એકતારો/શબ્દોના સોદાગરને—

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શબ્દોના સોદાગરને—


[“કર મન ભજનનો વેપાર"-એ ભજનઢાળમાં]


શબદના સોદાગરોની જાય ચલી વણઝાર જી
ગગન–કેડા ઘૂંધળા એની રજ તણે અંબાડ
ચલ મન શબદને વેપાર;
જી-જી શબદના વેપાર.

કોઈક લાદે પોઠિયા
કોઈ ગધે ભરતા ભાર જી;
કોઈક જોડે ગાડાંગાડી
ભીડાભીડ કતાર
જી-જી શબદના વેપાર. ૧.

નહિ જડે તુંને પોઠિયા
 નવ ગધે ભર તારો ભાર જી;
આપણ કાંધે લઈ ગઠડિયાં
ઉપડ ધણીને દ્વાર
જી-જી શબદના વેપાર. ૨.

તારી જણશ વીરા જૂદિયું
એના જુદા જાણણહાર જી;
જૂઠાં રે નામ એનાં પાડીશ નૈ
 ભલે નવ જડે લેનાર
જી–જી શબદના વેપાર. ૩.

અતરિયો રે વીરા, એકલપંથી
બેસે ન હાટ બજાર જી;
એક જ પૂંભડે અવનિભર
એની ફોરમના છંટકાર
જી–જી શબદના વેપાર, ૪.

અતરિયા હે તારે કારણે
આજ અબજ ફૂલ બફાય જી;
અબજ માનવ-પૂંખડાં
ધગ ધગ જળે ઓરાય
જી–જી શબદના વેપાર. ૫

એક શબદને પૂંભડે
જેની ખપે જીવન-વરાળ જી;
એવાં અબજને તોળવા
કૈક બેઠા હાટ બકાલ
જી–જી શબદના વેપાર. ૬

ઉછીઉધારા અરક લઈ
માંહી ઘોળે તેલ ધુપેલ જી;
એવા સુરૈયાની કુડી ચાલાકી
ના રી – રં જ ણ ખે લ
જી–જી શબદના વેપાર. ૭.

કોઈ ચાંદરણાં માગશે
કોઈ માગે રૂમઝૂમ રાત જી;
કોઈ કહે બીજી નવ ખપે
વિણ ભૂખ્યાં જનની વાત
જી–જી શબદના વેપાર. ૮.
હૈડા કેરી ધારણે
તારે ઉર ઊઠે જે સૂર જી;
એ જ સૂરોના ઈમાની ભાઈ!
ગાયા કર ચકચૂર
જી–જી શબદના વેપાર. ૯.

નહિ ચાંદો ને નહિ ચાંદની
નહિ નીલાં સાયર–નીર જી;
શબદને સરજે નહિ
ઘનમેહુલા ન સમીર
જી-જી શબદના વેપાર. ૧૦

આતમની એરણ પરે
જે દિ' અનુભવ પછડાય જી;
તે દિ’ શબદ–તણખા ઝરે
 રગ રગ કડાકા થાય
 જી–જી શબદના વેપાર. ૧૧

ખાંપણ માંય તારે ખતા પડશે
 તન હોશે તારાં ખાખ જી;
તોય શબદના દીવડા
 હોશે પંથભૂલ્યાંની આંખ
 જી-જી શબદના વેપાર. ૧૨.

શબદ – તણખે સળગશે
 સુની ધરણીના નિઃશ્વાસ જી;
તે દિ’ શબદ લય પામશે
 હોશે આપોઆપ ઉજાસ
ચલ મન શબદને વેપાર
 જી–જી શબદના વેપાર. ૧૩.