એકતારો/ફાટશે અગ્નિથંભો ને—

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફાટશે અગ્નિથંભો ને—


[રાજકોટના પ્રજાસંગ્રામમાં નાના એક બાળક પર પોલીસની લાઠી પડી તે પ્રસંગે.]


થંભો જબાનો, કવિ–ગાન થંભો
વાણી અને સંગીત દોય થંભો;
અબોલ ઓ અંતરજામી માહરા!
'નમું તને!' એટલું બોલી થંભો.

ઝીંકાતી લાઠીઓ નીચે, ઢળી જો નિરદોષિતા;
એના ઘાવે થતા જખ્મી, અંકધારી રહ્યા પિતા.* ૧.

ઝીંકો ઝીંકો જોરથી ઔર ઝીંકો,
કાંડાં કળે ત્યાં લગ ભાઈ! ઝીંકો,
કુણાં કુંણાં બાળક વીણી વીણી
ભાલે અને ગાલ પરે જ ઝીંકો.

પ્રભુનાં પ્રેમ–અશ્રુ શાં બુંદે બુંદે જુઓ ફુટે
પુન્યનાં પોયણાં રાતાં, કાળસિંધુ તણે તટે. ૨.

પ્રહ્લાદની વાત પુરાણ–કાળની
ન્હોતી મનાતી, પણ અહીં બાળની
ફડાફડી ખોપરીઓની ભાળતાં
લળી પડે અંતર એ કથા ભણી.

પરંતુ થંભનાં લોઢાં હજુ આંહી ધગ્યાં છ ક્યાં!
પિતાએ હાથીને પાદે શિશુઓ ચગદ્યાં છ ક્યાં! ૩

કતાર કોડી તણી જેહ થાંભલે
જલ્યા વિના અગ્નિપંથે ચડી હતી,
હા! એ જ થંભા સમ તોપ–ગોળલે
તમે શિશુડાં! રમવા ચડી જજો!

ટાઢાં લોઢાં થશે ને એ થંભા દાતણ–ચીર શા
ચીરાશે, સ્થિર રે'જો હો! હવે તો બહુ વાર ના. ૪

નહિ તદા દિવસ રાત્રિ નૈ હશે,
નહિ નહિ અંદર બહાર નૈ હશે,
સંક્રાન્તિના ઊંબર ઉપરે ઊભા
પ્રજાત્વનો થંભ ધગેલ ફાટશે.

ને ત્યાંથી કોણ–નરસિંહ? ના, ના, કોક નવા રૂપે
અપાપી પાપીની સૌની ઊઠશે અંબિકા રૂપે.

  • સ્વ. લાખાજીરાજ