ઋતુગીતો/કહે રાધા કાનને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કહે રાધા કાનને

રાધા-કૃષ્ણની આ વિરહ-બારમાસી પચાસ વર્ષની અંદર જ રચાયેલી લાગે છે. રચનાર કોઈ ભૂરો નામે કવિ લાગે છે. કોઈ કહે છે કે ભૂરો નામે એક મીર હતો, જ્યારે બીજા કહે છે કે એ ઉપલેટાનો રહીશ ભૂરો રાવળ છે. વાચક જોઈ શકશે કે આ ‘બારમાસી’માં ઋતુનાં વિશિષ્ટ લક્ષણો વર્ણાવાયાં નથી; ક્યાંક ક્યાંક કેવળ આછાં દર્શન આવે છે. તે સિવાય પ્રધાનપદે તો એની શાબ્દિક ઝડઝમક અને પ્રવાહી ઊર્મિમયતા છે. ચારણના કંઠમાંથી ગવાતી વેળા એનો નાદ-પ્રભાવ મન હરી શકે છે. સામાન્ય રીતે ચારણી ઋતુગીતો આષાઢથી ઊપડે છે, પણ આમાં જેઠથી પ્રારંભ થાય છે.

[દોહા]

સમરું માતા સરસતી, અવિચળ વાણી આપ! ગુણ ગાવા ગોવિંદના, ટળે જ ભવના તાપ.

કાન તજી અમને ગિયા, સઘળો ગોપી સાથ; પ્રભુ ના’વ્યા દ્વારાપુરી, રાજ કરે રુગનાથ.

મેં રડું ગોકુલ ગામમેં, કાનડ ના’વ્યા કોઈ; અબ ઝખના એસી કરું, શ્યામ સંદેશો સોય.

વિનતા2 તમને વીનવે, નહિ નેઠો3 કે નેઠ; એક વાર માધા આવજો! જો અબ આયો4 જેઠ.

[છંદ દોમળિયા]

અબ જેઠ આયો, લે’ર લાયો, ચંત ચાયો શામને, જદુવંશ જાયો, નાથ નાયો, કે’ણ કહાયો કાનને; વન વેણ2 વાતાં, રંગ રાતાં, ગોપ ગાતાં ગ્યાન3ને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[હવે જેઠ મહિનો આવ્યો, આનંદની લહરીઓ લાવ્યો; ચિત્ત સ્વામીને ચાહવા લાગ્યું, કાનને સંદેશો કહાવ્યો; છતાં એ યદુવંશમાં જન્મેલો નાથ ન આવ્યો. વનમાં વેણુ (વાંસળી) વગાડતા, રંગમાં રાતા ભીંજાયેલા ગોપલોકો જ્ઞાનમાં ગીતો ગાય છે. અને ભરપૂર યૌવનવાળી ભામિની રાધા કાનને કહેવરાવે છે.]

આષાઢ

દન ગણતાં જેઠે ગયો, કાળી ઘટા ઘન કાઢ; એણી પેરે કાના આવજો! આયો માસ આષાઢ.

આષાઢ આતા, મેઘ માતા, વાય વાતાં વાદળાં, ધર નીર ધારા, દુઃખી દારા, સામી મારા શામળા! વાજંત્ર વાજે, ગેહેરી ગાજે, મેલ્ય માઝા માનને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[દિવસો ગણતાં જેઠ પણ ગયો. વાદળાંએ કાળી ઘટા કાઢી. હે કાના! આ તરફ હવે આવજો! આષાઢ માસ આવ્યો. આષાઢ આવતાં તો મેઘ માતેલો બન્યો. વાયુમાં વાદળાં વહેવા લાગ્યાં. ધરતી પર પાણીની ધારા પડે છે. (તારી વિરહિણી) દારા દુઃખી થાય છે. હે મારા શામળા સ્વામી! આ વાજિંત્રો વાગે છે, ગહેરા નાદ ગાજે છે, માનિની હવે તો માન ને મર્યાદા મેલી દે છે. એમ ભરજોબનમાં આવેલી ભામિની રાધા કાનને કહાવે છે.]

શ્રાવણ

ત્રીજો બેઠો તબ તકે, અણપૂરી મન આશ; અબળા મેલી એકલી, ભણીએં શ્રાવણ માસ. શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં કામની, પે’રી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં ભામની; શણગાર સજીયેં, રૂપ રજીયેં, ભૂલ લજીયેં ભાનને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[ત્રીજો મહિનો બેઠો ત્યાં સુધી પણ મનની આશા અપૂર્ણ રહી. (સ્વામીએ) અબળાને એકલી મેલી. એવો શ્રાવણ માસ વર્ણવીએ છીએ. શ્રાવણમાં સારી પેઠે વૃષ્ટિ ઝરે છે. કેટલીયે કામિનીઓ કતારબંધ રંગે રાતાંચોળ પટોળાં પહેરીને ભમે છે. અમે પણ શણગાર સજીએ છીએ, રૂપને રંજિત કરીએ (શણગારીએ) છીએ, લજ્જા અને ભાન ભૂલીએ છીએ…]

ભાદરવો

નહિ આવો તો નાથજી! પાડીશ મારા પ્રાણ; ગડ હડ અંબર ગાજિયો, જોર ભાદ્રવો જાણ! ભરપૂર ભાદ્રવ, ડહક દાદ્રવ, એમ જાદ્રવ આવતાં, ગહેકે ઝિંગોરાં, સાદ ઘોરા, બહુ મોરા બોલતા; સંતે ઉચારા, મુને મારા, ધરું તારા ધ્યાનને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને.

જી! કહે રાધા કાનને.

[હે નાથ! તમે નહિ આવો તો હું મારા પ્રાણ ત્યજીશ. આ તો ગડહડાટ કરીને આકાશ ગાજ્યું. એવો જોરદાર ભાદરવો આવ્યો જાણો. ભાદરવો ભરપૂર વરસે છે. દાદૂરો (દેડકા) ડરાઉં! ડરાઉં! બોલે છે. અને જાણે જાદવરાય (કૃષ્ણ) આવતા હોય તેમ મોરલા શોર કરીને ઝિંગોર ગજાવે છે. સંત લોકો (શાસ્ત્રો) ઉચ્ચરે છે. હું તો તારું જ ધ્યાન ધરું છું…] આસો શું કરવા, સાહેલડી, અંતર હોય ઉદાસ! અલબેલો ના’વ્યા અઠે, આવ્યો આસો માસ. આસો જ એમેં, કરવું કેમેં, પ્રીત પ્રેમે પાળીએં, ઓચંત આવે, નીંદ નાવે મન્ન માવે મોહીએં; નીરધાર નયણે, ઝરે શમણે, શામ શેણે સંભરે; ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[હે સાહેલી! શા માટે તારું અંતર ઉદાસ છે? એટલા માટે કે આસો માસ આવ્યો છતાં અલબેલો આંહીં ન આવ્યો? એમ આસો આવ્યો. હવે કેમ કરવું? હે શ્યામ! પ્રીતિ તો પાળવી ઘટે. રખે ઓચિંતા એ કદાચ આવી ચડે. તેથી મને નિદ્રા નથી આવતી. મન માવા (કૃષ્ણ) પર મોહ્યું છે. નયનમાં પાણીની ધારા ઝરે છે. સ્વપ્નમાં શ્યામ સાંભરે છે…]

કાર્તિક શું કરવા, સાહેલડી, અંતર હોય ઉદાસ? રાધા કહે, સુણ ગોપિકા! કહીએ કારતક માસ. કારતક માસે, તોરી આશે, મંન સાસે માવજી! જરૂર જોતી, રૂદે રોતી, લાલ ગોતી લાવ જી! બુધવંત બાઈ, સેણ સાંઈ, કહો કાંઈ કાનને! ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને, જી! કહે રાધા કાનને.

[કાર્તિકમાં હૃદય તમારી આશાએ જ શ્વાસ લે છે, હે માવાજી! રાહ જોતી જોતી રાધા હૃદયમાં રોવે છે. કોઈ સખી જઈને લાલને (પતિને) શોધી લાવો! એ બુદ્ધિવંત બાઈઓ! કાનને જઈને કંઈક તો કહો!…] માગશર સંભારું દાડી શામને, થિર નહિ મન થાય; વ્રજવાસી! આવો વળી, મગશર મહિના માય. મગશરે માધા! મન્ન બાધા, જુવે રાધા જાળીએ, ઘર ગોપ ઘેલી બાળા બેલી! પ્રીત પે’લી પાળીએ! સોળસેં સાહેલી, ખેલ ખેલી, અલ્લબેલી આનને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને.

જી! કહે રાધા કાનને.

[રોજ શામને સંભારું છું, મન સ્થિર થતું નથી. હે વ્રજવાસી! માગશર મહિનામાં હવે પાછા વળી આવો! હે માધવ! માગશરમાં મન (તમારી સાથે) બંધાઈ ગયું છે. રાધા જાળિયામાંથી નીરખતી તમારી વાટ જોવે છે. ઘરમાં ગોપી ઘેલી બની છે. હે બાળપણના બંધુ! ભલે તમે અન્ય અલબેલી સોળસેં સખીઓ સાથે ખેલ ખેલ્યા, પણ પહેલી બાંધેલી પ્રીત તો પાળવી જોઈએ…]

પોષ નહિ આવો તો નાથજી! રહે ઘણો મન રોષ; દન લાગે અત દોયલા, પ્રભુજી! બેઠો પોષ. પોષે જહેલા, મન્ન મેલા! આંહીં વેલા આવીએ! તલખંત ચંતર, એમ અંતર, દેઈ થરથર દાખીએં! કાનડ કાળા! છોડ ચાળા! મરમ્માળા! માન ને! ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[હે નાથ! નહિ આવો તો મારા મનમાં ઘણો રોષ રહેશે. દિવસો અતિ દોહ્યલા લાગે છે. હે પ્રભુ! પોષ બેઠો. પોષમાં તો, હે મેલા મનના માનવી! વહેલા આવો. મારું અંતર તલસે છે. મારો દેહ (ઠંડીથી) કેવો થર થર ધ્રૂજે છે તે હું બતાવું. હે કાળા કાન! હવે તું તોફાન છોડ. હે મર્માળા! માની જા!…] માહ શણગાર પે’રી શોભતા, ગીત ઘરોઘર ગાય; તોરણ બાંધ્યા અંબ તણ, મોહકારી માહ માંય માહ મોહકારી, જાય ભારી, નમું નારી નેહથી, સેંથો સમારી, વેણ સારી, વારી વારી વ્રેહથી; મોજે સમાથણ, હાલી હાથણ, સરવ સાથણ સાનને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[શોભીતા શણગાર પહેરીને (સ્ત્રીઓ) ઘેર ઘેર (લગ્નનાં) ગીતો ગાય છે. આંબાના પાંદડાંનાં તોરણ બંધાય છે. મોહક માહ મહિનામાં એવું થઈ રહ્યું છે. એવો મોહક માહ મહિનો મારે તો બહુ વસમો જાય છે. હું નારી તને સ્નેહથી નમું છું. વિરહથી (ઉત્તેજિત થયેલી) હું વારંવાર મારો ચોળાતો સેંથો સરખો કરું છું અને વીખરાતી વેણીને ફરી ફરી ગૂંથું છું. સર્વે સાથણો (સખીઓ)ને લઈ, જાણે હાથણી હાલતી હોય તેમ રાધા નીકળે છે…]

ફાગણ કપટી ના’વ્યા કાનજી, ગિરધારી ગોકૂલ; સાથ લાગ્યો સોહામણો, ફાગણ ફૂલ્યાં ફૂલ. ફાગણ ફુરંગા, શામ સુરંગા! અંગ રંગા ઓપીએ, મુળગી ન માયા, નંદજાયા! કંસ ઉપર કોપીએ, ભામન ભોળી, રમે હોળી, તેમ ટોળી તાનને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[એમની સોબત સોહામણી — સરસ લાગે છે, અને ફાગણ માસનાં (વસંતનાં) ફૂલ ખીલી ઊઠ્યાં છે, (છતાં) કપટી ગિરધારી કાનજી ગોકુળમાં ન આવ્યા. ફાગણ ફોરી ઊઠ્યો. હે સુરંગી શ્યામ! આજ તો અંગ રંગેલ હોય તો જ ઓપે. હે નંદના જાયા! છેક જ પ્રીતિ ન રહી? આવો કોપ તો કંસ ઉપર જ કરાય. ભોળી ભામિનીઓ ટોળે વળીને તાનમાં હોળી રમે છે…] ચૈત્ર અબળા અરજી આખવે, બૂમ રાધા મન ખંત; નેણે ધારા નિરઝરે, ચૈતર લાગ્યો ચંત. ચૈતરે સામી! ગરુડગામી! અંત્રજામી! આવીએ, ધરગિરધારણ! કંસ મારણ! ધેન ચારણ! ધાઈએ! બળભદ્ર બાળા! છોગલાળા! વારી કાના વાનને, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી કહે રાધા કાનને.

[અબળા અરજી કરે છે. રાધાના મનમાં ખૂબ ખાંત છે. નયને અશ્રુધારા ઝરે છે. ચૈત્ર માસ એવો ચિત્તમાં લાગ્યો છે. ચૈત્રમાં, હે સ્વામી! હે ગરુડ પર ચડનાર! હે અંતર્યામી! આવો! હે (ગોવર્ધન) પર્વતને ધરનારા! કંસને મારનારા! ધેનુ (ગાયો) ચારનારા! હવે ધાજો. હે બળરામના બાળા (નાનેરા) ભાઈ! હે (મોરપિચ્છના) છોગાવાળા! તમારા (શ્યામ) વર્ણ પર હું વારી જાઉં છું…]

વૈશાખ અઢાર ભારે એકઠાં, પ્રભુ! આંબા વનપાક; કોયલ કીલોળા કરે, શો ફળિયો વૈશાખ! વૈશાખ વળિયો, ફૂલ ફળિયો, અંબ બળિયો આવિયો, નરખંત નીતિ, રાજ રીતિ, ગોપ ગીતિ ગાવિયો; મનમેં મધુરો, પ્રેમ પૂરો, ગાય ભૂરો ગ્યાનમેં, ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,

જી! કહે રાધા કાનને.

[અઢાર પ્રકારની વનસ્પતિ એકઠી થઈ છે. હે પ્રભુ! વનના આંબા પાક્યા છે. કોયલ કિલ્લોલ કરે છે. વૈશાખ કેવો ફાલ્યો છે! વૈશાખ વળ્યો, ફૂલડે ફાલ્યો, અઢળક આંબા આવ્યા. ગોવાળો ને ગોવાળણો ગીતો ગાય છે. મનમાં મધુર પ્રેમથી ભરપૂર ભૂરો કવિ જ્ઞાનદૃષ્ટિએ ગાય છે…] વ્રજ્જ માધા આવણાં અર્થ-ચમત્કૃતિ અથવા તો વાસ્તવિક ઋતુવર્ણન વિહોણા ઉપરલખ્યા છંદમાંથી આપણે હવે થોડેઘણે અંશે એ બન્ને લક્ષણો ધરાવતા એક જૂના કાવ્ય પર આવીએ છીએ. એમાં શબ્દની જમાવટ સંપૂર્ણ નાદવૈભવ નિપજાવનારી હોવા છતાં અર્થની છેક જ આહુતિ નથી અપાઈ. માસેમાસનાં ખાસ લક્ષણો ફૂટી ઊઠે છે. અને તેમાંથી વિરહોર્મિની વધુ ખિલાવટ થાય છે. ધ્રાંગધ્રા તાબાના સમરડા અથવા પાંડરાતીરથ ગામના રહીશ ગઢવી જીવણ રોહડિયાનો રચેલો આ છંદ છે. એને બસો વર્ષ થયાં કહેવાય છે. જીવણ રોહડિયાનું રચેલું ‘અંગદ-વિષ્ટિ’ નામક છંદોબદ્ધ મહાકાવ્ય પણ પંકાય છે. આંહીં ‘આષાઢ’ માસથી કાવ્ય ઊપડે છે. આષાઢથી આરંભ શા માટે? તેની ચર્ચા પ્રવેશકમાં કરેલી છે. છંદ પણ ‘ગજગતિ’ કહેવાય છે, એટલે કે હાથીની ચાલને મળતી આ છંદની ગતિ છે. વિશેષ વિવરણ પ્રવેશકમાં જડશે.

[દોહા] સુબુદ્ધિ દે મૂં સરસતી! ગુણપત લાગાં2 પાય; રાધા માધા મેહ રત3, પ્રણવાં તુજ પસાય. ધર આષાઢ ધડૂકિયો, મોરે કિયો મલાર; રાધા માધા સંભરે, જદુપતિ જગ-ભડથાર. ખળહળ વાદળિયાં વચે, વીયળિયાં વ્રળકંત; રાધા માધા કંથ વણ, ખણ4 નવ રિયણ ખસંત.

[હે સરસ્વતી! મને સુબુદ્ધિ દે. હે ગણપતિ! તમારે પાયે નમું છું. તમારી કૃપાથી હું રાધા–માધવની ઋતુઓનાં ગાન કરું છું. ધરતી ઉપર આષાઢ માસની મેઘ-ગર્જના થાય છે. મોરલા મલ્હાર રાગ ગાવા લાગ્યા છે. એ વખતે રાધાજીને માધવ સાંભરે છે. યદુપતિ પ્રભુ યાદ આવે છે. ઘમસાણ બોલાવતી વાદળીઓની વચ્ચે વીજળી ઝબૂકે છે. એ વખતે, ઓ માધવ! રાધાજી એના કંથ વગર ક્ષણ પણ અળગાં નથી રહી શકતાં…]

[ગજગતિ છંદ] વ્રજ વહીં આવણાં જી કે વંસ વજાવણાં; પ્યાસ બુઝાવણાં જી કે રાસ રમાવણાં.

રંગ રાસ રત5 ખટ માસ રમણાં! પિયા પ્યાસ બુઝાવણાં! આષાઢ ઝરણાં ઝરે અંબર, તપે તન તરણી6 તણાં; વિરહણી નેણાં વહે વરણાં, ગિયણ2 વિરહી ગાવણાં! આખંત3 રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જી! વ્રજ્જ માધા આવણાં!

[હે પ્રભુજી! વ્રજમાં આવો અને બંસરી બજાવો! મારી પ્યાસ બુઝાવો અને રાસ રમાડો! છયે ઋતુના રંગને ઓપતા રાસ રમાડીને, હે પિયુ, પ્યાસ છિપાવો! આકાશથી, ઓ પ્રિયતમ, આષાઢી મેઘની ધારાઓ ઝરે છે, પણ અમારાં તરુણીઓનાં અંગ તો વિરહની વેદનાથી તપી રહ્યાં છે. વિરહિણી ગોપીઓનાં નેત્રોમાંથી વારિ (અશ્રુ) વહે છે, વિરહનાં ગીતો ગવાય છે. રાધાજી કહાવે છે કે ઓ માધવ! સ્નેહથી બંધાયેલા ઓ સ્વામી! વૃંદાવને આવો! એ જી! આવો!]

શ્રાવણ ઓધવ આકળે જી કે મનહર નો મળ્યે; ગોપી ચખ ગળે જી કે શ્રાવણ સલ્લળે.

સલ્લળે જ્યમ જ્યમ મેહ શ્રાવણ, અબળ ત્યમ ત્યમ આકળે, બાપયા4 પ્રઘળા શબદ બોલે, જિયા પિયુ વણ નીંઝળે; મજ મોર કોકિલ શોર મંડે, નીંદ્ર સેજે નાવણાં, આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જી! વ્રજ્જ માધા આવણાં!

[હે ઓધવ! કૃષ્ણને કહેજો કે પ્રિયતમ ન મળવાથી અકળાઉં છું. ગોપીઓનાં ચક્ષુ આંસુડે ગળે છે. અને હવે તો આ શ્રાવણ વરસવા લાગ્યો. જેમ જેમ શ્રાવણનો મેહ વરસે છે, તેમ તેમ અમે અબળાઓ અકળાઈએ છીએ. અનેક બપૈયાઓ પિયુ પિયુ પોકારે છે, તેમ તેમ પિયુ વગર અમારો જીવ સળગી ઊઠે છે. મોરલાઓ અને કોકિલાઓ મીઠા શોર કરી રહ્યા છે એ સાંભળી સાંભળીને સેજમાં (પથારીમાં) મને નીંદ નથી આવતી. ઓ માધવ! રાધા કહાવે છે કે હવે તો વૃંદાવન આવો, જી આવો!]

ભાદરવો ભાદ્રવ સર ભરે જી કે અત નત ઉભરે; શ્રીરંગ5 સંભરે જી કે વિરહી વિસ્તરે. વિસ્તરે ઉર વચ વિરહ-વેલી, શોક ગોકુળ વન સહી, ધન્ય ધન્ય તારી પ્રીત ગિરધર! ગોપ તજ6 કુબજા ગ્રહી; પંથ પેખ થાકાં નયન દનદન, વચન જલમ નભાવણાં! આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જી વ્રજ્જ માધા આવણાં!

[ભાદરવાની વૃષ્ટિ વડે સરોવરો ભરાઈ ગયાં છે — અરે, છલકાઈ ગયાં છે. એવા રમ્ય સમયે મને શ્રીરંગ પ્રભુ સાંભરે છે. મારા ઉરમાં વિરહની વેલી જાણે કે પથરાય છે. ગોકુળના વનમાં શોક પ્રસર્યો છે. પરંતુ, હે ગિરધારી! તારી પ્રીતિને તો ધન્ય છે કે તેં સુંદર ગોપીઓને તજીને પણ કુરૂપ કુબજાજી ઉપર સ્નેહ ઢોળ્યો. હવે તો દિવસ પછી દિવસ માર્ગે નજર માંડી માંડીને નયનો થાકી ગયાં છે. હવે તો તારું વચન પાળજે. રાધા કહાવે છે કે હે માધવ! હવે તો વ્રજમાં આવજે!]

આસો આસો અવધિયા જી કે આશા વદ્ધિયા; થે નવ નદ્ધિયા જી કે આવ્ય અવદ્ધિયા.

આવિયા આસો અવધ આવી, સરવ નવનધ સાંપજી, ઉતરે શરદ હેમંત આવી, પ્રભુ નાયા પિયુજી, જળ કમળ છાયાં નંદજાયા! ભાવનંદન ભામણાં2! આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જી! વ્રજ્જ માધા આવણાં!

[આ તો એમ કરતાં કરતાં આસો માસની તારી અવધિ પૂરી થઈ, ને મારી આશા પણ વધવા માંડી. નવેય નિધિની સંપત્તિ પાકી ગઈ છે. શરદ પણ ઊતરી, હેમન્ત ઋતુ બેઠી. તોયે પ્રિયતમ પ્રભુ ન જ આવ્યા. હે નંદના જાયા! હે ભાવનંદન! તમારાં વારણાં લઉં છું. આ હેમન્તમાં જળ ઉપર કમળ છવાઈ ગયાં છે. હે નંદન! હવે તો તારો ભાવ દાખવ. હે માધવ! વ્રજમાં આવો! આવો!]

કાર્તિક અંબર ઓડડે3 જી કે હોય પ્રબ્બ4 હોડડે5 તોરણ ટોડડે6 જી કે કાતી7 કોડડે.

કોડડે ઘર ઘર પ્રબ્બ કાતી, દીપ મંદર દીજીએં, કર મીર સીંદૂર ફોર કેસર, કુંવર ધમ્મળ કીજીએં, હોળકા લાગી ફેર વ્રજ હર, સામ તપત સમાવણાં! આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જી! વ્રજ્જ માધા આવણાં!

[રે! આ તો અંબરના સાળુ ઓઢી ઓઢીને સ્ત્રીઓ હોંશથી હોડ (સ્પર્ધા) કરી કરીને પર્વ ઊજવી રહી છે. ઘરને ટોડલે તોરણો બંધાયા છે. એવો કોડભર્યો કાર્તિક માસ આવ્યો છે. ઘેરઘેર કોડે કોડે કાર્તિકનાં પર્વ ઊજવાય છે. મંદિરોમાં દીપક ઝળહળે છે. મસ્તક પર સિંદૂરનાં તિલક કરે છે. કેસરની ફોરમ છૂટે છે. આમ બીજાને તો કાર્તિક છે. ત્યારે આંહીં વ્રજમાં તો હે હરિ! અમારે ફાગણની હોળી લાગી છે. માટે હે સ્વામી! આ ઉત્તાપ શમાવો. આવો જી આવો!]

માગશર માગસ મંદમેં જી કે આરત અંદમેં; વામા વૃંદમેં જી કે રત રાજંદમેં.

રાજંદ માગસ મંદમેં રત, અતિ આરત અંદમેં, દસ દખણ તજિયા ઉત્તર દણિયર, વમળ પ્રીતશું વંદમેં, મૃગશાખ2 કળ ધ્રૂજતે બળવત, હેમ દળ વિહામણાં. આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જી! વ્રજ્જ માધા આવણાં!

પોષ પોષ પ્રગટ્ટિયા જી કે પવન પલટ્ટિયા; વન ગહટ્ટિયા3 જી કે હેમ ઉલટ્ટિયા.

ઉલટે ઓતર પોસ આયા, કામ પ્રગટે કામણી, પય ઘટે નસ વા થટે ઉપટે, ત્રટે4 છાંયા વન તણી. જોબન્ન ઉવરત, તપે કુપ-જળ, પંડળ દળ ઓપાવણાં, આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જીય વ્રજ્જ માધા આવણાં!

[પોષ મહિનો પ્રકટ થયો, ને પવનની દિશા પલટી. વનની ઘટા ઘટી ગઈ, હેમન્ત ઋતુ ઊલટાઈ ગઈ (ને શિશિર બેઠી.) ઊલટાઈને પોષ આવ્યો. કામિનીને કામ પ્રકટે છે. પાણી ઘટે છે, વા (પવન) ઝપાટા ખાય છે. વનની છાયા (પાંદડાં ખરીને) ત્રુટી જાય છે. યૌવન ઊછળે છે. કૂવાનાં પાણી ગરમ થાય છે, પુંડરીક (કમળ) ફૂલોની પાંખડીઓ ઓપાવનાર હે માધવ! હવે આવો! વ્રજમાં આવો! એમ રાધા કહે છે.]

માહ માહ ઉમાહિયા જી કે જમના જાહિયા; પાપ પળાહિયા જી કે નતપત નાહિયા.

નર નાર નાહે માસ માહે, પાપ જાહે પંડરા, થર ધરમ થાહે ગ્રેહ ગ્રાહે, ખંત જળ નવખંડરા; રીયો ન જાહે2 વ્રજ્જ માંહે, રાત ધાહે3 જોરણા, આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જીય વ્રજ્જ માધા આવણાં!

[માહ માસ ઊમટ્યો. (લોકો) જમનામાં (નાહવા) જાય છે, પાપનું નિવારણ કરે છે, નિત્ય નિત્ય નહાય છે. માહ માસમાં નર અને નારીઓ નહાય છે, પંડનાં (દેહનાં) પાપ જાય છે, ઘેર ઘેર સ્થિર ધર્મ થાય છે,… વ્રજમાં (તો હવે) રહ્યું જાતું નથી, રાત્રિ જોરથી (ખાવા) ધાય છે. માટે…]

ફાગણ અંબા મોરિયા જી કે કેસુ કોરિયા, ચિત્ત ચકોરિયા જી કે ફાગણ ફોરિયા.

ફોરિયા ફાગણ પવન ફરફર, મહુ અંબા મોરિયા, ઘણ રાગ ઘર ઘર ફાગ ગાવે, ઝટે પવ્વન4 જોરિયા; ગલ્લાલ ઝોળી, રમત હોળી, રંગ ગોપ રમાવણાં! આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જીય વ્રજ્જ માધા આવણાં!

[આંબા મોર્યા છે; કેસૂડાં કોળ્યાં છે; ચિત્ત અમારાં ચંચળ બન્યાં છે; એવો ફાગણ ફોરી રહ્યો છે. ફાગણ ફોરી ઊઠ્યો છે; પવન ફરકે છે; મહુડા અને આંબા મહોર્યા છે; ઘેર ઘેર ઘણે રાગે હોળી (વસંતોત્સવ)ના ફાગ ગવાય છે; પવન જોરથી ઝપાટા મારે છે; ઝોળીઓમાં ગુલાલ ભરીને હોળી રમાય છે. હે ગોપ લોકોને રંગે રમાડણહાર! રાધા કહે છે કે હે સ્નેહમાં બંધાયેલા માધવ! વ્રજમાં આવો.]

ચૈત્ર તરવર પંગરે જી કે થરવર ગેહરે; ચતરંગ ચૈતરે જી કે રત્ત વસંતરે.

વસંત દન દન ફૂલ ફળ વન, કંત! રત ચડતી કળા, બળવંત પાટ વસંત બેઠો, મધુ ગૃંજત શામળા; મહેકંત ચંપ ગુલાબ મોગર, વેલ છાબ વળામણાં, આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં!

જીય વ્રજ્જ માધા આવણાં!

[તરુવરો પાંગરે (કોળે) છે. વન ઘાટાં થાય છે. ચતુરંગી ચૈત્ર માસમાં વસંતની ઋતુ આવે છે. વસંતને દિને દિને વનમાં ફૂલો અને ફળો થકી ઋતુની ચડતી કળા થાય છે. એવો બળવંત (ઋતુરાજ) વસંત (પ્રકૃતિના) સિંહાસને બેઠો છે. શ્યામરંગી મધુકરો (ભમરા) ગુંજે છે. ચંપો, ગુલાબ અને મોગરો મહેકે છે. હે વેલડીઓની છાબો વળાવનારા! રાધા કહે છે… કે આવો!]

વૈશાખ વા વૈસાખરા જી કે અંગ લગ2 આકરા; ચંદન ચોસરા જી કે લેપન કેસરા.

કેસરાં3 લેપન આડ્ય કીજે, સરસ ચંદન ચોસરાં, કમકમાં મંજ્જ રાજકંવરી, બ્હેક ફૂલ ગુલાબરાં, વાહરા વંજન વધે વામા, ઝળત અંગ નહાવણાં! આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જીય વ્રજ્જ માધા આવણાં!

[વૈશાખ માસના વાયરા અંગને અકારા લાગે છે. ચોસરા ચંદનનાં ને કેસરનાં લેપન થાય છે. કેસરનું લેપન તો કપાળે ‘આડ્ય’ પૂરતું જ કરાય છે. અને ચંદનના લેપ ચોસરા લગાવાય છે રાજકુંવરીઓ કુંકુમનાં મંજન લગાવે છે. ગુલાબનાં ફૂલો બહેક બહેક થાય છે. વામાઓ (સ્ત્રીઓ) પંખા વતી વાયુ ઢોળે છે. હે જલતાં અંગોને નવરાવનારા! રાધા કહે છે કે…]

જેઠ પાળા પ્રબ્બળા જી કે ઊગળ ઊજળા; તળસી વ્રત્તળા2 જી કે જેઠે વ્રજ્જળા.

જગ જેઠ જેઠે ગ્રંભીએ જળ, વળે વાદળ ચોવળાં, ગોમ3 વળકળ વોમ4 ગ્રીખમ5, સુરત પ્રબ્બળ સાંવળા! સર વાસ સૂકા માસ લૂકા, સઘણ ઘણ6 વરસાવણા! આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં!

જીય વ્રજ્જ માધા આવણાં!

[જેઠ માસમાં પાણી ગરંભાઈ જાય છે. ચાર પડોવાળાં વાદળાં પાછાં વળે છે. પૃથ્વી વ્યાકુળ થાય છે. વ્યોમ (આકાશ) ગરમ થાય છે. કામ પ્રબળ બને છે. હે સાંવરા! સરોવર સુકાય છે. લૂ વાય છે. હે ભરપૂર વૃષ્ટિ વરસાવનાર! રાધા કહે છે કે…]

અધિક માસ અદ્દક આવિયા જી કે ભામન ભાવિયા, વ્રજ્જ વધાવિયા જી કે મંગળ ગાવિયા.

ગાવિયા મંગળ ગીત ગૃહ ગૃહ, ધરણ જગત સોહાવિયા, ઓપાવિયા શુભ મ્હેલ ઉજ્જ્વળ, ફેર ગોકુળ ફાવિયા; રણછોડ રાધા નેહ બાધા, ભણે જીવણ ભાવણા, આખંત રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!

જીય વ્રજ્જ માધા આવણાં!

[અધિક માસ આવ્યો. ભામિનીને મન ભાવ્યો. વ્રજમાં (પ્રભુને) વધાવ્યા. મંગળગીતો ગાયાં. ગૃહે ગૃહે મંગળગીતો ગાયાં. જગતમાં જગતમાં શોભા કરી. મહેલને તમે સોહાવ્યો. હે રણછોડ રાધા! હે સ્નેહમાં બંધાયેલા! જીવણ (રોહડિયો) કહે છે કે…] ગોકુળ આવો ગિરધારી રાધાકૃષ્ણની બારમાસીનો આ તદ્દન આધુનિક છંદ લઈએ. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશીભાઈ પાતાભાઈએ એ રચેલો છે. એમાં પણ ઝડઝમક, શબ્દ-કલા અને પ્રાસાનુપ્રાસ પ્રધાનપદે છે. ભાષામાં ડિંગળી તત્ત્વની ગ્રામ્ય સ્વાભાવિકતા ઘટીને હિન્દી વ્રજની આડમ્બરી ભભક ભળે છે. એમાં સોરઠી વાતાવરણની છાંટ નથી. ઋતુનાં વિશિષ્ટ લક્ષણ આલેખાયાં નથી, કોઈ નવી કલ્પના કે નવી ચમત્કૃતિ ફૂટતી નથી. આરંભ પણ કાર્તિકથી થાય છે.

યાદ કરે સહુ આપને, ખૂબ કરી લ્યો ખ્યાલ; અહિંયાં વે’લા આવજો! ગિરધારી ગોપાલ.

[છંદ ત્રિભંગી]

કહું માસં કાતી, તિય મદમાતી,

દીપ લગાતી, રંગ રાતી,

મંદીર મેહલાતી, સબે સુહાતી,

મેં ડર ખાતી, ઝઝકાતી;

બિરહેં જલ જાતી, નીંદ ન આતી,

લખી ન પાતી મોરારી!

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!
જી! ગોકુલ આવો ગિરધારી!

[હું કાર્તિક માસ વર્ણવું છું : ત્રિયા (સ્ત્રી) ઉત્સવમાં મદમત્ત છે, દીપકો પ્રગટાવે છે, રંગે રાતીચોળ બની છે. મંદિરો ને મહેલાતો બધાં સોહાય છે. પણ હું ડરી ડરીને ચમકું છું. વિરહે સળગું છું. નિદ્રા નથી આવતી. હે મુરારિ! આ બધું લખ્યું જતું નથી.]

માગશર

મગશર શુભ માસં, ધર્મ પ્રકાશં,

હિયે હુલાસં જનવાસં,

સુંદર સહવાસં, સ્વામી પાસં,

વિવિધ વિલાસં રનવાસં;

અન નહિ અપવાસં, વ્રતિ અકાસં,

નહિ વિસવાસં, મોરારી

કહે રાધે પ્યારી, મેં બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[માગશર શુભ માસ છે, એમાં ધર્મ પ્રગટ થાય છે. લોકોને હૈયે ઉલ્લાસ છે. રાણીવાસમાં સ્વામી અને સ્ત્રીઓના સુંદર સહવાસ થકી વિધવિધ વિલાસ થાય છે. માત્ર મને જ અન્ન ભાવતું નથી. ઉપવાસ થાય છે. આકાશી વૃત્તિ રાખીને બેઠી છું. હે મુરારિ! તમારા પર વિશ્વાસ નથી.]

પોષ પોષેં પછતાઈ, શિશિર સુહાઈ,

થંડ લગાઈ સરસાઈ,

મનમથ મુરઝાઈ, રહ્યો ન જાઈ

વ્રજ દુઃખદાઈ વરતાઈ;

શું કહું સમજાઈ, વેદ વતાઈ,

નહિ જુદાઈ નરનારી!

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[પોષે પસ્તાઈ છું. શિશિર ઋતુ સોહે છે. ઠંડી લાગે છે. સ્નેહ મૂંઝવે છે. રહેવાતું નથી. વ્રજ દુઃખદાયક દેખાય છે. હું શું સમજાવું? આ ઋતુમાં તો નર ને નારી જુદાં ન જ પડે…]

માહ મા મહિના આયે, લગન લખાયે,

મંગલ ગાયે, રંગ છાયે,

બહુ રેન બઢાયે, દિવસ ઘટાયે,

કપટ કહાયે વરતાયે;

વ્રજકી વનરાયે, ખાવા ધાયે

વાત ન જાયે વિસ્તારી,

કહે રાધે પ્યારી હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[માહ મહિનો આવ્યો. લગ્ન લખાય છે. મંગળ ગીતો ગવાય છે. રંગરાગ છવાય છે. તમે રાત્રિ લંબાવી છે, દિવસ ટુંકાવ્યા છે. તમે કપટી કહેવાયા છો, તે આ રીતે બતાવી આપ્યું છે. વ્રજની વનરાઈઓ મને ખાવા ધાય છે. એ વાત વીસરી જાય તેવી નથી.] ફાગણ ફાગુન પ્રફુલિત, બેલ લલિતં,

કીર કલિતં કોકિલં,

ગાવત રસગીતં, વસંત વજીતં,

દન દરસીતં દુખ દિલં;

પહેલી કર પ્રીતં, કરત કરીતં,

નાથ! અનીતં નહિ સારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[ફાગણ પ્રફુલ્લિત બન્યો; લલિત વેલડીઓ ચડી, પોપટ ને કોયલો કિલકિલાટ કરે છે. રસગીતો ગાય છે. પરંતુ આ દિવસો મારા દિલમાં દુઃખમય દેખાય છે. પહેલી પ્રીત કરીને પછી આવી કુરીતિ કરો છો તો હે નાથ! અનીતિ નહિ સારી…]

ચૈત્ર મન ચૈતર માસં, અધિક ઉદાસં,

પતિ પ્રવાસં નહિ પાયે,

બન બને બિકાસં, પ્રગટ પળાસં,

અંબ ફળાસં ફળ આયે;

સ્વામી સેહબાસં, દિયે દિલાસં,

હિયે હુલાસં કુબજારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[ચૈત્ર માસમાં મન અધિક ઉદાસ છે. કેમ કે પતિ પ્રવાસમાંથી પાછા ન આવ્યા. વને વન વિકસ્યાં. આંબાને ફૂલ આવ્યાં. હે સ્વામી! તમને શાબાશ છે. દિલાસો દઈ ગયા. પણ તમારા હૈયામાં તો કુબજા પર જ ઉલ્લાસ છે.]

વૈશાખ વૈશાખે વદ્દળ, પવન અપ્રબ્બળ,

અનળ પ્રગટ થળ તપતિ અતિ,

સોહત કુસુમાવળ, ચંદ શીતળ,

હુઈ નદિયાં જળ મંદ ગતિ;

કીનો હમસેં છળ, આપ અકળ કળ,

નહિ અબળા બળ બતવારી,

કહે રાધે પ્યારી હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[વૈશાખમાં આકાશે સખ્ત પવન થાય છે. અગ્નિ પ્રગટ્યો છે, પૃથ્વી અત્યંત તપે છે. ફૂલોની માળા ને શીતળ ચંદન પ્રિય લાગે છે. નદીના પ્રવાહની ગતિ ધીમી પડી છે. આ ઋતુમાં તમે મારાથી છળ કર્યું છે. તમારી કળા અકળ છે. પરંતુ અબળાને બળ બતાવવાનું શું હોય?]

જેઠ જેઠે જગજીવન! સૂકે બન બન,

ઘોર ગગન ઘન ચઢત ઘટા,

ભાવત નહિ ભોજન, જાત બરસ દન,

કરત ત્રિયા તન કામ કટા;

તલફત બ્રજ કે જન, નાથ નિરંજન,

દિયા ન દરશન દિલ ધારી;

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[હે જગજીવન! જેઠમાં વનેવન સુકાય છે. ગગનમાં ઘોર ઘનઘટા ચડે છે. ભોજન ભાવતું નથી. વરસ વરસ જેવડો દિવસ છે. સ્ત્રીના શરીરને કામદેવ કાપે છે. વ્રજનાં જનો તરફડે છે. હે નિરંજન નાથ! તમે તો દર્શન જ ન દીધાં.]

આષાઢ આષાઢ ઉચારં, મેઘ મલારં,

બની બહારં જલધારં,

દાદૂર ડકારં, મયૂર પુકારં,

તડિત તારં વિસ્તારં;

નાં લહી સંભારં, પ્યાસ અપારં,

નંદકુમારં નિરખ્યારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[અષાઢમાં મેઘમલાર રાગ ગવાય છે, જળવૃષ્ટિઓની શોભા બની છે. દેડકાં ડકાર કરે છે. મોરલા પુકાર કરે છે, વીજળી વિસ્તારથી ચમકે છે. પરંતુ તમે મારી સંભાળ ન લીધી. નંદકુંવરને નીરખવાની તૃષા મને અત્યંત છે…]

શ્રાવણ શ્રાવન જલ બરસે, સુંદર સરસે,

બદ્દલ બરસે અંબરસેં,

તરુવર ગિરિવરસેં, લતા લહરસેં,

નદિયાં પરસે સાગરસેં;

દૃંપતી દુઃખ દરસેં, સેજ સમરસેં,

લગત જહરસેં દુઃખકારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[શ્રાવણનાં જળ વરસે છે, આકાશથી વાદળાં (વરસીને) સુંદર સરોવરોને ભરે છે. ગિરિઓ પર તરુઓ ખીલ્યાં છે. લતાઓ લહેરાઈ રહી છે. નદીઓ જઈ સાગરને સ્પર્શેં છે. પરંતુ મને તો શય્યા ઝેરથી પણ વધુ દુઃખકારી લાગે છે.]

ભાદરવો ભાદ્રવ હદ ભરિયા, ગિરિવર હરિયા,

પ્રેમ પ્રસરિયા તન તરિયા,

મથુરામેં ગરિયા, ફેર ન ફરિયા,

કુબજા વરિયા વસ કરિયા,

વ્રજરાજ વિસરિયા, કાજ ન સરિયા,

મન નહિ ઠરિયા હું હારી!

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!


[ભાદરવે તો વરસીને સીમાડા ભરી દીધા, ડુંગરા લીલુડા બની ગયા. ત્રિયાઓનાં અંગોમાં પ્રેમ પ્રસર્યો. પરંતુ તમે તો મથુરામાં પેઠા પછી પાછા ફર્યા જ નહિ. કુબજાએ તમને વશ કરી લીધા. હે વ્રજરાજ! તમે મને વીસરી ગયા. મારું કામ સર્યું નહિ, મન ઠર્યું નહિ. હું હારી ગઈ.]

આસો આસો મહિનારી, આશ વધારી,

દન દશરારી દરશારી,

નવ વિધિ નિહારી, ચઢી અટારી,

વાટ સંભારી મથુરારી;

બ્રખુભાન-દુલારી, કહત પુકારી,

તમે થિયા રી તકરારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી,

ગોકુલ આવો ગિરધારી!

[આસો મહિના સુધી મેં આશા વધારી. દશેરાના દિવસ પણ દેખાયા. નવે નિધિનાં અન્ન પાકી ગયાં તે જોતી, અટારીએ ચડીને હું મથુરાનો માર્ગ તપાસું છું ભ્રખુભાણની દીકરી પોકારીને કહે છે કે અરેરે! તમે આવા તકરારી કાં થયા?] [છપ્પય] ગિરધારી ગોપાલ ગરુડગામી ગુણગ્રાગી! રાસરમાવણ રંગ રસિક રણજીતણ રાગી! ઓપ વિના આનંદ કેમ ગોકુલમાં આવે, વનિતાઓનાં વૃંદ ગીત ગોવિંદ ન ગાવે.

કલ્પાંત કરી રાધે કહે, અરજ સુણી ઘર આવજો! તપધારી સ્વામી પીંગલતણા! લાલ દયા મન લાવજો!