ઝરે છે. યશના ફુવારા છૂટે છે. ગુલાબજળ મહેકે છે. [23]

સારા સારા કવિઓ એ દરબારની પાસે કવિતારૂપી હાર ગૂંથી લાવે છે. એ લોકોને સુકૃત્યવંત કોટીલા પાસેથી ઘોડાંનાં દાન મળે છે. જે કવિ લોકો આ ચાંપરાજના પુત્રને એક વાર પણ યાચે, તેને ઘેર કદી ઉનાળો (દરિદ્રતા) જ નથી આવતો. [24]