ઋતુગીતો/માડીજાઈને આણાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માડીજાઈને આણાં

લીલી પીળી મેહુડા! વાદળી વારળી કિયો વણાવ.

ગાજજે ખવજે મેહુડા! મેડતે વ્રસજે બાવાજીરે દેશ.

ભરિયાં નાડા ને મેહુડા! નાડકી ભરિયાં ભીમ તળાવ.

નાંળેરે વધાવો નાડાં નાડકી. મોતીડે વધાવો તળાવ.

બારે બળદે વીરડો હળ ખેડે ભાભજડી એકલડી ભથવાર.

ભાતે જાતી ભાભજ એમ બોલી થારી જામણજાઈને આણાં મેલ્ય!

આજે ધોવાડું ગોરી! ધોતિયાં, કાલ જામણજાઈને દેશ.

વીરો આઈયો બાઈને સીમાડવે દૂધે વૂઠા મેહ.

વીરો આઈયો બાઈની વાગમેં વાગે કિયા વણાવ.

વીરો આઈયો બાઈને સરવરીએ લાજ કરે પણિયાર. તું કેમ કરે બેન લાજડી વચલી ચૂડલાળી બેન!

વીરડો આયો બાઈને ચોવટે વખાણ કરે ચારણ ભાટ.

વીરડો આયો બાઈની ખડકીએ રડકી ભૂરી ઝોટ.

તું કેમ રડકે બેન ઝોટડી! તું મારા બાવાજીની ઝોટ.

કિયાં તે બાંધું બેની ઘોડલાં, કિયાં મેલું હથિયાર!

ઘોડાં રે બાંધો વીરા ઘોડહારે ખૂંટડીએ મેલો રે હથિયાર.

વીરો આયા બેનને આંગણે કેઈ વેવાણને જુવાર.

વીરો આયો બેનને આંગણે વડી વેવાણને જુવાર!

મેલો વેવાણ મારી બેનને! મારે જામણજાઈ એકાએક.

મું શું જાણું રે વેવાઈડા! જઈ થારા વેવાઈને પૂછ! i મેલો બનેવી મારી બેનને મારે જામણજાઈ એકાએક.

મેલો બનેવી મારી બેનને પેલી સરામણની ત્રીજ.

નહિ મેલું, સાળા! થારી બેનને મારે બાર હળિયાંની ભથવાર.

બારે બવટાવા મારે બાજરો તેર બવટાવા જુવાર.

નીલી વઢાવું, બનેવી! બાજરી, સૂકી વઢાવું જુવાર.

નીલી તે ભંગાવું કાંબડી મેલાવું પિયરરો હેત!

હે મેહુલા! તારી લીલીપીળી વાદળીઓની જમાવટ થઈ ગઈ છે. હે મેહુલા! તું મેડતા પ્રાંતમાં જઈને ગાજવીજ કરજે. મારા બાપુને દેશ વરસજે. હે મેહુલા! તેં નાળાં ને નદીઓ ભરી દીધાં. મોટાં તળાવ ભરી દીધાં. ચાલો આપણે નાળાં–નદીઓને નાળિયેરે વધાવીએ અને તળાવને મોતીડે વધાવીએ. બાર બળદો જોડીને વીરો હળ ખેડે છે. અને એ બધાનું ભાથું (ભાત) ભાભીને એકલીને રાંધવુ પડે છે. ભાત જતી ભાભી એમ બોલી કે હે સ્વામી! તારી માની જણી (બહેન)ને તેડવા મોકલ. (મારાથી એકલાં કામ ઊપડતું નથી.) હે ગોરી! હું આજે મારાં લૂગડાં ધોવરાવી લઈને કાલે બહેનને તેડવા જઈશ. ભાઈ જ્યાં બહેનના ગામને સીમાડે આવ્યો ત્યાં દૂધના મેહ વરસ્યા. ભાઈ જ્યાં બહેનની બાગ (વાડી)માં આવ્યો ત્યાં બાગ ખીલી ઊઠ્યો. ભાઈ જ્યાં બહેનના ગામને સરોવર આવ્યો ત્યાં પનિહારી સ્ત્રીઓએ ઘૂમટા તાણી લીધા. હે વચલી પનિહારી! તું શીદને મારી લાજ કાઢે છે? તું તો મારી સૌભાગ્યવતી બહેન છે. વીરો બહેનની સાથે સાથે ગામને ચૌટે આવ્યો ત્યાં ચારણભાટ એનાં રૂપનાં વખાણ કરવા લાગ્યા. વીરો બહેનની ડેલીએ આવ્યો ત્યાં ભૂરી ભેંસ (અજાણ્યા માનવીને ભાળી) રણકી. હે બહેન ભેંસ! તું મને જોઈને કાં રણકી? તું તો મારા બાપુની ભેંસ છે. (બહેનને પહેરામણીમાં આપેલી.) વીરાએ બહેનને આંગણે આવીને વેવાણને નમસ્કાર કરી કહ્યું કે ‘હે વેવાણ! મારી બહેનને પિયર મોકલો. મારે સાત ખોટની એક જ માજણી બહેન છે.’ હે વેવાઈ! હું એમાં ન જાણું. તારા વેવાઈને પૂછ. હે બનેવી! મારી બહેનને મોકલો. મારે એક જ બહેન છે. હે બનેવી! આ શ્રાવણ મહિનાની ત્રીજે મારી બહેનને મોકલો. હે સાળા! તારી બહેનને હું નહિ મોકલું કેમકે મારે અત્યારે બાર હળ હાંકનારા સાથીઓ માટે રાંધણું કરવાનું હોય છે. મારે બાર વીઘાનો બાજરો વાવેલ છે, અને તેર વીઘામાં જુવાર વાવી છે. હે બનેવી! હું મારે ખર્ચે તારી લીલી બાજરી વઢાવી દઉં, ને તારી સૂકી જુવાર વઢાવી દઉં; પણ તું મારી બહેનને મોકલ. ક્રૂર બનેવી કહે છે કે હું એક લીલી સોટી વાઢીને તારી બહેનને માર મારીને પિયરનું હેત જ છોડાવી દઈશ!