એકતારો/કેમ કરે? કાયદો નૈ!

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કેમ કરે? કાયદો નૈ!


મીલ કેરે ચરખે રે હાથ મારો કાપી લીધો,
એક જ લબરકે રે કોણી લગી ચાટી લીધો!

રોજના ગોઠિયા રે હું ને મારો સંચો હતા,
હેતપ્રીત ખૂટિયાં રે આજ મને આપી ખતા. ૧.

હું યે ભુલકણો રે કાલને વિચારે ચડ્યો,
કુંવારી બેનનો રે દામ વન્યા વીવા ઘડ્યો!

‘મેર મેર મૂરખા રે,’ ભાઈબંધે હાંસી કીધી,
‘ચરખો ચલવતાં રે રાખીએં દોરી સીધી. ૨.

“શેઠીઆવ માજન રે!” મારી મા રાવે આવી,
“આલો ‘કંપનસન’ રે, બેટે મને કીધી બાવી.”

“બાઈ બાઈ બોલકી રે!” શેઠીઆની ત્રાડું છૂટી
“ ‘કંપનસન’ની રે કાયદામાં કલમું દીઠી?” ૩.

કાયદાની કલમું રે શેઠીઆવ મોંયે રાખે,
માડી અણસમજુ રે! માજન સાચું ભાખે.

શેઠીઆવ લાચાર રે, કેમ કરે? કાયદો નૈ!
માજન માવતર રે, ડોસલીની ભૂલ થૈ ગૈ! ૪.

રાજા ન્યાયવાન રે, કેમ કરે? કાયદો નૈ!
પરધાન વીદવાન રે, કેમ કરે? કાયદો નૈ!

માજન મેરબાન રે, કેમ કરે? કાયદો નૈ!
હું જ એક હેવાન રે, ધ્યાન ભાન રાખ્યું નૈ! પ.