ઋતુગીતો/માડીજાયાને આશિષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માડીજાયાને આશિષ

મારવાડનાં ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ, ઓચિંતો વરસાદ આવતાં, ટેકરી ઉપર ટોળે વળી ઊભી રહી, આવાં ગીતો ગાતી ગાતી પોતાના પિયરવાસી ભાઈને બરકતની દુવા મોકલે છે.

કાળુડી કાળુડી હો બાંધવ મારા! કાજળિયારી રેખ, ધોળી ને ધારાંરો બાંધવ મારા! મે વરસે.

વ્રસજે વ્રસજે હો મેહુડા! બાવાજી રે દેશ, જઠે ને માડીરો જાયો હળ ખેડે.

વાવજો વાવજો હો બાંધવ મારા! ડોડાળી જુવાર, ધોરે ને વવાડો નાના કણરી બાજરી!

જોતો રે જોતો રે બાંધવ મારા! હરિયા રે મૂંગ, મારગે ને વવાડો ડોડા એળચી!

નીદણો નીદણો હો ભાભજ મારી! ડોડાળી જુવાર, ધોરે ને નિદાવો નાના કણરી બાજરી!

વૂઠા2 વૂઠા હો બાંધવ મારા! આષાઢા હે મેઘ, ભરિયા હે નાડાં3 ને વળી નાડડી.

ભીને ભીને4 હો બાંધવ મારા! બાજરીયો રે બીજ; નાઈ ને ભીને રે સાવ સ્ત્રોવની5.

ભીને ભીને હો બાંધવ મારા! પાઘડિયારા પેચ, ભાભજરો ભીને રે ચૂડો વળી ચૂંદડી.

ભીને ભીને હો બાંધવ મારા! રેશમીઆરી ડોર6, ગીગો7 ને ભીને રે થારો8 પારણે.

નીપજે નીપજે હો બાંધવ મારા! ડોડાળી જુવાર, થારે ને વાયોડાં9 સાચાં મોતી નીપજે!

[બહેન વાદળીને વરસતી નિહાળી કહે છે : હે મારા વીરા! કાળી કાળી વાદળીઓની કાજળ જેવી રેખાઓ ફૂટી રહી છે, અને એમાં ધોળા રંગની ધારાઓ (વરસાદ) વરસે છે. હે મેહુલા! તું મારા બાપાજીને દેશ જઈ વરસજે, કે જ્યાં મારી માડીનો જાયો ભાઈ હળ ખેડતો હોય. હે મારા વીરા! મોટા દાણાની જુવાર વાવજો, અને વાડીના ધોરિયા ઉપર ઝીણા કણની બાજરી વાવજો. (કેમ કે ધોરિયાની ભોંય વધુ રસાળ હોય છે.) હે મારા વીરા! લીલા મગની વાવણી કરવા માટે હળ (દંતાળ) જોડજો અને માર્ગ ઉપર મોટે દાણે એલચી વાવજો! હે મારી ભાભી! જુવારના વાવેતરમાંથી ઘાસ નીંદજે અને ધોરિયા ઉપર ઊગેલી બાજરીમાંથી પણ નીંદણ કરજે! હે મારા વીરા! અષાઢના મેહ વરસ્યા, અને નદી–નાળાં ભરાઈ ગયાં. હે મારા વીરા! બાજરીનાં બીજ ભીંજાતાં હશે અને સોનાવરણી નાઈ ભીંજાતી હશે. હે મારા વીરા! તારા માથાની પાઘડીના પેચ ભીંજાતા હશે અને ભાભીનો ચૂડલો તથા ચૂંદડી ભીંજાતાં હશે. હે મારા વીરા! ખેતરમાં ઝાડની ડાળીએ લટકાવેલા પારણાની રેશમી દોરી ભીંજાતી હશે અને પારણામાં પોઢતો નાનો ભાણો પણ ભીંજાતો હશે. હે મારા વીર! તારે મોટે દાણે અઢળક જુવાર નીપજજો! ને તેં વાવેલા દાણા સાચા મોતીસમા પાકજો! એ મારી આશિષ છે.]