એકતારો/‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


‘ગરીબોદ્વાર’ની ચાલાકીઓ


ગાઓ ગીતો ‘ગરીબોદ્વાર’નાં,
ખીસું ભરેલ ચાલાકી તણાં!

થાક્યો મજૂર હતાશ બની
જ્યારે હુંકારી લાત લગાવવા આવે,
કામના કાળ–ઘટાડ અને
થોડા ઠીક પગારની માગણી લાવે;

ભાન ત્યારે એનું ભૂલવવા
એને પીરસજે ‘દીનોદ્વાર’ નવા—ગાઓ૦ ૧.

એને નાવા ધોવા થોડી કોટડીઓ
થોડી આરસ–કૂંડીઓ ને અરીસાઓ
આપો, આપો થોડી ચોપડીઓ
થોડી ડોલર–ચંપાની ફૂલ–લતાઓ;

દીન–કલ્યાણની એ ભ્રમણા
વિષે પ્રશ્ન ડુબાવો પગાર તણા!—ગાઓ૦ ૨.

એનાં બાળોને એક નિશાળ બાળો,
બાળો નર્સ થોડી, થોડી બાટલીઓ,
એને શ્વાસ લેવા થોડી બારીએ મોરીઓ,
થોડી સુવાવડ–ખાટલીઓ;

દેજો બીજું ય માગે તે બધું,
રખે પૂછે પગાર કલાક તણું!–ગાઓ૦ ૩.