ઋતુગીતો/બેનડી રુવે પરદેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બેનડી રુવે પરદેશ

આ પણ ઉપલા ગીતને મળતું છે; તલ તલ જેટલી વાદળીઓ મગ મગ જેટલાં નાનાં મંડાણ કરે છે. પછી મોટે સ્વરૂપે વરસીને તળાવો ભરે છે. સરોવરની પાળે ભાઈ ધોતિયાં ધુએ છે ત્યાં એને વટેમાર્ગું સાથે બહેનનો સંદેશો મળે છે. ભાઈ બહેનને તેડવા જાય છે, પણ સાસુ નથી છોડતી. ભાઈ ઘેર જઈને માને કહે છે કે સાત દીકરા જન્મજો, પણ એક દીકરી ન જન્મજો! સાત ભાઈની એકની એક ખોટની બહેનને પણ આટલી પરાધીન બની પરદેશમાં રડવું પડે છે!

તલાં તલાં જેવડી વાદળી રે મગાં જેવડાં મંડાણ.

વરસી વરસી રે વાદળી ને ભરિયાં ભીમેરાં તળાવ.

ઊંચાં ધોવે રે વીરડો ધોતિયાં ને નેચી સરોવર પાળ.

આવ્યે ધોવે રે વીરડા ધોતિયાંને તારી બેનીને દેશ.

ત્યાંથી ને વીરડે ઘોડાં ખેડિયાં ને આવ્યો બેનીને દેશ.

સૂતાં હોય તો રે બેની જાગજો ને આયા પરદેશી વીર.

ક્યાં રે બાંધું રે બેનડી ઘોડલાં ને ક્યાં રે વળગાડું હથિયાર?

ઘોડાં બાંધો રે વીરડા ઘોડારમાં ને ખૂંટીએ વળગાડો હથિયાર.

ઢાળો ઢાળો રે બેની ઢોલિયા ને લ્યો ને માતાજીના શોધ!

મેલો મેલો રે વેવાણ મારી બેનડી ને સવારી સરામણ ત્રીજ.

નહિ રે મેલું વેવાઈ તારી બેનડી ને બારે હાળિયાની ભથવાર.

કાઠો વાળો રે વેવાણ કાછડોને ધમકે ઉપાડો ભાર. i ડુંગર વચે રે વીરા વરૂખડી ને તેનાં ત્રીખેરાં પાંદ;

એક ચૂંટ્યે રે વીરડા પાંદડું ને દેજે માતાજીને શોધ!

બીજું ચૂંટ્યે રે વીરા પાંદડું ને દેજે સાથેણ્યોને શોધ!

ત્રીજું ચૂંટ્યે રે વીરડા પાંદડું ને દેજે ભોજાયાંને શોધ.

ત્યાંથી તે વીરડે ઘોડલાં ખોડિયાં ને આયા પોતાને દેશ.

ઢાળો ઢાળો રે માતા ઢોલિયા ને લ્યોને બેનીના શોધ!

એક મત જલમો માતા! બેનડી ને બેનડી રુવે પરદેશ!

સાતે જલમ્યે રે માતા બેટડા ને બારે બવટાવા ખેડ.

સાતે ભાઈયાંની એક બેનડી ને બેનડી રુવે પરદેશ!